♦ આ વખતે દીપોત્સવી ૧૯૯૬નો સમૃદ્ધ દીપોત્સવી અંક જે ‘શાંતિ વિશેષાંક’ તરીકે પ્રસિદ્ધ થયો છે તે મને મળ્યો છે. આ દીપોત્સવી અંક તો સવિશેષ સમૃદ્ધ છે. આપના આ પ્રકાશનમાં જીવનને સમૃદ્ધ કરે અને મનુષ્યને સાચે માર્ગે દોરે તેવાં લખાણો ખૂબ જ હૃદયંગમ થઈ પડે છે. તે ઉપરાંત પૂજ્ય શ્રીરામકૃષ્ણ, પૂજ્ય શ્રી શારદા મા તથા શ્રી સ્વામી વિવેકાનંદ વિશેનાં લખાણો તો અત્યંત પ્રેરક હોય છે.
– ગુલાબદાસ બ્રોકર (સુપ્રસિદ્ધ વાર્તાકાર), મુંબઈ

♦ આ દીપોત્સવી અંક સંતો અને કવિઓની જ્યોતિષ્મતિ વાણીથી ઝગમગી ઊઠ્યો છે. આધ્યાત્મિક ઉત્થાનનું અને નવ્ય રાષ્ટ્રીય-ચેતનાનું અપૂર્વ સામયિક બની રહ્યું છે- ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ આપના પર ઠાકુરદાનો અને સ્વામી વિવેકાનંદજીનો પ્રકાશપુંજ સર્વદા પથરાતો રહો!
– યશવંત ત્રિવેદી (સુપ્રસિદ્ધ કવિ-વિવેચક), મુંબઈ

♦ ‘શાંતિ અંક’ સુંદર થયો છે. સંપાદકીય લખાણ વિશેષ સુંદર છે.
– દુષ્યંત પંડ્યા, જામનગર

♦ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નો નવેમ્બર-ડિસેમ્બરનો સંયુક્ત અંક દીપોત્સવી અંકરૂપે મળી ગયો છે. અંક ખૂબ સુંદર મનનીય વાચન સામગ્રી પૂરી પાડે છે. મારા ધન્યવાદ સ્વીકારશો.
-યશવન્ત શુકલ (સુપ્રસિદ્ધ સાહિત્યકાર), અમદાવાદ

♦ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નો માસિક અંક મને મળે છે. તેમાં નૈતિક, આધ્યાત્મિક અને સામાજિક દૃષ્ટિએ જે વિવિધ લેખો લખાય છે તે અત્યંત ઉપયોગી છે. આ લખાણ અત્યારના યુવા વર્ગ માટે ઘણું મૂલ્યવાન છે. આધુનિક સમયમાં આ માસિકની ઘણી આવશ્યકતા છે. મને આશા છે કે આવું માસિક ખરેખર સમાજ, શિક્ષણ અને જગતમાં જરૂરી પરિવર્તન લાવી શકશે.
– હરસિદ્ધભાઇ જોષી
(કુલપતિ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી), રાજકોટ

♦ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નો દીપોત્સવી અંક મળ્યો હતો. તેની વાચન સામગ્રી હૃદયંગમ હતી, ધન્યવાદ!
– રમેશ પારેખ(સુપ્રસિદ્ધ કવિ),અમરેલી

♦ શાંતિ વિશેષાંક મળ્યો. ખરેખર ખૂબ જ સરસ છે. મેં થોડા ઘણા લેખ વાંચ્યા, ગમ્યા. રવીન્દ્રનાથ ટાગોરનું ‘અંતર મમ વિકસિત કરો’ નાની હતી ત્યારે એક વાર સાંભળેલું. ત્યારે ખૂબ જ ગમ્યું હતું. સમજાયું કંઇ જ નહોતું છતાં. આમ, અચાનક હવે સામે આવી મળ્યું એટલે ખૂબ જ ખુશી થઇ. અંકમાં જેટલી પ્રાર્થનાઓ છે એ બધી સચોટ છે. કુંતીની પ્રાર્થના તો કેટલી સારી! ખૂબ સરસ.
તૃપ્તિ વ્યાસ, ભૂજ

♦ શાંતિ વિશેષાંકથી મનને ખૂબ સાંત્વન મળ્યું. આ વખતના અંકના બધા જ લેખો મને બહુ ગમ્યા છે. અઘરી ભાષામાં લખાયેલા લેખો મને ઓછા ગમે છે.
હેમા રાઠોડ, આણંદ

♦ શાંતિ અંક ખરેખર સુંદર છે. મનના ઘણા પ્રશ્નોનું સમાધાન છે.
– કુન્તલ ઠક્કર, વડોદરા

♦ આ વખતની ‘જ્યોત’નો અંક ખૂબ જ સુંદર અને નિરાળો છે. ઘણું બધું છે Practically ઉતારવાનું. ખૂબ જ ગમ્યો.
– રશ્મિબહેન જોષી, આદિપુર

♦ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નો ૧૯૯૬નો દીપોત્સવી અંક મળ્યો. સર્વાંગ સુંદર છે. અને કાનુડાના કાળજાની વાત’નો આસ્વાદ વાંચીને કાનુડા સાથે સહૃદયતા અનુભવી. પોતાનાં ઘર-બાર આબરૂ બધું જ દૂર હડસેલીને ગોપીઓએ યમુના કાંઠે છેવટે દેહ, મન અને આત્માને પણ વિસારી મૂક્યા હતા એને શ્રીકૃષ્ણ કેમ ભૂલે? ગિરિધારી ગોકુલથી ગયા ત્યારથી પોતાના હૃદયમાં બળતા અંગારા જેવી એ વેદનાને ગોપીઓ માફક જ ઠેઠ મૃત્યુ પર્યંત ઢબુરી રાખી! એ પરમ વેદનાએ એક એવું મધુર અદ્ભુત અદ્વૈત સર્જી દીધું કે શ્રીરાધા અને શ્રીકૃષ્ણ પણ તેમાં પૂરેપૂરા ઓગળી ગયાં. ‘શાંતિ અને ઉપનિષદો’ લેખ પણ ખૂબ જ ગમ્યો. થોડા શબ્દો દ્વારા સત્ય તરફ આંગળી ચીંધવાની હથોટી શાસ્ત્રીજી પાસે છે. ‘ચિરસ્થાયી શાંતિનું કેન્દ્ર બિન્દુ વ્યક્તિ હશે’ વગેરે વાક્ય એમના લેખના નીચોડ જેવા છે.
– ગુણવંત ઠાકર, ચેન્નાઇ (તામીલનાડુ)

♦ I may say that suggestion to make Ramkrishna Jyot better is most difficult as it is already running at the highest quality level both in physical properties (printing, paper, binding etc.) and intellectual properties (i.e. contributions).
– Harshad G. Joshi, Rajkot

♦ કેવળ ‘શાંતિ’ને જ અનુલક્ષીને કોઈ પણ સામયિકે આ વિષયની આવી વિશદ છણ્ણાવટ, વિશ્લેષણ, આલોચના કરી નથી, ‘શાંતિ’ પર જેમણે ઊંડું ચિંતન કર્યું હોય, તેની અનુભૂતિ કરી હોય તેવા મનીષિઓને તે અભિવ્યક્ત કરવાની તક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના સંપાદકોએ આપી છે. અશાંતિમાં જ જીવન પસાર કરતા ને પૂરું કરતા સૌ કોઈએ રામકૃષ્ણ જ્યોતના શાંતિ અંકનું એક વાર નહીં, વારંવાર અનુશીલન કરવું જોઈએ.
– ચશીભાઈ ય. મહેતા, ભાવનગર

♦ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નો દીપોત્સવી અંક શાંતિ વિશેષાંક રૂપે મેળવી – વાંચી હૃદય ભાવવિભોર બન્યું, અહીં એકી સાથે ઉત્તમ ચિંતક-સર્જકોના મનનીય વિચારોનું ઉદ્યાન ખીલી ઊઠ્યું છે. વ્યક્તિગત-સામાજિક અને વૈશ્વિક શાંતિની ઉપલબ્ધિ એ માનવમાત્રની મથામણ છે, આપનો આ મૂલ્ય નિષ્ઠશાંતિ અંક એ દિશામાં એક માર્ગદર્શક પ્રકાશદીપ બનવાની ક્ષમતા ધરાવે છે. સર્વ લેખકોને વંદન અને ઉત્તમ સંપાદન તથા સંપાદકીય માટે આપને અભિનંદન સાથે પ્રણામ, આભાર.
– વસંત પરીખ (સુપ્રસિદ્ધ ચિંતક), અમરેલી

♦ અંકો નિયમિત મળે છે, સાંગોપાંગ વાંચી જાઉં છું. ખૂબ ખૂબ આનંદ મળે છે. મુખપૃષ્ઠ, છપાઈ અને કાગળ પણ બહુ જ સારા વપરાય છે. દીપોત્સવી-શાંતિ વિશેષાંક ‘૯૬ વાંચ્યો. સંપાદન ઉત્કૃષ્ટ – ઉચ્ચ કક્ષાનું રહ્યું.
હરજીવન થાનકી, પોરબંદર

♦ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નો દીપોત્સવી અંક મળ્યો. આનંદ. ઘણી જ ઉપયોગી અને પ્રેરણાદાયી માહિતીથી અંક સમૃદ્ધ બન્યો છે. સંપાદન માટે અભિનંદન! અંકને બહુમૂલ્ય પુસ્તકની જેમ આ સંસ્થાની લાયબ્રેરીમાં સ્થાન આપ્યું છે.
– રાજેન્દ્રસિંહ રાયજાદા(સુપ્રસિદ્ધ સાહિત્યકાર),કેશોદ

♦ શાંતિ વિશેષાંકના પ્રત્યેક લેખ મનનીય અને પ્રેરણાદાયી હતા. કમાણી માટે નહીં પણ જ્ઞાનના પ્રચાર માટે પ્રગટ થતું સાહિત્ય નિર્વિવાદ પ્રભાવશાળી અને પ્રેરક બને છે. એ પ્રમાણે જનતાને માર્ગદર્શન, બોધ, ઉપદેશ અને જીવનને શુદ્ધ બનાવવાનાં સૂચનો આપના સાહિત્યમાં ભારોભાર ભરેલાં છે.
– શંભુપ્રસાદ હ. દેસાઈ
(સુપ્રસિદ્ધ ઇતિહાસકાર અને લેખક) જૂનાગઢ

♦ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નો દીપોત્સવી અંક ‘શાંતિ વિશેષાંક’ મળ્યો છે. વાંચી આનંદ થયો. આવરણ ચિત્રમાં પરમ શાંતિની મુદ્રામાં વિશ્વની વિભૂતિઓનાં દર્શન અને અંતરંગ શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી સાથે સોળ અંતરંગ સંન્યાસીઓનાં દર્શનનો તથા નામાવલીનો અલભ્ય લાભ મળ્યો. શાંતિ માટેના બધા જ લેખો એક એકથી ચઢિયાતા છે. તેનું વર્ગીકરણ કરવું ખૂબ જ મુશ્કેલ છે. શાંતિની શોધમાં નીકળેલા માટે આ અંક ઘણો જ ઉપયોગી અને માર્ગદર્શન રૂપ બનશે.
ગુરૂવંદા શામળાજી,
અમરધામ લાલગેબી આશ્રમ, હાથીજણ

♦ દીપોત્સવી ‘શાંતિ અંક’ આજના હર પળે ટેન્શનમાં જીવતા અને ભૌતિક તૃષ્ણાથી તપ્ત માનવી માટે ‘રણમાં મીઠી વીરડી’ સમાન બન્યો. આધ્યાત્મિકતાના મણિરત્નોની રત્ન કણિકાથી ‘શાંતિ અંક’ ખૂબ મનનીય અને પ્રેરણાદાયી રહ્યો. શાંતિનું દુગ્ધામૃત આપી સાચે જ મનને શાંતિ આપી છે.
– મોરીધરા નલીનભાઇ પી., ધોરાજી

♦ આવા સુંદર અંક વિશેષની વિચારધારા – અમૃત ઝરણા રૂપે વહી તેનો વિશેષ યશ તો સંપાદકશ્રીને ફાળે જાય છે. સંપાદકશ્રીની કલમે લખાયેલ ‘શાંતિ’ લેખ જ દેશ વિદેશના આંકડાઓ સહિત ઘણું બધું કહી જાય છે.
– હરસુતા સી. ઓઝા, અમદાવાદ

♦ આ વર્ષનો દીપોત્સવી અંક ‘શાંતિ વિશેષાંક’ ખૂબ ગમ્યો. ‘સંપાદકીય’ સ્વયં અભ્યાસીનું નવનીત છે. તેમાં અનુભવ, અભ્યાસ અને મંથન પછી લખાયેલ કૃતિઓ છે. મઠના પરમ અધ્યક્ષશ્રી તેમજ મંત્રી મહોદય, દીક્ષિત સંન્યાસીઓ, મિશનના સંન્યાસીઓ, ખ્યાતનામ તત્ત્વચિંતકો, સંતો તથા તજ્જ્ઞોની કૃતિઓથી અંક ઘણો જ સુંદર અને સરસ બન્યો છે. આત્મોન્નતિનો ઉત્તમ ભોજન થાળ લઇ આવ્યો છે.
– વી. આર. પંડ્યા, નયા અંજાર (કચ્છ)

♦ દીપોત્સવી અંક ‘૯૬ મળ્યો. પૂરેપૂરો વાંચી ગયો. લેખો-જ્ઞાની રહ્યા. કવિતા – ગઝલને સ્થાન ન આપી શક્યા તેનો રંજ રહ્યો અને દીપોત્સવી અંકમાં ‘બાલજગત’ માટે ફક્ત બે જ પેઇજ!
– મધુકાંત જોષી, રાજકોટ

♦ શાંતિ-વિશેષાંક ખરેખર સુંદર બન્યો છે. આપને અભિનંદન. ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નો પ્રકાશ ઉત્તરોત્તર પ્રખર અને માર્ગદર્શક બનતો રહે તેવી હાર્દિક પ્રાર્થના અને શુભભાવના વ્યક્ત કરું છું.
– મનોહર દેસાઇ, ભાવનગર

♦ आपका विशेषांक बहुत ही उपयोगी व सुन्दर ज्ञानयुक्त है। मेरे साथ कई अन्य लोगों ने भी उसे पढ़ा है व सराहा है। आप इस सुन्दर व्यवस्था करने के लिए विशेष बधाई के पात्र है। हमारे कई साथी पत्र की उपयोगिताओंको देख गुजराती पढ़ना सीख रहे है। इसकी पाठक संख्या बढ़ती जा रही हैं।
– भगवतीकुमार पोतेदार, महिदपुर

Total Views: 55

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.