‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રારંભથી જ તેની સાથે સંકળાયેલ અને તેના માટે પોતાની અવિરત નિઃસ્વાર્થ સેવા આપનાર શ્રી મનસુખભાઇ મહેતા વિરાણી વિવિધલક્ષી ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય છે. તેઓ રાજ્ય સ્તરનો તેમજ રાષ્ટ્રીય કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક ઍવોર્ડ મેળવી ચૂક્યા છે. – સં.

‘જગતના કલ્યાણ માટે શરીર, મન અને વાણી અર્પણ કરી દો. તમે વાંચ્યું છે- ‘માતૃદેવો ભવ’, ‘પિતૃદેવો ભવ’, પણ હું કહું છું: ‘દરિદ્ર દેવો ભવ’, ‘મૂર્ખદેવો ભવ’, ગરીબને, અભણને, અજ્ઞાનીને, દુઃખીને ઈશ્વર માનો. આવા લોકોની સેવા એ જ પરમ ધર્મ છે.’

– સ્વામી વિવેકાનંદ

શ્રીરામકૃષ્ણદેવ પાસેથી ‘શિવ જ્ઞાને જીવ સેવા’નો પરમ આદર્શ – સેવામંત્ર મેળવીને સ્વામી વિવેકાનંદે અત્યાર સુધી ગુફામાં રહેલા ધર્મ-સંન્યાસીઓને બહાર લાવીને માનવસેવા એ જ સાચી પ્રભુપૂજા-નો મંત્ર આપીને નિષ્કામ ભાવની સેવાની કાવડ એમના – સંન્યાસી મિત્રોના ખભે રાખી દીધી. માનવસેવાના ઉદ્દેશને નજર સામે રાખી માનવ ભૌતિક – આધ્યાત્મિક કલ્યાણ સાધી શકે, પ્રેય-શ્રેયસ્‌નો સાધક બનીને સર્વ સેવામાં લાગી જાય એ હેતુથી ‘आत्मनो मोक्षार्थं जगत् हिताय च’ – ના બેવડા ઉદ્દેશ સાથે શ્રીરામકૃષ્ણ મઠ અને શ્રીરામકૃષ્ણ મિશનની સ્વામી વિવેકાનંદે ઈ.સ. ૧૮૯૭માં સ્થાપના કરી. આ સંસ્થાએ પોતાની સેવા કાવડ દ્વારા ભારતભરમાં અને પડોશી બાંગ્લાદેશમાં પણ આગ, દુષ્કાળ, વાવાઝોડાં, પૂર, ધરતીકંપ ને લીધે સર્જાયેલી તારાજીના કપરા સમયે દુઃખી – પીડિત માનવબંધુઓનાં ઉત્તમ સેવા કાર્યો કર્યાં છે એ સર્વ વિદિત હકીકત છે.

‘છે કામના એક ખપી જવાની,
પીડિતોનાં દુઃખ નિવારવામાં’

– ની લગની લગાડીને શ્રીરામકૃષ્ણ મિશન દ્વારા થયેલાં અનેકવિધ સેવા કાર્યોમાં આ સાત સેવા કાર્યોની નોંધ આ સંસ્થાની શતાબ્દીની ઉજવણી સમયે અત્યંત આવશ્યક ગણું છું.

(૧) ૧૯૭૭માં થયેલ આંધ્રપ્રદેશનું – દીવી સીમા વિસ્તાર – રાહત સેવા કાર્ય :

૧૯૭૭ના નવેમ્બર માસની ૧૯મી તારીખે કૃષ્ણા જિલ્લાના દીવી તાલુકામાં ભયંકર વાવાઝોડાં સાથે ઉછળેલાં સમુદ્રનાં મોજાંએ મહાવિનાશ સર્જ્યો. દરેક રાહત સેવા કાર્યની જેમ પ્રારંભ પ્રાથમિક રાહત સેવા પ્રવૃત્તિથી થયો. ધીમે ધીમે આ વિસ્તારના પુનર્વસન-સેવા કાર્ય માટે ક્રિષ્ણા નદીના કિનારે પુલીગુડ્ડા ગામે મકાનો – વગેરેના – બાંધકામ માટે સામગ્રી તૈયાર કરવાનું મુખ્ય મથક શરૂ થયું અહીં સિમેન્ટની પૅનલ્સ અને અન્ય બાંધકામ સામગ્રી તૈયાર કરવા માટે એક વર્કશૉપ શરૂ થયો. આ વર્કશૉપમાંથી આજુબાજુના ૩૦ કિ.મિ.ની ત્રિજ્યામાં આવેલ વિસ્તારોમાં મકાન વગેરેના બાંધકામ માટે ચીજવસ્તુઓ મોકલવામાં આવતી.

આ વિસ્તારમાં વાવાઝોડાંથી રક્ષણ થઈ શકે તેવાં ૧૦૦૫ પાકાં મકાનો, ત્રણ કૉમ્યુનિટી હૉલ, છાપરા સાથેનું પાકું સ્ટેજ – વગેરેનું બાંધકામ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર પુનર્વસવાટ કાર્ય પાછળ ૬૪,૪૭,૫૪૯ રૂપિયાનો ખર્ચ થયો હતો. ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રીમતી (સ્વ.) ઈન્દિરા ગાંધીએ નમૂનાના મકાનનું બાંધકામ જાતે નિહાળ્યું હતું. ૧૯૭૯ની ૧૩મી નવેમ્બરે ભારતના તત્કાલીન વડાપ્રધાન (સ્વ.) શ્રી મોરારજીભાઈ દેસાઈના વરદ્ હસ્તે ૨૨૯ મકાનોવાળા જૂના ગોલાપાલેમ અને હાલના શ્રીરામકૃષ્ણપુરમ્ ગામનું રાષ્ટ્રને – ત્યાંના પ્રજાજનોને સમર્પિત થયુ હતું.

શ્રીરામકૃષ્ણમઠ – મિશનના દશમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજના વરદ્ હસ્તે જૂના, ઉટાગુંડમ્‌ના સ્થાને નવા સ્વરૂપે સ્થાપિત થયેલ ‘શારદપુરમ્’ ગામનાં મકાનો પીડિત લોકોને સમર્પિત થયાં હતાં. એ જ રીતે રામકૃષ્ણ મઠ અને મિશનના તત્કાલીન જનરલ સૅક્રેટરી શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી મહારાજે મૂળ ઈરાલીના સ્થાને નવા થયેલા વિવેકાનંદપુરમ્‌નાં મકાનો આ વાવાઝોડાંગ્રસ્ત વિસ્તારના નવા થયેલા લોકોને સમર્પિત કર્યાં હતાં. આ જ રીતે પાલકાયાટીપ્પામાં બંધાયેલા કૉમ્યુનિટી સૅન્ટર – કમ – આશ્રયસ્થાનનો ઉદ્‌ઘાટન વિધિ સંપન્ન થયો હતો.

બાપતલા પુનર્વસવાટ કાર્ય આંધ્રપ્રદેશ-૧૯૭૭ : નવેમ્બરની ૧૯મી તારીખે કૃષ્ણ જિલ્લાની જેમ ગન્તુર જિલ્લામાં પણ આવેલાં વાવાઝોડાં અને દરિયાઈ મોજાંએ વેરેલા વિનાશથી પીડિત લોકો માટે ગોવિંદનગર આનંદી કૉલોનીના આદિવાસી લોકો માટે રામકૃષ્ણ સેવા સમિતિ દ્વારા બાંધવામાં આવેલાં ૯૬ પાકાં ઘર પાંચ મહિનામાં જ તૈયાર થઈ ગયાં હતાં – આ ગામનું નવું નામ ‘શારદાપુર’ રાખવામાં આવ્યું છે. ત્યાં રામકૃષ્ણ સમાજ સેવા મંદિર, પોલેરામા દેવીની સુંદર મૂર્તિ સાથેનું મંદિર, તેમ જ બાલવિકાસ મંદિરનું પણ નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું. આ રાહત સેવા કાર્યમાં ૪ લાખ રૂપિયા વાપરવામાં આવ્યા હતા.

(૨) બાલી – દેવાંગજ વિસ્તાર (પશ્ચિમ બંગાળ) ૧૯૭૮નું માનવસેવા રાહતકાર્ય :

૧૯૭૮માં પડેલા અભૂતપૂર્વ વરસાદે સમગ્ર પશ્ચિમ બંગાળમાં હાહાકાર મચાવ્યો હતો. શ્રીરામકૃષ્ણ મિશને વિશાળ પાયે પ્રાથમિક રાહત કાર્ય પૂરું કર્યા પછી હુગલી જિલ્લાના આરામબાગ સબ ડિવિઝન નીચે આવેલા બાલી – દેવાંગજ વિસ્તારમાં પુનર્વસવાટ કાર્યનો આરંભ થયો.

આ વિસ્તારને જોડતા માર્ગ-રસ્તાના અભાવે આ રાહત કાર્યમાં ઘણી સમસ્યાઓ નડતી હતી. ગ્રામ્યજનોએ આ રસ્તો બાંધવા સ્વયંસેવકોની ટુકડીઓ ઊભી કરી અને અંતે એમની બધાની સહાયથી આ ગામોને જોડતો – પાકો મૅટલ રોડ – બની ગયો. શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના તત્કાલીન પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ અને શ્રીમત્ સ્વામી અભયાનંદ મહારાજે આ રસ્તો સૌને માટે ખુલ્લો મૂક્યો હતો. અભયબારીમાં નવી બંધાયેલી કૉલૉની પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીશ્રી જ્યોતિ બસુના વરદ્ હસ્તે આફતગ્રસ્ત લોકોને સમર્પિત કરવામાં આવી હતી. કૉમ્યુનિટી હૉલ – કમ – શેલ્ટર હાઉસનો ઉદ્‌ઘાટન વિધિ શ્રી જ્યોતિ બસુના વરદ્ હસ્તે થયો હતો.

શારદામણિ બાલિકા વિદ્યાલય, કૉમ્યુનિટી હૉલનો સમર્પણવિધિ તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી (સ્વ.) ઇન્દિરા ગાંધીના વરદ્ હસ્તે સંપન્ન થયો હતો.

દામોદરપુર હાઈસ્કૂલ માટે શાળાના વિદ્યાર્થીઓ, કર્મચારીઓ, શિક્ષકો અને લોકોની સહાયથી ‘વિવેકાનંદ ભવન’ નામે બે માળની એક ખાસ વીંગ બાંધી આપવામાં આવી હતી.

આ સમગ્ર પ્રકલ્પમાં ૨૬૦ પાકાં મકાનો, બે શાળાઓ, બે મંદિરો, એક કૉમ્યુનિટી હૉલ – બાંધી આપવામાં આવ્યાં. આ પુનર્વસવાટ રાહત સેવા કાર્ય હેઠળ ૨૩,૬૭,૩૯૬ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

(૩) ૧૯૭૯ની ૧૧ ઑગષ્ટની રાત્રે મચ્છુએ તારાજ કરેલા મોરબી વિસ્તારનું એક અનન્ય ભગીરથ માનવ સેવા કાર્ય :

૧૧મી ઑગષ્ટે – ૧૯૭૯ – મચ્છુ ડૅમમાં – મોરબી પાસેના લીલાપુર ગામે – ભંગાણ પડતાં એક ભયંકર દુર્ઘટના ઘટી. બીજા જ દિવસથી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનની સૂચનાનુસાર તત્કાલીન રાહત સેવા કાર્ય શરૂ થઈ ચૂક્યું હતું. વિરાણી હાઈસ્કૂલ અને શ્રીરામકૃષ્ણ વિદ્યાર્થી મંદિરના ૧૨૫ જેટલા વિદ્યાર્થીઓ સાથે અમે સવારના ૬ થી રાત્રિના ૮ વાગ્યા સુધી અને ક્યારેક તો રાતના બે વાગ્યા સુધી Air Dropping ફૂડ પૅકૅટ્સ બનાવવાનું કાર્ય કરતા રહેતા – ૫૦થી વધુ સ્વયં સેવકો મોરબી – વાંકાનેર માળિયા મિયાણા – વિસ્તારના અસરગ્રસ્ત ૪૪ ગામડાંમાં લોકો માટે તત્કાલીન રાહત સેવા કાર્યમાં તન-મન-ધનથી લાગી પડ્યા. મોરબી શહેર અને વાંકાનેર – મોરબી- માળિયાના બધા અસરગ્રસ્ત વિસ્તારોમાં પ્રાથમિક રાહત સેવા કાર્ય પૂરું થતાં જ સૌથી વધારે અસરગ્રસ્ત મોરબી શહેરના લોકો માટે લાલબાગ વિસ્તારમાં ૧૦ એકર જમીનમાં ૨૫૦ મકાનોની કૉલૉની તથા પ્રાથમિક શાળાના ભવનનું બાંધકામ તેમ જ સાર્વત્રિક વિનાશનો ભોગ બનેલા ‘વનાળિયા’ ગામમાં પુનર્વસવાટનું સેવા રાહત કાર્ય શરૂ થયું. આ માટે મોરબીમાં જ સેવાકાર્ય મથક શરૂ થયું. ૬ એપ્રિલ – ૧૯૭૯માં શ્રી ઠાકુર, રાજકોટના શ્રીરામકૃષ્ણ મંદિરમાં પ્રતિષ્ઠાપિત થઈને, પધારીને જાણે કે શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના સંન્યાસીઓના રૂપે દરેક દુઃખી-પીડિત લોકોનાં આંસુ લૂછવા આવ્યા હોય એવો એક અભૂતપૂર્વ માહોલ હતો – આ અનન્ય રાહત સેવા કલ્યાણ પ્રવૃત્તિમાં.

શારદાનગર (જૂનું વનાળિયા)નાં મકાનો, શાળા, બાલમંદિર, પાણી માટે કૂવા, દવાખાનાનાં મકાનોનો મંગલ ઉદ્‌ઘાટનવિધિ તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી (સ્વ.) ઈન્દિરા ગાંધીના વરદ્ હસ્તે સંપન્ન થયો હતો. આ જ રીતે મોરબીમાં લાલબાગ વિસ્તારમાં બંધાયેલાં મકાનો, પ્રાથમિક શાળાનું વિશાળ મકાનનો ઉદ્‌ઘાટનિવિધ ગુજરાત રાજ્યના તત્કાલીન ગવર્નર શ્રીમતી શારદા મુખરજીના વરદ્ હસ્તે થયો હતો.

આ પુનર્વસવાટ સેવા રાહત કાર્ય હેઠળ ૫૩૯ પાકાં મકાનો, ચાર શાળાઓ, બે મંદિર, એક દવાખાનું, એક રમતનું મેદાન, ત્રણ કૂવા અને ૧૧ રસ્તાઓ બાંધી આપવામાં આવ્યાં હતાં. આ સેવા પ્રવૃત્તિ હેઠળ ૭૦,૩૮,૪૪૫ રૂપિયા વાપરવામાં આવ્યા હતા. શ્રીરામકૃષ્ણ મંદિરમાં બિરાજેલા ઠાકુરે પોતાનાં માનસ સંતાનો દ્વારા કરેલું આ સેવા કાર્ય અવિસ્મણીય બની ગયું છે.

(૪) આંધ્રપ્રદેશનું ૧૯૮૧માં થયેલું શ્રીકાકુલુમ વિસ્તારનું રાહત સેવા કાર્ય :

વામસાધારા નદીના ૧૯૮૦ના પ્રલયકારી પૂરને લીધે આંધ્રપદેશના શ્રીકાકુલમ અને ઓરિસ્સાના ગુનુપુર વિસ્તારમાં ઘણો મોટો વિનાશ સજાર્યો. પ્રારંભિક સેવા કાર્ય પછી આંધ્રપ્રદેશના શ્રીકાકુલમમાં પુનર્વસવાટ કાર્ય શરૂ થયું. અહીંના નવા વસેલા શ્રીરામકૃષ્ણપુરમ્‌નાં ૨૦૦ નવાં મકાનો, ઉપરાંત આ નવી કૉલૉનીમાં પીવાના પાણી માટે કૂવો પણ બાંધી આપવામાં આવ્યો છે. આ વિસ્તારના લોકો માટે રામાલયમ્ – શ્રીરામમંદિર – પણ બાંધી આપવામાં આવેલ છે. આ ગામમાં શાળા પણ ન હતી એટલે ગામની જરૂરતને ધ્યાનમાં લઈને બાલવાડી અને બાળકો માટે શાળાના મકાન પણ બાંધી આપવામાં આવ્યાં છે. આ સમગ્ર પુનર્વસવાટ સેવા કાર્ય માટે ૧૦,૩૨,૨૧૯ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

(૫) ઓરિસ્સા (ગુનુપુર વિસ્તાર)નું ૧૯૮૧નું રાહત સેવા-કાર્ય:

શ્રીકાકુલમનું પુનર્વસવાટ કાર્ય ચાલુ હતું ત્યારે તેની સમાંતર ઓરિસ્સાના ગુનુપુર જિલ્લામાં પણ સેવા કાર્ય શરૂ થયું હતું. જૂના અંતારજુલી ગામના સ્થાને ૨૪૬ પાકાં મકાનો બાંધવામાં આવ્યાં. ત્યાં વસેલા શારદાપલ્લી નામના નવા ગામનો સમર્પણવિધિ ઓરિસ્સાના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી જાનકી વલ્લભ પટ્ટનાયકના વરદ્ હસ્તે સંપન્ન થયો હતો. બાલવાડીના બાળકોને રામકૃષ્ણ મિશન તરફથી નવા ગણવેશ આપવામાં આવ્યા હતા. આ પુનર્વસવાટ સેવા ક્લ્યાણ પ્રવૃત્તિમાં ૧૪,૧૦,૭૪૭ રૂપિયાનો ખર્ચ થયો છે.

(૬) ૧૯૮૨-૮૫માં જૂનાગઢ વિસ્તારમાં થયેલું પૂર-રાહત સેવા કાર્ય:

૧૯૮૨માં જૂનાગઢ જિલ્લામાં થયેલી અતિવૃષ્ટિ અને કાળવો – ઓઝત – ઉબેણ – સાબળી વગેરે નદીઓનાં પાણીએ શાપુર – વંથલી અને ઓઝતને કિનારે આવેલાં ગામડાં અને ઘેડ વિસ્તારમાં મોટો વિનાશ નોતર્યો. આ પૂરના અતિવૃષ્ટિના બીજા જ દિવસે પ્રાથમિક રાહત સેવા સાથે એક ટુકડી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સંન્યાસીઓ સાથે વંથલી, શાપુર, આણંદપર, મેવાસા, પહોંચીને તત્કાલ રાહત-તેમજ ફૂડ પૅકૅટ્સનું વિતરણ કરી આવી. પ્રાથમિક રાહત કાર્યરૂપ જીવન-જરૂરી ચીજવસ્તુઓ – અનાજ -કપડાં વગેરેના વિતરણ પછી પુનર્વસવાટ સેવા કાર્યનો પ્રારંભ થતો. આ માટે વંથલી રોડ પર આવેલા રાયજી બાગના મકાનમાં મુખ્ય કૅમ્પ શરૂ થયો. ત્યાંથી જૂનાગઢથી ધોરાજી જતાં અંદરના રસ્તે કેરાલા ગામમાં ‘શ્રીરામકૃષ્ણદેવ વિદ્યાલય’ નામની પ્રાથમિક શાળાનું વિશાળ મકાન, આચાર્યના નિવાસી મકાનન અને મોટા મેદાન સાથે બાંધી આપવામાં આવ્યું. આ શાળાનો સમર્પણવિધિ ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી માધવસિંહ સોલંકીના વરદ્‌ હસ્તે સંપન્ન થયો.

ત્યાર બાદ જૂનાગઢથી બિલખા જતાં ડુંગરપુર પાસે ઈટાળા – પાતાપુર – પાસે ૩૬ પાકો મકાનો, કૂવો અને શ્રીશ્રીમા શારદામણિદેવી વિદ્યાલયનાં મકાનો બાંધી આપવામાં આવ્યાં. આ ગ્રામ અને શાળાનો સમર્પણવિધિ નામદાર ગુજરાત હાઈકૉર્ટના તત્કાલીન મુખ્ય ન્યાયમૂર્તિશ્રીના વરદ્ હસ્તે થયો.

ખડિયાથી મેંદરડાના રસ્તે ઓઝત નદીના કિનારે આવેલાં મેવાસા – આણંદપરના અસરગ્રસ્ત લોકો માટે પાકાં મકાનો, સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળાનાં મકાનો રમતગમતના વિશાળ મેદાન સાથે, ઔષધાલય, ડૉ. અને આચાર્યના નિવાસી મકાનોનું બાંધકામ શ્રીરામકૃષ્ણ આશ્રમ – રાજકોટ દ્વારા કરવામાં આવ્યું હતું. આણંદપર સામે બંધાયેલી કૉલૉનીનાં ૮૪ મકાનો, પ્રાથમિક શાળા, દવાખાનાનાં મકાનોનો અર્પણવિધિ ગુજરાત રાજ્યના તત્કાલીન ગવર્નર શ્રી બી.કે.નહેરુના વરદ્ હસ્તે થયો હતો.

આ ત્રણેય રાહત સેવા પુનર્વસવાટ કાર્ય પાછળ ૫૮,૨૩,૦૩૪ રૂપિયાનો ખર્ચ થયો હતો. જરૂરતમંદ અસરગ્રસ્ત લોકોમાં ૬૦૦ ગાય, ઉપરાંત ઊંટ, બળદગાડાં, મોચી – દરજીનાં સંચા – વગેરેનું વિતરણ આ રાહત – સેવા – કાર્યની એક અનન્ય વિશિષ્ટતા બની રહી.

(૭) લાતુર-(મહારાષ્ટ્ર) – ધરતીકંપ રાહત- પુનર્વસવાટ સેવા કલ્યાણ કાર્ય :

મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં ૧૯૯૩ના સપ્ટેમ્બરના ધરતીકંપે આજુબાજુના વિસ્તારમાં મહાવિનાશ સર્જ્યો. શ્રીરામકૃષ્ણ મઠ – મુંબઇ અને રાજકોટના સંન્યાસીઓએ ત્યાં પહોંચીને લીંબાલા હરેગાંવ, જવલગાંવ, બાનેગાંવ, દાવેગાંવ, માંગકલ ગામોમાં ઘઉં, જુવાર, ચોખા, દાળ, ગોળ, કપડાં, ધાબળાં, સ્ટવ વગેરે જીવન જરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કાર્ય પૂરું કર્યા પછી ઔસા તાલુકાના (પૂર્ણપણે ધ્વસ્ત થયેલ – હરેગાંવનું) પુનર્નિર્માણ કરવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું.

૨જી મે – ૧૯૯૫ના રોજ પુનર્નિર્માણ કરેલાં ધરતીકંપનો સામનો કરી શકે તેવાં ૪૨૩ મકાનો મુંબઇ સમાચાર લિ.ના ડાયરૅક્ટર શ્રી મહેલી કામાના વરદ્ હસ્તે અસરગ્રસ્તોને સોંપવામાં આવ્યા. પિયરલૅસ, કલકત્તાના મૅનૅજિંગ ડિરેક્ટરશ્રી સલિલ દત્તાના વરદ્ હસ્તે કૉમ્યુનિટિ હૉલ, સમાજ મંદિરનો ઉદ્‌ઘાટનવિધિ સંપન્ન થયો. ઍક્સેલ ઇન્ડસ્ટ્રિઝ, મુંબઇના મૅનૅજિંગ ડિરેક્ટર શ્રી કે. સી. શ્રોફે નવા બંધાયેલ વિવેકાનંદ વિદ્યાલયનાં મકાનોનું ઉદ્‌ઘાટન કર્યું હતું.

લગભગ ૫ કરોડ રૂપિયાના ખર્ચે રામકૃષ્ણ મિશન દ્વારા લાતુર જિલ્લાના હરેગાંવ જવલગવડી અને કવાલી ગામોના કુલ ૬૪૬ પરિવારો માટે ૨૫૦ ચો. ફૂ. ક્ષેત્રફળ ધરાવતાં ૬૪૬ પાકાં મકાનો (ધરતીકંપનો સામનો કરી શકે તેવાં), તેમ જ ત્રણેય ગામોમાં એક એક શાળા ભવન, સમાજમંદિર ભવન, અને બે – બે બાળબાગ (Children’s Parks) બનાવવામાં આવ્યા છે.

સ્વામી વિવેકાનંદના આ શબ્દો શ્રીરામકૃષ્ણ – વિવેકાનંદ ભાવ ધારાને વરેલા કોઈ સેવાભાવી સંસારી કે સંન્યાસી વ્યક્તિ માટે આવી ‘સેવા-કાવડ પરંપરા’ જાળવી રાખવા અને તેમાં સાર્વત્રિક સેવા પ્રવૃત્તિઓનું સંચાલન કરવા એક પ્રેરણાબળ બની રહેશે એમ હું વિનમ્રપણે માનું છું –

‘आत्मवत् सर्वभूतेषु’ – બધાં પ્રાણીઓને તમારા આત્મા જેવા ગણો. આ ઉપદેશ શું પુસ્તકમાં જ પૂરી રાખવા માટે છે? ક્ષુધાર્તોના ભૂખ્યા મોઢામાં રોટલાનો ટુકડો જેઓ નાખી શકતા નથી, તેઓ બીજાના મુક્તિદાતા કઈ રીતે બની શકે? હું નથી કોઈ તત્ત્વજ્ઞાની, નથી કોઈ ફિલસૂફ, નથી કોઈ સંત, કેવળ એક ગરીબ છું, અને ગરીબને ચાહું છું. ગરીબી અને અજ્ઞાનમાં સદાને માટે ગરક થઈ ગયેલાં વીસ કરોડ જેટલાં નર નારીઓ માટે કોણ લાગણી ધરાવે છે? ગરીબ લોકો માટે જેનું હૃદય દ્રવે તેને હું મહાત્મા કહું છું. એ ગરીબો માટે કોને લાગણી છે? આ ગરીબ માણસોને જ તમે ઈશ્વર સમજો, તમે એમના વિષે વિચાર કરો, એમને માટે જ કાર્ય કરો, એમને માટે સતત પ્રાર્થના કરો. પરમેશ્વર તમને માર્ગ સૂઝાડશે.’

મહાન સિદ્ધિઓને માટે ત્રણ વસ્તુઓની આવશ્યકતા હોય છે, પ્રથમ હૃદયમાં લાગણી, તમને લાગણી છે? કરોડોની સંખ્યામાં રહેલા દેવોના અને ઋષિમુનિઓના વંશજો પશુત્વની નજીક પહોંચી ગયા છે; તમને એ માટે દિલમાં લાગણી થાય છે? આજે લાખો લોકો ભૂખે મરી રહ્યા છે અને લાખો લોકો યુગોથી ભૂખમરો સહન કરતા આવ્યા છે, તેને માટે તમારા દિલમાં કાંઈ થાય છે? તમને એ બેચેન બનાવે છે? તેનાથી તમારી ઊંઘ હરામ થઈ ગઈ છે? તમારા લોહીમાં પ્રવેશીને, તમારી નસોમાં વહીને તમારા હૃદયના ધબકારા સાથે તે એક તાર બની ગઈ છે? એણે તમને પાગલ જેવા કરી મૂક્યા છે ખરા? આ સર્વનાશી દુઃખના એક માત્ર વિચારે તમને ભરખી લીધા છે ખરા? એને માટે તમે તમારું નામ, તમારો યશ, તમારી કીર્તિ, તમારી સ્ત્રી, તમારાં બાળકો, તમારી સંપત્તિ, તમારી માલ-મિલકત, અરે તમારો દેહ સુધ્ધાં વીસરી બેઠા છે? તમે આ અનુભવ્યું છે? દેશપ્રેમી થવાનું પહેલું પગથિયું આ છે. તમે કોઈ ઉપાય શોધી કાઢ્યો છે? તિરસ્કારને બદલે કંઈક સહાય, લોકોનાં દુઃખો હળવાં કરવાને માટે મીઠાશભર્યાં. વચનો, આ જીવતા નરકમાંથી તેમને બહાર કાઢવાનો કોઈ વ્યવહારુ ઉકેલ તમને જડ્યો છે? હજુય આ પૂરતું નથી-મુશ્કેલીઓના પર્વતોને પાર કરવાની અદમ્ય ઇચ્છા તમારામાં છે? હાથમાં ખડ્ગ લઈને આખી દુનિયા તમારી સામે ઊભી રહે તોય તમને સાચું લાગે તે કરવાની તમારામાં હિમ્મત છે? મક્કમતાપૂર્વક તમારામાં ધ્યેય તરફ, તેમ છતાં ય, તમે આગળ વધશો ખરા?….તમારામાં આવી દૃઢ સંકલ્પ શક્તિ છે? જો તમારામાં આ ત્રણ બાબતો હશે તો તમે અદ્‌ભુત કાર્યો સિદ્ધ કરી શકશો.

ભગવાન શ્રીરામકૃષ્ણદેવ, શ્રીશ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદ આ સર્વસેવા કાર્ય માટે સૌ ભારતવાસીઓને સદૈવ પ્રેરણારૂપ બની રહો અને આપણને સૌને ‘સર્વજન હિતાય સર્વજન સુખાય’ જીવન જીવીને શાશ્વત સુખ-શાંતિ-આનંદના ભાગીદાર બનાવતા રહો. એ જ એમનાં શ્રી ચરણ કમળોમાં એક પ્રાર્થના.

સંદર્ભ :

* ‘Ramakrishna Mission’ Relief Services 1968 – 1988

* કરીએ પુનર્નિર્માણ ભારતનું

* સ્વામી વિવેકાનંદ : રાષ્ટ્રને સંબોધન

શ્રીરામકૃષ્ણ મઠ – મિશન દ્વારા : ૧૮૯૬ થી ૧૯૮૮ સુધીમાં – ૧૯૪૭ સુધીના અખંડ ભારત વર્ષ તેમજ બર્મા અને શ્રીલંકાના કેટલાંક વિસ્તારોમાં થયેલા રાહત અને સેવા કાર્યોની એક અતિ મીતાક્ષરી નોંધઃ

  • ૭૮ વિસ્તારોમાં વાવોઝોડાં- ટૉર્નેડો સેવા કાર્ય થયું છે.
  • ૯૪ જેટલા વિસ્તારોમાં ભયંકર દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિમાં સેવા કાર્ય.
  • ૨૫૫ જેટલા વિસ્તારોમાં પૂર રાહત સેવા કાર્ય થયું છે.
  • ૬૧ જેટલા વિસ્તારમાં આગ હોનારત દરમિયાન સેવા કાર્ય થયું છે.
  • ૬૦ જેટલા વિસ્તારોમાં વિવિધ મેળા વખતે મૅલેરિયા, શીતળા, પ્લેગ, કૉલેરા દરમિયાન દાક્તરી રાહત સેવા કાર્ય થયું છે.
  • ૨૯ જેટલા વિસ્તારોમાં રેફ્યુજી રાહત સેવા કાર્ય થયું છે.
  • ૫૬ જેટલા વિસ્તારોમાં પુનર્વસવાટ રાહત સેવા કાર્ય થયું છે.
  • ૧૧ જેટલા વિસ્તારોમાં ધરતીકંપ રાહત સેવા કાર્ય થયું છે.
  • ૭૦ જેટલા વિસ્તારોમાં અન્ય વિવિધ પ્રકારની કુદરતી અને માનવસર્જિત આપત્તિના સમયે રાહત સેવા કાર્ય થયા છે.
Total Views: 162

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.