ગાંધીજીને એક સામાન્ય સાદા ખેડૂત જેવું જીવન જીવવાનું પસંદ હતું. એમણે રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા ગામડાંના પુનરુદ્ધારનું કાર્ય કર્યું. કાર્યકરો ગાંધીજીના સ્વપ્નને સાકાર કરે એવી તાલીમ માટે એક આશ્રમની આવશ્યકતા પર ભાર દેતા. ગ્રામનિર્માણના કાર્યમાં પોતાની જાતને પ્રત્યક્ષ રૂપે પ્રવૃત્ત કરવા તેઓ ગામડામાં જવાનું વિચારતા હતા. તે સમય દરમિયાન વર્ધાથી ચાર માઇલ દૂર આવેલ એક ગામમાં આશ્રમની સ્થાપના માટે જમનાલાલ બજાજે સૂચન કર્યું. આ ગામની મોટાભાગની જમીન જમનાલાલ બજાજની હતી. એટલે ગાંધીજીએ એ દરખાસ્તને સ્વીકારી અને મગનવાડીમાંથી સેવાગ્રામમાં સ્થળાંતરિત થવાનો નિર્ણય કર્યો. આ આશ્રમ ૧૯૩૬માં સેગાંવ ગામમાં બાપુની સૂચના પ્રમાણે સ્થપાયો. પછીથી એનું નામ ‘સેવાગ્રામ આશ્રમ’ પડ્યું.

એવો એક સંકેત ઊભો થયો કે ઉનાળાની ગરમીમાં સેવાગ્રામમાં સ્થળાંતરિત થવું એના કરતાં થોડા મહિના એને મોકુફ રાખીને એ સમય દરમિયાન થોડી ઝૂંપડીઓનું બાંધકામ કરવું. પરંતુ ૩૦મી એપ્રિલ, ૧૯૩૬ના રોજ મહાદેવ દેસાઈ, જમનાલાલ બજાજ, શ્રીમન્નારાયણ અને બળવંત સિમ્હા જેવા પોતાના સાથીઓ સાથે સેવાગ્રામ જવાનો મક્કમ નિર્ણય કરીને તેઓ ચાલી નીકળ્યા. ત્યારે પાકો રસ્તો ન હતો, ગામ સુધીનો ગાડાવટ હતો. ગાંધીજીએ નિશ્ચિત કરેલ આશ્રમના સ્થાને કોઈ નાની કુટિર જેવું કંઈ ન હતું. એટલે ગાંધીજી કૂવાની નજીક આવેલ જામફળીનાં વૃક્ષોની વચ્ચે એક વાંસના ઝંૂપડામાં રહ્યા.

અત્યારે જે ‘આદિનિવાસ’ના નામે જાણીતું છે, તે કોટેજ જમનાલાલ બજાજે થોડા જ વખતમાં ગાંધીજી માટે બંધાવી આપ્યું. કેટલાયે મહિનાઓ સુધી આ નાના કોેટેજના એક ખૂણામાં ગાંધીજી રહેતા અને બીજા ખૂણામાં કસ્તુરબા રહેતાં અને ત્રીજા ખૂણામાં મહાદેવભાઈ દેસાઈ રહેતા. ચોથો ખૂણો સેવાગ્રામમાં ગાંધીજીને મળવા આવતા અગત્યના મહેમાનો માટે હતો. બાદશાહ ખાન કેટલાયે મહિનાઓ સુધી આ ચોથા ખૂણામાં રહ્યા હતા. એકબે વર્ષ પછી કસ્તુરબા માટે એક નવી કુટિર બંધાઈ. એવી જ રીતે ગાંધીજી પણ એક બીજી કુટિરમાં સ્થળાંતરિત થયા કે જે ગામડામાં પોતાના ઉદ્યોગ માટે મીરાંબહેન માટે તૈયાર કરવામાં આવી હતી. આ જ મકાન ‘બાપુ કુટિર’ના નામે જાણીતું છે. ગાંધીજીએ ૧૯૪૬માં નોઆખલીમાં જવા માટે સેવાગ્રામ છોડ્યું, ત્યાર પછી તેઓ ક્યારેય ત્યાં પાછા ન આવ્યા. સેવાગ્રામની આ નાનકડી કુટિરમાં ભારતના ભાવિને સ્પર્શતા કેટલાયે નિર્ણયો લેવામાં આવ્યા હતા. એ વિશે શ્રી જે.સી.કુમારપ્પાએ આમ કહ્યું છે : the de facto capital of India since service of the country is the function of a capital city.

આ ગામનું મૂળ નામ સેગાંવ હતું. એકાદ વરસ પછી સરકારે એનું નામ ‘સેગાંવ’માંથી ‘સેવાગ્રામ’ કેટલીક વ્યવહારુ મુશ્કેલીઓને કારણે પરિવર્તિત કર્યું. મહારાષ્ટ્રના ખાનદેશમાં મુંબઈ-નાગપુર રેલવે લાઈન પર ‘શેગાંવ’નામનું ગામ હતું. ગાંધીજીને સંબોધીને લખાયેલા ઘણા પત્રો વર્ધાની નજીક આવેલા ‘સેગાંવ’ને બદલે પોસ્ટખાતું નામની મૂંઝવણને લીધે ‘શેગાંવ’ મોકલી દેતા. પછી સરકારે ગાંધીજીનો નવા નામ માટે સંપર્ક કર્યો અને નવું નામ ‘સેવાગ્રામ’ (the village of service) નક્કી થયું.

Total Views: 369

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.