રામકૃષ્ણ મિશન શતાબ્દી પ્રસંગે

શ્રીરામકૃષ્ણદેવના શિષ્ય શ્રીમત્ સ્વામી બ્રહ્માનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના પ્રથમ પરમાધ્યક્ષ હતા. તેમની જન્મતિથિ આ વર્ષે ૨૯મી જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવશે. -સં.

શ્રીરામકૃષ્ણદેવના નામાંકિત અને વિશ્વવિખ્યાત શિષ્ય, સ્વામી વિવેકાનંદ, તેઓના એવા પ્રથમ શિષ્ય હતા જેમણે પોતાના ગુરુના માનવજાતિના નૈતિક અને આધ્યાત્મિક ઉત્થાન માટે આપેલા સર્વગ્રાહી અને વૈશ્વિક બોધને સમસ્ત જગતની સામે રજૂ કર્યો. એ બાબતે કોઈ ટીપ્પણ કરવું જરૂરી નથી કે તેમણે કઈ રીતે અત્યંત સુંદર-શૈલીમાં અને અંગ્રેજી ભાષામાં શ્રીરામકૃષ્ણના ગહન ઉપદેશને ખૂબ જ સરળતાથી સમજાય તે રીતે આધુનિક શિક્ષિત વર્ગને જણાવ્યો હતો. આ ઉપદેશમાં તેમના ગુરુનો અનંત પ્રેમ અને વિશ્વભરને આલિંગતો વ્યાપ તો રજૂ થાય છે જ, અને સાથે સાથે જ તે દરેકને પોતાનું ઘેલું પણ લગાડતો જાય છે, જેને જેને આ જૂની કે નવી દુનિયામાં એ ઉપદેશને સાંભળવા કે વાંચવાની તક મળી હોય. વેદોક્ત, અનંત અને સર્વદેશીય ધર્મના જીવંત દૃષ્ટાંત તરીકે શ્રીરામકૃષ્ણને વ્યક્ત કરવાની સ્વામીજીની રીતિએ સમગ્ર દુનિયામાં ધાર્મિક પ્રચારના કાર્યમાં ક્રાન્તિ સર્જી છે. આ માટે એટલું જ જાણવું બસ છે કે ધર્મઝનૂન, ધર્માંધતા, અને સંકુચિતતા જેવાં લક્ષણોને દરેક ધર્મમાંથી હવે વિચારવંત ધાર્મિક બૌદ્ધિકો અને ભક્તો ક્રમશઃ દૂર કરીને અગાઉની પેઢીઓ કરતાં વધુ ને વધુ સહાનુભૂતિપૂર્ણ અને ઉદારમતવાદી બનતા જાય છે. આ સંસ્થાના આદ્ય સ્થાપક શ્રીમત્ સ્વામી વિવેકાનંદની જેમ જ મિશનના સાંપ્રત સમયના અ-સાંપ્રદાયિક સ્વામીઓ પણ હવે સમગ્ર દુનિયામાં ધર્મના સાચા ઉપદેશકો તરીકે માન્ય બન્યા છે. તેમની સેવાઓ લેવાને બધા તત્પર રહે છે. એ જ બતાવી આપે છે કે પૃથ્વીના દરેક સભ્યતાપૂર્ણ વિભાગમાં આધ્યાત્મિક પ્રાગટ્ય અને થનગનાટ શરૂ થઈ ચૂક્યો છે.

રામકૃષ્ણ મિશન દરેક સ્ત્રી અને પુરુષમાં રહેલી સુષુપ્ત દિવ્યતાને જાગૃત કરવાનો બોધ આપે છે. ધર્મના આચરણ દ્વારા તે વિષેની સભાનતા તેઓ કેળવી શકે છે. એ રીતે મનુષ્ય પોતાની દિવ્ય પ્રકૃતિ, જેને ધર્મ કહી શકાય, તેને વિષે જાગૃત થાય છે, અને એક અદ્‌ભુત મિત્ર મેળવે છે. આ ધર્મ કદી તર્કથી વિસંગત હોતો નથી, બલ્કે જે તાર્કિક નથી હોતું તે અધાર્મિક હોય છે. અને અધાર્મિકતા તો મનુષ્યનો મોટો શત્રુ છે એમ તેનું માનવું છે.

તે સર્વોચ્ચ આત્મા એટલે કે પરમાત્માની પૂજા કરવાનો બોધ આપે છે. કોઈ જુદે જુદે નામે ઓળખાતા પરમાત્મા જેવા કે બ્રહ્મા, અલ્લાહ, ગૉડ, જેહોવાહ, વગેરે. પરંતુ જેમ જુદી જુદી ભાષામાં પાણીનાં વિવિધ નામો હોવા છતાં તે પાણી જ છે, બધા જ ધર્મોમાં વિવિધ નામો, ધારણ કરવા છતાં ૫૨મ અને સર્વોચ્ચ એવા પરમાત્મા, અર્થાત્ એના સર્વવ્યાપી એકમાત્ર ભગવાનની પ્રાર્થના પૂજા કરવાનો બોધ આ મિશન આપે છે. આ સર્વોપરી પરમેશ્વર અને મનુષ્યની દરમિયાનમાં આવતા કોઈ પણ કક્ષાની વિભૂતિની અધીનતા અહીં સ્વીકાર્ય હોતી નથી, એમ શ્રીકૃષ્ણના બોધમાં પણ જણાવ્યું છે. આ બોધ મંત્રદ્રષ્ટા ઋષિઓએ વેદોમાં પણ આપ્યો જ છે. આ બોધમાં કોઈ એવું અર્થહીન રહસ્યમય તત્ત્વ નથી જે માણસને ગેરમાર્ગે દોરીને વિભિન્ન અસંગત માન્યતાઓથી દબાવી દે, અથવા માણસને અધાર્મિક, રહસ્યવાદી અને સત્યની પિછાણ વિનાનો બનાવી દે અને તે ઉપરાંત ધર્મબોધ તો ન જ આપે. આ ઉપદેશમાંથી એ પ્રમાણિત થાય છે કે પ્રાચીન, વર્તમાન અને ભવિષ્યમાં પણ સર્વસામાન્ય ધર્મનો આધાર વેદાન્ત (ઉપનિષદ) છે. આધુનિક વિજ્ઞાન સત્યોને સમજવામાં અમુક હદ સુધી અવશ્ય મદદરૂપ થાય છે, તેવું પણ સ્વીકાર્ય છે. એક અને સર્વોપરિ પરમેશ્વરનાં વિભિન્ન સ્વરૂપોની આરાધના તે બોધને સ્વીકાર્ય છે, અને તેને કારણે જ દરેકને પોતાની વિશિષ્ટ આધ્યાત્મિક પ્રકૃતિનો આવિર્ભાવ ક૨વાનું સરળ બને છે. ધર્મના આચરણ ઉપર આ ઉપદેશ અત્યંત ભાર આપે છે. છતાં કેવળ કેટલાક વિશિષ્ટ મતાગ્રહો (dogmas)ના આચરણ માટે નિતાંત બુદ્ધિવાદી મંજૂરી અથવા નામંજૂરીની ચર્ચામાં આ બોધ અટવાતો નથી. આ ઉપદેશ તો પ્રત્યેક મનુષ્યને પોતાને જન્મથી પ્રાપ્ત થયેલા ધર્મને વળગી રહેવા માટે પ્રોત્સાહિત કરે છે, કેમ કે દરેક સાચો ધર્મ, જે મહાપુરુષો શીખવતા હોય છે, પછી ભલે તે ભારતમાંના ઋષિઓ હોય, બુદ્ધ કે જરથુસ્ત હોય, ક્રાઈસ્ટ કે મુહમ્મદ જેવા હોય, તેઓ સર્વોપરિ પરમેશ્વરના જ અવતારો અને પ્રતિનિધિઓ તરીકે તેમના મુખારવિંદથી એનો ઉપદેશ અને ધર્મનો પ્રચાર કરતા હોય છે, અને એવો માર્ગ જ દર્શાવતા હોય છે જે પરમેશ્વર ભણી જ દોરી જતો હોય. આમ મનુષ્યનો જન્મજાત ધર્મ જ તેને માટે સત્યને અને પરમેશ્વરને પ્રાપ્ત કરવાનો સૌથી વધુ ટૂંકો અને સરળ માર્ગ છે. જે ધર્મ મનુષ્યની પોતાની પ્રકૃતિને અનુકૂળ ન હોય તેવો કોઈ પણ બીજો ધર્મ તેને તેના ધ્યેય સુધી કદી પહોંચાડી શકતો નથી અને કેટલાય જન્મો લેવા છતાં પણ તે પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકતો નથી. આમ, મિશન કદી હિન્દુઓને ઈસાઈ બનવાનો ઉપદેશ આપતું નથી, કે ઈસાઈને હિન્દુ બનવા કહેતું નથી, કે કોઈ ઈસાઈને મુસ્લિમ ધર્મ અપનાવવા કહેતું નથી. પરંતુ મિશન તો હિન્દુને સાચા હિન્દુ બનવા, ઈસાઈને સાચા ઈસાઈ બનવા અને મુસ્લિમને સાચા મુસ્લિમ બનવાનો ઉપદેશ જ આપે છે. હકીકતમાં ધર્માંતરની વાતને માટે મિશનમાં કોઈ સ્થાન નથી.

સર્વશ્રેષ્ઠ ન હોય તો પણ વિશ્વના બધા ધર્મો સાથે સંમત થઈ જવાની નીતિ આ મિશને અપનાવી છે, એમ અત્રે સ્પષ્ટ થાય છે. વિભિન્ન વિશિષ્ટ વિભૂતિઓ આપણી માનવજાતિમાંથી નીપજે છે, અને તેથી વિભિન્ન ધર્મો જે તેમણે સ્થાપ્યા હોય તેવું જ્ઞાન આવશ્યક રહે છે. કેટલીક વ્યક્તિઓ મોટે ભાગે શાન્ત અને પ્રસન્નચિત્ત હોય છે (જેને ‘સાત્ત્વિક’ કહી શકાય), કેટલીક ચંચળ અને મહત્ત્વાકાંક્ષી જ હોય છે (જેને ‘રાજસિક’ કહી શકાય) અને કેટલીક નીરસ અને ટાળમટોળ કરનારી હોય છે. (જેને ‘તામસિક’ કહી શકાય). આમ જગતમાં ઘણા બધા ધર્મો હોય જેને આપણે મુખ્યત્વે ચાર મોટા વિભાગોમાં વહેંચી શકીએ છીએ : ‘ભક્તિમાર્ગી’ (જેમાં ભક્તિ દ્વારા પરમેશ્વરની પ્રાપ્તિ કરવાનો માર્ગ દર્શાવાયો હોય), ‘કર્મમાર્ગી’ (જેમાં એ હેતુ માટે કર્મનો માર્ગ દર્શાવાયો હોય’), ‘યોગમાર્ગી’, (જેમાં એકાગ્રતા અને યોગનો માર્ગ મુખ્ય હોય’) અને ‘જ્ઞાનમાર્ગી’ (જેમાં વિવેકજ્ઞાન મુખ્ય હોય). પહેલાંના અથવા આજના સમયના બધા ધર્મોની સરખામણીમાં આ રીતે રામકૃષ્ણ મિશન એકદમ અલગ તરી આવે છે, કેમ કે તેનું ધ્યેય છે એક સંવાદિતાની ખોજ, એક સર્વસામાન્ય આધાર પામવાનું ધ્યેય, અને સર્વધર્મની આવશ્યકતાનો સ્વીકાર. આથી વિપરીત, અન્ય ધાર્મિક માર્ગો પોતાની સર્વશ્રેષ્ઠતાનાં જ બણગાં ફૂંકે છે, પોતાને અજેય માને છે અને અન્યના કરતાં આગળ વધેલા જણાવતા રહે છે. આ અવિનાશી, સાર્વત્રિક અને સર્વદેશીય ધર્મ જેનું જ્ઞાન વેદિક ઋષિઓએ શોધ્યું અને પસંદગીની કેટલીક વ્યક્તિઓને તેનું પ્રદાન કર્યું, અને જે ધર્મનો વિશિષ્ટ રીતે પ્રચાર શ્રીકૃષ્ણે પોતાના સમયના સંસ્કૃત ભારતીય પ્રદેશોમાં કર્યો, એ ધર્મના આધુનિક સંશોધક અને પ્રચારકર્તા શ્રીરામકૃષ્ણ છે. નરૠષિ અથવા મનુષ્યના જ અવતારપુરુષ હતા અર્જુન, અને તેના માધ્યમથી શ્રીકૃષ્ણે ઉપનિષદ્‌ના જ્ઞાનના સારરૂપ અને ખૂબ જ લોકપ્રિય બનેલ ગ્રંથ ‘ગીતા’નો ઉપદેશ તેને આપ્યો જેથી તે બોધ દરેક વયના યોગ્યતા પ્રાપ્ત લોકો સુધી પહોંચે. ‘ગીતા’ પરનાં અનેક ભાષ્યોના રચયિતાઓમાં શ્રી શંકરાચાર્ય, શ્રી રામાનુજ, શ્રી માધવ વગેરે અદ્‌ભુત વિદ્વત્તાપૂર્ણ વ્યક્તિઓ પણ છે. તેમ છતાં આ વ્યક્તિઓ પણ શ્રીકૃષ્ણના સમગ્ર સ્વરૂપથી અજાણ રહીને તેમના ચરિત્રનાં કેટલાંક પાસાં જ સમજી શક્યા હોવાથી એક બીજાના અભિપ્રાયથી સંમત થઈ શક્યા નથી. ભગવદ્‌ગીતામાં શ્રીકૃષ્ણના સર્વદેશીય અને વિશ્વવ્યાપક તેમજ અનંત લક્ષણો દર્શાવાયાં છે અને એના ઉપર જ અગાઉના, આજના અને ભવિષ્યના એકેશ્વરવાદી, વિશિષ્ટ એકેશ્વરવાદી તેમ જ દ્વૈતવાદી મતો અથવા તો ધર્મોનો આધાર રહેલો છે.

શ્રીરામકૃષ્ણમાં એ બધી વિભૂતિઓનો પુનઃ એક વાર સંયુક્ત રીતે આવિર્ભાવ થયો છે, જેથી બધા ધર્મો વચ્ચે સંવાદિતા, શાંતિ અને માનવજાતિ પ્રત્યેના પ્રેમભાવમાં વૃદ્ધિ થાય. જો જન્મ-મૃત્યુના વિષચક્રના કારણરૂપ અજ્ઞાનનો નાશ કરવો હોય, દુઃખથી સ્હેજ પણ ન ખરડાયેલું હોય તેવા અતિશુદ્ધ સુખની શોધ કરનાર ડહાપણનો આવિર્ભાવ આ જ જન્મમાં કરવો હોય, જો આ જગતમાં પ્રેમ, શાંતિ અને સુસંવાદિતા લાવવાં હોય, અને આજે જણાઈ રહેલા વેર અને દ્વેષભાવો, કુસંપ, કિન્નાખોરી, સ્વાર્થીપણું, અને તેવા કેટલાય અવગુણોને આ જગતમાંથી તિલાંજલિ આપવી હોય, અને એ રીતે જો આપણે બધી રીતે સુખી થવું હોય, અને બીજાઓને પણ એ રીતે જો આપણે બધી રીતે સુખી ક૨વા હોય તો શ્રીરામકૃષ્ણના ઉપદેશનો સમગ્ર વિશ્વમાં, બધી જ ભાષાઓમાં, શિક્ષિતો અને અશિક્ષિતોને સભ્ય કે આદિવાસી લોકોને, આશાયુક્તોને કે આશારહિતોને, સુઘડ પોષાકવાળાને કે અણઘડ પોષાકવાળાને, વિશિષ્ટાધિકારવાળાને કે દલિતોને, સર્વેના હિતાર્થે જાતિ, ધર્મ કે રાષ્ટ્રીયતાના કોઈ જ ભેદભાવ વિના, પ્રચાર કરવો રહ્યો.

આ વાતને ધ્યાનમાં રાખીને અને સર્વોપરિ પરમેશ્વરનાં જ વિભિન્ન સ્ત્રી-પુરુષના સ્વરૂપોને સમગ્ર જગતમાં પ્રસરેલાં જાણીને, તેમને શ્રીરામકૃષ્ણની સીધી, સાદી, મિષ્ટ, નિર્મળ તેમ જ સર્વના હૃદયને સ્પર્શી જતી ભાષામાં અપાયેલો આ દિવ્યતા, પ્રસન્નતા અને અનંત પ્રકૃતિની ઝાંખી દરેક આત્માને કરાવતો ઉપદેશ આપવો જોઈએ. આ ઉપદેશ એમ પણ સમજાવે છે કે આપણું અજ્ઞાન જ પાપ, મૃત્યુ, નરક વગેરે માન્યતાઓને સર્જે છે, તેને આપણા મનની નકારાત્મક વૃત્તિઓ જ પોષે છે. આ રીતે રામકૃષ્ણ મિશનના કાર્યકરો આ ઉપદેશ-પ્રચાર દ્વારા કેવળ પોતાના આત્માની મુક્તિ માટે કાર્ય કરે છે એટલું જ નહિ બલકે અન્ય લોકોના આત્મા પર પણ અમીવર્ષા જ કરી રહ્યા છે.

યુવા વર્ગને માટે એક જુનિયર વિવેકાનંદ સોસાયટીની રચના કરવી જોઈએ, જે રામકૃષ્ણ મિશનના દરેક કેન્દ્ર સાથે જોડાયેલી હોય. અઠવાડિયાના બે કે ત્રણ દિવસે તેની આસપાસના સ્થળના યુવાનોને તદ્દન સરળ ભાષામાં ધર્મનાં સત્યો સમજાવતી વાર્તાઓ, કથાઓ તેમ જ વેદો, ઉપનિષદો, પુરાણો અને ઇતિહાસ (રામાયણ તથા મહાભારત જેવાં મહાકાવ્યો)નાં દૃષ્ટાંતો અને જગતના અન્ય ધર્મોના ગ્રંથોમાંથી દૃષ્ટાંતો, વિચારો, સિદ્ધાન્તો વગેરે સમજાવવાં જોઈએ.

મિશનના દરેક સભ્ય પાસેથી અમારી એ અપેક્ષા છે કે મિશનના કોઈ પણ કેન્દ્ર સાથે તેઓ સંકળાયેલા હોય, ત્યાંના પ્રમુખ પાસે તેઓ તદ્દન આજ્ઞાંકિત બનીને કામમાં પરોવાય અને સાથે સાથે તે પ્રમુખો પણ સમગ્ર મિશનના પ્રમુખ સાથે એ જ રીતે માર્ગદર્શન મેળવીને કાર્યરત થાય.

અમારી પ્રાર્થના છે કે શ્રીરામકૃષ્ણના આશિષ મિશનના બધા જ કાર્યકરો પર વરસો, જેથી તેઓ ખંતપૂર્વક સેવાકાર્ય કરી પોતે ધન્ય થાય તેમ જ અન્ય લોકોને પણ ધન્ય કરે. આ મારી પ્રાર્થના હું શ્રીરામકૃષ્ણદેવ, મારા ગુરુના ચરણે સતત ધરું છું.

(‘ઈન્ડિયન રીવ્યુ’ ૧૯૧૦: શ્રી શંકરીપ્રસાદ બસુના સૌજન્યથી)

ભાષાંતર : ડૉ. સુધા નિખિલ મહેતા

Total Views: 181

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.