અમેરિકામાં શારદા કૉન્વૅન્ટ, સાન્તા બાર્બરામાં ૧૯ ઑગસ્ટ ૧૯૮૮ના રોજ, તેમ જ સાન્ડિયાગોમાં ૨૩ ઑગસ્ટ, ૧૯૮૮ના રોજ આપેલ વાર્તાલાપને આધારે. સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના અધ્યક્ષ છે. – સં.

(ગતાંકથી આગળ)

સ્વામી શિવાનંદ

હવે હું તમને સ્વામી શિવાનંદજી મહારાજ. મહાપુરુષ મહારાજ વિશે – થોડુંક કહીશ. તેઓ હંમેશાં નિયત કરેલા કાર્યક્રમનું ચુસ્ત રીતે પાલન કરતા. તેઓ વહેલી સવારે ઊઠી જતા. પછી પ્રાતઃકર્મથી પરવારીને તેઓ જૂના મંદિરમાં બેસીને લાંબા સમય સુધી ધ્યાન કરતા. અત્યારનું મંદિર તે વખતે બંધાયેલું ન હતું; તેથી દરેક જણે એ જૂના મંદિરમાં જ જઈને ધ્યાન કરવું પડતું. તેઓ પોતાનું ધ્યાન પૂરું કરી રહે, તે પહેલાં ઊઠવું, કશું કરવું અમને યોગ્ય લાગતું ન હતું. એટલે તેઓ ઊભા થાય ત્યાં સુધી અમારે બેસી રહેવું પડતું. ત્યાર પછી અમે અમારાં બીજાં કામો કરવાનું શરૂ કરતા.

પોતાનું સવારનું ધ્યાન પૂરું કર્યા પછી મહાપુરુષ મહારાજ પોતાના ઓરડામાં પાછા ફરતા. અને ખૂબ ઝીણવટભરી રીતે બધું પૂછતા. ત્યાં રહેલા માંદાઓની માવજત માટે શી શી વ્યવસ્થા થઈ છે, તે તેઓ જાણવા ઈચ્છતા. તે તે દિવસે શ્રીરામકૃષ્ણને ભોગ ધરાવવા માટેની વ્યવસ્થા સંબંધે તેઓ મંદિરના પૂજાદિ વ્યવસ્થા સંભાળનારા સંન્યાસીને પૂછી લેતા. એક વખત મંદિરની વહેલી સવારની સેવા પૂજા શરુ કરવામાં પૂજારી સંન્યાસી થોડા મોડા પડ્યા. કદાચ તે વધારે પડતાં ઊંઘી રહ્યા હશે. ત્યારે મહાપુરુષ મહારાજે જાતે જ જઈને મંદિર ઉઘાડ્યું અને વહેલી સવારની પૂજા – મંગલ આરતી શરૂ કરી. તેઓ પોતે જ શ્રીરામકૃષ્ણની આરતી ઉતારવા લાગ્યા. ત્યાં સુધીમાં તો પૂજારી સાધુ ત્યાં આવી ગયા હતા અને શાંતિથી તેમની પાછળ ઊભા રહી ગયા હતા. મહાપુરુષ મહારાજે તો પૂજા આરતી પૂરી કરી. અને પૂજારી સંન્યાસીને કશું જ કહ્યા વગર તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. પૂજારી સાધુએ તો મહાપુરુષ મહારાજ પાસેથી ઠપકો મળવાનું ઘણું કરીને ધાર્યું હશે. પણ મહાપુરુષ મહારાજના મૌને જ એને યોગ્ય પાઠ ભણાવી દીધો.

મહાપુરુષ મહારાજને ખાસ કરીને ગાયો ઉપર ભારે પ્રેમ હતો. અને શ્રીરામકૃષ્ણને ભોગ કરાવ્યા પછી વધેલાં ફળો તેઓ પોતાના હાથે જ ગાયોને ખવડાવતા. તેઓ દરરોજ ગાયોની ગમાણની મુલાકાત લેતા અને ગાયોની સારસંભાળ લેતા, સંન્યાસીને ગાયોની જરૂરી માવજત અને સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરતા. મહાપુરુષ મહારાજ નાસ્તો લીધા પછી લગભગ હંમેશાં આખા મઠની પરિક્રમા કરતા.

મહાપુરુષ મહારાજની એક ખાસિયત, તેમની અંદરની તીવ્ર અંતર્મુખી પ્રકૃતિ હતી. એનું અહીં એક ઉદાહરણ આપું છું. સવારનું એમનું બધે ફરવાનું કામ પૂરું કરીને એક વખત રોજની રીતે મઠના પરિસરમાં એક બાંકડા ઉપર બેઠા. થોડા વખત પછી પોતાના ઓરડા તરફ તેઓ જવા લાગ્યા. એક સંન્યાસી આવ્યા અને એમણે એમનો ચરણસ્પર્શ કરીને પ્રણામ કર્યા. એ સંન્યાસીના અવરોધથી – અથડાવાથી – મહાપુરુષ મહારાજ નીચે પડી ગયા. આવે વખતે નીચા નમીને નમસ્કાર કરવા બદલ તેમણે તે સંન્યાસીને ઠપકો આપ્યો. થોડા વખત પછી તેઓ પોતાના ઓરડામાં પાછા ફર્યા અને લાંબા થઈ પડી રહ્યા. હું ત્યાં હતો. મેં ધીરે ધીરે તેમના પગ દાબવા માંડ્યા. તેમણે કહ્યું : ‘મેં પેલા સંન્યાસીને ઠપકો તો આપ્યો, પણ તેનો કંઈ વાંક ન હતો. એ વખતે હું કશું જ જોતો ન હતો, તે ભલા એ કેવી રીતે જાણી શકે?’ આ સાંભળીને મને તો ખૂબ આશ્ચર્ય થયું કે એમની આંખો પૂરેપૂરી પહોળી – ખુલ્લી હોવા છતાં પણ પોતાની સામેનું કશું જ જોઈ શકતા ન હતા!

પોતાની પરિચર્યા કરનારાઓ કોઈ મુસીબતમાં ન આવી પડે એની મહાપુરુષ મહારાજ ખૂબ કાળજી રાખતા. મહાપુરુષ મહારાજ ખૂબ મજબૂત બાંધાના હતા અને તેથી તેમને મસાજ કરવામાં ખૂબ બળ વાપરવાની જરૂર રહેતી. એક ઉનાળાના ધોમધખતા દિવસે હું મહારાજને મસાજ કરી રહ્યો હતો. એવામાં પરસેવાનું એક ટીપું એમના પગ પર પડ્યું. તેમને તરત જ એનું ભાન થઈ ગયું અને તેઓ બોલી ઊઠ્યા : ‘તું હવે થાકી ગયો છે. એટલે હવે મસાજ ચાલુ રાખવાની જરૂર નથી.’ મેં તેમને ખાતરી આપવા વારંવાર સમજાવવાની મથામણ કરી કે એ પરસેવાનું ટીપું તો ભેજવાળા હવામાનને લીધે જ હતું. એ કંઈ મારા થાકને કારણે થયું ન હતું. આ રીતે તેમની સેવા શુશ્રૂષા કરતો કોઈ કશી તકલીફ ભોગવે તો એને માટે તેમને ખૂબ જ લાગી આવતું.

હું જ્યારે મહાપુરુષ મહારાજની સેવા ચાકરીમાં લાગેલો હતો, તે દરમિયાન મને હિમાલયમાં તપશ્ચર્યા કરવાની ઇચ્છા થઈ આવી. પણ આ વાત તેમને જણાવવામાં મને કોઈક પ્રકારે ખચકાટ થતો હતો. એક દિવસ જ્યારે હું તેમના પગને મસાજ કરી રહ્યો હતો, ત્યારે આખરે મેં એ વિષય ઉખેળ્યો અને કહ્યું : ‘મહારાજ, મારા મનમાં કેટલીક મૂંઝવણો છે. હું અહીં આપની સેવા કરવાનું દુર્લભ ભાગ્ય પામી રહ્યો છું; પણ મને તપશ્ચર્યા કરવાની પણ મનીષા છે.’ મહાપુરુષ મહારાજ એકદમ પથારીમાંથી બેઠા થઈ ગયા અને કહેવા લાગ્યા : ‘તારે અવશ્ય જવું જોઈએ. પણ જતાં પહેલાં તારે ગંભીરતાથી ધ્યાનનો અભ્યાસ કરીને પોતાને તે માટે સજ્જ કરવો જોઈએ. સજ્જ થયા વગર તપસ્યા માટે જવું એ કંઈ બહુ ઉપયોગી નહિ થાય.’ ત્યાર પછીના સમયમાં તેઓ મારા તપસ્યા માટે જવાની વાતનો વારંવાર વિચાર કરતા અને તે માટે મને પ્રોત્સાહિત પણ કરતા. મને ઉત્તરકાશી જવાની ઇચ્છા હતી. એકાંત ઝંખતા સાધુ – સંન્યાસીઓ માટે એ સુયોગ્ય યાત્રા સ્થળ મને જણાતું હતું, પણ મહાપુરુષ મહારાજનો વિચાર વળી કંઈક જુદો જ હતો. તેમણે મને કહ્યું : ‘તારું સ્વાસ્થ્ય સારું નથી. એટલે તારે સુયોગ્ય ખોરાક મેળવવામાં કશી મુશ્કેલી ન નડે, એવા કોઈ સ્થળે રહેવું જોઈએ.’ પછી થોડોક વિચાર કરીને તેમણે મારે માટે કાશીની પસંદગી કરી અને મને ગંભીરતાપૂર્વક કહ્યું : ‘અમુક વખત સુધી જ આધ્યાત્મિક સાધના કરજે અને પછી અહીં પાછો ફરજે. અહીંથી બહાર રહીને લાંબા વખત સુધી એ ચાલુ રાખ્યા કરવી યોગ્ય નથી. કારણ કે તીવ્ર આધ્યાત્મિક રાધનાથી ઉત્પન્ન થતા ઉત્સાહને એ હાનિ પહોંચાડે છે.’

ત્યાર પછી ઘણા વખતે એક બીજી ઘટના બની. તે આ છે. ત્યારે હું ઉત્તરકાશીમાં હતો. ત્યાં સાધુ સંન્યાસીઓ માટે કુટિરો બનાવવાની જબરી જરૂર ઊભી થઈ. ત્યાં રહેતા સાધુ સંન્યાસીઓએ મને વારંવાર આપણા સંન્યાસીઓ માટે રહેઠાણ બનાવવા માટે કામ હાથમાં લેવા માટે કહ્યું હતું, અમારા વરિષ્ઠ સંન્યાસી પૈકીના એકે તો આ આવાસના નિર્માણ માટે ધન આપવાનું પણ કબૂલ્યું હતું. મેં આ વાત મહાપુરુષ મહારાજને કહી અને તેમની સલાહ માગી. તેમણે જવાબમાં મને લખ્યું : ‘આપણાં ઘણાં કેન્દ્રોમાં મકાનો ચણવાનું કામ તો ક્યારનું ય ચાલે જ છે. જો તું એવા કામમાં પોતાને પરોવવા માગતો હોય, તો પાછો મઠમાં આવી જા. અહીં ઘણા માણસોની ઓછપ વરતાય છે. અને જો તારે કેટલાક વધુ વખત સુધી ત્યાં જ રહેવું હોય તો બીજાના ઘરમાં સાપની પેઠે છૂપો ઘૂસીને રહે. ત્યાં કંઈ મકાનો ચણવાની જરૂર નથી.’

શાસ્ત્રાધ્યયન પ્રત્યે મહાપુરુષ મહારાજનું ખાસ આકર્ષણ હતું. તેમણે પોતે જ ઉપનિષદનું એક પુસ્તક ખરીદ્યું હતું અને એ લઈને અમારી સાથે વર્ગોમાં લગભગ બેસતા. અલબત્ત, અમારી વચ્ચેની એમની પાવક ઉપસ્થિતિથી અમે સ્વતંત્રતાનો કે આઝાદીનો અનુભવ તો કરી શક્યા નહિ. તેઓ અમારી લાગણીઓ સમજી ગયા અને તેમણે વર્ગમાં આવવાનું બંધ તો કર્યું. પણ વર્ગમાં શાની શાની અને શી શી ચર્ચાઓ થઈ, તે તેમને જણાવવાનું કહ્યું. દરેક દિવસના પાઠનું વર્ણન કરવાની આ ફરજ ઓમ્‌કા૨ાનંદજી ઉપર આવી. અને એમની ગેરહાજરીમાં આ કામ હું કરતો.

હું આગળ જણાવી ગયો છું કે મારી બ્રહ્મચર્ય દીક્ષા માટે અને સંઘમાં મારા પ્રવેશની અનુમતિ માટે તેમની પાસે જતાં ડરતો હતો. પણ પછીના સમયમાં એ ડર ચાલ્યો ગયો. હું જ્યારે મહાપુરુષજીને મળ્યો ત્યારે તેઓ બાહ્ય રીતે કંઈક ગંભીર પ્રકૃતિના અને તપસ્વી જેવા જણાયા. કોઈને ઠપકો આપવાનું જરૂરી બને તો તેઓ કૃત્રિમ હાવભાવવાળા શબ્દો કહેતા નહિ. અને એટલા માટે ઘણાને એમનો ડર લાગતો; પણ પછી ધીરે ધીરે અમે સૌએ જાણ્યું કે તેઓ તો પ્રેમાળ હૃદયવાળા પુરુષ છે. પછીના દિવસોમાં તો એમનો બહારનો કર્કશ દેખાવ પણ લુપ્ત થઈ ગયો. પછી તો તેઓ એટલા બધા કોમળ હૃદયવાળા થઈ ગયા હતા કે બીજાઓ માટે પોતાના હૃદયમાં અનુભવાતા પ્રેમને છૂટથી અભિવ્યક્ત કરતા. તેઓ શ્રીરામકૃષ્ણના એક બાળકની પેઠે જીવતા. તેઓ સંઘના અધ્યક્ષ હતા, એ હકીકતનું તેમને ભાગ્યે જ ભાન રહેતું. એમનો એક પાળેલો કૂતરો હતો એને બતાવીને તેઓ વારંવાર કહેતા : ‘આ મારો કૂતરો છે અને (પોતાને બતાવીને) આ શ્રીરામકૃષ્ણનો કૂતરો છે.’ તેમણે આ વાત અમારી પાસે ઘણી વખત કરી હતી. ઘણા જુદા જુદા તરીકાઓથી મહાપુરુષ મહારાજે અમારા જીવનનું ઘડતર કર્યું છે. અને એટલા માટે જ અમારા હૃદયમાં તેઓ એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે.

સ્વામી અખંડાનંદ

મહાપુરુષ મહારાજ પછી સ્વામી અખંડાનંદજી સંઘના અધ્યક્ષ થયા. માનવ પ્રાણીઓની ઈશ્વરભાવે સેવા કરવાના સ્વામીજીના આદર્શ (શિવભાવે જીવસેવા)નો અમલ કરવામાં તેઓ બધા ગુરુભાઈઓમાં સર્વ પ્રથમ હતા. તેઓ કહ્યા કરતા કે સારગાછીના આશ્રમમાં તેમણે એવી પ્રથાનો આવિર્ભાવ કર્યો કે ત્યાં શ્રીરામકૃષ્ણનું મંદિર જ ન હતું. આશ્રમમાં આવનારા બધા માનવ જીવોની ત્યાં ઈશ્વરભાવે પૂજા થતી.

એક દિવસે નદીને કિનારેથી મઠના મકાનમાં પ્રવેશવા માટે હું વાડ ઓળંગી રહ્યો હતો. ત્યાં એક નાનો દરવાજો હતો અને તેને ઊંચો કરીને આશ્રમમાં પ્રવેશ કરાતો, સ્વામી અખંડાનંદજી દાદર ઉપરના, સ્વામીજીના ઓરડાની નજીકના ઓરડામાં હતા. તેઓ બારીમાંથી બહાર જોઈ રહ્યા હતા. મારાથી થોડે દૂર એક પાગલ માણસ પોતાની પીઠ પર થેલી રાખીને ચાલી રહ્યો હતો. હું દરવાજામાં પ્રવેશ્યો અને પછી પેલા પાછળના પાગલને કશો ખ્યાલ ન આવે, એ રીતે દરવાજો પાછો નીચે કરી દીધો. સ્વામી અખંડાનંદજીએ આ જોયું. તેમણે મને પોતાના ઓરડામાં બોલાવીને કહ્યું : ‘શું તમે એમ માન્યું કે તમારી પાછળ આવતો પેલો માણસ પોતાની પીઠ પરના ભારે બોજાની સાથે દરવાજામાં પ્રવેશ કરવામાં મુસીબત અનુભવશે?’ મેં મારી એ ખોટી માન્યતા માટે તેમની પાસે દિલગીરી વ્યક્ત કરી. મેં કહ્યું : ‘મારે એ માણસ માટે દરવાજો ખુલ્લો રાખવો જોઈતો હતો.’ સ્વામી અખંડાનંદજીએ મને કહ્યું : ‘તમારે બીજાઓની અનુકૂળતા માટે હંમેશાં ધ્યાન રાખવું જ જોઈએ. ભલે પછી એ માણસનું કંઈ મહત્ત્વ ન હોય! અથવા તો ભલે એ પાગલ હોય! તો પણ એની કાળજી તો અવશ્ય લેવી જોઈએ.’

એક બીજો પ્રસંગ હું અમારા મૈસૂર કેન્દ્રમાંથી બેલુર મઠમાં પાછો ફર્યો હતો અને કેટલોક સમય તપસ્યામાં પસાર કરવાનું આયોજન કરી રહ્યો હતો. પણ મહાપુરુષજીની માંદગીને કારણે મઠમાંથી જવાનો એ કાર્યક્રમ મેં પડતો મૂક્યો. પછી એમના અવસાન બાદ મેં સ્વામી અખંડાનંદજીની કેટલોક સમય ઉત્તરકાશીમાં તદ્દન આધ્યાત્મિક સાધનામાં જ ગાળવા માટેની પરવાનગી માગી. એ જ વખતે બિહારમાં ધરતીકંપ થયો હતો અને કેટલાય માણસોએ પોતાના જાન ગુમાવી દીધા હતાં. ત્યાંની મિલકતોને પણ ખૂબ ભારી નુકસાન થયું હતું. સ્વામી અખંડાનંદજીએ મને કહ્યું : ‘અત્યારે તો તમારે ક્યાંય પણ જવાનો પ્રશ્ન જ ઉદ્‌ભવતો નથી. અત્યારે તો તમારે મારી સાથે રાહતકાર્યમાં જ આવવું જોઈએ.’ હું તરત જ સંમત થયો અને મેં કહ્યું કે હું તૈયાર જ છું.

એના પછીના એક દિવસે સ્વામી અખંડાનંદજી પોતાની રોજની રીત પ્રમાણે ચાની કિટલી સામે રાખીને બેઠા હતા. એમણે એક કપ પૂરો કર્યો પછી કિટલીમાંથી મેં જઈને એમને માટે બીજો કપ ભર્યો. એમણે હસીને કહ્યું. : ‘શું વાત છે? શું તમે જવા માટે મારી પરવાનગી મેળવવા માટે મને ખુશ કરવાનો પ્રયત્ન કરો છો?’ મેં કહ્યું : ‘મહારાજ, એવી તો કોઈ વાત નથી. આ તો સાવ નિઃસ્વાર્થ સેવા છે.’ તેઓ હસ્યા. આવી તો કેટલીયે ઠઠ્ઠા મશ્કરીઓ ભેગા મળીને અમે રોજબરોજ કરતા રહેતા.

પછીના એક દિવસે તેમણે મને કહ્યું : ‘હવે તમે લોકો જાઓ અને કોઈક સ્થળે રહો. અને તમારા ધ્યાન વગેરે કરો. અમારા જમાનામાં અમે ભગવાન ભરોસે, એક ઠેકાણેથી બીજે ઠેકાણે, ઊંડા ધ્યાનની જાગૃતિ સાથે, ક્યાંય કશી આસક્તિ રાખ્યા વગર, આખો વખત સાવ અલગારી થઈને રખડ્યા જ કરતા.’ મેં કહ્યું : ‘મહારાજ, મેં તો એ પ્રકારનો ક્યારેય પ્રયત્ન કર્યો નથી. જો આપ મને રજા આપો તો આ વખતે પ્રયત્ન કરી જોઉં.’ તેમણે થોડો વખત વિચાર કરીને કહ્યું : ‘ના, તમે સ્વભાવે શરમાળ છો. આ પ્રકારનું જીવન તમને બંધ બેસતું નહિ થાય. તમે ઘેર ઘેર ભિક્ષા માગી નહિ શકો.’ પછી તેમણે કહ્યું : ‘જુઓ, એક બીજો છોકરો પણ જઈ રહ્યો છે. તમે બન્ને એકી સાથે મુસાફરી કરી શકો છો. એ ભાઈ તમારી સારસંભાળ લેશે.’

જે ભાઈ – બ્રહ્મચારી મહારાજનો ઉલ્લેખ થયો છે, તે મારા મિત્ર હતા, પણ એમની સાથે મુસાફરી કરવાનું કશું આયોજન મેં કર્યું ન હતું. વળી, તેઓ મેં ધારેલા સ્થાનથી સાવ જુદે જ સ્થળે જવાના હતા. એટલે અમે ફક્ત રેલવે સ્ટેશન સુધી જ સાથે મુસાફરી કરી શક્યા અને ત્યાંથી જ છૂટા પડ્યા. પછી વારાણસી જઈને મેં સ્વામી અખંડાનંદજીને એક પત્ર લખ્યો અને તેમના આશીર્વાદ માગ્યા અને તેમણે મને ખરા હૃદયથી આશીર્વાદ આપ્યા.

સ્વામી તુરીયાનંદ

સ્વામી તુરીયાનંદનું મને જબરું આકર્ષણ હતું. તેમના જીવનની મને વધારેમાં વધારે પ્રભાવિત કરી દેનારી વાત એ હતી કે તેઓ આધ્યાત્મિક્તાની બાબત સિવાયની કોઈ જ વાત કરતા ન હતા. એ જ એમનો સ્વભાવ હતો. તેઓ હંમેશાં ઈશ્વરના વિચારમાં જ તન્મય રહેતા. તેમનું વ્યક્તિત્વ સબળ હતું. તેઓ અમને વારંવાર એ જ ઉપદેશ દેતા એ માનવ જીવનનો હેતુ ઈશ્વર સાક્ષાત્કાર છે, બીજો કોઈ હેતુ નથી. પણ એનો અર્થ એ નથી થતો કે તેમને અમારા સંઘના સંન્યાસીઓનું વિદ્વતાપૂર્ણ જીવન ગમતું ન હતું. એક વખત મેં એમને અત્યંત ક્રોધી મિજાજમાં જોયા. એમ જાણવા મળ્યું હતું કે સંઘના એક સામયિકપત્રમાં તેમને ભૂલ મળી આવી. એમણે એ માટે જવાબદાર સંન્યાસીનો ઉધડો લીધો અને જે કંઈ પ્રકાશિત થાય, તેના પર પૂરતું ધ્યાન આપવા કહ્યું. પ્રકાશનમાં એક પણ છાપભૂલ ન હોવી જોઈએ એમ સૂચવ્યું.

એક વખત સ્વામી તુરીયાનંદજીએ કહ્યું હતું કે પોતાના આખા જીવનમાં તેઓ ક્યારેય આરામ ખુરશી પર દેહ ઢાળીને બેઠા નથી. તેમણે કહ્યું કે તેઓ હરહંમેશ ટટ્ટાર જ બેઠા છે. એમની આ વાત અક્ષરશઃ સાચી છે. તેમના જીવનમાંથી તમે એ પ્રસંગ તો જાણો જ છો કે જ્યારે ખુબ જ વેદના થાય એવા શારીરિક વાઢકાપના પ્રસંગે તેમણે ઍનૅસ્થૅશિયા – (મૂર્ચ્છિત કરનાર રસાયણ) લેવાની ના પાડી દીધી હતી. તેમણે ફક્ત પોતાના મનને શરીરમાંથી પાછું ખેંચી લીધું હતું. મનને શરીરથી અળગું કરી દીધું હતું. ડૉક્ટર તો આ જોઈ ભારે નવાઈ પામ્યા. પછી બીજે દિવસે ડૉક્ટર જ્યારે ઘાવની પાટાપીંડી કરી રહ્યા હતા ત્યારે ઘાવમાંના કેટલાક અશુદ્ધ માંસનો એમણે સ્પર્શ કર્યો અને પછી છરીથી એ નાનકડા કચકચતા ભાગને કાઢી નાખવાનો પ્રયત્ન કર્યો. સ્વામી તુરીયાનંદજી તો હલી ઊઠ્યા અને વેદનાથી ચીસ પાડી ઊઠ્યા. ડોક્ટરે કહ્યું : ‘મહારાજ, ગઈ કાલે ભારે વાઢકાપ કરતી વખતે આપને કશી પીડાનો અનુભવ થયો ન હતો. અને આજે આ સાવ નાનકડી વાઢકાપમાં આપને વેદના થાય છે?’ સ્વામી તુરીયાનંદજીએ તેમને કહ્યું : ‘આજની નાનકડી કાપકૂપ માટે હું તૈયાર થયો ન હતો. જો મને થોડી વહેલી આ બાબતની જાણ કરી દીધી હોત તો મેં મારા મનને શરીરમાંથી ખેંચી લીધું હોત. અને તે માટે તૈયાર થઈ ગયો હોત.’ તેમનો પોતાના મન અને શરીર ઉપર આવો કાબૂ હતો.

તેઓ વારંવાર કહેતા : ‘તમે જ્યારે ધ્યાનમાં બેસો, ત્યારે તમારા મનને દરવાજે લખી દેજો – પ્રવેશ બંધ છે.’ આવો કાબૂ તેમને પોતાના ઉપર હતો અને એવો કાબૂ મેળવવા માટે પ્રયત્ન કરવાની બધા પાસે અપેક્ષા રાખતા.

શ્રીરામકૃષ્ણના શિષ્યો વચ્ચેનો સહવાસ એક અનન્ય અનુભવ હતો. અમારામાંના દરેકને એવું લાગતું કે આપણે બધા એક વિશાળ આધ્યાત્મિક પરિવારના સભ્યો છીએ. બધાના આધ્યાત્મિક પ્રેમના બંધનથી એકબીજા સાથે આખો સંઘ ઘનિષ્ઠ રીતે ગૂંથાયેલો હતો. શ્રીરામકૃષ્ણના એ શિષ્યોના જીવન વિશે વિચાર કરવો, તે એક ઊર્ધ્વગામી અનુભવ છે. તેમના જીવનમાં વેદાંતના ઉપદેશોને દૃષ્ટાન્ત રૂપે થતા આપણે નિહાળીએ છીએ. આપણા બધા ઉપર તેમના આશીર્વાદો ઊતરો.

અનુવાદ : : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

(‘વેદાંત કેસરી’ નવે. ‘૯૭માંથી સાભાર)

Total Views: 256

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.