(લક્ષ્મીદીદીના જીવન પ્રસંગો)

(ગતાંકથી ચાલુ)

તે દિવસે શ્રીરામકૃષ્ણની તબિયત ખૂબજ અસ્વસ્થ હતી. તેઓ પથારીમાં ઓશીકાને અઢેલીને બેઠા હતા. સર્વત્ર શાંતિ પથરાયેલી હતી. તેમના બધા શિષ્યો ઊંડી ચિંતામાં મગ્ન બનીને ચૂપચાપ બેઠા હતા. તે સમયે શ્રીમા શારદાદેવી અને લક્ષ્મીદીદી અંદર આવ્યાં. તેમને અંદર આવેલાં જોઈને શ્રીરામકૃષ્ણ ધીમે સાદે બોલ્યા; “તમે આવ્યાં છો, જુઓ, હું એવું અનુભવું છું કે જાણે હું ક્યાંક જઈ રહ્યો છું. પાણીમાં થઈને દૂર દૂરના પ્રદેશમાં જઈ રહ્યો છું.” આ સાંભળીને મા અને લક્ષ્મીદીદી રડવા લાગ્યાં. ત્યારે ઠાકુરે કહ્યું; “તમે રડો નહીં, તમે જેમ રહેતાં હતાં, તેમ જ રહેશો. નરેન ને બીજા મારી સેવા કરે છે, તેમ જ તમને રાખશે. લક્ષ્મીનું ધ્યાન રાખજો. તેને તમારી પાસે રાખજો. તે પોતાની સંભાળ રાખી શકશે. તમારા ઉપર બોજો નહીં નાખે.” આ હતા શ્રીરામકૃષ્ણે પોતાના લીલાસંવરણના આગલા દિવસે ઉચ્ચારેલા શબ્દો. એવે સમયે પણ તેમણે શ્રીમાને લક્ષ્મીનું ધ્યાન રાખવા અને તેમની પાસે રાખવા કહી દીધું! આમ છેક સુધી લક્ષ્મીદીદી શ્રીરામકૃષ્ણની આંતરચેતના સાથે જોડાયેલાં હતાં.

૧૮૭૨થી ૧૮૮૫ સુધીનો લક્ષ્મીદીદીનો સમયગાળો તેમના જીવનનો ઉત્કૃષ્ટ સમય હતો. ઠાકુર અને માના સાન્નિધ્યમાં આધ્યાત્મિક ઘડતરનો એ સમય હતો. જ્ઞાનસંપાદનનો એ કાળ હતો. શ્રીરામકૃષ્ણના લીલાસંવરણ બાદ લક્ષ્મીદીદીના જીવનનો ત્રીજો તબક્કો શરૂ થયો. અત્યાર સુધી તેમણે જે સાધનાઓ કરી હતી, જે જ્ઞાન સંચિત કર્યું હતું; એ બધું હવે જનકલ્યાણ અર્થે પ્રયોજવાનું હતું. શ્રીરામકૃષ્ણે પણ એ જ ઈછ્યું હતું કે લક્ષ્મી ઘરની ચાર દિવાલોમાં પૂરાઈ ન રહે પણ અસંખ્ય દુ:ખી લોકોની ઉદ્ધારક બને. અને થયું પણ તેમ જ. તેમના મધુર કંઠે ગવાતાં કીર્તન સાંભળતાં તો લોકો ભાન ભૂલી જતા. કામારપુકુરમાં એક વખત લાહાબાબુની અગાસી ઉપર લક્ષ્મીદીદીનું કીર્તન સાંભળવા લગભગ ચાળીસ જેટલી સ્ત્રીઓ ભેગી થઈ હતી. અગાસીનો દરવાજો બંધ કરીને બધી સ્ત્રીઓ કીર્તનમાં એવી તો મગ્ન થઈ ગઈ કે નીચેથી પુરુષોએ બૂમો પાડીને કહ્યું કે “દરવાજો બંધ કરી જાઓ, અમે બહાર જઈએ છીએ.” પણ કોઈએ સાંભળ્યું જ નહીં. આથી પુરુષો ગુસ્સે થઈને બહારના દરવાજાને તાળું મારીને ચાલ્યા ગયા. જ્યારે કીર્તન પૂરાં થયાં અને સ્ત્રીઓ બહાર જવા માટે નીકળી ત્યારે તેમને ખબર પડી કે તેઓ પૂરાઈ ગયાં છે, બહાર જઈ શકાય તેમ નથી. પણ પછી તેઓએ બહાર જવાની યુક્તિ શોધી કાઢી. બહાર રાખનો મોટો ઢગલો પડ્યો હતો, તેના પર અગાસીમાંથી કૂદીને બહાર નીકળી ગયાં! પરંતુ લક્ષ્મીદીદીના કીર્તનના જાદુના પ્રભાવની પ્રતીતિ તે દિવસે લાહાબાબુઓને થઈ ગઈ!

એમનું મૃત્યુ તો અપૂર્વ હતું અને પૌરાણિક પાત્રોનો અભિનય કરવાની શક્તિ પણ અદ્ભુત હતી. ભગિની નિવેદિતાએ એ વિશે લખ્યું છે કે તેઓ પૌરાણિક પાત્રોની નકલ કરતાં. એકપાત્રી મૂક અભિનય કરતાં. કાલી, સરસ્વતી, જગદ્ધાત્રી બનતાં. ક્યારેક કદંબ નીચે વાંસળી વગાડતા કૃષ્ણનું રૂપ ધારણ કરતા તો વળી ક્યારેક બલરામ તો વળી ક્યારેક કૃષ્ણ વિરહમાં વ્યાકુળ રાધા બનતાં. તેમનું રૂપ લાવણ્ય અનુપમ હતું. તેમના અંગ પ્રત્યંગો દેવી સમાન હતાં. તેમનો સ્વર અત્યંત મધુર હતો અને સ્મરણશક્તિ તીવ્ર હતી. બીજાઓની આબેહૂબ નકલ કરવામાં તેઓ ભારે નિપુણ હતાં. તેઓ બે ત્રણ કલાક સુધી કીર્તન ગાતાં અને શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ તેમને સાંભળતા અને ત્યારે સ્થળ અને કાળ વિસરાઈ જતાં. આવી એક સભામાં નિવેદિતા સ્વયં હાજર હતાં. તેમણે કાલી ભક્ત રામપ્રસાદનું ગીત ગાયું અને બધાં મા જગદંબાના અપૂર્વ ભાવમાં ડૂબી ગયાં. પછી નિવેદિતા સિંહ બન્યાં અને લક્ષ્મીદીદી બન્યાં જગદ્ધાત્રી. સિંહની પીઠ ઉપર તેઓ સવાર થયાં અને ગર્જના કરતા સિંહે આ મા જગદ્ધાત્રીને ચારેબાજુ ફેરવ્યાં. ત્યાં હાજર રહેલાં સહુ કોઈને એવું લાગ્યું કે જાણે તેમનામાં સાક્ષાત્ જગંદબાનો આવિર્ભાવ થયો ન હોય!

લક્ષ્મીદીદીને ઘણી વાર બલરામનો ભાવાવેશ આવી જતો. તે સમયે તેઓ પુરુષની જેમ કચ્છ લગાવીને નૃત્ય કરવા લાગતાં. એ વખતે તેઓ દક્ષિણેશ્વરમાં માટીની ઝૂંપડીમાં રહેતાં હતાં. તેમનો એક ભક્ત તેમના માટે માલતી પુષ્પોની માળા ને પ્રસાદ માટે ફળો ને મીઠાઈ લાવ્યો હતો. તેમણે લક્ષ્મીદીદીને માળા પહેરાવી, પ્રણામ કરી ફળો ને મીઠાઈ તેમના ચરણોમાં મૂક્યાં ને તે જ ક્ષણે તેઓ બલરામના ભાવાવેશમાં સરી પડ્યાં. વાળ બંને બાજુએ આગળ કરી, ડોકમાં લાલ અંગૂછો પહેરીને ઉછળતાં, કૂદતાં ગીત ગાવા લાગ્યાં અને નૃત્ય કરવા લાગ્યાં. તે વખતે તેમને બાહ્ય ભાન તો હતું જ નહીં અને છતાં તેઓ અદ્ભુત નૃત્ય કરી રહ્યાં હતાં. ધીમે ધીમે ત્યાં એટલા બધા લોકો એકત્ર થઈ ગયા કે તે આખું સ્થળ ભરાઈ ગયું. પછી ઘણી વારે એ ભાવાવેશ શમ્યો. નૃત્ય અને કીર્તનમાં તેમને ખૂબ રસ હતો. એમનો કંઠ પણ મધુર હતો. છતાં તેઓ દરેક જગ્યાએ મુક્તપણે કીર્તન કરતાં નહીં. પોતે સ્ત્રી છે, અને તેમણે લજ્જા મર્યાદામાં રહેવાનું છે એ ઠાકુરે આપેલું શિક્ષણ તેઓ ક્યારેય ભૂલ્યાં નહોતાં. એક વખત તેમણે ભક્તોને કહ્યું પણ હતું; “શું કરું? સ્ત્રી થઈને જન્મી છું. જો પુરુષ થઈ હોત તો બતાવી આપત કે કીર્તન કેવું હોય છે!” પોતાના અંતરંગ ભક્તો પાસે જ તેઓ નિઃસંકોચ રીતે વર્તતાં. બાકી સામાન્ય મનુષ્યો સમક્ષ તો તેઓ લજ્જાળુ અને સંકોચશીલ રહેતાં.

ઠાકુરના તિરોધાન પછી તેઓ કામારપુકુર ચાલ્યાં ગયાં હતાં. પણ પછી શ્રીમા સાથે એમણે વૃંદાવન અને કાશીની તીર્થયાત્રા પણ કરી હતી. શરૂઆતમાં તો શ્રીમાનું પણ રહેવાનું ક્યાંય નિશ્ચિત સ્થળ નહોતું. આથી તેઓ પણ કામારપુકુરમાં રહેતાં હતાં. લક્ષ્મીદીદીના મોટાભાઈ રામલાલ દક્ષિણેશ્વરમાં કાલીમંદિરના પૂજારી તરીકે રહેતા હતા. તેમની પત્નીનું અવસાન થયા પછી તેમણે લક્ષ્મીદીદીને દક્ષિણેશ્વર બોલાવી લીધાં અને ત્યાં તેઓ લગભગ દસ વર્ષ રહ્યાં. પછી શિષ્યોએ એમને દક્ષિણેશ્વરમાં જ બે માળનું પાકું મકાન બંધાવી આપ્યું. તેઓ તેમાં રહેવા ગયાં. આ મકાન દક્ષિણેશ્વરના બગીચાની પાસે જ હતું. તેની અગાસી પરથી ગંગાનાં દર્શન થતાં હતાં. ગંગા માતા પ્રત્યે તેમને ઊંડો ભક્તિભાવ હતો. તેઓ ગંગાના નિત્ય દર્શન કરતાં. ઉદ્‌બોધનમાં શ્રીમાનું મકાન બંધાયા પછી તેઓ અવારનવાર શ્રીમા પાસે પણ રહેવા જતાં. પાછળથી તેઓ જગન્નાથપુરીમાં રહેવા જતાં રહ્યાં હતાં. ત્યાં પણ ભક્તોએ તેમને ‘લક્ષ્મી નિકેતન’નામનું મકાન બંધાવી આપ્યું હતું. આ મકાન પર તેમણે ‘શ્રીરામકૃષ્ણની જય’ એમ લખાવ્યું હતું. જીવનના અંત સુધી તેઓ આ મકાનમાં રહ્યાં હતાં.

લક્ષ્મીદીદીએ અનેક તીર્થોની યાત્રાઓ કરી હતી. ગયા, વારાણસી, વૃંદાવન, નવદ્વીપ, ગંગાસાગર અને જગન્નાથપુરી આ બધાં જ તીર્થોમાં તેમને પોતાના ઈષ્ટદેવ રાધાકૃષ્ણની ચરણરજથી પાવન થયેલું વૃંદાવન અતિપ્રિય હતું. એક વખત તેઓ એક વયોવૃદ્ધ ભક્ત અને પોતાની શિષ્યા રુક્મણિને લઇને વૃંદાવન ગયાં હતાં, એ ભક્તને લૂ લાગવાથી તેમનું મૃત્યુ થયું. લક્ષ્મીદીદી એની અંતિમ ક્રિયા માટે સ્મશાન ઘાટ પર રોકાયાં અને રુક્મણિને ઘેર મોકલી. તો રુક્મણિ લક્ષ્મીદીદીની પેટીમાંથી બસ્સો રૂપિયા લઈને ભાગી ગઈ. તેઓ જ્યારે ઘેર આવ્યાં ત્યારે તેમને જાણ થઈ. હવે તેમની પાસે તો કંઇ પૈસા હતા નહીં. તેઓ કપરી પરિસ્થિતિમાં મુકાઈ ગયાં. અગાઉ તેમણે એક વૃંદાવનવાસીને મદદ કરી હતી. તેઓ તેની પાસે ગયાં અને થોડા દિવસ માટે આશ્રય માગ્યો પણ તેણે તો ઈન્કાર જ કરી દીધો. એટલે પછી તેમને પૈસા વગર, આશ્રય વગર, વૃંદાવનમાં અહીં તહીં ભટકવું પડ્યું ને અન્નક્ષેત્રની વાસી રોટલી ખાઈને દિવસો પસાર કરવા પડ્યા. તેમણે ઘરે જાણ કરીને પૈસા મંગાવ્યા. ઘરે જાણ થતાં એક શિષ્યને વૃંદાવન મોકલીને તેમને કલકત્તા તેડાવી લીધાં. પરંતુ આવા કપરા દિવસોમાં પણ તેમનું સાધન ભજન ચાલતું જ રહ્યું. તેઓ હિંમત હાર્યાં નહીં. કલકત્તા આવીને જોયું તો રુકમણિ ભયાનક રોગમાં પટકાઈ પડી હતી. તે અપરાધી હતી તો ય લક્ષ્મીદીદી તેને જોવા ગયાં. આંસુભરી આંખે તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો. પણ પૈસા પાછા મળી શકે તેમ નહોતા કેમકે તેણે પોતાના ભાઈઓને એ રકમ આપી દીધી હતી ને ભાઈઓએ તે ઉડાડી નાખી હતી. રુક્મણિએ રડતાં રડતાં ક્ષમા માગી. લક્ષ્મીદીદીએ ક્ષમાની સાથે વૃંદાવનનો શ્રીકૃષ્ણનો પ્રસાદ પણ આપ્યો! આમ અપરાધીને દંડ તો નહીં જ, પણ ક્ષમાની સાથે પ્રભુનો પ્રસાદ ને આશીર્વાદ આપી તેના જીવનને ઊંચે ઊઠાવવાની શ્રીરામકૃષ્ણની કરુણા તેમણે આ પતિતા ઉપર વહાવી તેના જીવનનો ઉદ્ઘાર કરી દીધો!

તેઓ માયાળુ અને કરુણાસભર હોવા છતાં જરૂર પડ્યે દૃઢ અને ઉગ્ર પણ બની શકતાં હતાં. અસત્ય, અન્યાય કે નિમ્ન આચરણને તેઓ સહી શકતાં નહીં. વારાણસીના કેદારનાથના મંદિરમાં તેમને એક યુવાને સ્પર્શ કર્યો. પહેલાં તો તેમને થયું કે આ તો અમસ્તો જ સ્પર્શ હશે. એટલે તેમણે ઝાટકો મારીને તેના હાથને દૂર હટાવી દીધો. પણ ફરી એ જ પુનરાવર્તન થયું. આથી તેઓ એ યુવાનનો આશય સમજી ગયાં. પછી તેમણે ડાબે હાથેથી તેમના વાળ પકડ્યા અને જમણે હાથેથી તેને જોરથી થપાટો મારી. દુષ્ટની સામે જાણે કાલીનો પ્રકોપ ભભૂકી ઊઠ્યો. એ યુવાન એટલો ડરી ગયો કે ‘હવે કદી કોઈને ય આવું નહીં કરું’ એમ કહીને રડતો રડતો ભાગ્યો. મંદિરના પૂજારીજીએ આ જોયું. તેઓ બહાર આવ્યા ને લક્ષ્મીદીદીને કહ્યું : “મા, તમે બહુ જ સારું કર્યું. આ યુવાન અહીં દર્શને આવતી યુવતીઓની છેડતી કર્યા કરતો હતો તે આજે ભગવાન કેદારનાથે તેને આપના દ્વારા બરાબર પાઠ ભણાવી દીધો.”

તેઓ જરૂર પડ્યે મક્કમ પણ બની શકતાં હતાં. કામારપુકુરના લાહાબાબુઓના કુલદેવી શીતળામાતા હતાં. ઉપેન્દ્રલાહા મહાશય પોતાના આ કુલદેવીને બકરાનો બલિ ચઢાવવા તૈયાર થયા. લક્ષ્મીદીદીને આની જાણ થતાં તેમણે મનાઈ ફરમાવી. પણ તેઓ માન્યા જ નહીં. એટલે દીદીએ પ્રાણપણે એ રોકવાનો પ્રયત્ન કર્યો અને આખરે લાહાબાબુને દીદીની વાત સ્વીકારવી પડી ને બિલ અપાતો અટકી ગયો. ત્યાર પછી ત્યાં કદી પણ પશુબલિ અપાયો નહીં.

સમય આવ્યે તેઓ અગ્નિમૂર્તિ પણ બની શકતાં હતાં. ખાસ કરીને ત્યાગીઓના જીવનમાં લેશમાત્ર પણ ચ્યૂતિ જણાય તો તેઓ સહી શકતાં નહીં. એક યુવાન સાધુને સ્ત્રીઓના નિવાસમાં જોઈને તેમણે કહ્યું હતું, “છિ, છિ. સ્ત્રીઓની પાછળ કંઈ સાધુ દોડતો હશે?” એક સાધુને તેના કર્તવ્યનું ભાન કરાવતાં તેમણે એમ પણ કહ્યું હતું, “શ્રીરામકૃષ્ણના બાળક તરીકે તમે એમના ઉપદેશને કેવી રીતે ભૂલી ગયા?” પછી એ સાધુએ મઠ છોડી દીધો તો પણ લક્ષ્મીદીદી એના કલ્યાણ માટે ઠાકુરને પ્રાર્થના કરતાં રહેતાં.

તેમને સર્વ પ્રત્યે સમાન ઉદાર ભાવ હતો. તેઓ પોતે વૈષ્ણવ હતાં. છતાં ય જ્યારે તેઓ જયદેવ ગોસ્વામીના ઉત્સવમાં ગયાં હતાં. ત્યાં ત્યારે તેમણે ગોસ્વામીના વંશની નિમ્નજાતિના વૈષ્ણવે બનાવેલા ભોજન લેવામાં કોઈ બાધ રાખ્યો ન હતો. તેમણે એક ગરીબ વૈષ્ણવને પોતાની કિંમતી શાલ પણ આપી દીધી હતી. ભક્તો તેમને જે કંઈ આપતા તે પણ તેઓ સર્વને વહેંચી દેતા. તેમની પાસે આવનારા સર્વ ભક્તોને તેઓ પ્રેમથી આવકારતાં અને જો ગરીબ હોય તો તેને સહાય પણ કરતાં. ભક્તો સાથે વાર્તાલાપ પણ કરતાં. ઠાકુર સાથેના પોતાના દિવસોનાં સંસ્મરણો વિશે પણ પ્રસંગોપાત્ત કહેતાં. તેઓ કાકુડગાંછીના યોગોદ્યાનમાં અને બેલુડ મઠમાં પણ અવારનવાર જતાં. ઠાકુરના સંન્યાસી પુત્રો અને ભક્તોના તેઓ ‘દીદી’ હતાં અને સહુને ‘દીદી’ના મુખે શ્રીરામકૃષ્ણના પૂર્વજીવનનાં સંસ્મરણો સાંભળવામાં ખૂબ આનંદ આવતો. પરંતુ તેમની વૈષ્ણવ સાધના અને સ્વામી વિવેકાનંદની શિવજ્ઞાને જીવસેવાની સાધના વચ્ચે તફાવત હતો તે તેઓ જાણતા હતા. રાધાકૃષ્ણ પ્રત્યેની તેમની ઉત્કટ ભક્તિ જોઈને ઘણા લોકો એવું પણ કહેતા કે “તેઓ શ્રીરામકૃષ્ણના સાધના માર્ગની બહાર છે.” આ સંદર્ભમાં શ્રીકૃષ્ણચંદ્ર સેનગુપ્તે લખ્યું છે; “લક્ષ્મીદીદીનું રાધાકૃષ્ણનું ભજન-પૂજન જોઈને કોઈ કોઈ વિચારે છે કે તેઓ રામકૃષ્ણ-રાજ્યની અંદર નથી. પરંતુ દુઃખની વાત એ છે કે લોકો ભૂલી જાય છે કે ઠાકુર સર્વદેવમય હતા અને એમણે જ દીદીને સાચા વૈષ્ણવરૂપમાં ઢાળ્યાં હતાં.”

ઠાકુરે આપેલા રાધાકૃષ્ણના બીજમંત્રનો તેઓ સતત જાપ કર્યા કરતાં. કેટલીક વાર તો સવારના ચાર વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી રાધાકૃષ્ણનો જપ અવિરત ચાલુ રહેતાં ભક્તો મૂંઝાઈ જતા અને પછી તેઓ તેમના મોઢે હાથ રાખીને એ બંધ કરાવતા. આવી અસ્ખલિત જપધારા તેમની અંદર ચાલતી રહેતી. તેઓ પોતે કહેતાં હતાં, “હું તો વૃંદાવનવાસી ગોપબાલા છું.” અને ગોપબાલાને જીવનમાં રાધાકૃષ્ણ સિવાય બીજું શું હોય? કદંબના વૃક્ષની નીચે કૃષ્ણની શોધમાં નીકળી પડેલ એ નાનકડી ગોપબાલાને ભલે ત્યારે કૃષ્ણ ન મળ્યા, પણ એ જીવનભર કૃષ્ણનું રટણ કરતી રહી અને પરિણામે અનેક દિવ્યદર્શનોમાં એના એ ઈષ્ટદેવનું મધુર સ્વરૂપ એની સમક્ષ પ્રગટવા લાગ્યું. તેમને ભાવસમાધિમાં અનેક દેવદેવીઓનાં દર્શન થતાં હતાં. ભાવાવસ્થામાં તેઓ વૈકુંઠમાં કે શ્રીરામકૃષ્ણલોકમાં પણ પહોંચી જતાં. તેઓ સૂક્ષ્મ શરીર દ્વારા ઠાકુર, મા, શિવ ને દુર્ગા સાથે ને તદ્રૂપ બની જતા. તે વખતે તેમને બાહ્ય ભાન રહેતું નહીં. શિવભાવમાં જ ડૂબેલાં રહેતાં. એ સ્થિતિમાં તેઓ શિષ્યોની પૂજા પણ સ્વીકારતાં અને ઘણી વખત ભવિષ્યવાણી પણ ઉચ્ચારતાં, જે પછીથી સાચી પડતી. ભાવની આ ઉચ્ચ સ્થિતિમાંથી પછી તેમને સામાન્ય સ્થિતિમાં પાછાં લાવવા માટે ઘણો પ્રયત્ન કરવો પડતો.

શ્રીરામકૃષ્ણ જેવો જ તેમનો ઉદારભાવ હતો. દુઃખી લોકોને જોઈને તેઓ દ્રવી જતાં. આથી એમણે અનેક લોકોને મંત્રદીક્ષા આપીને પ્રભુના માર્ગે દોર્યા હતા. તેમના દીક્ષિતોની સંખ્યા સહુથી વધારે હતી. કામારપુકુરના લોકો પછીથી એમને ગોસાંઈમા કહેતા અને તેમને ખૂબ આદર આપતા, તેઓ દક્ષિણેશ્વર હોય કે જગન્નાથપુરી હોય કે પછી કલકત્તા હોય કે કામારપુકુર હોય, પણ જ્યાં જતાં ત્યાં ભક્તો તેમને વીંટળાઈ વળતા. ભક્તોનું કલ્યાણ થાય તે માટે તેઓ પોતાના સ્વાસ્થ્યનો પણ વિચાર કર્યા વગર તેમની સાથે જ્ઞાન ચર્ચા કરતાં.

તેમની દિનચર્યા એક કઠોર તપસ્વિનીની હતી. તેઓ મળસ્કે ત્રણ વાગે ઊઠતાં. શ્રીરામકૃષ્ણે બ્રાહ્મમુહૂર્તમાં ઊઠવાની એમને જે ટેવ પાડી હતી તે તેમના જીવનપર્યંત ચાલુ રહી. ત્રણ વાગે ઊઠીને તેઓ સવાર સુધી અવિરત જપ કરતાં. બપોરે ભોજન પછી ત્રણ વાગ્યા સુધી આરામ કરતાં. ત્યાર બાદ ભક્તો સાથે વાર્તાલાપ કરતાં રાત્રે છ થી આઠ સુધી ફરી મંત્રજાપ કરતાં. ને પછી કીર્તન અને શ્રીમદ્ ભાગવતનું એક પ્રકરણ દરરોજ વાંચતાં. પછી પ્રસાદ લઈ દૂધ પીને રાત્રે દસ વાગે સૂઈ જતાં. તેમની આ દિનચર્યા છેક સુધી જળવાઈ રહી હતી.

લક્ષ્મીદીદીના અંતિમ દિવસો જગન્નાથપુરીમાં વીત્યા. પુરી એ વૃંદાવન પછીનું એમનું પ્રિય સ્થળ હતું. તેઓ ‘લક્ષ્મી નિકેતન’માં જ રહેતાં હતાં. સમુદ્ર સાવ પાસે હોવાથી તેઓ સમુદ્ર સ્નાન કરવા પણ જતાં. એક વખત તેઓ સમુદ્રમાં સ્નાન કરી રહ્યાં હતાં, ત્યારે ભારે મોજાંઓ આવતાં તેઓ ચક્રતીર્થ સુધી ઘસડાઈ ગયાં. ત્યાંથી પાછા કિનારે આવવું તો ઘણું જ મુશ્કેલ હતું. એટલે તેઓ ઈષ્ટદેવનું સ્મરણ કરવા લાગ્યાં. ત્યાં તેમને કોઇ ગોવાળિયા જેવા યુવકે પાણીમાં જ પકડી લીધાં અને તે તેમને કિનારે લઈ આવ્યો ને તેમને કિનારે સુવડાવી દીધાં. પછી તો એ તરત જ ચાલ્યો ગયો. થોડા સમય પછી તેઓ બેઠા થઈ ગયાં ને ધીમે ધીમે ચાલતાં ચાલતાં ઘેર આવી પહોંચ્યાં. પછી જ્યારે તેઓ જગન્નાથપુરીના મંદિરમાં દર્શન કરવા ગયાં ને જોયું તો બલરામના સ્થાને એ જ ગોવાળિયો જાણે મંદ મૃદુ સ્મિત કરી તેમની સામે જોઈ રહ્યો હતો! ત્યારે એમને સમજાયું કે તોફાની મોજાંઓની વચ્ચેથી પોતાને બચાવી લેનાર બીજું કોઈ નહીં પણ ખુદ બલરામજી હતા! અને એ જાણી તેઓ ભાવવિભોર બની ગયાં અને તેમની આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં.

એક વખત જગન્નાથના મંદિરમાં તેમને એવી અનુભૂતિ થઈ કે જગન્નાથ અને ઠાકુર એક જ છે. આ અનુભૂતિ પછી તેઓએ ઠાકુર અવતાર સ્વરૂપ છે, એ વાત પૂર્ણપણે સ્વીકારી લીધી. પહેલાં તેઓ શ્રીરામકૃષ્ણને અવતારરૂપે જાણી શક્યાં ન હતાં. એક વખત પુરીમાં ભાવસ્થિતિમાં એમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં ત્યારે કોઈ ભક્તે કહ્યું; “દીદીનો તો ઠાકુર જેવો ભાવાવેશ છે!” આ સાંભળીને તેઓ એકદમ જાગૃત થઈ ગયાં ને એકાએક બોલી ઊઠ્યાં; “કોની સાથે કોની સરખામણી કરી રહ્યા છો? જો હું એ વખતે એમનો મહિમા જાણી શકી હોત તો?” આમ કહીને તેઓ ખૂબ રડવા લાગ્યાં. ભલે તે સમયે તેઓ તેમનો પૂરો મહિમા જાણી શક્યાં ન હતાં. ઠાકુરના પ્રિય નરેન પણ શરૂઆતમાં ઠાકુરને ક્યાં ઓળખી શક્યા હતા? પરંતુ શ્રીરામકૃષ્ણ તો બધાને ઓળખતા હતા ને? શ્રીરામકૃષ્ણ પોતાની આ બાવિધવા ભત્રીજીને માની મમતા આપી હતી, પિતાનું વાત્સલ્ય આપ્યું હતું, ગુરુભાવે જ્ઞાન પણ આપ્યું હતું. પોતાની આંગળી પકડાવીને તેને અધ્યાત્મનાં ઊંચાં શિખરો સુધી લઈ ગયા હતા. શ્રીરામકૃષ્ણના વિશાળ રાજ્યમાં લક્ષ્મીદીદીને જે સદ્ભાગ્ય સાંપડ્યું ને ભગવત્કૃપામાં નિમગ્ન થવાનું મળ્યું, તેવું તો બીજા કોઈને ય મળ્યું નથી. લક્ષ્મીદીદી પાછળથી આ મહત્તા સમજી શક્યાં હતાં. એથી જ તો શ્રીરામકૃષ્ણ વિશે વાત કરતાં કરતાં તેમનું બાહ્યભાન લુપ્ત થઈ જતું અને તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગતાં. તેઓ કહ્યાં કરતાં; “હું જે કંઈ છું, તે ઠાકુરને લઈને જ છું. મેં જે કંઈ જાણ્યું છે કે શીખ્યું છે તે બધું જ એમની પાસેથી જ મળ્યું છે.”

જગન્નાથપુરીમાં એમનું સ્વાસ્થ્ય કથળવા લાગ્યું હતું. તેમને થયું કે હવે દક્ષિણેશ્વરના ગંગાઘાટે પહોંચી શકાશે નહીં. જેવી જગન્નાથની મરજી એમ કહીને તેમણે ‘પુરી’ને પોતાના દેહત્યાગના સ્થળ તરીકે સ્વીકારી લીધું. નહીં તો તેમની ઈચ્છા તો મા ગંગાના ખોળે જ દેહ છોડી દેવાની હતી. પણ પછી નાદુરસ્ત તબિયતને કારણે તેઓ પુરીથી કલકત્તા જઈ શકે તેમ નહોતાં. રુગ્ણશૈયા ઉપર સૂતેલાં તેમણે એક અપૂર્વ ભાવદૃશ્ય જોયું; જેની વાત તેમણે સ્વામી શારદાનંદજીને કરી હતી. તેમણે એક વિશાળ પર્વત જોયો, તેની એક બાજુ લક્ષ્મીનારાયણ હતા અને બીજીબાજુ શ્રીરામકૃષ્ણ અને મા હતાં. તેમની સાથે સ્વામીજી, રાખાલમહારાજ, યોગીનદીદી, ગોલાપદીદી પણ હતાં. તેઓએ કહ્યું; “લક્ષ્મી અહીં આવ, અહીં આવ. અહીં નથી ઊંઘ, નથી રોગ કે નથી કોઈ ચિંતા, ઉપાધિ કે દુઃખ. ઠાકુરની સાથે અમે પરમ આનંદમાં છીએ. તું અમારી સાથે આવતી રહે.” આ ભાવદૃશ્યની વાત સાંભળીને સ્વામી શારદાનંદજીને યાદ આવ્યું કે માએ કહ્યું હતું કે “જ્યારે સમય પૂરો થાય છે ત્યારે ઠાકુર સ્વયં એમના પાર્ષદોને લેવા આવી પહોંચે છે.” અને પછી થોડા સમયમાં જ લક્ષ્મીદીદીનો આત્મા દેહનું પિંજર છોડીને ચાલી નીકળ્યો. ૨૪મી ફેબ્રુઆરી ૧૯૨૬ના રોજ બાસઠ વર્ષની ઉમ્મરે એમણે જગન્નાથપુરીમાં દેહત્યાગ કર્યો. જાણે ઠાકુરે પોતાની કલગી શાકની વેલને નીચે નહી પણ ઉપર ખેંચીને પોતાની પાસે ઉપર બોલાવી લીધી! શ્રીરામકૃષ્ણના જીવન સાથે ગાઢપણે સંકળાયેલ, શ્રીરામકૃષ્ણ ભાવધારાનું આ તેજસ્વી નારીરત્ન વૈધવ્યજીવનની નિષ્ઠા, ઉત્કટ ભક્તિ ભાવના, અપૂર્વ ત્યાગ, ભાવરાજ્યનો અપાર આનંદ અને દિવ્ય પ્રેરણામંડિત કાર્યોનો ઉત્તમ આદર્શ પૂરો પાડે છે, જે શ્રીરામકૃષ્ણના સર્વસંતાનોને સદૈવ પ્રેરણા આપતો રહેશે.

Total Views: 61

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.