શ્રીશ્રીમા શારદાદેવી દ્વારા મંત્ર-દીક્ષિત સ્વામી અતુલાનંદનું પૂર્વાશ્રમનું નામ કૉર્લેનિયસ જે. હૅજબ્લૉમ્ હતું. તેઓ હૉલેંડના વતની હતા. ઈ.સ. ૧૮૯૯માં તેમણે સ્વામી વિવેકાનંદના પ્રથમ દર્શન કર્યાં અને ઈ.સ. ૧૯૨૩માં તેઓ રામકૃષ્ણ સંઘનાં સંન્યાસી રૂપે જોડાયા. ઈ.સ.૧૯૬૬માં તેમણે ૯૬ વર્ષની વયે મહાસમાધિ લીધી. આ લેખમાં તેઓ પોતાની કુરુક્ષેત્રની યાત્રાનું રોચક વર્ણન પ્રસ્તુત કરે છે. – સં.

૧૯૦૭ના વર્ષનું સૂર્યગ્રહણ થવાને થોડા દિવસોની હજી વાર હતી. છતાં, ભારતભરમાંથી પચાસ હજાર જેટલા યાત્રાળુઓ કુરુક્ષેત્ર પહોંચી ગયા હતા. ત્યારે ત્યાં એક નાના સ્ટેશન પર થોભતી ટ્રેનમાં હું (શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય) સ્વામી તુરીયાનંદ સાથે પહોંચ્યો. આ મહાન ધાર્મિક ઉત્સવના પ્રથમ દિવસની સાંજ હતી. સ્ત્રી, પુરુષો અને બાળકોથી ત્યાંના આરામગૃહો, હંગામી તંબુઓ અને છાપરાંઓ હેકડેઠઠ ભરાઈ ગયાં હતાં. અમે ઘણી બધી જગ્યાઓએ ફર્યા, પરંતુ ક્યાંય રાતવાસો કરવા માટે જગ્યા મળી નહિ. એક મોટા વડના વૃક્ષની હેઠળ કેટલાક અન્ય યાત્રાળુઓની જેમ અમારો બિસ્તરો પાથરીને સૂવા સિવાય હવે કોઈ છૂટકો નહોતો. અમારા હાથનાં પોટલાંઓના તકિયા બનાવીને ત્યાં અમે સૂઈ રહ્યા.

પણ પોતાના હાથ વંદનની મુદ્રામાં રાખીને ત્યાં એક સ્ત્રી અમારી પાસે આવી, અને પૂછવા લાગી કે શું અમે કંઈ રાત્રિભોજન લીધું છે ખરું? જ્યારે સ્વામીજીએ કહ્યું કે હજી તો અમે કંઈ ખાધું પીધું નથી, ત્યારે તે ઝડપથી ત્યાંથી ગઈ અને પોતાના પડાવમાંથી અમારે માટે દૂધ, રોટલી અને શાક લઈ આવી. જો કે ભોજન તો સાદું જ હતું, પણ અમને બન્નેને તે ખૂબ જ મીઠું લાગ્યું. પછી અમે અમારા ધાબળા ઓઢીને સૂઈ ગયા.

હું તો પડ્યો પડ્યો આકાશના તેજસ્વી તારાઓને વૃક્ષની ડાળીઓમાંથી જોતો હતો. થોડા વખતમાં જ મેં સ્વામીજીને બેઠા થતા જોયા.

“સ્વામીજી, શું થયું?”, મેં એમને પૂછ્યું.

“ગુરુદાસ”, તેમણે ઉત્તર આપતાં કહ્યું, “હવે તું સાચો સંન્યાસી બન્યો.”

“મારે એવું જ બનવું છે, સ્વામીજી”, મેં જવાબ વાળ્યો, અને સ્વામી વિવેકાનંદની કવિતા ‘ધી સૉંગ ઑફ ધી સંન્યાસી’માંથી શબ્દો ટાંકતાં કહેવા લાગ્યો :

‘Have you thou no home.

What home can hold thee, friend?

The sky thy roof, the grass thy bed, & food what chance may bring, well-cooked or ill, judge not.

No food or drink can taint that noble self, which knows itself, like rolling river free Thou ever be, Sanyasin bold! Say –

Aum tat sat aum!’

“હા, એ જ, એજ!” સ્વામીજી બોલી ઊઠ્યા, “આપણે શ્રીમાનાં સંતાનો છીએ, આપણને કશાનો ભય નથી. તેઓ જ આપે છે, તેઓ જ લઈ લે છે તેમનું નામ જ આશીર્વાદ છે.” ત્યાર પછી તેમને પ્રિય એવી વિવેકાનંદજીની સ્તુતિ કરતાં બોલવા લાગ્યા, “તેઓ એક સંનિષ્ઠ સંન્યાસી હતા, વૈભવમાં કે ગરીબીમાં તેઓ એક સમાન રીતે રહેતા. તેઓ જાણતા હતા કે તેઓ ‘આત્મા’ હતા, એકદમ મુક્ત એવા હતા. કલ્યાણ કે દુઃખની તેમને કોઈ અસર નહોતી. આખું જગત તેમને માટે રંગમંચ હતું. પોતે તેમાં તેમની ભૂમિકા કેટલી સરસ નિભાવી! અન્યોના સુખને માટે તેઓ જીવ્યા. તેમનામાં કોઈ સ્વાર્થ નહોતો, તેમને પોતાનો આગવો કોઈ આશય પણ નહોતો. તેઓ પોતાના ગુરુના સંદેશને માટે, તેના પ્રચાર માટે જીવ્યા. આપણા ગુરુ કહેતા કે ‘એ તો જે ઈચ્છે તે કરી શકે છે. પણ કંઈ જ તેને વિકૃત કરી શકે તેમ નથી!”

થોડી વાર રહીને તેઓ કહે, “છતાં આપણે તો સતર્ક રહેવું જોઈએ ખરું. માયા અતિ શક્તિશાળી છે. આપણે ઘણી સરળતાથી તેની પકડમાં આવી જઈએ અને ભરમાઈ જઈએ!”

મેં ઉત્કંઠાથી કહ્યું, “પરંતુ, શ્રી મા આપણી રક્ષા તો કરશે. જ ને?”

“તારી વાત સાચી છે, ગુરુદાસ, આ વાતને કદી વિસરવી નહિ. તેમનામાં અતૂટ શ્રદ્ધા રાખવી જ જોઈએ. તેમના વિના આ જીવન જ શું છે? એવું જીવન તો કેવળ નકામું ને વ્યર્થ છે. તે જ એક સત્ય છે.”

થોડો વખત ગયો. પછી તેમણે ઉમેર્યું, “હવે જરા ઊંઘવાનો પ્રયત્ન કરો. કદાચ કાલે આપણને વધુ સારી જગ્યા મળી જશે.”

મેં પછી સૂવાનો પ્રયત્ન કર્યો, પણ સૂઈ ન શક્યો. આ અનુભવ જ એટલો નવીન હતો, અને વિચારોનો જુવાળ મારા મનમાં ઊઠ્યા કરતો હતો. સ્વામીજીએ પાછું લંબાવ્યું તો હતું, પણ મને નથી લાગતું કે તેમને મારાથી વધુ નિદ્રા આવી હોય. લગભગ અડધી રાત વીત્યા પછી મને લાગે છે કે મેં તેમને ફરીથી ઊઠતા જોયા.

“ગુરુદાસ, મને લાગે છે કે વરસાદ પડી રહ્યો છે”, તેઓ બોલ્યા, આકાશની બદલાયેલી સ્થિતિ પ્રત્યે મારું ધ્યાન નહોતું ગયું. પણ મેં વૃક્ષનાં પાંદડાંમાંથી ટપકતાં પાણીનાં ટીપાંઓને હવે સાંભળ્યાં. અમારા ધાબળાઓ અમે ઊંચકી લીધા, તેની ગડી કરીને માથા પર મૂકી, ફરીથી અમે કોઈ આશ્રયની શોધમાં નીકળ્યા. પણ પહેલાંની જેમ જ, અમે જ્યાં ગયા ત્યાં બધાં સ્થાન ભરાઈ ચૂક્યાં હતાં. છતાં સ્વામીજીએ નિર્ધાર કર્યો હતો કે ક્યાંક તો જગ્યા મેળવવી જ છે. યાત્રાળુઓના વિરોધ વચ્ચે પણ છેવટે અમે એક ખુલ્લા મેદાનમાં બાંધેલા આશ્રયની વચ્ચે અમારી જગ્યા કરી. ઘણી ધાંધલ થઈ, શોરબકોર થયો, ઊંઘતા લોકોના અવાજો અને વિરોધના સૂરો ઊઠ્યા, કવચિત્ ગાળો પણ સાંભળવા મળી અને જે કંઈ ચર્ચા થઈ તેમાંનું મને તો બહુ થોડું સમજાયું. છતાં એમ લાગ્યું કે તે યાત્રાળુઓ અમને ચોક્કસ ઉપાડીને પણ ફેંકી જ દેશે. પરંતુ અચાનક જ બધું જ શાંત થયું અને અમારે માટે થોડી જગ્યા ફાળવવામાં આવી. કોઈ ડબ્બામાં સાર્ડાઈન માછલીઓ ધરબીને ભરી હોય તેવી રીતે અમે યાત્રાળુઓની વચ્ચે સંકડાઈને સૂતા. ગમે તેમ હોય, હવે અમે વરસાદથી તો બચી શકતા હતા અને થોડી વારમાં હું તો સૂઈ પણ ગયો. સવારે હું ઊઠ્યો ત્યારે મેં જોયું કે એક બાળક મારા પગનું ઓશિકું કરીને સૂતો હતો! મારું આખું શરીર કળતું હતું, કેમ કે આટલો બધો સમય હું ખરબચડી જમીન પર જ સૂતો હતો.

મેં પહેલાં જેમ કહ્યું તેમ, આ એક ખુલ્લા મંડપનું સ્થાન હતું, જેમાં ત્રણ દિવાલો જ હતી. અને બાકીના ખુલ્લા ભાગમાંથી હવે સૂર્યપ્રકાશ આવતો હતો. પાસે આવેલા કૂવા પાસે ઘણા યાત્રાળુઓ સ્નાનાદિ માટે પહોંચી ગયા હતા. અમે પણ તેમની સાથે ગયા અને પાછા ફર્યા ત્યારે તે મંડપ અડધો ખાલી પણ થઈ ચૂક્યો હતો. કેમ કે તે બધા યાત્રાળુઓ વધુ સારા સ્થાનની શોધમાં નીકળી પડ્યા હતા.

મેં સ્વામીજીને પૂછ્યું કે આટલા બધા વિરોધની વચ્ચે પણ રાત્રે આ સ્થાને જગ્યા મેળવવાનું કામ તેમણે કઈ રીતે કર્યું હતું? તેઓ હસી પડ્યા અને બોલ્યા, “તમને હજી ભારતીઓની ઓળખાણ નથી. અમે ભલે મોટે મોટેથી અવાજો કરીએ, પણ તેની પાછળ કશું નથી હોતું. તમારા પશ્ચિમમાં તો તમે બધી જ વસ્તુઓ ખૂબ ગંભીરતાપૂર્વક લેતા હો છો. તમે અહીં એવા બે માણસોને જુઓ કે તેઓ સામસામે બરાડતા હોય, અને હમણાં જ કોઈનું ખૂન પણ થઈ જાય તેટલી હદે ઝઘડતા હોય, પણ પાંચ જ મિનિટમાં તમે એ બન્નેને એક સાથે બીડી પીતાં પીતાં વાતો કરતાં જુઓ કે જાણે બન્ને જૂના મિત્રો કેટલાયે વખતે ફરી મળ્યા ન હોય! અમારી તો રીત જ આવી છે. આ બધા લોકો શિક્ષિત નથી, પણ તેમનાં હૃદયો ઘણાં શુદ્ધ છે. જ્યારે તેમણે જોયું કે આપણે ખરેખર વિપત્તિમાં છીએ, ત્યારે પોતે અગવડ વેઠીને પણ તેમણે આપણને જગ્યા કરી આપી. મેં તેઓને જણાવ્યું કે તમે વિદેશી છો, અજાણ્યા મુલકમાં આવ્યા છો અને વળી સંન્યાસી છો. તરત જ તેઓની જિજ્ઞાસા જાગી ઊઠી અને તમારા વિષે જાણવા તેઓ ઉત્સુક થઈ ગયા, પછી તેમણે કહ્યું, “ભાઈઓ, આવો, આવો, અને તમારે માટે જરૂર જગ્યા કરી આપીશું” આવું જ હંમેશાં થાય છે. સંન્યાસીઓ માટેનો આદર તમને સમગ્ર ભારતમાં જોવા મળશે અને ખાસ તો ગરીબોના હૃદયમાં તે જરૂર હોય છે. તેઓ પોતે જ સરળ અને કરુણામય હૃદયવાળા માણસો છે, આપણા ઉચ્ચવર્ગો અને શિક્ષિતો જેવા તેઓ નથી.” સ્વામી વિવેકાનંદને ગરીબો પ્રત્યે અપાર પ્રેમ હતો. તેમનું હૃદય તેઓ માટે વ્યથિત બની જતું, “તેઓ તો મારા ભગવાન છે,” એમ સ્વામીજી કહેતા. આખાયે ભારતમાં અમારે ત્યાં તેમને માટે કેન્દ્રો છે. અમે તેમને શિક્ષણ આપીએ છીએ. અને દાક્તરી ચિકિત્સા પણ કરીએ છીએ. ગરીબની સેવામાં અમે ભગવાનની જ સેવા કરીએ છીએ.”

થોડો સમય વીત્યો પછી તેઓ બોલ્યા, “આજે આપણે એ કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર ઊભા છીએ જ્યાં શ્રીકૃષ્ણે ‘ગીતા’નો ઉપદેશ આપ્યો હતો. પછી સ્મૃતિમાંથી જ તેમણે ગીતાના બીજા અધ્યાયનું પઠન કરવા માંડ્યું. કેટલાક યાત્રાળુઓ તેમને સાંભળવા માટે નજીક આવીને ઊભા. તેઓ ઘણી ભાવવાહી રીતે શ્લોકો બોલી રહ્યા હતા. તેમાં રહેલાં લય અને સૌંદર્યથી આ સંસ્કૃત રચનાથી હું અભિભૂત થઈ ગયો.

શ્લોકોનું પઠન સ્વામીજીએ પૂરું કર્યું ત્યારે એક ભાઈ અમારી પાસે આવ્યા. તેમણે મોઢું ચઢાવીને કહ્યું, “આ મારી જગ્યામાં તમે લોકો શું કરો છો?”

સ્વામીજીએ ઉતર આપ્યો, “અમે સંન્યાસીઓ છીએ, અને અહીં આશ્રય લઈ રહ્યા છીએ.”

“અને આ ‘સાહેબ’ વળી કોણ છે?” (અમને તો પછીથી જ ખબર પડી કે તેમને શંકા આવી હતી કે હું એક અંગ્રેજ જાસૂસ છું.)

સ્વામીજીએ એમને જણાવ્યું કે હું કોણ છું. અને કહ્યું કે હું આ ધાર્મિક ઉત્સવ જોવા આવેલ છું, અને કુરુક્ષેત્રમાં પવિત્ર સ્નાન કરવાની મહેચ્છાથી આવ્યો છું.

આ બધું જાણ્યા પછી તેમને સંતોષ થયો અને મિત્રાચારીના ભાવ સાથે તેમણે કહ્યું, “તમે લોકો અત્રે મારા મહેમાનો તરીકે જરૂરથી રહો, અને તમને હું ભોજન પૂરું પાડીશ.” એક નોકરને અમારા ધાબળા નીચે ઘાસ પાથરી જવાની તેમણે સૂચના પણ આપી દીધી અને નમ્રતાથી અમને વંદન કરીને તેઓ ત્યાંથી ચાલ્યા ગયા.

ત્યારે સ્વામીજી કહેવા લાગ્યા, “જોયું, શ્રીમા કેવી રીતે રમે છે! હવે આપણે શાંતિથી રહીશું. તમને આવું બધું ફાવશે તો ખરું ને?”

“હા સ્વામીજી” મેં કહ્યું, “મને જરૂર ફાવશે’.

થોડી જ વારમાં એક ચાકર અમારે માટે ખાવાનું લઈ આવ્યો, જેમાં ભાખરી અને ગોળ હતાં. આ નાસ્તો તે દરરોજ લાવતો. અમે રહ્યા તે દરેક નવ દિવસની સવારોમાં કોઈ વખત અમારા યજમાન આવીને ખબર અંતર પૂછી જતા. અન્ય યાત્રાળુઓ સાથે ફાવે છે કે નહીં વગેરેની વાતો કરી જતા. આમ, તો આ સ્થાનમાં ઘણા યાત્રાળુઓ હતા, પણ અમને અમારા ધાબળા પાથરી શકાય તેટલી જગ્યા તો મળી શકી હતી. અંદરની દિવાલે મૂકેલા ચૂલાઓમાં યાત્રાળુઓ પોતાનું સાદું ભોજન પકાવી લેતા. તે ચૂલાના ધૂમાડાને બહાર જવાની કોઈ વ્યવસ્થા ન હોવાથી ઘણી વખત ગૂંગળામણ પણ થતી અને આંખો બળવા લાગતી. પણ એનો કોઈ ઉપાય ન હોવાથી અમે એ અંગે કોઈ ફરિયાદ કદી કરી નહિ. આમ તો બધું સારું હતું, પણ મને વચ્ચે વચ્ચે તાવ આવી જતો હતો. છતાં હું હરી ફરી શકતો તો હતો જ. જ્યારે મને તાવ હોય ત્યારે હું આવું સૂકું ભોજન ગળે ઉતારી ન શકતો અને મારા સ્વાસ્થ્યની ચિંતા કરનાર મારા માટે ખૂબ પ્રેમ રાખનાર સ્વામીજી મને દૂધનો પ્યાલો મગાવી આપતા.

સાંજને સમયે સ્વામીજી સાથે વાતચીત કરવા લોકો આવતા અને તેમની પાસેથી આધ્યાત્મિક માર્ગદર્શન મેળવતા. મોડી રાત સુધી થાક્યા વિના સ્વામીજી તેમની જિજ્ઞાસા સંતોષવા માટે વાતચીત કરતા. ધર્મ વિશે વાત કરવા તેઓ હંમેશાં તત્પર રહેતા. સવારે સ્નાનાદિ અને ભોજન કર્યા પછી અમે યાત્રાળુઓની સાથે ફરતા. અન્ય સંસ્થાવાસીઓની મુલાકાત લેતા. અને પવિત્ર સ્થાનોએ જતા. અર્જુનને જે નિશ્ચિત સ્થળે શ્રીકૃષ્ણે ગીતામાં બોધ આપ્યો હતો તે સ્થાન પણ અમને દેખાડવામાં આવ્યું. વળી એ સ્થાન પણ જોયું જ્યાં ભીષ્મે બાણશૈયા પર ઈચ્છામૃત્યુ પ્રાપ્ત કર્યું હતું.

અન્ય કેટલાંય પારંપરિક પવિત્ર સ્થળો પણ અમે જોયાં. એક અત્યંત વિશાળ વડ પર તેની શાખાઓ અને પર્ણોની કુટિર બનાવીને રહેતા કેટલાક સાધુઓ પણ જોયા. સૌથી વધુ મજા તો સમગ્ર ભારતમાંથી આવતા વિવિધ હિંદુ શાખાઓના સાધુ સંન્યાસીઓનો મેળાવડો જોવામાં આવી. કેટલાક નાગાબાવાઓ હતા જેમણે ફક્ત લંગોટ જ પહેરી હતી, અને બાકીના શરીર પર ભભૂતિ ચોળી હતી. કેટલાક ભગવાં વસ્ત્રો અને પાઘડીઓ પહેરતા હતા. કેટલાક જટાધારી બાવાઓની જટાઓ નાગની જેમ તેમના ખભાઓ પર લટકતી હતી અને માથા પર રાફડાની જેમ ઢગલો થઈને પણ પડેલી રહેતી હતી. કેટલાક મૂંડન કરેલા સાધુઓ પણ હતા અને બ્રહ્મચારીઓ શ્વેત વસ્ત્રોમાં ફરતા. મારા જોવામાં આટલા વૈવિધ્યવાળા સાધુઓ કદી આવ્યા નહોતા.

વિદ્વાન પંડિતો અને સંન્યાસીઓ વાદવિવાદ પણ ગોઠવતા અથવા વેદોના પાઠ કરવા પદ્માસન કરીને નાના ઝૂંપડા કે ઝાડ પાસે બેસી જતા. એક બાવાએ મૌનવ્રત લીધું હતું, જોકે ભોજન તેને આપવામાં આવે તો જ લેવું તેવું વ્રત લીધું હતું. એક સાધુએ લાલવસ્ત્ર પહોર્યાં હતાં અને નવ દિવસ સુધી એક જ સ્થાનમાં ઊભા રહેવાનું વ્રત લીધું હતું, જે માટે તેણે એક ઝાડ સાથે બાંધેલી દોરી પર હાથ ટેકવી રાખવાના હતા. જ્યાં જ્યાં અમે ગયા ત્યાં અમને કંઈને કંઈ રસપૂર્ણ અને નવું જોવા મળ્યું.

છેવટે ગ્રહણનો દિવસ આવી પહોંચ્યો, જ્યારે દરેકે તે વખતે પવિત્ર સ્નાન કરવું જરૂરી હતું. સ્નાન માટે આવેલા યાત્રાળુઓની સંખ્યા એટલી વિશાળ હતી અને ઘસારો પણ એટલો બધો હતો કે જો કે તળાવો અત્યંત મોટાં હોવા છતાં, પાણીમાં પેસવું ઘણું જ મુશ્કેલ હતું, પણ છેવટે અમે પણ ત્રણ વખત પાણીમાં ઊંચા નીચા થઈ શક્યા, જ્યારે ગ્રહણ પૂર્ણ હતું. એ એક અનોખું દૃશ્ય હતું – હજારો શ્રદ્ધાળુઓ આટલી મોટી સંખ્યામાં પવિત્ર જળમાં સ્નાન કરી રહ્યા હોય તે દૃશ્ય અદ્ભુત હતું.

પછી અમે સ્નાનના પુણ્ય વગેરેની ચર્ચા કરતાં કરતાં અને અન્ય પવિત્ર વિધિઓની ચર્ચા કરતાં પાછા ફર્યા. ત્યારે સ્વામીજીએ કહ્યું, “એ બધું તમારા જ માનસિક અભિગમ પર આધારિત છે, તમારી જ શ્રદ્ધા અને માન્યતા ઉપર નભે છે. જ્યારે તમારી શ્રદ્ધા પવિત્ર હોય છે ત્યારે તેનું પરિણામ પણ સારું હોય છે. તેને કારણે મનની શુદ્ધિ પણ થાય છે. આપણે દરેક રીતે શ્રીમાની સ્મૃતિ રાખવાની છે. એથી જ આપણે આધ્યાત્મિક બની શકીશું. પછી ‘ચંડી’માંથી ટાંકતા તેઓ બોલ્યા, ‘હે માણસ’ તે દૈવી માતાને અમારા પુનઃ પુનઃ નમન હજો, જેઓ દરેક જીવંત વસ્તુના સ્વરૂપમાં બિરાજમાન છે.’

‘તે સર્વત્ર છે, સર્વ તેનામાં છે. તે જ નદી છે, તે જ પર્વત છે, તે જ સર્વસ્વ છે – અને કેટલી અદ્ભુત કલ્પના છે! આપણા ગુરુને તે સતત હતી. તેઓ ગંગાનદીને નહોતા જોતા – તેઓ તો સર્વત્ર બ્રહ્મનું જ દર્શન કરતા હતા.”

આ ઉત્સવ પૂરો થયો, પછી અમે બન્ને છૂટા પડ્યા. સ્વામીજી કુરુક્ષેત્રમાં થોડા દિવસ વધુ રોકાયા અને એક માણસ તેઓને અનુપસહર નામના સ્થળે પોતાના મહેમાન તરીકે આમંત્રિત કરીને લઈ ગયો, જ્યારે કલકત્તા પાસેના બેલુર મઠ જવા મેં દિલ્હી અને અન્ય સ્થળોએ જવા પ્રયાણ કર્યું.

ભાષાંતર : ડો. સુધા નિખિલ મહેતા

(‘વેદાન્ત ઍન્ડ ધી વેસ્ટ’ના સપ્ટેમ્બર – ઑક્ટોબર ૧૯૪૬ના અંકમાંથી સંકલિત.)

Total Views: 64

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.