(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત અને સ્વામી અતુલાનંદ (ગુરુદાસ મહારાજ) દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “With the Swamis in America and India”નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. અનુવાદક છે શ્રી વિમલભાઈ વ. દવે.

સ્વામી અતુલાનંદજી (જેઓ ‘ગુરુદાસ મહારાજ’ તરીકે ઓળખાતા) મૂળ અમેરિકન હતા. 1898માં તેઓ સ્વામી અભેદાનંદજીના સંપર્કમાં આવ્યા. તેમની પાસેથી જ તેમની બ્રહ્મચર્યની દીક્ષા અને સંન્યાસ દીક્ષા થઈ. જો કે તેમની મંત્રદીક્ષા શ્રીમા શારદાદેવી પાસે થઈ હતી. સ્વામી વિવેકાનંદજી, સ્વામી તુરીયાનંદજી વગેરે શ્રીરામકૃષ્ણદેવના બીજા ઘણા અંતરંગ શિષ્યોના પરિચયમાં આવવાનો લહાવો તેમને મળ્યો હતો. 1921માં તેઓ અમેરિકાથી ભારત આવી ગયા અને 1966માં 97 વર્ષની ઉંમરમાં મહાસમાધિ લીધી ત્યાં સુધી ભારતમાં જ રહીને પોતાના પુનિત સંતજીવન દ્વારા અસંખ્ય લોકોને પ્રેરિત કરતા રહ્યા. -સં.)

પ્રિય વાચક, તારા મુખ પર શું હું હળવું સ્મિત જોઉં છું? યાદ રાખજે, અમે સાવ બાળક ન હતા. અમે યુવાન ચોક્કસ હતા, પરંતુ પૂર્ણ વિકાસ પામેલા મરદ પુરુષો હતા. જીવનનાં અનેકવિધ પાસાં અમે બરાબર જોઈ લીધાં હતાં, અને અમારે માટે ભાગ્યે જ કશું અજાણ્યું હતું. વારુ, હું પણ અત્યારે સ્મિત કરું છું; એક સંતોષનું સ્મિત. અંતે તો આપણે બધાં બાળકો જ છીએ, અને ઈશુ બાળકોને પ્રેમ કરે છે. કદાચ ત્યારે પણ તેઓ અમને વત્સલતાપૂર્વક જ જોતા હશે, કેમ કે એ દિવસોમાં અમે સાવ સરળ, સીધાસાદા હતા. ઈશુએ કહ્યું હતુંઃ ‘નાનાં બાળકોને મારી પાસે આવવા દો, એમને રોકો નહીં, ઈશ્વરનું રાજ્ય પણ આવું જ છે. હું તમને ખાતરીપૂર્વક કહું છું, જે નાનકડા બાળક જેવું નહીં હોય એને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ મળશે નહીં.’ અને પછી એમણે એમને પોતાના બાહુઓમાં લીધા, એમના માથા પર હાથ મૂકી આશીર્વાદ આપ્યા… અને અમે પણ દરવાજો તો ખખડાવ્યો, ભલે ખુલ્લા દ્વારનાં દર્શન ન થયાં, પરંતુ અમે એના પ્રતિ દોડ્યા તો ખરા જ, ભલે કદાચ પહેલું ઇનામ ન મળ્યું. ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે, ‘કોઈ પ્રયત્ન નિષ્ફળ જતો નથી.’ અને અમને એમના આ વચનમાં શ્રદ્ધા હતી.

પછી ૧૮૯૯માં ૧લી એપ્રિલના દિવસે અમને બ્રહ્મચર્ય દીક્ષા મળી. એ ઈસ્ટરનો રવિવાર હતો, ખ્રિસ્તીઓના મહાન ઉત્સવનો દિવસ, ઈશુના પુનરુત્થાનની ઉજવણી. સ્વામી વિવેકાનંદ દ્વારા દીક્ષિત કેટલાક બ્રહ્મચારી મિત્રોને આ પવિત્ર વિધિ માટે આમંત્ર્યા હતા. જે મિત્રના ઘરમાં અમે ધ્યાન માટે બેસતા એ ઘરના પરિચિત ખંડમાં આ વિધિ સંપન્ન થયો. બધું સાવ સાદું, સહજ છતાં ખૂબ જ અસરકારક રહ્યું.

સાંજનો સમય હતો. કક્ષમાં દીવાબત્તીનો પ્રકાશ ઝળહળી રહ્યો હતો. અગરબત્તીની સુગંધ ચોમેર પ્રસરી રહી હતી. એક નાનકડી વેદી પર ગેરુઆ વસ્ત્રથી વીંટળાયેલી, પુષ્પોથી સુશોભિત શ્રીરામકૃષ્ણની છબી મૂકવામાં આવી હતી. અમે અમારી સાથે જે ફળફળાદિ લાવ્યા હતા, એ અમે આ વેદી સમક્ષ ધર્યાં. પછી શ્રીરામકૃષ્ણની છબીને નમસ્કાર કરીને અમે થોડું ધ્યાન કર્યું. ત્યાર બાદ હોમ થયો અને અમે અમારાં વ્રત ગ્રહણ કર્યાં. વેદી સમક્ષ યજ્ઞાગ્નિ પ્રજ્વળી રહ્યો હતો. સ્વામી અભેદાનંદે હિંદુ શાસ્ત્રોમાંથી આ પ્રસંગ માટે ખાસ પસંદ કરેલા મંત્રોનો પાઠ કર્યો. પછી એમણે શ્રીરામકૃષ્ણની સ્તુતિ માટેના એમના સ્વરચિત મંત્રોનું ગાન કર્યું. આ મંત્રો ભારતમાં હવે તો અવારનવાર ગવાય છે. સ્વામીએ અમને પછી પૂછ્યું કે અમે જે પગલું ભરી રહ્યા છીએ, એની ગંભીરતા વિશે અમે સભાન છીએ કે કેમ? તેઓએ કહ્યું, ‘તમે વિશ્વની પ્રાચીનતમ પરંપરા સાથે જોડાઈ રહ્યા છો. મહાન સંતોએ આ પરંપરાનું સંવર્ધન કર્યું છે. આ પરંપરાનો મૂળ સિદ્ધાંત પવિત્રતા છે અને એ સિદ્ધાંતનું ઉલ્લંઘન મહાપાપ ગણાય છે.’

અમે જીવનના સાવ નવા તબક્કામાં પ્રવેશી રહ્યા છીએ એ પ્રત્યે તેમણે હવે અમારું ધ્યાન દોર્યું. બ્રહ્મચારી તરીકે અમારે અમારી તમામ વાસનાઓ, માત્ર જાતીય વાસના જ નહીં પરંતુ ક્રોધ, ઈર્ષ્યા, ઘૃણા, લોભ—આ તમામને અમારી સમગ્ર તાકાતથી જીતવાનો પ્રયત્ન કરવાનો છે. ઉપરાંત, અમારે પ્રત્યેકમાં રહેલી દિવ્યતાનો અનુભવ કરવાનો પ્રયત્ન કરવાનો રહેશે. પ્રાણીમાત્રને સમાન પ્રેમ અર્પવાનો છે તથા અહિંસા તેમજ સત્યના સિદ્ધાંતોનું અનુસરણ કરવાનું છે. અમારે લગ્ન કરવાનાં નથી, ખોટાં આકર્ષણોથી દૂર રહેવાનું છે, ઇન્દ્રિયજન્ય સુખો પાછળ પડવાનું નથી. આપણે દિવ્ય આત્મન્‌ છીએ—એવું મનમાં સતત સ્મરણ રહેવું જોઈએ. સ્વામીએ કહ્યું, ‘એ પણ યાદ રાખજો કે તમે તમારી જાતને સર્વના કલ્યાણ માટે અને ઈશ્વરની સેવામાં અર્પણ કરો છો.’

સ્વામીએ ત્યાર પછી ત્યાં હાજર બ્રહ્મચારીઓને અમારા આ પરંપરામાં જોડાવા સામે એમને કોઈ આપત્તિ છે કે કેમ, એ પૂછ્યું. ના! કોઈને વિરોધ ન હતો. પછી અમારે એક પછી એક, પવિત્ર અગ્નિ પાસે જઈ સ્વામી બોલે, એ મુજબ અમારાં વ્રતોનું પુનરુચ્ચારણ કરવાનું હતું.

આ વિધિ સંપન્ન થયો એટલે સ્વામીએ પવિત્ર ભસ્મ લઈને અમારા કપાળને સ્પર્શ કર્યો. ગેરુઆ વસ્ત્રો મળ્યાં અને પછી પવિત્ર જળનો છંટકાવ કરતાં સ્વામીએ અમને આધ્યાત્મિક નામ આપ્યાંઃ મુક્તિકામ, શાંતિકામ, સત્યકામ અને ગુરુદાસ. આ નામોનો અર્થ પણ અમને અંગ્રેજીમાં સમજાવવામાં આવ્યો. આ સાથે અમારી બ્રહ્મચર્ય દીક્ષાનો વિધિ સંપન્ન થયો.

હાજર બ્રહ્મચારીઓએ આ પરંપરાના નવા સભ્યો તરીકે અમારું અભિવાદન કર્યું. સ્વામીએ અમને થોડાં ફળો પ્રસાદીરૂપે આપ્યાં, જે લઈને અમે અમારો એ ઉપવાસ પૂર્ણ કર્યો. ત્યાર બાદ કેટલીક સરસ મિત્રતાપૂર્ણ વાતો પછી અમે છૂટા પડ્યા અને પોતપોતાને ઘેર ગયા.

ન્યુ યોર્કના વેદાંત કાર્યના પ્રારંભના એ દિવસો સાદાઈ અને સંનિષ્ઠાના દિવસો હતા. વેદાંત સોસાયટીએ શહેરના એક સાવ સામાન્ય વિસ્તારમાં મકાન ભાડે રાખ્યું હતું. સ્વામી અભેદાનંદ અહીં રહેતા, એમના વિદ્યાર્થીઓને મળતા અને વર્ગો ચલાવતા. આ મકાનનો દીવાનખંડ સાવ નાનો હતો, અને તેથી સ્વામીનાં રવિવારનાં પ્રવચનો માટે એક હૉલ ભાડે રાખવો પડતો. શ્રોતાવર્ગની સંખ્યા ક્રમશઃ વધતી ચાલી અને વધુ ને વધુ વિશાળ હૉલની જરૂર પડવા માંડી.

Total Views: 145

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.