(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત અને સ્વામી અતુલાનંદ (ગુરુદાસ મહારાજ) દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “With the Swamis in America and India”નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. સ્વામી અતુલાનંદજી (જેઓ ‘ગુરુદાસ મહારાજ’ તરીકે ઓળખાતા) અમેરિકાના રહેવાસી હતા. 1898માં તેઓ સ્વામી અભેદાનંદજીના સંપર્કમાં આવ્યા. તેમની પાસેથી જ તેમની બ્રહ્મચર્યની દીક્ષા અને સંન્યાસ દીક્ષા થઈ. જો કે તેમની મંત્રદીક્ષા શ્રીમા શારદાદેવી પાસે થઈ હતી. સ્વામી વિવેકાનંદજી, સ્વામી તુરીયાનંદજી વગેરે શ્રીરામકૃષ્ણદેવના બીજા ઘણા અંતરંગ શિષ્યોના પરિચયમાં આવવાનો લહાવો તેમને મળ્યો હતો. 1921માં તેઓ અમેરિકાથી ભારત આવી ગયા અને 1966માં 97 વર્ષની ઉંમરમાં મહાસમાધિ લીધી ત્યાં સુધી ભારતમાં જ રહીને પોતાના પુનિત સંતજીવન દ્વારા અસંખ્ય લોકોને પ્રેરિત કરતા રહ્યા. અનુવાદક છે શ્રી વિમલભાઈ વ. દવે. -સં.)

ન્યુયોર્કથી વીસ-ત્રીસ માઈલ દૂર આવેલો એક પર્વત અમારું પ્રિય સ્થળ હતું. કોઈક શનિવારે ઑફિસનું કામ પતાવી બપોરનું ખાણું સાથે લઈ અમે નીકળી પડતા અને એ પર્વતશિખરે આખી રાત ગાળતા. અમે ત્યાં પથ્થરો ગોઠવી વેદી બનાવતા અને એના પર શ્રીરામકૃષ્ણ તથા સ્વામીઓનાં ચિત્રો મૂકતા. પછી ધૂણી ધખાવી, અગરબત્તી કરી અમે ધ્યાનમાં બેસી જતા. દૂર સુધી ત્યાં કોઈ માનવવસ્તી ન હતી. પર્વતશિખર પરથી દૂર દૂર સુધી પથરાયેલાં લીલાછમ્મ ખેતરો અને સરસ ગ્રામ્ય વિસ્તારો દેખાયા કરતા. પછી સવાર થાય ત્યારે અમે ઊગતા સૂર્યનાં દર્શન કરતા અને અમારામાંથી કોઈ એક બોલી ઊઠતોઃ “तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।” ‘આ વિશ્વના રચયિતા સ્વયં પ્રકાશદેવના વરણીય પ્રકાશનું, ચાલો, આપણે ધ્યાન કરીએ. એ આપણા હૃદયને પ્રકાશિત કરે.’ સવાર થયા પછી થોડા સમયે દૂરનાં ગામડાંના ચર્ચના ભક્તજનોને નિમંત્રતા ઘંટારવો અમારે કાને પડતા. આવી યાત્રાઓથી જે આનંદ અમને મળતો એ ખરેખર અવર્ણનીય હતો.

અને આમ દિવસો, સપ્તાહો, મહિનાઓ વીતતાં ગયાં. લગભગ એક વર્ષ થયું હશે… અને પછી સ્વામી અભેદાનંદે અમને એક આશ્ચર્ય પમાડતો પ્રશ્ન પૂછ્યો—એવો પ્રશ્ન જેણે અમારાં હૃદયને આનંદથી તરબોળ કરી મૂક્યાં. સ્વામીએ એમના વિદ્યાર્થીઓમાંથી અમને ચારને એમની પાસે બોલાવ્યા અને પૂછ્યુંઃ “તમને આજીવન બ્રહ્મચર્યનું વ્રત લેવાની ઇચ્છા અને તૈયારી છે ખરી? શું તમે ભારતના સર્વે સંતો દ્વારા અનુસરાયેલી વિશ્વની સહુથી પ્રાચીન બ્રહ્મચર્યની વ્યવસ્થા સાથે જોડાવા તૈયાર છો?” અને આ પ્રમાણે સ્વામી તો અમારા પર આશીર્વાદની વર્ષા જ કરતા રહ્યા. અમને બધાને આ પવિત્ર જીવનવ્યવસ્થામાં જોડાવાની તીવ્ર ઝંખના હતી, અને અમે સ્વામીના નિમંત્રણનો સહર્ષ સ્વીકાર કર્યો.

હા, લગભગ ચાલીસ વર્ષ પહેલાંના (૧૯૩૮માં ગુરુદાસ મહારાજનું આ પુસ્તક પ્રથમ વખત લખાયું હતું) આધ્યાત્મિક જાગરણ અને ઉત્કંઠાના એ પ્રારંભના દિવસો ખરેખર ખૂબ જ સુખી દિવસો હતા. એ દિવસોને યાદ કરતાં પણ આનંદનો અનુભવ થાય છે. બાળસુલભ શ્રદ્ધા, નિર્દોષતા અને પવિત્રતા માટેની ઝંખનાના એ દિવસોની યાદ ખરેખર ખૂબ મધુર છે. એ દિવસો હવે ક્યાં ગયા? આશા સાથે જ પૂરી શ્રદ્ધાના એ યુવાનીના દિવસો—જ્યારે એવું જ જણાતું હતું કે લક્ષ્ય સાવ જ હાથવગું છે! વર્તમાનની ભૂતકાળ સાથે સરખામણી હંમેશાં સુખદ નથી હોતી. છતાં પણ થોડું દુઃખ લાગે તોપણ આવી સરખામણી લાભપ્રદ જ હોય છે, અને આવી ક્ષણોમાં સ્વામી અભેદાનંદે અમને જે કહ્યું હતું એ આશ્વાસનરૂપ બની જાય છેઃ

“આધ્યાત્મિક વિકાસ સીધી રેખામાં નથી થતો, એ તો ચક્રાકાર ગતિથી આગળ વધે છે, અને જ્યારે એની રેખા નીચે જતી હોય છે ત્યારે પણ સરવાળે તો આગળ જ વધાતું હોય છે. જ્યારે ફળનો ક્રમશઃ વિકાસ થતો હોય છે ત્યારે એ વિકાસ આપણે રોજેરોજ જોઈ શકીએ છીએ. પરંતુ જ્યારે એ પૂર્ણ કદ પ્રાપ્ત કરે ત્યારે પછી એની પરિપક્વ થવાની પ્રક્રિયા ભાગ્યે જ જોઈ શકાય છે. જીવનમાં કાયમ ઝળહળતો સૂર્યપ્રકાશ રહેતો નથી. કંઈક આવી જ રીતે આપણાં આધ્યાત્મિક જીવનમાં પણ તાજગીથી ભરી દેતા વાયરા પછી મંદતા પ્રવેશે છે અને આપણને સ્થગિતતાનો અનુભવ કરાવે છે. જાણે આગળ વધવાની શક્તિ જ રહેતી નથી, વિઘ્નો દૂર કરવાની અસમર્થતા અનુભવાય છે. પ્રારંભમાં તો આંતરિક જુસ્સો અને અનુકૂળ પવન આપણી નાવને સરળતાપૂર્વક, સરસ ગતિથી લક્ષ્ય પ્રતિ વહાવે છે, પરંતુ થોડાક સમય પૂરતો એક એવો તબક્કો પણ લગભગ દરેક સાધકના જીવનમાં આવે છે, જ્યારે આપણે સાધનામાં પ્રાણપૂર્વક રસ લઈ શકતા નથી અને જાણે કે માર્ગ ભટકી ગયા હોઈએ એવું અનુભવીએ છીએ. આને ‘યોગમાર્ગમાં વિઘ્નો’ કહેવાય છે—ખ્રિસ્તી ગૂઢવાદીઓ એને જીવાત્માની અંધકારભરી રાત્રિ કહે છે.”

પરંતુ ત્યારે તો અમે આ તબક્કા વિશે બહુ થોડું જાણતા હતા. ભૂતકાળ કે ભવિષ્ય માટે અમે ત્યારે વિચારતા જ નહીં; અમે તો વર્તમાનમાં જ જીવતા. વળી, કાર્ય-કારણ સંબંધ દર્શાવતી તત્ત્વજ્ઞાનની સૂક્ષ્મ ચર્ચાઓ પણ અમારી માનસિક શાંતિમાં વિઘ્ન કરી શકતી નહીં. અમે તો કેટલાંક મૂળભૂત સત્યો પકડ્યાં હતાં, જેમને વળગી રહીને અમે એમને જીવનમાં ઉતારવા તથા જીવવા ઇચ્છતા હતા. અમારી આ પ્રાણવાન શ્રદ્ધાને કોઈ સૂક્ષ્મ તાત્ત્વિક ચર્ચા ડગાવી શકતી નહીં.

આંતરિક ગડમથલો—વિધવિધ સિદ્ધાંતોની રચના, અને પછી એમની ક્ષતિઓ વિચારી એમનો ઇન્કાર—અહંવૃત્તિના આ બધા ઉધામા, હૃદય અને બુદ્ધિ વચ્ચેના આવા આંતરિક દ્વંદ્વો—અમારું મન આ બધાથી અસ્પૃષ્ટ હતું. જેઓ આવી ભૂમિકામાંથી સહજ રીતે, ત્વરાપૂર્વક નીકળી શક્યા છે, તેઓ ખરેખર ધન્ય છે. તેઓ જ પૂરી નમ્રતાપૂર્વક આ પવિત્ર શ્રદ્ધાને ધારણ કરી શકે છેઃ “મારા બાળ, મારી પ્રસન્નતા માટે તારે બહુ જાણવાની જરૂર નથી, માત્ર મને ખૂબ પ્રેમ કર. તારી માના અંકમાં (ખોળામાં) હો અને તું એની સાથે જે રીતે કાલી કાલી વાત કરે, એવી રીતે તું મારી સાથે સંવાદ કર.”

જે દિવસો વિશે હું લખું છું, એ દિવસોમાં અમે જાણે કે હવામાં તરતા હતા. અમે ખૂબ શક્તિ અને ઉત્સાહથી જાણે કે ઊભરાતા હતા અને બધાં વિઘ્નોનો સામનો કરી શકતા હતા. જ્યારે આવું સરસ લક્ષ્ય આપણી સમક્ષ હોય ત્યારે શું કશુંય એટલું મુશ્કેલ લાગી શકે? અમને આશા હતી કે સ્વામી અમને જે કહેશે તે બ્રહ્મચારીનાં વ્રતો ખૂબ જ દૃઢ અને બંધનકારી હશે. અમે કોઈ પણ મુશ્કેલ વ્રત માટે તૈયાર હતા. “પરંતુ આપણે આ વ્રતોને યોગ્ય રીતે અમલમાં ન મૂકી શક્યા તો?” અમારામાંથી એકે પૂછ્યું. “આપણે ચોક્કસ આપણાં વ્રતોને પૂરી દૃઢતાપૂર્વક અમલમાં મૂકીશું જ,” તુરત પ્રતિભાવ આવ્યો. ઉપરાંત, “પ્રેમ કરવો અને નિષ્ફળ જવું એ કદાપિ પ્રેમ ન કરવાથી તો વધુ સારું છે જ,” એક ત્રીજી વ્યક્તિએ કહ્યું.

Total Views: 188

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.