સ્વામી ગંભીરાનંદજી મહારાજ રામકૃષ્ઠ મઠ અને મિશનના અગિયારમા પરમાધ્યક્ષ હતા. – સં.

શ્રીરામકૃષ્ણના સેવાના આદર્શને સમજવા માટે આપણે ‘સેવા’, અર્થાત્ ઈશ્વરની સેવા, તથા પરંપરાગત અર્થમાં સમજવામાં આવતા ‘કર્મયોગ’ વચ્ચેનો ભેદ સમજવો જોઈએ.

સ્વામી શારદાનંદજીએ ‘લીલા પ્રસંગ’ (અંગ્રેજીમાં તેનો અનુવાદ ‘શ્રીરામકૃષ્ણ, ધી ગ્રેટ માસ્ટર’ તરીકે થયેલો છે)માં નોંધ્યું છે કે, એક દિવસ જ્યારે શ્રીરામકૃષ્ણ વૈષ્ણવ સંપ્રદાયના સિદ્ધાંતો સમજાવી રહ્યા હતા, ત્યારે તેમણે કહેલું કે, આપણે માનવીના અન્ય માનવી સાથેના સંબંધના સંદર્ભમાં કરુણાનો ઉલ્લેખ ન કરવો જોઈએ. કારણ, કરુણા માત્ર ઈશ્વરની જ હોય. તો પછી માનવી શું કરી શકે? માનવી તો માત્ર ઉપાસના કરી શકે, અથવા અન્ય માનવીઓની, તેમને ઈશ્વર માનીને, સેવા કરી શકે.

હવે, આ તો અદ્વૈતવાદી દૃષ્ટિબિન્દુ થયું; કારણ જીવ અને શિવ એક જ છે તેવું કોઈ પણ દ્વૈતવાદી કે વિશિષ્ટાદ્વૈતવાદી સ્વીકારશે નહિ, માત્ર અદ્વૈતવાદી જ આ સ્વીકારે છે. આથી સેવા (માનવીની તેને ઈશ્વર માનીને કરાતી સેવા)ની પશ્ચાદ્ભૂમિમાં અદ્વૈતવાદ રહેલો છે. આટલું આપણી પાસે મૂકવામાં આવેલા આદર્શ વિષે. હવે આપણે જે લોકો સેવા કરે છે તેમના વિષે, તથા સેવાના સ્વરૂપ વિષે વિચારવાનું છે. સેવાનો આપણે શો અર્થ કરીએ છીએ? આ સંદર્ભમાં ‘ગીતા’નો એક જાણીતો શ્લોક મહત્ત્વનો બની રહે છે. તે કહે છે : “સરવો (યજ્ઞમાં આહૂતિ આપવાનું સાધન) બ્રહ્મ છે; (અર્પણ કરવામાં આવનાર) બલિ બ્રહ્મ છે; અગ્નિ બ્રહ્મ છે; આહૂતિ આપનાર બ્રહ્મ છે; અને તેનું અંતિમ ધ્યેય પણ આ કર્મને પોતાને જ બ્રહ્મ માનીને તે દ્વારા બ્રહ્મને જ પામવાનો છે.”

ब्रह्मार्पणं ब्रह्म हविर्ब्रह्माग्नौ ब्रह्मणा हुतम् ।
ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्मसमाधिना ॥
(ગીતા, ૪.૨૪)

અહીં આપણે જોઈએ છીએ કે ગીતાના મત પ્રમાણે દરેક વસ્તુને બ્રહ્મનો જ આવિર્ભાવ ગણવાની છે.

‘સેવા’માં આ જ આદર્શ લેવામાં આવ્યો છે. પણ તમે એમ કહી શકો કે, આ ઘણો ઊંચો આદર્શ છે, જે સેવામાં રોકાયેલા લોકોના ખરેખર અનુભવ સાથે બંધબેસતો થતો નથી. શ્રીરામકૃષ્ણ પણ વાસ્તવવાદી હતા. તેમણે કહ્યું કે, જ્યાં સુધી માનવીને દેહ વિષેની સભાનતા છે ત્યાં સુધી તે (પોતાના) વ્યક્તિગત ઈશ્વરને કે દુનિયાને, તેમનું અસ્તિત્વ જ નથી તેમ ગણીને, એકબાજુએ મૂકી શકે નહીં; ઊલટું તેણે ઈશ્વરને કે દુનિયા પોતાનાથી અલગ રીતે અસ્તિત્વ ધરાવે છે તેમ જ માનવું પડે છે. જ્ઞાનનો આ તબક્કો, તમે જાણો છો તેમ, આધ્યાત્મિક પ્રગતિ માંહેનો એક તબક્કો છે. જ્યારે આપણે શ્રીરામકૃષ્ણના ‘લીલા પ્રસંગ’ અને ‘કથામૃત’માં નોંધાયેલા જુદા જુદા ઉપદેશો કાળજીપૂર્વક વાંચીએ છીએ, ત્યારે આપણને માલુમ પડે છે કે, તેમણે માત્ર અદ્વૈતવાદની જ નહિ પરંતુ વિશિષ્ટાદ્વૈતવાદ તથા દ્વૈતવાદની પણ વાત કરી છે. તેમનો ખ્યાલ એવો છે કે, વ્યક્તિ સીધી રેખામાં; નીચેથી ઉપર, દ્વૈતવાદમાંથી વિશિષ્ટાદ્વૈતવાદ તરફ, અને ત્યાંથી અદ્વૈતવાદ તરફ, અને અદ્વૈતવાદમાંથી આ માયાથી વિંટળાયેલી દુનિયાની પાછળ રહેલા અંતિમ સત્ય સાથે તાદાત્મ્ય તરફ, પ્રગતિ કરે છે. વળી, સર્વોપરી (અંતિમ) સત્યની પ્રાપ્તિ પછી, અવતારો અને પયગંબરો અને દૈવી-કાર્ય માટે નિર્માયેલા અમુક સંતો પણ પાછા નીચેની ભૂમિકાએ આવી શકે છે; અને તેઓ (આ રીતે) ચેતનાની એક ભૂમિકાથી બીજી ભૂમિકા ઉપર પોતાની ઇચ્છા અનુસાર આવ-જા કરી શકે છે. તેઓ દ્વૈતવાદમાંથી વિશિષ્ટાદ્વૈતવાદમાં અને ત્યાંથી વળી અદ્વૈતવાદમાં અને વળી પાછા અદ્વૈતવાદમાંથી દ્વૈતવાદમાં – વળી આગળ, વળી પાછળ, એમ પોતે ધારે ત્યાં આવાગમન કરી શકે છે. આ હનુમાનજીના વલણ જેવું છે. તેઓ રામચંદ્રજીના વિષે કઈ રીતે વિચારે છે? આ પ્રશ્નના ઉત્તરમાં હનુમાનજીએ કહ્યું કે, “જ્યારે હું મારી જાતને દેહબુદ્ધિથી વિચારું છું ત્યારે આપનો દાસ છું : જ્યારે જીવબુદ્ધિથી (શરીરમાં રહેલાં આત્મા તરીકે) વિચારું છું, ત્યારે આપનો અંશ છું; અને જ્યારે હું મારી જાતને આત્મબુદ્ધિથી વિચારું છું ત્યારે હું આપની સાથે એકરૂપ થઈ જાઉં છું.” – દેહબુદ્ધયા તુ દાસોઽસ્મિ જીવબુદ્ધયા ત્વદશંક: આત્મબુદ્ધયા ત્વમેવાહમિતિ મે નિશ્ચિતા મતિ:, – સેવાના પામીએ ત્યાં સુધી તબક્કાવાર ઊંચે ને ઊંચે ચડતા જઈએ છીએ. હવે આપણે ‘કર્મયોગ’ ઉપર આવીએ. ‘કર્મ’નો ખરો અર્થ શો છે? ફરી એક વખત ‘ગીતા’ને ટાંકીએ તો, “તું જે કંઈ કરે છે, જે કંઈ ખાય છે, યજ્ઞમાં જે કંઈ હોમે છે કે દાનમાં આપે છે, જે કંઈ તપ કરે છે, તે બધું તું મને અર્પણ કર.’

यत्करोषि यदश्नासि यज्जुहोषि ददासि यत् ।
यत्तपस्यसि कौन्तेय तत्कुरुष्व मदर्पणम् ॥
(ગીતા, ૯.૨૯)

આ શ્લોકમાં બધા જ પ્રકારનાં કાર્યોનો સમાવેશ થઈ જાય છે. અહીં શ્રીકૃષ્ણે ‘કાર્ય’નો ઘણા વિશાળ અર્થમાં વિચાર કર્યો લાગે છે. આ દૃષ્ટિબિન્દુ મધુસૂદન સરસ્વતીનું છે, જે તેમણે ‘ગીતા’ ઉપરની પોતાની ટીકામાં દર્શાવ્યું છે. પરંતુ શંકારાચાર્ય અને કેટલાક અન્ય ટીકાકારો અને વિવેચનકારો ‘કર્મયોગ’ ઉપર લખતી વખતે આ રીતનો વ્યાપક અર્થ લેતા નથી. તેમનો મત એવો છે કે, ‘કર્મયોગ’માં માત્ર શાસ્ત્રોએ માન્ય કરેલી વિધિઓ અને ફરજોનો જ સમાવેશ થાય છે. તેમના મત પ્રમાણે, ‘કર્મયોગ’માં તમારે (પોતાના) કર્તૃત્વનો ખ્યાલ રાખ્યા વગર કાર્ય કરવાનું હોય છે, તથા તમારા કાર્યનું ફળ (પરિણામ) ઈશ્વરને અર્પણ કરવાનું હોય છે.

બીજું, ‘યોગ’નો શો અર્થ થાય છે? શાબ્દિક રીતે તેનો અર્થ તો ‘સંયોગ’ (ભેગું કરવું) કે ‘જોડાણ’ (સંયોજન કરવું) તેવો થાય છે. અહીં તેનો અર્થ વ્યક્તિનું ઈશ્વર સાથેનું જોડાણ, તેવો થાય છે. તેથી, તેઓ સમજાવે છે તે રીતે, ‘કર્મયોગ’માં પરમતત્ત્વનો દ્વૈતવાદી ખ્યાલ સમાયેલો છે. હું ઈશ્વર સાથે કર્મ દ્વારા જોડાઉં છું. પરંતુ કઈ રીતે? શંકરાચાર્ય સ્પષ્ટ કરે છે કે, કર્મ ફક્ત આપણા મનને જ શુદ્ધ કરે છે, અને આ કર્મ ‘જ્ઞાન’ સાથે કદી જોડાઈ શકે નહીં, તે બાબતમાં તેઓ ચોક્કસ છે.

પરંતુ સેવામાં, અથવા તો હું જેને ‘સેવાયોગ’ કહું તેમાં; આપણે જોયું છે કે તેનો ઈશ્વર સાથે સીધો સંબંધ છે અને તેમાં કોઈ ફળ પ્રાપ્ત કરવાની તથા તે ઈશ્વરને અર્પણ કરવા જેવી કોઈ મધ્યસ્થ વ્યવસ્થા હોતી નથી.

શંકરાચાર્યના મત પ્રમાણે, કર્મ આપણા મનને શુદ્ધ કરે છે, અને એ શુદ્ધિ દ્વારા ભક્તિ પ્રાપ્ત થાય છે; અને ભક્તિમાંથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, અને તે દ્વારા આપણે સંસારથી મુક્ત બનીએ છીએ. આ બધા એવા તબક્કા છે, જે માણસે કર્મયોગ આચરવામાં પસાર કરવા પડતા હોય છે. પરંતુ જ્યારે તેઓ (શંકરાચાર્ય) ‘ગીતા’ના ‘કર્મણૈવ હિ સંસિદ્ધિ આસ્થિતા જનકાદયઃ’ (ગીતા, ૩.૨૦) એ શ્લોકની પ્રથમ પંક્તિ સમજાવે છે ત્યારે ગુંચવાડામાં પડી જતા હોય તેમ લાગે છે. (હું ‘સંસિદ્ધિ’ શબ્દ પાછળથી સમજાવીશ) આ પંક્તિનો અર્થ છેઃ “જનક અને અન્યો ‘કર્મ દ્વારા’ અથવા ‘કર્મની સાથે’ સંસિદ્ધિમાં સ્થિર રહ્યા.” શંકરાચાર્યે ‘કર્મ દ્વારા’ અને ‘કર્મની સાથે’ એમ બંને અર્થો સ્વીકાર્યા છે. પહેલાં શંકરાચાર્ય સંસિદ્ધિ એટલે ‘ચિત્તની શુદ્ધિ’ એમ સમજાવે છે : “જનક અને અન્યો ‘કર્મણા’ અર્થાત્ ‘કર્મ દ્વારા’ શુદ્ધચિત્તની સ્થિતિમાં સ્થિર રહ્યા.” કર્મે તેમને તેમના ચિત્તની શુદ્ધિ કરવામાં મદદ કરી, અને તેઓ સંસિદ્ધિની અર્થાત્ ચિત્તશુદ્ધિની એ સ્થિતિમાં કર્મયોગ દ્વારા સ્થિર રહ્યા. પરંતુ ‘સંસિદ્ધિ’નો શાબ્દિક અર્થ માત્ર સિદ્ધિ કે સફળતા નહીં, પરંતુ ‘પૂર્ણ સિદ્ધિ’ કે ‘પૂર્ણ સફળતા’ એવો થાય છે. આથી તેનો અર્થ મુકિત, એટલે કે પરમતત્ત્વ સાથેનું પૂર્ણ તાદાત્મ્ય, એવો થવો જોઈએ. શંકરાચાર્ય આ વૈકલ્પિક અર્થ સ્વીકારીને એવી દલીલ કરે છે કે, એ સંદર્ભમાં ‘કર્મણા’નો અર્થ ‘કર્મણા સહ’ ‘કર્મની સાથે’ એવો થાય છે. આથી જનક અને અન્યો ‘કર્મ (કાર્ય)ની સાથે’ મુતિની સ્થિતિમાં સ્થિર રહ્યા. તેનો અર્થ એ થાય કે, તેઓ ‘મુક્ત’ બન્યા હોવા છતાં, અને (આ સ્થિતિમાં) તેમના વ્યક્તિત્વમાંથી કર્મ છૂટી ગયું હોવું જોઈએ તેમ છતાં, તે ગમે તેમ (કદાચ કોઈ ઈશ્વરીય હેતુ પૂર્ણ કરવા માટે) ચાલુ રહ્યું હતું. આ રીતે શંકરાચાર્ય એક પ્રકારનું સમાધાન સાધે છે. તેઓ પોતે જ પોતાના બે અર્થઘટનો વચ્ચેના દેખીતા વિરોધાભાસનું સમાધાન એમ કહીને કરે છે કે, જ્યારે કર્મમાંથી કર્તૃત્વનો અને કોઈ પણ જાતની વ્યક્તિગત ફલપ્રાપ્તિનો વિચાર લઈ લેવામાં આવે છે, ત્યારે કર્મ તેના સામાન્ય અર્થનું કર્મ રહેતું નથી. ત્યારે તે ‘જ્ઞાન’નો પર્યાય બની જાય છે. જનક અને અન્યોએ બીજા લોકો પોતાના જ ક્લ્યાણ માટે જેનું અનુકરણ કરી શકે તેવો જીવનનો એક આદર્શ માર્ગ પ્રશસ્ત કર્યો હતો. શંકરાચાર્ય કહે છે કે, જેમને સિદ્ધિ પ્રાપ્ત કરી છે તેવા લોકોનાં આધ્યાત્મિક લક્ષણો આપણી પાસે તેમનું અનુકરણ કરવા માટે મૂકવામાં આવ્યાં છે, જેથી કરીને આપણે તે રસ્તે વધારે ઊંચે ચડી શકીએ.

સેવામાં આપણે બીજા માટે કોઈ પણ કાર્ય કરતી વખતે આપણી જાતને (કર્તૃત્વના) ‘અહં’માંથી તથા અંગત લાભ મેળવવાની તૃષ્ણામાંથી મુક્ત રાખવાના આ આદર્શો સ્વીકારીએ છીએ. આ આદર્શ વિષેની મારી સભાનતા, આ આદર્શને પ્રાપ્ત કરવા માટેનો મારો પ્રયત્ન – તે બધું કોઈ પણ રીતે મારા કાર્ય સાથે સંકળાયેલું રહી શકે છે. હું શંકરાચાર્ય અને શ્રીરામકૃષ્ણને આ રીતે સાથે સમજું છું. એ ધ્યાનમાં આવવું જોઈએ કે, સેવામાં ‘ફળ ઈશ્વરને સમર્પિત કરવા’ જેવું કશું નથી. કારણ, સેવામાં સીધી જ ઈશ્વરની ઉપાસના થતી હોય છે. જે વ્યક્તિની ઉપાસના કે સેવા કરવામાં આવે છે તે ઈશ્વર પોતે જ છે અને એ ઉપાસનાથી મને શું મળે છે? મને તેમાંથી માત્ર આધ્યાત્મિક લાભ મળે છે. તેમાં ઈશ્વરને ‘અર્પણ’ કરવાનું કશું હોતું નથી, તેથી બીજાઓ પ્રત્યેની મારી સેવામાંથી હું ઈશ્વરને અર્પણ કરી શકું તેવું કોઈ વ્યક્તિગત ફળ ઉદ્ભવતું જ નથી. આ રીતે સેવા કર્મયોગથી અલગ પડી જાય છે.

આમાં બીજો પણ એક તફાવત છે. કર્મયોગી ઈશ્વરમાં માનતો ન હોય તેવું પણ બને. સ્વામીજી કહેતા કે, બુદ્ધ સૌથી મોટા કર્મયોગી હતા. બુદ્ધ કદી ઈશ્વરમાં માનતા કે નહીં તે હું જાણતો નથી; ઓછામાં ઓછું, તેમણે ઈશ્વર વિષે ચર્ચા કરવાનું તો ટાળ્યું જ છે. આમ ઈશ્વરમાં ન માનનારી વ્યક્તિ પણ કર્મયોગી બની શકે છે. પ્રાચીન મીમાંસકોએ પણ ઈશ્વર વિષે, કે ઈન્દ્ર, રુદ્ર, વરુણ અને અન્ય દેવતાઓ વિષે પણ, બહુ દરકાર કરી નથી. તેમના મત પ્રમાણે, માણસે જે કરવાનું છે તે આટલું કે, તે વેદોને અનુસરે, (તેમાં નિયત કરેલા) ક્રિયાકાંડો કરે, અને તે દ્વારા તે સ્વર્ગની પ્રાપ્તિ કરે. તે પ્રાપ્ત કરી શકે તેવું ઊંચામાં ઊંચું ફળ એટલે સ્વર્ગ, એ બધા જ મીમાંસકોને મન કર્મયોગ એટલે ઈશ્વરની હાજરી વગરના અમુક ક્રિયાકાંડો – ટૂંકામાં ઈશ્વરવિહિન કાર્ય, પરંતુ સેવા ઈશ્વર – વિનાની નથી. તેમાં આપણે ઈશ્વરને તો માનવા જ પડે, અને આપણે સેવા દ્વારા આપણે ખુદ ઈશ્વરની જ ઉપાસના કરતા હોઈએ છીએ.

સેવાની બીજી એક ખૂબી ‘શ્રીરામકૃષ્ણ લીલા પ્રસંગ’માં નોંધાયેલી છે. જે દિવસે સ્વામીજીએ શ્રીરામકૃષ્ણના “શિવ-જ્ઞાને જીવ સેવા” એ શબ્દો સાંભળ્યા, તે જ દિવસે તેમણે કહ્યું: “મને એક અજોડ સંદેશો મળી ગયો છે, અને જો ઈશ્વર મને તક આપશે તો હું તે સંદેશનો શો અર્થ થાય છે તે દુનિયાને બતાવી આપીશ.” આનું પરિણામ શ્રીરામકૃષ્ણ મઠ અને શ્રીરામકૃષ્ણ મિશનની સ્થાપનામાં આવ્યું છે. અને સ્વામીજીએ એમ પણ કહ્યું કે, એ શબ્દોમાં તેમને જ્ઞાન, ભક્તિ અને કર્મ વચ્ચેનું સમાધાન કે સમન્વયની પ્રાપ્તિ થઈ છે. હું ઉમેરીશ કે તેમાં ધ્યાનયોગનો પણ સમન્વય થયેલો છે. અને મનુષ્ય માટે આ જ સ્વાભાવિક (પ્રાકૃતિક) માર્ગ છે. આપણે વિચારીએ છીએ, પ્રેમ કરીએ છીએ, ધ્યાન ધરીએ છીએ, કાર્ય કરીએ છીએ – આ બધું આપણે સ્વાભાવિક રીતે જ કરીએ છીએ. જે બાબત મનુષ્ય માટે તેના સામાન્ય જીવનમાં સ્વાભાવિક છે, તેને તેના આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ લઈ જઈ શકાય તેમ છે. ત્યાં પણ આપણે બીજાની સેવા કરી શકીએ, કાર્ય કરી શકીએ, બીજાના કલ્યાણકાર્યમાં સક્રિય બની શકીએ. કેમ? કારણ, આપણે તે લોકોને ઈશ્વરના સ્વરૂપ તરીકે પ્રેમ કરીએ છીએ. આથી અહીં ભક્તિ પણ આવી જાય છે. આ બધું આપણને અંતિમ ધ્યેય વિષેની વિચારણા દ્વારા સર્વોચ્ચ અનુભવ તરફ, સર્વોચ્ચ સત્ય સાથેના તાદાત્મ્ય તરફ, લઈ જશે. આ ‘જ્ઞાન’ છે. અને જ્યારે આપણે ઉકેલી ન શકીએ તેવી કોઈ સમસ્યાનો સામનો કરીએ છીએ, ત્યારે આપણે ધ્યાનમાં બેસીએ છીએ અને આમાંથી માર્ગ દર્શાવવા માટે ઈશ્વરને વિનંતિ કરીએ છીએ. આમ (આમાં) ધ્યાન પણ આવી જાય છે. આ રીતે સેવા દ્વારા આપણી પ્રગતિના કાર્યક્રમમાં આ ચારેય માર્ગો એકત્ર થઈ જાય છે, એક બીજા સાથે સંકળાઈ જાય છે. આથી હું કહું છું કે, ‘સેવા-યોગ’ એ શ્રીરામકૃષ્ણે આધુનિક યુગને આપેલો એક અજોડ સંદેશ છે, જે માત્ર સાધુઓ દ્વારા જ નહીં, પરંતુ સાંસારિક લોકો દ્વારા પણ આચરી શકાય તેમ છે. સાંસારિક લોકો પણ જ્યારે પોતાના રોજબરોજનાં ગૃહકાર્યોમાં રોકાયેલા હોય ત્યારે, પોતાના કુટુંબીજનોને ઈશ્વરના પ્રતિનિધિ તરીકે, અને પોતાના કુટુંબને યોગ્ય સેવા કરવા માટે પોતાને સોંપવામાં આવેલા એક ‘ટ્રસ્ટ’ તરીકે માનીને આ (પ્રકારનું) સેવા કાર્ય કરી શકે છે.

ભાષાંતર : શ્રી દેવેન્દ્ર ભટ્ટ

Total Views: 64

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.