પ્રસ્તુત લેખ સને ૧૯૨૬માં બેલુર મઠમાં યોજેલ રામકૃષ્ણ મઠના પ્રથમ સમ્મેલન વખતે વાંચવામાં આવ્યો હતો. તેમજ એના વિસ્તૃત અહેવાલમાં પ્રકટ પણ થયો હતો. આમાં સંઘના એક વરિષ્ઠ વિચારક દ્વારા, મિશનનાં કાર્યો પાછળ રહેલા યુગાન્તરકારી આદર્શ વિશે શાસ્ત્રોના આધાર પર ચર્ચા કરીને કેટલાક પ્રશ્નોનું નિરાકરણ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે એટલે આજે પણ એની ઉપાદેયતા પૂરે પૂરી છે. અને એ કારણે જ અંગ્રેજીમાંથી એનો અનુવાદ આ વિશેષાંક માટે ખાસ રજૂ કરી રહ્યા છીએ. – સં.

ત્યાગ અને સેવા ભારતના રાષ્ટ્રીય આદર્શો છે. એની એ ભાવનાઓને જ પ્રબળ બનાવી બાકી બધું તો એની મેળે જ બરાબર થઈ રહેશે –

– સ્વામી વિવેકાનંદ

લોર્ડ ગેલાડશે, પોતાના ‘આર્યાવર્તનું હૃદય’ નામના પુસ્તકમાં રામકૃષ્ણ મઠ અને મિશન વિશે લખે છે “સંન્યાસીઓ અને બ્રહ્મચારીઓના આ સંઘ (રામકૃષ્ણ મઠ)ની સાથે એક મિશન (સેવા-સંસ્થા) પણ જોડાયેલ છે. આ બન્ને સંગઠનો અનુક્રમે ત્યાગ અને સેવાનાં મૂર્ત રૂપો છે. આ બન્ને ભાવોને સ્વામી વિવેકાનંદે ભારતના બે રાષ્ટ્રીય આદર્શો કહ્યા છે. મિશન સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક વગેરે બધા પ્રકારનાં સેવાકાર્યોમાં કાર્યરત છે. અને મઠ પોતાની આધ્યાત્મિક સંસ્કૃતિના માધ્યમથી આ મહાન આદર્શો અને શ્રીરામકૃષ્ણ પરમહંસે પોતાના જીવનમાં પ્રદર્શિત કરેલી અનુભૂતિઓના પ્રચાર -પ્રસારને વરેલો છે” અહીં એક સ્પષ્ટીકરણની જરૂર છે કે ત્યાગ અને સેવાના આ બેવડા આદર્શો મઠ-મિશન નામની સંસ્થાઓની પેઠે જ અભિન્ન છે. સામાન્ય રીતે કહીએ તો રામકૃષ્ણ મઠનાં કેન્દ્રોમાં ત્યાગ અને આધ્યાત્મિક ઉન્નતિ ઉપર વધારે ભાર મૂકવામાં આવે છે, જ્યારે રામકૃષ્ણ મિશનની જુદી જુદી શાખાઓમાં એવા કાર્યકલાપોની બહુલતા છે, કે જેને સાધારણ રીતે સેવા કહેવામાં આવે છે. પરન્તુ આપણે આગળ જોઈશું તેમ સાચી સેવા પણ આધ્યાત્મિક ઉન્નતિનું જ એક રૂપ છે.

રામકૃષ્ણ મઠ અને મિશનરૂપી આ જોડકાં સંસ્થાઓની સ્થાપના કરવામાં સ્વામી વિવેકાનંદનો ઉદ્દેશ્ય, પોતાના મહાન ગુરુદેવના કાર્યને જ આગળ ધપાવવાનો હતો. એ માટે એમને કાર્યકર્તાઓના એક એવા સંઘના નિર્માણની આવશ્યકતા હતી કે જે, “આત્મનો મોક્ષાર્થં જગદ્ધિતાય ચ” “પોતાના મોક્ષ અને જગતના કલ્યાણ” માટે પૂરેપૂરો કટિબદ્ધ હોય – આ ઉદ્દેશ્યોને ખ્યાલમાં રાખીને સ્વામીજીએ સંન્યાસના એ પ્રાચીન આદર્શોને જ અભિવ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો. એમાં ફક્ત મૌન સાધના અને મૌન પ્રચારના પ્રાચીન વિધિવિધાનોનો જ નહિ પણ અર્વાચીન વિશ્વની ભાષામાં સેવા આધ્યાત્મીકૃત સેવા-નાં નવાં વિધિવિધાનનો પણ સમાવેશ થતો હતો. એમાં જાતિ, વર્ગ, સંપ્રદાય અને રાષ્ટ્રીયતાથી નિરપેક્ષ ભાવે દરેક વ્યક્તિને ઈશ્વરની સાકાર અભિવ્યક્તિ માનીને એની જરૂરિયાતો મુજબ ભૌતિક, બૌદ્ધિક અથવા આધ્યાત્મિક સેવા કરવાની હતી.

અહંવિસ્મૃતિ એટલે કે પોતાની હલકી ઇચ્છાઓ અને આવેગોના નિવાસસ્થાન રૂપ ‘અહં’ ‘હુંપણા’નો નાશ કરવો, એ જ ત્યાગનું સર્વોચ્ચ રૂપ છે. આમાં આત્માના સાચા સ્વરૂપની અભિવ્યક્તિ માટે એમાં એથી નીચેનાં રૂપો સમાઈ જ જાય છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે, “જ્યારે આપણા સૌનું મૃત્યુ નક્કી જ છે તો પછી આપણે એક મહાન ઉદ્દેશ્યને માટે જ શા માટે પ્રાણ ન છોડીએ? આપણાં બધાં કર્મો આત્મ -ત્યાગની ભાવનાથી જ પ્રેરાયેલાં રહે. અન્નથી પોષિત આપણું શરીર, માનવતાના કલ્યાણાર્થે બલિદાન બને, અધ્યયન દ્વારા પોષિત આપણું મન માનસિક અંધકારમાં ભટકતા લોકોની સેવામાં ખપી જાય, મનના સંયમ તથા આધ્યાત્મિક સાધના દ્વારા વિકસિત થયેલ આપણો આત્મા સંસારરૂપી આગથી દગ્ધ ઉચ્ચતર જીવનના પિપાસુ લોકોની આધ્યાત્મિક મદદમાં લાગી રહો. આ ઉપાયથી આપણે આપણા દૈષ્ઠિક મૃત્યુને આધ્યાત્મિક પુનર્જન્મમાં ફેરવી શકીએ છીએ. સ્વામી વિવેકાનંદે ત્યાગના આ જ આદર્શને રામકૃષ્ણ મિશનના સભ્યો અને સમગ્ર વિશ્વની સામે મૂક્યો અને એનું સાકારરૂપ સેવાના માધ્યમથી જ શક્ય છે.

રામકૃષ્ણ મિશન, મૂળે તો એક ધાર્મિક સંગઠન છે. સેવા એ એની સાધનાનું એક અંગ છે. આ ધર્મના સાર્વભૌમ આદર્શો તરફ નિષ્ઠા રાખે છે. ભારત અને યુરોપ – અમેરિકામાં રહેલાં એનાં અનેક પ્રચાર કેન્દ્રો પોતાના સભ્યોનાં જીવન અને વિચારોના માધ્યમથી સત્ય ધર્મના સાર્વલૌકિક સ્વરૂપના પ્રચાર-પ્રસારમાં લાગી ગયેલાં છે. અને દુનિયાના વિવિધ ધર્મ – મતોના અનુયાયીઓમાં ભાઈચારાની ભાવના જગાડવા પ્રતિબદ્ધ છે. આ આદર્શ ખરી રીતે શ્રીરામકૃષ્ણની એવી અનુભૂતિઓથી જ અનુપ્રાણિત છે. એઓશ્રીએ પોતાના જીવનમાં એનો સાક્ષાત્કાર કર્યો હતો કે બધા જ ધર્મસંપ્રદાયો એક જ શાશ્વત અને સાર્વભૌમિક ધર્મની જુદી જુદી અભિવ્યક્તિઓ જ છે. મિશનનાં શિક્ષાકેન્દ્રો સેવાભાવનાની સાથોસાથ શિક્ષાર્થીઓને પ્રાચ્ય અને પાશ્ચાત્ય સંસ્કૃતિઓનાં સર્વોત્તમ તત્ત્વોનું જ્ઞાન આપવાનો પ્રયાસ કરે છે. અને શિક્ષાર્થીઓના ચરિત્ર – નિર્માણ માટે જરૂરી નૈતિક અને આધ્યાત્મિક સંસ્કારો સીંચે છે. એનાં સ્થાયી સેવા – કેન્દ્રોમાં લગભગ સંન્યાસીઓ જ ચિકિત્સા, પરિચર્યા, વગેરે કામ કરે છે. અને અન્ય પ્રકારની સેવાઓ પણ આપે છે, અને એ રીતે જુદા જુદાં શહેરો તથા ગામડાંમાં ગરીબો અને દીનહીનો અને દુઃખીઓનાં દુઃખ, કષ્ટ અને આપત્તિઓના નિવારણના પ્રયત્નો કરી રહ્યા છે તો બીજી બાજુ, એનાં અસ્થાયી રાહત કેન્દ્રો પ્લેગ, ઈન્ફ્લુએન્ઝા, પૂર, દુકાળ વગેરે વ્યાપક અને ભયંકર કુદરતી આપત્તિઓ વખતે પૂરતું જોખમ વેઠીને પણ પીડિતોની સેવા અને સહાયતા કરે છે.

સ્વામી વિવેકાનંદની પ્રેરણાનો મૂળ સ્રોત શો હતો?

સ્વામીજીની પ્રેરણાની ગંગોત્રી તેમના ગુરુદેવનું જીવન અને તેમના ઉપદેશો હતી. દરિદ્રનારાયણની સેવાના શ્રીગણેશ ઓગણીસમી સદીના છઠ્ઠા દાયકામાં ખુદ શ્રીરામકૃષ્ણ જ કરી ગયા હતા. દક્ષિણેશ્વરના મંદિરની સ્થાપિકા રાણી રાસમણીના જમાઈ બાબુ મથુરાનાથ વિશ્વાસ સાથે ઉત્તર ભારતની યાત્રા કરતી વખતે દેવધર પાસેના એક ગામડામાં ત્યાંના દુષ્કાળ પીડિત નિવાસીઓની દુર્દશા જોઈને શ્રીરામકૃષ્ણનું હૃદય કરુણાથી ભરાઈ ગયું હતું. અને પરિણામે તેમણે મથુરબાબુને કહ્યું હતું : “તમે તો જગદંબાના દીવાન છો એટલે એક દિવસ આ બધાં ગરીબોને ભોજન અને વસ્ત્ર આપો.” પણ મથુરબાબુ મૂંઝવણમાં પડી ગયા કારણ કે તીર્થયાત્રામાં ઘણો બધો ખર્ચ થવાની સંભાવના હતી અને શ્રીરામકૃષ્ણ જેમને અન્ન વસ્ત્ર આપવાની હઠ કરી રહ્યા હતા, તેમની સંખ્યા ઘણી મોટી હતી. એટલે એમની વાત માની લેતાં, યાત્રા દરમિયાન પૈસાની ઘટ આવવાની આશંકા હતી; પણ શ્રીરામકૃષ્ણ લીધેલી વાત છોડતા જ ન હતા. પોતાની સામે જ ઊભેલાં નર-નારીઓ અને બાળકોની દુર્દશા જોઈને તેઓ વ્યથિત થઈ ઊઠ્યા. તેઓ રોવા લાગ્યા અને ચીસ પાડી ઊઠ્યા : “હું કાશી નહિ આવું. હું આ નિઃસહાય અને પીડિત લોકોની વચ્ચે જ રહીશ.” એટલું કહીને તેઓ તે પીડિત ગરીબ ગામલોકોની વચ્ચે જઈને બેસી ગયા. મથુરબાબુ પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. એમણે કલકત્તાથી કપડાંની ગાંસડીઓ મંગાવી; અને ગામ લોકોને પેટભરીને ભોજન અને વસ્ત્રો આવ્યાં. તે પછી જ શ્રીરામકૃષ્ણનું મન સંતુષ્ટ થયું અને તેઓ આનંદપૂર્વક તીર્થયાત્રા ચાલુ રાખવા રાજી થયા.

આ સેવાનો ઉદ્દેશ શો હતો? સ્વયં શ્રીરામકૃષ્ણના શબ્દોમાં “જો કોઈ નિષ્કામભાવે કોઈ વસ્તુનું દાન કરે તો એ કોઈ બીજાનું નહિ, પણ ખુદ પોતાનું જ ભલું કરે છે. એ રીતે એ બધા જીવોમાં વિરાજમાન ઈશ્વરની જ સેવા કરે છે. અને ઈશ્વર સેવાનું કાર્ય પોતાનું જ કલ્યાણ કરે છે. જો કોઈ નામના, સ્વર્ગ કે બદલાની ભાવનાને છોડીને મનુષ્યોની જ માત્ર નહિ, પણ બધા જ જીવોની – બધામાં વ્યક્ત થતા ઈશ્વરની – સેવા કરે છે તો એ ખરેખર નિષ્કામ કર્મ છે. અને એથી એ વ્યક્તિને પોતાને જ લાભ થાય છે.” શ્રીરામકૃષ્ણે સેવાના આ જ ભાવને પ્રતિપાદિત કર્યો. આ રીતે સાચા કર્મયોગની ભાવનાથી આચરેલું કર્મ પૂજામાં રૂપાન્તરિત થઈ જાય છે. અને એ જ ચિત્તશુદ્ધિ અને ઈશ્વર-પ્રાપ્તિનાં સર્વોચ્ચ સાધનો માંહેનું એક છે.

સ્વામી વિવેકાનંદના સાધનાકાળમાં જ શ્રીરામકૃષ્ણે આ આદર્શ તેમના માનસ પટ પર અંકિત કરી દીધો હતો. શ્રીમત્ સ્વામી સારદાનંદજી પોતાના ‘રામકૃષ્ણ લીલાપ્રસંગ’ નામના ગ્રંથમાં તેમના જીવનની એક એવી જ ઘટનાનો ઉલ્લેખ કરીને લખે છે : “એક વાર પોતાના ભક્તોથી વીંટળાયેલા શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરના પોતાના ઓરડામાં બેઠા હતા. નરેન્દ્રનાથ પણ ત્યાં હાજર હતા. વિવિધ વિષયો પરની ચર્ચાની સાથોસાથ ઠઠ્ઠા મશ્કરીઓ પણ ચાલી રહી હતી. વાતચીતનો પ્રવાહ ક્રમેક્રમે ‘બધા જીવો તરફ દયા’ના આદર્શ તરફ આવી પહોંચ્યો. “બધાં પ્રાણીઓ તરફ દયા…” કહેતાં કહેતાં શ્રીરામકૃષ્ણ સમાધિમાં લીન થઈ ગયા. ધીરે ધીરે સામાન્ય સ્થિતિમાં પાછા ફર્યા પછી ભાવાવેશમાં જ તેમણે એ જ વાતને ચાલુ રાખીને સેવાના આદર્શની વાસ્તવિક મહત્તાનું નિરૂપણ કર્યું. તેમણે કહ્યું : બધા જીવો પર દયા? હત્તારીની! ધરતી પર આળોટતો કીડો થઈને ય તું શું દયા દેખાડવાનો છે? દયા દર્શાવનાર તું તો વળી કોણ છે? ના…ના, દયા નહિ, પણ શિવબોધમાં જીવસેવા!’ બધા લોકોમાંથી એક માત્ર નરેન્દ્રનાથ જ શ્રીરામકૃષ્ણની વાણીમાં રહેલ ગહન મર્મ ને સમજ્યા હતા. ઉપર્યુક્ત શબ્દોમાં તેમને જ્ઞાનનો નવો પ્રકાશ દેખાયો. આ જ શબ્દોમાં એમને વ્યાવહારિક વેદાન્તનું એવું અભિનવ સૂત્ર મળ્યું કે જેના દ્વારા વનો અને ગુફાઓમાં રહેતા સાધુ સંન્યાસીઓની જ સંપત્તિ સમા બની રહેલા વેદાન્તના ઉચ્ચતમ આદર્શોને હવે નગરો અને બજારોમાં પણ લાવીને સંન્યાસીઓ અને ગૃહસ્થો બન્નેના જીવન માટે ઉપયોગી બનાવી શકાય તેમ હતું. સર્વોચ્ચ જ્ઞાનની પ્રાપ્તિ માટે હવે કોઈને સમાજથી અલગ થઈ જવાની કે પોતાના હૃદયની પ્રેમ – લાગણી જેવી પવિત્ર ભાવનાઓનું દમન કરવાની જરૂર ન રહી. પણ બધાને ઈશ્વરનું જ પ્રતિરૂપ માનીને શ્રદ્ધા અને પ્રેમ સહિત એમની સેવા કરવાથી સાધકનું ચિત્ત અવશ્ય શુદ્ધ થશે અને પરોપકાર કરવાથી સામાન્ય રીતે મનમાં ઉત્પન્ન થતા પોતાની શ્રેષ્ઠતાના અંહભાવને અને ઉદ્ધતાઈને છોડીને છેવટે સર્વભૂતોમાં અને પોતાનામાં પણ ઈશ્વરની સત્તાની અનુભૂતિ પ્રાપ્ત કરશે. નરેન્દ્રનાથે શ્રીરામકૃષ્ણ પ્રતિપાદિત કરેલા આ સેવાદર્શનને હૃદયસ્થ કરી લીધું અને કહ્યું કે “જો ઈશ્વરની ઈચ્છા હશે તો ભવિષ્યમાં તેઓ આનો આખા વિશ્વમાં પ્રચાર કરશે.” ઈશ્વરેચ્છાએ સ્વામીજીની એ આશા પૂરી થઈ અને આ સેવાધર્મના મહાન સંદેશવાહક બનીને તેમણે આ ઉદાત્ત શુભસંદેશને શિક્ષિત-અશિક્ષિત, ધની-ગરીબ, બ્રાહ્મણ- ચાંડાલ – બધાને બારણે પહોંચાડી દીધો.

આ સેવામાર્ગ ઈશ્વર પ્રાપ્તિનો એક ચોક્કસ ઉપાય છે. શ્રીરામકૃષ્ણ અને તેમના જ પગલે પગલે ચાલતા તેમના પટ્ટશિષ્ય સ્વામી વિવેકાનંદે પોતાના જીવનમાં જે ઈશ્વરની આરાધના અને સાક્ષાત્કાર કર્યો, તે કોઈ અમૂર્ત કલ્પનાનો વિષય ન હતો. એ તો એક એવું મૂળભૂત સત્ય હતું કે જે સાપેક્ષ-નિરપેક્ષ સર્વવ્યાપી અને સર્વાતીત – બન્ને સાથોસાથ જ હતો. અને જે સાર્વલૌકિક પ્રેમભાવના આ બન્ને મહાપુરુષોના હૃદયને હલાવતી રહી હતી! એનું મૂળ ‘બહુત્વમાં એકત્વ’ની આ અનુભૂતિથી જ ઊગ્યું હતું. શ્રીરામકૃષ્ણે ઘોષણા કરી : “હું તેમને બધાંમાં અને બધાં જ રૂપોમાં જોઉં છું. મનુષ્ય તથા અન્ય સમસ્ત પ્રાણીઓ બહારથી અલગ અલગ રૂપરંગનાં દેખાય છે પણ ભીતર તો એ જ ઈશ્વર છે. એ એક જ તત્ત્વ સમસ્ત જીવો સહિત આ બ્રહ્માંડનું રૂપ ધારણ કર્યું છે. હું જોઉં છું કે બધું જ એ એક તત્ત્વમાંથી જ આવ્યું છે.” એથી ઈશ્વરની ઉપાસના કેવળ ઇંટ ચૂનાથી બનેલા મંદિરમાં જ નહીં પણ લોહીમાંસથી બનેલી નરકાયારૂપી મંદિરમાં પણ સમ્પન્ન થઈ શકે છે. જો ઈશ્વર સર્વભૂતોમાં વિદ્યમાન છે તો શું તેઓ રોગી-પીડિતોમાં, અજ્ઞાની અશિક્ષિતોમાં અને જીવવા માગતા થાકેલાં -માંદા લોકોમાં નથી શું? સર્વભૂતોમાં વિરાજમાન ઈશ્વરની આવી જ અનુભૂતિમાંથી સ્વામી વિવેકાનંદને એ પ્રેરણા મળી અને અને પરિણામે તેઓ પૂરા આવેગની સાથે એવી ઘોષણા કરી શક્યા કે “મારો અભિલાષ વારંવાર જન્મ લેવાનો અને હજારો દુ:ખો ભોગવતા રહેવાનો છે કે જેથી હું બધાં પ્રાણીઓના સમષ્ટિરૂપ એ એક માત્ર ઈશ્વરની પૂજા કરી શકું. એની જ વાસ્તવિક સત્તા છે અને મને એનો વિશ્વાસ છે. અને સૌથી પહેલાં તો વર્ણો અને જાતિઓના પાપી-તાપી-દીન-હીન-દબાયેલા પિસાયેલા લોકો મારાં ખાસ ઉપાસ્ય છે.” એથી આગળ પણ તેઓ કહે છે : “આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે આપણને આવા લોકોની કેવળ સહાય જ નહિ, પરન્તુ તેમને માટે કામ કરવાની તક મળી છે. આ ‘સહાય’ શબ્દને તમારા મનમાંથી કાઢી નાખો. તમે ફક્ત પૂજા જ કરી શકો છો. આખા વિશ્વને આવી જ નમ્ર શ્રદ્ધાના ભાવથી જુઓ.”

સ્વામી વિવેકાનંદનાં જીવન તથા ઉપદેશો દ્વારા પ્રસારિત આ સેવા ધર્મ વિશે કેટલાય ભ્રમો પેદા થયા છે. સ્વામીજીએ ધર્મના આ ક્રિયાત્મક રૂપની શીખ પોતાના ગુરુદેવને ચરણે જ મેળવી હતી એ પોતે જ વ્યાવહારિક વેદાન્તની જીવતી પ્રતિમૂર્તિ હતા. છતાં આજે ય એ શંકા ઉઠાવવામાં આવે છે કે સેવાનો આ આદર્શ હિન્દુધર્મ દ્વારા જ પ્રેરાયેલો છે કે નહિ? કેટલાક વિચારે છે કે આ ખ્રિસ્તી ધર્મ દ્વારા પ્રેરાયેલો આદર્શ છે. પરન્તુ, તેઓ આ મહત્ત્વપૂર્ણ તથ્યને ભૂલી જાય છે કે ભારતમાં એનું અસ્તિત્વ તો ઈસાના જન્મની જ્યારે કોઈએ કલ્પના સુધ્ધાં કરી ન હતી, ત્યારનું છે. આ પ્રેરણાનો મુળ સ્રોત આપણને ઉપનિષદોમાંથી સાંપડે છે. અને એ જ તો હિન્દુધર્મનાં ચિર ગોમુખ છે. આપણે નિ:સંદેહ રીતે એ પણ જાણીએ છીએ કે સ્વામી વિવેકાનંદને એની પ્રેરણા ખુદ તેમના ગુરુદેવ શ્રીરામકૃષ્ણ દ્વારા જ મળી; પરન્તુ, શ્રીરામકૃષ્ણનું જીવન પણ એ સનાતન આધ્યાત્મિક પ્રવાહનું જ એક અંગ હતું. હિન્દુ ધાર્મિક ચેતનાના ઉદયકાળથી જ એ વહેતું જ રહ્યું છે. અને આ પરંપરા અતીતના એ ધૂંધળા ગાઢ ધુમ્મસમાં ઢબુરાયેલી છે, જેમાં ઇતિહાસ પણ ડોકિયું કરવાનું સાહસ કરતો નથી.

સેવા અને પરોપકારનો ભાવ હિન્દુધર્મના મૂળભૂત સિદ્ધાન્તોમાંનો એક છે. ઉપનિષદોના ઋષિ ઘોષણા કરે છે :

“त्रयो धर्मस्कन्धा यज्ञोडध्ययनं दानमिति प्रथमः।”

“ધર્મની ત્રણ શાખાઓ છે; એમાં યજ્ઞ, સ્વાધ્યાય અને દાન પ્રથમ છે.”

“एत-त्रयं शिक्षते दमं आनं दयामिति”

“ઈન્દ્રિય નિગ્રહ, પરોપકાર અને દયા આ ત્રણેયનું શિક્ષણ ગ્રહણ કરવું જોઈએ” વળી

“श्रद्धया देयम्। अश्रद्धयाऽ देयम्। श्रिया देयम्। ह्रिया देयम्। भिया देयम्। संविदा देयम्।”

“દાન શ્રદ્ધાપૂર્વક કરવું જોઈએ; શ્રદ્ધા વગર ન આપવું જોઈએ; ઘણું ઘણું આપવું જોઈએ; વિનમ્ર ભાવે આપવું જોઈએ; ભય અને કરુણાના ભાવથી આપવું જોઈએ.”

આગળ કહ્યું છે :

“मातृदेवो भव। पितृदेवो भव। आचार्यदेवो भव। अतिथि देवो भव।”

“માતા તમારે માટે દેવરૂપ થાઓ; પિતા તમારે માટે દેવરૂપ થાઓ; આચાર્ય તમારે માટે દેવરૂપ થાઓ, અતિથિ તમારે માટે દેવરૂપ થાઓ!!

દયા અને પરોપકારનાં બધે ઠેકાણે વખાણ કરવામાં આવ્યાં છે. અલબત્ત, ક્યારેક ક્યારેક આમાં મર્યાદાઓ પણ આંકવામાં આવી છે.

શ્રીકૃષ્ણ ભગવદ્‌ગીતામાં ઘોષણા કરે છે :

“यज्ञो दानं तपश्चैव पावनानि मनीषिणाम् ।”

યજ્ઞ, દાન અને તપ જ્ઞાનીઓને પણ પવિત્ર કરનારાં છે.

પરોપકારની સીમા ક્યારેક અમુક હદ સુધી મર્યાદિત હોય છે. પણ ભગવાન કૃષ્ણ એવા સંતોનો ઉલ્લેખ કરે છે કે જેમનો પ્રેમ, પોતાના પ્રવાહમાં આખા જગતને તરબોળ કરી દે છે :

“लभन्ते ब्रह्मनिर्वाणमृषयः क्षीणकल्मषाः।
क्षीणद्वैधा यतात्मानः सर्वभूतहिते रताः॥”

(૫.૨૫)

“જેમના દોષ ક્ષીણ થઈ ગયા છે, જેમના સંશયો દૂર થઈ ગયા છે, જેઓ જિતેન્દ્રિય છે અને જેઓ બધાં પ્રાણીઓના હિતમાં રત છે, એવા ૠષિગણ પૂર્ણ મુક્તિ પ્રાપ્ત કરે છે.”

દૈવી સંપત્‌થી યુક્ત થઈને જન્મ પામનારા મહા પુરષોનાં લક્ષણ ગણાવતાં શ્રીકૃષ્ણ કહે છે :

“अहिंसा सत्यमक्रोधस्त्यागः शान्तिरपैशुनम् ।
दया भूतेष्वलोलुप्त्वं मार्दवं ह्रीरचापलम् ॥”
(१६/२)

“અહિંસા, સત્ય, ક્રોધનો અભાવ, ત્યાગ, માનસિક શાન્તિ, પર નિન્દાથી મુક્તિ, સર્વપ્રાણીઓ પર દયા, પારકા ધનમાં લોલુપતાનો અભાવ, ઈર્ષ્યાનો અભાવ, મૃદુતા, વિનમ્રતા અને મનની અચંચળતા” આમાંથી અહિંસા અને બધા જીવો પ્રત્યે પ્રેમ – એ બે આધ્યાત્મિક જીવનના મહાન ગુણો છે.

સમસ્ત જીવો તરફ પ્રેમ એ હિન્દુ સંતો અને ઋષિઓના જીવનનો મૂળ સ્વર છે. દેવતાઓના કલ્યાણ માટે પોતાના પ્રાણોનો બલિ ચઢાવી દેનારા ઋષિ દધીચિ શ્રીમદ્ભાગવતમાં કહે છે :

“योऽध्रुवेणात्माना नाथ न धर्मं न यशः पुमान् ।
रहितो भूतदयया स शोच्य स्थावरैरपि ॥
(६/१०/८)

“જે આ નશ્વર શરીરથી સમસ્ત જીવો પર દયાના માધ્યમથી ધર્મ અને યશ મેળવતો નથી એના ઉપર જડ પદાર્થો પણ ખેદ પ્રકટ કરે છે.” સંતો માટે પરોપકારાર્થે કરાતો કોઈ પણ ત્યાગ કઠિન નથી. મહાન ભક્ત પ્રહ્લાદે, એને દુઃખ દેનારાઓના કલ્યાણ માટે પણ પ્રાર્થના કરી હતી. ભગવાને વરદાન માગવાનું કહ્યું ત્યારે તેમણે કહ્યું :

“न त्वहं कामये राज्यं न स्वर्गं नापुनर्मवम् ।
कामये दुःखतप्तानां प्राणीनामार्तिनाशनम्॥”

“પ્રભુ, મારે રાજ્ય જોઈતું નથી કે નથી તો સ્વર્ગ જોઈતું. મને મોક્ષની પણ ઈચ્છા નથી. હું તો દુઃખથી બળ્યા જળ્યા લોકો – પ્રાણીઓનાં દુઃખની શાન્તિ – દુઃખનો નાશ થાઓ એમ ઈચ્છું છું.”

મહાપુરુષોનું કલ્યાણ પણ અન્ય જીવોના હિતમાં જ સમાયેલું છે. કારણ કે તેઓ ઈશ્વરની પ્રતિમૂર્તિ રૂપી વિરાટ માનવ પરિવારના સભ્ય છે. મહાભારત પ્રમાણે સાચો ધર્મજ્ઞ એ જ છે કે જે બધા જીવોનો મિત્ર છે. અને જે મન, વચન અને કર્મથી હંમેશાં બધાના કલ્યાણમાં રત છે.

વળી, વિષ્ણુપુરાણમાં પણ આ જ વિચારો વ્યક્ત કરવામાં આવ્યા છે. પણ ત્યાં એવી ઘોષણા પણ કરવામાં આવી છે કે સર્વોચ્ચ જ્ઞાનમાંથી જ પ્રેમનો જન્મ થાય છે : “બધા જીવો ઈશ્વરની જ અભિવ્યક્તિ છે, એમ જાણીને જ્ઞાનીવ્યક્તિ કોઈ પણ જાતના અપવાદ વગર બધા પર પ્રેમ કરે છે.”

આમ તો બધાં જ પુરાણો એકી સાથે ઘોષણા કરે છે :

“परोपकार: पुण्याय पापाय परपीडनम्।”

“પરોપકાર જ ધર્મ છે અને પરપીડન જ પાપ છે.”

બધા જ જીવો તરફ આ પ્રેમ કે પરોપકારનો ભાવ, આધ્યાત્મિક મહત્તાનું ખાસ લક્ષણ છે. શંકરાચાર્ય સંકેત કરે છે કે,

“शान्ता महान्तो निवसन्ति सन्तो वसन्तवल्लोकहितं चरन्तः ।
तीर्णाः स्वयं भीमभवार्णवं जनानहेतुनान्यानपि तारयन्तः ॥”

“શાન્ત અને વિશાળ હૃદયવાળા મહાપુરુષો વસન્તઋતુની પેઠે બીજાઓના કલ્યાણમાં મગ્ન રહે છે. અને પોતે આ જીવનનૃત્યના ચક્રરૂપી ભયંકર ભવસાગરને પાર કરી લીધા પછી, કશાય સ્વાર્થ હેતુ વગર બીજાઓને પણ પાર ઉતારવામાં મદદ કરતા રહે છે.”

સ્વાર્થપૂર્ણ જીવનનો અર્થ આધ્યાત્મિક મૃત્યુ જ છે. એટલે સાચો ભક્ત ઈશ્વરની પ્રાર્થનામાં ફક્ત મન શાન્ત કરવા કે ઇન્દ્રિયોની ચંચળતા દૂર કરવા જ નથી ઈચ્છતો; પણ બધાં જ પ્રાણીઓ તરફ પ્રેમના રૂપમાં તે પોતાના આત્માના વિસ્તાર માટે પણ યાચના કરે છે :

“अविनयमपनय विष्णो रमय मनो शमय विषयमृगतृष्णाम्।
भूतदयांविस्तारय तारय संसारसागरतः ॥”

“હે વિષ્ણુ, મારી ઉદ્ધતાઈને દૂર કરો. મનને સંયત અને વિષયભોગોની મૃગતૃષ્ણા તરફ શન્ત કરો. બધા જીવો તરફ મારી સહાનુભૂતિ વધારો. અને સંસાર સાગરમાંથી મારો ઉદ્ધાર કરો.”

પ્રેમ અને કરુણાના પ્રાચીન આદર્શો, આપણને આપણાં ધાર્મિક અનુષ્ઠાનો અને ઉત્સવોની પરંપરા દ્વારા પ્રાપ્ત થયા છે. એમાં દાનને વિશેષ સ્થાન અપાયું છે. અને એ ખાસ કરીને આપણાં શ્રાદ્ધ અને તર્પણનાં અનુષ્ઠાનોમાં દેખાઈ આવે છે, એમાં આપણા દિવંગત સંબંધીઓની સાથોસાથ સર્વેજીવોની શાન્તિ માટે પણ પિંડદાન કરાય છે. અને નીચેનો શ્લોક રટવો પડે છે :

“आब्रह्मस्तम्बपर्यन्तं देवर्षिपितृमानवाः ।
तृप्यन्तु पितरः सर्वे मातृमाता महादयः ॥”

“સમસ્ત દેવતા, ઋષિ, પિતરગણ તથા મનુષ્ય, અમારી માતા અને પિતાના કુળના બધા લોકો અને બ્રહ્માથી માંડીને તણખલાં સુધીના સર્વે જીવો તૃપ્ત થાઓ”

વાત આપણી સેવામૂલક સંસ્થાઓમાં આ આદર્શ વ્યક્ત થતો દેખાય છે. સંપૂર્ણ દેશમાં ફેલાયેલાં અસંખ્ય ક્ષેત્રો અને ધર્મશાળાઓ આજે પણ લગભગ કશા જ ભેદભાવ વગર, સાધુ સંન્યાસી-યાત્રિકો અને ભિક્ષુકોને રહેવા જમવાની મફત સગવડ આપે છે. ઘણું કરીને વ્યક્તિગત કે સામૂહિક સંગઠિતરૂપે આજે પણ દાન આપણા સાર્વજનિક જીવનનું એક ખાસ અંગ બની રહેલ છે.

રામકૃષ્ણ મિશનની સ્થાપના કરતી વખતે સ્વામી વિવેકાનંદે વિવેક્યુક્ત અને સંગઠિત સેવાનો આદર્શ રાષ્ટ્ર પાસે મૂક્યો. પણ એની ખાસિયત તો આ વાતમાં છે કે તેઓ પોતાના ગુરુદેવનું અનુસરણ કરતાં કરતાં દયા અને સેવાના આદર્શને, એની ચરમસીમા સુધી લઈ ગયા. તેમણે સેવાના ક્ષેત્રમાં, ધર્મ અને જાતિ પર આધારિત અમાનવીય ભેદોને સમાપ્ત કરી દીધા. વળી એમણે એ પણ અનુભવ્યું કે માનવતાની દૃષ્ટિએ બીજા લોકોની સરખામણીએ ગરીબો અને અશિક્ષિતોની સેવાની જ તાતી જરૂર છે. એમનું હૃદય દબાયેલાં પિસાયેલાં અને પતિતો તરફ કરુણાથી ભીંજાઈ ગયું હતું. અને તેમણે આવેશયુક્ત સ્વરે આ દેશના નવયુવકોને પડકાર ફેંક્યો : “હે યુવકો, ગરીબો, અશિક્ષિતો અને દીનદુ:ખિયારાં તરફ પોતાની સહાનુભૂતિ અને જીવ સટોસટના પ્રયત્નોની થાપણ હું તમને સોંપતો જાઉં છું…પ્રતિજ્ઞા કરો કે તમે તમારું આખું જીવન આવા કરોડો લોકોના ઉદ્ધાર માટે કામે લગાડી દો. તમે શીખ્યા છો : मातृदेवो भव… पितृदेवो भव… પણ હું કહું છું કે “दरिद्र देवो भव, मूर्ख देवो भव।” “નિર્ધન, અશિક્ષિત, અભણ જ તમારો ઈશ્વર હો. એમની સેવા કરવી, એ જ સવોત્તમ ધર્મ છે.” સેવાનો આ આદર્શ દરેક સાચા ધાર્મિક હિન્દુના રોજબરોજના વ્યવહારના નિયમોને સાનુકૂળ છે, એટલું જ નહિ, પણ એની સાથી પૂરાપૂરો સંવાદી છે. આ ઉચ્ચ વર્ણના હિન્દુઓ માટે, શાસ્ત્રો દ્વારા અનુમોદિત એ પાંચ મહાયજ્ઞોનું જ વિસ્તૃત રૂપાન્તરણ છે. એ પાંચ મહાયજ્ઞો આ પ્રમાણે છે :

કામે લગાડી દો. તમે શીખ્યા છો માતૃતેવો ભવ. પિતૃવો “તમે જ સ્ત્રી છો, તમે જ પુરુષ છો, તમે જ યુવાન છો, તમે જ યુવતિ છો, તમે જ વૃદ્ધના રૂપમાં લાકડીને ટેકે ચાલો છો અને તમે જ બધાં રૂપોમાં જન્મ ધારણ કરો છો.”

૧. બ્રહ્મયજ્ઞ – શાસ્ત્રોનું અધ્યયન કરવું;
૨. દેવયજ્ઞ– દેવતાઓને આહુતિઓ આપવી;
૩. પિતૃયજ્ઞ – પિતૃઓને પિંડદાન કરવું;
૪. નૃયજ્ઞ – મનુષ્યોને ભોજન આપવું અને
૫. ભૂતયજ્ઞ – નિમ્નતર જીવોને પણ ભોજન આપવું;

ઊંચ-નીચના કશા ભેદભાવ વગર બધા મનુષ્યોની ભૌતિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક સેવા કરવી, એ યજ્ઞનો જ વ્યાવહારિક પ્રયોગ છે. એનો શાબ્દિક અર્થ એ છે કે મનુષ્યોને આહુતિ આપવી. દાન, સેવા વગેરે ધાર્મિક કર્મો દ્વારા અભિવ્યક્ત થતા આ દયા અને પરોપકારના આદર્શની જ આધુનિક યુગને તાતી આવશ્યકતા છે. મહર્ષિ મનુએ કહ્યું છે :

“तपः परं कृतयुगे त्रेतायां ज्ञानमुच्यते ।
द्वापरे यज्ञमेवाहुः दानमेकं कलौ युगे ।
(१/८६)

“સત્યયુગમાં તપ, ત્રેતાયુગમાં, જ્ઞાન, દ્વાપરયુગમાં યજ્ઞ અને કલિયુગમાં કેવળ દાન જ વિશેષ રૂપે અનુષ્ઠાન કરવા યોગ્ય છે.”

આપણો આ અંધકારમય કલિયુગ, જો આપણે શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદના પગલે પગલે ચાલતાં ચાલતાં દરેક પ્રકારના સેવાકાર્યમાં લાગી જઈએ તો સુવર્ણયુગમાં ફેરવાઈ જઈ શકે છે. ભલે એ સેવાકાર્ય, આપત્તિકાળમાં રાહતકાર્ય હોય કે પછી સંસારોપયોગી શિક્ષણ આપવાનું કાર્ય હોય કે, પછી આધ્યાત્મિક ઉપદેશરૂપી સેવા હોય! અને આ કાર્યોને આપણે સેવા કે ઈશ્વરોપાસનાના ભાવથી કરીએ. આ ભાવ ઉપનિષદના ઋષિના આ નીચેના પ્રેરણાદાયી મંત્રમાં બતાવવામાં આવ્યો છે :

“त्वं स्त्री त्वं पुमानसि त्वं कुमार उत वा कुमारी ।
त्वं जीर्णो दण्डेन वंचसि त्वं जातो भवसि विश्वतोमुख: ॥”
(श्वेता. ४/५)

“તમે જ સ્ત્રી છો, તમે જ પુરુષ છો, તમે જ યુવાન છો, તમે જ યુવતિ છો, તમે જ વૃદ્ધના રૂપમાં લાકડીને ટેકે ચાલો છો અને તમે જ બધાં રૂપોમાં જન્મ ધારણ કરો છો.”

આપણે બધાં જ, દરેક માનવમાં નિરંતર વિરાજી રહેલા ઈશ્વરની સેવાના આ મહાન આદર્શને કાર્યાન્વિત કરવાનો પ્રયત્ન કરીએ અને આ રીતે પોતાને તથા સમગ્ર વિશ્વને ધન્ય અને કૃતકૃત્ય બનાવીએ.

– અનુવાદ : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

Total Views: 54

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.