સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે છે : “ઇ.સ. ૧૯૮૩ના ઉત્તરાર્ધમાં શ્રીરામકૃષ્ણ પરમહંસ વિશેનાં લખાણોના ગુજરાતી અનુવાદ વાંચવા હું પ્રેરાયો હતો. તે હું જેમ જેમ વાંચતો ગયો તેમ તેમ મને શ્રીરામકૃષ્ણ પરમહંસના વિચારોમાં ઊંડો રસ પડતો ગયો. તે લખાણોમાં પ્રગટ થતાં દર્શનમાં તેમ જ તે લખાણોના વર્ણન તત્ત્વમાં મને ઊંચા કાવ્યતત્ત્વ જેવો કલાનંદ પ્રાપ્ત થયો હતો. પરિણામે એમનાં વિચારો-લખાણોમાં જ્યાં જ્યાં મને આવું ‘દર્શન વર્ણન’ યુક્ત કાવ્યતત્ત્વ જણાયું ત્યાં ત્યાં તેનો મુખ્યત્વે અનુષ્ટુપ છંદમાં અનુવાદ કરતો ગયો, ક્યારેક વળી વચ્ચે વચ્ચે ‘મિશ્રોપજાતિ’ જેવા છંદનો પ્રયોગ પણ થયો છે. ઘરગથ્થુ ઉદાહરણો તો શ્રીરામકૃષ્ણના જ. અધ્યાત્મવિદ્યાના નિરૂપણ માટે મેં ગીતાના જેવો જ ‘અનુષ્ટુપ’ પ્રયોજ્યો છે, જે આપણા ‘કાન્ત’ કુળના અનુષ્ટુપથી જુદી જ ક્ષમતાવાળો અને હૃદ્ય લાગશે એવી મને શ્રદ્ધા છે.” પદ્યમાં લખાયેલ આ અમૂલ્ય ઉપદેશામૃત વાચકોને ગમ્યા હશે તેવી આશા છે. – સં.

બ્રહ્મજ્ઞાન ખપે ના; ના મથુરા દ્વારકાધીશ;
અમારો અમને આપો કૃષ્ણ ગોપાળ કેવળ;                ૭૩૬

સમાધિય નથી શ્રેષ્ઠ અવસ્થા; કામ જો રહે,
સમાધિ ઊતર્યા કેડે અનુસરતિ એ પુનઃ                     ૭૩૭

એની જ આપણી ઈચ્છા-ઈચ્છા શેની અવાન્તર?
મૂળને મેળવી લેવું શા ડાળફૂલ પાંદડાં?                     ૭૩૮

કૃષ્ણની કામના માત્ર-કામ્ય બીજી કમાઈ શી?
મૂળ પામી, પછી બીજો વૃક્ષ વિસ્તાર પામવો;             ૭૩૯

ક્યો ને કેટલો મદ્ય કેમ કાઢ્યો, કલાલ કો?
શી પૃચ્છા આપણે? જેને બુંદ પીવું અને નશો! ૭૪૦

પરબ્રહ્મ નિરાકાર-અનુભૂતિ જ કેવળ,
પૂર્ણ તે વાસના ત્યાગે – પૂર્ણ જો મનનો લય;              ૭૪૧

નિત્યસિદ્ધ જીવો એ જ, સહજ પ્રાપ્તિ ઈશની
અનેક જન્મને અંતે પામ્યા મનુષ્ય જન્મમાં                   ૭૪૨

કૃપાસિદ્ધ જીવો કેરી વાત તો વળી ઓર છે,
અંધારું યુગનું નષ્ટ ચાંપતાં જ દિવાસળી!                   ૭૪૩

નિત્યસિદ્ધ લહે બ્રહ્મ લાગલો તોય કર્મ રહે
દૂધી વેલે, યથા દૂધી પ્હેલી બેસે-પછી ફૂલો!                ૭૪૪

સ્વભાવ નમ્ર તો શ્રેષ્ઠ-નમ્ર માટી સમો; યથા
ખીલો ઠોકાય માટીમાં, થોડા યત્ને-ન પત્થરે;               ૭૪૫

શીખવી બાણવિદ્યા તો કદલી-પૂરું લક્ષ્ય – ને
પછી નેતરના રોપા, પંખી ઊઠતું -તે પછી;                 ૭૪૬

ભક્તો નારદના જેવા કેવળ ચિન્મય; મુન્મય
અવતારે ન આસક્તિ; સોહું સિંધુ વિશે લય;              ૭૪૭

આરડી ભાંભરી જેમ ધેનુને વત્સ સાદ દે,
એમ બોલાવવો, આવે માવડી ગાવડી સમો;              ૭૪૮

જ્ઞાન સંસારીનું દીપ; ઊજળો માત્ર ઓરડો
ત્યાગીનું જ્ઞાન તો સૂર્ય બ્રહ્માંડો અજવાળતું;              ૭૪૯

અભાવ જ્ઞાનનો માર્ગ ભાવ ભક્તિ તણો તથા,
સમાધિ તો મહાભાવ ભાવાભાવથી ઊફરો;                ૭૫૦

કર્મત્યાગ પળે પ્હેલો – ના કાર્ય; ક્ષતિકારક
કાચું શ્રીફળ ચૂંટ્યાથી આખાયે તરુને ક્ષતિ;                ૭૫૧

શ્રેષ્ઠ ભક્ત ન પ્રાર્થે યોગક્ષેમ પ્રભુ કરે
૨ાશ શ્વાસે યથામેળે ખેંચાતુ અજિગર્તમાં                ૭૫૨

ગુરુ જે કૈં કહે કાર્ય; ના કાર્ય ગુરુ જે કરે
યથા સાવરણી મેલી – તોય સ્વચ્છ બધું કરે;              ૭૫૩

વેદાન્તે સચ્ચિદાનંદ કહ્યો બ્રહ્મ-અવાચ્ય તે
એક કે બે – ન એવું યે – છે કે ના, તે ય વાચ્યના;         ૭૫૪

સંસારે ભોગ અક્કેડો ભુક્ત કે તુર્ત ત્યાજય તે,
ઝાંઝરી હાર-દાગીના જેમ પ્હેરી ઉતારવા                 ૭૫૫

પ્રભુદર્શન પામ્યાનું મુખ પે મોહ લક્ષણ
તળે અબ્ધિ રહી શાન્ત, જેમ મત્ત સપાટી યે;              ૭૫૬

પ્રભુદર્શન પામેલો કદી જડ, કદી શિશુ
કદી પાગલ ના જેવો નાચે કૂદે દિગંબર                      ૭૫૭

પ્રભુદર્શન પામ્યો તે પ્રવર્તે ઉપદેશમાં
ત્યારે તો સિંહના જેવો – સૂર્ય જેમ ઘનો જતાં;             ૭૫૮

અકર્મ કરતાં, કર્મ શ્રેષ્ઠ નિષ્કામ કાર્ય હો
ભૂતિ જે ખેડ પામેલી વધુ ઉર્વરતા ધરે;                      ૭૫૯

પૂરી વ્યાકુળતા સાથે જોઈએ એની ઝંખના
ડૂબતો જીવ – ઝંખે છે જેમ કોદીક તારક                    ૭૬૦

મનસા વચસા કાર્યો એક એને જ સેવવો,
પૂજવો – ભજવો એને સ્મરવો રટવો ય તે;                  ૭૬૧

પ્હેલી નિષ્ઠા, પછી ભક્તિ પછી ભાવ ક્રમે ક્રમે
ધનીભૂત થતાં ભાવ મહાભાવ; પછી પ્રીતિ;                 ૭૬૨

પ્રેમ છે રજ્જૂ જેનાથી જીવ ગંઠાય ઈશથી
મહાભક્તો ઉભે માણે જ્ઞાનને ભક્તિ પ્રેમથી;              ૭૬૩

શુદ્ધ આત્મા અકર્તા છે અભોક્તા છે – અલિપ્ત છે,
નિત્ય તૃપ્ત – ક્ષુધાપ્યાસ હીન છે અજરામર;               ૭૬૪

બ્રહ્મજ્ઞાની જીવન્મુક્ત; ઈશપ્રાપ્તિ થયા પછી
વિવેકી દેહ – દેહીમાં, યથા કોપરું કાચલી;                ૭૬૫

શક્તિને શરણે જાતાં – મુક્તિ – દર્દૂર સર્પવત્‌
અશક્તિ ના પૂરી બાંધે-છોડે-સાપ છછુંદ૨;               ૭૬૬

પ્રભુને ભાળી લો પ્હેલાં ખોજો બ્રહ્માંડ તે પછી
યથા ગંગાતટે પ્હોંચી હોડી; છીપ ભર્યો પટ;                ૭૬૭

ઈશ આજ્ઞા થતાં વચ્ચે જે કૈં આવતું; વર્જવું
પ્રહલાદે નાગુણી માની જેમ આજ્ઞા વડીલની; ૭૬૮

નીરવ ભાવમાં જાતાં વાણી થોડીક બડબડે,
બળી ભસ્મ થતાં પૂર્વે થોડું લાકડું તડતડે;                   ૭૬૯

ધ્યાને ભાનભૂલી થાવું સ્થિર કો જડવસ્તુવત્
દેહે સર્પ નહીં ભાન દેહને – સર્પનેયના;                      ૭૭૦

દ્વારે પાચે થતાં બંધ ગંધાદિ ઈન્દ્રિયાર્થનાં,
નીકળી જાય છે જીવ જેમાંથી બાહ્ય વિશ્વમાં, ૭૭૧

બાહ્ય વિશ્વ ધીમેધીમે આથમી જાય-ભીતરે
એક આનંદનો લોક ઊઘડે છે પછી ક્રમે;                    ૭૭૨

શિષ્યાર્થી ગુરુઓ તેમ વેશ્યાઓ ગ્રાહકાર્થી યે
બન્ને એકસમા જાણો દ્રવ્ય ને સિદ્ધિ ઝંખતાં;               ૭૭૩

મતો બે પંડિતોનાયે ના સમ; ઘડિયાળ શા
આપણે સૂર્ય સાથે જ – લેવું મેળવી યંત્ર એ;               ૭૭૪

ઈશ્વરાનંદ ભોગીને સંસારીરસ તુચ્છ છે,
શર્કરારસ ચગે તે, કાકવિષ્યવિરક્તિ વત્‌;                  ૭૭૫

અવતારે મનુષ્યોમાં આ રીતે સમજાય કૈં,
સંસારીની દીવાલો છે સખ્ત બંધ ચણી લીધી;             ૭૭૬

અવતરે અહંભાવ બાકોરા શો, તિરાડ શો,
જેમાં થૈ સૂર્યરશ્મિઓ આવે જાય ઓરડે;                   ૭૭૭

બાકોરાથી તિરાડોથી ઓરડામાં રહ્યે રહ્યે
પારનાં ખેતરો – પ્હાડો – આભ દેખી શકાય છે;          ૭૭૮

અવતાર – મહાબારું વાયુ તેજની આવજા
પિંડમાં રહી બ્રહ્માંડે આવ જા સ્વૈર જીવની;              ૭૭૯

સૂત્રમાં ન્હાનીયે ગાંઠ; સૂચી નાકે પ્રવેશ ના
મનની નાની યે ગાંઠ બ્રહ્મ પામે પ્રવેશ ના;                 ૭૮૦

અમોઘ બ્રહ્મનું બીજ ફૂટશે જ ધરાપડ્યું,
મૂશળ ધા૨વાળું થૈ – રચે જે યાદવાસ્થળી;                 ૭૮૧

પાણી સત્ય અને નિત્ય; બુદ્ બુદો છે અને નથી
બુદ્‌ બુદો તો ફૂટી જાય રહે છે – પાણી જ કેવળ;        ૭૮૨

ઈશ સત્ય યથા નિત્ય જીવો બુદ્ બુદ શી ક્ષણું
પર્પોટે લાગી પર્પોટી ઝીણી જીવો શી જીવને;              ૭૮૩

અહંભાવ શિશુ જેવો, ભલે રહે, એ ન બાધક;
અનાસક્તપણે પત્તાં મ્હેલ સર્જે, વિખેરી દે;                ૭૮૪

આપણામાં અહંકાર એ જ ઈશ્વર આડશ,
થડિયું દ્વાર વચ્ચે એ પ્રવેશ રોકીને પડ્યું;                    ૭૮૫

થડિયું દૂર થાતાં જ પ્રવેશમાર્ગ મોકળો
સંમુખે જ ઊભો છે એ પોતે તો ક્યારનો;                   ૭૮૬

યોજી દેવો અહંકાર બાબરોભૂત-ભક્તિમાં
પછી છો પૂંછડી એની વાંકી કુક્કુર શી રહે;                 ૭૮૭

આપણો પુખ્ત ટ્રસ્ટી એ એને સોંપી અહંકૃતિ
સગીરભાવથી સાવ, આંખો મીંચી ઊંઘી જવું;            ૭૮૮

પ્રભુ પ્રાપ્ત કર્યા કેડે-કર્મ રહે ના, કરે છતાં;
એવો કો વિરલો જીવ-તપે ને બળ પુષ્કળ;                  ૭૮૯

અનંત ઈશ ઐશ્વર્ય ભક્તાધીન જ તોય તે,
ભાજી વિદૂરની ખાધી ભોગ દૂર્યોધની ત્યજી;                ૭૯૦

પૂર્ણ જ્ઞાની અને પૂર્ણ મૂર્ખ બન્ને ય છે સમ,
ઓળંગી જાય છે બન્ને વૈધીભક્તિ ક્રિયાક્રમ;                ૭૯૧

કર્મત્યાગ નથી શક્ય જ્યાં લગી ભોગલાલસા,
વાસના માત્રના નાશે પ્રવૃત્તિ માત્ર નષ્ટ છે;                   ૭૯૨

સાધના એક નિષ્ઠાની એકાગ્ર-સર્પકારિણી,
વિકીર્ણ સૂર્યરશ્મિ તે કાચે એકાગ્ર-દાહક;                  ૭૯૩

કાચ કિંતુ બહિર્ગોળ સૂર્યમાં મૂકવા ધર
એનો એ તિમિરે રાખ્યો ના બાળે-ના ઉજાળતો;         ૭૯૪

અજ્ઞાની જીવ અંધારે ઝૂંપડે રહે – અને જુએ
ઝાંખપે બે’ક વસ્તુને-જ્ઞાની તેજે, બધું જુએ;               ૭૯૫

અજ્ઞાની જીવ આસક્ત દીઠી તે બે’ક વસ્તુમાં
જ્ઞાની જુએ બધી વસ્તુ-નિત્યાનિત્ય વિવેકથી;             ૭૯૬

‘હું ગુરુ હું ગુરુ’ ભાવે અહંભાર વધે છતાં
હલકો ત્રાજવે તોળ્યો, ગુરુ પલ્લું ઊંચું જતું                  ૭૯૭

અમુક પકવ કક્ષાએ વ્યર્થ સૂચન બોધ સૌ
કાપ્યું વૃક્ષ, પડે મેળે – કઠિયારો ય દૂર રહે                  ૭૯૮

અનંત સિંધુ છે બ્રહ્મ ચરાચર ભર્યોભર્યો
મત્સ્ય જીવ સમો જ્ઞાની આ તટ તે તટ સેલતો            ૭૯૯

અનંત સિંધુ છે બ્રહ્મ ચરાચર ભર્યોભર્યો
પંખી જીવ સમો જ્ઞાની ઊડે, આભે અબાધિત             ૮૦૦

ધર્યે ચૈતન્યનું ધ્યાન-અચૈતન્ય થવાય ના
ઊમેર્યે બ્રહ્મ ના વાધે; ઓછું બાદ ક્યાંય ના;              ૮૦૧

રસોનો ૨સ તે બ્રહ્મ – સ્વયં છે રસરૂપ એ
રસમગ્ન થતા એમાં ક્યાંથી નીરસતા સ્રવે?                 ૮૦૨

જેના ચૈતન્ય માત્રેથી ચૈતન્ય સચરાચરે
ઉષ્ણ પાણી પ્રજાળે તે પાણી ના -બળ અગ્નિનું           ૮૦૩

પદપત્રે કર્યું બિંદુ એવું ચંચળ જીવન
સાધુ શું ક્ષણ સત્સંગ નૌકાતુલ્ય ભવાબ્ધિમાં: ૮૦૪

(સંપૂર્ણ)

Total Views: 69

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.