હું સ્વામી વિવેકાનંદને ટાંકીને જ લેખનો પ્રારંભ કરીશ : ‘દરેક વ્યક્તિમાં દિવ્યતા સુપ્તપણે રહેલી છે; અંદરની આ દિવ્યતાને અભિવ્યક્ત કરવી એ જીવનનું ધ્યેય છે.’ માનવની પ્રગતિકૂચમાં અન્નમય કોષ પછી પ્રાણમય કોષ; ને તે પછીનો તબક્કો છે. મનોમય કોષ; આપણું વિશ્વમાનવમન હાલને તબક્કે આ ‘મનોમયકોષ’માં છે. શ્રીઅરવિંદ પ્રમાણે હવે પછીનો તબક્કો હશે ‘અતિમનસ્‌’ કોષનો; મનની પેલીપારની ચેતનાનો કોષ; આ તબક્કો દિવ્યતાપ્રાપ્તિનો તબક્કો છે : શ્રી અરવિંદે કહ્યું જ છે કે One step more and I am God ભગવદ્‌ગીતામાં મનની જે ઉત્તમ વ્યવસ્થાની વાત ભગવાને કરી છે તેવી જ આ સ્થિતપ્રજ્ઞતાની વાત છે. આ અવસ્થામાં ચિત્તને દ્વંદ્વાતીત વ્યવસ્થામાં ગોઠવવાનું છે. જેથી ચિત્તને આનંદની અનુભૂતિ થાય, આ આનંદની પ્રાપ્તિ એ આપણું ધ્યેય છે; એ આપણો જન્મસિદ્ધ હક્ક છે ને તે પ્રાપ્ત કરવાનો જ છે. શિક્ષણને આપણે એ ધ્યેય માટે જ પ્રયોજવાનું છે. વેદાંતમાં જે શિક્ષણની વ્યાખ્યા છે તે કંઈક આવી છે. દરેક વ્યક્તિમાં બીજરૂપે દિવ્યતા ઢબૂરાઈને પડી છે તેને ઢંઢોળવાની છે; સંકોરવાની છે એટલે કે તેને પ્રગટ કરવાનું કામ શિક્ષણનું છે. આ દિવ્યતા એક મૂલ્ય છે ને મનમાં ભૂગર્ભમાં તો સુષુપ્ત અવસ્થામાં પડેલી છે જ; બસ તેને બહાર આણવાનું કામ શિક્ષણનું છે. Education શબ્દમાં Educate એટલે બહાર કાઢવું એવો થાય છે એમ વિદ્વાનો કહે છે કશું જ ઉપરથી કે બહારથી, ઉમેરવાનું નથી. અંદર જે છે તેને જ પ્રકાશમાં લાવવાનું છે ને સક્રિય કરવાનું છે, આમ જોઈએ તો વર્ગમાં અપાતું શિક્ષણ એ શિક્ષણની પર્યાપ્ત વ્યાખ્યા નથી. તેના આંશિક જ વિધિ છે; વર્ગખંડ બહાર પણ ઘણું કરવાનું બાકી રહે છે : બાળકને તેના જન્મથી જ શિક્ષણ મળતું રહે છે ને છેક મરણની ક્ષણ સુધી તે પ્રક્રિયા ચાલુ રહે છે.

આપણા વેદાંતમાં વિદ્યાની એક વ્યાખ્યા આમ છે: ‘प्रज्ञा शीलवती विद्या’ પ્રજ્ઞા એટલે જ્ઞાન ને શીલ એટલે ચારિત્ર્ય એ બંને આપે તેનું નામ વિદ્યા છે : આનંદશંકર ધ્રુવે આ સૂત્રની ચર્ચા કરતાં કહ્યું છે કે આ બેમાંથી પણ જો એક ઉપર જ વધુ ભાર મૂકવાનો હોય તો તે શબ્દ शील છે. પ્રજ્ઞા ન મળે, ઓછી મળે તો ચાલશે; પણ વિદ્યા જો ચારિત્ર્ય ન ઘડી આપે તો તે વૃથા વ્યાયામ છે; આપણા આજના શિક્ષણમાં વિદ્યા એટલે માત્ર માહિતી એટલો જ અર્થ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી કોઈપણ એક ફેકલ્ટીમાં પ્રથમ વર્ગમાં પ્રથમ આવે; પણ જો તે ચારિત્ર્યવાળો નહીં હોય તો વિદ્યાનો દુરુપયોગ જ થાય તે શક્ય છે. દા.ત. એક ઈજનેરને લો, તે B.E. પ્રથમવર્ગમાં પ્રથમ આવ્યો છે. Gold-medalist પણ તેને જો પૂલ કે બંધ બાંધવા આપ્યો હોય ને જો તે ખોટો માલ, ઓછો માલને ગમે તેમ વાપરી કામ પૂરું કરી આપે તો મોટો અનર્થ સર્જી શકે છે : આને ચારિત્ર્ય વગરની વિદ્યા કહી શકાય; ને તે અવિદ્યા છે એમ સમજવું જોઈએ : ધારો કે શિક્ષકે સત્ય કે ચોરી ન કરવા વિશે નિબંધ લખવાનું પરીક્ષાર્થીને પ્રશ્નપત્રમાં પૂછ્યું છે; ને તે ‘સત્ય’ વિશેનો નિબંધ પણ ચોરી કરીને જ લખે ને પ્રથમ ઈનામને પાત્ર થાય તો પણ તે શિક્ષિત ન કહેવાય કારણ કે તેમાં શીલ નથી : આથી આનંદશંકરે ‘શીલ’ને જ ઊંચા આસને મૂક્યું છે : કેવળ માહિતીજ્ઞાનને નહીં; મહાભારતમાં દ્રોણાચાર્યે સૌ વિદ્યાર્થીને સત્યનો પાઠ શીખવ્યો હતો; માત્ર યુધિષ્ઠિરે જ કબૂલ કર્યું હતું કે ગુરુદેવ, હજી મને એ પાઠ બરાબર આવડ્યો નથી. તો કહી શકાય કે ‘યુધિષ્ઠિર એકલા જ શિક્ષિત હતા. ઉપનિષદમાં ‘સત્યકામ’- જાબાલની કથા આવે છે; તેણે તેના ગુરુને કહ્યું હતું કે હું મારી માતાનો પુત્ર છું. મારા પિતા કોણ હતા તે મારી મા પણ જાણતી નથી; ને ગુરુએ કહ્યું કે તું જ ખરો બ્રાહ્મણ છે; કેમકે તું સાચું બોલે છે : આમ સત્યકામ સુશિક્ષિત બ્રાહ્મણ હતો; કેમકે તે ચારિત્ર્યવાન હતો.

ગાંધીજી સત્યના આગ્રહી હતા. ખુદ સ્કૂલ માસ્ટરે એમને પરીક્ષામાં ચોરી કરવાનું કહ્યું હતું : પણ તેમણે ચોરી ના જ કરી. ને પછી કહ્યું કે ‘મને ચોરી કરતાં ના આવડી તે ના જ આવડી.’ એટલે ગાંધીજીને આ શીલને કારણે સુશિક્ષિત કહી શકાય. એમણે પાછળથી અમદાવાદમાં ‘ગુજરાત વિદ્યાપીઠ’ સ્થાપી તેનું ધ્યેયસૂત્ર Motto રાખ્યું હતું : ‘सा विद्या या विमुक्तये  – જે મુક્તિ અપાવે તે જ વિદ્યા.’ આમ મુક્તિ એ પણ એક જીવનમૂલ્ય છે; શ્રીવિનોબાજીએ કહ્યું છે કે આજના ભણતરથી વિદ્યાર્થી પરાધીનતા, નોકરી, ગુલામી પામે છે; એમાં સ્વાધીનતાનું તેજ દેખાતું નથી. તો જે નોકરી અપાવે, નોકરીનું માનસ ઘડી આપે તે વિદ્યા નથી, શિક્ષણ નથી; ભણેલા ગણેલા માણસમાં જે એક ખુમારી હોય છે, વિદ્યાનું તેજ હોય છે તે આજનું ભણતર આપતું નથી; એટલે આજનું ભણતર માત્ર ડિગ્રી આપે છે કદાચ વ્યવસાય પણ આપે છે; પણ ખુમારીવાળું મન આપતું નથી. મેકોલેની શિક્ષણ પ્રથા અંગ્રેજોનું રાજ્ય ચલાવવા માટે કારકૂનોનું ઘડતર કરી આપવા માટે હતી; ભારતની ગુલામી કાયમ રાખવા માટે મેકોલેની શિક્ષણપ્રથા હતી; તેમાં પણ જે તે શિક્ષકોએ કંઈક પોતાનું તપ વાપર્યું હશે, તો જ એમાં ગાંધીજી, નહેરુ, સરદાર, વિવેકાનંદ જેવા અપવાદો પેદા થયા હતા. જેમણે એકંદરે ભારતમાંથી ગુલામી જ નહીં; ગુલામ માનસને પણ પડકાર્યું હતું. એક હિન્દી કવિએ ઠીક જ કહ્યું છે કે, ‘પરાધીન સ્વપ્ને હું સુખ નાહીં.’ આપણે મુક્તિનો અર્થ માત્ર રાજકીય મુક્તિ જ ન કરવો જોઈએ. રવીન્દ્રનાથે એમના એક જાણીતા કાવ્યમાં પ્રથમ પંક્તિમાં જ કહ્યું છે કે, ‘Where the mind is free and the head is held high’ એવા સ્વર્ગમાં હે પ્રભુ! તું મારા દેશને જગાડ.’ સૌ પ્રથમ સોપાન જ free mind ને આપવામાં આવ્યું છે. એજ કહી શકે કે ‘અંતર મમ વિકસિત કરો હે.’

વીસમી સદીમાં મુખ્ય ફરિયાદ એ રહી કે માણસ ખંડિત વ્યક્તિત્વવાળો આ યંત્રયુગમાં થઈ ગયો છે. આ વિજ્ઞાનયુગમાં, આ યંત્રયુગમાં માણસ યંત્ર થઈ ગયો છે, એણે એની અખિલાઈ ગુમાવી છે, આત્મા ગુમાવ્યો છે, ચહેરો ગુમાવ્યો છે : યંત્ર યુગમાં ‘આખા માણસનું કોઈ મહત્ત્વ નથી એ બજારમાં Hand તરીકે વેચાય છે. તમે હવે આખો માણસ નથી; તમે હવે કોઈ કારખાનામાંથી, કોઈ ઓફિસમાં માત્ર Hand છો, એક સમયે One step more and I am God એવો ઊંચો આદર્શ વિદ્યાનો એજેન્ડા હતો. પુરુષ તે પુરુષોત્તમ થાય, તેથી ય આગળ તે દિવ્ય થઈ જાય એવા ભણતરનો આદર્શ હતો; તે દિવ્યપુરુષમાંથી માત્ર Hand થઈ ગયો છે. શિક્ષણે ફરી પૂર્ણમાનવની સ્થાપના કરવાની છે, આ પૂર્ણતા એ શિક્ષણને જીવનનું મોટું મૂલ્ય છે. આપણે જે નવી કેળવણી વ્યવસ્થા લાવવા માગીએ છીએ. તે આજના ભણતરથી શક્ય નથી, આજનું ભણતર વિદ્યાર્થીને અખિલાઈથી કાપી નાખી વર્ગ ખંડોમાં તેને ખંડિત કરી મૂકે છે : જ્ઞાન ખંડિત કે શકલિત નથી; તે એક અખંડતા છે, અખિલાઈ છે : તે વાત વિદ્યાર્થી સામે શિક્ષકે બરાબર રજૂ કરવી જોઈએ. ખંડિત વ્યક્તિવાળો ગુરુ તેમ કરી શકશે નહીં; વિદ્યાર્થીઓને વારંવાર મેદાનમાં, પહાડોમાં, સમુદ્ર કાંઠે ને આકાશની સન્મુખ ઊભો રાખવો જોઈએ. પશ્ચિમમાં મેં જોયું હતું કે કેટલીક યુનિવર્સિટીઓ વનપ્રદેશમાં પહાડોમાં હતી; વર્ગખંડની અધૂરી કેળવણી આ વિરાટ પ્રદેશોના સાંનિધ્યમાં પૂર્ણતા પામે છે. શહેરોની વચ્ચોવચ્ચ ગાઢ વસ્તીમાં આવેલી શિક્ષણ સંસ્થા વર્ગ ખંડોમાં વિદ્યાર્થીને વધુ ખંડિત વ્યક્તિત્વવાળો બનાવે છે : આપણું પ્રાચીન શિક્ષણ વનપ્રદેશમાં થતું હતું. રવીન્દ્રનાથને પણ આવું જ બંધ બારણા વગરનું ખુલ્લું મેદાની શિક્ષણ જ અભિપ્રેત હતું. જેમ આપણી સઘળી સંકુચિતતા દૂર થાય. ગાંઠ છૂટી જાય, દીવાલો તૂટી જાય એજ મુક્તિનો સાચો અર્થ છે એટલે છેવટે એમણે એવી વ્યવસ્થાવાળું શાન્તિ નિકેતન સ્થાપ્યું હતું.

આપણે જાણીએ છીએ કે આપણા વર્ગખંડના તાસોમા અલગ એવો ચારિત્ર્ય શિક્ષણનો તાસ નથી હોતો. એટલે ચારિત્ર્ય શિક્ષણનો પ્રશ્ન સૂક્ષ્મ બની જાય છે. જો ચારિત્ર્યનો ઉત્તમ નમૂનો ઘેર માબાપ, ને શિક્ષણસંસ્થામાં શિક્ષક પૂરો ન પાડે તો કેવળ મૌખિક વ્યાખ્યાનો છાપ પાડી શકતાં નથી; શિક્ષક તે કોમ્પ્યુટર નથી. વિદ્યાર્થીને તેમનો જીવંત ને નિબિડ સ્પર્શ થવો જોઈએ; ઉત્તમ માહિતી વિદ્યાર્થી ભલે મેળવે ને પદવી મેળવે; પણ અભ્યાસક્રમમાં ક્યાંક, છેવટે Rapid reading તરીકે વિશ્વભરના મહાપુરુષોનાં ચારિત્ર્યનાં ઉદાહરણ તેમને પ્રાપ્ત થવાં જોઈએ; આપણી ઉપનિષદ કથાઓ, રામાયણ, મહાભારતની વાર્તાઓ – ગાંધીજી, વિવેકાનંદ, રામકૃષ્ણનાં ચરિત્રો વગેરેનું ઉદાહરણ વિદ્યાર્થીઓને મળવું જોઈએ. નવી તાલીમમાં છે તેમ શ્રમ સાથે શિક્ષણ. એટલે કે શિક્ષણમાં શ્રમનો ગુણ, સ્વાશ્રયનો ગુણ, ઉત્તમ નાગમરિકના ધર્મો. 

પુરુષાર્થ, લોકસંગ્રહ માટેનું કર્મ સામાજિક ગુણો; મહેનત, સહકાર, સૌહાર્દ, અહિંસા, પ્રેમ વગેરે સમાજ ટકાવનારા. સમાજને પોષનારા ગુણો વિદ્યાર્થીમાં ભણાવતાં ભણાવતાં સીંચવા જોઈએ, પોતાના નમૂનારૂપ આદર્શથી ‘આચાર્ય દેવો ભવ’ એટલું જ હવે નહિ આવે. ‘ખોકા આમાર દેવ’ વિદ્યાર્થી પણ અમારો દેવ છે એ સૂત્રને પણ અજમાવવું પડશે; વિદ્યાર્થી પ્રત્યે ને વિદ્યા પ્રત્યે પૂરો પ્રેમ નહીં હોય તો આખી શિક્ષણ પદ્ધતિ ભારેખમ, નીરસ ને યંત્રવત્‌ બની જશે : બાળકો એ જીવંત ચેતનાવાળા પદાર્થો છે. એમાં પેટી પટારાની પેઠે જ્ઞાન ઠાંસી ઠાંસીને ભરવાનું નથી, વિદ્યાર્થીને માત્ર પરીક્ષાર્થી બનાવવાનો નથી; એને ‘માનવ’ બનાવવાનો છે નાગરિક બનાવવાનો છે. દિવ્ય ન થવાય તો કંઈ નહીં; સારો માનવ તો તે બનવો જ જોઈએ. કારણ કે કોઈ કવિએ કહ્યું છે કે ‘સાબાર ઉપર માનુષ સત, તાહાર ઉપર નાહીં’ ભલે વ્યક્તિ મટીને વિશ્વમાનવી ન થવાય. પણ ‘હું માનવી માનવ થાઉં તો ઘણું’ એટલું તો થવું જ જોઈએ.

Total Views: 66

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.