શ્રી નટવરલાલ કુબેરદાસ પંડ્યા – ‘ઉશનસ્‌’ અનુગાંધી યુગીન ગુજરાતી કવિ છે. વલસાડની કોલેજમાં અધ્યાપક અને આચાર્ય તરીકે સેવાઓ આપીને નિવૃત્ત થયા. એમને નર્મદ સુવર્ણચંદ્રક, રણજીતરામ સુવર્ણચંદ્રક અને રાષ્ટ્રિય સાહિત્ય અકાદમી પારિતોષિક વગેરે પુરસ્કારો મળ્યા છે. ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ માટેના લેખન કાર્યમાં એમનું મહત્ત્વનું પ્રદાન રહ્યું છે. એમનો આ લેખ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે – સં.

ભગવાન શ્રીકૃષ્ણે ‘ભગવદ્‌ ગીતા’ના અંતિમભાગમાં ભારતને, બલ્કે તે નિમિત્તે આખા વિશ્વને એક મહાન આશ્વાસન આપતાં કહ્યું છે કે ‘જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે ત્યારે અધર્મના નાશ અને સદ્‌ ધર્મની પુન: સ્થાપના માટે હું અવતાર લઉં છું’. આ ભગવદ્‌ વચનનો અક્ષરશ: અર્થ ન લેતાં તેનું વિશાળ અર્થઘટન કરવું જોઈએ. દરેક ધર્મગ્લાનિના તબક્કામાં ભગવાન સ્વયં તો ન પણ અવતરે, પણ એમનું કાર્ય કરનારો, એમના સંદેશનો નવો અર્થપૂર્ણ પ્રચાર-પ્રસાર કરનાર તો જરૂર અવતરે છે. ઓગણીસમી સદી ભારતવર્ષ માટે ભારે આમૂલ ચળવળો ને પરિવર્તનની સદી બની રહી છે.

અંગ્રેજો દ્વારા ભારતમાં વિવિધ યુનિવર્સિટીઓ સ્થપાઈ. તેમાં અંગ્રેજોનો છુપો હેતુ કદાચ અંગ્રેજી શાસનને ભારતમાં દૃઢમૂલ કરવાનો હશે, પણ બની ગયું ઊલટું જ! એ વિદ્યાપીઠોના શિક્ષણ દ્વારા જ નીવડેલાં ભારતનાં સંતાનોએ અંગ્રેજી શાસનમાંથી મુક્તિ મેળવી! અને આ મુક્તિ સંગ્રામના પાયામાં ભારતીય સંસ્કૃતિની જ પ્રેરણા રહી હતી; તેમાંય મુખ્યત્વે ‘ભગવદ્‌ ગીતા’ની. આ વિદ્યાપીઠોના કારણે જ આપણને પશ્ચિમના સંપર્કમાં આવ્યા ને આ જીવનમાં સંસારરસનો સ્વીકાર કર્યો, આપણે આપણી મૂઢ મધ્યકાલીનતામાંથી બહાર આવ્યા ને સંસાર સુધારાની ચળવળ ચલાવી, એમાં પશ્ચિમમાં વીર નર્મદ – દયાનંદ સરસ્વતી વગરે મુખ્ય હતા તો પૂર્વમાં રાજા રામમોહન રાય, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, કેશવસેન વગેરે હતા. આ જ ગાળામાં પશ્ચિમ ભારતમાં આર્ય સમાજ – પ્રાર્થના સમાજ તો પૂર્વમાં ‘બ્રાહ્મોસમાજ’ જેવા ધાર્મિક સુધારક સંપ્રદાયો અસ્તિત્વમાં આવેલ. પરંતુ તેની સાથે સુધારક એવું લેબલ લગાડ્યા વિના જ શ્રીરામકૃષ્ણ પરમહંસ પૂર્વ ભારતમાં મહાપૂર્વના સનાતન હિંદુધર્મના સંત પેદા થાય છે; તે પૂરા મૂર્તિપૂજક છે શ્રીમા કાલીના. કોઈ વિદ્વાને કહ્યું છે તેમ તે ‘ઈટરનલ ચાઈલ્ડ ઓફ મધર કાલી’ હતા; પણ તે સર્વધર્મસમન્યના દૃષ્ટા પણ હતા.

ભારતમાં આ ગાળામાં બે પ્રચારક ધર્મોએ જોર પકડ્યું હતું. મુસ્લિમ શાસનને કારણે ઈસ્લામનો પ્રચાર અને બ્રિટિશ શાસનને કારણે ખ્રિસ્તીધર્મનો પ્રચાર વધતો હતો. આપણા સુધારકો આ જોઈ શક્યા હતા. ગુજરાતમાં આર્યસમાજે મુસ્લિમોની જેમ જ મૂર્તિપૂજાનો વિરોધ કર્યો ને પ્રાર્થના સમાજે ખ્રિસ્તી અંશોને સ્વીકારી ફેરફાર કરી લીધો; પણ બંગાળમાં તે સુધારો બ્રહ્મોસમાજ રૂપે પ્રગટ થયો. શ્રીરામકૃષ્ણને માથે આ બધાંનો સામનો કરી હિંદુ સનાતન ધર્મને જ પુન: સક્રિય કરવાની જવાબદારી આવી હતી અને તેમણે સ્વામી વિવેકાનંદ જેવા મહાન શિષ્યને દીક્ષિત કરી, આ કાર્યમાં તેમને નિયોજિત કરી આ કાર્ય સિદ્ધ કર્યું.

શ્રીરામકૃષ્ણે પોતાની ક્રાંત દૃષ્ટિથી જોઈ લીધું હતું કે ભારતની એકતા ને અખંડિતતા માટે ઘણા બધા ધર્મો હોવા તે વાત મુશ્કેલી ઊભી કરી શકે તેમ છે. એમણે દરેક ધર્મની દીક્ષા લીધી ને જોઈ લીધું કે બધા જ ધર્મો એ એક સનાતન સત્યને જ વિવિધ નામે પ્રગટ કરે છે. તેમણે દાખલો આપીને સમજાવ્યું હતું કે આ એક તળાવના જ વિવિધ ઘાટો છે, કોઈ તેને વોટર કહે છે, કોઈ તેને પાણી કહે છે, કોઈ તેને જળ કહે છે પણ તે પાણી નામના સત્યનાં જ વિવિધ નામો છે. આપણો નરસિંહ કહે છે: ‘નામરૂપ જૂજવાં અંતે તો હેમનું હેમ હોયે.’ આપણાં ઉપનિષદો કહે છે તેમ ‘એકમ્‌ સત્‌ વિપ્રા: બહુધા વદન્તિ’ આ વાત શ્રીરામકૃષ્ણે સ્વાનુભવપૂર્વક સિદ્ધ કરી દેખાડ્યું. કારણ કે તેઓ જાણતા હતા કે પોતાના આ ગાળાની મહાન જરૂરિયાત છે અને તે માટે ભારતની જે મૂળભૂત ‘પ્રતિભાશક્તિ’ હતી તે ‘સમન્વયશક્તિ’ને અજમાવી – ‘સર્વધર્મસમન્વય’ની સ્થાપના કરે છે. તેમ કરવા જતાં તેમણે ક્યારેય એક સનાતન હિંદુધર્મી મટી જવું પડતું નથી. માત્ર મનને જ મોટું કરી સૌ ધર્મને સમાનતા સાથે સ્વીકારી લો. આવી મોટી સમજનો વારસો ગુરુતરફથી સ્વામી વિવેકાનંદને મળે છે. શ્રીરામકૃષ્ણ પૂરી અખિલાઈથી સ્વામી વિવેકાનંદને પોતાનો પૂર્ણ વારસો આપે છે; તેમ કરવામાં સ્વામી વિવેકાનંદને ક્યારેય હિંદુ સનાતન ધર્મ ટૂંકો પડતો નથી એ આ વારસાનું મહાન લક્ષણ છે. શ્રીરામકૃષ્ણ પોતાના આ શિષ્યને સંસારનાં સુખદુ:ખો તરફ અભિમુખ કરે છે. કંઈ એવું સમન્વિત સૂત્ર તેને તે આપે છે જેમાં પોતાનો અંગત મોક્ષ સૌનું હિત સાધવામાં જ મેળવી લેવાની વાત છે. ‘આત્મનો મોક્ષાર્થં જગદ્ધિતાય ચ’ આવી રીતે દીક્ષિત થયેલ એમનો આ શિષ્ય ભારતવર્ષમાં ફરે છે અને તેમને ભારતવર્ષમાં કેવું દર્શન થાય છે? એક મહાન સંસ્કૃતિનો વારસદાર એવો ભારત, ખૂબ ગરીબ ને પછાત છે. તે પોતાનો આત્મા ખોઈ બેઠો છે. તેને ફરીથી પોતાનામાં સ્થાપી આપવાની તાતી જરૂર છે, તો જ તે પોતાનું અસલ જગદ્‌ગુરુ પદ પાછું મેળવી શકશે; અને એમ કરવું એ આ કાલપુરુષનો આદેશ છે.

સ્વામી વિવેકાનંદે ગુરુ શ્રીરામકૃષ્ણદેવને નામે આ આત્માની પુન: સ્થાપના માટે ‘રામકૃષ્ણ મિશન’ની વિશ્વભરમાં સ્થાપના કરી. તેમને તેમના ગુરુએ કહ્યું હતું કે નરેન્દ્ર, તારે માત્ર અમારી માફક ધ્યાનાદિ કરવાનાં નથી, માત્ર પલાંઠી મારવાની નથી, તારે ચાલવાનું છે ને જગતની ગતિને દિશાને વેગ આપવાનાં છે. આજે વિશ્વભરમાં આ સેવાકેન્દ્રો ચાલે છે ને લોકસેવા કરે છે. લોકસેવાના નામે શિક્ષણસંસ્થા, દવાખાનાં ને ઉદ્યોગો વગેરે ચાલે છે. શિકાગો અમેરિકાના એમના વિશ્વવિખ્યાત પ્રવચનોમાં એમણે ભારતનો આ સંદેશ વિશ્વની સામે મૂકી આપ્યો હતો. સ્વદેશમાં પણ એમની આ પ્રવૃત્તિઓ ધર્મકાર્યોની સાથે જ ચાલે છે. આમ ધર્મને તેમણે સમાજપ્રશ્નોની અભિમુખ રાખ્યો છે. ભગવાન બુદ્ધની જેમ આ જગતમાંથી દુ:ખ ઓછું કેમ થાય તે તેમની ચિંતાનો સતત વિષય રહ્યો છે; મોક્ષની તો જાણે માગણી જ હવે અપ્રસ્તુત છે! ધર્મ અર્થ-કામ પણ બન્યો છે. લોકોના સંસારના પ્રશ્નો પતાવવામાં ધર્મની શક્તિ નિયોજવાની છે. ધર્મને જીહ્‌વાભિમુખ કરવાનો છે. આપણા સનાતનધર્મ પ્રકરણમાં આ એક મૂળભૂત ને મહત્ત્વનો વળાંક આવ્યો છે. જે મધ્યકાલીન ધર્મની સીમાને અતિક્રમી ગયો છે; રામકૃષ્ણની માફક જ વિવેકાનંદ ભારતમાંના વિવિધ ધર્મોના સમન્વયની વાત કરે છે. તેમણે આ મુજબનું કહ્યું જ છે કે હવે ભારતમાં કેવળ આજે છે તેવો હિંદુધર્મ નહિ ચાલી શકે તેમણે ભારતમાં એક નવા સમન્વિત ધર્મની કલ્પના કરી છે કે ભારતનો હિંદુધર્મ તો એવો હોવો જોઈએ કે તેનું મગજ હિંદુનું, હૃદય બુદ્ધ કે જિસસનું ને શરીર માળખું ઈસ્લામનું હોવું જોઈએ. હિંદુનું મગજ એટલે ઉપનિષદોની આત્મા કે બ્રહ્મની વિચારણા, હૃદય કરુણાળુ ને ઈસ્લામ સમાનતાવાળું સામાજિક દર્શન હોવું જોઈએ. તેમના અનુગામી મહાત્મા ગાંધી તો જાણે વિવેકાનંદના શિષ્ય જેવા જ છે. એમણે પણ ભારતનો પ્રવાસ કરી વિવેકાનંદ જેવું ભારતદર્શન કર્યું કે ભારત પછાત થઈ ગયેલ છે. ગાંધીજીએ જેનો પ્રચાર કર્યો તે શબ્દ ‘દરિદ્રનારાયણ’ તો સ્વામી વિવેકાનંદે જ સૌ પ્રથમ ઉદ્‌ગાર્યો હતો. ૧૯મી સદીના અંતભાગમાં ને વીસમી સદીના પૂર્વાર્ધમાં જે મહાપુરુષો ભારતમાં ભારતીયતાના ક્ષેત્રે સક્રિય હતા તે સૌ ઉપર રામકૃષ્ણની જેમ જ સ્વામી વિવેકાનંદનો પ્રભાવ પડ્યો છે, જેનો તે સૌએ સ્વીકાર પણ કર્યો છે.

યાદ રહે, આ સૌ વિભૂતિઓય (જેવા કે રવીન્દ્રનાથ, શ્રી અરવિંદ, મહાત્મા ગાંધી, બંકિમબાબુ વગેરેએ) ભારતના આ ગાળામાં ઉઠેલા પ્રશ્નોનું નિરાકરણ ભારતીય રીતે વિચાર્યું હતું. આ સૌને મન ભારતની આઝાદીને કોઈ એક રાજકીય મુદ્દો ગણ્યો નથી. આ વિશ્વની નવરચના માટેનો આ સૌએ નવો ભારતીય ઉકેલ બતાવ્યો છે. તેના પાયામાં સ્વામી વિવેકાનંદની વિચારણા રહી છે. આ સૌને મન ભારત એક માતા છે. માત્ર દેશ-ભૂમિ કે જમીન માત્ર નથી. એ એક જીવંત માનવજાતિનું ભાવિસ્વપ્ન છે. પણ તેની સાથે ભારતની દારુણ દરિદ્રતા, પછાતપણું પણ ટાળવાનું છે. જીવનધોરણને જરૂર ઊંચું લાવવાનું છે. છેલ્લા માણસ સુધી પણ તે જીવનધોરણ ભારતીય મૂલ્યોને છોડી દઈને લાવવાનું નથી જ.

શ્રીરામકૃષ્ણના આ મહાન શિષ્યે આ માટે ખૂબ બુલંદ સ્વરે ભારતના આત્માને ઢંઢોળ્યો છે. એ આપણી સ્ત્રીઓને ઉદ્દેશીને જ કહે છે, ‘તમારો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે. તે ભૂલતી નહિ.’ તે પૂર્વ અને પશ્ચિમનો પણ સમન્વય ઇચ્છે છે. કેવળ પૂર્વનું – ગોવર્ધનરામ કહેતા હતા તે એકપક્ષીપણું હવે નહિ ચાલે. બંને આંખોનું ઐક્ય દર્શન જોઈએ. તેમણે આપણને સૌને ‘અમૃતના પુત્રો’ હોવાનો વારસો યાદ અપાવ્યો છે. સ્વામી વિવેકાનંદની વાણી આર્ષ છે ને સર્વત્ર બુલંદસ્વરની છે. તે ‘ક્લૈબ્યં, દૌર્બલ્યં’ ભાવને સેવવાની ચોખી ના પાડે છે. તે તો કઠોપનિષદની વાણીમાં કહે છે કે ‘ઊઠો, જાગો ને ધ્યેય સિદ્ધ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો’. હજુ સ્વામી વિવેકાનંદનું એ સ્વપ્ન પૂરું થયું નથી. મહાત્મા ગાંધી પછીના હિંદુધર્મના મહાન સુધારક ડો. આંબેડકરનું સૂત્ર પણ હવે આ સૂત્રમાં ઉમેરી લો. આપણે સૌએ વધુ સંગઠિત ને બલવાન બનવું પડશે. ડો. આંબેડકરે જે સૂત્ર દલિતોને આપ્યું છે તે પણ સૌને સર્વકાયમી ઉપયોગી બને તેવું છે: ‘શિક્ષિત બનો, સંગઠિત બનો ને સંઘર્ષ કરો.’ આ બંને સૂત્ર મળીને જે બુલંદી આપણા ધ્યેયસૂત્રમાં આવે છે તેનો નિયોગ કરીને આવો આપણે સ્વામી વિવેકાનંદનું, મહાત્મા ગાંધીનું ને ડો. આંબેડકરના સમન્વિત સ્વપ્નનું નૂતન ભારત બનાવીએ. સ્વામી વિવેકાનંદ કહેતા હતા તેમ ‘મને માત્ર ૧૦૦ મારા જેવા યુવકો આપો. હું ભારતને પલટી નાખીશ.’ સ્વામી વિવેકાનંદની જ શ્રદ્ધા લઈ, એમનો જ કાર્યક્રમ અમલમાં મૂકીએ તો આપણા પ્રા. ઠાકોર કહેતા હતા તેમ ‘ગજવીએ અસલ નેહનાં નૂર’ એ બહુ દૂરનું કે સાવ અસંભવિત અશક્ય એવું સ્વપ્ન તો નથી જ.

આ લેખનો ઉપસંહાર કરતાં જરૂર જોઈ શકાય છે કે અર્વાચીન ભારતમાં ૧૯મી સદીમાં ને તે પછીય જે જે પ્રાણપ્રશ્નો આવ્યા તેમનો સામનો આ ગાળાના રામકૃષ્ણાદિ મહાનપુરુષોએ ભારતીય દર્શનને આધારે કર્યો જ છે. આ પ્રશ્નો હતા (૧) વિદેશી પ્રચારક ધર્મોને ભારતની એકતા અખંડિતતાનો પ્રશ્ન (૨) ભારતની આઝાદી એ માત્ર રાજકીય પ્રશ્ન નથી તે (૩) ધર્મોએ પ્રજાના પ્રશ્નો ઉકેલમાં સક્રિય થવું તે એટલે કે ધર્મને મોક્ષના સમન્વયથી દૂર રાખી લોકપ્રશ્નોના ઉકેલ તરફ ધ્યાન આપવું તે, સક્રિય થવું તે (૪) હિંદુધર્મના પોતાના જાતિ-જ્ઞાતિભેદનો પ્રશ્ન.

રામકૃષ્ણ-વિવેકાનંદ-ગાંધીજીએ આ કામ કર્યું જ છે. ગાંધીજીએ સર્વધર્મસમભાવને સર્વધર્મમમભાવ સુધી વિસ્તાર્યો છે. વિવેકાનંદના રામકૃષ્ણ મિશને શિક્ષણ, દવા ને ઉદ્યોગો તરફ ધર્મને સક્રિય કર્યો હતો તે જ વાત ગાંધીજીએ તેમના રચનાત્મક કાર્યક્રમમાં આગળ વધારી છે. ગરીબી ને પછાતપણું નિવારવું એ બંનેનો કાર્યક્રમ છે. જીવનધોરણ ઊંચું લાવવું છે પણ નીતિમત્તા વગર નહિ જ. એ વાત પણ બંનેમાં રહી છે. હિંદુધર્મના આંતરિક જાતિજ્ઞાતિ ભેદોનું નિવારણ જરૂરી છે એ પણ વિવેકાનંદની આ વાણીમાંથી ફલિત થાય છે. સ્વામી વિવેકાનંદે ભારતનું પછાતપણું ને ગરીબી જોઈ કહ્યું કે ઈશ્વરને પણ પછીના ક્રમે મૂકો! પ્રથમ આ દારુણ ગરીબી ટાળવાની છે. તેમણે કહ્યું કે પ્રાર્થનામાં જોડાયેલા બે હાથ કરતાં કોઈને મદદ કરતો એક હાથ વધુ મહત્ત્વનો છે. ભૂખ્યા માણસને નીતિની વાતમાં કોઈ રસ પડતો નથી. માટે ભૂખનો પ્રશ્ન નીતિથી પહેલાં મૂકવો જોઈએ. ભારતમાં નિરીશ્વર સામ્યવાદ વધુ જામ્યો નહિ એમાં સેશ્વર – ઈશ્વરમાં દૃઢ શ્રદ્ધા રાખનારા રામકૃષ્ણ-વિવેકાનંદ, ગાંધીનાં કાર્યોનો પણ ઠીક ઠીક ફાળો છે. સ્વામી વિવેકાનંદ એ નૂતન પ્રબોધકાળના ભારતના ને નૂતન હિંદુધર્મના આદ્ય મહાન દૃષ્ટા અને કલ્પક છે. આ મુદ્દાએ મને પ્રવાહિત કર્યો છે. મેં રામકૃષ્ણ દર્શન દોહન પણ આને લીધે જ પ્રગટ કર્યું છે.

નોંધ : શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદનો પ્રભાવ ગુજરાતી સાહિત્ય ઉપર, ગુજરાતી સાહિત્યના સર્વ યુગો પર વર્તાય છે. સાક્ષર યુગમાં શ્રી ગોવર્ધનરામના ‘સરસ્વતી ચંદ્ર’માં એમના ‘વ્યવહારુ સંન્યાસ’ ઁચિબૌબચન ચજબીૌબૈજસ નો પ્રભાવ ‘સરસ્વતીચંદ્ર’ના નાયક સરસ્વતીચંદ્ર પર સ્પષ્ટપણે દેખાય છે અને ગાંધી યુગના શ્રી દર્શક ઉપર પણ તેનો પ્રભાવ ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’નાં નાયક નાયિકા ઉપર દેખાય છે. આ ઉપરાંત વર્તમાનકાળમાં પણ પિંડવળ સર્વોદય કેન્દ્રના શ્રી કાંતિ શાહના ‘ભૂમિપુત્ર’ના ‘નવા હિંદુત્વ’ વિશેની લેખમાળામાં પણ તેનો પ્રભાવ પ્રધાનપણે જોવા મળે છે.

Total Views: 60

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.