(ગતાંકથી આગળ)

‘આ જ્ઞાન સ્વામી વિવેકાનંદને જ્ઞાન અને ભક્તિથી વિમુખ નહીં પણ તેમને વ્યક્ત કરતા કર્મના બોધ આપનાર મહાન ગુરુ બનાવે છે. એમની દૃષ્ટિએ સાધુને માટે ગુફા કે મંદિરના દ્વાર જેટલાં જ ઈશ્વરને ભેટવાનાં સાચાં અને યોગ્ય સ્થાનો કાર્યશાળા, અભ્યાસખંડ, ઢોરવાડો અને ખેતર પણ છે. સ્વામી વિવેકાનંદને મન જીવની અને શિવની સેવા વચ્ચે, શૌર્ય અને શ્રદ્ધા વચ્ચે, સાચી સદ્‌ગુણિતા અને આધ્યાત્મિકતા વચ્ચે કશો તફાવત નથી.’

દિવસો જશે તેમ આવા તત્ત્વજ્ઞાન માટેની ખોજ થશે જ. હિન્દુ, ખ્રિસ્તી કે મુસલમાન, ભારતમાં કે ભારત બહાર, લોકો ગમે તે ને ગમે ત્યાં હોય, બધા વિચારશીલ મનુષ્યોને એ ભારતીય ચિંતનની કક્ષામાં અને, એના અમર સ્રોત, ઉપનિષદોનાં તત્ત્વજ્ઞાન અને અધ્યાત્મના આકર્ષણની કક્ષામાં ખેંચશે.

ઉપનિષદો અને વૈચારિક સંઘર્ષ

આજનું જગત જુદી જુદી વિચારણાઓની પકડમાં છે અને, તેમાં જે સૌથી સંકુચિત અને સૌથી વધારે મરજાદી છે તે સૌથી વિશેષ અસરકારક છે. આજના યુગ સુધી સેમિટિક કુળના ધર્મો, યહુદી, ખ્રિસ્તી અને ઈસ્લામ ધર્મો આવી મરજાદી અને સંકુચિત વિચારસરણીઓનાં ઉછેરકેન્દ્રો હતાં. પરંતુ, અર્વાચીન કાળમાં, શાણપણપૂર્વક ધર્મો આ સંકુચિતતાને અને મરજાદને ખંખેરી, સામાજિક-રાજકીય ક્ષેત્રો તરફ જઈ રહ્યા છે. આ ક્ષેત્રોમાં ઔદાર્યસભર વિચારણાને લાગેલું ગ્રહણ આ વીસમી સદીનું એક આંજી નાખતું લક્ષણ છે. માનવીની સામાજિક-રાજકીય વિચારણાના સિંહભાગમાંથી શાંતિ અને સ્પષ્ટ બુદ્ધિ અદૃશ્ય જ થઈ ગયેલ છે; માનવીની સામૂહિક ચેતનાના ભય, દ્વેષ અને અંધ મોહના સકંજામાં એ આવી ગયેલ જણાય છે. આ ક્ષેત્રોમાંથી માનવીની સામૂહિક દુર્બુદ્ધિને વશ કરવાનું છે પણ વિજયી યુદ્ધ આંતરરાષ્ટ્રીય વૃંદોમાં અને સંસ્થાઓમાં માનવીની સામૂહિક વિવેકબુદ્ધિ આ સદીના ઉત્તરાર્ધમાં લડી રહી છે તે આશાસ્પદ છે. આમાં પાછા પડવાનું બનેય; પણ આ યુદ્ધની આગેકૂચને કોઈ થંભાવી શકશે નહીં, કારણ એ કાળબળની અભિવ્યક્તિ છે. એની પાછળ આજના યુગની શાસ્ત્રીય વિવેક બુદ્ધિ અને જ્યોતિની શક્તિનો સ્રોત છે જેની અસર ધર્મના ક્ષેત્રમાં દેખાવા લાગી જ છે; માણસની સામૂહિક દુર્બુદ્ધિનાં  અંધ પરિબળોથી મુક્ત થવાના ધર્મના સંઘર્ષમાં એણે પ્રેરણા અને વાતાવરણ પૂરાં પાડ્યાં છે અને બુદ્ધિના પ્રકાશમાં ધર્મને એણે કાર્યરત કરેલ છે.

વૈજ્ઞાનિક વિચારણા સામાન્ય રીતે શાંત વાતાવરણમાં થતી હોય છે અને મતભેદોને સહન કરવામાં આવે છે. ધર્મની બુદ્ધિના પ્રારંભથીજ વિચ્છેદને લઈને, ધર્મના ક્ષેત્રમાં આમ જોવા મળતુ હતુ. આ ઝડપથી બદલતું જાય છે. ભિન્ન ધર્મો વચ્ચેના વાદો આજે લાગણીના નીચા ઉષ્ણતામાનમાં યોજાય છે. આંતરધાર્મિક સંવાદોમાં ઉગેલું શાણપણનું આ પ્રભાત, વેદાન્તમાં અને અર્વાચીન વિચારણામાં વ્યક્ત, અમૂલ્ય ભેટ છે. દુર્બુદ્ધિ ઉપર અંતે તો બુદ્ધિની જ્યોત વિજય પ્રાપ્ત કરશે અને, સામાજિક – રાજકીય ક્ષેત્રમાં પણ એ શાણપણ આણશે. એમ થતાં કદાચ સમય વધારે જાય કારણ કે, આ ક્ષેત્રો માણસની સત્તા અને શોખની ખોજનાં ક્ષેત્રો છે અને, માણસની ઈન્દ્રિય સંચારિત પ્રકૃતિનાં અંધ પરિબળોને બોલે એ નાચે છે. લોકશાહીના આ ક્ષેત્રમાં વિવેકબુદ્ધિ થોડું શાણપણ સ્થાપી શકશે ત્યારે, માનવ ગૌરવ અને સમાનતાને ધારણ કરનાર લોકશાહી જે હંમેશાં માનવીના સ્વભાવનાં આ પ્રચ્છન્ન પરિબળોની ધાકમાં રહી છે તે, સૌથી ઉત્તમ રાજકીય અને સામાજિક મૂલ્ય અને રીતિ તરીકે દૃઢ રીતે પ્રસ્થાપિત થશે. વિચારણાઓનાં સ્થાનો બદલાય ત્યાં સુધી સંઘર્ષ ચાલુ રહેશે અને પછી, જે સૌથી વધારે ઉદાર અને સૌને સમાવી લે તેવી હશે તે વિચારણાની અસર સૌથી પ્રબળ થશે.

પણ આને માટે વૈજ્ઞાનિક માવજતની જ નહીં પણ, વેદાન્તી માવજતની પણ જરૂર છે; કારણ, દુન્યવી અને ધાર્મિક આકાંક્ષાઓમાં કેન્દ્રિત માનવશક્તિઓના ભાવસ્રોતો તેની બધી સંકુચિતતાઓ અને મરજાદો દૂર કરી, પણ તે સાથે તેમની તીવ્રતાને અને ગતિશીલતાને જાળવી રાખી આ વેદાન્તી માવજત જ વિશુદ્ધ કરી શકશે. આપણી વૈજ્ઞાનિક બુદ્ધિ જાતે એકલી આ કરી શકે તેમ નથી; એ સંકુચિતતા દૂર કરે ત્યારે, ભાવનાઓની શક્તિઓનો પણ નાશ કરવાનું વલણ એ ધરાવે છે.

આમ, આ મહાન સિદ્ધિ હાંસલ કરવામાં ઉપનિષદોનો ફાળો ચૈતન્મય અને વ્યાપક છે. આદર્શો અને વિચારધારાનો માનવજીવન માટે અને સિદ્ધિ માટે પ્રાણરૂપ છે; મનુષ્યની શક્તિશાળી ઊર્મિઓને તે માર્ગદર્શન દાખવે છે. એમની મદદ વિના માણસ પાંગળો, નકામો અને સતત ભૂલો કરતો બની જાય છે. સ્વામી વિવેકાનંદ કહે છે કે આદર્શોવાળો માનવી હજાર ભૂલ કરશે તો, આદર્શહીન દસ હજાર કરશે. એટલે સ્વામી વિવેકાનંદ કહે છે: સંપ્રદાયો વધવા દો; પણ સંપ્રદાયવાદ જવો જોઈએ. ધર્મમાં અને રાજકારણમાં સંકુચિત રીતે સેવેલી વિચારણાએ જેટલો ફાયદો કર્યો છે તેટલું જ નુકશાન કર્યું છે. વિસ્તારને ભોગે જ તીવ્રતા સધાઈ છે; બીજી તરફ, વિસ્તારને લઈને તીવ્રતાની ઘેલછા ઘટી છે. સાંકડા ઝરણામાં પ્રવાહ વેગથી વહે છે. નદીનો પદ પહોળો થાય તેમ પ્રવાહની તીવ્રતા મંદ પડે.

વિચારસરણીઓની બાબતમાં માણસ પાસે આ બે વિકલ્પો રહેલા છે. વધારેમાં વધારે ચારિત્ર્યફળનું નિર્માણ કરે તેવી વિચારધારાઓ આજનો યુગ ખોળી રહ્યો છે. વેદાન્ત પ્રમાણે, આનો અર્થ તીવ્રતા અને વિસ્તાર બંનેની સહોપસ્થિતિ. સ્વામી વિવેકાનંદે વેદાન્તને જીવનની નિર્ભય ફિલસૂફી તરીકે રજૂ કર્યું હતું, જે માનવીને જાતે વિચારધારા રચનામાં સહાય કરે છે અને, એમના પોતાના શબ્દોમાં, ઝનૂનીની તીવ્રતાને ભૌતિકવાદીના વિસ્તારને જોડે છે. પોતાના આંતરિક આધ્યાત્મિક ભેદનથી એ પોતાની તીવ્રતા પ્રાપ્ત કરે છે અને, માનવવિવેક એને દોરે છે. આવી વિચારધારા ‘સાગર જેટલું ગહન અને, આકાશ જેટલું વિશાળ ચારિત્ર્ય’ એને આપે છે એમ સ્વામી વિવેકાનંદ કહે છે. મનુષ્યની ઉત્ક્રાંતિ અનુસારની મનુષ્ય વિકાસની સાચી રેખા સ્વામી વિવેકાનંદ આને ગણે છે. અને એ વિચારધારાએ આજના યુગમાં આવા ચારિત્ર્યના  ઉદાહરણ રૂપે શ્રીરામકૃષ્ણ આપ્યા છે; એ માત્ર ધર્મની મૂર્તિમંત તીવ્રતા ન હતા પણ, પોતાની અનંત સહાનુભૂતિની છત્રછાયામાં નાસ્તિકોને અને અજ્ઞેયવાદીઓને જગતના વિભિન્ન અને કેટલીક વાર એકબીજાના વેરી લાગતા ધર્મોના અનુયાયીઓને પોતાની પાંખમાં લેતા.

ઉપનિષદો અને આજની કટોકટી

મનુષ્ય જીવનના અને વિચારના દરેક ક્ષેત્રમાં આજનું જગત દૂરગામી પુનર્મૂલ્યાંકન અનુભવી રહ્યું છે. ભૌતિક વિજ્ઞાનો અને આજની ટૅકનોલોજીથી આરંભાયેલ અને ધારણ કરાયેલ આ વ્યાપાર બૌદ્ધિક આંદોલન તરીકે આરંભાયો પણ તરત જ સામાજિક-રાજકીય પરિબળમાં એ વ્યાપાર જેટલો વિનાશાત્મક હતો તેટલો સર્જનાત્મક પણ હતો. પોતાના આદિમ ભૂતકાળમાં કેટલાંય ભય અને અનિશ્ચિતતાઓમાંથી માણસને એણે ઊંચક્યો અને કરડી ખાતાં નવાં ભય અને અનિશ્ચિતતાઓમાં એને નાખ્યો. એની ભૂતકાળની પરંપરામાં જડાયેલાં અનેક કથાઓ, આખ્યાયિકાઓ અને વહેમોનો એણે નાશ કર્યો અને, નૈતિક, ધાર્મિક, સામાજિક-આર્થિક અને માણસના જીવનનાં અન્ય ક્ષેત્રોમાંની તેની શ્રદ્ધાને અને વ્યવહારરીતિને તેણે પડકારી અને તેને આજે પણ તે પડકારી રહેલ છે.

કેટલાક નક્કર ફાયદાઓ છે પણ, તે પૂરતા નથી; બાય્‌બલ કહે છે તેમ, તેમણે  ‘ગાળિયો લંબાવ્યો છે; પણ ‘ખૂંટા મજબૂત કર્યા નથી.’ જીવનવૃતની શાખાઓનો વ્યાપ વધ્યો છે પણ એનાં મૂળ એટલાં સુદૃઢ થયાં નથી. આજની સિદ્ધિઓમાં, મનુષ્યનાં વિજ્ઞાનો કરતાં પ્રકૃતિનાં વિજ્ઞાનો ખૂબ વધારે વિકસાવ્યાં છે અને, માણસને વેંતિયો, અસ્થિર, એનું ગુરુત્વાકર્ષણ બિન્દુ એની બહાર પડે તેવો રાખ્યો છે. માત્ર મનુષ્ય લગતી વિદ્યાઓમાંથી જ નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યો પ્રગટે છે. આજના બુદ્ધિવાદના છીછરાપણામાં અને વાંઝિયાપણામાં અને, બુદ્ધિવાદીઓની વ્યાપક નાસ્તિકતામાં જેમાં કડવાં ફળ જોવા મળે છે તે અસ્થિરતાને અનુલક્ષી બટ્રેણ્ડ રસલ કહે છે (ધ સાયન્ટિફિક આઉટલુક, પૃ. ૨૭૬-૭૯):

‘આજ સુધી માનવીનું નિયમન એને પ્રકૃતિની સંગમાં રાખવાથી થયું છે. આ  અંકુશમાંથી પોતાની જાતને મુક્ત કર્યા પછી, ગુલામમાંથી માલિક બનેલા માણસની કેટલીક નબળાઈઓ એ દાખવી રહ્યો છે. પ્રકૃતિની સત્તાઓને વશ થવાને સ્થાને માણસમાં જે ઉત્તમ છે તે આવે તે માટે, નવા નૈતિક દૃષ્ટિબિન્દુની આવશ્યકતા છે. આ આદર જ્યાં નથી ત્યાં વૈજ્ઞાનિક ટેક્નીક ભયજનક છે. એ હાજર છે ત્યાં સુધી, પ્રકૃતિની ગુલામીમાંથી માણસને છૂટો કરી, તેને પોતાના જ ગુલામી અંશ સુપરત કરશે.’

‘માનવીમાં જે શ્રેષ્ઠ છે તેને માટેનો આદર’ અને, ‘પોતાના ગુલામી અંશમાંથી માનવીને મુક્તિ અપાવવા’ જે વિદ્યા આગળ વધશે તેને, યુગો અગાઉ ઉપનિષદોએ અધ્યાત્મવિદ્યા તરીકે વિકસાવી છે; જુલિયન હકસલીએ તેને ‘માનવ શક્યતાઓનું વિજ્ઞાન’ કહેલ છે. ઈન્દ્રિયોની ગુલામીમાં જકડાયેલી બુદ્ધિના કરતાં આત્મજ્યોતિના પ્રકાશમાં નહાતી બુદ્ધિ ક્યાંય ભિન્ન છે. ઉત્ક્રાંતિને માર્ગે પૂર્ણ વિકાસ મનુષ્ય પામી શકે તે માટે, બાહ્ય પ્રકૃતિની વિદ્યાઓ અને આંતરપ્રકૃતિની વિદ્યાઓની બેઉ વિદ્યાશાખાઓને પોતાની શક્તિઓને ભેગી કરવી પડશે. સ્વામી વિવેકાનંદ કહે છે કે, ‘મનુષ્ય સમાજમાંથી ધર્મને ખસેડી લો પછી જંગલીઓનું રાજ રહેશે.’ આ જ માન્યતાનો પડઘો પાડતાં, પોતાની આત્મકથાના અંતિમ ભાગમાં, ખગોળ ભૌતિકશાસ્ત્રી આર. એ. મિલિકન કહે છે:

‘મને લાગે છે કે બધું માનવકલ્યાણ અને બધી માનવપ્રગતિ જે બે મહાન થાંભલાઓ પર ઊભાં છે તે છે, ધર્મની ભાવના અને વિજ્ઞાનની – જ્ઞાનની – ભાવના. બીજીની સહાય વિના પહેલી પણ પોતાની મહત્તમ અસરકારકતા પ્રાપ્ત કરી શકે નહીં. બીજી – વિજ્ઞાનની – ભાવનાના ઉત્કર્ષ માટે આપણે યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓ સ્થાપી છે. પરંતુ, કોઈ અપવાદ વિના દરેકને માટેની ઉત્તમ તક પ્રથમ ભાવનામાં છે.’

ધર્મ તરફથી પ્રાપ્ત આધ્યાત્મિક પોષણ વિના આજના યુગની અસાધારણ પ્રગતિ એની ગતિમાં અસ્થિર અને એના માર્ગમાં અંધ થઈ ગઈ છે.

પરમ તેજે લઈ જા

‘આજની પ્રગતિનું ચક્ર’ દાયકે દાયકે વધારે ને વધારે વેગથી ફરતું જાય છે. અને, સર્વત્ર મનુષ્ય આંખે અંજાઈ જાય છે તથા દિશાહીન બની જાય છે. અપ્રાપ્ય ભૂતકાળની, અચોક્કસ વર્તમાનની અને પ્રશ્ન સમા ભવિષ્યની સ્થિતિમાં પોતાની જાતને મુકાયેલી એ ભાળે છે. આશા અને આનંદનો દિવસ ઊગવાનો આ ઉષ:કાળ છે કે, નિરાશા અને ગ્લાનિના ગર્ભવાળી રાત્રિ પહેલાંનો એ સંધ્યાકાળ છે? ચોમેરનાં ઝળાંહળાં વચ્ચે માનવીએ કદી આટલું અંધારું, ચોમેરની અમાપ સમૃદ્ધિની વચ્ચે આટલી અંતરની દરિદ્રતા અને, ઘેરી વળતાં ટોળાંની વચ્ચે આટલી એકલતા માનવ ઈતિહાસમાં માનવીએ કદી અનુભવેલ નથી. આમ આજની કટોકટી આધ્યાત્મિક કટોકટી છે અને, અંધકારના ઘેરામાંથી મુક્તિ માટે મનુષ્ય પ્રકાશ ઝંખે છે. એનું હૃદય આજે ઝંખે છે સત્ય, પ્રકાશ, જીવન. આ બધું દર્શાવે છે કે સમગ્ર આધુનિક જગત શાંત આધ્યાત્મિક ક્રાંતિની પીડા અનુભવે છે. આજના માનવીના હૃદયના શાંત ગણગણાટમાં, ઊંડી ખોજમાં અને વણબોલી પ્રાર્થનામાં વૈદિક પ્રાર્થનાની ભાવના (બૃહદારણ્યક ઉપનિષદ, ૧.૩.૨૮) પડઘાય છે;

અસતો મા સદ્‌ગમય;
તમસો મા જ્યોતિર્ગમય;
મૃત્યોર્ મા અમૃતં ગમય —

‘તું અમને અસત્યેથી સત્યે લઈ જા; અંધકારમાંથી પ્રકાશમાં લઈ જા; મૃત્યુમાંથી અમરતાએ લઈ જા.’

આ ભડભાંખળાને પ્રભાતની આભામાં અને ઉજ્જવલ દિવસમાં પરિવર્તન કરવાનો પડકાર માણસનાં જ્ઞાન અને શાણપણને આજે ફેંક્યો છે. ભૂતકાળના અને વર્તમાનકાળના મહાન ચિંતકો એ માન્યતાને વળગી રહ્યા છે કે, પોતાના પ્રલંબ ઇતિહાસની ચડતીપડતીમાં ભારતના સનાતન આત્માએ સમગ્ર માનવજાત માટે આશા અને આનંદનો સનાતન સંદેશ સાચવી રાખ્યો છે.

ધ વર્લ્ડ એઝ વિલ એન્ડ આઈડીઆ (વૉ. ૧, રુટલંજ એન્ડ કેગન પોલ લિ. લંડન, ૧૯૫૭, પૃ. XII – XIII)નામના પોતાના પુસ્તકના પુરોવચનમાં, ૧૯મી સદીની મધ્યમાં લખતાં, પશ્ચિમમાં સમય જતાં વેદાન્તની થનારી અસરનો ઉલ્લેખ શોપનહોરે કર્યો છે. વેદો સામેનો પશ્ચિમનો પરિચય કહી,

‘એમાં આપણો પ્રવેશ ઉપનિષદોએ સુગમ કરી આપ્યો તેનો, મોટો લાભ, મારી દૃષ્ટિએ, અગાઉની સદીઓ કરતાં આ તરુણ સદીને પ્રાપ્ત થયો છે.’

એણે ભવિષ્ય ભાખ્યું :

‘પંદરમી સદીમાં ગ્રીક સાહિત્યની પુનર્જાગ્રતિની અસરના કરતાં સંસ્કૃત સાહિત્યની અસર જરાય ઓછી ઘેરી નહીં હોય એમ હું માનું છું.’

પોતાની ગ્રંથમાળા ધ સ્ટોરી ઓવ સિવિલાઈઝેશનના પ્રથમ ભાગ, ‘આપણો પૌરસ્ત્ય વારસો’માં ભારત વિશે પૂર્ણાહૂતિ કરતાં, અમેરિકન ફિલસુફ અને ઈતિહાસકાર વિલ ડ્યૂરાં કહે છે (પૃ.૬૩૩)

‘મિસર, બેબિલોનિયા કે અસીરિયાનો ઈતિહાસ પૂર્ણ કરી શકાય છે તેમ ભારતનો ઈતિહાસ કરી શકાતો નથી; કારણ એ આજે ય ઘડાઈ રહ્યો છે, એ સંસ્કૃતિ આજે પણ સર્જી રહી છે…’

‘હિમાલયની આડશની પેલે પારથી, વ્યાકરણ અને પ્રમાણશાળી, તત્ત્વદર્શન અને દંતકથાઓ, હિપ્નોટિઝમ અને શેતરંજ એ, સૌથી વિશેષે તો, આપણી સંખ્યાઓ અને આપણી દશાંશ પદ્ધતિ સમા શંકાસ્પદ ભેટો આપણને મોકલાવી છે એ સાચું છે. પરંતુ આ એના આત્માનું સત્ત્વ નથી; ભવિષ્યમાં એની પાસેથી આપણે જે શીખવા પામીએ તેની સરખામણીએ આ સઘળું તુચ્છ છે. શોધાયેલાં ઉદ્યોગ અને વેપાર ખંડોને જેમ બાંધશે અથવા, આપણને એશિયા સાથે સંઘર્ષમાં ફેંકશે તેમ, એની સંસ્કૃતિઓનો અભ્યાસ આપણે વધારે નિકટતાથી કરીશું. અને શત્રુવટ રાખીને પણ, એના પંથો અને વિચારો ગ્રહણ કરીશું. વિજયના અભિયાનના અને લૂંટના બદલામાં, કદાચ, ભારત આપણને પ્રૌઢ મનની સહિષ્ણુતા અને ઋજુતા શિખવશે, નિર્લોભી આત્માનો શાંત સંતોષ પ્રબોધશે અને, બધાં પ્રાણીઓ માટે એકજૂર કરનારો, શાંતિદાતા પ્રેમનો પાઠ પઢાવશે.’

માનવ પ્રગતિના ફૂલ યોગદાનમાં, સ્વામી વિવેકાનંદ આને ભારતનો લક્ષણવર્તી ફાળો ગણે છે. અમેરિકાથી, ૧૮૯૪માં લખેલા એક પત્રમાં (કમ્પ્લીટ વર્ક્સ, વૉ.૫, પૃ. ૪૩) સ્વામીજી કહે છે:

‘અખિલ જગતને પ્રકાશની જરૂર છે. એને માટે તે આતુર છે! માત્ર ભારત પાસે એ પ્રકાશ છે તે જાદુટોણાંમાં, ઢોંગવેડામાં કે ડોબાંવૈડામાં નથીપણ, સાચા ધર્મના તત્ત્વની મહત્તાના બોધમાં છે. તે સર્વોચ્ચ આધ્યાત્મિક સત્ય છે. માટે તો, અનેક ચડતી પડતીમાંથી પસાર કરીને પણ, ભગવાને એ પ્રજાને આજ સુધી સાચવી રાખી છે. હવે સમય પાક્યો છે.’

સ્વામી વિવેકાનંદની અને બીજા વિચારકોની આ માન્યતા પોતાનું બળ ઉપનિષદો પાસેથી અને, બૌદ્ધિક રીતે સુદૃઢ, શાસ્ત્રીય અને તેથી સાર્વત્રિક તેની જીવંત આધ્યાત્મિક પરંપરા પાસેથી પ્રાપ્ત કરે છે અને, ભિન્ન ભિન્ન યુગે, બુદ્ધ અને શંકર, શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ જેવી આધ્યાત્મિક વિભૂતિઓ પાસેથી પુન: સમૃદ્ધ થતી રહે છે. ધ મેસેજ ઓવ ધ ઉપનિષદ્‌‌ઝ -‘ઉપનિષદ સંદેશ’- નાં આ પછીનાં પૃષ્ઠો આ માન્યતા અને એની શ્રદ્ધાનાં બળ અને ઔચિત્યની કસોટી વાચકને જાતે કરવા પ્રેરશે એમ હું આશા રાખું છું.

***

Total Views: 65

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.