સ્વામી વિવેકાનંદે રામનદમાં પહેલી વાર પગ મૂક્યો અને નટરાજ શિવના તાંડવના તાલમાં ભારતની પુનર્જાગૃતિનું ગીત લલકાર્યું તે પળથી, ભારતની હજારો વર્ષની નિદ્રા દૂર થઈ અને જાગૃતિ આવી :

‘લાંબામાં લાંબી રાત પસાર થઈ જતી જણાય છે, આકરામાં આકરી પીડાનો આખરે અંત આવતો જણાય છે, શબવત્ ભાસતું હતું તે જાગ્રત થતું જણાય છે અને એક સાદ આપણી પાસે આવી રહ્યો છે…. એ સાદ મૃદુ અને દૃઢ અને, પોતાનાં ઉચ્ચારણોમાં પૂરો સ્પષ્ટ છે, અને દિવસો જતાં વધારે મોટો થતો જાય છે અને જુઓ, સુષુપ્તો જાગે છે!… પોતાની લાંબી ઘોર નિદ્રામાંથી આપણી આ માતૃભૂમિ જાગે છે; કોઈ બાહ્ય સત્તા હવે વધારે સમય એને ઝાલી રાખી શકશે નહીં કારણ, અનંત વિરાટ શક્તિ પોતાના પગ પર ઊભી થઈ રહી છે.’

સ્વામી વિવેકાનંદના ભારતવિજયનો આ આરંભ હતો. પોતાની સમરયોજના સમજાવતાં સેનાપતિની અદાથી અને, પોતાની પ્રજાને સમૂહમાં ઊઠવાનું કહેતાં સ્વામી વિવેકાનંદે પોતાની માતૃભૂમિનું ખમીર જાગ્રત કર્યું. કુંભકોણમમાં, પોતાના દેશબંધુઓ પરનો પોતાનો પ્રેમ વરસાવ્યો:

‘અરે, મારા દેશબંધુઓ, જેમ વિચારું છું તેમ હું તમને વધારે ચાહું છું. તમે સારા, પવિત્ર અને નમ્ર છો. તમારી ઉપર હંમેશાં ત્રાસ ગુજારવામાં આવ્યો છે. માયાના આ જગતની એ વક્રતા છે. એની ચિંતા છોડો. અંતે તો આત્માનો જ વિજય થશે.’

મદ્રાસનું, ‘મારી સમરયોજના’નું એમનું વ્યાખ્યાન આંધીની ઉગ્રતા સાથે પ્રપાતની માફક પડ્યું હતું. કલકત્તામાં, યુવાનોને એમણે પ્રેરણા આપતાં કહ્યું: ‘ભારતે જગત ઉપર વિજય મેળવવો જ રહ્યો. મારો આદર્શ એથી જરીય ઓછો નથી.’ લાહોરમાં તેમણે લાંબી કૂચનો ઘંટનાદ કર્યો: ‘ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા રહો.’

રોમાં રોલાંએ લખ્યું છે :

‘આ શબ્દોના પ્રતિઘોષની ગર્જનાની કલ્પના કરો….’

‘આંધી પસાર થઈ ગઈ; પોતાના પાણીના ધોધ અને આગ એણે મેદાનોમાં ફેલાવ્યાં અને, આત્મશક્તિને, મનુષ્યમાં નિહિત પરમાત્માને અને એની અમર્યાદ શક્તિઓને આવાહન કર્યું. એ જાદુગરને હું ટટ્ટાર ઊભેલો જોઉં છું, રેમ્બ્રાંના ચિત્રમાં લૅઝૅરસની કબર પાસે ઊભેલા ઈસુની માફક એની છટામાંથી વહેતો શક્તિ પ્રવાહ મરેલાંને ઊભાં થવાની અને જીવતાં થવાની આજ્ઞા કરે છે.’

એક નાનો નિશાળિયો પછીથી પ્રખ્યાત લેખક-પત્રકાર બનનાર સંત નિહાલસિંહ એમને લાહોરમાં સાંભળી અગનઝાળથી ઊભો થઈ બોલ્યો: ‘શબ્દો વહેવા લાગ્યા— પ્રેરણાના અગ્નિથી ભરેલા શબ્દો એ હતા. એમના પ્રવચને મને અધ્ધર ઊંચક્યો અને તે જ પળે ને તે જ સ્થળે મેં નિર્ણય કર્યો—મારે અમેરિકા જવું જ જવું.’

સ્વામીજીનું પ્રવચન પૂરું થયા પછી ગણિતના એક યુવાન અધ્યાપકે એમને સોનાનું ઘડિયાળ આપી એમના આશિષ પ્રાર્થ્યા. એ આશિષ ખૂબ સમર્થ પૂરવાર થયા. પ્રૉ. રામતીર્થ ગોસ્વામીએ ત્રણ વર્ષમાં પોતાના સામાજિક જીવનનો ત્યાગ કર્યો અને તીવ્ર આધ્યાત્મિક સાધના માટે હિમાલય ગયા. પછી એ સ્વામી રામતીર્થ નામે પ્રસિદ્ધ થયા અને, સ્વામી વિવેકાનંદને પગલે ચાલી વેદાંતનો સંદેશ જાપાન, અમેરિકા અને પછી ભારતમાં, ૩૩વર્ષ અને ૭માસની ટૂંકી આવરદામાં ફેલાવ્યો.

સ્વામી વિવેકાનંદ વાટ જોતા હતા આવા મહાત્માઓની. ભારતવાસીઓ મેરુદંડ વિનાના યુરોપીકૃત માણસો બને અને એમની પાસે થોડાક વેરવિખેર ખ્યાલો હોય… એ ખ્યાલો પચીને આત્મસાત્ થયા વિનાના અને મેળ વગરના હોય, ‘ભારતના કેટલાક સામાજિક રિવાજો વિશે એમના હોઠ ઝેર ઓકતા હોય’, અને જે ‘વિદેશીઓ પાસેથી વાંસો થાબડવા પર આધાર રાખતા હોય’ તેવા ભારતવાસીઓને જોનાર એ છેલ્લા હતા. આવાઓના કરતાં, પોતાના બધા વહેમો અને સંકુચિતતા સાથેના જૂનવાણી લોકો તેમને ગમતા. ‘એ માણસ છે. એનામાં શ્રદ્ધા છે. એનામાં બળ છે. એ પોતાના પગ પર ઊભા છે.’વાંકા વળી ગયેલા ભારતવાસીઓમાં સ્વામી વિવેકાનંદના શબ્દે દેશગૌરવ આણ્યું.

‘હું સૌથી વધારે ગૌરવશીલ માનવી છું પણ, મારે તમને નિખાલસપણે કહેવું જોઈએ કે, એ ગૌરવ મારે માટે નથી પરંતુ, મારા પૂર્વજોના વારસા માટે છે…. ઉતાવળા નહીં થાઓ, કોઈનું અનુકરણ કરો નહીં. બીજો મહાન પાઠ આ છે : અનુકરણ સભ્યતા નથી.’

જે યુવાન સુધારકોના વર્ગનો એક માત્ર આનંદ પોતાના પૂર્વજોને ‘મૂર્ખ’ કહેવામાં, પોતાના ગુરુઓને ‘દંભી’ કહેવામાં અને, પોતાનાં શાસ્ત્રોને ‘જુઠ્ઠાં’ કહેવામાં હતો તેમને સ્વામી વિવેકાનંદે અવિસ્મરણીય શબ્દોમાં ભારતને કરેલું આહ્‌વાન સંભળાવ્યું:

‘ઓ ભારત! વિદેશીઓના આ અંધ અનુકરણથી, વિદેશીઓ પરના આ અંધ અવલંબનથી, આ ગુલામ સમી નિર્બળતાથી, કાયરતાથી તું મહાન શિખરો સર કરવા ચાહે છે?

‘દરેક બાબતની ઠઠ્ઠા કરવાનો, ગાંભીર્યના અભાવનો જે મહારોગ આપણા લોહીમાં પ્રવેશી રહ્યો છે તેને છોડ. ત્યજી દે એને… બળવાન બન અને આ શ્રદ્ધા ધારણ કર અને, બીજું બધું એની પાછળ આવશે.’

‘આપણા આદર્શ વીરો આધ્યાત્મિક હોવા જોઈએ. આવો આદર્શ આપણને રામકૃષ્ણ પરમહંસમાં સાંપડ્યો છે…. આ રાષ્ટ્રે ઊભા થવું હશે તો, મારી વાત માનજો કે, આ નામ પાછળ જ તેણે ખડા થવું પડશે.’

પોતાના ગુરુના ઐતિહાસિક જીવને, ભારત માટે બે આદર્શોનો પોકાર કરવા સ્વામી વિવેકાનંદને પ્રેર્યા હતા: ‘ભારતના રાષ્ટ્રીય આદર્શો ત્યાગ અને સેવા છે. આ બે પ્રવાહો ભણી એને વેગથી વાળો અને બીજું બધું એની મેળે થઈ રહેશે.’

રાજકર્તાઓ તરફથી યાતના, શોષણ અને ત્રાસ સહન કરતા આ રાષ્ટ્રના વિવિધ બંધિયાર ભાગોમાં, દક્ષિણ ભારતમાં રામનદથી મદુરા, કુંભકોણમ અને અંતે નવ ગૌરવશાળી દિવસો સુધી મદ્રાસમાં, ૧૮૯૭ના જાન્યુઆરીમાં સ્વામી વિવેકાનંદે આપેલાં પ્રવચનોએ જગાડેલા ઉન્માદભર્યા ઉત્સાહે તરત પોતાની અસર કરી.

લાંબા સમય સુધી મહારાષ્ટ્ર મરકીના પંજામાં સપડાયું હતું. સરકારી હેવાલ મુજબ, ત્યાં, ૧૮૯૬-૯૮માં પોણા બે લાખ માણસ માર્યાં ગયાં હતાં.

એક અર્થમાં આખું ભારત ભૂખમરાથી પીડાતું હતું. તત્કાલીન સરકારે પ્રતિબંધ મૂકેલા વિલ ડ્યુરાંના પુસ્તક ધ કેય્સ ફૉર ઇન્ડિયામાં, આંકડાઓ આપી એમણે દર્શાવ્યું હતું કે, રાજકર્તાઓએ આખા રાષ્ટ્ર પર એ ભૂખમરો લાદેલો હતો.

‘મારી આંખો સામે અનેક લોકોને મેં ભૂખે મરતા જોયા છે. મને ખાતરી થઈ છે કે, આ ભૂખ અને થાક, હિતચિંતકો કહે છે તેમ, વસતિવધારાને કે વહેમને કારણે નથી પણ, સમગ્ર ઈતિહાસના કદી ન નોંધાયેલા, એક રાષ્ટ્ર વડે બીજા રાષ્ટ્રના ખેદજનક અને ગુનાહિત શોષણને કારણે છે.’

આની સામે ૧૮૯૭ના ફેબ્રુઆરીમાં મહારાષ્ટ્રે પ્રથમ વિરોધ કર્યો. મરકીની જાંચને નામે બ્રિટિશ સૈનિકો નિર્દોષ મરાઠી ગ્રામજનોને ત્રાસ દેવા લાગ્યા, સ્ત્રીઓને શેરીઓમાં નગ્ન કરી તપાસી, જેને પરિણામે, આબરુ ઢાંકવા બે સ્ત્રીઓએ આપઘાત કર્યો. આ કુકૃત્ય કરનાર બે અંગ્રેજ અફસરો મિ. રેંડ અનેમિ. એયર્સ્ટને પુણેના બે ચાફેકર બંધુઓએ મારી નાખ્યા. બ્રિટિશ સરકાર તરફથી જોદાર પ્રતિકાર થયો. ચાફેકર બંધુઓને ફાંસીએ લટકાવવામાં આવ્યા અને, એ બંડ પાછળનું ભેજું મનાતા બાળ ગંગાધર ટિળકને અન્યાયપૂર્વક જેલ હવાલે કરાયા. મુંબઈ અને કલકત્તામાં લાખ્ખો લોકો ટિળકના બચાવ માટે ઊભા થયા અને ‘ટિળક બચાવ ફંડ’ ઊભું કરવામાં આવ્યું. જેલ બહાર નીકળતા ટિળકનું સમગ્ર રાષ્ટ્રે વીરોચિત અભિવંદન કર્યું; ભારતીય રાષ્ટ્રીયતાના ઈતિહાસમાં ટિળકનો મુકદ્દમો અને એમને થયેલી સજા અગત્યનું સીમાચિહ્ન ગણી શકાય’…. ઈતિહાસકાર આર.સી. મજમુદારે લખ્યું છે:

‘સ્વતંત્રતાના પુરસ્કર્તાઓ તરીકે, માત્ર ભાષણકર્તાઓનું સ્થાન શહીદોએ લીધું.’

૧૮૯૨માં અજાણ પરિવ્રાજક તરીકે ભટકતા સ્વામી વિવેકાનંદ પુણેમાં ટિળકના મહેમાન બન્યા હતા. તેમને આવકારવા કોલંબો જવાની ઇચ્છા રાખનાર ટિળકે તેમને પુણે આવવા નિમંત્રણ આપ્યું પણ, નાદુરસ્ત તબિયતે સ્વામીજીને હિમાલયમાં આરામ માટે જવા ફરજ પાડી. પણ ટિળકનાં વર્તમાનપત્રોએ જાહેર કર્યું કે, વર્ષાઋતુ બેસતાં સ્વામી વિવેકાનંદ પુણે આવશે. સ્વામી વિવેકાનંદમાં ટિળકે ભારતના સુષુપ્ત આત્માની જાગૃતિ નિહાળી, ધર્મને પુનર્જાગ્રત કરનાર યુગપુરુષ નિહાળ્યો ત્યારે, ટિળકની દૃષ્ટિએ, મૅક્સમૂલરે વેદના ધર્મગ્રંથો પુનર્જીવિત કર્યા હતા.

માંડ ત્રીસ વર્ષના સ્વામી વિવેકાનંદ શિકાગો પરિષદમાં પ્રવેશ્યા. તેની પૂર્વેથી જ્વલંત રાષ્ટ્રભક્તિના જ્વાલામુખી ૧૮૯૩ ની શિકાગો પરિષદની પૂર્વસંધ્યાએ, ૧૮૯૩ના ઑગસ્ટમાં, ન્યુ ઈંગ્લૅન્ડના ગામડા અનિસ્કવૉમમાં સ્વામી વિવેકાનંદને જોનાર પ્રૉ. રાઈટનાં પત્નીએ, માતૃભૂમિ માટેની સ્વામી વિવેકાનંદની પયગંબરી આરતને આમ નોંધી છે:

‘અને ઈશ્વર એનું વેર વાળશે.’ પછી એ આગળ બોલ્યો ‘તમને એ ધર્મમાં નહીં દેખાય, તમને એ રાજકારણમાં નહીં દેખાય પણ, તમારે એને માટે ઇતિહાસમાં જોવું પડે અને, જેમ બન્યું હતું તેમજ બનશે. તમે લોકોને પીડો તો, પીડા તમારે જ ભોગવવાની છે. ભારતમાં અમે ઈશ્વરનું આ વેર ભોગવી રહ્યાં છીએ… તમે ઈશ્વરના વેરમાં ન માનો તો તમારે ઈતિહાસનું વેર માનવું જ પડવાનું, અને અંગ્રેજો એનો ભોગ બનશે.’

‘કોઈ કોઈ વાર એ એવી ઇચ્છા વ્યક્ત કરતા કે અંગ્રેજ સરકાર એમને પકડીને ગોળીએ દેશે. ‘એમના કફનમાં એ પહેલી ખીલી ઠોકાશે,’એમ પોતાના ધોળા દાંતની ચમક દેખાડતાં એ કહેતા, ‘અને મારું મૃત્યુ દેશમાં દાવાનળની માફક ફેલાશે.’

૧૮૯૯માં, સ્વામી વિવેકાનંદને ભારત પાછા આવ્યે બે વર્ષ થયાં અને સામ્રાજ્યવાદી સરકારનું ચડેલું મોઢું માત્ર સ્વતંત્રતા ઝંખનારાઓને જ નહીં પણ એના પ્રથમ પુરોગામી સ્વામી વિવેકાનંદને પણ ધમકી દેવા લાગ્યું. કલકત્તામાં સ્વામીજી સાથે રહેતાં ભગિની નિવેદિતાએ ૧૮૯૮ની ૨૨મી મેએ પોતાની સખી શ્રીમતી ઍરિક હેમંડને લખ્યું હતું:

‘સાધુઓમાંના એકને આજ સવારે ચેતવણી મળી કે જાસૂસો મારફત પોલીસ સ્વામી ઉપર નજર રાખી રહી છે — જો કે અમને આની ગંધ છે જ પણ, આ નજીકની બાતમી છે અને, હું એને થોડી અગત્ય આપવા સિવાય રહી શકતી નથી, સ્વામી પોતે ભલે એને હસી કાઢે. સરકાર પાગલ હોવી જોઈએ અથવા, એમની સ્વતંત્રતા પર કાપ મૂકશે તો પાગલ પુરવાર થશે. દેશમાં આગ ફેલાવવા માટે એ મશાલની ગરજ સારશે.’

પણ જાસૂસી જ પૂરતી ન હતી. કાવતરું કરવાના આરોપસર સ્વામી વિવેકાનંદને એક સીધો સામનો કરવો પડ્યો હતો. બ્રિટિશ સરકાર પાસેથી ખિતાબ મેળવનાર સી. આઈ. ડી. ખાતાના એક પોલીસ સુપરિંટેન્ડન્ટે એક વાર કલકત્તાને પોતાને ઘેર સ્વામી વિવેકાનંદને જમવાનું નોતરું આપ્યું. પણ ભોજન પીરસવાને બદલે એ પોલીસ અફસરે પોત પ્રકાશ્યું: ‘તમે જાણો છો કે તમારી વાતોથી તમે મને ભોળવી નહીં શકો. હું તમારી ચાલબાજી જાણું છું. તમે અને તમારી ટોળકી સાધુ હોવાનો દાવો કરો છો પણ, મારી પાસે પાકી બાતમી છે કે તમે સરકાર સામે કાવતરું કરો છો.’ વાતોની આવી થોડી આપલે પછી સ્વામી વિવેકાનંદ શાંતિથી ઊભા થયા અને એ વામણા સી.આઈ.ડી. અમલદાર સામે પોતાનો ભવ્ય સીનો ખડો કરી બોલ્યા: ‘તમે મને જૂઠું બહાનું આપી બોલાવ્યો છે. મારા પર તેમજ મારા સાથીઓ પર જૂઠો આરોપ લગાડી રહ્યા છો. એ તમારો ધંધો છે. મને શીખવવામાં આવ્યું છે કે અપમાનનો પ્રતિકાર ન કરવો. હું ગુનેગાર અને કાવતરાંબાજ હોત તો, તમે મદદની બૂમ મારો તે પહેલાં તમારો ટોટો પીસી નાખતાં મને કોઈ અટકાવત નહીં પણ હું તમને શાંતિથી રહેવા દઉં છું.’

૧૮૯૯ના અંત સુધીમાં સ્વામી વિવેકાનંદે જાણ્યું કે દેશ શાહીવાદી ગુંગળામણ અને ત્રાસની નાગચૂડમાં હતો અને પોતે શાહી ક્રોધનું નિશાન બન્યા હતા. સપ્ટે. ૧૮૯૯માં લૉર્ડ કર્ઝને ‘સ્થાનિક સ્વરાજ્ય બંધ’નો કાયદો કરી સ્થાનિક વહીવટમાં દેશવાસીઓનો જે થોડો અવાજ હતો તે આંચકી લીધો હતો. દરેક બ્રિટિશ સૈનિક પાછળ (ઑગસ્ટ ૧૮૯૯માં ભારતમાં ૭૪,૦૦૦ બ્રિટિશ સૈનિકો હતા અને તે સંખ્યા જગત આખામાંના બ્રિટિશ સૈનિકોની સંખ્યાના ત્રીજા ભાગ જેટલી હતી) ભારત સરકાર ૧૦૦૧ રૂપિયા ખર્ચતી ત્યારે, દરેક ભારતીય સૈનિક પાછળ ૩૬૨ રૂપિયા ખર્ચાતા હતા. લૉર્ડ લિટનના પ્રેસના કાયદાએ પોતાનાં જ નરનારીઓ પર વર્તાવાતા ત્રાસ સામે ભારતીયોને નિ:શસ્ત્ર કરી મૂક્યા હતા. વર્તમાનપત્રોને ગુંગળાવવાના પ્રયત્નો થતા હતા. પૂર્ણ દાસત્વની રાત્રિ આવી રહી હતી. ૧૮૯૯ના પોતાના પત્રમાં અમેરિકન કુમારી મૅરી હેય્લને પોતાનો ભય વ્યક્ત કરતાં તેમણે લખ્યું હતું:

‘અંગ્રેજોની ભારત પર વિજય મેળવવાની મથામણનાં સેંકડો વર્ષોની અંધાધૂંધી છતાં, ૧૮૫૭-૫૮ની ભયંકર કતલ છતાં અને, બ્રિટિશ અમલના પરિણામરૂપ, એથી યે વધારે ભીષણ દુકાળો છતાં, વસતિમાં સારો વધારો થયો છે પણ, ઈસ્લામી રાજ પહેલાં, ભારત સંપૂર્ણ સ્વતંત્ર હતું ત્યારના જેટલી વસતિ નથી. ભારત પાસેથી બધું આંચકી લેવામાં ન આવે તો અત્યારે ભારતમાં છે તેથી પાંચ ગણા લોકોને ભારતનો શ્રમ અને તેનું ઉત્પાદન નભાવી શકે.’

‘પરિસ્થિતિ આવી છે. અરે, શિક્ષણનો પ્રસાર પણ થવા દેવામાં આવતો નથી; વર્તમાનપત્રોનું સ્વાતંત્ર્ય ક્યારનુંયે આંચકી લેવાયું છે(ઘણા સમય અગાઉથી અમને નિ:શસ્ત્ર પણ કરાયા છે), કેટલાંક વર્ષોથી અપાયેલું થોડું સ્વશાસન પણ પાછું આંચકી લેવાયું છે. અમે વાટ જોઈએ છીએ હવે શું આવશે! નિર્દોષ ટીકાના થોડા શબ્દો લખવા માટે, લોકોને આજીવન દેશનિકાલ કરવામાં આવી રહ્યા છે, બીજાઓને કામ ચલાવ્યા વિના કેદખાને બેસાડવામાં આવ્યા છે અને, પોતાનું માથું ક્યારે કાપી લેવામાં આવશે તે કોઈ જાણતું નથી.’

‘કેટલાંક વર્ષોથી ભારતમાં ભયનું રાજ્ય ફેલાયેલું છે. અંગ્રેજ સૈનિકો અમારા પુરુષોની હત્યા કરે છે અને અમારી સ્ત્રીઓની લાજ લૂંટે છે. અને અમારે ખર્ચે પ્રવાસ કરી પૅન્શન પર જાય છે. અમે ભયંકર વેદનામાં છીએ. પ્રભુ ક્યાં છે? મૅરી, તું આશાવાદી બની શકે છે, હું થોડો બની શકું છું? ધાર કે તું આ પત્રને માત્ર પ્રકાશિત કરે તો, ભારતમાં તાજેતરમાં પસાર કરાયેલા કાયદા અનુસાર ભારતના અંગ્રેજ સત્તાધીશો મને અહીંથી ભારત ઘસડી જશે અને, કાયદેસરની કારવાઈ કર્યા વિના મને મારી નાખશે, અને શું હું જાણું છું કે તમારી બધી ખ્રિસ્તી સરકારો માત્ર એ માટે આનંદ પામશે કે અમે બિનખ્રિસ્તી છીએ. ઊંઘી જઈને હું આશાવાદી થઉં?’

ત્રીસ વર્ષ પછી ૧૯૩૦માં, ઇતિહાસકાર વિલ ડ્યુરાંએ સ્વામીજીના શબ્દોને સાચા કહ્યા હતા :

‘ને જેમ હું વધારે વાંચું છું તેમ, પૂરાં દોઢસો વર્ષ સુધી અંગ્રેજો વડે દેખીતી રીતે સભાનપણે અને ઈરાદાપૂર્વકના ભારતના શોષણથી મને અચંબો અને ક્રોધ થાય છે. મને એમ લાગવા માંડ્યું કે એ ઈતિહાસનો મોટામાં મોટો અપરાધ હતો.’

પોતાનાં પ્રખ્યાત વેદાંત વ્યાખ્યાનો આપવાને સ્વામી વિવેકાનંદ લાહોર ગયા ત્યારે, એમના યજમાન, ટ્રિબ્યૂનના તંત્રી, નગેંદ્રનાથ ગુપ્તે લખ્યું હતું:

‘પોતાની માતૃભૂમિ માટેની સ્વામી વિવેકાનંદની લાગણીઓએ અને ઉત્કટ ભક્તિએ મને સૌથી વિશેષ પ્રભાવિત કર્યો હતો. એક બપોરે વિચારમગ્ન ચહેરે મારી પાસે આવી મને કહે: ‘દેશને કોઈ પણ રીતે સહાય થતી હોય તો હું જેલ જવા તૈયાર છું.’

‘એમની સામે જોઈ હું આશ્ચર્ય પામ્યો. પોતાની વિજયમાળાનાં હજી તાજાં પુષ્પોનો જરાય ઇશારો કર્યા વિના, સિદ્ધિની ઇચ્છા માટે એ જેલજીવન ઇચ્છતા હતા, પોતાના દેશને મળતા અલ્પ લાભ માટે એ સેવા કરવા ચાહતા હતા.’

પોતાના બીજા વિદેશ પ્રવાસ પછી ૧૯૦૦માં સ્વામી વિવેકાનંદ ભારત પાછા આવ્યા ત્યારે, અજાણ રીતે, આવકારગીત વિના અને, સ્વતંત્ર હવા માટે અશાન્ત મને ઊતર્યા હતા. રુબેટિનો જહાજમાંથી ઊતરી એ મુંબઈના વી.ટી. સ્ટેશને જઈ કલકત્તાની ગાડીની રાહ જોતા બેઠા હતા ત્યારે, એમને અગાઉથી ઓળખતા મદ્રાસના એક પ્રૉફેસરે એમને યુરોપીય વેશમાં અને અજાણ દેખાવા યત્ન કરતા ઓળખી કાઢ્યા. બંને વાતે વળગ્યા. સ્વામીજીના લંડનના કાર્ય વિશે પ્રૉફેસરે તેમને પૂછ્યું ત્યારે, તેમણે જવાબ આપ્યો:

‘ભારત રાજકીય આઝાદી પ્રાપ્ત ન કરે ત્યાં સુધી, અંગ્રેજો આપણા ધર્મને સમજી શકે તેની કોઈ તક નથી. કોઈ જ તક નથી.’

સ્વામી વિવેકાનંદનાં કલકત્તાનાં પ્રવચનોએ બંગાળને હલબલાવ્યું. પણ બંગાળના અંદરના ભાગોમાં જવા એ ચાહતા હતા.૧૯મી માર્ચ, ૧૯૦૧ પછીથી, સ્વામીજી પૂર્વ બંગાળમાં ગયા અને, ઢાકાના નાગરિકોને તેમજ ખાસ કરીને વિદ્યાર્થીઓને તેમણે પ્રેરણા આપી. સ્વામીજીને નજરે જોનાર એક વ્યક્તિએ નોંધ્યું છે:

‘ભગવા અંચળા અને પાઘડીમાં શોભતી, સ્વામીજીની પ્રશાંત, આત્મસંયમિત, વિશાળ અને ભવ્ય આકૃતિ ચોમેર એક અજબ તેજ ફેલાવવા લાગી…એમનાં અમેરિકન વ્યાખ્યાનોનું વસ્તુ વેદાંતની શ્રેષ્ઠતા અને ધર્મોના સંવાદનું હતું….એમના ઢાકાના પ્રવચનમાં, અમે નવા જ સૂરનો રણકો સાંભળ્યો, ‘ઊઠો, જાગો અને, ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા રહો. તમે અમૃતનાં સંતાનો છો, તે સમજી લો. તમારી પ્રગતિ રુંધનાર કોઈ નથી. પરદેશી રાજ્યની ધૂંસરીમાંથી તમે મુક્ત થવાના છો અને, જગતના ગુરુ બનવાના છો. તમારે જરૂર છે આત્મશ્રદ્ધાની.’

‘એક દિવસે એક પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો કઈ રમત ઉત્તમ છે? સ્વામીજીએ ઉાર આપ્યો કે, જેમાં લાતની સામે લાત મારવામાં આવે છે તે ફૂટબૉલની. એ ગાળા દરમિયાન એક ગર્વીલા અંગ્રેજે એક મજૂરને લાત મારી અને એનું પેટ ફોડી એને મારી નાખ્યો હતો.’

૧૯૦૧ના ડિસેંબરમાં, કલકત્તા કોંગ્રેસ વેળા, ઘણા રાષ્ટ્રભક્તો બેલુડ મઠ આવી સ્વામીજીને રૂબરૂ મળ્યા હતા. દુર્ભાગ્યે ગાંધીજી બેલુડ મઠ ગયા ત્યારે, સ્વામીજી ત્યાં ન હતા. પરંતુ, ટિળક એમને મળ્યા હતા. અને એ વેળા ત્યાં હાજર હતા તેમણે જણાવ્યા પ્રમાણે, એ ખૂબ પ્રેરક મિલન હતું. પૂજા કરીને મંદિરમાંથી આવતા સ્વામીજીને આવકારવા ટિળક હાથ જોડીને ઊભા હતા. બંને એકમેકને ભેટ્યા. પછી લાંબી વાતો ચાલી. સ્વામીજીએ મજાકમાં ટિળકને સૂચન કર્યું ‘સંન્યાસ ગ્રહણ કરી તમે બંગાળમાં કામ કરો અને હું મહારાષ્ટ્રમાં જઈશ.’ ગૃહસ્થ રહીને જ દેશસેવા કરવાનું ટિળકે પસંદ કર્યું. સ્વામીજી સાથેની આ છેલ્લી મુલાકાતે ટિળક પર ઘેરી અસર કરી. ટિળકના જીવનકથાકારોએ પાછળથી લખ્યું છે: ‘એ સમયે સ્વામી વિવેકાનંદના વેગવાન વ્યક્તિત્વે ભારતને ધ્રુજાવી નાખ્યું હતું…. સ્વામી વિવેકાનંદ-વિજયનો ટિળકના હિંદુ અને પાશ્ચાત્ય ચિંતનના તુલકાત્મક અધ્યયન સાથે બરાબર મેળ બેસતો હતો’ સામે પક્ષે, પછીથી કોઈના કહ્યા મુજબ, સ્વામી વિવેકાનંદને ટિળકમાં ‘સાચા માનવી’નું દર્શન થયું હતું.

રાષ્ટ્રના હિતમાં મરાઠાઓના ઉત્થાને ભારતમાં નવું બળ પૂર્યું. ૧૮૫૭ના સિપાઈ બળવા કહેવાતા યુદ્ધમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના સ્વામી વિવેકાનંદે કરેલા ગૌરવે રાષ્ટ્રભક્તોને પ્રેરણા આપી. સ્વામી વિવેકાનંદના નિધનના થોડા જ દિવસ પૂર્વે, જૂન ૧૯૦૨માં, બંગાળી રાષ્ટ્રભક્તોએ, મુગલોની પકડમાંથી રાષ્ટ્રની મુક્તિ માટે સંઘર્ષ કરનાર શિવાજીના માનમાં ચાર દિવસનો ઉત્સવ ઉજવવા નક્કી કર્યું. હિતવાદના સહતંત્રી સખારામ ગણેશ દેઉસ્કરે જાતે આવી ઉત્સવનું અધ્યક્ષ સ્થાન લેવા સ્વામીજીને વિનંતી કરી. ઉત્સવ કલકત્તાના બીડન સ્ટ્રીટ પરના કલાસિક થિયેટરમાં ઉજવવાનો હતો. પોતાના મહાપ્રયાણની તૈયારી કરતા સ્વામીજીએ નિમંત્રણનો અસ્વીકાર કર્યો. સ્વામીજીના કહેવાથી, ઇન્ડિયન મિરરના તંત્રી નરેન સેન પ્રમુખપદે આરૂઢ થયા હતા. બંગાળ હલી ઊઠ્યું હતું.

સ્વામી વિવેકાનંદના ભૌતિક દેહને ૧૯૦૨ની ૪થી જુલાઈએ અગ્નિમાં લપેટનાર ચિતાની જ્વાલાઓએ આખા રાષ્ટ્રને સળગાવી મૂક્યું. ભારતની સ્વતંત્રતાનાં સ્વપ્ન સેવતા ઊગતા રાષ્ટ્રવાદીઓનાં દિલમાં એમના શબ્દોએ ચિનગારી પેટાવી. રાષ્ટ્રની સ્વતંત્રતા માટે તેઓ ક્રાંતિ કરવા તત્પર હતા. લોકો તેમને વિપ્લવવાદી કહેતા.

એમના અવસાનનાં ત્રણ વર્ષ પછી, ૧૯૦૫માં, બંગાળના ભાગલા કરવાના સરકારી નિર્ણયના વિરોધમાં, પ્રથમ રાષ્ટ્રીય આંદોલન જાગી ઊઠ્યું. ૧૯૧૧માં, ભગિની નિવેદિતા અવસાન પામ્યાં ત્યારે, સ્વતંત્રતા માટેનું આંદોલન પૂર જોશમાં ચાલી રહ્યું હતું. ભગિની નિવેદિતાનાં પ્રવચનો અને લખાણો અરવિંદ ઘોષ અને બીજા રાષ્ટ્રવાદીઓ માટે નિત્યના પ્રેરણાસ્રોત હોઈ ભગિની નિવેદિતાને કેદમાં પૂરવાનો વિચાર પણ સરકારને આવ્યો હતો.

કલકત્તાની પ્રૅસિડેન્સી કૉલૅજની પ્રીતિલતા ઓડેદર નામની હોશિયાર વિદ્યાર્થિની સ્વામી વિવેકાનંદની તીવ્ર ભક્ત બની. રામકૃષ્ણ વિશ્વાસ નામના ક્રાંતિકારીએ ફાંસીએ લટકતાં પહેલાં થોડા સમય પૂર્વે, ૧૭-૧-૩૧ને દિવસે આ જુવાન છોકરીને લખ્યું:

‘મને લાગે છે કે સ્વામીજીના નામના આદ્યાક્ષરો (મોનોગ્રામ) તારા પોલકા પર લગાડેલા મેં જોયા હતા. મને ખૂબ ગમ્યું હતું. યુગગુરુ માટેનો આ આદર તારું આખું જીવન અજવાળશે શું? તું એમને ખૂબ ચાહે છે! મને પણ એમને માટે ઊંડો પ્રેમ છે! … એમની મહત્તા આપણે કેટલી સમજી શક્યાં છીએ? પાશ્ચાત્યો એમને આંધીભર્યા હિંદુ કહેતા. મારે મતે સ્વામીજી ભારતનું નૈતિક અને આધ્યાત્મિક બળ છે…. માણસને માણસ તરીકે કોઈએ આટલા જિગરથી ચાહ્યો છે?’

એક વરસ પછી ચિત્તાગોંગ રેલવે સ્ટેશન પર, પ્રીતિલતાએ વિદેશીઓ સામે સશસ્ત્ર બંડ કર્યું, એ ગોળીઓથી ઘવાઈ અને, ઝેર પી પોતાના જીવનનો તેણે અંત આણ્યો.

ઈતિહાસકાર ડૉ. હેમેંદ્રનાથ દાસગુપ્તે લખ્યું: ‘પાંચ વર્ષના ગાળામાં, સ્વામી વિવેકાનંદે યુવાનોને એટલી હદે પ્રેર્યા કે, ભારતમાં યુવા પ્રવૃત્તિઓ સ્વાતંત્ર્ય સંઘર્ષ બની ગઈ.’ બીજા ઈતિહાસકાર નિહારરંજન રાય લખે છે:

‘ભગિની નિવેદિતા વિશે આપણે જે જાણીએ છીએ અને, અનેક બંગાળી ક્રાંતિકારીઓના સ્વામી વિવેકાનંદ સ્થાપિત રામકૃષ્ણ સંઘ સાથેના સંબંધ વિશે જે જાણીએ છીએ તેના પરથી લાગે છે કે, બંગાળની સશસ્ત્ર રાષ્ટ્રવાદી પ્રવૃત્તિ પર સ્વામી વિવેકાનંદનો પરોક્ષ પ્રભાવ વ્યાપક અને ઘેરો હતો.’

બંગાળી ક્રાંતિકારીઓના ઉછેરસ્થાન, પ્રસિદ્ધ અનુશીલન સમિતિના સભ્ય અને અવિભક્ત બંગાળની કોંગ્રેસના મંત્રી, ક્રાંતિકારી નરેન દાસે લખ્યું છે:

‘ભારતને બ્રિટિશ ગુલામીની નાગચૂડમાંથી મુક્ત કરવું તે ક્રાંતિકારીઓનો ધર્મ હતો. સ્વામીજીની પટ્ટશિષ્યા ભગિની નિવેદિતાએ આ ભાવના તેમના મનમાં મૂકી હતી. એમનું ત્યાગભર્યું, સરળ જીવન આ વલણનો પુરાવો હતું. રાષ્ટ્રમુક્તિ માટે ક્રાંતિકારીઓ કર્મયોગીઓ અને ત્યાગીઓ બન્યા હતા… બીજા સાધકોની જેમ, બ્રહ્મચર્ય અને શુદ્ધ જીવન એમને માટે ફરજિયાત હતું. આરંભને તબક્કે એ સૌએ સ્વામી વિવેકાનંદનું અધ્યયન કરવું પડતું: ખાસ કરીને કર્મયોગ, ભક્તિયોગ, વીરવાણી (સ્વામીજીનાં કાવ્યોનો સંગ્રહ) અને એમના પત્રો. તે સાથે ગીતાનું અધ્યયન થતું. ગીતાના બીજા અને ત્રીજા અધ્યાયો એમના અર્પિત જીવનના વેદો બની ગયા હતા.’

દાસે વળી એમ પણ લખ્યું હતું કે: ‘ગાંધીજીના શબ્દોમાં આપણને સ્વામી વિવેકાનંદના વિચારો મળે છે.’

અન્ય ક્રાંતિકારી અમલેંદુ દાસગુપ્તે લખ્યું હતું કે, ‘બંગાળના ક્રાંતિકારીઓના ચારિત્ર્યનું સત્ત્વ યોદ્ધા અને ઈશ્વરના શોધકના મિશ્રણનું બનેલું હતું.’ એમને પ્રેરનાર સ્વામીજીની ‘મુખમુદ્રા ક્ષત્રિય સાધુની હતી.’ બીજા એક ક્રાંતિકારી ક્ષિરોદકુમાર દત્તે લખ્યું છે : ક્રાંતિકારીઓએ એક બાજુથી સ્વામીજીનો નરનારાયણની સેવાનો સંદેશ અપનાવ્યો છે અને બીજી બાજુથી ભારતની મુક્તિને પોતાનાં દેહ-મન અર્પણ કર્યાં છે.’ સ્વાતંત્ર્ય સૈનિક ભૂપેંદ્ર કિશોરે એકરાર કર્યો છે કે, ‘રામકૃષ્ણ – સ્વામી વિવેકાનંદ અને ભગિની નિવેદિતા તરફથી મળેલી પ્રેરણાએ માત્ર અરવિંદમાં જ ચિનગારી પેટાવી ન હતી પણ, પાછલાં પચાસ વર્ષના બધા બંગાળી ક્રાંતિકારીઓમાં શક્તિનું સિંચન કર્યું હતું.’ ક્રાંતિકારી નલિની કિશોર ગુહે ૧૯૨૩માં લખ્યું હતું: ‘સ્વામી વિવેકાનંદના પશ્ચિમના વિજયે બંગાળી યુવાનોને પોતાના રાષ્ટ્રગૌરવ માટે સભાન કર્યા હતા અને, તેમને બ્રહ્મચારી, ત્યાગી અને, દેશને સમર્પિત સંન્યાસીઓ પણ બનાવ્યા હતા.’

સ્વાતંત્ર્ય સૈનિક હરિકુમાર ચક્રવર્તીએ લખ્યું હતું:

‘સ્વાતંત્ર્ય સૈનિકો પર સ્વામીજીની અસર? એટલું કહેવું બસ થશે કે એમની અસર અને પ્રેરણા મહત્તમ હતી. એમની પ્રેરણા વિના એ સ્વાતંત્ર્ય સંગ્રામ માંડી શકાયો હોત કે કેમ એ શંકા છે.’

બંગાળના સ્વયંસેવકોના નેતા અને સુભાષચંદ્ર બોઝના યે માર્ગદર્શક તેમજ ક્રાંતિકારીઓમાં એક આદર્શ પુરુષ અને બધા સ્વાતંત્ર્ય સૈનિકોના પૂજ્ય, એવા હેમચંદ્ર ઘોષ ૧૯ વર્ષના હતા ત્યારે, ૧૯૦૧માં, ઢાકામાં, સ્વામીજીને મળ્યા હતા અને, રાષ્ટ્રની મુક્તિ માટે કામ કરવા માટે તેમના આશીર્વાદ પામ્યા હતા. ઘણાં વર્ષો પછી, ૧૯૦૧ના પોતાના સ્વામીજી સાથેના મિલનને, તેમણે યાદ કર્યું હતું :

‘સ્વામીજીએ અમને વ્યક્તિગત રીતે આપેલી સલાહનો સાર હતો: ‘પહેલાં ચારિત્ર્ય ઘડતર કરો. માતૃભૂમિની સેવા કરવા ચાહતા હો તો, શારીરિક અને આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત કરો.’ સ્વામીજીના શબ્દોનું મેં અક્ષરશ: પાલન કર્યું છે અને રાષ્ટ્રની સેવા કરી છે. ૧૯૦૨ની ૪થી જુલાઈને શુક્રવારે સ્વામીજીએ દેહ ત્યાગ કર્યો ત્યારથી, મને કદીયે એવો વિચાર આવ્યો નથી કે સ્વામીજી આપણને છોડી ચાલી ગયા છે. એમનો અપ્રતિકારક સાદ હજીયે કાનમાં ગુંજે છે ‘હિમ્મતપૂર્વક આગળ વધો અને તમારાં કર્તવ્યો બજાવો. તમારો વિજય નિશ્ચિત છે.’

‘સ્વામીજીના આશીર્વાદથી જ બંગાળના ક્રાંતિકારી આંદોલનનું આયોજન મેં કર્યું છે….ભારત માતા, વંદેમાતરમ્ અને સ્વામી વિવેકાનંદ આ ત્રણ શબ્દો અમારા મંત્રો હતા.’ સ્વામીજીએ અમને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું: ‘આપણી પ્રાથમિક જરૂરત રાજકીય સ્વાતંત્ર્ય છે. બ્રિટિશરોને આપણા દેશ પર રાજ્ય કરવાનો શો હક્ક છે? એમણે ઈંગ્લૅન્ડ પાછા જવું જ પડશે. આ આપણી જન્મભૂમિ છે.’

૧૯૧૪ થી ૨૦ સુધી છ વર્ષ માટે હેમચંદ્રને કેદખાને પૂર્યા હતા. હિંમતમાં, શ્રદ્ધામાં, નિર્ણાયકતામાં, જીવનની પવિત્રતામાં અને સંપૂર્ણ ત્યાગમાં અસાધારણ હેમચંદ્રમાં જાતને સંપૂર્ણપણે ભૂંસીને કામ કરવાની શક્તિ હતી. એમના સમકાલીન લેખકો એમને ‘કાળી કોટડીના રાજા’ કહેતા. પોતાની મહાન કૃતિ પથેરદાબીમાં સવ્યસાચીના અમર પાત્રમાં નવલકથાકાર શરત્ચંદ્રે તેમનું આલેખન કર્યાનું કહેવાય છે. બંગાળી ક્રાંતિકારીઓ પોતાના જીવનને આધ્યાત્મિક મિશન સમજતા. માસ્ટરદા તરીકે ઓળખાતા મહાન નેતા સૂર્ય સેને, ફાંસીએ ચડતાં પહેલાં થોડી વાર પહેલાં, ૧૧-૧-૧૯૩૪ને દિવસે ચિત્તાગોંગ જેલમાંથી છેલ્લો સંદેશ પાઠવ્યો હતો: ‘મૃત્યુ મારો દરવાજો ખખડાવે છે. મારું મન અનંત ભણી ઊડી રહ્યું છે. આ સાધનાનો સમય છે.’

બ્રિટિશરો સામેના સશસ્ત્ર ધીંગાણામાં મૃત્યુ પામનાર પ્રથમ ભારતીય જતીંદ્રનાથ મુખોપાધ્યાય હતા. ૧૯૧૫ની ૯મી સપ્ટેંબરે, ઓરિસ્સામાં બુરીબાલમ નદીને કાંઠે આખી રાત લડી એ મૃત્યુ પામ્યા. ઉત્તમ કોટિના મનુષ્ય જતીન વીરનો દેહ અને અનન્ય આધ્યાત્મિક સૌંદર્ય અને ભવ્યતાનું સંગમસ્થાન હતા. એ ‘વજ્રથી કઠોર અને કુસુમથીયે કોમળ’ હતા. એકલ હાથે વાઘને માર્યો હોઈ એ ‘બાઘા જતીન’ નામે ઓળખાતા. ૧૮-૧૯ની વયે જતીન સ્વામી વિવેકાનંદને મળ્યા ત્યારે, એક નજરે દેખનારાના કહેવા પ્રમાણે, સ્વામી વિવેકાનંદે જતીનને દિવ્ય અગ્નિ અને એટલા જ દિવ્ય પ્રેમથી આચ્છાદિત કરી દીધા. સ્વામીજી અને આ અનન્ય ભક્ત વચ્ચે લાંબી વાતચીત ચાલી. જતીન પૂજ્ય શારદામાને પણ મળ્યા હતા અને એમના આશીર્વાદ પામ્યા હતા. પોતાના આ પુનિત પુત્રમાં શ્રી માને ‘સાક્ષાત્ અગ્નિ’નું દર્શન થયું હતું. ભોળાગિરિના શિષ્ય એવા જતીન્દ્રનાથ સ્વામીજી વિશે કહેતા કે, ‘સ્વામીજીની મહત્તા કોણ સમજી શકશે? એમના બોલને ભારત અનુસરશે તો તેની મહત્તા અસીમ બની જશે.’

બ્રિટિશરો સાથેની એ જ અથડામણમાં જતીનની સાથે મૃત્યુ પામનાર બીજો ક્રાંતિકારી ચિત્તપ્રિય બંદોપાધ્યાય હતો. એ જ અથડામણમાં પકડાયેલા અને પછીથી ફાંસીએ ચડાવાયેલા બીજા બે ક્રાંતિકારીઓ મનોરંજન સેનગુપ્ત અને વીરેંન્દ્રનાથ દાસગુપ્ત હતા. ભારતના સ્વાતંત્ર્યનાં આ સ્વપ્ન બાળકો વિશે બીજા એક ક્રાંતિકારી અમલેંદુ દાસગુપ્તે ૧૯૪૭માં લખ્યું હતું:

‘રામકૃષ્ણ મિશનની પ્રવૃત્તિઓને જે આદર્શે પ્રેરી હતી તે જ આદર્શે ચિત્તપ્રિય જેવા ઘણા જુવાનોને તથા બીજાઓને રાષ્ટ્ર માટેની ક્રાંતિકારી સેવામાં પ્રેર્યા હતા. સંન્યાસીઓ અને રાષ્ટ્રભક્તોના હાથમાં એ જ ગીતા રહેતી.’

સ્વામી બ્રહ્માનંદ, શારદાનંદ, પ્રેમાનંદ અને અન્યોના પ્રીતિપાત્ર બનનાર, બંગાળના સ્વાતંત્ર્યવીર મોતીલાલ રાયે ૧૯૪૪માં પોતાનાં સંસ્મરણોમાં લખ્યું છે:

‘બેલુડને કેંદ્રમાં રાખી ભારતમાં જે નવી પ્રજા આવશે તેનો જન્મ દક્ષિણેશ્વરની પવિત્ર ધૂળમાં થયો હતો. એ નવી પ્રજાના ઉછેર અને શિક્ષણની જવાબદારી બેલુડે લેવી પડશે.’

બંગાળી દૈનિક યુગાન્તરમાં પ્રકાશિત થયેલાં પ્રથમ હરોળના ક્રાંતિકારી દેવવ્રત બસુનાં લખાણો અનેક બંગાળી યુવાનોને પ્રેરતાં. અલીપુર બૉમ્બ કેસમાં અંગ્રેજ સરકારે ખોટી રીતે સંડોવીને તેમને અને અરવિંદને એક વર્ષ કેદમાં રાખ્યા હતા. વારીન્દ્રકુમાર નામના બીજા ક્રાંતિકારીએ દેવવ્રતનાં લખાણોના પ્રભાવ વિશે લખ્યું હતું:

‘યુગાન્તર વાંચી અમારી નસોમાં સ્વતંત્રતાનો અગ્નિ વહેવા લાગ્યો. દેવવ્રત બસુનાં વીજળી જેવાં લખાણો અમારાં હૃદયમાં આશાનો નવો પ્રવાહ લાવ્યાં.’

દેવવ્રત બસુ અને, અલીપુર બૉમ્બ કેસ માટે જેલ જનાર સચીન સેન પણ, આખરે નિર્દોષ ઠર્યા હતા અને, એ બંને રામકૃષ્ણ મિશનના સાધુ બની સ્વામી પ્રજ્ઞાનંદ અને સ્વામી ચિન્મયાનંદના નામ તેમણે ધારણ કર્યાં હતાં. પોતાના મિત્રોની દૃષ્ટિએ ‘જન્મજાત ત્યાગી અને યોગી’ દેવવ્રત માયાવતી અદ્વૈત આશ્રમના ત્રીજા અધ્યક્ષ બન્યા હતા.

ધીમે ધીમે અનેક ક્રાંતિકારીઓએ સશસ્ત્ર સંઘર્ષનો માર્ગ છોડી દીધો અને રામકૃષ્ણ મિશનમાં જોડાઈ, માનવ ઘડતરનાં અને રાષ્ટ્ર ઘડતરનાં શિક્ષણ અને સંસ્કૃતિના સર્જન માટે આધ્યાત્મિક સાધનાનો માર્ગ અપનાવ્યો. આ રીતે ભારતના સ્વાતંત્ર્યનું સ્વપ્ન સાકાર કરવામાં તેમણે પ્રદાન આપ્યું. અને રામકૃષ્ણ મઠ અને મિશન બ્રિટિશ સરકારની શંકાનું નેમ બન્યાં.

બ્રિટિશ સરકારની ઈંટેલિજન્સ બ્રાંચના સ્પે. પોલિસ સુપરિટેંડંટ સી. એ. ટેગાર્ટે ૧૯૧૪ના મેની ૧૪મીએ રામકૃષ્ણ મિશન અને રાષ્ટ્રભક્તો તથા ક્રાંતિકારીઓ વિશે વિગતવાર અહેવાલ તૈયાર કર્યો હતો. એ અહેવાલના આરંભની લીટીઓ આ પ્રમાણે હતી:

‘હિંદુ સંત રામકૃષ્ણના પ્રિય શિષ્ય સ્વામી વિવેકાનંદે સમજાવ્યા પ્રમાણેનો તેમનો બોધ ભારતમાં તેમજ, યુરોપ અને અમેરિકામાં ખૂબ ધ્યાનપાત્ર બન્યો છે.’

ટૅગાર્ટેનું આ કથન સાચું હતું. સ્વામી વિવેકાનંદના વિચારો, ખાસ તો, વિધિવશ નિરાશાને સ્થાને સામર્થ્યવાન પૌરુષનું વેદાંતનું, અર્થઘટન, ભાગ્યવિધાતા તરીકે ઈશ્વરને સ્થાને મનુષ્યને મૂકવો અને, ત્રાસવાદીના મારને વશ થતા અસહાય નિષ્કર્મ ધર્મને સ્થાને ‘આક્રમક હિંદુત્વ’નો એમનો સંદેશ મહાન ચિંતક તોલ્સ્તોયને પણ હલાવી ગયો હતો.

૧૯૦૮ના જૂનની પાંચમીએ તૉલ્સ્તોયે મૅકોવિત્સ્કીને કહ્યું હતું : ‘સવારના છ વાગ્યાથી હું સ્વામી વિવેકાનંદનો વિચાર કરી રહ્યો છું. ગઈ કાલે આખો દિવસ તેમનું વાચન કર્યું, અનિષ્ટનો સામનો કરવા માટે હિંસક માર્ગોને વાજબી ઠેરવતું એક પ્રકરણ છે. ખૂબ બુદ્ધિપૂર્વકનું લખાણ છે.’ અને, ૧૯૦૮ની ૧૪મી ડિસેમ્બરે ફરી એમણે ‘હિંદુને પત્ર’ લખ્યો જે, વાસ્તવિક રીતે એમનો બધા હિંદુઓને ખુલ્લો પત્ર છે:

‘આધ્યાત્મિક અને શારીરિક શક્તિમાં ખૂબ સમૃદ્ધ એવા ભારતના ૨૦ કરોડ લોકો નાના વર્તુળના તદ્દન વિદેશી પ્રજાજનોના હાથ નીચે છે; જેમની પર રાજ કરે છે તેમના કરતાં એ વિદેશીઓ ખૂબ નીચલી પાયરીના છે. તમારા પત્રથી જણાય છે… અને હિંદુ લેખક સ્વામી વિવેકાનંદનાં ખૂબ રસિક લખાણોમાંથી જણાય છે તેમ, તર્કયુક્ત ધાર્મિક સાહિત્યનો અભાવ એનું કારણ જણાય છે.’

ટૅગાર્ટનો લાંબો વિસ્તૃત અહેવાલ શ્રીરામકૃષ્ણના જીવન અને સાધનાનો, પશ્ચિમમાં સ્વામી વિવેકાનંદના પ્રભાવનો, શ્રીરામકૃષ્ણ વિશેનાં મૅક્સમૂલરનાં આદરભર્યાં લખાણોનો, શ્રીરામકૃષ્ણ મિશનના જન્મના ઈતિહાસનો, મિશન સાથે જોડાયેલા બધા શિષ્યો અને સાધુઓનાં સંન્યાસ પછીનાં અને પૂર્વનાં નામનો ઉલ્લેખ કરે છે અને, તેમાં, માયાવતી અદ્વૈત આશ્રમથી સ્વામી અભયાનંદે (ભરત મહારાજે) લખેલો પત્ર, સ્વામી વિવેકાનંદ, ભગિની નિવેદિતા, રામકૃષ્ણ મિશનનાં સામયિકો અને વળી, ભવાની મંદિર પરની શ્રી અરવિંદની પત્રિકામાંથી અવતરણો આપ્યાં છે; એમાં શ્રીરામકૃષ્ણને નામે ચાલતા ગ્રામાશ્રમોનો તથા, ક્રાંતિકારીઓ પરની મિશનની અસરનો તથા મિશનના સંબંધનો ઉલ્લેખ છે. એ અહેવાલમાં લખાયું છે:

‘કલકત્તામાં આગમન પ્રસંગે સ્વામી વિવેકાનંદને અપાયેલા એક માનપત્રના ઉત્તરમાં સ્વામી વિવેકાનંદે પોતાના શ્રોતાઓને અનુરોધ કર્યો હતો કે, ‘ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા રહો. કલકત્તાના યુવાનો, ઊઠો, જાગો, કારણ, સમય પાકી ગયો છે, આપણી સમક્ષ દરેક વસ્તુ ખૂલી રહી છે; બહાદુર બનો અને ડરો નહીં…. ઊઠો, જાગો કારણ, તમારો દેશ આજે આ મહાન ભોગ માગી રહ્યો છે. એ કાર્ય જુવાનો જ કરી શકશે. જુવાન, શક્તિમાન, બળવાન, સુદૃઢ, બુદ્ધિશાળી આ એમનું કાર્ય છે અને કલકત્તામાં આવા સેંકડો અને હજારો યુવાનો છે. અહીં એ વાત નોંધવી જોઈએ કે, ભારતના મોટા ભાગમાં ગયા વરસમાં જે અનેક પત્રિકાઓ ફરતી કરવામાં આવી છે તે દરેક, ‘ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા રહો,’ એ સ્વામી વિવેકાનંદના મુદ્રાલેખથી આરંભાય છે.’

દૂર હિમાલયમાંના માયાવતી આશ્રમને, ‘વડું મથક સ્થાપી, તિબેટ સાથે સંદેશાવ્યવહાર કરવાના તથા નજરે ચડવાથી તેમજ, પોલિસની આંખથી દૂર રહેવાના’ સ્વામી વિવેકાનંદના પ્રયત્ન તરીકે ટૅર્ગાર્ટ અહેવાલમાં શંકાની નજરે રજૂ કરવામાં આવ્યો છે.

સી. આઈ. ડી. ખાતાના અંગત મદદનીશ જેય્મ્સ કૅમ્પબેલે પોલિટિકલ ટ્રબલ્સ ઈન ઇન્ડિયા (૧૯૦૭-૧૭) નામના પોતાના પુસ્તકમાં (ડાઈરેક્ટર ઓફ ઈંટલિજન્સ સી.આર. કલીવ લેંડે એની નકલો બધે મોકલાવી હતી તેમાં) લખ્યું હતું:

‘હિંદુ ધર્મનું આધિપત્ય પુન:સ્થાપિત કરવા મથતું મંડળ હિંદુઓનું ભૂતકાળના રાજકીય ઉચ્ચ સ્થાનનું પણ ગૌરવ કરે છે અને, વેદાંત સોસાયટીનો બોધ રાજકારણમાં રાષ્ટ્રીયતાનું વલણ ધરાવે છે. સામાન્ય રીતે સ્વામી વિવેકાનંદ રાજકીય મામલાથી દૂર રહ્યા છે પણ, અનેક હિંદુ રાષ્ટ્રવાદીઓ એમને આંદોલનના ગુરુ માને છે.’

૧૯૧૬માં પ્રથમ વિશ્વયુદ્ધ ચાલતું હતું. ભારત – જર્મનીની ગુપ્ત વાટાઘાટો ચાલુ થઈ. પરદેશી સત્તાના પંજામાંથી મુક્તિ મેળવવા માટે ભારતના રાષ્ટ્રવાદીઓ હવે કટિબદ્ધ થયા હતા. ૧૧ ડિસે. ૧૯૧૬ના રોજ, કલકત્તાના ગવર્નર્સ હાઉસમાંના પોતાના છેલ્લા પ્રવચનમાં લોર્ડ કાર્માઈકલે જણાવ્યું હતું કે, શક્ય તેટલી ઉત્તમ સમાજસેવા છતાં શ્રી રામકૃષ્ણ મિશન એવા સભ્યો બનાવે છે જે પછીથી રાષ્ટ્રવાદી કે ક્રાંતિકારી પણ બને છે.

‘રામકૃષ્ણ મિશન અને એના જેવી સંસ્થાઓ માટે મને ખૂબ જ માન છે. સમાજસેવાનાં જે કાર્યો કરવા માટે આ સંસ્થાઓ અસ્તિત્વ ધરાવે છે તેના કરતાં વધારે ઉત્તેજનયોગ્ય મને કંઈ લાગતું નથી અને, જે યુવાનો દેશબંધુઓના હિતકર્તા થયા હોત તેમનાં મન ખરાબ કરતા હલકા અને ક્રૂર માણસો આ સંસ્થાઓમાં જોડાય છે એના કરતાં વધારે તિરસ્કરણીય મને બીજું કશું લાગતું નથી.’

લૉર્ડ કાર્માઈકલના આ શબ્દોનો રામકૃષ્ણ મિશને પ્રતિકાર કર્યો અને, ત્રાસવાદી પ્રવૃત્તિઓ સાથે પોતાને કોઈ જ સંબંધ હોવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો. મિશનના તત્કાલીન સૅક્રૅટરી, સ્વામી શારદાનંદ કાર્માઈકલને જાતે રૂબરૂ મળ્યા અને તેમણે સાચી પરિસ્થિતિની જાણ કરી. ૧૬ માર્ચ ૧૯૧૭ના એક અધિકૃત પત્રથી કાર્માઈકલે, પોતાની રીતે, તહોમત પાછું ખેંચી લીધું. તેમણે લખ્યું કે, ‘મારો ઈરાદો રામકૃષ્ણ મિશનને ઉતારી પાડવાનો ન હતો. પોતાની ઘાતક ઇચ્છાની પૂર્તિ માટે કેટલાક લોકો રામકૃષ્ણ મિશનનું નામ લે છે એમ મને લાગ્યું હતું. મિશનના સત્તાધીશો ચેતતા રહે કે એના પવિત્ર નામનો દુરુપયોગ ન થાય એટલું જ હું ચાહતો હતો.’

બ્રિટિશ સરકારના મુખ્ય સચિવ મિ. સ્ટિફન્સને અંગ્રેજ સરકારને મોકલેલા પોતાના હેવાલમાં લખ્યું હતું કે, મિશનના શુદ્ધ ઉદાર અને આધ્યાત્મિક અભિગમ પાછળનો હેતુ શક્તિનો અને શુચિતાનો છે. ભારતના જુવાનોને એ દિવસોમાં સમાજસેવા અને સ્વાર્થ ત્યાગના રામકૃષ્ણ મિશનના વાતાવરણે આકર્ષ્યા હતા એમ એણે કહ્યું હતું.

‘રામકૃષ્ણ મિશન સાથે સંકળાયેલા છે માટે એ લોકો ક્રાંતિકારી છે એમ કહેવાનો જરીય આશય નથી. પણ, ક્રાંતિકારીઓ હતા માટે તેઓ મિશન સાથે સંકળાયા હતા એવા ઘણા કિસ્સા છે એમ માનવાનું કારણ છે એમ મને લાગે છે. (ધાર્મિક હોય કે નહીં તેવા) રામકૃષ્ણ મિશનના સમાજસેવા અને ત્યાગના વાતાવરણ પર આધારિત આદર્શવાદે તેમને આકર્ષ્યા હતા અને, આ વાતાવરણને કારણે જ, રામકૃષ્ણ મિશનમાં એમને જોડાવું ગમે.’

સરકારે ૧૯૧૫માં, સ્વામી વિવેકાનંદના પત્રો (પત્રાવલિ) પર પ્રતિબંધ લાદવા યત્ન કર્યો. કાનૂની કાર્ય માટેના સ્થાયી વકીલ શ્રી એસ. આર. દાસે સાત પાનાંના હેવાલમાં પત્રાવલિનો બચાવ કરી જણાવ્યું કે, એમાં ‘રાજદ્રોહ’ને ઉત્તેજન આપે તેવું કશું નથી. અંગ્રેજ સરકારે પીછે હઠ કરી. પૂજ્ય શ્રી શારદા માએ એક વાર કહ્યું હતું તે પ્રમાણે, સ્વામી વિવેકાનંદ હયાત હોત તો, એ અંગ્રેજોની કેદમાં હોત.

લંડન ટાઈમ્સમાં ભારતના અજંપા વિશે ૧૯૧૦માં લેખમાળા લખતા અંગ્રેજ લેખક વેલેન્ટાઈન ચિરોલે એક લેખમાં લખ્યું હતું:

‘શિકાગોની ધર્મપરિષદમાંનું સ્વામી વિવેકાનંદનું કાર્ય હિંદુ પુનર્જાગ્રતિના ઈતિહાસમાં ખૂબ નોંધપાત્ર ઘટના છે પણ, પશ્ચિમમાંથી વીણેલા કેટલાક શિષ્યોને લઈ તે ભારત પાછા આવ્યા તે વિજયના કરતાં પેલો ઓછો આકર્ષક છે.’

ભારતના ચાહક એવા ખ્રિસ્તી મિશનરી સી. એફ. એંડ્રૂઝે પાપના ખ્રિસ્તી સિદ્ધાંતના સ્વામી વિવેકાનંદના અસ્વીકારને માન્ય રાખ્યો ન હતો. તેમણે પણ રાષ્ટ્રીય આંદોલનના જન્મ અને વિકાસમાં સ્વામી વિવેકાનંદના યોગદાનનો સ્વીકાર કર્યો હતો. તેમણે કહ્યું :

‘મહાન રાષ્ટ્રીય આંદોલનની પૂર્વે વર્ષોથી એ રાષ્ટ્રવાદી હતા.

સ્વામી વિવેકાનંદની નિર્ભીક સ્વદેશપ્રીતિએ સમસ્ત ભારતના રાષ્ટ્રીય આંદોલનને નવે રંગે રંગી દીધું હતું…. કોંગ્રેસની સાથે જોડાયા વિના પણ એમણે એની નીતિને ઘાટ આપ્યો હતો અને એના વિકાસને સહાય કરી હતી.’

ઉદ્દામ રાષ્ટ્રવાદી બિપિનચંદ્ર પાલે લખ્યું છે: ‘સ્વામીજી ખરે જ ભારતની રાષ્ટ્રીયતાના સૌથી મહાન પ્રબોધક અને પયગંબર છે.’ પોતાના પુસ્તક યંગ ઇન્ડિયામાં લાલા લાજપતરાયે લખ્યું હતું કે, ‘સ્વામી વિવેકાનંદની અસર હેઠળ, વેદાંતી અને માતૃભક્ત બંગાળી રાષ્ટ્રભક્તોએ રાષ્ટ્રપ્રીતિને ધર્મ બનાવી દીધો હતો.’

ભારતીય રાષ્ટ્રીયતાના ઉદય અને વિકાસમાં રામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદની અસરનું ગૌરવ કેટલાંક ભારતીય વર્તમાનપત્રો મુક્તપણે કરતાં. લોકમાન્યના નેતૃત્વ હેઠળના ‘મરાઠા’એ ૧૭ જુલાઈ, ૧૯૧૦ના રોજ લખ્યું હતું: ‘ભારતમાં સ્વામી વિવેકાનંદના બોધે આણેલ રાષ્ટ્રીય અને ધાર્મિક જાગૃતિનું મૂળ શોધવું હોય તો, દક્ષિણેશ્વરના પરમહંસ સંતના જીવનમાંથી તે વહેતી જણાશે.’

જાન્યુ. ૧૪, ૧૯૧૨ના અંકમાં મરાઠાએ સ્વામીજીને ‘ભારતીય રાષ્ટ્રપિતાના સાચા પિતા’ તરીકે વર્ણવ્યા હતા. માર્ચ ૮, ૧૯૧૧ના રોજ મૈસુર ટાઈમ્સે લખ્યું હતું:

‘રામાયણ યુગમાં જે સ્થાન વસિષ્ઠ અને વિશ્વામિત્રનું હતું, મહાભારત યુગમાં જે વ્યાસનું હતું, વિજયનગરમાં વિદ્યારણ્યનું હતું અને મરાઠાઓના ઉત્થાનમાં રામદાસ અને તુકારામનું હતું ભારતમાં આજે તે સ્થાન રામકૃષ્ણનું છે.’

‘વિવેકાંનદનું જીવનચરિત્ર આ યુગની સૌથી પ્રખ્યાત કિતાબ છે. આવાં પુસ્તકો આપણા જીવનસંઘર્ષમાં શાંતિ આણે છે, આપણને ઊર્ધ્વગામી બનાવે છે અને આપણા ઘાયલ આત્માને સાજા કરે છે.’ એમ ઉગ્ર રાષ્ટ્રવાદી સુરેન્દ્રનાથ બૅનરજીએ પોતાના દૈનિક બંગાળીમાં ૨૯મી એપ્રિલ, ૧૯૧૩ને દિવસે લખ્યું હતું. ઍની બૅસંટ સ્વામી વિવેકાનંદને ‘રામકૃષ્ણ સેવા પ્રવૃત્તિના સંત પોલ’ કહેતાં. એમણે સ્વામી વિવેકાનંદને ‘ભારતના રાષ્ટ્રીય જીવનમાં શક્તિનો અવતાર’ કહ્યા હતા તથા, કહ્યું હતું કે, ‘ભારતની રાષ્ટ્રીયતાના મંદિરમાં સ્વામી વિવેકાનંદ સૌથી મજબૂત સ્તંભ બનશે.’

સ્વામી વિવેકાનંદ કરતાં વયમાં બે વર્ષ મોટા અને એ જ ગાળા દરમિયાન બંગાળમાં પ્રવૃત્તિ કરનાર રવીન્દ્રનાથ ટાગોરે (તા. ૯ એપ્રિલ, ૧૯૨૮ના) પત્રમાં, સ્વદેશ મુક્તિ માટે મૃત્યુને ભેટતા બંગ યુવાનો વિશે લખ્યું હતું: ‘બંગ યુવાનોની આજની બધી પ્રવૃત્તિના મૂળમાં સ્વામી વિવેકાનંદનો સંદેશ છે; એ મનુષ્ય આત્માને સાદ દે છે, એની આકૃતિને નહીં.’

‘ધ કોમન વીલ’ નામના એક અંગ્રેજી અખબારે પોતાની ૧૩ ઑગસ્ટ, ૧૯૧૫ની આવૃત્તિમાં એક વિશેષ માહિતી પ્રગટ કરી: ‘રાવલપિંડીના એક ગૃહસ્થે એક અંગત પત્રમાં લખ્યું હતું કે, ‘હું મારા દેશને માટે પ્રાણ દેવા તૈયાર છું,’ અને એના ઘરની તલાશી લેતાં સ્વામી સ્વામી વિવેકાનંદનાં ભાષણો મળી આવ્યાં હતાં જે, જપ્ત કરવામાં આવ્યાં હતાં. પોતાના દેશ માટે મૃત્યુને ભેટવાની ઇચ્છા રાખવી તે સદ્‌ગુણ ગણાયેલ છે અને, સ્વામી વિવેકાનંદનાં ભાષણો દેશદ્રોહ ફેલાવે તેવાં ગણાયાં નથી. છતાંયે એ ગૃહસ્થ કેદમાં છે.’

અલીપુર જેલમાં અરવિંદ કેદ હતા. બંગાળ પોલિસ વડા ટૅગાર્ટ તપાસ માટે આવ્યા અને ત્યાં તેમણે અરવિંદની ખોલીમાં માટીનું ઢેફું જોયું. એ વિશે અરવિંદને પૂછવામાં આવ્યું ત્યારે, એમણે કહ્યું કે, ‘બૉમ્બ બનાવવાની એ સામગ્રી છે; એ દક્ષિણેશ્વરની માટી છે અને, શ્રી રામકૃષ્ણની યુગવર્તી સાધનાનો સ્પર્શ એને લાગેલો છે.’ રામકૃષ્ણ-વિવેકાનંદથી પૂર્ણ પ્રેરિત અરવિંદે લખ્યું છે :

‘સ્વામી વિવેકાનંદનું દૂર ગમન જગતને પહેલી નિશાની હતી કે ભારત હવે જીવવા માટે જ નહીં પણ જીતવા માટે પણ જાગી ચૂક્યો હતો.’

‘અમે હજીયે એમની અસરને ભગીરથપણે કામ કરતી જોઈએ છીએ, કેવી રીતે ને ક્યાં તે જાણતા નથી; જે હજી પૂરું ઘડાયું નથી, જે સિંહ સમું છે, મહાન છે, આંતરપ્રેરણાત્મક છે અને ઉથલપાથલ કરનારું છે તે ભારતના આત્મામાં પ્રવેશ્યું છે અને, અમે કહીએ છીએ, ‘જુઓ, સ્વામી વિવેકાનંદ હજી એની જનનીના આત્મામાં અને એનાં બાળકોના આત્માઓમાં જીવંત છે.’

‘અમેરિકાની સ્વામી વિવેકાનંદની મુલાકાતે અને, એમને અનુસરીને જનારાઓએ પછીથી કરેલા કાર્યે સો લંડન કોંગ્રેસો કરતાં અનેકગણું વધારે કાર્ય કર્યું હતું. આપણા પૂર્વજોની બુદ્ધિ અને એમનું ચારિત્ર્ય ધારણ કરતી પ્રજા આપણે છીએ, જગતને આપવા જેવું કંઈક આપણી પાસે છે ને તેથી સ્વતંત્રતાના અધિકારી છીએ….જગતનાં રાષ્ટ્રોને એ બતાવીને, આપણા પૌરુષની અને દૃઢતાની સાબિતી આપીને સહાનુભૂતિ જગાવવી એ સાચો રસ્તો છે, ભીખ માગવાનો નથી.’

માત્ર અરવિંદ જ નહીં પણ, મહાન રાષ્ટ્રભક્તોના સમગ્ર વૃંદે સ્વામીજીના જીવન અને બોધમાંથી પ્રેરણા લીધી હતી. દુર્ભાગ્યે ૧૯૦૧માં બેલુડની મુલાકાતે જવા છતાં સ્વામીજીને નહીં મળી શકનાર મહાત્મા ગાંધી વીસ વર્ષ પછી, ત્યાં સ્વામીજીના જન્મદિવસ પ્રસંગે ગયા હતા. ત્યાં એકત્રિત મેદનીને ગાંધીજીએ કહ્યું હતું:

‘જેમનો જન્મ દિવસ આજે ઉજવાઈ રહ્યો છે તે સ્વામી સ્વામી વિવેકાનંદની પુણ્ય સ્મૃતિને મારી શ્રદ્ઘાંજલિ આપવા હું અહીં (બેલુડ મઠમાં) આવ્યો છું. એમનાં લખાણોનું મેં સારી રીતે અધ્યયન કર્યું છે અને, એ કર્યા પછી મારા દેશ માટેનો મારો પ્રેમ હજાર ગણો વધ્યો છે.’

નેતાજી સુભાષ જુવાન વયે રામકૃષ્ણ આશ્રમમાં સંન્યાસી થવા માટે આવ્યા હતા. ‘તમારે ઘણું મોટું કાર્ય કરવાનું છે.’ કહી, તેમને આશીર્વાદ આપી સ્વામી બ્રહ્માનંદે અને શારદાનંદે તેમને પાછા મોકલ્યા. સ્વામીજી અને શ્રીરામકૃષ્ણ એમને માટે આજીવન પ્રેરણાસ્થાન રહ્યા. નેતાજી સુભાષે લખ્યું છે:

‘શ્રેષ્ઠ આધ્યાત્મિક કક્ષાના યોગી, સત્યનું સેવન કરનાર, પોતાના રાષ્ટ્ર અને માનવજાતિ માટે પોતાની જાતને સમર્પિત કરનાર — હું એમનું વર્ણન આ રીતે કરું. એ જીવંત હોત તો હું એમને ચરણે બેઠો હોત.’

‘વર્તમાન સ્વાતંત્ર્ય આંદોલનના પાયાનું મૂળ સ્વામીજીનો સંદેશ છે.’

ભારતના ઉત્થાન પર રામકૃષ્ણ-વિવેકાનંદના પ્રભાવ વિશે રોમાં રોલાંએ ૧૯૩૦માં લખ્યું હતું:

‘આ ‘વિશાળતર ભારત’ આ નવભારતનો વિકાસ રાજકારણીઓ અને વિદ્વાનોએ શાહમૃગની પેઠે, આપણાથી ઢાંકી રાખ્યો છે અને જેની પ્રભાવક અસર હવે વર્તાવા લાગી છે, એના ગર્ભમાં શ્રીરામકૃષ્ણનો આત્મા છે. એ પરમહંસ અને, એમના વિચારોને અમલમાં મૂકનાર વીરની તારક બેલડી ભારતના ભાવિ પર આધિપત્ય ભોગવે છે અને તેને દોરે છે. એનું ઉષ્ણ તેજ ભારતભૂમિનું ખમીર છે અને તેને એ પલ્લવિત કરે છે. ભારતના વર્તમાન નેતાઓ – ચિંતકોના રાજા, કવિઓના રાજા અને, મહાત્મા અરવિંદ ઘોષ, ટાગોર અને ગાંધી હંસ અને ગરુડના આ બેવડા નક્ષત્ર નીચે ઊગ્યા છે, પલ્લવિત થયા છે અને ફલિત થયા છે. આ વાતનો જાહેર સ્વીકાર અરવિંદે અને ગાંધીએ કર્યો છે.’

રાષ્ટ્રની મુક્તિ માટેની સ્વામી વિવેકાનંદની તમન્ના કેવળ ભારતને મુક્ત કરવા માટે જ કામે નહોતી લગાડાઈ પણ, પશ્ચિમની ભૌતિક સભ્યતાની પણ એ મુક્તિ ચાહતી હતી. ભગિની નિવેદિતાએ સમજ્યા પ્રમાણે સ્વામીજીનું કાર્ય દ્વિવિધ હતું-રાષ્ટ્ર ઘડતરનું અને જગતને હલાવવાનું, એટલે જ તો ભારત એના મૂળ શુચિ ગૌરવને પ્રાપ્ત કરે એ તેમની તમન્ના હતી. એ પોતે તેમ કહેતા: ‘ભારત મૃત્યુ પામે તો, કોણ જીવતું રહેશે? ભારત જીવંત હશે તો, કોણ મૃત્યુ પામશે?’

(ભાષાંતર : શ્રી દુષ્યંતભાઈ પંડ્યા)

Total Views: 56

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.