ઈશ ઉપનિષદ — ૧

બધાં ઉપનિષદોમાં હંમેશાં પ્રથમ ગણાતા ઈશ ઉપનિષદનું ખાસ મહત્ત્વ છે. તે એ છે કે, આ ઉપનિષદના આદિ શ્લોકનું કથન બીજા દરેક ઉપનિષદે સમર્થિત અને પ્રમાણિત કર્યું છે. વિશેષમાં આ મહાન કથનમાં રહેલું તત્ત્વદર્શન, પછીથી, ભગવદ્‌ગીતામાં વ્યક્ત થયેલા મહાન સમન્વયની તાત્ત્વિક પૂર્વભૂમિકા પૂરી પાડનાર બન્યું છે. વાસ્તવમાં ઈશ ઉપનિષદ અને ભગવદ્‌ગીતા વચ્ચે ખૂબ આધ્યાત્મિક નિકટતા છે અને, પોતાના ગીતા ઉપરના ભાષ્યના આરંભમાં જ શંકરાચાર્ય એને સમસ્ત વેદાર્થ સાર સંગ્રહ ભૂતમ્ — ‘ચારેય વેદોના સમસ્ત અર્થનો સાર’ — કહે છે. પોતાના દરેક અધ્યાયની પુષ્પિકામાં ભગવદ્‌ગીતા પોતે પણ જાહેર કરે છે કે ઉપનિષદોમાં કથિત, બ્રહ્મ વિદ્યાથી નિશ્ચિત, યોગશાસ્ત્ર વિષયક ‘ગહન તત્ત્વને’ તે પ્રકાશમાં લાવવા માગે છે.

પ્રાચીન કે અર્વાચીન, ભારતના બધા મહાન ચિંતકોએ ઈશ ઉપનિષદમાંથી પ્રેરણા લીધી છે. એટલે, ભગવદ્‌ગીતાના સ્વાધ્યાય પહેલાં, આપણે પ્રથમ આ ઉપનિષદનો સ્વાધ્યાય કરશું પછી, બીજે ક્રમે કેન ઉપનિષદ લઈશું અને ત્રીજું, કઠ ઉપનિષદ લઈશું. પણ આપણા સ્વાધ્યાયનો મુખ્ય વિષય ભગવદ્‌ગીતા છે કારણ કે, સ્વામી વિવેકાનંદ નિર્દેશે છે તેમ, એ ગ્રંથ કોઈ મરજાદી સંપ્રદાય કે સિદ્ધાન્તોની માંડણી નથી કરતો, કોઈ સાંપ્રદાયિક દૃષ્ટિબિન્દુની વકીલાત એમાં નથી, પણ મનુષ્યની અનુભૂતિનાં બધાં પાસાંમાં, જીવનમાં, દૃષ્ટિપાત કરવાની દૃષ્ટિ એ આપે છે; વળી, સર્વોચ્ચ અને સર્વોત્તમ રીતે જીવન જીવવાની રીતિ એ શીખવે છે. સહિષ્ણુતાનો અને સાર્વત્રિકતાનો પ્રાણ એ પૂરે છે. માટે, ભગવદ્‌ગીતાનું અધ્યયન પૂરા વ્યાવહારિક મહત્ત્વનું છે અને, પૂર્વના કે પશ્ચિમના, બધા શોધકોને ઉત્તમ આધ્યાત્મિક લાભ આપનારું છે. ઉપનિષદોમાં રહેલી એની આધ્યાત્મિક અને તાત્ત્વિક ભૂમિકા સમજવાથી, ભગવદ્‌ગીતા સમજવી આપણે માટે સરળ બનશે.

માનવ સમાજમાં, દૃષ્ટિકોણમાં, વલણોમાં, અને, મૂલ્યોમાં છેલ્લાં ત્રણચાર હજાર વરસોના ઈતિહાસમાં પરિવર્તનો આવ્યાં છતાં, મનુષ્યચિત્તને ઉપનિષદોના થતા આકર્ષણમાં ઓટ આવી નથી તે આપણું ધ્યાન ખેંચે છે ત્યારે, ઉપનિષદો કેટલાં પ્રાચીન છે તેનું આપણને સ્મરણ થાય છે. કારણ એ છે કે, જીવનને ઊંડી અસર કરતી બાબતોને, જીવનની આધારભૂત બાબતોને ઉપનિષદો સ્પર્શે છે. જીવનના અને અનુભૂતિના મૂળ સ્રોતને ઉપનિષદો સ્પર્શ્યાં જણાય છે અને, કોઈ પણ યુગમાં માનવજીવનમાં પરિવર્તન આણવાની ચિંતનઊર્જાને એમણે વહેતી મૂકી છે. ઉપનિષદોના શબ્દો મહાન સંગીત છે અને સદીએ સદીએ, બધાં સંવેદનશીલ હૈયાંઓને એમના રાગ જકડી રાખે છે. આદરપૂર્વક અને એમનામાંથી કશુંક પામવાની દૃષ્ટિથી ઉપનિષદોનો અભ્યાસ કોઈ પણ કરે તેને, એમનાં ગહન કથનોની સીધી, અર્થગર્ભ, કાવ્યમય અને ભવ્ય વાણીમાં તેમનું રહસ્ય પ્રાપ્ત થશે. ઉપનિષદોને વાંચનાર આધ્યાત્મિક સાધકને જણાશે કે ઉપનિષદોનાં વિષયવસ્તુને પોતાના જીવન અને ભાવિ સાથે નજીકનો સંબંધ છે, પોતાની અંદર તેમજ બહાર રહેલા સત્ય સાથે નજીકનો નાતો છે. એ સત્યનો ઊંડો ધબકાર ઉપનિષદોના મધુર સંગીતમાં ઝિલાયો છે.

આ જગત શું છે?

પૂર્ણમદ: પૂર્ણમિદં, પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે;

પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે .

ૐ શાંતિ: શાંતિ: શાંતિ: —

‘અદૃશ્ય (બ્રહ્મ) પૂર્ણ છે; દૃશ્યમાન (જગત) પૂર્ણ છે. પૂર્ણ (બ્રહ્મ)માંથી પૂર્ણ (દૃશ્યમાન જગત) ઉત્પન્ન થયું છે. પૂર્ણ (દૃશ્યમાન જગત)ને પૂર્ણ (બ્રહ્મ)માંથી બાદ કરતાં પણ પૂર્ણ રહે છે.’

જે સંસ્કૃત શ્લોકનો મેં પાઠ કર્યો તે શુક્લ યજુર્વેદનાં ઈશ અને બીજાં ઉપનિષદોને આરંભે આવતો શાંતિ મંત્ર છે. આ શ્લોકનો અર્થ અને એનું મહત્ત્વ ખૂબ ગહન છે; ઉપનિષદોના સમગ્ર વિચારને એ બે પંક્તિઓમાં કેન્દ્રિત કરે છે. પૂર્ણમદ: પૂર્ણ મિદમ્ — ‘એ પૂર્ણ છે; આ પૂર્ણ છે’ — વિચારની પકડ, એનો વ્યાપ, એનો વિસ્તાર એ પ્રકાશિત કરે છે. વેદાન્તની વિશિષ્ટ પરિભાષામાં ‘તે’ અને ‘આ’ શબ્દોના વિશિષ્ટ અર્થો છે. ઈદમ્ — ‘આ’ — દર્શક સર્વનામ છે અને, ઈન્દ્રિયોની અનુભૂતિની પકડમાં આવતા કશાક પદાર્થને કે તત્ત્વને, તે દર્શાવે છે. સ્થલ, કાલ અને પરિવર્તનના આ વ્યક્ત જગતને માટે તે વપરાયું છે. મનુષ્ય ચિત્તને પોતાની આસપાસના વિશ્વનું ભાન થાય છે તે જ ક્ષણે, તેને આવી રીતે આવરી લેનાર વિશ્વ શું છે તે પ્રશ્ન જકડી લે છે. આપણી ઉપર સતત મારો કરતું આ વિશ્વ શું છે? પોતાની પાંચ ઈન્દ્રિયો દ્વારા, એને વિશે માનવચિત્ત સતત માહિતી મેળવતું રહે છે; એને પ્રાપ્ત થતી માહિતી એને મૂંઝવે છે; અને એ વધારે જાણવા ઈચ્છે છે; અને, સ્પષ્ટ કે અસ્પષ્ટ રૂપમાં પોતાને એ પૂછે છે : ‘આપણા રોજિંદા અનુભવનું આ જગત શું છે?’

આ પ્રશ્ન બધા જ્ઞાનનો આરંભ નિર્દેશે છે. વિલિયમ જેય્‌મ્સના શબ્દોમાં, નવજાત શિશુ માટે જગત ‘ઘોંઘાટનો, અવાજનો, ગોટાળો’ છે. આ ‘ઘોંઘાટના, અવાજના, ગોટાળા’ને શિશુ ધીમે ધીમે સમજવા પ્રયત્ન કરે છે, પ્રથમ સાવ ઉપલક દૃષ્ટિએ અને પછી, જુવાન અને પુખ્ત વયની વ્યક્તિ થતાં, વધારે સ્પષ્ટ રીતે, તાર્કિક અને શાસ્ત્રીય પૃથક્કરણ અને સંયોજન કરીને. મનુષ્યચિત્ત ઉપર જગતનો આ સમગ્ર આઘાત એટલે આ ઈદમ્ શબ્દ.

તો પછી, મનની આ જિજ્ઞાસાનો આપણે શો ઉત્તર આપીશું? પૂર્વમાં અને પશ્ચિમમાં વિકસેલાં દર્શનશાસ્ત્રો, ભિન્ન ભિન્ન કક્ષાઓએથી ઉદ્‌ભવતા ભિન્ન ભિન્ન ઉત્તરો આપે છે. ઉપનિષદોમાં મળતા કેટલાક ઉત્તરોનો પડઘો અર્વાચીન વૈજ્ઞાનિક, વિચારણામાં પડે છે. એ પ્રશ્નનો ઉત્તર આપણે ‘પ્રકૃતિ’ કહી આપીએ છીએ એમ ધારો. આપણે કદાચ કહીએ કે, આ જગત પ્રકૃતિનું પરિવર્તન છે, પ્રકૃતિની ઘટક કોઈ આદિમ ઊર્જાનું એ પરિવર્તન છે કે, બ્રિટિશ ખગોળવિદ્ ફ્રેડ ફોય્‌લ કહે છે તેમ, બ્રહ્માંડની રજનું પરિવર્તન છે. આ જ ઉત્તરો ઉપનિષદોમાં પણ સાંપડે છે. પરંતુ ઉપનિષદો એમને પ્રારંભિક કક્ષાના ઉત્તરો માને છે, અથવા, વધારે ઉચિત રીતે કહીએ તો, એ પ્રાદેશમાત્રમ્, મર્યાદિત ઉત્તરો છે જે, કેવળ મર્યાદિત, બહિર્ દૃષ્ટિબિન્દુથી અપાયેલા છે. આ ઓગણીસમી સદીનું દૃષ્ટિ બિન્દુ હતું અને, વીસમી સદીની ક્રાંતિકારક વૈજ્ઞાનિક પ્રગતિ છતાં, કેટલાક વૈજ્ઞાનિકોમાં આજેય પ્રચલિત છે.

પ્રશ્નનો બીજો ઉત્તર ઊંડેરી સપાટીએથી આવે છે અને, બીજું, આંતરિક, દૃષ્ટિ બિન્દુ સાથે સંકળાયેલો છે. એ દૃષ્ટિબિન્દુ સાથે થોડા આર્ષદૃષ્ટા ભૌતિકશાસ્ત્રીઓ, ખગોળશાસ્ત્રીઓ અને જીવનશાસ્ત્રીઓના યોગદાન દ્વારા, વીસમી સદીનું વિજ્ઞાન ધીમે ધીમે પરિચિત થતું જાય છે. તેમનામાંથી અશ્મિભૂત અવશેષશાસ્ત્રી પિયેર તેય્‌લ્હાર્દ દ શાર્દેંનાં તારણોનો ઉલ્લેખ કરવો મને ગમશે.

(જુલિયન હક્સલીની પ્રસ્તાવના સાથેના પુસ્તક ધ ફિનોમિનન ઑફ મેન, કોલિન્સ, લંડન, પૃ. ૫૨) શાર્દેં પૂછે છે:

‘આજના દહાડા સુધી, જગતને બહારથી જોવા સિવાય, વિજ્ઞાને કદી તકલીફ ઉઠાવી છે?’

અને (એજન, પૃ. ૫૩ પર) એ આગળ ચાલે છે:

‘ઓછામાં ઓછું, આજ દિ સુધી, પદાર્થોની બાહ્યતા સિવાય, ભૌતિકશાસ્ત્રીની નજરમાં કશું કાયદેસર રીતે અસ્તિત્વ ધરાવતું નથી. જીવાણુશાસ્ત્રીને માટે એ વલણની છૂટ આપી શકાય છે; એનાં ઉછેરણો (કલ્ચર્ઝ) — કેટલીક તાત્ત્વિક મુશ્કેલીઓને બાદ કરતાં પ્રયોગશાળાના પુન:કર્તા રીએજન્ટ્ઝ ગણાય છે. પરંતુ, છોડોના ક્ષેત્રમાં એ વધારે કઠિન છે. જીવડાંઓના વર્તનનો અભ્યાસ કરતા જીવનશાસ્ત્રીઓની બાબતમાં એ જુગાર બને છે. કરોડરજ્જુ ધારક જીવોની બાબતે નિરર્થક લાગે છે. અંતે મનુષ્ય પાસે આવતાં એ તદ્દન તૂટી પડે છે કારણ; મનુષ્યમાં ભીતરના અસ્તિત્વને આઘું કરી શકાતું નથી; એ સીધી આંર્તદૃષ્ટિનું વસ્તુ છે અને બધા જ્ઞાનનું સત્ત્વ છે.’

(એજન, પૃ. ૫૬ પર) તેય્ લાર્દ દ શાર્દેં આગળ ચલાવે છે:

‘તિરાડમાંથી દેખાતું હોય તે રીતે, જાણે કે, પ્રાણીઓની ભીતર, આપણી સૌની અંદર, ઊંડે ઊંડે, કશુંક ‘‘આંતરિક’’ દેખાય છે. તેની ના પાડવાનું અશક્ય છે. આથી ખાતરી થાય છે કે, થોડે કે ઝાઝે અંશે, આ ‘ભીતર’ સર્વ કાળથી પ્રકૃતિમાં સર્વત્ર વસતા પદાર્થ તરીકે, આડે આવે છે. વિશ્વના પદાર્થને, પોતાના એક બિંદુએ, પોતાનું ભીતરી પાસું હોય છે માટે, એની સંરચનાને બેવડું પાસું હોવું આવશ્યક છે, અર્થાત્ સ્થલ અને કાલના પ્રત્યેક પ્રદેશમાં તેમ હોય છે — એ જ રીતે, જેમ એ કર્ણાત્મક (granular) છે. ‘પોતાના બાહ્ય સ્વરૂપ સાથે, પદાર્થોને પોતાનું આંતરિક સ્વરૂપ પણ છે.’

વિવિધતાના જગતની પાછળ પાયારૂપ એકતા છે એમ, ભારતીય ચિન્તન તથા અર્વાચીન વૈજ્ઞાનિક વિચારણા બંને સ્વીકારે છે. આપણી આસપાસ જગતમાં આપણે જે કંઈ જોઈએ છીએ તેમાં એ પાયાની એકતા વિલસી રહી છે. આ વિચાર ભારતમાં કેટલાંક હજાર વર્ષો જૂનો છે; ભારતીય વિચારણાની સાંખ્ય અને વેદાન્ત શાખાઓમાં આપણને એ દેખાય છે; અને,  અર્વાચીન વિચારણાને અનુસરતી ઢબે જ એને પ્રબોધાતો આપણે જોઈએ છીએ. શિકાગોની ધર્મપરિષદમાં, ૧૮૯૩માં, પોતાના પ્રવચનમાં સ્વામી વિવેકાનંદે કહ્યું હતું (કંપ્લીટ વકર્સ, વૉ.૧, ૧૧મી આવૃત્તિ, પૃ. ૧૩.):

‘લાંબે ગાળે બધું વિજ્ઞાન આ જ તારણ પર આવવાનું છે. આજના વિજ્ઞાનનો શબ્દ વ્યક્તત્વ (Projection) છે, સર્જન (Creation)નહીં અને, હિંદુને આનંદ છે કે, પોતાના અંતરમાં પોતે જ યુગોથી સંઘરી રહ્યો છે તે, વધારે વજનદાર ભાષામાં અને, વિજ્ઞાનનાં છેલ્લાંમાં છેલ્લાં તારણોથી વિશેષ પ્રકાશ સાથે, પ્રબોધાવાનું છે.’

કુદરત અથવા, પ્રકૃતિ માટે, સાંખ્યવાદીઓ બે શબ્દો વાપરે છે: એના સ્વરૂપ માટે પ્રકૃતિ અને, એના પરિવર્તિત રૂપ માટે વિકૃતિ. એ જ રીતે, એના અકર્મણ્ય સ્વરૂપ માટે વેદાન્તીઓ બ્રહ્મ શબ્દ પ્રયોજે છે અને, એ આદિમ અદ્વિતીય સત્ત્વના કર્મઠરૂપને માયા કે શક્તિ કહે છે. આજની વૈજ્ઞાનિક વિચારણા અનુસાર પ્રકૃતિ એટલે વિશ્વના ભૌતિક પાશ્વને આવરી લેતી એકતા; આથી ઊલટું, વેદાંતીઓનું બ્રહ્મ એટલે આધ્યાત્મિક અને અનાધ્યાત્મિક, ભૌતિક અને અભૌતિક, એવાં વિશ્વનાં બધાં પાસાંઓને આવરી લેતી એકતા, એટલે જગત શું  છે? એ પ્રશ્નના ઉત્તરમાં, બહિર્જગતની હસ્તીઓ અને ઘટનાઓના તથા તેમના આંતર સંબંધોના બાળકના વૃદ્ધિ પામતા  જ્ઞાનનો ઉત્તર સાંપડે છે. બીજો ઉત્તર વૈજ્ઞાનિક વિચારણાની નીપજે છે જે, આપણને, અનેક પાછળના  એકનું જ્ઞાન આપે છે. જગતનાં બધાં અસ્તિત્વો અને બધી ઘટનાઓ, પ્રકૃતિનાં, સ્થલકાલનાં બ્રહ્માંડરજનાં, ગમે તેનાં, સ્વરૂપો હોય પણ તે એક આદિમ તત્ત્વનાં વિકારો કે વિકાસો છે.

અર્વાચીન વૈજ્ઞાનિક વિચારણામાં આધ્યાત્મિક સત્ય કે સિદ્ધાન્તને સ્થાન હજી નથી મળ્યું છતાં, શાર્દેં અને જુલિયન હક્સ્લી જેવા વૈજ્ઞાનિકો વિશ્વના વૈજ્ઞાનિક ચિત્રમાં અધ્યાત્મની અનુભૂતિનું યોગ્ય સ્થાન  આંકવા પ્રયત્નશીલ છે. આ થશે ત્યારે, વેદાન્તની સમીપનું છે તે વૈજ્ઞાનિક ચિત્ર, વધારે સમીપ આવશે અને, વસ્તુઓના ‘બાહ્ય’ અને ‘આંતર’ના જ્ઞાનનો સમન્વય આપણને વિશ્વનું પૂર્ણ ચિત્ર આપશે. વેદાન્ત અનુસાર આ જ્ઞાન છે ત્યારે, બધા ખંડિત મતો કેવળ જ્ઞાનના કે માહિતીના ટુકડાઓ છે.

કાલ અને સ્થલની પાર

ઉપનિષદોનો વિષય વસ્તુઓનું ‘અંતર’નું તત્ત્વ છે. વાસ્તવમાં, મનુષ્યના સાંસ્કૃતિક વારસામાં, આ વિષયનો તેમનો ફાળો એકદમ નોંધપાત્ર છે. પદાર્થોના સત્યના આ પાસાને તેઓ પ્રત્યક્ ચૈતન્ય, પ્રત્યક્ આત્મા કે પ્રત્યક્ તત્ત્વ કહે છે; અને, આ સત્યના આવિષ્કારમાં સ્થૂળ આરંભથી માંડી સંપૂર્ણ આધ્યાત્મિક ઊંચાઈએ માનવચિત્ત પહોંચ્યું તેનાં સોપાનોનો રસિક અહેવાલ ઉપનિષદોમાં સમાયેલો છે. તેમજ, સત્યની પૂર્ણ સમજ માટે, ‘અંતર’ના જ્ઞાનનો ‘બહિર્’ના જ્ઞાન સાથે ઉપનિષદો એ સમન્વય સાધ્યો છે.

આ શ્લોકમાં એ પૂર્ણ દર્શન વ્યક્ત થયું છે. બહારથી જોઈએ ત્યારે, જગત કેવું દેખાય છે? આપણે ભૌતિક વિદ્યાઓમાં તેનો ઉત્તર શોધીએ છીએ; ધર્મ વિજ્ઞાનમાં પણ ખોજ કરીએ છીએ. અને ઉપનિષદ પરંપરામાં સમજ્યા પ્રમાણે, આ બે ઉત્તરોનો સમન્વય તત્ત્વવિદ્યા છે: મુણ્ડક ઉપનિષદમાં જણાવ્યા પ્રમાણે, બ્રહ્મ વિદ્યા સર્વવિદ્યા પ્રતિષ્ઠા છે અથવા, શ્રીકૃષ્ણે ગીતામાં કહ્યા પ્રમાણે ક્ષેત્રક્ષેત્રજ્ઞયોર્જ્ઞાનં યત્ તત્ જ્ઞાનં મતં મમ — ‘પદાર્થોના ‘બાહ્ય’ અને ‘અંતર’ ના જ્ઞાનની એકરૂપતા મારે મતે સત્ય જ્ઞાન છે.’

આ પૂર્ણજ્ઞાનના દૃષ્ટિબિન્દુથી જોતાં અંદર કે બહાર એવું કશું નથી; સંદર્ભ દૃષ્ટિથી જોવા માટેની એ સાપેક્ષ ધારણાઓ છે, ઉ.ત., દેહ; આમ એ સાપેક્ષતાના માળખામાં રમે છે. સત્યને ‘બહાર’ કે ‘અંદર’ નથી; એ સદા પૂર્ણ છે. પૂર્ણ સત્યની સમજણ માટે આ સાપેક્ષ પરિકલ્પનાઓ સહાયરૂપ છે.

આમ આપણને જણાય છે કે, અનેકવિધ અનુભૂતિનું કે, આપણું જ્ઞાન, ઈદમ્, પણ બીજા કશાને આવરે છે, અર્થાત્ અનેકવિધ પાછળની એકતાને અનેકવિધ પાછળની આ એકતા ઈન્દ્રિયગમ્ય નથી; તેનો નિર્દેશ અદ: — એનો અર્થ ‘તે’થી કરવામાં આવ્યો છે; ઈન્દ્રિયાનુભૂતિના ‘આ’ના કરતાં એ દૂરનો નિર્દેશ કરે છે. ‘આ’ ‘તે’નો સહસંબંધી છે; આ સત્યનું પરિવર્તનશીલ સ્વરૂપ છે; ‘તે’ તેનું અચલરૂપ છે. ઈન્દ્રિયાનુભૂતિ પ્રાપ્ત કોઈ વસ્તુનો નિર્દેશ ‘આ’ કરે છે તો, ‘તે’ ઈન્દ્રિયાનુભૂતિની પારની, અતીતની, બાબતને નિર્દેશે છે. એટલે ‘આ’ કહીએ ત્યારે, ‘આ’ની પારની કોઈ વસ્તુનો ગર્ભિત નિર્દેશ છે. ‘આ’ પરિણામ છે; તેથી તે દૃષ્ટિગોચર અને સ્પર્શગોચર છે. અદ: — તે — દૃશ્યમાનની પારના અદૃશ્યને, અનુભવગમ્યની પાછળના અતીતને, કાલ અને સ્થલથી પર કશાકને નિર્દેશે છે ધર્મ આને ‘ભગવાન’ કહે છે. તત્ત્વદર્શન તેને તત્ અથવા અદ: — તે, બ્રહ્મ, અંતિમ સત્ય, આદિકારણ, આધાર અને વિશ્વના ધ્યેય — તરીકે ઓળખે છે.

આમ, આ પહેલો શ્લોક કહે છે કે આ વ્યક્ત જગતની પાર અને પાછળ બ્રહ્મનું સત્ય રહેલું છે; એ શુદ્ધ અસ્તિત્વની પૂર્ણતા છે; પછી એ બનવાના જગતની વાત કરે છે જે, બ્રહ્મ સિવાય બીજું કશુંં નહીં હોઈ, પૂર્ણ જ છે. સંપૂર્ણ સત્યના દૃષ્ટિબિન્દુથી સર્વત્ર પૂર્ણતા વ્યાપેલ છે, સ્થલકાલમાં તેમજ, સ્થલકાલની પારમાં, પછી એ શ્લોક ઉમેરે છે:

પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણ મેવાવશિષ્યતે — ‘બ્રહ્મની પૂર્ણતામાંથી વિશ્વની પૂર્ણતા પ્રગટી છે અને શેષરૂપે પૂર્ણ જ રહેલ છે.’

તો આ શ્લોકનો ભાવ પ્રગટે છે તે ક્યા દૃષ્ટિબિન્દુમાંથી કે, કઈ કક્ષામાંથી? મેં અગાઉ કહ્યા પ્રમાણે, એ પૂર્ણ સત્યનો, નિર્ગુણનો, અનંતનો છે, જેમાં, ‘અંતર’ અને ‘બહાર’ મળી જાય છે. ઉપનિષદો એને સચ્ચિદાનંદ સાગર કહે છે, નિરપેક્ષ અસ્તિત્વ, નિરપેક્ષ જ્ઞાન અને નિરપેક્ષ આનંદ. કાલ અને સ્થલના બધા ભેદથી પર હોવા છતાં એ આવા બધા ભેદો દ્વારા વ્યક્ત થાય છે. ઉપનિષદોના ઋષિઓના વિશુદ્ધ દર્શનને અખિલ વિશ્વમાં પૂર્ણતાનું અસ્તિત્વ દેખાય છે, જે હંમેશા હતું, છે અને રહેશે. ભગવદ્‌ગીતા (૭.૨૬)માં કૃષ્ણ કહે છે:

વેદાહં સમતીતાનિ વર્તમાનાનિ ચાર્જુન ;
ભવિષ્યાણિ ચ ભૂતાનિ માં તુ વેદ ન કશ્ચન —

‘હે અર્જુન, ભૂતકાળનાં, વર્તમાનનાં અને ભાવિનાં બધાં પ્રાણીઓને હું જાણું છું પણ, મને કોઈ જાણતું નથી.’ આ સાચા હુંની પૂર્ણતા. કૃષ્ણ કહે છે કે, સ્થલ અને કાલની, કાર્ય અને કારણની અને ગુણી અને ગુણની બધી મર્યાદાઓની પાર છે. (ક્રમશ:)

Total Views: 64

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.