(ગતાંકથી આગળ)

સિદ્ધિ માટે પ્રયત્ન

બ્રહ્મની એ પ્રકૃતિ છે; અને ઉપનિષદોનું વસ્તુ આ બ્રહ્મ છે. મનુષ્યની સાચી પ્રકૃતિ પણ એ જ છે; અને ઉપનિષદોનું બીજું વિષયવસ્તુ છે મનુષ્યની પોતાના સત્યરૂપની પ્રાપ્તિ, પૂર્ણતાની પ્રાપ્તિ. પૂર્ણતા શબ્દ માનવચિત્તને અજબ રીતે, જકડી રાખે છે. પૂર્ણતા શબ્દ વિશે બોલવું એટલે, સિદ્ધિ વિશે, અખંડતા વિશે, સમગ્રતા વિશે બોલવું; અને આ શબ્દો મનુષ્ય હૃદયની ઊંડી અપેક્ષાઓ કરે છે. એ અપેક્ષાઓ એવી છે કે એમને દાબી શકાતી નથી. માનવહૃદયનો દરેક ધબકાર, જીવનનો પ્રત્યેક સંઘર્ષ એની સિદ્ધિને માટે છે. જિંદગીનું આપણું પ્રત્યેક કદમ સિદ્ધિના ધ્યેયનું છે, એનો હેતુ પૂર્ણતાને પામવાનો છે. નદી સાગરમાં મળવા ચાહે છે; અપૂર્ણાંક પૂર્ણાંકમાં સમગ્રતાને પ્રાપ્ત કરે છે; અને મનુષ્ય ઈશ્વરમાં સિદ્ધિને પામે છે.

અસ્તિત્વની સમગ્ર ઘટનાના આ અર્થઘટનને આજના કેટલાક મહાન જીવશાસ્ત્રીઓના મનમાં સમર્થન સાંપડે છે. ૧૯૫૯ના નવેમ્બરમાં ડાર્વિન શતાબ્દી સમારોહ સંમેલન અહેવાલના ‘એવોલ્ય્‌શન આફટર ડાર્વિન’ નામના ત્રણ ભાગના ગ્રંથમાં જુલિયન હકસ્લી લખે છે (ધ ઍવૉલ્ય્‌શન ઓવ લાઈફ : ઈટ્‌સ ઓરિજિન, હિસ્ટરી એંડ ફય્‌ચર વૉ.૧, સંપાદક : સોલ ટેકસ, યુનિ. ઓવ શિકાગો પ્રેસ, પૃ. ૨૧):

‘આપણા વર્તમાન જ્ઞાનની નજરમાં, મનુષ્યનો સર્વવર્તી હેતુ માત્ર જીવતા રહેવાનો નથી, સંખ્યાવૃદ્ધિનો નથી, વ્યવસ્થાતંત્રને વધારે સુગ્રથિત કરવાનો નથી કે, પોતાના પર્યાવરણ ઉપર વિશેષ કાબૂ મેળવવાનો પણ નથી, પણ, વધારે પૂર્ણતાનો — માનવજાતિના સમૂહ તરીકેની વધારે શક્યતાઓને હાંસલ કરવાનો અને વ્યક્તિ તરીકે વધારે સિદ્ધિને વરવાનો છે.’

પુન: એ સંમેલનની અંતિમ બેઠકમાં ‘ઉત્ક્રાંતિના દર્શન’ વિશે બોલતાં, હકસ્લીએ કહ્યું હતું (એવોલ્ય્‌શન આફ્ટર ડીર્વિનના ઈસ્ય્‌ઝ ઈન વોલ્ય્‌શન, પૃ. ૨૫૧-૫૯):

‘મનુષ્યની ઉત્ક્રાંતિ જૈવિક નથી પણ માનસિક છે; મનોવ્યાપારો અને તેમની નીપજોની આત્મવૃદ્ધિ અને આત્મવિવિધતાના સરવાળા પર આધારિત સાંસ્કૃતિક પરંપરાના તંત્ર વડે એ ચાલે છે. એટલે, ઉત્ક્રાંતિના માનવસોપાનમાં મુખ્ય કદમો જ્ઞાન, વિચારણાઓ અને માન્યતાઓની માનસિક વ્યવસ્થાના નવા ચીલા પાડવામાં ભરાય છે, શારીરિક કે જૈવિક વ્યવસ્થાને બદલે વૈચારિક વ્યવસ્થામાં એ વિકાસ અંકાય છે.’

‘બધાં પ્રધાન વિચારતંત્રો અસ્તિત્વનો અંતિમ તેમજ તત્કાલીન પ્રશ્નો હાથ ધરે છે અથવા, હું એમ કહીશ કે, તત્કાલીન વિચારણા જે અંતિમ પ્રશ્નો વિચારી શકતી હોય તે હાથ ધરે છે. મનુષ્યનો, એ જે જગતમાં જીવે છે તેનો અને, એ જગતમાં તેના સ્થાનનો અને કાર્યનો બીજા શબ્દોમાં કહીએ તો, કંઈક અર્થ આપવાના કાર્યમાં એ સર્વ લાગ્યાં છે….’

‘આપણે એક વખત ખાતરીપૂર્વક માનીએ કે મનુષ્ય પ્રાણીઓ માટે વધારે સિદ્ધિઓ અને માનવસમાજો માટે વધારે પ્રાપ્તિ શક્ય બનાવવી એ મનુષ્યનું ધ્યેય નથી ત્યારે, રૂઢ અર્થમાં ઉપયોગિતા ગૌણ બની જાય છે. ભૌતિક પેદાશની જથ્થાવૃદ્ધિ અલબત્ત આવશ્યક છે કારણ, માનવીની પ્રાથમિક ભૌતિક જરૂરિયાતો એના વિના સંતોષાતી નથી. પરંતુ, તે અમુક હદ સુધી જ આવશ્યક છે. વ્યક્તિદીઠ અમુક ચોક્કસ સંખ્યામાં કેલરીઓ, કોકટૅય્‌લો, ટી.વી. સેટો. કે વૉશિંગ મશીનોના કરતાં વધારે, અનાવશ્યક જ નથી, નુકસાન કારક છે. ભૌતિક ઉત્પાદનનો જથ્થો એક ધ્યેયે પહોંચવાનું સાધન છે, ધ્યેય નથી.’

પ્રકૃતિના અંધ અને નુકસાનકારક ઉત્ક્રાંતિ વ્યપારોને મનુષ્યના ભાવિની સિદ્ધિઓ ઘડવાનું સોંપી શકાય નહીં. આપણી વર્તમાન સ્થિતિએ પહોંચતાં પ્રકૃતિને અર્ધો અબજ વર્ષો લાગ્યાં છે; આ ગતિએ, પૂર્ણ મનુષ્યની ઉત્ક્રાંતિ માટે કેટલાંક અબજ વર્ષો લાગશે. એ માટે, ટેનિસનની ભાષામાં:

‘…દૂરનીએ દિવ્ય ઘટના

જેની ભણી સમગ્ર સૃષ્ટિ ગતિ કરે છે,’

તેની માટે આપણે વાટ જોવી પડશે.

તો શું આપણે તેટલો સમય રાહ જોશું? કે, આપણે તેને હમણાં જ પ્રાપ્ત કરશું? આપણે માત્ર પ્રકૃતિનાં પ્રવાહ સાથે તરશું અને આપણે માટે પ્રકૃતિ તે પ્રાપ્ત કરી દે ત્યારે ને તે રીતે તે પ્રાપ્ત કરીશું? કે પ્રકૃતિના હાથમાંથી આપણું ભાવિ આપણા હાથમાં આપણે લઈ લેશું અને અહીં ને હમણાં જ તે પ્રાપ્ત કરીશું? જુલિયન હકસલી જણાવે છે કે, પોતાની બુદ્ધિ અને કલ્પનાથી સમૃદ્ધ માનવી પાસે પોતાની ઉત્ક્રાંતિના દિશાદોરને હાથમાં લેવાની, અને પોતાનામાં તેમજ પોતાના પર્યાવરણમાં તેને વેગવાન બનાવવાની શક્તિ છે. એ કહે છે (એજન, પૃ. ૨૫૨):

‘મનુષ્ય પાસે મન છે તેથી જ તે, આ ગ્રહનો ધ્યાનાકર્ષક ભાગ અને, ભવિષ્યની ઉત્ક્રાંતિ માટેનો ઘડવૈયો બન્યો છે અને, એ મનના સાચા ઉપયોગથી જ એ અધિકારને તે ભોગવી શકશે. એ તરત સાવ નિષ્ફળ પણ જઈ શકે; એ જાગ્રતપણે એનો સામનો કરે અને, જ્ઞાન અને બુદ્ધિના, કલ્પનાના, સંવેદનાના અને નૈતિક યત્નના, પોતાના બધા માનસિક સ્ત્રોતો એ વાપરશે તો જ એ વિજયી બની શકશે.’

આ ખ્યાલો ઉપનિષદોની વિચારણા અને એમના સૂર સાથે પૂર્ણપણે સુસંગત છે. અદ્યતન વિચારણાની સમૃદ્ધિ માટે, અને, પૂર્ણતાની પ્રાપ્તિ તરફ મનુષ્યની ઉત્ક્રાંતિની ગતિને વેગ આપવા માટે, ઉપનિષદો પાસે ચેતનવંતો માનવ વારસો છે. હકસલી સહિતના અનેક અર્વાચીન વૈજ્ઞાનિકો આ ભારતીય વારસાથી અપરિચિત છે એ દુર્ભાગ્ય છે. એ વારસાનાં અભાવાત્મક – નિમ્ન – તત્ત્વોથી એ લોકો પરિચિત છે. અગાઉ ઉલ્લેખિત પોતાના પ્રવચનમાં હકસલી બે વાર ભારતીય વારસાનો ઉલ્લેખ કરે છે પણ, એ બેઉ કિસ્સાઓમાં, પોતાના ભારત પ્રવાસ દરમિયાન, કાલિને પ્રસન્ન કરવા માટે પોતાના બાળકનું બલિદાન દેનાર કોઈ હિંદુ વિશે પોતાને શું જાણવા મળ્યું તેના ઉલ્લેખો છે. પશ્ચિમમાં વેદાન્તની સ્થિર પ્રગતિ સાથે, આવતી એક બે પેઢીના પાશ્ચાત્ય વૈજ્ઞાનિકો ભારતના ભવ્ય અને આધ્યાત્મિક ચિન્તનથી વધારે પરિચિત થશે ત્યારે, પશ્ચિમને એ વારસાની ગહનતાની અર્વાચીન વિચારણા સાથેના એના નૈકટ્યની અને આજના જગત માટે તેના મહત્વની જાણ થશે.

હકસલી જેવા લોકોનું પ્રતિનિધિત્વ કરતી આજની વિચારણા, વેદાન્તની માફક, ભૌતિક પર્યાવરણ કરતાં મનનું, પંચ મહાભૂતો કરતાં આત્માનું ચડિયાતાપણું સ્વીકારે છે. હવે પછીથી ઉત્ક્રાંતિનો ઘડવૈયો મનુષ્ય છે, એ જીવશાસ્ત્રીઓના વિધાનનો આ અર્થ છે. પરંતુ, માનવ ઉત્ક્રાંતિની આ આગેકૂચમાં, આજની વિચારણાનો ઝોક વધારે પડતો, બાહ્ય પર્યાવરણમાં ફેરફારો કરવા પર છે. મનો-સામાજિક ઉત્ક્રાંતિનાં ઉચ્ચતર સોપાનો વધારે અગત્યનાં છે પણ તેમની ઉપર ઘણો ઓછો ભાર છે; ભારતીય વિચારણામાં સમજાયા પ્રમાણે, ધર્મના અર્થરૂપ ભીતરી પર્યાવરણમાં ફેરફારો કરવાની વિદ્યા અને રીતિનું જ્ઞાન પ્રાથમિક દશાનું છે. આ વાતનો સ્વીકાર કરતાં હકસલી કહે છે કે (એજન, ૨૫૯-૬૦):

‘ઉત્ક્રાંતિમાંની પોતાની પ્રવર્તમાન અગ્રણી ભૂમિકા અને, પોતાની એ ભૂમિકાના ગાળામાં એ ભૂમિકાની વૃદ્ધિ માટે એણે જે કોઈ પ્રયત્નો કર્યા હોય તે છતાં, એ તેને વિશે આશ્ચર્યકારક લાગે તેટલો અજ્ઞાન અને વહેમી પણ છે: મનની ખોજ ભાગ્યે જ આરંભાઈ છે. વીતેલી સદીઓમાં ભૌગોલિક સંશોધનો હાથ ધરાયાં હતાં તે રીતે, આવતા યુગમાં આ કાર્ય હાથ ધરાવું જોઈએ. ભૌગોલિક સંશોધને પ્રગટ કરેલાં તેટલાં જ અચરજો માનસિક સંશોધન પ્રગટ કરશે અને, આપણા અનુજોને પૂર્ણતર અને સમૃદ્ધતર જીવનની બધી શક્યતાઓ હસ્તગત કરી આપશે.’

પોતાના ઈતિહાસમાં હજારો વર્ષોમાં આંતર જગતની આ ખોજ ભારતની એક વિશિષ્ટ પ્રવૃત્તિ રહી છે. ઉપનિષદકાલીન ઋષિઓ, કૃષ્ણ, બુદ્ધ, શંકર અને ભૂતકાળના બીજા ગૌણ કક્ષાના આધ્યાત્મિક તારકો અને વર્તમાનકાળમાં શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ આ ક્ષેત્રમાં આવા સંશોધકો, પ્રયોગ કરનારાઓ અને મનુષ્યના કૃપાવાન ગુરુઓ રહ્યા છે. એ મુક્તિના પ્રબોધકો છે — પ્રકૃતિનાં, આંતરિક અને બાહ્ય, સર્વ બંધનોમાંથી મુક્તિના આધ્યાત્મિક સાક્ષાત્કાર દ્વારા આત્મસિદ્ધિની પ્રાપ્તિ એ સૌ મનુષ્યને શીખવે છે. બ્રહ્માંડવ્યાપારનો અને ઉત્ક્રાંતિનાટકનો ધ્યાનમંત્ર એમને મુક્તિ દેખાય છે; પંચમહાભૂતોની નાગચૂડમાંથી મુક્ત થવા મથતો આત્મા પ્રથમ એ ભૂતોનું પરિવર્તન કરે છે અને પછી એની પાર જાય છે. સ્વામી વિવેકાનંદના રણકદાર શબ્દો (લેક્ચર ઓન ‘માયા એણ્ડ ફ્રીડમ’, કંપ્લીટ વર્ક્સ વૉ.૨, આવૃત્તિ ૯મી, પૃ. ૧૨૫)માં:

‘આપણાં બધાં સુખદુ:ખોની, મુશ્કેલીઓ અને સંઘર્ષોની વચ્ચે એક વિચિત્ર વાત એ જોવા મળે છે કે, આપણે ચોક્કસપણે મુક્તિ તરફ યાત્રા કરી રહ્યા છીએ. પ્રશ્ન હતો: ‘આ વિશ્વ શું છે? એ ક્યાંથી ઉદ્‌ભવ્યું છે? એ ક્યાં જઈ રહ્યું છે?’ અને ઉત્તર છે: ‘એ મુક્તિમાં ઉદય પામે છે, મુક્તિમાં વસે છે અને મુક્તિમાં એ વિલીન થાય છે.’

પોતાની જાતના અને પોતાનામાં રહેલી અખૂટ શક્તિના ભાનવાળું પ્રાણી કેવળ મનુષ્ય છે. સાથોસાથ પોતાનામાં રહેલી મર્યાદાનું તેને તીવ્ર ભાન છે; આ મર્યાદાને ઓળંગવા એ સંઘર્ષ કરે છે અને આમ, પોતાના અંત:કરણને રણભૂમિમાં, ખરા કુરુક્ષેત્રમાં પરિવર્તન કરે છે. બંધનની ભાવના અને મુક્તિનીભાવના વચ્ચેનો આ સંઘર્ષ જીવનને એનું માધુર્ય અને મહત્વ અર્પે છે, એને કરુણ અને આનંદમય બનાવે છે અને એનાં સ્વપ્નો અને દર્શનો આપે છે. મનુષ્યકક્ષાએ જીવનનો એ જ તો અર્થ છે. પણ આ સંઘર્ષ સનાતન નથી અને, આ અસમાન તત્ત્વો વચ્ચેના ઘર્ષણના કળણમાં ખૂંપી રહેવા માટે મનુષ્ય નિર્માયો નથી. કારણ, આ સંઘર્ષ કરવા દરમિયાન આધ્યાત્મિક તત્ત્વદર્શનના અને પ્રકાશના માર્ગદર્શન હેઠળ, એ સંઘર્ષ મનુષ્યના આધ્યાત્મિક શિક્ષણની અને નીતિની પાઠશાળા બની રહે છે, મનુષ્યને આધ્યાત્મિક શક્તિ, સંકલ્પબળ, હેતુ અને દર્શનની સ્પષ્ટતા સાંપડે છે. અને, પોતાના સાચા આધ્યાત્મિક સ્વરૂપને પામીને અંતે મુક્તિ અને આનંદ પામે છે. મુક્તિ એનો જન્મસિદ્ધ અધિકાર છે અને, ઉત્ક્રાંતિ વ્યાપારના લાંબા જંતરડામાંથી પસાર થયા પછી મનુષ્ય એને પુન: પ્રાપ્ત કરે છે.

બંધિયારપણાના ભય

માનવેતર પ્રાણીઓ આ જાણતાં નથી; પોતાના પ્રશ્નોનું આકલન કરવાની શક્તિ તેમની પાસે નથી. તેમના ઉકેલની તો હોય જ નહીં; એ માટે એમને પૂર્ણપણે પ્રકૃતિ ઉપર આધાર રાખવો પડે છે. બંધનના સાતત્યને સમજવાની શક્તિ માત્ર મનુષ્ય પાસે છે અને એને તોડવા માટેના સંઘર્ષની શક્તિ પણ એની પાસે છે. સુખ કે દુ:ખની, આનંદની કે શોકની, પ્રેમની કે દ્વેષની તીવ્રતા કોઈ પ્રાણી અનુભવી શકતું નથી; એમના ક્ષણિક અનુભવો એમને થતા હોય છે. પણ મનુષ્ય આ બધું અનુભવે છે, પોતાની વિકસિત બુદ્ધિ વડે એ આ સર્વ બાબતે પ્રશ્નો પૂછે છે, પોતાના સંકલ્પથી એ સૌનું નિયમન કરે છે અને, તે બધાંમાંથી સમૃદ્ધ અને સ્થિર ચારિત્ર્ય અને વ્યક્તિત્વનું એ ઘડતર કરે છે. અને વેદાન્ત જણાવે છે કે એમાં તો મનુષ્યની મહત્તા છે; એ પોતાનાથી ઉપર ઊઠી શકે છે; અને આ જીવનમાં જ, આ દેહમાં જ તે આ સ્થિતિને પામે છે, પ્રકૃતિની ઉત્ક્રાંતિ-પ્રક્રિયાને અંતે નહીં. શ્રીમદ્‌ ભાગવત (૩.૭.૧૩ માં) કહે છે:

યશ્ચ મૂઢતમો લોકે યશ્ચ બુદ્ધે: પરં ગત: ;

તાવુભૌ સુખમેધેતે કિલષ્યત્યન્તરિતો જન: —

‘તાણથી મુક્ત અને સુખી માત્ર બે પ્રકારના લોકો હોય છે, તદ્દન મૂર્ખ અને, જેને બુદ્ધિ પરમ ગતિને પામી છે તે (પરમહંસ પદ પામેલી વ્યક્તિ). આ બે સ્થિતિઓની વચ્ચેના લોકો કલેશ અને તાણના વિવિધ તબક્કાઓએ હોય છે.’

આ બે વિરોધી ધ્રુવે ઊભેલા લોકોને કશી યાતના નથી પણ, વિશાળ બહુમતિના બીજા લોકોને મન જીવન એટલે યાતના છે. વેદાન્ત કહે છે કે આ યાતના પ્રાણીનો મુક્તિ માટેનો સંઘર્ષ છે; મનુષ્યની બાબતમાં, આ યાતના એને આગળ લઈ જાય છે. બંધનનું ભાન મુક્તિનું પ્રથમ સોપાન છે. રાજકારણમાં આપણે જોઈએ છીએ કે, પરાજિત રાષ્ટ્રને પોતાના બંધનનું ભાન થતું નથી ત્યાં લગી, એ ઠીકઠીક અંશે શાંતિપૂર્ણ અને આંતરિક પીડાથી મુક્ત હોય છે; પરંતુ, મુક્તિના આનંદનું એને ભાન નથી. પણ, ગુલામ રહેવા કરતાં મોત બહેતર છે એમ પરાજિત રાષ્ટ્રને ભાન થવાનો સમય આવે છે ત્યારથી, એની યાતનાનો અને મુક્તિ તરફની કૂચનો આરંભ થાય છે. ભારતના તાજેતરના ઈતિહાસમાં આમ બનતું આપણે જોયું છે.

આધ્યાત્મિક જીવનમાં બરાબર તેમજ થાય છે. પોતે બદ્ધ છે તે ઘણા લોકો જાણતા પણ નથી. ઈન્દ્રિયોના જગતમાં મળતાં સુખોથી લોકો પૂરા સંતુષ્ટ છે. એમાં દુ:ખ પણ હોય છે પરંતુ, જે થોડુંક સુખ તેમને સાંપડે છે તે જાણે મોટો બદલો છે. વેદાન્ત તેમને સંસારી, બાહ્ય જીવો, કહે છે. આ સંસાર શબ્દ ઉપર શ્લેષ કરીને, પોતાની એક રસિક દૃષ્ટાંતકથામાં શ્રીરામકૃષ્ણ આપણને આ બદ્ધતાથી ચેતવે છે; સંસાર શબ્દનો અર્થ દુનિયા તેમજ દુનિયાદારી બંને થાય છે. શ્રીરામકૃષ્ણ કહે છે કે આપણામાંનો દરેક જણ આ સંસારમાં, આ નામરૂપના જગતમાં રહે છે; મનુષ્ય તરીકે અવતરે ત્યારે ભગવાન પણ સંસારમાં રહે છે. પણ, શ્રી રામકૃષ્ણ કહે છે કે, આપણે ભલે સંસારમાં રહીએ, સંસાર આપણામાં રહેવો જોઈએ નહીં. નાવ પાણીમાં હોય, પાણી નાવમાં નહીં. સંસારમાં રહેતો માણસ સંસારી નથી બની જતો. સંસાર આપણામાં પ્રવેશે છે, નામ અને રૂપના જગતને પોતાને જ ધ્યેય તરીકે સમજીએ છીએ ત્યારે, આપણે બદ્ધ થઈએ છીએ અને, વિકાસ તથા પ્રગતિનો અસ્વીકાર કરીએ છીએ. માનવજીવનમાં એ ભય સદાય ખડો છે અને, કોઈ પણ ભોગે એનાથી દૂર રહેવાનું છે. આધ્યાત્મિક તીવ્રતા અને જાગ્રતિ આપણું ઉત્તમ કવચ છે.

જે મનુષ્યો માત્ર આ ઈન્દ્રિયજગતમાં રત રહે છે તે કદી પ્રયત્ન કરતાં નથી; એ દશાને વેદાન્ત આધ્યાત્મિક અંધાપો કહે છે. લોકો એ તમસમાં જીવે છે અને તેમાં તેઓ સુખી છે. એ સૌ બંધનમાં છે તેમાં તેમને ઘર જેવું લાગે છે. પણ વેદાન્તનો પોકાર છે-યત્નનો, સંઘર્ષનો, ગહનતર મૂલ્યોની સતત ખોજનો, જીવનની અભિવ્યક્તિ ઉચ્ચતર સપાટીનો, કઠ ઉપનિષદના મંત્રના સ્વામી વિવેકાનંદે કરેલા મુક્ત અનુવાદ પ્રમાણે, ‘ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા રહો.’

માનવ આત્માને ઉપનિષદોનો આ શંખનાદ છે. સંતોષ માની બેસી નહીં રહો, ઉત્તમ હવે આવવાનું છે. સમૃદ્ધિ, સત્તા કે જ્ઞાનનાં ક્ષેત્રમાં તમે કશી સિદ્ધિ પ્રાપ્ત કરી હોય; ઉત્ક્રાંતિની કૂચમાં આ મનુષ્યજન્મ પણ મોટી વસ્તુ છે. પણ માત્ર મનુષ્યત્વ પામીને સંતુષ્ટ થઈ બેસી ન રહો; કારણ એ મનુષ્યમાં ઘણું બધું પાશવી તત્ત્વ છે; ઉત્ક્રાંતિનો ઘણો આદિમ કાળ હજી એને ચોંટેલો છે. એક સંસ્કૃત કથન આ અર્વાચીન વિચારને સારી રીતે વ્યક્ત કરે છે: મનુષ્યરુપેણ મૃગા: ચરન્તિ — ‘વિચરે છે મનુષ્યના રૂપમાં પણ એની અંદર પશુ રહેલ છે.’ આપણે એ સતત યાદ રાખવાનું છે કે, ઉત્ક્રાંતિનાં બધાં ભૂતકાળનાં સોપાનોમાંથી આપણને આગળ લઈ જનાર એ પ્રબળ પ્રેરણા હતી અને, આ મનુષ્યની કક્ષાએ, આપણને એણે જ આણ્યા છે. એ કૂચને જારી રાખવાનો, દૂરગામી દૃષ્ટિ અને ભવિષ્યદૃષ્ટિની સહાયથી ઉત્ક્રાંતિના એ સંઘર્ષના વેગને વધારવાનો આપણો અધિકાર છે અને, જાગ્રતિથી તથા સંકલ્પબળે, રસ્તે અટકી પડવાની બધી તકોથી દૂર રહેવાનું છે. વર્તમાનથી તીવ્ર અસંતોષ અને, વધારે ઊંચાઈઓ સર કરવાની તીવ્ર ઈચ્છા, નૈતિક અને આધ્યાત્મિક મહત્તાનાં સાચાં ચિહ્‌નો છે. એ જ્યાં જ્યાં જોવા મળે ત્યાં ત્યાં, સાચી વેદાન્તી ભાવના અને, સાચો જુસ્સો જોવા મળે.

આપણી મર્યાદિત દૃષ્ટિ વસ્તુના માત્ર સાન્તરૂપને જુએ છે; પણ અસ્તિત્વની પૂર્ણતા નિત્યનું સત્ય છે. આ મર્યાદિત દૃષ્ટિને આપણે ખંખેરી નાખીએ, આપણી અંદરની આંખ ખોલીને, વેદાન્ત કહે છે તેમ, અધ્યાત્મદૃષ્ટિથી જોઈએ ત્યારે જ આપણે, આ નિત્ય ઉપસ્થિત પૂર્ણને નિહાળી શકીએ છીએ. ત્યારે એને આપણા સત્ય સ્વરૂપ તરીકે પામીએ છીએ. પછી, આપણી જાતને આપણે ક્ષુદ્ર રજકણ; સંજાોગોના દાસ, બહારથી થોડો આનંદ, થોડું સુખ માગતા ક્ષુદ્ર ભિખારી સમજીએ છીએ. અનંત, અમર અને પૂર્ણનો વારસદાર થવા સર્જાયેલો મનુષ્ય અનુભવના એઠવાડમાંથી આનંદ અને સુખના ટુકડા શોધતો રઝળે છે. વેદાન્તનું ઉત્ક્રાંતિજન્ય દર્શન મનુષ્યની આ કરુણાન્તિકા ખૂલ્લી કરે છે; રાજકુંવર પોતાનો રાજવી વારસો ભૂલી શેરીમાં ભીખ માગતો ફરે છે. આપણા સૌમાં આ મનુષ્ય સ્વભાવ આપણને જોવા મળે છે. એને બદલવો જ રહ્યો. પોતાના દિવ્ય સ્વરૂપનું જ્ઞાન મનુષ્યને આપવું જ રહ્યું. આ આત્મજ્ઞાન છે, આપણા ભિન્ન અહંકેન્દ્રી અસ્તિત્વનું જ્ઞાન નહીં પણ, એ આત્માનું જ્ઞાન જે સર્વનો આત્મા છે; ‘એનામાં આપણે સૌ રહીએ છીએ અને ગતિ કરીએ છીએ એ આપણું અસ્તિત્વ છે.’ જે મુક્તિ આપણો જન્મસિદ્ધ અધિકાર છે તે આ જ્ઞાન આપણને પ્રાપ્ત કરાવશે. આ મુક્તિ પ્રકૃતિની ભેટ તરીકે આપણને મળતી નથી; કોઈના તરફથી ભેટ તરીકે એ પ્રાપ્ત થતી નથી. આપણને જ્ઞાન થાય કે એ સદા આપણી પાસે જ હતી પણ, આપણી જૈવિક ત્રુટિઓને લઈને તેને આપણાથી આઘી રાખવામાં આવી હતી.જૈવિક ત્રુટિઓને ધીમેથી દૂર કરવાના કાર્ય તરીકે વેદાન્ત ઉત્ક્રાંતિને સમજાવે છે અને એ ખામીઓ જીવાત્માની જન્મજાત શુચિતાને અને પૂર્ણતાને એ પ્રગટાવે છે.

શોધો અને તમે પામશો

પણ એને કેમ પામવું? આપણા સાચા સ્વરૂપને આપણે ભૂલી ગયાં છીએ. જગતની ભુલભલમણીમાં આપણે આપણો પંથ ભૂલી ગયાં છીએ. પંથ કોણ બતાવશે? આપણે પોતે જ. મન જેટલું શુદ્ધ તેટલું એને વશ અને નિયમોમાં રાખવું સહેલું. શ્રીરામકૃષ્ણ કહે છે: આકર્ષક ખોરાકથી ખેંચાઈ ઊંદર મૃત્યુના પાંજરામાં દાખલ થાય છે પણ પોતાને પકડાઈ ગયેલો ભાળી છટકવા કોશિશ કરે છે. એને નીકળી જવાનો માર્ગ છે જ પણ, તેનું એને ભાન નથી – એ જ રીતે બદ્ધ મનુષ્યો માટે મુક્તિનો માર્ગ ખૂલ્લો જ છે; પણ બહુ થોડાને તે દેખાય છે. આરંભને તબક્કે એમને બહારનું માર્ગદર્શન ઉપનિષદો પુરું પાડે છે. આત્મોદ્ધારનું આ જ્ઞાન પ્રાચીન ભારતના ઋષિમુનિઓના શુચિ અને સંયમી ચિત્તમાં પ્રગટયું હતું. મનુષ્ય માટે પ્રેમ અને અનુકંપાથી પ્રેરાઈ, એ જ્ઞાનનો વહેતો વારસો તેમણે ભાવિ પેઢીઓ માટે મૂક્યો; એ આશા અને શક્તિની પરંપરા છે, સનાતન વહેતી જ્ઞાનગંગા છે. મનુષ્યજાતને ઉપનિષદની સનાતન પ્રેરણાનું આ રહસ્ય છે; મનુષ્ય જેની સતત ખોજ કરે છે તે પોતાના આંતર અસ્તિત્વનાં ગહન સત્યો ઉપનિષદો તેને આપે છે. આ તત્ત્વ જ એને સનાતન ધર્મ બનાવે છે; આલ્ડસ હકસલી એને ‘સનાતન તત્ત્વજ્ઞાન’ કહે છે. અને અહીં, ‘ઈશ’ ઉપનિષદના સુંદર શાંતિમંત્રમાં, મનુષ્યની ખોજ નિરર્થક નથી તેની ખાતરી આપવામાં આવી છે; પોતાના દર્શનની શુચિતાથી ઋષિઓ જે જોઈ શક્યા તે, આપણે પણ, આપણી દૃષ્ટિ વિશુદ્ધ થયે જોઈ શકશું.

ભગવદ્‌ગીતા પણ આ પૂર્ણતાની વાત કરે છે; ‘સદા ભરાતા અચલ સમુદ્ર’ સાથે એ તેને સરખાવે છે; અને, એ સમુદ્રની ગંભીરતા અને ભવ્યતામાં ખલેલ પાડ્યા વિના તેમાં નદીઓનાં નીર વહે છે. (૨.૭૦ માં) ગીતા કહે છે કે આત્માને પામનાર મનુષ્ય સમુદ્ર સમો થઈ જાય છે; પછી પોતાની કે બીજા કોઈની ઈચ્છાઓ એનામાં પ્રવેશે છતાં, તે પૂર્ણ અને અચલ રહે છે. પણ, અનાત્મવિદ મનુષ્ય, નાનું પાત્ર હોઈને, ઇચ્છાની કોઈ પણ લહેરથી સહેલાઈથી હલી ઊઠે છે.

(ક્રમશ:)

Total Views: 53

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.