સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસે મંત્રદીક્ષા મેળવી હતી. — સં.

સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછી સમગ્ર દેશમાં, વિશેષ કરીને આપણી યુવાન પેઢીમાં આપણા રાષ્ટ્રનું પુનર્નિર્માણ  કરવા માટે ઘણો ઉત્સાહ જણાય છે. તે અત્યંત આવકારદાયક છે. પણ આ કાર્ય કોઈ હાથમાં લે તે પહેલાં ભાવિ ભારતનું સ્પષ્ટ ચિત્ર તેની પાસે હોવું જોઈએ. કોઈ પણ કલાકારે પોતે ચિત્ર દોરવા માગતો હોય તેની પ્રથમ પોતાના મનમાં સ્પષ્ટ પ્રતિમા ઉપસાવવી જ પડે છે. તે જ રીતે કોઈ ઈજનેર મકાનનું બાંધકામ શરૂ કરે તે પહેલાં એ મકાન, શાળા, હૉસ્પિટલ, ઓફિસ કે નિવાસસ્થાન ક્યા હેતુસર બાંધવાનું છે તેની પૂરી માહિતી મેળવે છે અને તે પછી એ તેનો નક્શો દોરે છે અને તે મુજબ તેનું બાંધકામ કરે છે; એટલે આપણી સામે પણ ભાવિ ભારતનું સ્પષ્ટ ચિત્ર હોવું જોઈએ અને તે પછી રાષ્ટ્રનું નિર્માણ કરવાનું શરૂ કરવું જોઈએ. આપણે ભારતને શું મહાન લશ્કરી રાષ્ટ્ર બનાવવું છે? મને ખાતરી છે કે ના. કેમકે કોઈ લશ્કરી સત્તા લાંબો સમય ટકી નથી. હિટલર અને મુસોલિનીનું શું થયું તે જુઓ.

આપણે એક ગરીબ રાષ્ટ્ર છીએ અને આપણા લોકોને અન્નવસ્ત્ર પૂરાં પાડી શકીએ તે માટે આપણને સંપત્તિની જરૂર છે. પરંતુ શું કેવળ દાળરોટી જ આપણી સમસ્યા હલ કરી શકશે? અમેરિકા અને બીજા સુવિકસિત રાષ્ટ્રો આટલી બધી પ્રચુર સંપત્તિ ધરાવતાં હોવા છતાં તેઓ મનની શાંતિ અને સાચું સુખ શું ખરેખર ધરાવે છે? એમ હોય એવું લાગતું નથી. આમાંના કેટલાક દેશોની યુવાન પેઢી તરફ નજર કરો. સમૃદ્ધિનાં આ સંતાનો, કિશોર-કિશોરીઓ જીવનમાં હતાશા અનુભવે છે અને કશું જ પ્રાપ્ત કરવાનું ન હોવાથી ચારે બાજુ ભટકે છે. તેમાંના કેટલાક તો ખૂબ જ ધનિક છે. પરંતુ જીવનનું કોઈ ધ્યેય નહિ હોવાથી એક પ્રકારની ભયંકર હેતુવિહીનતાનો અનુભવ તેઓ કરે છે-આપણી સ્વતંત્રતાનું રક્ષણ કરવા આપણે લશ્કરી બળ તો જોઈએ છે. પણ આપણા પાડોશીઓને લૂંટવા માટે નહીં. આપણને આપણા ગરીબ આમ સમાજનું ભરણપોષણ કરવા સંપત્તિ તો જોઈએ છે, પરંતુ તે રાષ્ટ્રનો આદર્શ ન હોઈ શકે. આ બે ઉપરાંત કંઈક વધુ જરૂરનું છે. આ સંપત્તિ અને શક્તિની સાથે શાંતિ લાવે તેવું એ શું છે?

આપણા પ્રાચીન ઈતિહાસનો અભ્યાસ કરવો અને અશોક, ચંદ્રગુપ્ત અને કનિષ્ક જેવા સમ્રાટોના સમયમાં આપણું ભારત સુખ-સમૃદ્ધિ અને શૌર્ય વગેરેમાં કેવું મહાન હતું તેને સાચી રીતે મૂલવવું આપણા બધા માટે સલાહભર્યું છે. વેદકાળમાં અને બુદ્ધના યુગમાં દેખીતી રીતે આપણા આદર્શો ભવ્ય હતા. જેથી ભારત ભૂતકાળમાં આવું મહાન બની શક્યું હતું, પણ તો પછી આ અધ:પતન કેવી રીતે થયું? આપણી અધોગતિ શા કારણે થઈ તે આપણે શોધી કાઢવું જોઈએ. એટલે ભાવિ ભારતનું પુનર્નિર્માણ કરવા માટે આપણને જે આદર્શોએ મહાન બનાવ્યા તે સ્વીકારવા જોઈએ અને જેનાથી અધોગતિ થઈ તેને ત્યજી દેવા જોઈએ અને તે સમયે જેનું અસ્તિત્વ ન હતું તે વિજ્ઞાન, ટૅક્નૉલૉજી વગેરે નવેસરથી પૂરાં પાડવા જોઈએ.

આજકાલ આપણે દરેક બાબતમાં વિજ્ઞાનને આગળ ધરીએ છીએ. અમુક બાબત વૈજ્ઞાનિક નથી; તે વહેમ છે, પણ આપણા ભૂતકાળની સદંતર અવગણના કરવી. તેમાં શું શુભ હતું અને છેલ્લાં ત્રણ હજાર વર્ષો સુધી એક રાષ્ટ્ર તરીકે જેણે આપણને ટકાવી રાખ્યા તેની દરકાર ન કરવી અને જે પાશ્ચિમાત્ય ખ્યાલો સમયથી કસોટીમાંથી પાર ઊતર્યા નથી, જે માત્ર બસ્સો વર્ષ જૂના અને કેટલાક તો હજુ હમણાંના જ છે તેની પાછળ દોડવું એ વૈજ્ઞાનિક છે? આ ખ્યાલોએ પશ્ચિમના રાષ્ટ્રોની સમસ્યા હલ કરી છે? તેઓને સુખ શાંતિ છે? હોય તેવું લાગતું નથી. તો પછી એ આદર્શો પાછળ દોડવાની શી જરૂર?

આપણે માણસ છીએ. ઈશ્વરે આપણને ઉપયોગ કરવા માટે બુદ્ધિ આપી છે, નહિ કે કોઈ વ્યક્તિ આવે અને આપણને કંઈક જોરશોરથી કહે એટલે તેમના ઢોરની જેમ આપણી જાતને હાંકવા-હંકાવવા માટે. એટલે, મને લાગે છે કે આણે આપણા ભૂતકાળ અને વર્તમાનકાળ વિશે બધાં સાધનો અને માહિતી એકઠી કરીએ, બરાબર વિચારીએ અને ભાવિ યોજના ઘડીએ. આપણે માત્ર લાગણીઓથી દોરવાઈ જવું ન જોઈએ.

સર્વ પ્રથમ તો સૌથી વધુ આવશ્યક્તા છે ચારિત્ર્યની. ચારિત્ર્ય વિના કોઈ પણ મહાન પ્રાપ્તિ થઈ શકે નહિ. મહાત્મા ગાંધી સામે જુઓ. પોતાના ચારિત્ર્યથી તેમણે રાષ્ટ્રને જીતી લીધું અને ઈંગ્લેંડને ભારત છોડી જવાની ફરજ પાડી. તેમણે બંદૂકો, એટમ બોમ્બ વગેરે સાધનોનો ઉપયોગ કર્યો નહિ. એટલે જો આપણે ભારતને મહાન રાષ્ટ્ર બનાવવા માગતા હોઈએ, તો સૌ પ્રથમ તો આપણા ચારિત્ર્યનું ઘડતર કરવું પડશે. અને પછી જ આપણી બુદ્ધિનો ઉપયોગ કરીએ અને શોધી કાઢીએ કે કઈ જાતનું ભારત આપણે રચવા માગીએ છીએ અને ત્યારબાદ તેને માટે કાર્ય કરવાનું શરૂ કરીએ, પછી ભલે તે માટે આપણા જીવનનું બલિદાન આપવું પડે; અને આવા અભ્યાસ માટે સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા આપણે માટે પથ-પ્રદર્શક બની રહેશે. તે લખાણો ભારતીય સંસ્કૃતિની અને આદર્શોની મહત્તાનો આપણને પરિચય કરાવે છે. ભારતના અધ:પતનનાં કારણ, ભારતની વર્તમાન પરિસ્થિતિ અને તેના પુરુત્થાન માટેના માર્ગ વિશે સ્વામી વિવેકાનંદના ખ્યાલોનું એક અવલોકન તે આપણી સમક્ષ રજૂ કરે છે.

(‘કરીએ પુનર્નિર્માણ ભારતનું’માંથી)

Total Views: 91

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.