ઈશ ઉપનિષદ — ૨

આપણે જોયું તે પ્રમાણે, ઈશ ઉપનિષદનો પહેલો શ્લોક ઉપનિષદોના ઋષિઓના મહાન અને ભવ્ય દર્શનનું ફળ આપણને આપે છે — માનવીમાં અને પ્રકૃતિમાં, બધે, પ્રભુનો વાસ છે અને એ વિશ્વના આધ્યાત્મિક સ્વરૂપનું સત્ય છે. હવે જે બીજો શ્લોક આપણે લઈએ છીએ તે એ મહાન દર્શનમાંથી ફલિત થાય છે. કારણ, જો આ દર્શન સત્ય હોય તો, વિશ્વ પૂરેપુરું આધ્યાત્મિક હોય તો, પ્રશ્ન ઊઠે છે : આ જગતમાં મારે કેવી રીતે જીવવું? બીજા શ્લોકમાં આનો ઉત્તર છે. એ આ પ્રમાણે છે :

કુર્વન્નેવેહ કમાર્ણિ જિજીવિષેત્ શતં સમા: ;
એવં ત્યયિ નાન્યથેતોઽસ્તિ ન કર્મ લિપ્યતે નરે —

‘આ જગતમાં મનુષ્યે સો વર્ષ જીવવાની ઇચ્છા રાખવી. પણ, તે કર્મ કરતાં રહીને. આમ, અને બીજી કોઈ રીતે નહીં, મનુષ્ય કર્મથી લેપાયા વગર રહી શકે.’

આ શબ્દોમાં, ઈશ ઉપનિષદ આપણને ખાતરી આપે છે કે, પૃથ્વી પરનું આ જીવન સાર્થક અને મહત્ત્વનું છે. આ જિંદગીથી આપણે નિરાશ થવાનું નથી, એને ટૂંકી કરવા કોશિશ કરવાની નથી કે એનાં રોદણાં રડવાનાં નથી. જીવનનો અર્થ અને એનું મહત્ત્વ સમજીને, આપણે એને પૂરી પડવાનો પ્રયત્ન કરવાનો છે અને, વેદાનુસાર, મનુષ્યજીવનનો પૂરો ગાળો સો વરસનો છે; શતાયુર્‌ વૈ પુરુષ:.  પોતાના ભાષ્યમાં શંકરાચાર્ય કહે છે : તાવદ્‌ હિ પુરુષસ્ય પરમાયુ: નિરૂપિતમ્‌ — ‘મનુષ્યના જીવનની લંબાઈ, ખરે જ, એટલી ઠરાવવામાં આવી છે.’ મનુષ્ય જીવનના ઊંડા અભ્યાસ પછી આમ નિર્ણિત કરવામાં આવ્યું હતું. ઋષિઓ એ તારણ પર આવ્યા હતા કે, વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે સ્વાસ્થ્યસભર જીવન જીવે તો એ સો વર્ષ જીવે; એમણે એ પણ જોયું કે, મનુષ્ય સ્વાસ્થ્યહીન રીતે જીવે, એનો ખોરાક કંગાલ હોય, વાતાવરણની સ્વચ્છતા અસંતોષકારક હોય અને, એની જીવનરીતિ ખોટી હોય તો, એનો જીવનકાળ વધારે ને વધારે ટૂંકો થવાનો. આ સદીના આરંભમાં ભારતમાં જીવનકાળની મર્યાદા ઓગણત્રીસ વરસ જેટલી ટૂંકી થઈ ગઈ હતી; પણ આજે સ્વચ્છતાનાં અને સ્વાસ્થ્યનાં ધોરણોમાં જોરદાર સુધારો થતાં એ વધતી વધતી પચાસની આસપાસ પહોંચી છે. બીજા આગળ વધેલા દેશોની માફક આપણે એને પંચોતેર-એંસીએ પહોંચાડીએ તો, એ પ્રાચીન વૈદિક ધોરણની નજીક પહોંચશે; ત્યારે, માનવજીવનના મૂલ્યનો વૈદિક આદર્શ ભારત સમજશે અને એ જીવનને આનંદ અને ઉત્સાહથી ભરશે.

સો વરસની જીવનમર્યાદાનો આ ખ્યાલ ભારતની પરંપરામાં સ્વીકારાયેલો છે. બ્રહ્મચર્યવિધિમાં, યજ્ઞોપવિત અપાય છે ત્યારે, બટુકને આશીર્વાદ અપાય છે: ‘સો વર્ષ જીવજે, બેટા!’ લગ્નવિધિ પછી વરવધૂ સાથે પ્રાર્થના કરે છે: ‘અમે સો શરદો જીવીએ!’ પણ એમ નથી સમજવાનું કે આ પરંપરામાં કેવળ જીવનની લંબાઈ અભિપ્રેત છે. પોતાના ઈતિહાસના પ્રારંભકાળથી જ ભારતે એ જાણી લીધી હતું કે માત્ર દીર્ઘ જીવન અર્થહીન છે. એ માત્ર રાશિ છે; ગુણવત્તાવાળું  ઉચ્ચતર જીવન ઉત્તમ જીવન છે.

અર્થાત્‌, જીવન વર્ષોમાં લાંબું હોવું જોઈએ એટલું નહીં, પણ એ ગુણવત્તામાં, જ્ઞાનમાં અને આનંદમાં સમૃદ્ધ હોવું જોઈએ. અને આ બીજા શ્લોકનું એ જ તો મહત્ત્વ છે. ઉપનિષદ કહે છે કે આપણે સસો વરસ પૂરાં જીવવા યત્ન કરવો જોઈએ પણ એ જીવન આનંદમય અને ઉત્સાહમય હોવું જોઈએ. જીવનની ધમાલમાં, જીવનને આ ગુણવત્તાથી રસવું આત્મજ્ઞાનથી, આપણા દિવ્ય સ્વરૂપના ભાનની જાગ્રતિથી જ શક્ય છે. આમ ન કરીએ ત્યાં સુધી આપણે માત્ર અંધકારમાં નહાતા રહીશું; ને જિંદગી જેટલી વધુ લાંબી તેટલો અંધકાર વધુ ગાઢ; એકલાપણાની લાગણી અને નિરાશા પણ તેટલીં વધુ ગાઢ; જે ઔદ્યોગિક સંસ્કૃતિમાં આપણે જીવી રહ્યા છીએ તેમાં વાર્ધક્યનું એ પ્રધાન લક્ષણ છે.

આમ, વેદાન્ત દૃષ્ટિની પૂર્ણતાના બે ખ્યાલ ઈશ ઉપનિષદ આપણને આપે છે; આ દૃષ્ટિબિન્દુને સર્વાંગી આધ્યાત્મિકતા તરીકે ભગવદ્‌ગીતાએ વિકસાવેલ છે અને, જેને, આપણા સમયમાં, સ્વામી વિવેકાનન્દના સંદેશમાં વિશેષ અને પૂર્ણતર અભિવ્યક્તિ સાંપડી છે. અ બે પાયાના વિચારો જીવનની પૂરી આવરદા જીવવાનું કહે છે, જીવનમાં અને જીવનની બાબતોમાં ઊંડા રસ સાથે આનંદથી અને ઉત્સાહથી જીવવાનું કહે છે પણ, મનુષ્યના અને વિશ્વના સાચા સ્વરૂપને ઓળખીને, સર્વને ‘ઈશાવાસ્ય’ જાણીને, આમ કરવાનું છે. આળસ અને અણગમાને વશ કરીને, આપણે કર્મ કરવાનાં છે, આપણા દીર્ઘ જીવનને સારાં અને ઉપયોગી કર્મોથી ભરવાનું છે. પરંતુ, એ બધું કાર્ય દિવ્ય જ્યોતિના પ્રકાશમાં કરવાનું છે અને મર્ત્ય માનવીએ આ જીવનમાં જ અમર બનવાનું છે.

જિજ્ઞાસુનું હૃદય પૂછે છે: ‘ઈશ્વર સત્ય છે, એ બધાના આત્મા રૂપે રહેલો છે તો, મારું આ ક્ષણિક જીવન મારે કેવી રીતે જીવવું?’ પ્રભુને બધામાં મૂકી દે, આ ઉપનિષદ આજ્ઞા કરે છે; પ્રભુમાં અને પ્રભુ દ્વારા તારું જીવન વ્યતીત કર અને જીવનની મજા લૂંટ; કારણ એ સર્વ જીવોનું, સર્વ પદાર્થોનું સત્ય છે. જીવનમાં અને એની સિદ્ધિઓમાં પ્રભુનું આ સત્ય પ્રકાશે નહીં ત્યારે, એ બધું ક્ષુલ્લક બની જાય છે. જીવનની ક્ષુલ્લકતાનો પોતાનો જ વિચાર કરીએ ત્યારે જ તે ક્ષુલ્લક છે. આ ઉપનિષદ કહે છે કે આ ખોટી રીત તજી દો અને, ઈશ્વરનાં સત્યનો સ્વીકાર કરો અને જુઓ કે, જીવનનાં સાવ ક્ષુલ્લક પાસાંઓ હેતુ અને મહત્ત્વ વડે કેવાં ઝળહળી ઊઠે છે. શ્રી રામકૃષ્ણના શબ્દોમાં એકલા મીંડાંની – શૂન્યની – કંઈ કીંમત નથી; એકની પડખે બીજું મીંડું આપણે માંડીએ અને એમ મીંડાં માંડ્યાં જ કરીએ પણ એમની કશી જ કીંમત નહીં થાય. પરંતુ, એ શૂન્યની – કે શૂન્યોની હારમાળાની – આગળ એકડો મૂકશું કે તરત જ એ શૂન્ય – કે શૂન્યો – સાર્થક થશે; અને દરેક વધારાનું શૂન્ય. આમ બનતી સંખ્યાનું મૂલ્ય ઉત્તરોત્તર વધારતું જશે. વેદાન્ત અનુસાર એ એકડો તે બ્રહ્મ છે, બધામાં વસી રહેલો આત્મા છે. અને આપણે સૌ એનામાં જ જીવી અને મરી રહેલાં છીએ. અંગ્રેજ કવિ શેલી ગાય છે (એડોનેઈસ, ૫૨):

એક રહે છે, અનેક પરિવર્તન પામી જતાં રહે છે;

સ્વર્ગનો પ્રકાશ નિત્ય રહે છે, પૃથ્વીના પડછાયાઓ નાશવંત છે.

પરંતુ, આ સત્ય સમજવા માટે, જિજ્ઞાસાવૃત્તિ આવશ્યક છે કારણ, એ જ જીવનને આનંદથી છલકાતું બનાવે છે. મહાન સત્યો જીવનની સપાટી ઉપર નથી તરતાં પણ, એના ઊંડાણમાં રહેલાં હોય છે. છીપલીઓ સમુદ્રની સપાટીએ મળે પણ, શ્રીરામકૃષ્ણ કહે છે કે, મોતી માટે ડૂબકી મારવી પડે. જીવનનાં ઉપરછલ્લાં પાસાંઓનો જ વિચાર કરીએ તો, તેઓ આ સત્ય પ્રગટ કરતાં નથી. પણ, જીવનનાં ઊંડાણમાં ડૂબકી મારી ઈશ્વરના સત્યનાં આધ્યાત્મિક જીવનનાં સત્યના, મૂલ્યવાન મોતી સપાટીપરના પ્રકાશમાં લાવવાની હિમ્મતવાળા માણસો થયા છે. ઉપનિષદ આવાં મૌક્તિકોનો ભંડાર છે. ઈશ્વરના જ્ઞાનનો બોધ પામીને ઉપનિષદના ઋષિઓ આપણને જણાવે છે કે, સપાટી પરનાયે જીવન સાથેનું જીવન, સ્વત: મંગલ છે. આપણે આનંદથી અને ઉત્સાહથી જીવવું જોઈએ અને,  એમ કરતાં કરતાં, આ આનંદ અને ઉત્સાહનું મૂળ શોધવાનો યત્ન કરવો જોઈએ. આ રીતે આયોજિત જીવન સુગ્રથિત અને સાર્થક થાય છે. અને જીવનની લંબાઈ ઊંડાણમાં રહેલાં મોતીને પામવા માટેની તક અને પળ બની જાય છે.

વેદાન્તમાં, ઉપનિષદોના તત્ત્વદર્શનમાં અને ભગવદ્‌ગીતામાં આ ભાવાત્મક દૃષ્ટિકોણ આપણને સાંપડે છે. આ ફિલસુફીમાં રોદણાં નથી. આંસુના દરિયા તરીકેનો જીવનનો ખ્યાલ ભારતમાં પાછળથી પ્રવેશ્યો અને, જેમ જેમ આપણે એને વધારેને વધારે છાતીએ વળગાડતાં ગયાં. તેમ તેમ આપણે જીવનને દુ:ખમય માનવા લાગ્યા. ભારતને એના આ વેદાન્તી વારસાનો પોકાર કરતાં સ્વામી વિવેકાનંદ કહે છે: (લેકચર ઓન વેદાન્ત એણ્ડ ઈટસ એપ્લિકેશન ટુ ઈંડિયન લાઈફ’, કંપ્લીટ વર્ક્સ. વૉ. ૩. પૃ. ૨૩૮):

‘ને હું જેમ ઉપનિષદ વધારે વાંચું છું તેમ, મારા મિત્ર, મારા દેશબંધુઓ, હું તમારે માટે વધારે રડું છું કારણ, તેમાં મોટો વ્યવહાર વિનિયોગ છે. આપણે આવશ્યકતા છે બળની : બળ કોણ આપશે? આપણને નિર્બળ કરનાર હજારો છે અને, આપણી પાસે વધારે પડતી કથાઓ છે. આપણા દરેક પુરાણને તમે નિચોવો-દબાવો તો, જગતનાં પોણા ભાગનાં પુસ્તકાલયો ભરાઈ જાય એટલી કથાઓ સાંપડશે. પાછલા હજાર વર્ષથી આપણી જાતિને નિર્બળ બનાવનારી બધી વાતો બની ગઈ છે. એટલે, તમારા લોહીનું લોહી, તમારી સાથે જીવનાર અને મરનાર તરીકે મને કહેવા દો કે, આપણને બળની, બળની અને સદા બળની જ જરૂર છે. અને ઉપનિષદો બળની મોટી ખાણ છે. આખા જગતને શક્તિમાન બનાવે તેટલું બળ તેમાં છે; એમના વડે સમગ્ર જગત ચેતનવંતું, બળવાન, શક્તિસંપન્ન બનાવી શકાય. બધી જાતિઓના, ધર્મોના, સંપ્રદાયોના નિર્બળ, દરિદ્ર અને દલિત લોકોને ઉપનિષદો રણશિંગું ફૂંકે છે કે તમારા પગ પર ઊભા રહો અને મુક્ત બનો: મુક્તિ, દૈહિક મુક્તિ, માનસિક મુક્તિ અને આધ્યાત્મિક મુક્તિ ઉપનિષદોના ધ્યાનમંત્રો છે.’

નબળા લોકોના હાથમાં આવી પડેલો સાચો ધર્મ તેમની નિર્બળતાનો ભોગ બને છે. પોતાના ભગવદ્‌ગીતા પરના ભાષ્યમાં શંકરાચાર્ય આ વાતનો ઉલ્લેખ કરે છે. ગીતામાં કૃષ્ણ કહે છે કે, વિવસ્વતથી મનુ અને મનુથી ઈક્ષ્વાકુ સુધીના મહાનુભાવોએ સન્માનેલો અને આચરેલો આ યોગ પછીથી પાતળો થઈ ગયો અને ભૂલી જવાયો (૪.૧.૨). કૃષ્ણના આ નાનકડા ઉદ્‌ગાર પર ટીકા કરતાં શંકરાચાર્ય ઉમેરે છે કે, નબળાં શરીર અને મનવાળાં તથા અસંયમી ઇન્દ્રિયોવાળાં મનુષ્યોને હાથ પડવાથી, આધ્યાત્મિક જીવનનું આ મહાન વિજ્ઞાન-અને કલા – દુર્બળ થઈ જઈ વિલીન થઈ ગયું. એ જ રીતે, વીરતાનાં તત્ત્વો વિનાનાં, ધર્મનાં લપસામણાં રૂપો ભારતનાં લોકોની સામાન્ય નિર્બળતાને લઈને પ્રચલિત છે એમ સ્વામી વિવેકાનંદનો મત છે, એટલે, એમણે લોકોને પુન: બળ અને નિર્ભયતાનો વેદાન્ત સંદેશ શીખવ્યો અને ઉપનિષદોની આધ્યાત્મિક ઊંચાઈને સમજતાં ને આંબતાં પહેલાં, સંકલ્પની અને ચારિત્ર્યની શક્તિ ખિલવવાનો તેમણે લોકોને અનુરોધ કર્યો. લોકોને શક્તિમાન થવા તેમણે કેટલી બધી વાર કહ્યું છે (એજન, પૃ. ૨૪૨):

‘બળવાન બનો, મારા મિત્રો; તમને મારી એ સલાહ છે. ગીતાના અધ્યયન કરતાં ફુટબોલ વડે તમે સ્વર્ગની વધારે નજીક પહોંચશો. આ વિચારો હિમ્મતવાન છે પણ મારે તમને તે કહેવા જ જોઈએ કારણ, મને તમારી ઉપર પ્રેમ છે….તમારા બળવાન સ્નાયુઓ વડે તમે ગીતાને થોડી વધારે સારી રીતે સમજી શકશો. તમારામાં થોડા બળવાન સત વડે તમે કૃષ્ણની મહાન બુદ્ધિને અને મહાન શક્તિને સમજી શકશો. તમારા પગ પર તમે દૃઢ ઊભા રહેશો અને તમારી જાતને મનુષ્ય તરીકે અનુભવી શકશો ત્યારે, ઉપનિષદોને અને આત્માની ભવ્યતાને તમે વધારે સારી રીતે સમજી શકશો.’

જીવનનો ઉમંગ

ઉપનિષદોના પર્યાવરણને, ભાવાત્મક ચિન્તનના, તાજગીના, શક્તિના, ઉમંગના પર્યાવરણને સ્વામીજીના આ શબ્દો આપણી પાસે આણી આપે છે. ઉમંગ, આનંદ અને શક્તિના પર્યાવરણના ઘણા ખંડો તમને ઉપનિષદોમાં સાંપડશે. તૈત્તરીય ઉપનિષદમાં દિવ્ય સ્વરૂપનું કેવું સુંદર વર્ણન (૨.૭) સાંપડે છે :

રસો વૈ સ: ;
રસં હ્યેવાયં લબ્ધ્વાનન્દી ભવતિ ;
કો હ્યેવાન્યાત્ ક: પ્રાણ્યાદ્,
યદેષ આકાશ આનન્દો ન સ્યાત્ —

‘એ, ખરે જ, રસ છે; એ રસને પ્રાપ્ત કરીને મનુષ્ય, ખરે જ, આનન્દમય થાય છે. રસનો આ અનંત વિસ્તાર ન હોત તો, કોણ જીવી શકત, કોણ શ્વાસ લઈ શકત?’

આ ઉપનિષદ કહે છે કે, ઈશ્વરનું સ્વરૂપ રસમય – આનંદમય – છે અને, જીવનમાં, ઇન્દ્રિય જીવનનાં પણ, જે નાના આનંદો આપણે અનુભવીએ છીએ તે સકળ પરમાત્માના અનંત આનંદના કણો છે.

આગળ ચાલતાં તૈત્તરીય ઉપનિષદ મનુષ્યના આનંદની ચર્ચા કરે છે. સૈષાનન્દસ્ય મીમાંસા ભવતિ — ‘હવે આનંદની મીમાંસાનો આરંભ થાય છે’ — એ ભવ્ય ઉદ્‌ગાર પછી, એ જેને સુખનું કલનશાસ્ત્ર કહી શકાય તે આપે છે. એ જાણવું રસપ્રદ છે કે, ચાલુ ધર્મશાસ્ત્રો કરે છે તેમ, આ ઉપનિષદ પોતાના કલનશાસ્ત્રનો આરંભ સ્વર્ગના આનંદને એકમ તરીકે સ્વીકાર કરતું નથી; ઊલટું, ધાર્મિક દૃષ્ટિએ જે સાવ ન માની શકાય તેવું લાગે તેવા સ્થળથી, યુવકથી, કરે છે! અને આમ કરીને, તે પોતનો તાજગીભર્યો, ભાવાત્મક દૃષ્ટિકોણ પ્રદર્શિત કરે છે. એ ઉપનિષદ કહે છે (૨.૮) :

યુવા સ્યાત્ સાધુયુવા અધ્યાયક: ;
આશિષ્ઠો દૃઢિષ્ઠો બલિષ્ઠ: ;
તસ્યેયં પૃથિવિ સર્વા વિત્તસ્ય પૂર્ણા સ્યાત્ ;
સ એકો માનુષ આનન્દ: —

‘એક સદ્‌વૃત્તિવાળા સારું ભણેલા યુવાનને લો; એ આશાથી પૂર્ણ છે, મનનો દૃઢ છે અને શરીરે બળવાન છે; આ પૃથ્વીની બધી સંપત્તિનો એ સ્વામી થાય; મનુષ્ય આનંદનું એ એકમ છે.’

એકમ નક્કી કર્યા પછી, એક યુવાનના સુખના ગુણાંકોમાં, માનવી અને દૈવી, બધા પ્રકારનું સુખ માપવા એ આગળ વધે છે. પણ આપણે જોઈએ છીએ કે, મનુષ્યસુખના એકમ તરીકે યુવાનથી આરંભ કરી, એ ઉપનિષદ ગમે તેવા દરેક યુવાનને સ્વીકારતું નથી. માત્ર યુવાન છે માટે કોઈ પણ યુવાન કે યુવતી ચાલી શકે નહીં. આપણી ચોમેર નજર કરતાં, આપણે એવાં ઘણાં યુવક યુવતીઓને જોઈએ છીએ જેમને માનુષઆનંદના એકમ તરીકે સ્વીકારી શકાય નહીં; એમાંનાં ઘણાં ઊતરેલ ઘોડાં જેવાં અને ઢંગધડા વગરનાં હોય છે, ભલે દેહે જુવાન હોય : જુવાની આવતાં પહેલાં જ તેઓ ઘરડાં થઈ ગયાં હોય છે! એટલે, મનુષ્યના સુખના એકમની ગરજ તેઓ સારી શકે નહીં. યુવાની ઉપરાંત એ ઉપનિષદ અન્ય છ અંગોનો સમાવેશ કરે છે. સારપ, સારો સ્વભાવ બીજે ક્રમે આવે છે ; ત્રીજું છે શિક્ષણ—એ સર્જનાત્મક બુદ્ધિની પ્રેરણા અને તેનો વિકાસ દર્શાવે છે; ભવિષ્યને ઉત્સાહથી ભેટવું જેનાથી શક્ય બને છે તે આશા ચોથે છે; પાંચમું સ્થાન મનની અને સંકલ્પશક્તિની દૃઢતાનું છે; અને છઠ્ઠે છે શરીરબળ, શરીરસ્વાસ્થ્ય અને તંદુરસ્તી. આ છથી  ઉપનિષદને સંતોષ નથી અને સાતમે સમૃદ્ધિને ઉમેરે છે. સમૃદ્ધિ, પૈસા વિના યૌવન, સારમણસાઈ, શિક્ષણ, આશા અને બળ અપૂર્ણ છે એમ, એ ઉપનિષદ કહે છે; જગતમાં આગળ વધવા માટે યુવાન પાસે પૈસા ઉપર અંકુશ હોવો જોઈએ. તો આમ, મનુષ્યસુખના એકમની વ્યાખ્યા આપીને, સુખના બીજા બધા પ્રકારોનો અંદાજ કાઢવા એ આગળ વધે છે અને, આ એકના સોના ગુણાંકની સંખ્યાઓમાં તે તે આપે છે; આ ચડતા ક્રમમાં દેવદૂતો અને દેવો આવે છે અને પ્રજાપતિ સુધી તે પહોંચે છે. પરંતુ, ઉપનિષદ કહે છે કે, યુવાનના સુખથી માંડીને પ્રજાપતિના સુખ સુધીનાં બધાં સુખોના સરવાળા બરાબર બ્રહ્મનો સાક્ષાત્કાર કરનારનું સુખ છે. આવા મનુષ્યે ઇન્દ્રિયોની અને ઇન્દ્રિયબદ્ધ મનની ગુલામી તજી દીધી હોય છે. આધ્યાત્મિક સાક્ષાત્કાર અમેય સુખ આપે છે કારણ, એ આપણને બ્રહ્મની સાથે જોડે છે; આનંદના એ સાગરનાં બીજાં સુખો તો કણમાત્ર છે. અને દરેક યુવાન આ સિદ્ધિનો હકદાર છે, જેને લઈને એ દેવદૂતો કે દેવો કરતાં પણ ચડિયાતો બને છે. મનુષ્યની આ સર્વોત્તમ સિદ્ધિ છે એમ ઉપનિષદો કહે છે.

શ્રીરામકૃષ્ણે, બુદ્ધે કે જીસસે અનુભવેલા સુખની ક્ષણભર કલ્પના કરો. એમના સુખની તોલે જગતમાં શું ઊભું કરી શકે? તેઓ સ્વર્ગમાંના દેવદૂતો અને દેવો જેટલા સુખી છે તેમજ, પૃથ્વી પરના યુવાન રાંક છે; બ્રહ્મનો સાક્ષાત્કાર કરનાર એ સૌની સમાન છે પણ, કોઈ એની સમાન નથી – શંકરાચાર્ય (વિવેકચૂડામણિ : શ્લોક ૫૪૩માં) તેને આમ વર્ણવે છે:

નિર્ધનોઽપિ સદા તુષ્ટોપ્યસહાયો મહાબલ: ;
નિત્યતૃપ્તોપ્યભુંજાનોપ્યસમ: સમદર્શન: —

‘નિર્ધન હોવા છતાં, સદા સંતુષ્ટ, કોઈનીયે સહાય વિનાનો હોવા છતાં, મહા બળવાન છે, કોઈ ભોગ ભોગવ્યા વિના એ સદા તૃપ્ત છે અને, કોઈ એની સમાન નથી છતાં એ સમદર્શી છે (‘એ’ એટલે બ્રહ્મનો સાક્ષાત્કાર પામેલ વ્યક્તિ).’

કોઈ મોટું નથી, કોઈ નાનું નથી કારણ, બધામાં એ જ આત્મા વસી રહેલો છે અને તેણે આ સત્યનો સાક્ષાત્કાર કર્યો છે. પણ આપણે આધ્યાત્મિક વિભૂતિ તરીકે ઓળખીએ છીએ, એ એટલો ઊંચો છે, એટલો મહાન છે. શ્રીરામકૃષ્ણ સર્વની સાથે મિત્રભાવે અને સમાનભાવે વર્તતા પણ, પોતાના કરતાં એ કેટલા ઊંચા છે તેનું જ્ઞાન એ સૌને થયું હતું. ઉપનિષદો કહે છે કે બ્રહ્મવેત્તાની આ સનાતન કીર્તિ છે. મનુષ્યના સુખનું અને આનંદનું પણ તેમ જ છે.

ભારતના સંદર્ભમાં, ઉપનિષદોમાં આલેખાયેલા મનુષ્યસુખના પ્રાથમિક એકમથી માણસ હજી ઘણે, ઘણે, દૂર છે; આર્થિક અને સામાજિક સુધારણાનાં પગલાં દ્વારા, સામાજિક અસ્તિત્વનાં સદ્‌ગુણો અને છટાઓ, આનંદો અને ઉમંગો અને વિવેકાનંદના શબ્દોમાં, મનુષ્યમાં અંતર્નિહિત રહેલી પૂર્ણતાને પ્રાપ્ત કરવાની કેળવણી એણે પ્રાપ્ત કરવાનાં છે. એમને મતે મનુષ્યની આધ્યાત્મિક કેળવણીનું આ પ્રથમ સોપાન છે; સ્વામી વિવેકાનંદ એને મનુષ્ય ઘડતર કહેતા. આના પછી જ ધર્મ, આત્મસાક્ષાત્કાર, બ્રહ્માનંદની પ્રાપ્તિ આવે છે. દૈવત્વ એ મનુષ્યત્વની પૂર્ણતા છે, તેનો નકાર નહીં. દૈવી સુખ પાછળ દોટ મૂકતાં પહેલાં મનુષ્યે મનુષ્યસુખ હાંસલ કરવું જોઈએ ; નહીં તો, ધર્મ સસ્તો થઈ જશે અને એના દ્વારા પ્રાપ્ત થતું સુખ મિથ્યા હશે. એટલે, પોતાના દેશબાંધવોને વિવેકાનન્દે અનુરોધ કર્યો હતો (કંપ્લીટ વર્ક્સ,  વૉ. ૫, ૭મી આવૃત્તિ, પૃ. ૧૦-૧૧):

‘આવો, મનુષ્ય બનો! તમારાં દરમાંથી બહાર આવો અને દેશ બહાર નજર કરો. રાષ્ટ્રો કેવાં આગળ ધપી રહ્યાં છે તે જુઓ? તમે માનવીને ચાહો છો? તમારા દેશને તમે ચાહો છો? તો ચાલો, આપણે ઊંચેરી અને વધારે સારી બાબતો માટે મથીએ… રંકો માટે સહાનુભૂતિ અને ભૂખ્યાં માટે ભાખરી, આમ પ્રજા માટે જ્ઞાનનો પ્રકાશ અને, તમારા પૂર્વજોના શોષણથી પશુની કક્ષાએ ઊતરી ગયેલાંને મનુષ્ય બનાવવા માટે મૃત્યુ પર્યંતનો સંઘર્ષ.’

આજનો મનુષ્ય ઉપનિષદો પાસેથી જીવન પ્રત્યેનું આ ભાવાત્મક, આનંદદાયક અને ઉષ્માપૂર્ણ વલણ પ્રાપ્ત કરશે. આધ્યાત્મિક દૃષ્ટિએ અંધ લોકો, પછી તે પંડિતો હોય કે સામાન્ય જનો હોય, ધર્મને બધી વિષમતાઓ સાથે જોડે છે; એ સર્વ વિકારી દશા જુએ છે કે અનુભવે છે અને એને નામ આપે છે, અને પૂર્તિને સાચો આધ્યાત્મિક આનંદ કહે છે.

યૌવનમાં જીવનનો ઉત્સાહ છે; ઉત્સાહનું બીજું એવું કેન્દ્ર ઊભું કર્યા વિના એ ઉત્સાહને આંચકી લેવાનું કાર્ય મોટા ભાગનો ધર્મ કહે છે. આવી સમજવાળો ધર્મ. મનુષ્યના વ્યક્તિત્વને સંકુચિત કરે છે, એના રસને મર્યાદિત કરે છે અને એને સ્વકેન્દ્રી બનાવે છે. સાચો ધર્મ ઉત્સાહનો, ઉમંગનો, નાશ નથી કરતો પણ એને પરિશુદ્ધ કરે છે, વિકસાવે છે અને, ઊંચે ચડાવે છે. પેલો ઉત્સાહ સ્વાર્થ આધારિત હતો અને દૈહિક ચેતના તથા માનસિક આકાક્ષાંમાંથી એને બળ મળતું હતું.

અમરત્વના અને નિહિત દિવ્યતાના એના ઈંગિતથી ધર્મે આણેલા જીવનના નવા દર્શનથી આ વિશુદ્ધ થઈ પરિવર્તિત થયેલ છે; તેમજ બાહ્ય જગત સાથે એકતાની ભાવના પણ એ આપે છે. જે ક્ષણે મન ભાન થાય કે હું બધાં સાથે એકરૂપ છું તે જ ક્ષણે, વધારે ગાઢ, વધારે વ્યાપક અને વધારે શુચિકર નવો ઉમંગ મારામાં પ્રગટે છે. બધાંને સુખી કરવામાં મારું સુખ સમાયેલું છે, બીજાંની સેવા દ્વારા તેમને જીવનની સિદ્ધિ પ્રાપ્ત કરાવવામાં મારી જીવનસિદ્ધિ રહેલી છે. ઉપનિષદો અને ભગવદ્‌ગીતાનો આ પાયાનો સંદેશ છે. સર્વ નીતિ અને ધર્મનો અ પારલૌકિક આધાર છે.

(ક્રમશ:)

Total Views: 58

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.