આનંદમય વાર્ધક્ય

આ બધી બાબતોના ઉપલક્ષમાં, ઈશ ઉપનિષદના બીજા શ્લોકના અર્થનો આપણને વધારે સ્પષ્ટ ખ્યાલ આવે છે: ‘આ જગતમમાં સો વરસ જીવવાની આપણે ઇચ્છા રાખવી પણ, તે કર્મ કરતાં રહીને જ.’ માણસે પોતાનું શરીર સાધન તરીકે, કર્મ કરવા માટે, વાપરવું જોઈએ અને કર્મ દ્વારા બહાર સૌન્દર્ય, સમૃદ્ધિ અને કલ્યાણ કરવા તથા ભીતર નૈતિક અને આધ્યાત્મિક વિકાસ સાધવામાં વાપરવું જોઈએ. ચરમ આધ્યાત્મિક અનુભૂતિની પ્રાપ્તિમાં એ સહાય કરી શકે. મનુષ્યના સૌથી મૂલ્યવાન સાધન તરીકે ઉપનિષદો મનુષ્ય દેહને વર્ણવે છે. એના તાર બરાબર ચડાવ્યા હોય તો, એને બરાબર કેળવીને વશમાં રાખ્યું હોય તો, એમાંથી સર્વોત્તમ સંગીત નીપજી શકે. શ્રીમદ્‌ ભાગવતમાં એક શ્લોકમાં ભગવાન મનુષ્યને કહે છે:

એષાં બુદ્ધિમતાં બુદ્ધિ: મનીષા ચ મનીષિણામ્ ;
યત્ સત્યં અનૃતેનૈવ મર્ત્યેનાપ્નોતિ મા અમૃતમ્ —

‘પોતાના અસત્‌ અને મર્ત્ય દેહ વડે અહીં, આ જીવનમાં જ મનુષ્ય મને, અમરને પામે છે એ બુદ્ધિમાનોની બુદ્ધિ અને મનીષિઓની મનીષા છે.’

ધર્મની રીત આ છે, માટે તો, દેહની અને એમાંથી જન્મતાં માનસિક કાર્યોની સંભાળ પર એ ભાર મુકે છે. દુન્યવી કે ધાર્મિક, બધી સિદ્ધિ માટે મનોદૈહિક અસ્તિત્વનું સ્વાસ્થ્ય આવશ્યક છે. યોગ્ય રીતે કેળવાયેલું અને નિયમનમાં રખાયેલું આ અસ્તિત્વ જીવનને સામે પાર – જ્યોતિને અને અમરતાને તટે – આપણને ઉતારશે.

ઉપનિષદોએ અને ભગવદ્‌ગીતાએ આ ભાવાત્મક અને તાજગીભર્યો અભિગમ આપ્યો હતો. પણ સૈકાઓ પછી, એનું સ્થાન નકારાત્મક અને નિર્બળતાપ્રેરક વલણોએ લઈ લીધું અને, પ્રથમ ધર્મમાં અને પછીથી આપણા રાષ્ટ્રીય જીવનનાં બધાં ક્ષેત્રોમાં તેની અસર વર્તાઈ. યત્ન અનેં સંઘર્ષનું સ્થાન આરામે અને રાજી રાખવાની વૃત્તિએ લઈ લીધું છે. મૂલ્ય ચૂકવવાની વૃત્તિ અને શક્તિને અભાવે, ધર્મમાં તેમજ દુન્યવી જીવનમાં, સસ્તા, સરળ અને ઝળપી ફતેહના માર્ગો અપનાવાયા. કોઈ પણ પ્રકારના કાર્યમાં ચારિત્ર્યને ઘડતાં ઉચ્ચ અને ઉત્તમ તત્ત્વોની ખોજ ક્ષીણ થઈ ગઈ. કોઈ તંદુરસ્ત જુવાનને પહાડ ચડવામાં આવતા આનંદના જેવા, ઉચ્ચતર મૂલ્યોની શોધનો લાક્ષણિક આનંદ જીવનમાંથી ધીમે ધીમે અદૃશ્ય થઈ ગયો અને, એના પવિત્ર ક્ષેત્ર પર વિષાદે હલ્લો કર્યો ; કર્મમાં નહીં, અકર્મમાં સુખની શોધ મંડાઈ; મૃત્યુમાં જીવનના ઔપનિષદિક આદર્શનું સ્થાન જીવનમાં મૃત્યુએ લીધું. આ નિર્બળ બની ગયેલા ભારતીય અભિગમનું વર્ણન એક અર્વાચીન કવિની નીચેની બે પંક્તિઓ સાથે બંધ બેસે છે:

નિંદરા મીઠડી છે તેથી વધારે મિષ્ટ મૃત્યુ છે;
કિંતુ છે સર્વથી શ્રેષ્ઠ અજન્મા રહેવું તે સદા.

આ દુર્બળ, પરાજયનું વલણ સદીઓ સુધી ભારતના હવામાનમાં રહ્યું અને માત્ર અભણ લોકોએ નહીં પણ ભણેલાઓએય એ અપનાવ્યું એ મોટું અચરજ છે; અને અચરજ તો એ વાતનું કે ઉપનિષદોના નિર્ભય, જ્યોર્તિમય અભિગમ છતાં આમ બન્યું. પણ આજે હવે, ઉપનિષદોના દિલ હલાવતા શબ્દો ફરીવાર સાંભળીને, ભારત તેના આ વલણને ધીમે ધીમે છોડી રહ્યું છે અને જીવન તથા પ્રકાશને પંથે પળી રહ્યું છે. ભારતને અને જગતને વિવેકાનંદનું એ મોટૂં યોગદાન છે; એ આત્માને ઢંઢોળનાર હતા. પૂર્વમાં અને પશ્ચિમમાં, શક્તિનો અને અભયનો, પ્રેમનો અને સેવાનો સંદેશ તેમણે પ્રબોધ્યો હતો. આપણામાં નિહિત દિવ્ય સ્વરૂપના જ્ઞાનથી પ્રાપ્ત થતા બળથી, આપણા યુવાનો યુવાનીનું જોમ પુન:પ્રાપ્ત કરશે અને આપણા વૃદ્ધો આનંદિત બનશે.

આજે ભારતમાં જ નહીં પણ, સર્વત્ર, મનુષ્ય જીવનને સમૃદ્ધ કરવામાં આ આધ્યાત્મિક વિચારો કેટલો મોટો ફાળો આપી શકે! પોતાના ઝળહળાટ છતાં, પોતાનાં આનંદ અને હાસ્ય છતાં, અર્વાચીન ઔદ્યોગિક સંસ્કૃતિ કેટલુંય કરુણ ગાન પોતાની ચમક પાછળ છુપાવીને બેઠી છે. એ સંસ્કૃતિ મોટા ડૂસકા પર બેઠી છે. જિંદગીમાં નિષ્ફળ થનારાઓ માટે એના ક્રૂર, સ્પર્ધાત્મક વિશ્વમાં કશું સ્થાન નથી; તેમજ, ઉત્પાદન કરતાં મરી ગયેલા વૃદ્ધો અને બિમારોને માટે એમાં કશું માનભર્યું સ્થાન નથી. વળી એ વૃદ્ધ પણ, બીજાંઓ ગુમાવે તે પહેલાં જાતમાં શ્રદ્ધા ગુમાવી બેસે છે. એની આસપાસનું વાતાવરણ એના કાનમાં ગણગણે છે: ‘તારી કોઈને જરૂર નથી.’ યૌવનનો પ્રવાહ એની પડખેથી વહી જાય છે પણ, એ પોતે તો રેતી પર ફંગોળાઈને ઊભો છે. પોતે નીચોવાઈ ગયો છે અને ભંગારના ઢગલા ભેગો કરી દેવાયો છે એમ તેને લાગે છે, અને ખિન્નતા, વિષાદ તથા નરી એકલતા એના પર સવાર થઈ જાય છે.

આવી બાબત ઉપનિષદો ચલાવી લે નહીં. વાર્ધક્ય તિરસ્કારની બાબત નથી; એને એનાં પોતાનાં સૌંદર્યો હોય છે. જુવાન અને વૃદ્ધ બંનેમાં દિવ્યતા વસી રહી છે; અને માનવી માટે સાચા મૂલ્યનું કેન્દ્ર એ જ બની શકે એમ છે; કારણ એ અવિનાશી છે અને એને દૂર હાંકી શકાતી નથી; માનવમૂલ્યની સાચી કસોટી કામ અને આનંદ માટેની શારીરિક શક્તિ હોઈ શકે નહીં. આ ચંચલ છે પણ, દેહના વિકારોથી આત્મા લેપાતો નથી. ઉપનિષદો જુવાન અને વૃદ્ધને આ દૃષ્ટિએ પેખે છે. (શ્વેતાશ્વતર ઉપનિષદ, ૪.૩):

ત્વં સ્ત્રી ત્વં પુમાનસિ ત્વં કુમાર ઉત વા કુમારી;
ત્વં ર્જીણો દણ્ડેન વઞ્ચસિ ત્વં જાતો ભવસિ વિશ્વતોમુખ: —

‘તું સ્ત્રી છે, તું પુરુષ છે; તું કુમાર છે અને વળી તું કુમારી છે. લાકડીને ટેકે ચાલતો વૃદ્ધ તું છે. જુદાં જુદાં તું જ જન્મી રહ્યો છે.’

વધારેને વધારે સંખ્યામાં પોતાના યુવાનો અને વૃદ્ધોને આ ભાન કરાવે તે સમાજ તંદુરસ્ત છે. આજની સંસ્કૃતિને પીડતા બે મુખ્ય પ્રશ્નો છે. એક પ્રશ્ન વાર્ધક્યનો છે અને બીજો ફુરસદનો છે. માનવહૃદયમાં નિહિત દિવ્યતાના સંદેશને તથા, એ દિવ્યતાના સાક્ષાત્કાર કરવાના વધારાના સંદેશને લઈને, અર્વાચીન માનવી માટે વેદાન્ત આશાનો સંદેશ છે. કંટાળામાં અને નિરાશામાન મનુષ્યને જીવવાનું હોય તો, વેદાન્ત તેને સો વર્ષનો પૂરો ગાળો જીવવા કહે નહીં. તમાશા, ઉત્તેજના અને ચાકના ચક્કર જેવું જીવન ગણતા તત્ત્વજ્ઞાન પાસેથી કશાની અપેક્ષા રાખી શકાય નહીં. મનુષ્ય સામે વેદાન્ત બીજો આદર્શ રજૂ કરે છે: વિકાસ, પ્રગતિ, સાક્ષાત્કાર; એમના ઉપલક્ષમાં પરિશ્રમ એ ફૂરસદ સર્જનાત્મક અને બોધાત્મક બને છે. ‘ત્યાગીને ભોગવો’, ઈશ ઉપનિષદ કહે છે; અને ઉમેરે છે કે, ‘આપણાં કર્મો આપણને વધારે બંધનોમાં બાંધે નહીં અને આપણે જેમના વડે સાચા અર્થમાં મુક્ત થઈએ તેવાં કર્મોનો એ જ રસ્તો છે.’ આ આધ્યાત્મિક હેતુ અને દિશા પ્રાપ્ત કરીને, દરેક વીતતા વર્ષ સાથે જીવન વધારે સમૃદ્ધ બને છે. અને ફુરસદ જીવનને ગહન બનાવવાનું તથા શુદ્ધતર આનંદ આપનાર સાધન બને છે. આમ, જીવનમાંથી વધારેને વધારે પ્રાપ્ત કરવાની નીતિ ભૌતિકવાદ અને વેદાન્ત બેઉની સમાન છે. પણ અંતે જે પ્રાપ્ત થાય છે તેમાં બંને વચ્ચે મોટો ભેદ છે.

જીવન સાથે બાથ ભીડવી

ઈશ ઉપનિષદના બીજા શ્લોકનો વિચાર કરતાં, બીજો એક મુદ્દો ધ્યાનમાં લેવાનો છે, જીવનમાંથી વધારેમાં વધારે પ્રાપ્ત કરવા માટે આપણી શક્તિઓને શા માટે વાળવી તેનું બીજું કારણ પણ છે. તે એ છે કે, ઉપનિષદો કહે છે કે, આ દેહમાં જ અને દેહ વડે જ, સત્યનો આવિષ્કાર શક્ય છે. આપણે ભલે સ્વર્ગમાં જઈએ અને દેવને પ્રાપ્ત સુખો ત્યાં ભોગવીએ પણ, ત્યાં કદી સત્યનો સાક્ષાત્કાર પામી શકશું નહીં. અર્થશાસ્ત્રની પરિભાષામાં કહેતાં, જે ગુણો આપણને ત્યાં લઈ જાય છે તેનો ક્ષય થાય છે અને એ ટકતા નથી. વહેલાં કે મોડા એ ખલાસ થઈ જવાના; ત્યાં આપણે નવા ગુણો ઉત્પન્ન કરી શકતા નથી. કારણ કે, એ ક્ષીણ થઈ જાય છે; અને સમય વીતતાં, આપણે ફરી પાછા મનુષ્ય અવતારમાં જન્મીશું અને સત્ય તથા પૂર્ણતા પામવાનો પ્રયાસ ફરી આરંભીશું. તો પછી, ઉપનિષદો કહે છે, અહીં, આ જન્મમાં જ સત્યને પ્રાપ્ત શા માટે ન કરવું? અહીં પૃથ્વી ઉપર કે સ્વર્ગમાં, જીવન કેવળ મોજમજાનું ચક્ર હોય તો, જીવન સાવ બંધિયાર છે એ સત્ય તરફ, પૂર્ણતા તરફ ગમન કરતું હોય તો જ એ ફલદાયી છે. ખૂબ લાંબા પંથના પરિશ્રમ પછી પ્રકૃતિએ માનવદેહ વિકસાવ્યો છે, એમ અર્વાચીન જીવશાસ્ત્ર કહે છે. અને હિંદુ શાસ્ત્રો કહે છે કે ગુણોની મોટી કીંમત ચૂકવીને, મનુષ્યે એનું મનો-દૈહિક સાધન પ્રાપ્ત કર્યું છે. બે બાબતો સિદ્ધ કરવાનું સાધન શરીર છે: અભ્યુદય, એટલે સામાજિક અસ્તિત્વના આનંદો અને નિ:શ્રેયસ્‌, એટલે આધ્યાત્મિક મોક્ષ. એટલે, ઈશ ઉપનિષદ કહે છે કે સો વર્ષ લાંબું આયુષ્ય જીવનને સ્થિરતાથી જીવવાની અને તેની આરપાર જોવાની શક્તિ આપે છે અને આત્મસાક્ષાત્કાર દ્વારા પૂર્ણતા પામવાની શક્તિ આપે છે.

જો કે આ કાર્ય જરાય સરળ નથી; આ ઉદાત્ત હેતુએ બુદ્ધિ અને સંકલ્પને જોતર્યા વગર એ સિદ્ધ થતું નથી. પોતાના એક મનનીય શ્લોકમાં (ચર્પટ મંજરિકા સ્તોત્ર, ૭) શંકરાચાર્ય કહે છે:

બાલસ્તાવત્ ક્રીડાસક્ત: તરુણસ્તાવત્ તરુણીસક્ત: ;
વૃદ્ધસ્તાવત્ ચિન્તામગ્ન: પરે બ્રહ્મણિ કોઽપિ ન લગ્ન:—

‘બાળક રમતમાં આસક્ત છે, યુવાન કામાસક્ત છે; વૃદ્ધ ચિન્તાભારથી ઘેરાયેલો છે: હાય, કોઈ બ્રહ્મમાં મગ્ન નથી.’

જીવનની આ કરુણ દશા છે. જીવનના મૂળ હેતુને ભૂલી જઈ, આપણે દેહમનનો ઉપયોગ જીવનના દ્વૈતીયિક હેતુઓ પાછળ વ્યતીત કરીએ છીએ. તેટલામાં કાળ વીતી જાય છે. જીવન જીવવાનો એક બીજો માર્ગ છે એમ ઉપનિષદો કહે છે; એ માર્ગે જતાં જીવનના અંત સુધી આપણો યુવાનીનો ઉમંગ આપણે જાળવી શકીએ છીએ, પ્રશ્નો પૂછીને, પ્રયત્ન કરીને જીવનના હાર્દને ગ્રહણ કરી શકીએ છીએ અને, બધા ક્ષર પદાર્થોની પાર જે અક્ષર સત્ય રહ્યું છે તેનો સ્પર્શ પામી શકીએ છીએ. મનુષ્ય બુદ્ધિને જીવનનો આ મોટો પડકાર છે. અને ઉપનિષદોમાં વ્યક્ત થયેલી માનવ બુદ્ધિએ આ પડકાર ઝીલ્યો છે અને મનુષ્યજાતને સર્વોચ્ચ ઉત્કૃષ્ટતાની ઝાંખી કરાવી છે. એ આવા સાર્થક પડકારરૂપ છે, માનવ હૃદયને સદા ઠારે છે તે કારણે, વેદાન્ત આ પડકારને અને દર્શનને મૂર્તિમંત કરે છે. યુગો પૂર્વે એ જ્યારે પ્રથમ ઉદ્‌ભવ્યું હતું ત્યારે જેટલું તાજગીભર્યું હતું એટલું જ તાજગીસભર વેદાન્ત અને એનો સનાતન સંદેશ, બેઉ, આજે છે. આ સાહિત્યનો શ્લોક પછી શ્લોક આપણી સમક્ષ જીવવાનો મહાઆનંદ રજૂ કરે છે અને આપણી સંવેદના કેમ તીવ્ર થાય તે બતાવે છે જેથી, વયમાં અને જ્ઞાનમાં જેમ જેમ આપણે પરિપક્વ થતાં જઈએ તેમ તેમ, જીવનના સૌન્દર્યનાં નવાં દર્શનો આપણને લાધે. પોતાના કાવ્ય ‘લાઈન્ઝ એબવ ટિંટર્ન એબી’માં, વર્ડઝવર્થ એવો જ વિચાર નોંધે છે:

અવિચારી જુવાનીની ઘડીમાંના
જુવાનની રીતે પ્રકૃતિને નહીં નિરખતાં
હું શીખ્યો છું; ઘણી વાર મનુષ્ય જાતનું
પ્રશાન્ત, કરુણ સંગીત હું સાંભળું છું;
એ કઠોર કે ઘોંઘાટિયું નથી પણ
વિશુદ્ધ અને વશ કરવાના
પૂરતા સામર્થ્યવાળું એ છે.

આ પરિપક્વતા આપણને સાંપડશે, એની સાથે અનુકંપાનું ભાન એ જગાડશે, આપણા લઘુ અહંકારના કેશોટામાંથી આપણને બહાર કાઢશે અને બીજાંઓનાં સુખદુ:ખ સાથે એકરૂપતા આણશે. આને આધ્યાત્મિક વિકાસ કહેવાય. આ સુંદર વાર્ધક્ય છે, ભીતરનો મનુષ્ય બળવાન અને ચૈતન્યમય થાય છે ત્યારે, બાહ્ય મનુષ્ય ધીમે ધીમે ક્ષય પામતો જાય છે. શ્રીરામકૃષ્ણ આને મૂર્તિવિધાનની રીત સાથે સરખાવતા. સૌ પ્રથમ કાળજીપૂર્વક ઢાળો બનાવવામાં આવે; પછી પીગળેલી ધાતુ એમાં રેડવામાં આવે; પછી એ ઠરી જાય. મૂર્તિ બરાબર જામી જાય પછી, બહારના ઢાળાનું કાર્ય પુરું થઈ જતાં, જરાય દુ:ખ કે દિલગીરી વગર એને ફેંકી દેવામાં આવે.

તો, જીવનને વશ કરવાનું રહસ્ય શું છે? આનો ઉત્તર આ ઉપનિષદ આપે છે; ત્યાગની ભાવનાથી કરેલું કર્મ, આ ટૂંકું, સૂત્રવાક્ય ઉપનિષદબોધની લાક્ષણિકતા છે. પોતાના મહાન સંદેશના બધા સૂચિતાર્થોને પ્રગટ કરવાનો સમય ઉપનિષદો પાસે ન હતો; ઋષિમુનિઓનાં હૃદય સભર હતાં, કારણ, ગહન અને ભવ્ય દર્શનો એમને લાધ્યાં હતાં અને, એની વાત લોકો સમક્ષ તે સંક્ષિપ્ત, સરળ અને સચોટ ભાષામાં મૂકવા માગતા હતા. એમના વિચારોનો વિગતવાર વિકાસ એમણે અનુગામી વિચારકો પર છોડી દીધો હતો. આપણે શું કરીએ છીએ અને તે કેવી રીતે એ આપણા આધ્યાત્મિક વિકાસનો આધાર છે એમ, આ ઉપનિષદ કહે છે. આપણું આખું આયખું આપણે વિવિધ પ્રવૃત્તિઓમાં ગુંથાયેલા રહીએ છીએ; શૈશવથી મૃત્યુ પર્યંત આપણે એક યા બીજી પ્રવૃત્તિમાં રોકાયેલા રહીએ છીએ અને, આપણા જીવનને અંતે, આ બધાં કર્મોનો સરવાળો કરીએ છીએ ત્યારે, આપણને માલૂમ પડે છે કે બંધનમાંથી મુક્ત કરવાને બદલે એ કર્મોએ બંધનની ગાંઠ વધુ મજબૂત કરી છે. આપણાં કૃત્યોને અને જીવનને ગહન અને મહત્ત્વની ઊંડી શોધનું સ્થાન બનાવીશું તો જ, દરેક કૃત્ય એ બંધનને થોડું છેદનારું બનશે અને મનુષ્યને મુક્તિનો થોડો સાચો સ્વાદ મળશે. જીવન ઉપર તત્ત્વદર્શનની કે જ્ઞાનની આ અસર છે. ભગવદ્‌ગીતા (૪.૩૭માં) કહે છે:

યથૈધાંસિ સમિદ્ધોઽગ્નિ ભસ્મસાત્ કુરુતેઽર્જુન;
જ્ઞાનાગ્નિ: સર્વકર્માણિ ભસ્મસાત્ કુરુતે તથા —

‘ભડભડ બળતો અગ્નિ સમિધોના ઢગલાને ભસ્મ કરી નાખે છે તેમ, હે અર્જુન, બધાં કર્મોને જ્ઞાનનો અગ્નિ ભસ્મ કરી નાખે છે.’

તત્ત્વજ્ઞાન કે જ્ઞાન કર્મનો નાશ નથી કરતું, એની બંધનની શક્તિનો નાશ કરે છે. જ્ઞાન જીવનને અને કર્મને પરિશુદ્ધ કરે છે એમ ગીતાનો પછીનો શ્લોક કહે છે:

ન હિ જ્ઞાનેન સદૃશં પવિત્રં ઈહ વિદ્યતે —
‘જ્ઞાનના જેવું પાવનકારી આ જગતમાં કશું નથી.’

શ્રીરામકૃષ્ણ કહે છે કે, બળી ગયા પછી દોરડું બાંધી શકે નહીં, ભલે એનો આકાર દોરડાનો રહે. એ જ રીતે કર્મો માણસને બાંધે છે; પણ એમને જ્ઞાનના અગ્નિમાં બાળી દો; પછી ભલે એમનો આકાર કર્મોનો રહે, એ બાંધી શકશે નહીં. ભગવદ્‌ગીતા (૪.૩૩માં) કહે છે કે, કર્મ તરીકે વ્યક્ત થયેલી પ્રવૃત્તિ-શક્તિ જ્ઞાનમાં ભળી જશે:

સર્વં કર્માખિલં પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે —
‘હે પાર્થ, બધાં કર્મો, પૂરે પૂરાં જ્ઞાનમાં પર્યવસાન પામે છે.’

તો, આપણાં કર્મોને આપણે બાળી નાખી શકીએ એવો જ્ઞાનનો પ્રજ્વલિત અગ્નિ આપણે કઈ રીતે પેદા કરી શકીએ? એનો ઉત્તર, વેદાન્તમાં, ઉપનિષદોના બોધમાં અને ભગવદ્‌ગીતામાં સાંપડે છે. આપણને ઉત્તર જોઈતો હોય તો, આપણે પ્રશ્નનો સામનો કરવો રહ્યો. કર્મથી નાસી જઈને આપણે કર્મથી છટકી શકતાં નથી. વાંદરાઓના એક વૃંદ સાથેનો પોતાનો અનુભવ યાદ કરી, વેદાન્ત પરના, એક વ્યાખ્યાનમાં, લંડનમાં, સ્વામી વિવેકાનંદે કહ્યું હતું તેમ, ‘એ પશુનો સામનો કરો.’ સ્વામીજીએ પ્રથમ દોડવાનો યત્ન કર્યો તો, તે વાંદરાઓ પાછળ દોડ્યા; એ જ વેળા એક વટેમાર્ગુએ રાડ પાડી કહ્યું: ‘દોડો નહીં’ એમની સામે થાઓ.’ અને જેવા સ્વામીજી મોઢું ફેરવી એમની સામે ઊભા રહ્યા કે વાંદરાઓ નાઠા. આંખો મીંચી જવાથી કે નાસી જવાથી ભૂત ભાગી જતું નથી; આપણે ફરી આંખો ખોલીએ ત્યારે એ આપણી સામે ડોળા ફાડશે. જીવનના પ્રશ્નોથી ભાગવાનું નથી; એમનો સામનો કરવાનો છે. એટલે, ઉપનિષદો નાસી જવાના વાદનો પ્રચાર નથી કરતાં, પણ સ્વીકારનો, જીવનનો સામનો કરવાનો, જીવનના પડકારને તત્ત્વદર્શનના પડકારથી, અધ્યાત્મના સામર્થ્યથી ઝીલવાનો સંદેશ એ આપે છે. તેમાં જ એમની તીવ્ર વ્યવહારુતા રહેલી છે. વેદાન્ત કેવળ પારલૌકિક શાસ્ત્ર નથી પણ, અતિ વ્યવહારુ વિજ્ઞાન અને કલા છે — બ્રહ્મવિદ્યા અને યોગશાસ્ત્ર છે. એના સંદેશાનો અલ્પાંશ પણ આપણે આચરશું તો, આપણે ઘણી નિર્ભયતા પ્રાપ્ત કરશું. ભગવદ્‌ગીતા (૨.૪૦માં) કહે છે:

સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત્ —
‘આ ધર્મનો થોડો અંશ પણ આપણને મોટા ભયમાંથી તારશે.’

ઘણી વાર આપણે લોકોને કહેતાં સાંભળીએ છીએ: ‘હું આ બધી પરિલૌકિક અને ધાર્મિક બાબતોમાં માનતો નથી. એ મારો જીવનસિદ્ધાંત છે.’ ચાલે ત્યાં સુધી એ ઠીક છે. પણ, એ લાંબે ચાલી શકતો નથી. ભલું કરવાની વૃત્તિ ઘણી વાર અહંકારનું ફૂલેલું સ્વરૂપ કે હૃદયનો ખાલીપો હોય છે. આ વિચારણાને અનુલક્ષીને ડૉ. રાધાકૃષ્ણન પોતાના એક પ્રવચનમાં કહે છે: આજનો નર કે આજની નારી ધર્મમાં કે ભગવાનમાં માનતાં નથી. પોતે જેને ‘ભલું કરવા નીસરવાનું’ કહે છે તેમાં જ તે માને છે. પણ એમાં ‘ભલું કરવા’ કરતાં ‘બહાર નીસરવાનું’ વધુ હોય છે. ભલું કરવાની ફિલસૂફી સસ્તી છે. એને આધારે જીવનારા લોકો, જીવનના ધક્કા અને કસોટીઓ ખમે છે ત્યારે, એની ઊણપો જોઈ શકે છે. આવા પ્રસંગોએ, પોતાની ‘જગતનું ભલું કરવાની’ સ્થિતિમાનથી મન ઘણી વાર પીછે હઠ કરે છે. વિજય કે પરાજય, સુખ કે દુ:ખની બધી પરિસ્થિતિઓમાં મનને અડગ રાખનાર આધ્યાત્મિક શક્તિ આ વલણ નથી આપી શકતું. આત્માને, આપણી દિવ્ય પ્રકૃતિને, જાણવાથી મહાન શક્તિ પ્રાપ્ત થાય છે; કેન ઉપનિષદ (૨.૪માં) કહે છે:

આત્મના વિન્દતે વીર્યમ્ —
‘આત્માના જ્ઞાનથી શક્તિ આવે છે.’

ચેતવણી

પછી, પાંચ મનનીય શ્લોકોમાં ઈશ ઉપનિષદ આત્માનું સ્વરૂપ અને એની પ્રાપ્તિનાં ફળનું નિરૂપણ કરે છે. પણ એમ કરતાં પહેલાં, પોતાના ત્રીજા શ્લોકમાં, એક ચેતવણી ઉચ્ચારવાનું એને યોગ્ય લાગે છે. એ શ્લોક છે:

અસુર્યા નામ તે લોકા: અન્ધેન તમસાવૃત્તા:;
તાંસ્તે પ્રેત્યાભિગચ્છન્તિ તે કે ચાત્મહનો જના: —

‘જે આત્માને હણનારા છે તેઓ, મૃત્યુ પછી નિશ્ચય, અંધ તમસથી વીંટળાયેલા અસુરોના લોકમાં જાય છે.’

આપણે આત્માને વીસરી જઈએ, ઉવેખીએ અને ક્ષુદ્ર જીવન જીવીએ તો, આપણે કઈ દશાને પામીએ છીએ તેની ચેતવણી આ શ્લોકમાં અપાઈ છે. પ્રતીકાત્મક ભાષામાં ગહન તાત્ત્વિક સત્ય રજૂ કરાયું છે. આપણા દિવ્ય સ્વરૂપના ભાન વિનાનું જીવન ક્ષુદ્ર છે; એ જીવન અંધકારમય અને દુ:ખમય છે. અહીં વપરાયેલો ‘તમસ્‌’ શબ્દ ભૌતિક અંધકાર નથી નિર્દેશતો પણ, અજ્ઞાનનો નિર્દેશ કરે છે; એ અંધકાર આધ્યાત્મિક છે. આ શ્લોક એ અંધકારને નરક સાથે સરખાવે છે. પુરાણોમાં નરકમાં અસુરોનો વાસ છે. વૈકલ્પિક પાઠ અસૂર્યા છે, જેનો સીધો અર્થ ‘સૂર્યપ્રકાશ વગરનો’ પૂર્ણ અંધકાર થાય છે. એવી એક ગુફાની કલ્પના કરો જેમાં આદિકાળથી સૂર્યનું કિરણ પ્રવેશ્યું નથી અને તેથી તે પૂર્ણ અંધકારમય છે. આવી ગુફામાં કોઈને આખી જિંદગી રહેવાનું થાય તે માણસની શી દશા થશે? પોતાના દિવ્ય સ્વરૂપના ભાન વિના જે મનુષ્ય જીવે છે તેની દશા તેવી જ થાય છે. એવી કોઈ વ્યક્તિમાંથી નૈતિક, આધ્યાત્મિક મનુષ્યમાં ઉત્ક્રાંતિ આવું ભાન કરાવે છે. આત્માના સનાતન સત્યને અવગણવું એ પ્રકાશથી દૂર રહી પડછાયાને બાચકા ભરવા જેવું છે.

શ્લોક આગળ કહે છે કે, જે લોકો આવા આધ્યાત્મિક અંધાપામાં જીવવા માગે છે તે આત્મહત્યા કરી રહ્યા છે. આત્મહન: એટલે ‘પોતાની હત્યા કરનારા જનો.’ સામાન્ય આત્મહત્યામાં આપણે માત્ર દેહની હત્યા કરીએ છીએ તે દેહ તો બાહ્ય છે. પણ અહીં આપણે આપણી જાતને, આપણા નિજના આત્માને હણીએ છીએ. દેહનું મૃત્યુ આત્માના મૃત્યુ-જેટલી ગંભીર બાબત નથી. આપણાં સાચાં સ્વરૂપને અવગણીને, એને વિસારે પાડીને, આખો સમય અનાત્મના પડછાયાને બાઝીને, સૌથી ગંભીર પ્રકારની આત્મહત્યા આપણે કરીએ છીએ.

આ શ્લોક પરની પોતાની ટીકામાં, જગતમાં મોટે પાયે આચરાતી, આ અસાધારણ પ્રકારની આત્મહત્યા વિશે શંકરાચાર્ય કહે છે કે:

અવિદ્યાદોષેણ વિદ્યમાનસ્ય આત્મન: તિરસ્કરણાત્‌ આત્મહન ઈત્યુચ્યતે —

‘અજ્ઞાનના અનિષ્ટ (આધ્યાત્મિક અંધાપા)ને લઈને પોતાના નિત્ય વિદ્યમાન આત્માને મનુષ્ય અવગણે છે તે કારણે, તે ‘આત્મહત્યા કરનાર’ કહેવાય છે.’

ઈન્દ્રિયાનુભૂતિઓના પડછાયાને વળગતો, એમને જ સંપૂર્ણ સત્ય માનતો મનુષ્ય અનંતને, પોતાના વ્યક્તિત્વના અમર પરિમાણને અવગણે છે. સંસારનો એ જ અર્થ છે; એમાં મનુષ્ય પોતાના અનુભવપદાર્થમાં ડૂબી જાય છે અને, એનો સત્ય આત્મા અજ્ઞાનના અંધકારથી આવૃત થઈ જાય છે; એ આધ્યાત્મિક આત્મહત્યા છે. આપણે જોયું છે તે પ્રમાણે, સંસારમાં રહેવું એટલે ‘સંસારી બની જવું’ તે નથી. પોતાની એક દૃષ્ટાન્ત કથામાં શ્રીરામકૃષ્ણે સુન્દર રીતે રજૂ કર્યા પ્રમાણે, આપણે સૌ સંસારમાં રહીએ છીએ; સંત અને પાપી, ભગવાનનો અવતાર પણ, સંસારમાં રહે છે. શ્રીરામકૃષ્ણ કહે છે કે, એમાં કશી હરકત નથી પણ, તેઓ ઉમેરે છે કે, સંસાર આપણામાં રહેવો જોઈએ નહીં. હોડી પાણી પર હોય, પાણી હોડીમાં હોવું જોઈએ નહીં કારણ, હોડી માટે એ ભયકારક છે.

(ક્રમશ:)

Total Views: 77

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.