‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માંથી કંઈને કંઈ આપવાની માંગ ઘણા ભાવિકજનો તરફથી આવતી હતી. સત્યપ્રાપ્તિના પંથે ચાલવા, શ્રેયસ્‌નું જીવનપાથેય મેળવવા સૌ કોઈને શ્રેષ્ઠ રીતે ઉપયોગી થાય અને મનની શાંતિ, એકાગ્રતા, ધ્યાન, જપ-તપ સાધના અને આધ્યાત્મિક ઉન્નતિ સાધી શકાય તેવી સામગ્રી આપવાનો અમારો વિચાર હતો. એમાં શ્રીરામકૃષ્ણ સંઘના બારમા ૫૨માધ્યક્ષ અને વરિષ્ઠ સંન્યાસી બ્રહ્મલીન શ્રીમદ્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે બેલુરમઠ, રામકૃષ્ણ યોગોદ્યાન મઠ–કાંકુડગાછી- કલકત્તામાં નિયમિત રીતે સાપ્તાહિક સત્સંગરૂપે આપેલા ધારાવાહિક વ્યાખ્યાનચર્ચાનો સંકલિત બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ’ બહાર પડ્યો. આવા વરિષ્ઠ સંન્યાસી અને વિદ્વજ્જનની ચર્ચાટીકાટિપ્પણ સાથેનાં સંકલિત વ્યાખ્યાનોના અંશો ભાવિકોના લાભાર્થે અહીં આ પત્રિકામાં આપતાં અમે આનંદ અનુભવીએ છીએ. આ ગ્રંથ ગુજરાતીમાં ‘શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ’ના નામે પ્રસિદ્ધ થશે. -સં.

શ્રીરામકૃષ્ણના ભક્તોને એ દૃઢ વિશ્વાસ છે કે શ્રીરામકૃષ્ણ કથામૃતમાં બધા શાસ્ત્રોનો સાર સમાયેલ છે. આટલી સરળ રીતે સહજલબ્ધ અને સહજગમ્ય રૂપે ધર્મનાં ગૂઢ તત્ત્વોનો ઉપદેશ બીજા ગ્રંથોમાં પ્રાપ્ય હોય એવી વાત અમારી જાણમાં નથી. એટલે એ વાત નિઃશંક છે કે કથામૃતનું પઠન અને અનુશીલન-ચિંતનમનન આપણા સૌ માટે મંગલકારી બની રહેશે.

શાસ્ત્રમાં પુનરુક્તિ

આપણને જોવા મળે છે કે કથામૃતમાં એક જ વાતને અનેકવાર કહી છે. છતાંય એમાં પુનરુક્તિ દોષ નથી. ઊલટાનું એ પરમ કલ્યાણકારી છે. કહેવામાં આવ્યું છે કે આપણાં શાસ્ત્રો સનાતન છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ‘સ એવાયં મયા તેઽદ્ય યોગઃ પ્રોક્તઃ પુરાતનઃ’ (૪:૩) ‘હે અર્જુન એ જ પુરાણો યોગ મેં આજે તને ફરીથી કહ્યો.’ જે વાત પ્રાચીનકાળમાં અનેકવાર કહેવાઈ ચૂકી છે એનું જ પુનરાવર્તન કરતાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને આ કહે છે. યુગે યુગે સ્વયં ભગવાન આવિર્ભૂત થઈને ધર્મનાં મૂળ તત્ત્વોની વારંવાર પુનરાવૃત્તિ કરે છે. આમ, વારંવાર અવતરીને તેઓ એક જ સનાતન તત્ત્વને વારેવારે કહે છે તે પુનરુક્તિદોષ નથી. ‘શાસ્ત્રેષુ ન જામિતા અસ્તિ’ – એકજ વાત વારંવા૨ કહેવામાં શાસ્ત્રને કોઈ આળસ-પ્રમાદ હોતાં નથી, કારણ કે આપણું મન જ એવું છે કે જે એકને એક વાત અનેકવાર સાંભળીને પણ એમાંથી કંઈ ગ્રહણ કરે છે – કરી શકે છે કે કેમ એમાં સંદેહ રહે છે. એટલે જ શાસ્ત્રો અનલસ ભાવે વારંવાર કહ્યે જાય છે. જેમ મા પોતાના સંતાનનાં યોગક્ષેમ માટે વારે વારે ઉપદેશ આપે છે, અનેકવાર એ ને એ વાત કહેતાં એ થાકી જતી નથી. કારણ કે એનાથી પોતાના પાલ્યનું કલ્યાણ થશે; બરાબર આવો જ ભાવ શાસ્ત્રોનો છે. શાસ્ત્રોનો જે નિષ્કર્ષ છે, જે સાર તત્ત્વ છે એની વાત શાસ્ત્રો અનેકવાર અને અનેક રીતે કહે છેઃ ‘કથામૃતમાં પણ આપણને આ પરંપરા જોવા મળે છે. શ્રીઠાકુરના ભાણેજ હૃદયરામે એકવાર કહ્યું હતું: ‘મામા, તમે એકની એક વાત વારંવાર કેમ કહો છો?’ શ્રીઠાકુરે જવાબ આપ્યોઃ ‘કેમ ન કહું, ભાઈ? આની પાછળનો આશય એ છે કે એ વાત વારંવાર ન કહીએ તો આપણા જેવાનાં વિક્ષિપ્ત મન પર એની છાપ જ કેવી રીતે પછી પડે?’ એટલે જ એને વારંવાર દોહરાવવી પડે છે. અને આપણે એ સાંભળવવી પણ પડે છે. એટલે શાસ્ત્રોમાં પુનરુક્તિ દોષ નથી. ઋષિવૃંદ ભાગવત્ માં એક સ્થળે કહ્યું છે કે (૧:૧:૧૯) ભગવાનની થા ‘સ્વાદુ સ્વાદુ પદે પદે’ જેવી છે. જેટલી સાંભળીએ તેટલી આપણા અંતઃકરણમાં તેનું રસાસ્વાદન કરવાની નવી શક્તિ આવે છે. જેટલા દિવસો જાય, જેટલું સાંભળીએ એટલું વધારે સમજી શકીએ છીએ અને એટલા વધુ પ્રમાણમાં તેની ભીતર-નિહિત રસનો આસ્વાદ માણી શકીએ છીએ. એટલે જ એક ને એક કથન વારંવાર સાંભળવું પડશે.

કથામૃત-અમૃત સ્વરૂપ, સહજ અને યુગોપયોગી

જે અમૃત આપણને મૃત્યુ-સાગરને પાર કરાવે એ ‘કથામૃત’નું પાન-આસ્વાદન કરવાનો આપણે પ્રયાસ કરીશું. એમની કૃપાથી આપણે જો તેના અલ્પાંશનો મર્મ ગ્રહણ કરી શકીશું તો આપણું જીવન સાર્થક થશે. આપણે એ અમૃતના એક બિંદુને પણ ગ્રહણ કરી શકીશું તો આપણે અમર બની જઈશું. શ્રીઠાકુરની વાણીને ‘અમૃત’ કહેવામાં આવેલ છે. માસ્ટર મહાશયને (‘શ્રીમહેન્દ્રનાથ ગુપ્તે શ્રી ‘મ’ – ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખક) એની તુલના કરવા બીજો કોઈ ન શબ્દ મળ્યો એટલે જ ભાગવતનું અનુસરણ કરીને એમને ‘કથામૃત’ એવું નામ આપ્યું. આ અમૃતનું પાન કરીને મનુષ્ય યુગો સુધી અમર બનતો જશે. આ અમરવાણી માનવના ઘરે ઘરે, ઘરનાં બારણે બારણે પહોંચી જશે, માનવનાં પ્રાણમાં પ્રવેશી જશે, અને એને અમર બનાવી દેશે. આ વાણીના-કથાના અમૃતનું પાન કરવા કોઈ વિશેષ યોગ્યતાની જરૂર નથી. શાસ્ત્ર-ગ્રંથોનું અધ્યયન કરવા વિશેષ યોગ્યતાની આવશ્યક્તા રહે છે. કેટલુંક આવશ્યક મેળવ્યા પછી જ શાસ્ત્રચર્ચા કરવાનો અધિકાર મળે છે. પરંતુ ‘કથામૃત’ની ચર્ચા કરવા આવા અધિકારની આવશ્યક્તા નથી જે કંઈ જાણતા નથી તેમને માટે ‘કથામૃત’તો વધુ સહજભોગ્ય બની રહેશે. અનેક પ્રકારનાં જ્ઞાન માનવને વિભ્રાંત કરી મૂકે છે. માનવના સંશયને વધારી દે છે. વાસ્તવમાં ‘એક જ્ઞાન’ જ જ્ઞાન છે. પ્રથમ દર્શનમાં જ માસ્ટર મહાશયે શ્રીઠાકુર પાસેથી શીખી લીધું કે ભગવાનને જાણવા એનું નામ જ્ઞાન અને એને ન જાણવા તે અજ્ઞાન.

આ જ શીખવાની વાત છે. માસ્ટર મહાશય માટે આ નવી વાત હતી તેઓ શ્રીઠાકુર પાસે શુદ્ધ અંતઃકરણ સાથે ગયા હતા. અને આ જ કારણે શરૂઆતથી જ એમને ‘પોતાના’ ગણીને સ્વીકાર્યા હતા. અને આ વાણી રૂપી-કથા, રૂપી અમૃતને જગતમાં વિતરિત કરવાની મહાન જવાબદારી પણ એમના ખંભે એમની જાણ બહાર નાખી દીધી. શુદ્ધચિત્ત અને વિદ્યાશીલ માસ્ટર મહાશયે શ્રીઠાકુર પાસે જઈને પ્રથમ વાર્તાલાપમાં એ જાણી લીધું કે ‘ભગવાનને જાણવા એનું નામ જ્ઞાન અને એને ન જાણવા તે અજ્ઞાન! આપણે પુસ્તકો વાંચીએ તો એથી આપણી બુદ્ધિ થોડી પરિમાર્જિત તો થાય પણ, જો અંતઃકરણ શુદ્ધ ન હોય તો બુદ્ધિનું આ પરિમાર્જન આપણને તત્ત્વજ્ઞાન પ્રાપ્તિ માટે વિશેષ ઉપયોગી નીવડતું નથી. ‘પોથી પઢ તોતા ભયા, પંડિત ભયા ન કોય.’ શ્રીઠાકુર કહેતાઃ ‘પોપટ રાધાકૃષ્ણ- રામરામ કહે છે, બીજા અનેક શબ્દોનું રટણ કરે છે, પરંતુ જ્યારે એને બિલાડી પકડે કે તુરત જ ટેં-ટેં-ટે કરે છે. એ સમયે એ રાધાકૃષ્ણ કહેતો નથી.’ પાંડિત્ય દ્વારા માનવની બુદ્ધિ તીક્ષ્ણ બને છે પણ એનાથી એના સંશય દૂર થતા નથી. પંડિતાઈથી માનવ પ્રભુને જાણી શકતો નથી. મુંડક ઉપનિષદ કહે છેઃ ‘નાયમાત્મા પ્રવચનેન લભ્યઃ (૩.૨.૩) આત્માને બહુ શાસ્ત્રાભ્યાસથી જાણી શકાતો નથી. ઘણાં શાસ્ત્રોનું જ્ઞાન મેળવીને કોઈ વ્યક્તિ ભક્ત કે જ્ઞાની બની જતો નથી, પરંતુ અતિ અધ્યયન માનવની બુદ્ધિને વિભ્રાન્ત બનાવી દે છે. ‘નાનુધ્યાયાદ્ બહૂન્ શબ્દાન્ વાચો વિગ્લાપનં હિ તત્’- (બૃહદારણ્યક ઉપ. ૪.૪.૨૧) વધુ શાસ્ત્રોનું અધ્યયન ન કરવું કારણ કે, વાગિન્દ્રિય માટે એ ગ્લાનિકારક છે. વધારે પડતા અધ્યયનથી બુદ્ધિ વિચલિત થાય છે. શાસ્ત્રાધ્યયન બુદ્ધિને શુદ્ધ કરવા પ્રખર બનાવવા થાય છે, પરંતુ શાસ્ત્રો જ કહે છે કે ઘણાં શાસ્ત્રોનાં અધ્યયનનું પરિણામ વિપરીત  આવે છે, બુદ્ધિ વિક્ષિપ્ત થઈ જાય છે ભક્ત વૈકુંઠનાથ સંન્યાલને શ્રીઠાકુરે એક દિવસ પૂછ્યું: ‘શું તમે પંચદશી- બંચદશીનો અભ્યાસ કર્યો છે? સંન્યાલ મહાશયે જવાબ આપ્યોઃ ‘મહાશય, હું તો આ શેનું નામ છે એ ય જાણતો નથી.’ આ સાંભળીને શ્રીઠાકુરે કહ્યું: ‘બચી ગયા! કેટલા વાચાળ છોકરાઓ આ બધું વાંચીને આવે છે. એ કંઈ કરતા તો નથી, બસ મને પરેશાન કરે છે. મારું માથું ખાય છે! થોડા ગ્રંથો વાંચવાથી અને એને તેનો અપચો થવાથી માનવ પંડિતમૂર્ખ બની જાય છે. એ માને છે કે તે પંડિત તો બની ગયો પણ એટલું એ નથી સમજી શકતો કે વાસ્તવમાં તે મૂર્ખ છે. એટલે શાસ્ત્રો વારંવાર કહે છે કે ઘણાં શાસ્ત્રોનું અધ્યયન કરવાથી પ્રભુને ન જાણી શકાય. થોડો ધર્મભાવ જામે એટલે માનવ ગીતા, પંચદશી વેદાન્તગ્રંથ આ બધું વાંચવાની ચેષ્ટા કરે છે. પણ એનું પરિણામ શું આવે છે? એ જ કે આપણી બુદ્ધિ ભ્રમિત થઈ જાય છે. તો શું આપણે શાસ્ત્રો ન વાંચવાં? શ્રીઠાકુરે આવું નથી કહ્યું અને શાસ્ત્રોય આવું કહેતાં નથી. શાસ્ત્રોનો અભ્યાસ જરૂર કરવો પણ એને માટે જે શ્રદ્ધા, જે વિવેક આવશ્યક છે તે શ્રદ્ધા અને વિવેક આપણે પહેલાં કેળવી લેવાં જોઈએ અને પછી શાસ્ત્રોનો અભ્યાસ કરો. શાસ્ત્રો કેટલી હદે માનવને ભ્રમિત કરી મૂકે છે તે શાસ્ત્રોના અસંખ્ય મતવાદો વાંચીને અને જોઈને આપણે સમજી શકીએ છીએ. કોઈ કહે છે – શાસ્ત્ર આમ કહે છે તો વળી બીજો કોઈ કહે છે: ના, એવું નથી, શાસ્ત્રો તો એ વિશે બીજી વાત કરે છે. આજ સુધી આ વાતનું સમાધાન મળતું નથી અને સ્પષ્ટ અસંદિગ્ધ નિર્ણયના અભાવે બધા લોકો મૂળ તત્ત્વને છોડીને નિઃસત્ત્વની ખેંચતાણમાં મંડ્યા છે – કુશકા ખાંડવામાં પડ્યા છે. તેઓ શાસ્ત્રની ભીતર રહેલા સારતત્ત્વ સુધી પહોંચી શકતા નથી. શ્રી ઠાકુર કહેતાઃ ‘શાસ્ત્રોમાં આ સારતત્ત્વ છે. પણ તે રેતીમાં વિખરેલી ખાંડની જેમ રહેલું છે. એ રેતી મિશ્રિત ભેળમાંથી ખાંડ તારવવી કઠિન છે.’

એટલે જ આપણે શાસ્ત્રોને સરળતાથી નથી સમજી શકતા. તો એનો કોઈ ઉપાય ખરો? ઉપાય છે – જેમના જીવનમાં શાસ્ત્રો જીવંત બની ગયા હોય એમના જીવનના પ્રકાશે – નજરે શાસ્ત્રોને જુઓ અને જાણો. એ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. જો આપણે નિરપેક્ષ ભાવે શાસ્ત્રોને સમજવાનો પ્રયાસ કરીશું, સ્વતંત્રરીતે સ્વબુદ્ધિથી જ શાસ્ત્રોને જાણવાની ચેષ્ટા કરીશું તો જ શાસ્ત્રના મર્મને આપણે સ્પર્શી શકીશું કે પામીશું એ વાત આપણા હાથની નથી. તેનું કારણ એ છે કે ત્યારે આપણને વાત કે ચર્ચાના દાવપેચ જ જોવા મળશે અને પરિણામે જેમ પાશ્ચાત્ય વિદ્વાનો ભાષાશાસ્ત્રની નજરે શાસ્ત્રોનો મર્મ પ્રગટ કરવા જતાં બુદ્ધિના અસીમ વિભ્રમમાં પડી ગયા છે તેવી રીતે આપણે ભ્રમિત થઈ જઈશું. આ સ્વાભાવિક છે, કારણ કે જે સાધન દ્વારા એમણે શીખવાનો – સમજવાનો પ્રયત્ન કર્યો તે સાધન એટલે મન શુદ્ધ ન હતું. પરિણામે એની ભીતરથી શાસ્ત્રોનો પ્રકૃત-સાચો અને સારભૂત અભિપ્રાય મળ્યો નહિ. એટલે જ એનો એકમાત્ર ઉપાય એ જ છે કે જેમણે પોતાના જીવનમાં આચરણ દ્વારા શાસ્ત્રોને જીવી બતાવ્યાં હોય, ઉદ્‌ભાસિત કર્યાં હોય; જેમણે પોતાના પ્રાણના ભોગે શાસ્ત્રોને જીવંત બનાવ્યાં હોય એમના જીવનના સહારે સહારે શાસ્ત્રોને સમજવાં જોઈએ. એ સિવાય બીજો કોઈ માર્ગ નથી.

‘કથામૃત’ આ દિશામાં આપણને અચૂક ઉપયોગી બનશે, એનું અવલંબન લઈને આપણે સત્યને ઘણી સરળતાથી જાણી શકીશું. અન્ય બીજી કોઈ રીતે એ સત્યને સમજવું અસંભવ છે. જગતના આદિકાળથી માંડીને આજના દિવસ સુધી માનવીની સામે જેટલી સમસ્યાઓ આવીને ઊભી રહી તેનું આટલું સુંદર, આટલું સહજ-સરળ સમાધાન બીજે ક્યાંયથી મળે છે કે નહિ એમાં સંદેહ છે. શ્રીઠાકુર કહેતાઃ ‘બાદશાહી સિક્કો, નવાબના રાજ્યમાં ન ચાલે.’ વળી ઉમેરતાં, ‘પહેલાં સામાન્ય તાવ આવે છે ત્યારે તે માટે સામાન્ય પાચક વગેરે પદાર્થો આપવાથી તાવ ઊતરી જાય પણ આજકાલ જે મેલેરિયા જેવો તાવ આવે છે તેને માટે એના જેવી જ ‘ડી. ગુપ્ત’ દવા લેવી પડે. એનો અર્થ છે કે પ્રાચીન પદ્ધતિથી નવી સમસ્યાઓનો ઉકેલ ન મળે. યુગ બદલી ગયો છે એની સાથે પહેલાં ન હતી એવી અનેક સમસ્યાઓ ઉત્પન્ન થઈ છે. આ નવી સમસ્યાઓ માટે નવો દૃષ્ટિકોણ જરૂરી છે જેના દ્વારા આપણે એનું સમાધાન કરી શકીએ.

નારદીય ભક્તિ

શ્રીઠાકુરના જીવન અને ‘કથામૃત’માં આપણી આ નવી સમસ્યાઓનું અભૂતપૂર્વ સમાધાન સાંપડે છે. કેટકેટલા પ્રકારે એમણે આપણા જીવનની સમસ્યાઓનું સહજ સમાધાન કરી આપ્યું છે એ જોઈને આપણે આશ્ચર્યમુગ્ધ બની જઈએ છીએ. તેઓ કહેતા, ‘પહેલાં લોકો યજ્ઞ-યાગ-તપ કરતાં આજે કળિયુગનો જીવ આ બધું કેવી રીતે કરે? એના પ્રાણ અન્નગત છે અને મન છે નિર્બળ! આ યુગમાં તો એકાગ્ર ચિત્તે હરિનામ જપવાથી જ સંસારવ્યાધિ દૂર થાય.’ તેઓ કહેતા, ‘ઋષિઓની જેમ કઠિન તપસ્યા કરવાનો સમય જ તમારી પાસે ક્યાં છે? તમે લોકો અલ્પાયુ છો, તમારા પ્રાણ અ‌ન્નગત છે. યજ્ઞ-યાગ કરવાનો આટલો મોટો આડંબર કરવાનીય તમારે જરૂર નથી.’ શું કરવું આવશ્યક છે એ એમણે વિવિધ રીતે દર્શાવ્યું છે. તેઓ નારદીય ભક્તિની વાત કહેતા. આ કોઈ વિશેષ સંપ્રદાયની ભક્તિ નથી. નારદીય ભક્તિનો અર્થ છેઃ શુદ્ધ ભક્તિ, શરણાગતિ સંયુક્ત ભક્તિ, જેમાં ભક્ત ભગવાનના ચરણોમાં આત્મસમર્પણ કરે છે. આ કેમ કરવું એ વાત શ્રીઠાકુરે બતાવી છે. તેઓ કહે છે, ‘મા, હું કંઈ નથી જાણતો, તમે જ મને બધું બતાવી દો, સમજાવી દો. જે રીતે તમને મેળવી શકાય, તમારાં દર્શન કરી શકાય એ બધાં સાધનભજન હું જાણતો નથી. જે કાંઈ કરવાનું હોય તે તમે જ મારી પાસે કરાવી લો.’ આ સંપૂર્ણ આત્મસમર્પણનું નામ છે નારદીય ભક્તિ. એનો ઉદ્દેશ્ય એ છે કે આપણે એમની પાસેથી કંઈ ન ઇચ્છીએ, કંઈ ન માગીએ પણ માત્ર એમને જ ચાહીએ. અહીં ભગવાનને જ ઉપાય બનાવીને ગ્રહણ કરતા નથી એટલે કે એનો ઉદ્દેશ્ય એ નથી કે ભગવાનને આપણે એટલા માટે પોકારીએ છીએ કે તેઓ આપણા રોગદોગ મટાડી દે, આપણી સંપત્તિ વધારી આપે, આપણાં બધાંય સ્વજનોને સુખી રાખે, બધાંને દીર્ઘાયુ બનાવે. આ બધી તો માનવીની સ્વાભાવિક આકાંક્ષાઓ છે. આ આકાંક્ષાઓની પૂર્તિ માટે ભગવાનને પ્રાર્થના કરવાની શ્રીઠાકુર ના કહેતા. આમ શા માટે? તેઓ કહેતા, ‘રાજા પાસે જઈને શું કોઈ દૂધી કે તુબડું માગે ખરા?’ ભગવાન આ બધું તો આપે છે, આ બધું તેઓ ન આપી શકે એવું નથી, પરંતુ એ સિવાય બીજું ઘણું બધું આપે છે! તેઓ તો કલ્પતરુ છે. એમની પાસે જે માગીએ તે મળે તેવું છે તો પછી આવી નાની મોટી ચીજવસ્તુઓ શા માટે માગવી? બરાબર એમને જ કેમ ન ચાહવા માંડીએ? જ્યારે એમને જ મેળવી લઈશું તો પછી મેળવવા કે પામવા માટે બાકી શું રહેવાનું છે? યમ્ લબ્ધ્વા ચાપરં લા‌ભં મન્યતે નાધિકમ્ તતઃ (ગીતા ૬.૨૨) – ‘જેમને (ઈશ્વરને) મેળવી લીધા. પછી કોઈ મોટી લાભપ્રાપ્તિ જ રહેતી નથી.’

ધ્રુવના ઉપાખ્યાનમાં આવે છે કે ધ્રુવજી ઉપમાતાથી અપમાનિત થઈને ક્ષુબ્ધ મને પોતાની માના આદેશાનુસાર તપ કરવા ચાલી નીકળ્યા. શા માટે? કારણ કે એમના પિતા પાસે જે રાજ્ય હતું એનાથી યે મોટું રાજ્ય તેઓ ઇચ્છતા હતા. નાનાં બાળકોના મનમાં જેમ થાય છે એમનું સ્વાભિમાન ઘવાયું. પિતાની પાસે જે રાજ્ય છે એનાથી યે મોટું રાજ્ય મારે જોઈએ. ભગવાનને એમણે એકાંતિક ભાવથી પ્રાર્થના કરી. બાળકની આ એકાંતિક ભાવની પ્રાર્થનાથી પ્રભુ પણ વિચલિત થયા-પીગળી ગયા અને ધ્રુવની સમક્ષ પ્રગટ થયા. પ્રભુએ કહ્યું, ‘તારે કયું વરદાન જોઈએ છે?’ ધ્રુવની મૂંઝવણનો પાર ન રહ્યો અને બોલી ઊઠ્યો, ‘અરે, વરદાન! આ વરદાન-બરદાન તો મારે નથી જોઈતું.’ ભગવાને કહ્યું, ‘આ શું ધ્રુવ! તું એ તો યાદ કર કે તું શા માટે તપશ્ચર્યા કરે છે?’ હવે ધ્રુવની સ્મૃતિ તાજી થઈ. તેણે કહ્યું, ‘હા, મહારાજ! મેં સ્થાન પ્રાપ્તિની અભિલાષા સાથે, રાજ્ય મેળવવાની – એક મોટું રાજ્ય મેળવવાની આકાંક્ષા સાથે, મેં આ તપ આદર્યું હતું. પણ, મેં જે આકાંક્ષા રાખી હતી તેનાથી કંઈક વિશેષ મોટી વસ્તુ મને મળી ગઈ છે. પથ્થર ખોદતાં હીરો મળી ગયો છે. મને તો બહુમૂલ્ય વસ્તુ સાંપડી છે. સ્વામિન્ કૃતાર્થોઽસ્મિ વરમ્ ન યાચે (હરિભક્તિ સુધોદય ૭.૨૮) – હે પ્રભુ! હું ધન્ય બની ગયો છું. મારે હવે બીજું કોઈ વરદાનબરદાન જોતું નથી. અહૈતુકી ભક્તિ, નિઃસ્વાર્થ ભક્તિ એ નારદીય ભક્તિ. આ નારદીય ભક્તિ તો વૈષ્ણવોમાં હોય અને શાક્તોમાં ય હોય; માત્ર હિંદુઓની નહીં પણ અન્ય ધર્માવલંબીઓની પણ હોય. આ ભક્તિ ન હોય તો આધ્યાત્મિક જગતમાં પ્રવેશવાનો અધિકાર નથી મળતો. આ સહજ વાત આપણને કથામૃતમાં વારંવાર જાણવા મળશે.

શ્રીરામકૃષ્ણ જીવન અને સંદેશ

સૌ પહેલાં તો આપણે શ્રીઠાકુરનું જીવનદર્શન કરીશું. એમની વાણી, ઉપદેશ બધું જ એમના જીવન દ્વારા જીવંત બન્યું છે. એમની વાણી કોઈ સર્વસામાન્ય વાણી નથી. એ વાણી તો એમના જીવનમાં ઊતરેલી વાણી છે. એમનું જીવન એમની વાણીનું ઉજ્જવળ દૃષ્ટાંત છે. એટલે જ એમના જીવન પર એક નજર નાખવાથી આપણે કથામૃતને સહજ રીતે સમજી શકીશું. જાણે કે એટલા માટે જ આ વર્તમાન યુગમાં, આ અનિશ્ચિતતાના યુગમાં – જેને આપણે ઘોર કળિયુગ કહીએ છીએ – એ યુગમાં એમનો આવિર્ભાવ થયો છે. જેમને શ્રીરામકૃષ્ણદેવમાં શ્રદ્ધા વિશ્વાસ છે તેઓ માને છે અને સ્વામી વિવેકાનંદ પણ એમ કહેતા, ‘શ્રીઠાકુરના જન્મની સાથે જ સતયુગનો પ્રારંભ થઈ ચૂક્યો છે.’ આ કંઈક આપણું મહાન સદ્‌ભાગ્ય છે કે આપણે એ યુગમાં જન્મ્યા છીએ જ્યારે શ્રીરામકૃષ્ણદેવનો જ્વલંતદિવ્ય પ્રભાવ ચહુદિશ વ્યાપી ગયો છે. જાણે કે પ્રબળ શક્તિના એક સઘન રૂપને આપણે પ્રત્યક્ષ રૂપે જોઈ રહ્યાં છીએ.

(ક્રમશઃ)

Total Views: 148

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.