ગમાર જિપ્સીનો વિજય

સેંકડો વર્ષ પહેલાં નામદાર પોપે બધા જિપ્સીઓને વેટિકન છોડી જવાનો આદેશ કર્યો. જિપ્સી સમાજમાં તો હલચલ મચી ગઈ. એટલે પોપે એક દરખાસ્ત મૂકી : જિપ્સી સમાજના એક અગ્રણી સાથે તેઓ ધર્મ ચર્ચા કરશે. જો એમાં જિપ્સીની જીત થશે તો તેઓ અહીં વેટિકનમાં રહી શકશે અને નહીં જીતે તો તેઓએ વેટિકન છોડી દેવું પડશે.

જિપ્સીઓને સમજાયું કે આ દરખાસ્ત સ્વીકાર્યા સિવાય છૂટકો નથી. એમણે એમના પ્રતિનિધિરૂપે પોતાના નેતાને જવા વિનંતી કરી. મુખિયાને ખાતરી હતી કે ધર્મ ચર્ચામાં એ હારી જ જશે. પોપમાં જ્ઞાન અને વાક્પટુતા વધુ હતાં એટલે આ ચર્ચામાં એક શરત ઉમેરી કે, ચર્ચા વખતે બેમાંથી એકેય પક્ષે બોલવાનું નહીં. બંનેએ હાથના સંકેતોનો ઉપયોગ કરવો. પોપ કબૂલ થઈ ગયા.

ચર્ચાનો સમય આવી ગયો હતો. મુખિયો અને પોપ થોડી ક્ષણ એક બીજા સામે જોતાં જોતાં બેઠા. પછી પોપે હાથ ઊંચો કરીને ત્રણ આંગળીઓ બતાવી. એના પ્રત્યુત્તર રૂપે જિપ્સીના મુખિયાએ હાથ ઊંચો કરીને એક આંગળી બતાવી. ત્યારબાદ પોપે પોતાની આંગળીઓ પોતાના મસ્તકની આજુ બાજુ ગોળ ગોળ ફેરવી એના જવાબમાં મુખિયાએ તે જ્યાં બેઠો હતો તે ભૂમિ તરફ આંગળી ચીંધી. પોપે એક વેફર કાઢી અને વાઈનનો પ્યાલો લીધો. એટલે મુખિયાએ સફરજન કાઢીને બતાવ્યું. આ સાથે જ પોપ ઊભા થઈ ગયા અને કહ્યું : ‘ભાઈ, હું હાર્યો. આ માણસ ભોટ નથી, ઘણો ચતુર છે, શાણો છે. હવે જિપ્સીઓ અહીં રહી શકશે.’

એકાદ કલાક પછી બધા ધર્મગુરુઓ, પાદરીઓ પોપની આજુબાજુ ફરી વળ્યા અને પૂછ્યું: ‘તેમની અને પેલા જિપ્સીની વચ્ચે શી ચર્ચા થઈ?’ 

પોપે કહ્યું, ‘પહેલા મેં પાવનકારી ત્રિમૂર્તિના પ્રતીક રૂપે ત્રણ આંગળીઓ બતાવી. એના પ્રત્યુત્તરમાં એણે એક આંગળી બતાવીને જણાવ્યું કે, હજુ એક દેવ એવા છે જે બંને ધર્મ માટે સામાન્ય દેવ છે. પછી મેં આંગળીઓ મસ્તકની આજુબાજુ ગોળ-ગોળ ફેરવી. તેનો અર્થ એ હતો કે, પ્રભુ તો આપણી આજુ બાજુ રહેલા છે. એના જવાબમાં એણે જમીન તરફ આંગળી ચીંધીને બતાવ્યું કે, એ પ્રભુજી તો અત્યારે ય અહીં આપણી સાથે છે. પછી મેં વેફર અને વાઈનની પ્યાલી દ્વારા બતાવ્યું કે, ઈશ્વર આપણને પાપમાંથી મુક્તિ અપાવે છે. એના પ્રત્યુત્તરમાં એણે સફરજન બતાવીને મને મૂળ પાપની વાતની યાદ અપાવી. અરે, તેની પાસે તો બધા જ પ્રશ્નોના ઉત્તર હતા!! પછી હું શું કરી શકું?’

આ સમય દરમિયાન જિપ્સીઓએ એના મુખિયાની આજુ બાજુ ફરી વળીને પૂછ્યું: ‘આમાં શેની ચર્ચા થઈ એ તો કહો?’ મુખિયાએ કહ્યું, ‘વારુ, સૌ પ્રથમ ત્રણ આંગળીઓ બતાવીને એણે કહ્યું કે, જિપ્સીઓ માટે અહીં વેટિકનમાં રહેવા હવે માત્ર ત્રણ જ દિવસ બાકી છે. એટલે મેં એક આંગળી બતાવીને કહ્યું કે, અમારામાંથી એકેય અહીંથી નીકળવાના નથી. પછી એણે માથા પર આંગળીઓ ગોળ ગોળ ફેરવીને કહ્યું, અમે આખા શહેરમાંથી વીણી વીણીને જિપ્સીઓને કાઢી મૂકવાના છીએ. એટલે મેં ભૂમિ પર આંગળી ચીંધીને સ્પષ્ટપણે જણાવ્યું કે, અમે તો અહીં જ આ વેટિકનની ધરતી પર જ રહેવાના છીએ!!’ એવામાં એક સ્ત્રીએ પૂછ્યું: ‘અને પછી શું પૂછ્યું?’ એટલે મુખિયાએ ગંભીરતાથી કહ્યું, ‘એમાં તો, મને ય કાંઈ ગતાગમ નહોતી પડી. પણ એણે પોતાનું ભોજન ખાવાનું કાઢ્યું એટલે મેં ય આપણું ભોજન-સફરજન કાઢીને બતાવ્યું!!’

Total Views: 118

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.