(‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માંથી કંઈને કંઈ આપવાની માગ ઘણા ભાવિકજનો તરફથી આવતી હતી. સત્યપ્રાપ્તિના પંથે ચાલવા, શ્રેયસનું જીવનપાથેય મેળવવા સૌ કોઈને શ્રેષ્ઠ રીતે ઉપયોગી થાય અને મનની શાંતિ, એકાગ્રતા, ધ્યાન, જપ-તપ-સાધના અને આધ્યાત્મિક ઉન્નતિ સાધી શકાય તેવી સામગ્રી આપવાનો અમારો વિચાર હતો. એમાં શ્રીરામકૃષ્ણ સંઘના બારમા પરમાધ્યક્ષ અને વરિષ્ઠ સંન્યાસી બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે બેલુડમઠ, રામકૃષ્ણ યોગોદ્યાન મઠ-કાકુંડગાછી- કલકત્તામાં નિયમિત રીતે સાપ્તાહિક સત્સંગરૂપે આપેલા ધારાવાહિક વ્યાખ્યાનચર્ચાનો સંકલિત બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ’ બહાર પડ્યો. આવા વરિષ્ઠ સંન્યાસી અને વિદ્વજ્જનની ચર્ચાટીકાટિપ્પણ સાથેનાં સંકલિત વ્યાખ્યાનોના અંશો ભાવિકોના લાભાર્થે અહીં આ પત્રિકામાં આપતાં અમે આનંદ અનુભવીએ છીએ. આ ગ્રંથ ગુજરાતીમાં ‘શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ’ના નામે પ્રસિદ્ઘ થશે. -સં.)

(ગતાંકથી આગળ)

આપણે સૂર્યની નજીક આવીને ઊભા છીએ, પરંતુ આ સૂર્ય આપણને બાળતો-પ્રજાળતો નથી. આ તો આપણને શિતળ-સ્નિગ્ધ કરી જાય છે. શ્રીરામકૃષ્ણદેવની ભીતર કંઈ ભયકારી તત્ત્વ નથી. એમના ચરિત્ર અને વાણીના માધ્યમથી એમને જોવાથી કોઈ ભય નહીં લાગે. એક નાના બાળકને ય ભય નહીં ઉપજે. ચીપિયો નથી, જટા નથી, ભભૂતે ય નથી લગાડી કે નથી એમનામાં વિરાટ હુંકાર!

એમના ઉપદેશમાં આપણા માટે કોઈ દુર્બોધ્ય જટિલતા નથી. આપણું મન ભ્રમણામાં ન પડે અને આપણે એ બધું અનાયાસ સમજી શકીએ એટલે જ એમણે આ બધી વાતો કેટલી બધી સરળ બનાવીને કહી છે. ભગવત્‌પ્રેમ પ્રસંગે તેઓ કહેતા, ‘પ્રભુને કેવી રીતે ચાહવા? જેમ આપણે આપણા માતા-પિતાને ચાહીએ છીએ તે રીતે.’ તેઓ કહેતા, ‘ત્રણ આકર્ષણ-ચાહના એકત્ર થાય તો પ્રભુપ્રાપ્તિ થાય. માનું પુત્ર પ્રત્યે આકર્ષણ-ચાહના, સતીનું પતિ પ્રત્યે આકર્ષણ-પ્રેમ અને વિષયીનું વિષય પ્રત્યે આકર્ષણ.’ આપણે આ પ્રેમાકર્ષણને સમજી શકીએ છીએ કારણ કે આપણાં બધાનાં જીવનમાં આલ્પાધિક માત્રામાં એનો અનુભવ થાય જ છે. શ્રીઠાકુર કહેતા, ‘આવાં આકર્ષણ-પ્રેમ જો એકઠાં થઈને ભગવાનની તરફ વાળવામાં આવે તો ભગવાન-લાભ થાય જ. આટલી વાતને સમજવા કંઈ મોટા શાસ્ત્રજ્ઞાનની આવશ્યક્તા નથી.

ભગવત્‌પ્રાપ્તિ માટે કોઈ વિકટ સાધનાની વાત તેઓ કરતા નથી. એ માટે તેઓ સીધી-સાદી વાત કરતા. ધ્યાન ક્યાં કરવું? તેઓ કહેતા, ‘મનમાં, વનમાં અને ખૂણામાં.’ વનમાં-બધાં તો કંઈ વનમાં જઈ ન શકે. તો ખૂણામાં બેસીને – ઘરના કોઈ ખૂણે બેસીને એમને પોકારવાથી પણ તેઓ આવશે. અને જો ઘરમાં ય એવો ખૂણો ન મળે તો જ્યાં નિર્જન-એકાંત હોય ત્યાં તેમનું ચિંતન-મનન કરી શકીએ તો પછી ‘મન’નાં – બધાં પરિવેશ-બાહ્યાવરણથી નિરપેક્ષ બનીને-પ્રભુને પોકારવાથી તેઓ અવશ્ય મળશે. વળી કોઈ કંઈ કહેતા, ‘મહારાજ, આટલાં સાધન-ભજન કરવાનો સમય જ ક્યાં છે?’ શ્રીઠાકુર કહેતા, ‘સવાર-સાંજ, બે વાર એમને બે હાથ જોડીને સાષ્ટાંગ પ્રણામ કરીને કહેવું – હે પ્રભુ, તમારું ચિંતન-મનન કરું એટલો સમય મારી પાસે નથી. એટલે હે પ્રભુ, ક્ષમા કરજો. મારા પર કૃપા કરજો.’ કેટલું સરળ કરી આપ્યું છે આ બધું! માત્ર બે જ પ્રણામ. સવારે અને સાંજે.’

ગિરિશબાબુ અને મુખત્યારનામું

ગિરિશબાબુને ઉપદેશ આપતાં શ્રીઠાકુર કહે છે: ‘જુઓ, સવાર-સાંજ એમનું સ્મરણ-મનન કરતાં રહેવું.’ ગિરિશબાબુ વિચારે છે: દિવસમાં બે વાર પણ સ્મરણ-મનન કરવાનો ય સમય ક્યાં છે? હું તો કેટકેટલાં કાર્યોમાં વ્યસ્ત રહું છું. ગિરિશબાબુને મૌન જોઈને અને એમના મનના ભાવને સમજીને-જાણીને શ્રીઠાકુર કહે છે, ‘સૂતાં અને ખાતાં પહેલાં એક વાર એમનું સ્મરણ કરી લેવું. ગિરિશબાબુ તો હજુય મૌન છે, કોઈ પ્રત્યુત્તર વાળી શકતા નથી. તેઓ તો વિચારે છે કે તો ખાવા-પીવાનો ય કોઈ સમય નથી, કોઈક વાર સવારે દશ વાગ્યે જમું છું તો કોઈ દિવસ સાંજે પાંચ વાગ્યે, કોર્ટ-કચેરીને લીધે વ્યસ્ત રહું છું. આવી પરિસ્થિતિમાં એમને-શ્રીઠાકુરને વચને ય કેમ આપું? અને શ્રીઠાકુર આટલું સરળ કાર્ય કરવાનું કહે છે તો વળી ‘આ હું નહીં કરી શકું. એમ પણ કેમ કહેવું’. હતાશ-નિરાશ બનીને ચૂપચાપ બેઠા છે. ગિરિશબાબુના મનની વાત સમજીને શ્રીઠાકુર કહે છે, ‘તું એમ કહીશ કે આ પણ નહીં કરી શકું. તો ઠીક છે. તું તારું મુખત્યારનામું મને આપી દે.’ આપણા માટે ધર્મને આવી રીતે આટલો સહજ-સરળ બનાવીને કોઈએ રજૂ કર્યો છે ખરો? તો એ પણ સાથે ને સાથે આપણે વિચારી લેવું જોઈએ કે એમણે ધર્મને આટલો સહજ-સરલ બનાવીને વર્ણવ્યો છે એટલે એમણે ધર્મની સાથે કોઈ છેડછાડ કરી છે, રમત કરી છે એવું નથી. એમાં કોઈ પ્રકારની બાંધછોડ નથી. એમાં કંઈ ભેળસેળ નથી. આ વાત ગિરિશબાબુ ઘણા સમય પછી શ્રીઠાકુરના લીલાસંવરણ પછી સમજ્યા અને એમણે આ વાત કરી હતી: ‘મુખત્યારનામુ દેવાની બાબતમાં આટલો અર્થ સમાયો છે એ વાત શું હું એ વખતે સમજી શક્યો હતો? ગિરિશબાબુને મુખત્યારનામું લખી આપવાની વાત કહ્યા પછી એ ભાવની ઉપયોગી શિખ પણ એમણે આપી દીધી. ‘લીલાપ્રસંગ’માં વર્ણવ્યું છે કે, એક દિવસ ગિરિશબાબુએ શ્રીઠાકુરની સામે જ કોઈ વાત કરતા કહી નાખ્યું : ‘હું કરીશ’. ત્યારે શ્રીઠાકુરે કહ્યું, ‘આ શું? આ રીતે ‘હું કરીશ’ એ ય શા માટે કહ્યું? જો એ પ્રમાણે ન કરી શક્યા તો? એટલે એમ કહો કે ઈશ્વરની ઇચ્છા હશે તો કરીશ’ ગિરિશબાબુ તરત જ સમજી ગયા: ‘વાત તો સાચી છે. જ્યારે મેં એમને મુખત્યારનામું આપી દીધું છે, બધી બાબતે મારી પોતાની બધી જ જવાબદારી એમના પર છોડી દીધી છે તો તો હવે એમના પર પૂર્ણપણે નિર્ભર રહેવું જ જોઈએ, જો તેઓ કરવા દેશે તો જ હું કરીશ.’ પછીથી ગિરિશબાબુ કહેતા, ‘એ વખતે તો સમજ્યો ન હતો. પણ પછીથી હું સમજ્યો છું કે જેણે મુખત્યારનામું દીધું છે એણે ડગલે ને પગલે, પ્રત્યેક શ્વાસે-ઉચ્છ્વાસે એ જોવું પડે છે કે ભગવાનની શક્તિથી એમણે હાથ-પગ હલાવ્યા અને શ્વાસોચ્છ્વાસ ભર્યા કે પછી આ દુર્ભાગી ‘હું’ના બળ પર આવું કર્યું!

સંસાર અને સાધના

સંસારનો ત્યાગ કરવો પડશે. એ વાત તેઓ કરતા નથી. તેઓ એવું પણ નથી કહેતા કે બધું ત્યજીને, ઘરબાર છોડીને ચાલ્યા જવું પડશે. એક દિવસ બ્રાહ્મોસમાજના એક ભક્તે કહ્યું, ‘તેઓ ભલેને ગમે તે કહે પણ પછીથી એક દિવસ કટ દઈને કરડી જશે; એટલે કે કહેવાય છે તેમ ફણિધર ઝેરીનાગની જેમ ડંશ દેશે અને ઘર-બાર કંઈ રહેવાનું નથી.’ શ્રીઠાકુરે કહ્યું, ‘ભાઈ, એવું કેમ! હું તો કંઈ તમને ઘર-બાર છોડવાનું નથી કહેતો. હું તો માત્ર એટલું જ કહું છું કે ભલે ઘર-સંસાર રચો, પરંતુ એટલું ધ્યાનમાં રાખીને એ બધું કરો કે આ સંસાર પણ માત્ર એમનો જ છે. પ્રભુને પકડીને જ સંસારમાં રહો; ફણસને કાપતી વખતે હાથમાં તેલ લગાડવું જોઈએ જેથી એનું દૂધ-ચીડ હાથમાં લાગે નહીં. સંસારમાં રહો એમાં કોઈ આપત્તિ નથી, પણ જો ભગવાનને પકડી રાખીને સંસારમાં રહેશો તો સંસારના દોષ તમને સ્પર્શી નહીં શકે.’ આ છે શ્રીઠાકુરનો ઉપદેશ. તેઓ કહેતા, ‘ખીલાને પકડીને ગોળગોળ ફરશો તો પડશો નહીં. શ્રીમદ્ ભાગવતમાં આવે છે – નવ યોગીશ્વરોમાંથી એક કવિ રાજા નિમિન કહે છે:

યાનાસ્થાય નરો રાજન્ ન પ્રમાદ્યેત કર્હિચિત્ ।
ધાવન નિમીલ્ય વા નેત્રે ન સ્ખલન્ન પતેદિહ ॥(૧૧.૨.૩૫)

આ ભાગવત ધર્મનું અવલંબન કરીને મનુષ્ય ક્યારેય પ્રમાદી નથી થતો. ભલેને તે આંખો મીચીને દોડ્યે રાખે તો ય તે ક્યારેય પડશે નહીં. શ્રીઠાકુર કહેતા, ‘જે બાળકનો હાથ પિતાએ પોતે જ પકડી રાખ્યો હોય કે એને તેડીને જઈ રહ્યા હોય તેને ભય નથી. તે હાથે તાળી વગાડતો અનાયાસ જઈ શકે છે. વળી જે બાળક પોતે પિતાનો હાથ પકડીને ચાલે છે એમને પડવાનો ભય રહે છે. ક્યારે અન્યમનસ્ક અવસ્થામાં તાળી વગાડવા જતાં કદાચ તે પડી ય જાય. એમનું અવલંબન કરવું, એમના ચરણોમાં સર્વસ્વ-સમર્પણ કરી દેવું, પોતાની જવાબદારી-ભાર એમના પર છોડી દેવો – આ જ ભાવ આપણને ‘કથામૃત’માં ખૂબ જ સ્પષ્ટ રીતે જોવા મળે છે.

કર્મ, જ્ઞાન અને ભક્તિનો સમન્વય

શ્રીઠાકુરે જેવી રીતે ભક્તિની વાત કહી છે એવી જ રીતે જ્ઞાનની, પરમ સર્વોત્કૃષ્ટજ્ઞાનની વાત પણ કરી છે. એક વેદાન્તી સ્વબુદ્ધિની મદદથી વેદાન્ત-વિચારમાં જેટલો ઊંડો ઊતરી શકે તે વાત આપણે શ્રીઠાકુરની વાણીમાં અતિ સહજ રીતે મેળવી શકીએ છીએ. શ્રીઠાકુર કહેતા, ‘તમારા વેદાન્તમાં આ જ વાત છે – અસ્તિ, ભાતિ અને પ્રિય! આ અસ્તિ, ભાતિ અને પ્રિયને લઈને તમે વિચારો છો, તાત્પર્ય એ જ છે, સારભૂત તત્ત્વવાળી વાત એ છે કે તેઓ છે, તેઓ પ્રકાશિત છે અને તેઓ આપણા પ્રિય છે.’ આટલી જ વાત સમજી લેવાથી તમારું વેદાન્તનું કાર્ય થઈ ગયું. વાત તો જાણે સાચી પણ આમ કહેવાથી આપણી બુદ્ધિનું આણું નહીં પાથરી શકીએ. આપણે તો મોટા પંડિત. આ દેખાડવા આપણે પૂર્વપક્ષ દર્શાવવો રહ્યો, સિદ્ધાંત પણ બતાવવો પડશે અને એને ઊલટાવીને સિદ્ધાંતને પૂર્વપક્ષ અને પૂર્વપક્ષને સિદ્ધાંત બનાવીને એને પ્રતિસ્થાપિત કરવો પડશે. ‘હા’ ને ‘ના’ કરવી પડશે અને ‘ના’ ને ‘હા’ કહેવી પડશે. આવું બધાંનું તમારે શું પ્રયોજન છે? તમારે તો ગમે તે રીતે અહંકારનો નાશ કરવાનો છે. આ સિવાય જ્ઞાની બીજું કરે છે ય શું? ‘હું મર્યો અને છૂટી જંજાળ.’ એટલે આ અહંકારને જ જેમ બને તેમ મારી નાખો. પછી એ કાર્ય જ્ઞાન દ્વારા કરો, ભક્તિ દ્વારા કરો કે કર્મ દ્વારા કરો કે ત્રણેયને સાથે રાખીને કરો. શ્રીઠાકુર આ માટે સોનીની ઉપમા આપે છે: સોની સોનું ગાળતી વખતે એ કામમાં મંડી પડે છે. એક હાથમાં ધમણ, એક હાથમાં પંખો અને મોઢામાં ફૂંકણી રાખીને જ્યાં સુધી તેજ અગ્નિથી સોનું ઓગળી ન જાય-શોધાય નહીં ત્યાં સુધી મંડી જ રહે છે. આવી જ રીતે પ્રભુ માટે માનવના અંત:કરણમાં પ્રબળ ઉત્કંઠા-ધલવલાટ જાગે ત્યારે (જ્યાં સુધી સોનું ઓગળી ન જાય – શોધાય નહીં) વસ્તુલાભ-ઈશ્વરપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી બધી રીતે અને પ્રાણાર્પણથી એમાં જ રમમાણ રહે છે, મંડ્યો રહે છે. આવો છે શ્રીઠાકુરનો સીધી સાદી ભાષામાં ઉપદેશ. આ વાતોના -દૃષ્ટાંતોના માધ્યમથી કર્મ-ભક્તિ અને જ્ઞાનનું અપૂર્વ સામંજસ્ય-સમન્વય રચી આપે છે. આ બધું આપણને ‘કથામૃત’માં જોવા મળે છે.

જ્ઞાન-ભક્તિ અને કર્મનો આ અપૂર્વ સમન્વય જો આપણે શ્રીઠાકુરની દૃષ્ટિએ ન જોત તો આપણે ચિરકાલ આ સંસારમાં જ રચ્યા પચ્યા રહેત. પંડિતોએ તો ક્યારનાય આદિકાળથી જે દાર્શનિક વિચાર આરંભ્યા – ઈશ્વર અદ્વૈત છે કે દ્વૈત કે વિશિષ્ટાદ્વૈત; તે એક છે કે અનેક છે, સગુણ છે કે નિર્ગુણ, તે સાકાર છે કે નિરાકાર; જો સાકાર હોય તો એમને ચાર હાથ છે કે હજાર હાથ! – આ બધા વિચારો આજ સુધીમાં પૂર્ણ થયા નથી – સમાપ્ત થયા નથી. સમસ્યાને તો કોઈ અંત નથી. આ બધી સમસ્યાની સરસ મજાની મીમાંસા આપણને ‘કથામૃત’માં સાંપડે છે, અને તે ય એટલું સહજ -સરળ સમાધાન કે આપણને બધાંને એ ગળે ઊતરી જાય.

આજકાલ આપણે સર્વજનીનતાની વાત કરીએ છીએ અને કહીએ છીએ કે બધાંને માટે ઉપયોગી થાય એવી વસ્તુ આપણે આપવી પડશે. શ્રીઠાકુરના ઉપદેશો જેવા સર્વજનીત ઉપદેશ શોધવા જતાં ય મળવા કઠિન છે. એમનો ઉપદેશ પંડિત અને મૂર્ખ બંનેને સંતૃપ્તિ આપે છે. ભક્ત, જ્ઞાની અને કર્મનિષ્ઠ બધાંને સમાન રીતે એ ઉપદેશ ઉદ્બોધન કરે છે; નાસ્તિકને ય એ ત્યજતો નથી જો કોઈ નાસ્તિક હોય અને ઈશ્વર છે કે નહિ – એ વિશે શંકા-સંશય સેવતા હોય તો તેવાને શ્રીઠાકુર કહે છે, ‘તમે એકાંતિક ભાવે એમની પ્રભુની પ્રાર્થના કરો એટલે તેઓ ‘છે’ કે ‘નહીં’ એ સમજાવી દેશે. નાસ્તિકને પણ શ્રીઠાકુર વંચિત નથી રાખતા – એમની તેઓ ઉપેક્ષા કરતા નથી.

‘કથામૃત’માં આપણે એમની અભયવાણી એમના પ્રત્યેક વાક્યમાં જોઈએ છીએ. આપણને એ પણ જોવા મળે કે તેઓ હરપળે, હરસમયે આપણને હિંમત – સાહસબળ આપતા રહે છે. આપણી ભીતર જેટલી ખામીઓ છે, અપૂર્ણતાઓ છે એ બધું જોવા જતાં તે આપણી ઉપેક્ષા નથી કરતા. પરંતુ તેઓ તો આપણને એ ખામીઓ, અપૂર્ણતાઓમાંથી કેવી રીતે મુક્ત થવું એનો સહજ સરળ ઉપાય આપણને બતાવે છે. એક દૃષ્ટાંત જોઈએ: ‘સ્વામી યોગાનંદે (એક વખતના યોગીન્દ્રનાથ ચૌધરી) શ્રીઠાકુરને પૂછ્યું, ‘કામ કેવી રીતે દૂર થાય?’ શ્રી ઠાકુરે કહ્યું, ‘હરિનામનું અત્યંત રટણ કરો, એનાથી એ દૂર થઈ જશે.’ શ્રીઠાકુરનો આ ઉત્તર યોગિનના મનને જચ્યો નહીં, તેઓ વિચારવા લાગ્યા: આ વળી એમણે કેવો ઉપદેશ આપ્યો! એવું લાગે છે કે તેઓ આવું કોઈ ક્રિયા-કર્મ જાણતા નથી એટલે મનમાં આવ્યું તે બોલી નાખ્યું. શું હરિનામ રટણાથી કામ દૂર થઈ જાય? જો એમ જ થતું હોય તો આટલા બધા લોકો ભગવાનનું નામ લે છે તો પછી એમનો ‘કામ’ કેમ દૂર થતો નથી? પણ પછી વિચારવા લાગ્યા: ‘શ્રીઠાકુરે કહ્યું છે તો એક વાર કરી તો જોઈએ, જોઈએ છીએ શું થાય છે!’ આમ વિચારીને તેઓ એકાગ્રચિત્તે ભગવાન નામ રટવા લાગ્યા અને ખરેખર થોડા દિવસોમાં જ તેમને શ્રીઠાકુરે જેમ કહ્યું હતું તેમ પ્રત્યક્ષ પ્રમાણ મળ્યું.

અનેક સ્થળે અધિકારીના પાત્રભેદ પ્રમાણે શ્રીઠાકુરના ઉપદેશમાં ભિન્નતા જોવા મળે છે. જેના માટે જે હિતકર હોય તેવું તેને તેઓ કહેતા. પરંતુ ક્યાંય એમણે અતિશયતાની – અતિરેકવાળી વાત નથી કહી. અતિરેક સાથે કંઈ કરવા માટે દૃષ્ટાંત રૂપે ખોટી તિતિક્ષા-દેહદમન કે જેના દ્વારા અસાધારણતા જોવા મળે આવી કોઈ વાત એમણે ક્યારેય નથી કહી. ઊલટાનું તેઓ આવું અસાધારણપણું જરાય ન રાખવું, સાધારણ-સામાન્ય રૂપમાં રહેવું એમ કહેતા. તેઓ તો સ્વયં સહજતા અને સરળતાનું દૃષ્ટાંત હતા. જટા નહીં, ભસ્મ નહીં, ચીપિયો નહીં – સાધુના આવાં કોઈ બાહ્ય પ્રતીક-ચિહ્ન એમનામાં નથી કે જે એમને સાધારણ સર્વસાધારણથી જુદા પાડી દે. પરંતુ જે તેમની નિકટ આવે, જેટલા એમની સમીપ જાય તેઓને જોવા મળે છે કે શ્રીઠાકુર એટલા જ દૂર છે. તેઓ જેટલા એમના તરફ આગળ વધે છે, એમના પ્રતિ જાય છે એટલો જ એમની ભીતરની વિશાળતાનો પરિચય તેમને મળે છે. આ છે એમની અદ્‌ભુત વિશેષતા.

શ્રીઠાકુર જેટલા સહજ છે, એટલો જ સહજ છે એમનો ઉપદેશ. આ સહજ ઉપદેશોથી તેઓ આપણને તેમના તરફ ખેંચી રહ્યા છે. ભગવત્‌પ્રાપ્તિનો પથ એમણે સરળ કરી દીધો છે, સુગમ કરી દીધો છે એનું સાતત્યભર્યું પ્રમાણ આપણને ‘કથામૃત’માં સાંપડે છે.

કથામૃત પરિચય અને અભિપ્રાય

જે ગ્રંથ આપણે વાંચવા ઇચ્છીએ છીએ તે વાંચતાં પહેલાં એ ગ્રંથના પ્રતિભાશાળી વિષયને એના વાચન પહેલાં સંક્ષિપ્ત રૂપે સમજી લેવો જોઈએ. એના વિષયવસ્તુને જાણવાની ઇચ્છા થાય એ સ્વાભાવિક વાત છે. ‘કથામૃત’નું વિષયવસ્તુ શું છે? ‘કથામૃત’નું વિષયવસ્તુ છે ભગવાન અને ભગવત્‌પ્રાપ્તિના ઉપાય. કેવી રીતે આપણું ભવબંધન કપાય; કઈ રીતે આપણે આ સંસારવ્યાધિમાંથી મુક્ત થઈશું; જન્મજન્માતરથી જે અંધારામાં આપણે ફરતા રહીએ છીએ એ અંધારામાંથી કઈ રીતે મુક્તિ મળશે; આપણા મનના બધા સંશયો કેવી રીતે દૂર થશે; આપણે સંસારનાં કામકાજની વચ્ચે રહેતાં રહેતાં કેવી રીતે ભગવત્પરાયણ-ઈશ્વરોન્મુખ બનીને અસીમ શાંતિના અધિકારી બનીશું – આ બધા આપણા પ્રશ્નો છે. આ બધું આપણને શ્રીઠાકુરના ઉપદેશોમાં મળશે અને આપણી વ્યક્તિગત રુચિ-રસ-દૃષ્ટિકોણ જે પ્રકારના હોય તેવા ભલે રહે, આપણે જ્ઞાનપ્રવણ હોઈએ ભક્તિપ્રવણ હોઈએ કે પછી ભલે કર્મપ્રવણ હોઈએ પણ આપણને સૌને ‘કથામૃત’માંથી પથનિર્દેશન મળશે, માર્ગદર્શન સાંપડશે અને આપણે અપૂર્વ પ્રેરણા પણ પ્રાપ્ત કરીશું.

‘કથામૃત’નો પરિચય આપતાં એના લેખક શ્રી ‘મ’ (માસ્ટર મહાશય) શ્રીમદ્ ભાગવતનો એક શ્લોક ઉદ્ધૃત કરે છે. ‘ભૂમિકા’માં આપણે એની ચર્ચા કરીએ. એ શ્લોક છે:

તવ કથામૃતં તપ્તજીવનં કવિભિરીડિતં કલ્મષાપહમ્ ।
શ્રવણમંગલં શ્રીમદાતતં ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જના: ॥

(૧૦.૩૧.૯)

તમારું એ વાણીરૂપી અમૃત કેવું છે? ‘તપ્તજીવનમ્’ -સંસારના તાપથી જે માનવ તપ્ત છે, દાઝીને મૃત:પ્રાય બની રહ્યો છે, બળીને જે મનુષ્ય મરી રહ્યો છે, એને માટે એ જલસ્વરૂપ છે. આ વાણી રૂપી અમૃત એની પીડાઓને શાંત કરે છે, એને જન્મ-મરણના પંજામાંથી સંસારચક્રમાંથી બચાવી લે છે. એના પછી કહે છે, ‘કવિભિરિડિતમ્’ – જે કવિ અર્થાત્ જ્ઞાન છે, શાસ્ત્રના મર્મજ્ઞ છે તે બધા આ કથામૃતની પ્રશંસા કરે છે.

આ ‘કથામૃત’ મનુષ્યને મૃત્યુના પંજામાંથી છોડાવે છે એને એ જ્ઞાન આપે છે કે મનુષ્ય મરણશીલ નથી – એમ કહીને તેઓ ‘કથામૃત’ની સદૈવ સ્તુતિ કરે છે. આ ઉપરાંત કેવું છે આ ‘કથામૃત’! ‘કલ્મષાપહમ્’ આપણી સમગ્ર કાલિમા, પાપ, કલુષિતતા આ ‘કથામૃત’ દૂર કરી દે છે સંસારમાં રહીને આપણે કેટલી ‘બધી કાલિમા લગાડી લીધી છે. કોઈ છાતી ઠોકીને એમ કહી શકે તેમ નથી કે અમારા દેહમાં આ કાળપ-કલંક લાગ્યાં નથી. તો આ કાલિમામાંથી મુક્ત થવાનો કોઈ ઉપાય છે ખરો? સંભવ છે અનેકને એ પશ્ચાતાપ- વસવસો છે કે આ કાલિમામાંથી મુક્ત થવા માટે કોઈ ઉપાય નથી. એટલે જ કહે છે : ‘ઉપાય છે. આ કથામૃત ‘કલ્મષાપહમ્’ છે. માત્ર એટલું જ નહીં પુરાણોમાં કહેવાયું છે કે અમૃતનું પાન કરવાથી અમરત્વ સાંપડે છે. પણ આ તો એવું અમૃત છે કે એનું માત્ર શ્રવણ કરવાથી જ જીવનનું કલ્યાણ થાય છે – ‘શ્રવણ મંગલમ્’. હવે જો મનમાં એવો પ્રશ્ન ઉદ્‌ભવે કે, સારું સાંભળવાથી જ કલ્યાણ થતું હશે પણ સાંભળવા માટે રુચિ ન હોય તો શું? તેના ઉત્તર રૂપે કહે છે : ‘શ્રીમદ્-સૌંદર્ય વિશિષ્ટ આ વાણીમાં એવી સુષમા છે કે જે મનુષ્યને અનાયાસ, સ્વાભાવિકરૂપે આકર્ષી લે છે અને આ ‘કથામૃત’ કંઈ એટલું અલ્પમાત્રામાં નથી કે એ સમાપ્ત થઈ જાય, એટલે જ કહે છે: ‘આતતમ્’ વિસ્તૃત છે. વિસ્તૃત કહેવાનું તાત્પર્ય છે અપાર અને સહજલભ્ય. જેવી રીતે આકાશ ચારેકોર વિસ્તૃત છે, એને કંઈ શોધીને બહાર લાવવું પડતું નથી; જેમ વાયુ ચોતરફ પરિવ્યાપ્ત છે, એને ખોળીને આવિષ્કૃત કરવો પડતો નથી, તેવી રીતે આ વાણીરૂપી અમૃત અસીમ અને સહજલભ્ય છે. તો પછી આપણે બધા કેમ આ ‘કથામૃત’નું પાન નથી કરતા? તેના ઉત્તર રૂપે કહે છે: ‘ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જના:’- જે લોકોએ ખૂબ દાન કર્યું છે અર્થાત્ ખૂબ પુણ્ય સંચય કર્યો છે એમની આ કથામૃત પ્રત્યે સ્વાભાવિક રુચિ હોય છે. તેઓ જ એની સ્તુતિ કરે છે, એનું કીર્તન કરે છે, એની ચર્ચા કરે છે. રુચિ તો કોઈને થાય અને કોઈને ન પણ થાય. એનું કારણ છે પૂર્વ જન્મનાં સંચિત કર્મ જો પૂર્ણ જન્મમાં કરેલાં અનેક પુણ્યોનો સંચય થયો હોય તો મનુષ્ય જન્મથી જ આવી રુચિ લઈને આવે છે. એને માટે આ રુચિ સહજરૂપે હોય છે. પણ સુકૃતિ અલ્પમાત્રામાં હોય તો, સંભવત: સંસારમાં કોઈ આઘાત લાગવાથી આ ‘કથામૃત’માં રુચિ થાય છે. આમ ભિન્ન ભિન્ન સ્તરનાં લોકો છે છતાં ય એ બધાં માટે આ ‘કથામૃત’ કલ્યાણકારી છે. આ ‘કથામૃત’નું અનુશીલન પરિશીલન કરવું એક કઈ કઠિન વાત છે એવી વાતે ય નથી. તેમાં રુચિ રહેવાથી જ બધાં લોકોને આનંદ સાંપડશે.

આ શ્લોકને માસ્ટર મહાશયે ‘કથામૃત’ના લેખનના પ્રારંભમાં જ ઉદ્ધૃત કર્યો છે. ગ્રંથનું નામ એમણે ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ કેમ રાખ્યું – એ વાત જાણે કે ભાગવતના આ શ્લોકો ટાંકીને એમણે સમજાવી દીધું. જેમણે શ્રીરામચંદ્રજીના રૂપે જગતના કલ્યાણ માટે બધાને ઉપદેશ આપ્યો છે, તેમણે શ્રીકૃષ્ણના રૂપે અનેક પ્રકારના ઉપદેશ આપ્યા છે. જેનો સાર ગીતા અને ભાગવતમાં આપણને સાંપડે છે તેઓ જ ફરીથી શ્રીરામકૃષ્ણ રૂપે આ વખતે બધાને માટે સહજ બોધ્ય ઉપદેશ આ ‘કથામૃત’ દ્વારા આપે છે. માસ્ટર મહાશયે જે શ્લોક ઉદ્ધૃત કર્યો તેનો એમને મન આ જ અભિપ્રાય હોવો જોઈએ એમ અમે માનીએ છીએ. (ક્રમશ:)

Total Views: 154

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.