શ્રીરામકૃષ્ણ કથામૃત – પ્રથમ દર્શન
તા. ૨૬ ફેબ્રુઆરી – ૧૮૮૨.

શ્રીરામકૃષ્ણ કથામૃતમાંથી આપણે દરરોજ થોડો થોડો ભાગ વાંચીશું અને તેના તત્ત્વને સમજવાનો પ્રયાસ કરીશું. આજે પ્રથમ ભાગના પહેલા ખંડથી પ્રારંભ કરીશું. ‘આદાવન્તે ચ મધ્યે ચ હરિ: સર્વત્ર ગીયતે’ – આદિ, મધ્ય અને અંત આ બધાં સ્થાનોમાં ભગવાનની જ કથા છે – આ ઉક્તિની જેમ તેનો પ્રારંભ ગમે ત્યાંથી થઈ શકે. પણ સ્વાભાવિક રીતે આદિથી – પ્રારંભથી સામાન્ય રીતે કથા શરૂ થાય છે. એટલે હું આદિથી શરૂ કરું છું. આપણે વાંચીશું કે કેવી રીતે માસ્ટર મહાશય (શ્રીમહેન્દ્રનાથ ગુપ્ત) શ્રીઠાકુરને પ્રથમવાર મળે છે, કેવાં ભાવ-ભક્તિથી એમનાં દર્શન કરે છે અને એમની વાણી દ્વારા સૌ પ્રથમવાર કયાં વચનો સાંભળે છે. આ પ્રસંગે એ કહેવું અત્યંત જરૂરી છે કે માસ્ટર મહાશયે ‘કથામૃત’માં માત્ર શ્રીઠાકુરના ઉપદેશોનો ઉલ્લેખ નથી કર્યો, પરંતુ આ ઉપદેશની ભૂમિકા અને જે જે પરિસ્થિતિમાં શ્રીઠાકુર એમને કહે છે આ બધાંની સ્પષ્ટતા પ્રત્યેક પરિચ્છેદમાં તેઓ આપતા ગયા છે.

આનું ય એક રહસ્ય છે. માસ્ટર મહાશય તો પોતાની ડાયરીમાં સંક્ષેપમાં આ બધું નોંધી લેતા. અને તે ય એટલા સંક્ષેપમાં કે તેના સિવાય બીજું કોઈ એને સમજી પણ ન શકે. ક્યાંક તો તેઓ માત્ર સાંકેતિક શબ્દ જ લખતા. કથામૃતનું લેખન કરતાં પહેલાં આ શબ્દો સાથે એક એક દિવસના દૃશ્યનું ધ્યાન કરતા. તેઓ કહેતા કે ધ્યાન કરતી વખતે એ દિવસનું આખું દૃશ્ય સ્પષ્ટ રીતે એમની આંખો સમક્ષ ખડું થઈ જતું. આવી રીતે એમના માનસ-પટલ પર એ દિવસની બધી ઘટનાઓ પૂરેપૂરી ઊઠી આવે ત્યારે જ તેઓ લખવાનું શરૂ કરતા.

એટલે જ કથામૃતના પ્રત્યેક ઉપદેશમાં એક વિશિષ્ટતા આપણને જોવા મળશે. તેમણે શ્રીઠાકુરના ઉપદેશોને માત્ર એકત્ર કરીને કોઈ રૂપમાં આપણી સામે મૂક્યા છે એવું નથી પણ એમણે તો એક એક દિવસનું ચિત્ર આપણી સામે મૂકી દીધું છે. શ્રીઠાકુર બેઠા છે. ક્યાં બેઠા છે, અને ખંડમાં કોણ કોણ છે – આ બધી બાબતોનો ઉલ્લેખ પણ તેઓ કરતા રહે છે. આ પહેલાં એમણે કાલીમંદિરનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે. આની પાછળનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે કથામૃતનું વાચન કે શ્રવણ કરતી વખતે ભાવિકો વાચન-શ્રવણના પ્રારંભથી જ આ દૃશ્ય-ચિત્રોની સાથે શ્રીઠાકુરનું ધ્યાન કરતાં કરતાં એમના ઉપદેશોને સમજવાનો પ્રયત્ન કરે. આ છે કથામૃતની અપૂર્વ વિશિષ્ટતા.

ધ્યાનની સહાયથી માસ્ટર મહાશયે આ ઉપદેશોને એવી રીતે આલેખ્યા છે કે જે કોઈ વ્યક્તિ આ ઉપદેશો વાંચે કે સાંભળે તેની સામે આ આખું દૃશ્ય એવી રીતે આવી જાય કે જેથી ભાવિકને એવું લાગે કે તે શ્રીઠાકુરની સમક્ષ બેસીને એમના શ્રીમુખે એમની વાણી સાંભળી રહ્યા છે. એની સાથે ધ્યાન કરતાં કરતાં આ ઉપદેશોનું ચિંતન-મનન પણ કરી શકે. જો આવું થાય તો શ્રીઠાકુરના ઉપદેશ એમના વ્યક્તિત્વથી ભિન્ન બનીને ભાવિકની પાસે નહિ જાય પરંતુ, શ્રીઠાકુરના વ્યક્તિત્વની પ્રભાથી ઉજ્જ્વળ બનીને, જીવન્ત-પ્રાણવાન બનીને ભાવિકના માનસપટલ પર અંકિત થઈ જશે. આમ થશે તો એમના ઉપદેશ વ્યક્તિના સંબંધથી વિમુક્ત નહીં બને અને જેને આપણે -Abstract-ભાવાતીત કહીએ છીએ તેવા ય નહીં રહે, પરંતુ આપણને એવું લાગશે કે જાણે શ્રીઠાકુર સ્વયં વાતો કરે છે-બોલે છે અને આપણા જેવાને ધ્યાનમાં રાખીને કહે છે. આ દૃશ્યોને સામે રાખીને એનું ધ્યાન કરતાં કરતાં કથામૃતનું ચિંતન કરવું આપણા માટે ફળદાયી નીવડશે. એટલે માસ્ટર મહાશયે આ કથામૃતને આપણી સામે આ રૂપમાં મૂક્યું છે. કોઈ નાટકીય પ્રભાવ (dramatic effect) પાડવાની દૃષ્ટિથી આમ નથી કર્યું. એમણે આ ઉપદેશોને ધ્યાનની વસ્તુ બનાવીને આપણી સામે મૂક્યા છે.

અહીં એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે માસ્ટર મહાશય શ્રીઠાકુરની પાસે અનાયાસ ગયા હતા, કોઈ સંકલ્પપૂર્વક એમના દર્શન કરવા કે મળવા ગયા ન હતા. તેઓ વરાહનગર ગયા હતા. એ વખતે અહીં અનેક ઉદ્યાન હતા. એક બગીચામાંથી બીજામાં એમ ટહેલતાં ટહેલતાં જતા હતા. એમની સાથે આ સ્થાનથી પરિચિત એમના સંબંધી સિધૂ હતા. તેમણે કહ્યું, ‘ગંગા કિનારે એક સુંદર બગીચો છે, શું જોવા જવું છે? ત્યાં એક પરમહંસ રહે છે. આમ એક પછી એક બગીચા જોતાં જોતાં તેઓ દક્ષિણેશ્વરના કાલિમંદિરના ઉદ્યાનમાં પહોંચ્યા. આમ માસ્ટર મહાશય દૈવયોગે અહીં આવી ચડ્યા હતા. મનમાં કોઈ કલ્પના-વિચારે ય નહીં અને સંતદર્શને જવું છે એવી વાતે ય નહોતી. ત્યારબાદ ત્યાં શ્રીઠાકુર પાસે જઈને જોયું તો તેઓ કેટલાક લોકો સાથે વાતચીત કરી રહ્યા છે. અહીં એમણે માત્ર એટલો જ ઉલ્લેખ કર્યો છે. આ વાતચીતની અસર માસ્ટર મહાશયના અંત:કરણ પર થઈ નહીં. પણ એમને એ વાતો ગમી ખરી. એમ લાગે છે કે માસ્ટર મહાશયે ત્યારે શ્રીઠાકુરના પ્રબળ પ્રભાવનો અનુભવ ન કરી શક્યા હોય, કારણ કે એમણે કહેલ, ‘પહેલાં તો હું ક્યાં આવી ગયો છું એ એકવાર જોઈ લેવા દો પછી અહીં આવીને બેસીશ.’

માસ્ટર મહાશય બગીચો જોવા માટે શ્રીઠાકુરના ખંડમાંથી બહાર નીકળ્યા કે તરત જ ઝાલર, મૃદંગ, કરતાલ વગેરે ગાજી ઊઠ્યાં, મંદિરમાં આરતી થવા લાગી. તેઓ મંદિરોની આરતીના દર્શન કરીને શ્રીઠાકુરના ઓરડાની સામે આવ્યા, જોયું તો ઓરડાનું બારણું બંધ છે.

લૌકિકજ્ઞાન અને ભગવદ્જ્ઞાન

માસ્ટર મહાશયની પ્રથમ વાત વૃંદા નામની નોકરાણી સાથે થઈ. તેમણે તેને પૂછ્યું, ‘ શું તેઓ પુસ્તકો-ગ્રંથો ખૂબ વાંચે છે?’ વૃંદાએ કહ્યું, ‘અરે બાબા, ગ્રંથ-બ્રંથ શું! એ બધું એમના મુખે!’ વૃંદા તો નોકરાણી – ભણી-ગણી ય નથી, પણ મોટા મોટા પંડિતોને શ્રીઠાકુરની પાસે આવતા જોયા છે, કેટકેટલા સંતો-સાધુઓ, વિશિષ્ટ વ્યક્તિઓ અને સાધકોને પણ એમની પાસે આવતા જોયા છે. મન-હૃદયની સમજણપૂર્વક નહિ પણ એમ જ એમની વાતો એણે સાંભળી છે. આટલું જાણતી હતી કે શ્રીઠાકુર ચોપડી-બોપડી કંઈ વાંચતા નથી. એટલે એણે પોતાનો સિદ્ધાંત નક્કી કરી લીધો છે- ‘ગ્રંથ તો બધા એમને મુખસ્થ છે.’

માસ્ટર મહાશયને આ વાત સાંભળીને કૌતુક થયું કારણ કે તેમની ધારણા એવી હતી કે આધ્યાત્મિક જીવનના અનુભવો માટે શાસ્ત્રગ્રંથો તો વાંચવા અનિવાર્ય ગણાય છે. એમ ન થાય તો પોતાના જ્ઞાનનો ભંડાર ભરાય શી રીતે? એટલે શ્રીઠાકુર ગ્રંથો નથી વાંચતા એ સાંભળીને એમને નવાઈ લાગી.

આ સંબંધમાં આપણે હવે પછી એક ભક્ત મહિમાચરણની વાત જોઈશું. આ ભક્ત શ્રીઠાકુર પાસે આવતા રહેતા. તેઓ કહે છે, ‘અત્યંત તલસાટ અનુભવવો પડે ત્યારે માંડ પ્રભુપ્રાપ્તિ થાય છે. કેટલું બધું વાંચવું પડે છે! શાસ્ત્રો તો અનંત છે.’ એનો ઉત્તર આપતાં શ્રીઠાકુર કહે છે, ‘કેટલાં શાસ્ત્ર વાંચશો? શું પુસ્તકો વાંચીને એને જાણી લેશો? પુસ્તકો વાંચીને સાચી અનુભૂતિ થતી નથી.’

સામાન્ય માણસ તો એમ સમજે છે કે જ્ઞાન-પ્રાપ્તિ માટે ઘણાં શાસ્ત્રો વાંચવા પડે છે. આટલું વાચન ન હોય તો જ્ઞાન કેમ મળે? વાંચ્યા વિના સામાન્ય લૌકિક જ્ઞાન-પ્રાપ્તિ સંભવ નથી અને આ તો છે આધ્યાત્મિક જ્ઞાન-ભગવત્ સંબંધી જ્ઞાન. શાસ્ત્રોમાં આ જ્ઞાન છે અને સાધકોની અનુભૂતિઓ પણ ગ્રંથોમાં શબ્દસ્થ છે તો પુસ્તકો ન વાંચીએ તો એ ઈશ્વરજ્ઞાન વળી ક્યાંથી મળે? એટલે સામાન્ય માણસને મન ઈશ્વરપ્રાપ્તિ માટે અનેક ગ્રંથો વાંચવા પડે, મહિમાચરણ જેમ કહે છે, ‘આ માટે કેટલું બધું વાંચવું પડે છે!’ મહિમાચરણના ઘરમાં પુસ્તકોનો એક ઓરડો ભર્યો છે. આટલાં અઢળક પુસ્તકો જોઈને કોઈ વ્યક્તિને ખ્યાલ આવે કે આ બધું જ્ઞાનલાભ માટે છે. આટલાં બધાં પુસ્તકો વાચવાં પડે તો તે ત્યાંથી જ નમસ્કાર કરીને ચાલતી પકડશે અને વિચારવા લાગશે: ‘આપણા આ જીવનમાં ઈશ્વરપ્રાપ્તિની કોઈ સંભાવના જ નથી.’ વૃંદા દાસી સાથે વાતચીત થયા પછી માસ્ટર મહાશય જ્યારે શ્રીઠાકુરના ઓરડામાં ગયા ત્યારે ત્યાં બીજું કોઈ ન હતું. એની નજર તો મંડાણી છે શ્રીઠાકુરના ભાવ પર. કેવી હતી એમની ભાવાવસ્થા? જ્યારે માછલી પોતાનું મોઢું ચાર-લોટમાં લગાડતી હોય અને ગલની દોરી હલતી હોય ત્યારે માછીમારની જેવી અવસ્થા હોય તેવી ભાવાવસ્થા શ્રીઠાકુરની હતી. માસ્ટર મહાશય અત્યંત સૂક્ષ્મ પર્યાવેષણ-શક્તિ-સંપન્ન માનવ હતા. એમની આ શક્તિ ઘણી અદ્‌ભુત હતી. જ્યાં જ્યાં તેઓ જતા ત્યાં દરેક વસ્તુનું અત્યંત સૂક્ષ્મ નિરીક્ષણ કરતા, ઉપલક દૃષ્ટિએ જોવાનું એના સ્વભાવમાં જ ન હતું. અમે પણ જોયું કે તેઓ જ્યારે મઠમાં આવતા ત્યારે પ્રત્યેક ખંડમાં જતા અને તેમની સાથે જે અનુરાગી ભક્ત આવે એને પણ કહેતા, ‘જુઓ, બધું બરાબર જોવું જોઈએ. મઠ જોવાનો અર્થ માત્ર એ જગ્યા જ જોવી એ નથી. અહીં આવીને બધું જ જોવું. સંન્યાસીઓ સાથે સત્સંગ કરવો અને તેઓ કેવી રીતે રહે છે એ પણ જોવું જોઈએ.’ તે દરેક ઓરડામાં અંદર જઈને જોતા. કોઈમાં પથારી પાસે પુસ્તકો હોય તો તેનાં પાનાં ઉથલાવીને જોતા કે પુસ્તકો કેવાં છે! આટલું નિરીક્ષણ કરતા અમે સંભવત: બીજા કોઈને જોયા નથી. અત્યંત સૂક્ષ્મ નિરીક્ષણ કરવાની તેમની ટેવ જળવાઈ રહે એટલે જ આપણે કથામૃતમાં જે કંઈ વાંચીએ છીએ એમાં આપણને જોવા મળે છે કે કેટલી બારીકાઈથી-સૂક્ષ્મદૃષ્ટિથી એમણે પ્રસંગોનું ચિત્રણ કર્યું છે-વર્ણનચિત્ર આપ્યાં છે.

આત્મસ્થ રહેવાની શ્રીઠાકુરની સ્વાભાવિક ભાવાવસ્થા

માસ્ટર મહાશયે જોયું કે શ્રીઠાકુર અન્યમનસ્ક (ભાવલીન) અવસ્થામાં બેઠા છે. અત્યાર સુધી આવી અવસ્થાથી તેઓ અજાણ હતા. સમય જતાં આની ઊંડી જાણ એમને થઈ. પણ અત્યાર સુધી તો એમને એટલું જ લાગ્યું કે શ્રીઠાકુર અન્યમનસ્ક અવસ્થામાં બેઠા છે. એમણે વિચાર્યું, કે આ સમયે શ્રીઠાકુર કંઈ બોલવા માગતા નથી, સંભવત: આ એમનો સંધ્યા-વન્દન કરવાનો સમય હશે. એટલે એમણે કહેલું, ‘આ તો આપનો સંધ્યા આદિ કરવાનો સમય લાગે છે, હું વળી પાછો ક્યારેક આવીશ’ શ્રીઠાકુરે કહ્યું, ‘સંધ્યા આદિ? ના, એવું કંઈ નથી!’ શ્રીઠાકુરના આ કથનનો અર્થ માસ્ટર મહાશય એ સમયે તો ન સમજી શક્યા, પણ પાછળથી સમયાન્તરે તેનો અર્થ સમજાયો. શ્રીઠાકુરે એમને સમજાવી દીધું. સંધ્યાવન્દન-વગેરેનું શું પ્રયોજન છે, આ બધું કેટલા દિવસ સુધી કરવાનું રહે છે અને ક્યારે આ બધાંની આવશ્યક્તા રહેતી નથી – આ બધું સમય જતાં એમણે જાણી લીધું. આજે તો એમણે શ્રીઠાકુરની અન્યમનસ્ક ભાવાવસ્થા જ જોઈ હતી! જેમ સામેની વસ્તુ પર જ ધ્યાન છે અને બહારની કોઈ વસ્તુ પર એમનું ધ્યાન જ ન હોય તે રીતે એમનાં નેત્રો સ્થિર અને ખુલ્લાં છે એ માટે ઉપમા આપીને કહે છે: જેમ માછીમાર ગલ નાખીને બેઠો છે અને માછલી આવીને ગલમાં ફસાઈ ગઈ હોય ત્યારે માછીમારનું ધ્યાન બીજે ક્યાંય જાય ખરું? શ્રીઠાકુરની નજર પણ અત્યારે બીજે ક્યાંય નથી. બસ, માછલી ચાર-લોટમાં મોઢું મારે છે અને ગલમાં ફસાઈ જાય છે અને માછીમારની નજર માછલી પર જ સ્થિર. આવી જ અવસ્થામાં લીન છે શ્રીઠાકુર. આ અન્યમનસ્ક ભાવ સાધનાની પરિપક્વ અવસ્થામાં થાય છે. શ્રીઠાકુરના માનસપુત્રો – તેમના સાક્ષાત્ શિષ્યોમાંથી કેટલાકના સાન્નિધ્યમાં રહેવાનું સદ્‌ભાગ્ય અમને સાંપડ્યું હતું. અમારા ધ્યાનમાં એ વાત આવી કે તેઓ પણ આવો જ એક અદ્‌ભુત અન્યમનસ્કભાવ અનુભવતા જે બીજે ક્યાંય જોવા ન મળતો. અનેકાનેક સ્થળે વરિષ્ઠ સંન્યાસીઓ, સુખ્યાત સાધુઓના સંપર્કમાં આવવાનું સદ્‌ભાગ્ય પણ અમને પ્રાપ્ત થયું છે, પણ ક્યાંય આવી ભાવાવસ્થા, સંસારને નિ:શેષ વિસ્મૃત કરી દેનારી અન્યમનસ્ક અવસ્થા ક્યાંય જોવા ન મળી. હું સમાધિની વાત નથી કરતો એ તો એનાથી ક્યાંય દૂરની વાત છે. આ તો વચ્ચે વચ્ચે સંસારની સ્મૃતિ ન રહે, જગત વિસ્મૃત થઈ જાય, સંસાર મન પર પોતાની કોઈ અસર-રેખાયે પાડી ન શકે, સંસાર-જગત તો રહે જ છે પણ એની મન પર કોઈ છાપ પાડી શકતા નથી – આવી અવસ્થાની હું વાત કરી રહ્યો છું. સ્વામી વિવેકાનંદરચિત એક ગીતમાં નિર્વિકલ્પ સમાધિના પ્રાથમિક સોપાનની દૃષ્ટિએ આવું જ વર્ણન મળે છે:

‘ભાસે વ્યોમે છાયા સમ છબિ વિશ્વ ચરાચર’ – ‘અસ્ફુટ મન આકાશે’ મન-આકાશમાં ચરાચર… વિશ્વ છાયાની જેમ પ્રતિભાસિત થાય છે. છાયા સમાન એટલે જાણે કે એને દેહ જ ન હોય અને એની કોઈ વાસ્તવિકસત્તા પણ ન હોય. અને છાયા છે એટલે એનું અસ્તિત્ત્વ મન પર રેખા- છાપ અંકિત કરી શકતું નથી. સમગ્ર વિશ્વ-બ્રહ્માંડ એક છાયા જેવાં પ્રતીત થાય એ એક અદ્‌ભુત અનુભૂતિ છે. આ અવસ્થામાં માનવ ‘દેહસ્યોઽપિ ન દેહસ્ય:’ દેહમાં રહેવા છતાં દેહમાં ન રહેવા જેવી અવસ્થામાં રહે છે. આ સમાધિ-અવસ્થા નથી અર્થાત્ બધી ઇંદ્રિયો નિષ્ક્રિય થઈ જાય એવી અવસ્થા નથી. ઇંદ્રિયો તો કામ કરતી રહે છે પણ કોને માટે કામ કરે છે – એનો ખ્યાલ આવતો નથી. ઇંદ્રિયો મનની સામે વિષયો પ્રસ્તુત કરે છે અને મન એમને દ્રષ્ટા કે જ્ઞાતા પાસે લઈ જઈને ખડા કરી દે છે પણ જ્ઞાતા જ એને ન ગ્રહણ કરે, સ્વીકારે તો તો ઇંદ્રિયોનું કામ કરવું એ ન કરવા જેવું જ છે.

આ અવસ્થામાં સંપૂર્ણરીતે સંસારથી સંબંધ-વિચ્છેદ થઈ જાય છે એવું નથી, પણ સંસાર એક માત્ર છાયા બની જાય છે. શ્રીઠાકુરની આ અવસ્થાને માસ્ટર મહાશયે નજરે જોઈ. આ આપણા ચિંતનનો વિષય છે કારણ કે આવા પ્રકારની અવસ્થાથી આપણે પરિચિત નથી. આપણા લૌકિક જીવનમાં પણ જોવા મળે કે ક્યારેક કોઈ વિશેષ વિષયમાં મન ડૂબી જાય છે-લીન બને છે ત્યારે માણસ અન્યમનસ્ક થઈ જાય છે, પણ અહીં એનું મન ક્યાં લીન છે એ આપણે સમજી શકીએ છીએ.

એક વ્યક્તિની વાત છે. તેણે કહ્યું હતું કે જ્યારે તે વ્યવસાયમાં પડ્યો ત્યારે તેનું મન એટલું લીન રહેતું કે બીજાં વ્યવહાર-પ્રવૃતિ તો ચાલતાં રહેતાં પણ માત્ર ઉપર છલ્લા મનથી. તેનું મન તો વ્યવસાય અને તેની સમસ્યાઓમાં જ મગ્ન રહેતું. એના મિત્રો તેને કહેતા: ‘ભાઈ, તારી સાથે વાતો કરવાથી કોઈ લાભ-સુખ નથી અને તારું મન તો જાણે ક્યાંક બીજે ચોંટ્યું છે. અમે તારી સાથે વાતો કરીએ છીએ અને તું તો ક્યાંક ખોવાયેલો રહે છે.’ આ છે અન્યમનસ્કતા. આને તો આપણે સમજી-જાણી શકીએ. સંસારના કોઈ વિષયમાં લીન થવાથી, ડૂબી જવાથી મન આવી જ રીતે બીજા વિષયને ધ્યાનમાં લેવા અસમર્થ બની જાય છે. આવું સામાન્ય માનવને માટે બને છે. પરંતુ અહીં વાત જુદી છે. બહારની અન્ય વસ્તુઓના વિષયનો અનુભવ જ ન થાય એ રીતે એ મનને ખેંચી રાખે છે. એ વિષયનો તો આપણને ખ્યાલ જ નથી આવતો. એ વિષયથી તો આપણે અપરિચિત રહીએ છીએ. અભિનિવેશ તો આપણે સમજી શકીએ. મનનો અભિનિવેશ એ કક્ષાએ થઈ શકે કે માણસ બાહ્ય જગતના સંબંધમાં અને ઇંદ્રિયોના વિષયોની બાબતમાં સંપૂર્ણપણે ઉદાસીન થઈ જાય. આનું એક ઉદાહરણ અને યાદ આવે છે. સર જગદીશચંદ્ર બોઝના એક વિદ્યાર્થીએ આ વાત કરી હતી. એ વખતે તો એમણે ઉચ્ચ શિક્ષણ મેળવી અને ઉચ્ચ હોદ્દા પર સરકારી નોકરી કરતા હતા. તેઓ એક દિવસ ડૉ.જે.સી. બોઝને મળવા એમના ઘરે ગયા. એમના માટે ડૉ.બોઝના ઘરનાં બારણાં ખુલ્લાં રહેતાં. ખબર પડી કે ડૉ. બોઝ તો છત પર છે. છત પરનાં કુંડાંમાં છોડ હતા ત્યાં જ તેઓ બેઠા હતા. આ વિદ્યાર્થી તો તેમની સામે જ આવીને ઊભા રહ્યા પણ જોયું કે બોઝને એનો ખ્યાલ જ નથી. સારો એવો સમય તેઓ ઊભા જ રહ્યા. આ ધ્યાનમગ્ન ઋષિના ધ્યાનને ખલેલ પહોંચાડવાની એમને ઇચ્છા ન થઈ. ઘણા સમયે જ્યારે બોઝને ખ્યાલ આવ્યો ત્યારે તે બોલી ઊઠ્યા, ‘અરે, તમે ક્યારે આવ્યા?’ વિદ્યાર્થીએ જવાબ આપ્યો, ‘ઠીક ઠીક સમય થયો.’ બોઝે કહ્યું, ‘તો પછી મને બોલાવ્યો કેમ નહીં?’ વિદ્યાર્થીએ કોઈ જવાબ ન આપ્યો. આવા પ્રકારનો અભિનિવેશ (એકાગ્રતા) તો આપણને સમજાય જાય પછી ભલે એ કોઈ છોડમાં હોય કે પ્રકૃતિના કોઈ રહસ્યને માટે હોય કે માનવનું મન જેનાથી સૌથી વધુ લાલાયિત બને તેવા ધનોપાર્જન માટે હોય. આ બધાંનાં આકર્ષણને તો આપણે સમજી શકીએ. પરંતુ આ આકર્ષણનો વિષય માનવની સામાન્ય દૃષ્ટિની પકડમાં નથી આવતો. શ્રીઠાકુરની આ ભાવાવસ્થાનું વર્ણન આપણે ‘કથામૃત’માં વાંચીશું.

(ક્રમશ:)

Total Views: 140

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.