(ગતાંકથી આગળ)

આ જ્ઞાનની સામાજિક અસરની વાત કરતાં, (ન્યુયોર્કમાં, ‘ધ રીઅલ એન્ડ ધ એપેરંટ મેન’ વ્યાખ્યાન, કંપ્લીટ વર્કસ, વો.૨, પૃ.૨૮૬-૮૭ પર) સ્વામી વિવેકાનંદ કહે છે:

‘લોકોને ડર છે કે પોતે તેને પ્રાપ્ત કરશે ત્યારે, એક જ હોવાનું પોતાને જ્ઞાન થશે ત્યારે, પ્રેમનાં ઝરણાં સૂકાઈ જશે… લોક કદી થોભીને વિચારતું નથી કે, પોતાનાં  વ્યક્તિત્વો પર જેમણે ઓછામાં ઓછો ભાર આપ્યો હતો તે જગતના મહાનમાં મહાન કાર્યો કરનારા બન્યા છે. પછી જ, પોતાનું પ્રીતિપાત્ર કોઈ ક્ષુલ્લક, મર્ત્ય પ્રાણી નથી એ જાણી, મનુષ્ય પ્રીતિ કરે છે. પોતાનું પ્રીતિપાત્ર માટીનું ઢેફું નથી પણ, સાક્ષાત્ પરમેશ્વર છે એ જાણી, મનુષ્ય પ્રીતિ કરે છે. પતિમાં પરમેશ્વર જોતી પત્ની પતિને વધારે ચાહશે. પત્ની સાક્ષાત્ પરમેશ્વર છે એ જાણ્યા પછી પતિ પત્નીને વધારે પ્રેમ કરશે. બાળકોમાં સાક્ષાત્ પરમેશ્વર જોનાર માતા બાળકોને વધારે વહાલ કરશે. વેરીને પ્રભુ જાણ્યા પછી, મનુષ્ય એ વેરીને વધારે ચાહશે. સંતમાં ભગવાનને જોનાર સંતનો વધારે આદર કરશે અને, અધમમાં અધમને પણ એ ચાહશે કારણ કે, એ અધમની ભૂમિકાએ પણ પરમેશ્વર પોતે જ ઊભા છે.

‘આવો મનુષ્ય જગતને હલાવનારો બને છે કારણ એનો લઘુ અહં નાશ પામ્યો છે અને તેને સ્થાને પ્રભુ ઊભા છે. એને માટે આખું વિશ્વ બદલાઈ જશે… રોટલાના ટુકડા માટે આપણે જ્યાં ઝઝુમીએ છીએ, લડીએ છીએ અને હરીફાઈ કરીએ છીએ તેવું કેદખાનું બનવાને બદલે, આ વિશ્વ આપણે માટે ક્રીડાસ્થાન બની જશે. પછી આ વિશ્વ કેટલું સુંદર થશે! આવા માનવીને જ ટટ્ટાર ઊભા રહી, ‘આ વિશ્વ કેટલું સુંદર છે!’ એમ પોકારવાનો અધિકાર એને છે. બધું જ સારું છે એમ કહેવાનો અધિકાર એને એકલાને જ છે. આવા જ્ઞાનનો જગતને મોટો ફાયદો એ થશે કે, આ મહાન સત્યનો એક નાનો અંશ પણ જગત પામે તો, સંસારના બધા ક્લેશકંકાસો દૂર થઈ જશે અને, જગતમાં પરિવર્તન આવશે તથા, લડાઈઝઘડાને સ્થાને શાંતિનું સામ્રાજ્ય સ્થપાશે.

આ જગત પર રહેતાં નરનારીઓનો એક દશલાખમો ભાગ પણ માત્ર થોડી મિનિટ બેસી રહી કહે: ‘હે મનુષ્યો, હે પ્રાણીઓ, હે જીવો, તમે બધાં પરમાત્મા છો, એક જ ચૈતન્યના બધા આવિષ્કારો છો’ તો, માત્ર અર્ધા કલાકમાં સમગ્ર જગત પલટાઈ જશે. ખૂણે ખૂણે દ્વેષના બોમ્બગોળા ફેંકવાને બદલે, ઈર્ષા અને દુષ્ટ વિચારના પ્રવાહોનો પ્રક્ષેપ કરવાને બદલે, દરેક દેશમાં લોકો ચિંતવશે કે એ બધું તે છે.’

વેદાન્તનું પિયર હોવાં છતાં, બીજા કોઈ પણ દેશના કરતાં, માનવભેદનો ભ્રમ ભારતે વધારે સેવ્યો છે અને, સદીઓથી ગુલામી વડે આની મોટી કિંમત તેણે ચૂકવી છે. આથી સ્વામી વિવેકાનંદને ખૂબ વેદના થતી અને, આ સ્થિતિનો અંત આણવા તેઓ તાકાતથી મથ્યા હતા. વ્યવહારુ વેદાન્તની એમની યોજનાનું ધ્યેય આ હતું. ૧૮૯૭માં, લાહોરમાં આપેલા પોતાના વ્યવહારુ વેદાન્ત વિશેના પ્રવચનમાં, એમણે કહ્યું હતું (એજન, વો.૩, પૃ.૪૨૭):

‘એટલે, તમારી જાતમાં શ્રદ્ધા રાખો; અને તમારે ભૌતિક સમૃદ્ધિ જોઈતી હોય તો, એને માટે શ્રમ કરો; એ તમારી પાસે આવશે. તમારે બૌદ્ધિક થવું હોય તો, બૌદ્ધિક સપાટીએ શ્રમ કરો અને, તમે બૌદ્ધિક ભગીરથો થશો. અને તમારે મુક્તિ જોઈતી હોય તો, આધ્યાત્મિક પરિપાટીએ શ્રમ કરો અને, તમે મુક્ત થશો જ અને નિર્વાણ પામશો.

‘પણ અદ્વૈત દર્શનની એક ક્ષતિ એ હતી કે, ઘણા લાંબા કાળ પર્યંત, એનો અમલ આધ્યાત્મિક ક્ષેત્ર પૂરતો સીમિત રહ્યો, અન્ય ક્ષેત્રમાં એનો ઉપયોગ જ ન થયો; એને વ્યવહારુ બનાવવાનો સમય હવે પાકી ગયો છે. હવે વધુ વાર એ રહસ્ય રહેશે નહીં; એ હવે વધારે સમય ગુફાઓમાં અને અરણ્યોમાં અને હિમાલયમાં સંતોસાધુઓ પાસે રહેશે નહીં; એનો અમલ રાજાના મહેલમાં થશે, તપસ્વીની ગુફામાં થશે, રસ્તે જતો રંક એનો અમલ કરશે. જ્યાં જ્યાં એનો અમલ થઈ શકે તે સઘળે સ્થળે એનો અમલ કરવામાં આવશે.

‘માટે, તમે સ્ત્રી કે શૂદ્ર હોવાનો ડર સેવો મા. કારણ, કૃષ્ણ કહે છે, આ ધર્મ એટલો મહાન છે કે એના અલ્પ આચરણથી પણ મોટો લાભ થાય છે. એટલે, આર્યોનાં બાળકો, આળસુ બની બેસી ન રહો. ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા રહો. આ અદ્વૈતના વ્યવહારુ અમલનો સમય પાકી ગયો છે. ચાલો આપણે એને સ્વર્ગમાંથી પૃથ્વી પર ઉતારીએ. આજની એ આવશ્યકતા છે.’

માણસ માણસ વચ્ચેના બાહ્ય તફાવતોની ભીતર, એના જન્મજાત આધ્યાત્મિક સ્વરૂપની એકતા રહેલી છે; અને વ્યક્તિની કેળવણીમાં તેની પર ભાર દેવાનો છે. તફાવતોને વેદાન્ત નકારતું નથી; પેલા રહ્યા એ, પણ એ સપાટી પરના છે. ઊંડે જોતાં એકતા છે. માણસ ગમે તે કામ કરે, એનું સ્થાન ગમે તે હોય, દરેકની અંદર, એક તાત્ત્વિક મૂલ્ય રહેલું છે જે એ કેટલું કમાય છે કે એનું સામાજિક સ્થાન શું છે તેની પરથી માપી શકાતું નથી. એ તાત્ત્વિક મૂલ્ય આધ્યાત્મિક મૂલ્ય છે અને આત્મામાંથી વહે છે. એના સ્વરૂપના અવિભાજ્ય અંગ તરીકે, એનાં સાચાં આત્મસન્માન અને ગૌરવનો એ પાયો છે. અધ્યાપક, ડોક્ટર, વકીલ કે વહીવટદારની માફક, મોચી કે અને ઝાડુવાળો, માછીમાર અને કારીગર પણ સમાજનાં આવશ્યક કાર્યો જ કરે છે. આ વિવિધ સામાજિક કાર્યો છે જે, માનવીનો સાચો ગજ નથી; એ ગજ એનો આત્મા છે, એનું સત્ય સ્વરૂપ છે, એની આધ્યાત્મિક વૃત્તિ છે જેનાં પરિમાણ અમેય છે. સામાજિક ક્ષેત્રમાં કર્તા તરીકેનો મનુષ્યનો માનદંડ અસમાનતાનાં પરિબળોના ખેલનું ક્ષેત્ર છે. આ પરિબળોને માત્ર આધ્યાત્મિક કેળવણીથી વશમાં રાખી શકાય અને એમના ડંખ કાઢી શકાય. ઉચ્ચ કે નીચ, દરેક વ્યક્તિને આવી કેળવણી પોતાના તાત્ત્વિક મૂલ્યનું અને ગૌરવનું ભાન કરાવશે, જે ભાન પોતે આત્મા છે તેના જ્ઞાનથી જન્મ્યું હશે.

આ આધ્યાત્મિક કેળવણી વિના, આજની લોકશાહીના ગમે તેટલા દાવા છતાં, અર્વાચીન ઔદ્યોગિક સંસ્કૃતિ કેવળ માનવ માનવ વચ્ચેના ભેદને વધારે તીવ્ર બનાવશે; જ્ઞાન, શક્તિ, સમૃદ્ધિ અને સત્તામાંથી ઉદ્‌ભવતા આ ભેદો લાખો માણસોથી અનુભવાતી લઘુતાથી ભાવનાને વધારે ઘેરી બનાવશે; પોતે વિકસાવેલાં વિજ્ઞાન અને ટેકનોલોજી પાસે પોતાને એ વામણા તો માને જ છે. આવા શિક્ષણ વિના, મનુષ્ય દ્વારા થતું મનુષ્યનું શોષણ વધશે; સૂક્ષ્મ પ્રકારનાં બધાં શોષણો વિકાસ પામશે જે, અગાઉના આર્થિક શોષણના કરતાં વધારે ખતરનાક હશે. તકનીકી કૌશલમાં ખૂબ વધારો થવા છતાં અને, સમૃદ્ધિ અને સુખારામ વધવા છતાં, મનુષ્ય સ્વભાવ વધારે ખરાબ થવાને કારણે, સામાન્ય જનોનાં સુખ અને કલ્યાણનો આદર્શ વધારે ને વધારે પાછો ઠેલાશે. આધ્યાત્મિક કેળવણી વિના, જીવનના સ્વામી તરીકે જીવન માણવાની શક્તિ મનુષ્યને પ્રાપ્ત થશે નહીં; મનુષ્ય તેનો ગુલામ જ બની રહેશે. (મનુસ્મૃતિ, ૬.૨૮માં) મનુએ કહ્યા પ્રમાણે:

નઽહ્યનધ્યાત્મવિત્ કશ્ચિત્ ક્રિયાફલમ્ ઉપાશ્નુતે —

‘આત્મજ્ઞાન વિનાનો મનુષ્ય પોતાનાં કર્મનું ફળ ભોગવી શકે નહીં.’

ભૌતિક સમૃદ્ધિમાં અને સામાજિક કલ્યાણમાં સમાજ જેટલો આગળ વધેલો તેટલો તે વધારે અસુખી; સમૃદ્ધિની વૃદ્ધિથી મનુષ્યની યાતના ઓછી થતી નથી, એનું રૂપ બદલાય છે, એ વધારે ને વધારે સૂક્ષ્મ થતી જાય છે અને પરિણામે વધારે અસહ્ય બને છે. પોતાના આધ્યાત્મિક સ્વરૂપથી મનુષ્ય અજ્ઞાત રહેશે ત્યાં સુધી, આમ જ થશે અને આમ થવું જ જોઈએ એમ, સાઠ વરસ પહેલાં, સ્વામી વિવેકાનંદે પાશ્ચાત્ય જગતને ચેતવ્યું હતું. મનુષ્ય પ્રકૃતિના આ પરલક્ષીકરણના ભયનું ભાન હોય એવા પાશ્ચાત્ય ચિંતકોની ખોટ નથી; આ ભય મનુષ્યે પોતાની આત્મલક્ષિતાની ઉપેક્ષા કર્યાથી જન્મ્યો છે. આવો એક ચિંતક રીડર્સ ડાઈજેસ્ટ (‘ધ આર્ટ ઓફ બીઈંગ નોબડી’, લે. એરિક મેનર્સ, મે-૧૯૫૩)માં લખે છે:

‘આજની હવામાં એક ભયંકર ધમકી છે — એ ધમકી છે આપણે માટે કોઈ વિચારે, આપણી ઉપર કોઈ રાજ કરે, સત્તા ચલાવે, આપણને કોઈ ધક્કા મારે અને આપણને બીજી જણસો બનાવી દે તેનો. એની સામેનું આયુધ એક જ છે. આત્માનું આયુધ — અદ્વિતીય અને અગણ્ય માનવ આત્માનું સત્ય.’

બી.બી.સી. ઉપર આપેલા એક વાર્તાલાપમાં એડિંગ્ટને પ્રશ્ન કર્યો હતો: ‘આપણા વિશેનું સત્ય શું છે?’ અને પછી એનો ઉત્તર આપ્યો હતો: ‘આપણે જુદા જુદા ઉત્તરો તરફ વળીએ છીએ; આડે રસ્તે ચડી ગયેલા તારાનો આપણે ખંડ છીએ. આપણે સંકુલ ભૌતિક યંત્ર છીએ — કાલનો હાથ, અદૃશ્ય હાથો, ફેરવે તેમ કૂદતી, બોલતી, હસતી અને મૃત્યુ પામતી પૂતળીઓ છીએ. પણ આપણે યાદ રાખવું જોઈએ કે તેનો એક જ તાત્ત્વિક, અનન્ય ઉત્તર છે: આપણે એ જ છીએ જે પ્રશ્ન પૂછે છે.

આપણે એ જ છીએ જે પ્રશ્ન પૂછે છે — કેટલું ગહન અવલોકન! વેદાન્તની ભાષામાં મૂકતાં એનો અર્થ એ થાય કે આપણે દૃક્ છીએ, દૃશ્ય નથી; કર્તા છીએ, કર્મ નહીં; આત્મા છીએ, અનાત્મા નહીં.

જ્ઞાનતંતુજન્ય રોગો અને માનસિક તાણોથી પેદા થતાં દર્દો અને દુ:ખો આપણે ટાળવા માગતા હોઈએ તો, આપણે દેહ નથી, ઇન્દ્રિયો નથી, બુદ્ધિ નથી પણ આપણે નિત્યશુદ્ધ-બુદ્ધ-મુક્ત-સ્વભાવ પરમાત્મા છીએ તેમ આપણી જાતને આપણે કેળવવી રહી. ઐન્દ્રિય અસ્તિત્વની ક્ષુલ્લકતાથી આ જ્ઞાન આપણને ઊંચે લઈ જશે અને આપણને વૈશ્વિક દર્શનની અને કરુણાની ભેટ આપશે. આજના યુગમાં આ મોટું કાર્ય કરવાનું ધ્યેય વેદાન્તે પોતાની સામે રાખ્યું છે.

આ પછીનો ઈશ ઉપનિષદનો આઠમો શ્લોક અંતિમ સત્યનું અન્ય ભવ્ય અને કાવ્યમય વર્ણન આપે છે:

સ પર્યગાત્ શુક્રમ્ અકાયમ્ 

અવ્રણનમ્ અસ્નાવિરમ્ શુદ્ધમપાપવિદ્ધમ્ ;

કવિર્મનીષી પરિભૂ: સ્વયંભૂ: યાથાતથ્યતો 

અર્થાન્ વ્યદધાત્ શાશ્વતીભ્ય: સમાભ્ય:—

‘એ, સ્વયંભૂ, સર્વત્ર છે — એ વિશુદ્ધ છે, એને (સૂક્ષ્મ) શરીર નથી, એનામાં કશો અવંકો નથી, એને સ્નાયુઓ (સ્થૂળ શરીર) નથી, એને પાપનો ડાઘ લાગેલો નથી; એ સર્વદર્શી છે, સર્વજ્ઞ છે, એ સર્વને આવરી લેનાર છે. સનાતન પ્રજાપતિઓ (બ્રહ્માંડની સત્તાઓ)ને એણે એમની ફરજો બરાબર સુપ્રત કરી છે.’

આત્માનું સ્વરૂપ પવિત્ર અને વિશુદ્ધ છે — પાપના કલંક વિનાનું. મનુષ્યજાતની વૈશ્વિક મુક્તિનો ભારતનો આ સનાતન મંત્ર છે; જેનો સર્વત્ર સ્વીકાર થાય તેવી કોઈ ઐતિહાસિક ઘટનાનો સ્વીકાર માનવમુક્તિના મંત્ર તરીકે વેદાન્તને સ્વીકાર્ય નથી. મનુષ્યની પ્રકૃતિમાંથી તારવેલો મંત્ર જ માત્ર સાર્વત્રિક સ્વીકારનો મંત્ર બની શકે. ‘સ્વર્ગનું રાજ્ય તમારા અંતરમાં છે’, એમ ઈસુએ પ્રબોધ્યું ત્યારે એમની વિવક્ષા આ હતી.

આત્મા માટે અહીં બીજું સુંદર સંબોધન વાપરવામાં આવ્યું છે કવિ:— કવિ, દ્રષ્ટા. એ મહાન કવિ છે અને, જગત એનું કાવ્ય છે, પ્રાસોમાં અને શ્લોકોમાં ઊતરતું. કવિ શબ્દનો અર્થ માત્ર કવિતા કરનાર થતો નથી પણ, જે ક્રાન્તદર્શી છે, શંકરાચાર્યે જણાવ્યા મુજબ, જેની પાસે આંતરદૃષ્ટિ છે અને જે વસ્તુઓનું મહત્ત્વ જોઈ અને ગ્રહણ કરી શકે છે. જગતના મહાકવિઓમાં આત્માની માફક આ ગુણ રહેલો છે. કવિતા પ્રકૃતિના હૃદયમાંથી સંદેશ લાવે છે. કલ્પનાહીન અને ચીલાચાલુ ચિત્તને જે સામાન્ય અને નિરર્થક લાગે તેમાં કવિને ઊંડો અર્થ દેખાય. શેક્સપિયરના કાવ્યદર્શનને નિરૂપતી એક કડીમાં આ વિચાર ચોટદાર રીતે વ્યક્ત થયો છે :

કવિતા લટકે બોરડીને કાંટે, કવિની આંખ એ પેખે,
શેક્સપિયર નીસરે શેરીમાં ત્યાહરે, રૂપ અનૂપ એ પેખે.

દરેક કાર્યમાં, દરેક અનુભૂતિમાં, દરેક પ્રસંગમાં કવિને મન ભરપૂર કાવ્ય છે; એનું સંવેદનપટુ ચિત્ત એમાં અર્થ અને રહસ્ય જુએ છે. પ્રકૃતિમાં એવી એક પણ ઘટના કે વસ્તુ નથી જેના આત્મસંપુટમાં વિશ્વાત્મા રહેતો ન હોય; દિવ્ય કવિ સાથેના સંબંધના સામીપ્યની ક્ષણો દ્વારા, કવિ પ્રકૃતિની દિવ્ય ધબકને ગ્રહણ કરે છે. ત્યારે સામાન્ય માનવી માત્ર પાર્થિવ, જૂજવી ઘટનાઓ અને હકીકતો જુએ છે.

આ શ્લોક કહે છે કે, પ્રકૃતિમાં વ્યવસ્થિતતાનું મૂળ છે આ આત્મા. યાથાતથ્યતો અર્થાન્  શાશ્વતીભ્ય: સમાભ્ય: બ્રહ્માંડના અટલ નિયમો એની દિવ્ય ભૂમિકાની અભિવ્યક્તિ છે. વિશ્વ નિયમાધીન છે; સૂર્ય, તારકો, તેજોમેઘો, અગ્નિ, વિદ્યુત, વૃષ્ટિ, પ્રકૃતિમાં સર્વ નિયમાનુસાર ચાલે છે. નિયમ વડે જ બધા પદાર્થો પોતાની મર્યાદામાં રહે છે એટલા માટે કે, પોતાની હદ ઓળંગીને એ અનવસ્થા ઊભી ન કરે.

શેલીએ કવિઓને જગતના અસ્વીકૃત નિયમન ઘડનારાઓ કહ્યા છે. કવિઓનો કવિ પરમાત્મા મોટામાં મોટો નિયમદાતા છે. પોતાના નિયમમાં એ પોતાની જાતને આપી દે છે. બૃહદારણ્યક ઉપનિષદ (૪.૪.૨૨ માં) કહે છે:

સ વા એષ મહાનજ આત્મા… સેતુર્વિધરણ એષાં લોકાનામ્ અસંભેદાય — 

‘ખરે જ, આ મહાન અજન્મા આત્મા છે… વિવિધ સૃષ્ટિઓની મર્યાદાને અળગી રાખનાર સેતુનું કામ કરે છે.’

નિયમની આ વિભાવનાને વેદો ઋત કહે છે અને ઋતનો અર્થ છે વ્યવસ્થા, તાલબદ્ધતા. પ્રકૃતિના અંતરમાં વ્યવસ્થિતતા છે, ભલે સપાટી પર બધી વસ્તુઓ અવ્યવસ્થિત અને ગરબડભરી હોય. કોઈ યંત્રને ખોલીને તેની અંદર નજર કરનાર છોકરાને તારોનું અવ્યવસ્થિત જંગલ જેવું દેખાશે તેમાં, તેના નિષ્ણાતને સુવ્યવસ્થા દેખાશે કારણ, એ દરેક તારનું કાર્ય અને તેનો અર્થ એ જાણે છે; આવા જ્ઞાનની સહાયે એમના સંચાલનને એ વશમાં રાખે છે. એમ જ, પ્રકૃતિમાં દરેક વસ્તુ એના નિયમ અનુસાર ચાલે છે અને આ નિયમ અંદર દિવ્ય આત્માની ઉપસ્થિતિ પ્રગટ કરે છે. પ્રકૃતિના હૃદયમાંનું આ દિવ્ય તત્ત્વ દ્વૈતની વિભાવના નથી; દૂર વાદળો ઉપર આસન વાળી બેઠેલા અને ત્યાંથી જગત ઉપર સામ્રાજ્ય ચલાવતા ભગવાનની કલ્પના એ નથી; એ આત્મા જ છે, મનુષ્યનો તેમજ વિશ્વનો, જેની સૂક્ષ્મ ઉપસ્થિતિને મનુષ્યનું મન અનુસરે છે અને, વિશ્વના પદાર્થો અને ઘટનાઓ અને, એમને ધારણ કરતા નિયમો દ્વારા અનાવૃત કરે છે.

આ વિશ્વ પૂરેપૂરું આધ્યાત્મિક છે એ ઘોષણાથી ઈશ ઉપનિષદે આરંભ કર્યો છે: ઈશાવાસ્યમિદં સર્વમ્. પછી, પૂરી માનવઆવરદા જીવવાની ઇચ્છા રાખવાનો માનવીને એણે બોધ કર્યો અને, આ સત્યનો સાક્ષાત્કાર કરી મુક્ત થવા માટે તે જીવનનો ઉપયોગ કરવા કહ્યું; આ સાક્ષાત્કાર વિના, જીવન અંધકારમાં વ્યતીત થશે એમ ચેતવણી આપી, અને એના સાક્ષાત્કારથી માયાનું આવરણ સદંતર દૂર થઈ જશે, માનવહૃદયમાંથી ગ્લાનિ દૂર થશે, એ ચિર શાંતિનું, આનંદનું અને સાર્વત્રિક કલ્યાણનું ધામ બની જશે તે દર્શાવ્યું.

આ સર્વવ્યાપી આધ્યાત્મિક સત્યને ઉપનિષદોએ આત્મા કહ્યો; આ સત્ય શબ્દાતીત છે, અચિંત્ય છે, સર્વાન્તરાત્મા છે; પણ એ ઇદમ્, ‘આ’, આ વિશ્વ પણ છે અને એમ હોઈને બધા વાગ્વ્યાપાર અને ચિંતનવિચારનું વસ્તુ છે. આમ પદાર્થોની ‘અંદર’ અને ‘બહાર’ પણ છે, તૈલ્હાર્દ દ શાર્દેંના શબ્દોમાં, એ સર્વની પારનું અને સર્વમાં પ્રોત સત્ય છે. પણ ‘આત્મા’ પદ ‘ભીતર’ની ખોજની પ્રત્યગ્ તત્ત્વની, વિશ્વની  ખોજની છાપ ધારણ કરે છે. આમ એ માનવવ્યક્તિત્વના ઊંડા અધ્યયન દ્વારા કરે છે અને વ્યક્તિત્વ સમષ્ટિનું પ્રતિબિંબ છે. વિશ્વના ‘બહાર’ના તત્ત્વની ઉપનિષદોની ખોજે, પૂર્વે, બ્રહ્મ પદ અને એની વિભાવના આપ્યાં હતાં — એ અનેક પાછળ રહેલ એક છે. આ વિભાવના સ્પષ્ટતાનાં અને સમૃદ્ધિનાં વિવિધ સોપાનો પરથી પસાર થઈ; એનો અર્થ પ્રાર્થના થયો; એ એકેશ્વરવાદ થયો; સાપેક્ષ વિશ્વ પાછળનું એ તર્કબદ્ધ બ્રહ્મ થયું. અંતમાં, વસ્તુઓની ‘ભીતર’ના, આત્માના, પોતાના જ્ઞાનથી નિહાળતાં, ઉપનિષદોને જ્ઞાન થયું કે, ‘બહાર’ની અને ‘અંદર’ની એકતા, બ્રહ્મ — આત્માની એકતા સત્ય છે, સર્વની પારનું અને સર્વમાં પ્રોત છે, અનુભૂતિની ઘટના છે અને, કેવળ તાર્કિક અનુમાન નથી. આત્માના જ્ઞાન દ્વારા, વસ્તુઓના ‘અંદર’ના જ્ઞાન દ્વારા એકેશ્વરવાદી દેવતામાંથી અને તાર્કિક નિર્ગુણમાંથી બ્રહ્મની વિભાવનાને ઉપનિષદોએ આધ્યાત્મિક અનુભવમાં, પોતાના બ્રહ્મસૂત્ર ભાષ્ય (૧.૨.૨.)માં, શ્રીશંકરાચાર્યે જણાવ્યા પ્રમાણે અનુભવ અવસાનમ્‌માં પરિવર્તિત કરી.

એ જ રીતે, ચિત્ત, જ્ઞાન અથવા સંવિત્‌ની ઘટનાઓના ઊંડા પરિશીલન વડે, આત્માના ખ્યાલને જીવ, ચૈતન્યનો ગુણધારક અસ્તિત્વ અને, અંતરાત્મા શબ્દપ્રયોગ દ્વારા અનેકતા ધરાવતા પદમાંથી પરમાત્મા અથવા સર્વાત્માના ખ્યાલમાં ફેરવી નાખ્યો; જે વિશુદ્ધ છે, પરિપૂર્ણ છે, નિર્ગુણ છે અને વ્યક્તિમાં તેમજ સમષ્ટિમાં વ્યાપ્ત છે. આત્મા વિશુદ્ધ અસ્તિત્વ અને ચેતના છે; બ્રહ્મ વિશુદ્ધ અસ્તિત્વ અને જ્ઞાન છે; બંને એક જ છે. જ્ઞાન અને જ્ઞાનનો પદાર્થ અભિન્ન છે, જેમ મન અને એની અભિવ્યક્તિઓ અભિન્ન છે. ભૌતિક વિજ્ઞાનમાં છે તેમ, સ્થલ-કાલના સાતત્યમાં પદાર્થો અને અસ્તિત્વો અને ઘટનાઓ કેવળ તેનાં પસાર થતાં રૂપો બની રહે છે તેમ, અસ્તિત્વને સમગ્રપણે લેતાં, મન અને ભૂતોનું જગત, દેહો અને જીવોનું જગત વિશુદ્ધ ચૈતન્ય કે જ્ઞાન તરીકે વિજ્ઞાનઘન કે ચિદ્‌ઘન તરીકે પ્રગટ થાય છે અને સકલ પદાર્થો, અસ્તિત્વો અને ભૌતિક તથા અભૌતિક જગતની બધી ઘટનાઓ પસાર થતાં રૂપો બની જાય છે.

આધ્યાત્મિક અને દાર્શનિક ચિંતનનાં આ પતાકાસ્થાનો ઉપનિષદોના કેટલાક પ્રસિદ્ધ ખંડોમાં અંકિત થયેલાં છે. બૃહદારણ્યક ઉપનિષદ (૨.૪.૧૨ માં) કહે છે:

ઇદં મહાભૂતમ્ અનન્તમ્ અપારં વિજ્ઞાનઘન એવ — 

‘આ મહાભૂત અનંત અને અપાર છે. એ કેવળ ચૈતન્યનો રાશિ છે.’

છાંદોગ્ય ઉપનિષદ (૬૭.૩.૪ માં) કહે છે:

એતત્ અમૃતમ્ અભયમ્ એતત્ બ્રહ્મેતિ —

‘આ બ્રહ્મ છે, અમર અને અભય.’

બૃહદારણ્યક ઉપનિષદ (૩.૪.૧ માં) પોકારે છે કે બ્રહ્મ અનુભવની બાબત છે ને તે મનુષ્યના અંતરમાં છે:

યત્ સાક્ષાત્ અપરોક્ષાત્ બ્રહ્મ ય આત્મા સર્વાન્તર: તં મે વ્યાચક્ષ્વ —

‘જે બ્રહ્મ સાક્ષાત્ અને અપરોક્ષ છે, જે બધાંનો અંતરાત્મા છે તે બ્રહ્મનું મને જ્ઞાન આપો.’

કઠ ઉપનિષદ (૪.૧.૧૫ માં) આત્માની એકતાના સાક્ષાત્કારની વાત કરે છે :

યથોદકં શુદ્ધે શુદ્ધમાસિક્તં તાદૃગેવ ભવતિ;

એવં મુનેર્વિજાનત આત્મા ભવતિ ગૌતમ —

‘ચોખ્ખા પાણીમાં નાખેલું ચોખ્ખું પાણી ચોખ્ખું જ બને છે તેમ, હે ગૌતમ, બ્રહ્મનો સાક્ષાત્કાર કરનાર મુનિનો આત્મા બ્રહ્મ જ થાય છે.’ અને માણ્ડૂક્ય ઉપનિષદ (બીજા શ્લોકમાં) ભવ્ય સમીકરણ દ્વારા વિશ્વની આધ્યાત્મિક એકતાની ઘોષણા કરે છે :

સર્વં હ્યેતત્ બ્રહ્મ; અયમ્ આત્મા બ્રહ્મ —

‘આ સમગ્ર વિશ્વ, ખરે જ, બ્રહ્મ છે; આ આત્મા બ્રહ્મ છે.’જો બ્રહ્મ અને આત્મા એક જ હોય, જો જગત પૂરેપૂરું આધ્યાત્મિક હોય તો, મનુષ્યના જીવન અને ભાવિ માટે કેટલાક ફલિતાર્થો ઉદ્‌ભવે છે. મનુષ્ય જીવનનાં આંતરિક અને બાહ્ય ક્ષેત્રોને, બિનસાંપ્રદાયિક અને આધ્યાત્મિક ક્ષેત્રોને એ શીઘ્ર એક કરી દે છે; વિજ્ઞાન અને ધર્મને એ જોડે છે. આ અખિલ-દર્શનના પ્રકાશમાં, સત્યના ખંડિત દર્શનથી ઊભા થતા વિવાદો અને સંઘર્ષો ઊકલી જાય છે. પછી સર્વગ્રાહી અધ્યાત્મ ઉદય પામે છે અને તેમાં  આસ્તિક અને નાસ્તિક, ઈશ્વરવાદી અને અજ્ઞેયવાદી, ધાર્મિક માન્યતા વાળા અને વૈજ્ઞાનિક, ધ્યાની અને શ્રમિક સત્યની શોધના સાથીઓ બની જાય છે.

આ દર્શનના પ્રકાશમાં, મનુષ્યના જીવનનું અને કાર્યનું દર્શન કેવું પરિવર્તન પામે છે તે, ‘ધ આઈડીઅલ ઓફ અ યુનિવર્સલ રિલિજિયન’ પરના પોતાના વ્યાખ્યાનમાં સ્વામી વિવેકાનંદે (કંપ્લીટ વર્કસ, વો.૨, પૃ.૩૮૧ પર) સ્પષ્ટ કર્યું છે:

‘ઉત્તમ કે અધમ તત્ત્વજ્ઞાન દ્વારા, ઉચ્ચ પ્રકારની કે તદ્દન હલકી પુરાણકથાઓ દ્વારા, પરિશુદ્ધ પૂજોપચારો કે ઉઘાડી યૌનપૂજા દ્વારા, દરેક પંથ, દરેક આત્મા, દરેક પ્રજા, દરેક ધર્મ જાણીને કે અજાણતાં, પ્રભુ તરફ આગળ ને આગળ જવાનો યત્ન કરે છે; મનુષ્યને પ્રાપ્ત થયેલું પ્રત્યેક દર્શન ઈશ્વરનું જ દર્શન છે, અવર કશું નથી.’

આ દર્શનની સર્વગ્રાહિતાને સમજાવતાં સ્વામી વિવેકાનંદ આગળ કહે છે (એજન, પૃ.૩૮૫-૮૬ પર):

‘બધાં ચિત્તને ગ્રાહ્ય બને તેવા ધર્મનો પ્રચાર હું કરવા માગું છું; એ તાત્ત્વિક દૃષ્ટિએ, ઊર્મિની દૃષ્ટિએ, રહસ્યની દૃષ્ટિએ અને કર્મપ્રેરણાની દૃષ્ટિએ સમાન હોવો જોઈએ. કોલેજોમાંથી વિજ્ઞાનશાસ્ત્રીઓ અને ભૌતિકશાસ્ત્રીઓ અને, અધ્યાપકો આવશે તો તેમને બુદ્ધિને ભેટવું ગમશે. એમને જોઈએ તેટલી ખુશીથી તેઓ લે. બુદ્ધિની પાર ગયા વિના ચાલે એમ નથી એમ તેમને લાગે તેવું એક બિન્દુ આવશે… એ જ રીતે, રહસ્યવાદી આવે તો, આપણે તેને આવકારીશું, માનસપૃથક્કરણનું વિજ્ઞાન તેને આપવા તત્પર રહીશું અને, તેની સમક્ષ પ્રત્યક્ષ પ્રયોગ દાખવીશું. અને ઊર્મિશીલ લોક આવે તો, ઈશ્વરને નામે તેમની સાથે બેસી આપણે હસવું રડવું જોઈએ; ‘પ્રેમનો પ્યાલો પી આપણે પાગલ થઈ જવું ઘટે.’ જો સ્ફૂર્તિવાળો કાર્યકર આવે તો, આપણી પાસે હોય તેટલી શક્તિ વડે આપણે તેની સાથે કામે મંડી પડવું. અને આ મેળવણી વૈશ્વિક ધર્મના આદર્શની સૌથી નિકટનો રાહ થશે… આ ચારે દિશામાં સમન્વિત રીતે સમતોલ રહેવું એ ધર્મનો મારો આદર્શ છે.’

આપણે હવે પછી ઈશ ઉપનિષદના આ પછીના જે છ શ્લોકો લઈશું તે, ધર્મ, જીવન અને ચારિત્ર્ય માટે આવા દર્શનના ફલિતાર્થો સમજાવશે. ભારતમાં તેમજ અન્યત્ર, રહસ્યવાદીઓના અને કર્મવાદીઓના માર્ગ વચ્ચે, આ સંસારના અને તેની પારના અધિકારોના માર્ગ વચ્ચે, ધર્મે પુન: પુન: વિરોધ અનુભવ્યો છે. વેદાન્તે સાધેલા સત્યના વિહંગદર્શન અને સમગ્રદર્શનના પ્રકાશમાં, આ વિરોધને કેમ ઓગાળી નાખવા તે આ શ્લોકો સ્પષ્ટ રીતે દર્શાવે છે. પણ આ ઉપનિષદ તો માત્ર નિર્દેશો કે સૂચનો જ કરે છે. વ્યવહારુ વેદાન્તના સર્વગ્રાહી પ્રમેય તરીકે આ દર્શનનાં શક્તિ અને માધુર્યને ગ્રહણ કરવાનું કાર્ય પછીના યુગમાં આવનાર ભગવદ્ ગીતા માટે રાખવામાં આવ્યું હતું.

Total Views: 191

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.