(ગતાંકથી ચાલુ)

એક વખત સ્વામી સારદાનંદજી મહારાજ પાસે આવીને એક વ્યક્તિએ કહ્યું કે, તે સંસાર ત્યાગ કરવા માગે છે. આ સમયે અમે પણ ત્યાં હતા અને અમે પણ એ સાંભળ્યું. સ્વામી સારદાનંદજીએ કહ્યું : ‘બેટા, તું તો સંસાર છોડીશ પણ હું તો હજી સુધી એ કરી શક્યો નથી. જુઓને, કેટલો બધો જકડાઈ ગયો છું. એક સમયે એક વસ્ત્રથી ઉત્તર ભારતમાં પરિભ્રમણ કર્યું. અત્યંત ઠંડા વિસ્તારમાં ય એ જ એક જ વસ્ત્ર. પણ અત્યારે જુઓ છો ને કેટલો લપેટાઈને રહું છું. ભાઈ, આમાં ક્યાં  સંસારત્યાગ થયો છે?’ એ ઠંડીના દિવસો હતા અને એમના દેહ પર પહેરણ, શાલ જેવાં ગરમ વસ્ત્રો હતાં. એમાં ય વાને કારણે થોડાં વધુ ગરમ કપડાંનો ઉપયોગ તેઓ કરતા.

તાત્પર્ય એ છે કે જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી એને સ્વસ્થ રાખવા એની ઘણી આવશ્યકતાઓ પૂરી કરવી જ રહી. એટલે આ દેહ માટે પણ આપણું એક કર્તવ્ય છે, એવી જ રીતે આત્મીય સ્વજનો પ્રત્યે અને દેશ તેમજ વિશ્વ પ્રત્યે પણ આપણું કર્તવ્ય છે. આ બધાં કર્તવ્યો હોય અને આપણે એમ કહીએ કે હું બધું છોડી દઈશ; શું આ એટલું બધું સહજ કાર્ય છે? તો શું આ કર્તવ્યના બંધનમાંથી આપણી મુક્તિ જ નથી? શ્રી ઠાકુરે એનો પણ ઉત્તર આપ્યો છે. એમણે કહ્યું છે, ‘હા, મુક્તિ તો છે જ. જો કોઈ પાગલ થઈ જાય તો એના પર કોઈ કાયદા કાનૂન ચાલતાં નથી!’ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે : 

યસ્ત્વાત્મરતિરેવ સ્યાદાત્મતૃપ્તશ્ચ માનવ: ।
આત્મન્યેવ ચ સન્તુષ્ટસ્તસ્ય કાર્યં ન વિદ્યતે ॥ (૩.૧૭)

જે વ્યક્તિ આત્મરત રહે છે અને આત્મામાં જ તૃપ્ત ને આત્મામાં જ સંતુષ્ટ છે એને માટે કોઈ કર્તવ્ય નથી. જ્યાં સુધી હું એક વ્યક્તિ છું, સમાજનો એક એકમ છું ત્યાં સુધી કર્તવ્યથી આપણો છૂટકારો નથી જ. જો મારા પોતાના વ્યક્તિત્વનું પૂર્ણત: વિલોપન કરી શકું તો-

તસ્ય કાર્યમ્ ન વિદ્યતે – મારું કોઈ કર્તવ્ય રહેશે નહિ. શું બધા સંન્યાસીઓ પોતાના ‘હું’નો નાશ કરી શકે છે. જ્યાં સુધી તે આવું નથી કરી શકતા ત્યાં સુધી તેઓ પણ આ કર્તવ્યથી મુક્ત નથી. કોણ એવો છે કે જે પોતાની છાતી પર હાથ રાખીને કહી શકે છે કે, મેં મારા ‘હું’નું નામનિશાન રહેવા દીધું નથી?

આ એક એવી સ્વવિરોધી વાત છે જેનું ખંડન આપણા પોતાના શબ્દોથી થાય છે. ગમે તેમ હોય પણ કર્તવ્યના પંજામાંથી છૂટકારો નથી મળતો. વ્યક્તિએ પોતાનું જે કર્તવ્ય સ્વીકાર્યું છે કે જે કર્તવ્ય તેમના પર લાદવામાં આવ્યું છે એનું એણે અચૂક અને નિર્લિપ્ત બનીને પાલન કરવું જ પડે. અને જે વ્યક્તિ જેટલી પૂર્ણતા અને નિર્લિપ્તતા સાથે એનું પાલન કરે એટલી શીઘ્રતાથી એ બંધનથી મુક્ત થઈ શકે. શ્રી ઠાકુરનો આ અંતિમ ઉપદેશ પ્રતાપના ભાઈના સંદર્ભમાં અપાયો હતો. આ ઉપદેશનો પરમ – સર્વશ્રેષ્ઠ નિષ્કર્ષ નીકળ્યો – આપણો ‘હું’ જ્યાં સુધી પૂર્ણતયા વિલિન ન થાય ત્યાં સુધી કર્તવ્યનો અસ્વીકાર કરવો એ વાત ચાલે નહીં. એટલે જ એમણે કહ્યું : ‘ જ્યારે કોઈ પ્રભુ માટે પાગલ થઈ જાય ત્યારે એના પર કોઈ કાયદા-કાનૂન ચાલતા નથી.’

આ અધ્યાયની પરિસમાપ્તિ વખતે આપણે એ વાતનું પણ સ્મરણ રાખવું પડશે કે પ્રતાપના ભાઈ જેવા બનવું આપણને નહીં પોસાય કારણ કે તે તો પલાયનવાદી હતો, કર્તવ્ય અને ફરજથી છટકવા માગતો હતો. એટલે જ શ્રી ઠાકુર કહે છે : ‘બધું એમનું છે’ – આ જ્ઞાનભાવે સંસારમાં રહો. સંસારમાં તેમને જોવાની ચેષ્ટા કરો. તેમનો જ સંસાર છે, આની અનુભૂતિ કરવાનો પ્રયાસ કરો. જો આપણે આ ન કરી શકીએ તો આપણે મોટા ઘરની નોકરાણીની જેમ વિચારવું પડશે કે ઈશ્વરે જ આ જવાબદારી સોંપીને આપણને રાખ્યા છે. આ ભારની સોંપણી પણ એમની દેન છે, એમ માનીને બધું વહન કરવું પડશે. ‘સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિં વિન્દતિ માનવ:’ – હું આ બધાં કર્મ કરતાં કરતાં, પોતાનાં કર્તવ્યો બજાવતાં બજાવતાં એમની કૃપાનો સિદ્ધિલાભ મેળવીશ.’ કારણ કે આ બધાં દ્વારા એમની પૂજા થાય છે – ‘યદ્યત્ કર્મ કરોમિ તત્તદખિલં શમ્ભો તવારાધનમ્ – હે પ્રભુ હું જે કંઈ કરું છું એ બધી તમારી જ પૂજા છે, તમારી જ આરાધના છે.

ખંડ : ૩ : દ્વિતીય દર્શન – ૨

કથામૃત : ૧ : ૨ : ૨ : ૨૮ ફેબ્રુઆરી, ૧૮૮૨

પહેલી મુલાકાતના દિવસે શ્રી ઠાકુર સાથે માસ્ટર મહાશયની વધુ વાતચીત થઈ નહોતી. જ્યારે બીજી મુલાકાત થઈ ત્યારે શ્રી ઠાકુરે માસ્ટર મહાશયને થોડા પ્રશ્નો પૂછ્યા એ પ્રસંગ ચાલુ છે. માસ્ટર મહાશયે કહ્યું : ‘જે લોકો માટીની મૂર્તિની પૂજા કરે છે એમણે સમજી લેવું જોઈએ કે માટીની મૂર્તિ એ ભગવાન નથી.’

આ વાતથી અસંતુષ્ટ થઈને શ્રી ઠાકુર કહે છે : ‘તમારી કલકત્તાવાસીઓની બસ, આ જ એક વાત છે! માત્ર ભાષણ કરવાં અને સમજાવી દેવું.’ શ્રી ઠાકુરની આ વાતોમાં એક વિશિષ્ટ ઉપદેશ રહેલો છે. તેઓ કહે છે : ‘જો અંત:કરણમાં ઉપલબ્ધિ ન હોય તો વાતોની – ભાષણની કોઈ જ કિંમત નથી.’ એ માત્ર વાતોનાં વડાં બની રહે છે. એટલે જ તેઓ કહે છે : ‘તમને કલકત્તાવાળાને તો માત્ર લેક્ચર આપતાં આવડે છે.’ અહીં ‘કલકત્તાવાળા’નો અર્થ છે અંગ્રેજી કેળવણી પામેલા તત્કાલીન લોકો જે પોતે ન સમજતા હોવા છતાં બીજાને સમજાવવાની ચેષ્ટા કરે છે. જે વિષયમાં આપણે કશું જાણતા ન હોઈએ તેના વિશે આપણે જરા વધારે જોરશોરથી ચર્ચા કરીએ છીએ. ધીમે ધીમે જ્ઞાનની ગહનતા વધતાંની સાથે આપણે એ સમજી શકીએ છીએ કે આપણા જ્ઞાનની વિસ્તૃતિ કેટલી છે.

મૂર્તિપૂજાનું પ્રયોજન

શ્રી ઠાકુર વધુમાં કહે છે : જો માટીની મૂર્તિને ભગવાન માનીને પૂજવી એ ખોટું હોય તો, આ પૂજાનું લક્ષ્ય પણ એ ભગવાન છે કે જે આ વિશ્વ – બ્રહ્માંડ ચલાવે છે, એ વાત શું તેઓ જાણતા નથી? પ્રભુએ જ ભિન્ન ભિન્ન પ્રકૃતિવાળા લોકોને ઉપયોગી થવાની દૃષ્ટિએ આવી ભિન્ન ભિન્ન પ્રકારની પૂજાઓ પ્રચલિત કરી છે. જેમ મા જાણે છે કે ક્યા બાળકને કેવું ખાવાનું લાભદાયી રહેશે તેવી જ રીતે ભગવાન પણ જાણે છે કે કોના માટે ક્યો માર્ગ યોગ્ય રહેશે એટલે જ પોતાનું ચિંતન કરવા માટે જ પોતે જ આ ભિન્ન ભિન્ન સાધના પદ્ધતિનું નિર્માણ કર્યું છે.

પણ આ વાત આપણે સહજભાવે સમજી શકતા નથી કારણ કે ભગવાન વિશે આપણી કોઈ ધારણા જ નથી. આપણે તો પોતાની આ બુદ્ધિહિનતાનો ઢાંકપિછોડો કરવા મોટી મોટી દાશર્નિક વાતોનાં ઉચ્ચારણ દ્વારા શબ્દજાળની સૃષ્ટિ રચી દઈએ છીએ. એમાં સારતત્ત્વ કરતાં ખાલી બડબડાટ – અવાજ વધુ છે. પરંતુ શ્રી ઠાકુરના ઉપદેશમાં અસ્પષ્ટ, ન સમજી શકાય તેવી અને આપણા કામની ન હોય એવી એકેય વાત નથી.

એક વખત શ્રી ઠાકુર સાથે વાતચીત કરતાં કરતાં સ્વામીજીએ અંધવિશ્વાસની વાત છેડી. શ્રી ઠાકુરે તરત જ કહ્યું : ‘શું ભાઈ, વિશ્વાસ બે પ્રકારના હોય છે? એક આંખોવાળો અને બીજો અંધ?’ સ્વામીજી નિરુત્તર બની ગયા. શ્રી ઠાકુરે આગળ ચલાવતાં કહ્યું : ‘કાં કહે વિશ્વાસ અને કાં જ્ઞાન.’ સ્વામીજી તો પ્રખર બુદ્ધિશાળી હતા છતાં ય એમણે પોતાની ભૂલ – હાર સ્વીકારી લીધી.

અવાઙ્મનસગોચર ઈશ્વર

ઈશ્વરનું સ્વરૂપ સમજાવતાં આપણે પણ આમ જ કહીએ છીએ : તે ચૈતન્ય સ્વરૂપ છે, તે સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એ તો માત્ર ગાલ વગાડવા જેવું – ખાલી શબ્દોચ્ચાર કરવા જેવું છે. જો કોઈ પ્રશ્ન પૂછે કે સચ્ચિદાનંદનો અર્થ શું છે? તો બહુ બહુ તો આપણે કહી શકીએ – ‘સત્ – ચિત્ – આનંદ.’ પરંતુ વળી પાછો કોઈ પ્રશ્ન પૂછી નાખે કે ‘આ – ‘સત્-ચિત્-આનંદ’નો અર્થ શું છે? ત્યારે આપણે આગળ વધુ કંઈ કહી શકવાના નથી, એટલે કે એનાથી વધારે આગળ વધવાના નથી.

શ્રુતિ કહે છે : ઈશ્વર મન અને વાણીથી અગોચર – પર છે. એટલે એ કહેવું કે આ શબ્દો તેને પ્રકાશિત કરે છે – સમજાવે છે એ એક પ્રગલ્ભતા છે. જેને શ્રુતિ નથી કહી શકતી, જે મન વાણીથી અગોચર છે. એને ભલેને ગમે તે નામ આપીએ તો શું એનાથી એને સમજાવી શકાય કે એના અર્થ પર પ્રકાશ પાડી શકાય ખરો? ના. એમ એના પર પ્રકાશ પાડી ન શકાય. આ વાત આપણે સમજી શકતા નથી અને જેટલી હદે નથી સમજતા એટલા એના વિશે તર્ક-વિતર્ક કરીએ છીએ. વધારામાં વધારે આટલું કહી શકીએ : સત્ અને શાશ્વત – ચિરસ્થાયી. પરંતુ શું આપણે ચિરસ્થાયી પદાર્થ જોયો છે? ના, નથી જોયો. હવે જેને આપણે જોયો જ નથી એના અસ્તિત્વ સંબંધે આપણે ધારણા કેવી રીતે કરી શકીએ?

દાર્શનિકો કહે છે : ‘સત્ એટલે જે અસત્ નથી તે. અને અસત્ એટલે શું? જે અનસ્તિ છે, સત્તાશૂન્ય છે. ચિત્ એટલે શું? એ અપ્રકાશિત નથી. આનંદ એટલે શું? તે દુ:ખરૂપ નથી.’ શાસ્ત્રો પણ એ જ રીતે કહે છે : ‘અસ્થૂલમ્, અનણુ, અહ્રસ્વમ્, અદીર્ઘમ્, અચ્છાયમ્ વગેરે. પરંતુ આ બધા શબ્દો દ્વારા એ વિશે કંઈ સમજાવ્યું કે બતાવ્યું હોય એવું લાગે છે ખરું? 

એક વખત ઋષિ યાજ્ઞવલ્ક્ય જ્યારે બ્રહ્મ શું છે? એ વિશે સમજાવતા હતા ત્યારે આવા કૂટપ્રશ્નના માધ્યમથી સમજાવી રહ્યા હતા : તે દૂર હોવા છતાં પાસે છે, એ ગતિશીલ છે અને નથી; આ સાંભળીને એક ઋષિએ કહ્યું : ‘આવી રીતે સમસ્યાકથનથી ચાલશે નહિ. એથી સાચી સમજણ મળે નહિ. ‘આ ગાય છે’, ‘આ ઘોડો છે’ એમ કહેવાથી જે રીતે વસ્તુ સ્પષ્ટ રીતે સમજી શકાય છે એવી રીતે સમજાવું પડશે.’ ત્યારે યાજ્ઞવલ્ક્યે કહ્યું : ન દૃષ્ટેર્દ્રષ્ટારં પશ્યેર્ન શ્રુતે: શ્રોતરં શૃણુયા: – જે દૃષ્ટિનો દ્રષ્ટા છે એને તમે દર્શનેન્દ્રિય દ્વારા જાણવા ન ઇચ્છો; જે શ્રુતિનો શ્રોતા છે તેને શ્રવણેન્દ્રિય દ્વારા જાણવા ન ઇચ્છો. એવી જ રીતે જે મનની પાછળ મન્તા છે એને મનની મદદથી જાણવા ન ઇચ્છો તો પછી આપણે એને જાણવો કઈ રીતે? અને વધુમાં વિડંબના એ છે કે એને જાણતા ન હોવા છતાં એમના વિશે ઢગલાબંધ ગ્રંથો લખી નાખીએ છીએ.

વિદ્યાસાગર મહાપંડિત હોવા છતાં પણ ઈશ્વર વિશે કોઈ વાત કરતા નહીં. કેટલાકે એમને પૂછ્યું, ‘આપે તો એટલું બધું વિદ્યોપાર્જન કર્યું છે છતાં ય ઈશ્વર વિશે ક્યાંય કોઈ ચર્ચા કે વાત કેમ નથી કરી?’ એમણે ઉત્તર આપ્યો ‘અરે, ચાબૂકના મારનો ડર લાગે છે.’ એમનો આશય એ હતો કે જે વસ્તુને હું પોતે જાણી સમજી શક્યો નથી. એમના વિશે બોલવાથી તો ચાબૂકનો માર ખાવો પડે. પરંતુ મિત્રોએ એમને છોડ્યા નહિ. એમના ભારે દબાણને વશ થઈને એમણે ‘બોધોદય’ નામનો ગ્રંથ લખ્યો. એના પ્રારંભમાં જ લખ્યું છે : ઈશ્વર નિરાકાર છે, ચૈતન્ય સ્વરૂપ છે. આ નિરાકાર ચૈતન્ય સ્વરૂપની વાત લખીને એમણે વિદ્યાર્થીઓનું શું ઉકાળ્યું એની તો આપણને ખબર નથી પણ શિક્ષકોને તો સાવ મૂંઝવી જ દીધા.

ઉપાસક અને વિભિન્ન ઉપાસના પદ્ધતિઓ

ઉપલબ્ધિ વિનાની વાત કેવળ માત્ર થોડા શબ્દોની સૃષ્ટિનું સર્જન કરે છે અને એનું પરિણામ છે ચિત્તવિભ્રમ. એ પછી શ્રી ઠાકુર કહે છે : ‘ભગવાને જ આ વિવિધ પ્રકારની ઉપાસના પદ્ધતિઓ રચી છે. એમણે જ રચ્યું છે તો પછી…..’ બીજે એક સ્થળે તેઓ કહે છે : ‘બાળક પિતાને બોલાવે છે. એમને કેમ બોલાવવા એ વિશે કદાચ એ કંઈ જાણતો નથી. તો શું એના બોલાવવા પર પિતા ધ્યાન જ નહિ આપે. બાળક એમને જ બોલાવે છે એ શું પિતાને સમજાતું નથી? ભગવાન એ શું નથી જાણતા કે માટીની મૂર્તિના માધ્યમથી લોકો તેમની જ પૂજા કરે છે?’

ભાગવત ત્રણ પ્રકારની આરાધનાની વાત કરી છે. એક છે પ્રારંભિક આરાધના જે સામાન્ય માનવ સૌ પ્રથમવાર કરે છે આ પ્રારંભિક આરાધના કરતાં કરતાં તે બીજા સોપાનની ઠીક ઠીક ઉચ્ચતર અવસ્થા સુધી પહોંચી જાય છે. ત્રીજી આરાધનામાં તો પરમ લક્ષ્ય સુધી પહોંચી જાય છે. આ ત્રણેય સ્તરને ભાગવતમાં ક્રમશ: પ્રવર્તક, મધ્યમ અને ઉત્તમ કહ્યા છે. પણ કોઈને ય અધમ નથી વર્ણવ્યો. પ્રવર્તક ભક્ત કેવો હોય છે?

અર્ચાયામ્ એવ હરયે પૂજાં ય: શ્રદ્ધયેહતે ।
ન તદ્ ભક્તેષુ ચાન્યેષુ સ ભક્ત: પ્રાકૃત: સ્મૃત: ॥
(૧૧:૨:૪૭)

તે ભગવાની પૂજા કેવળ અર્ચા અર્થાત્ વિગ્રહ – મૂર્તિમાં કરે છે. એક મૂર્તિ લઈ લે છે અને એ મૂર્તિના ખૂબ ભાવપૂર્વક શણગાર કરે છે, એને ભોગ ધરે છે; આ બધું એ અત્યંત શ્રદ્ધાપૂર્વક કરે છે. આવા ભક્તોને પ્રાકૃત કે પ્રવર્તક ભક્ત કહે છે. પ્રાકૃત કહેવાનો અર્થ એ છે કે તે પ્રકૃતિના પ્રભાવથી અર્થાત્ અજ્ઞાનથી મુક્ત નથી. પરંતુ મુક્ત કોણ છે એ ય કહેવું કઠિન છે. બીજા સોપાનમાં કહેવાયું છે :

ઈશ્વરે તદધીનેષુ બાલિશેષુ દ્વિષત્સુ ચ ।
પ્રેમમૈત્રીકૃપોપેક્ષા ય: કરોતિ સ મધ્યમ: ॥
(૧૧:૨:૪૬)

આ પ્રકારના ભક્તનો ભગવાન પ્રત્યે પ્રેમભાવ હોય છે, પ્રભુને અધીન ભક્તો સાથે મિત્રતા હોય છે, ભગવાન વિશે જે અજ્ઞ છે તેવા પ્રત્યે એની કૃપાદૃષ્ટિ હોય છે અને જે લોકો ભગવદ્‌વિદ્વેષી છે તેમના વિદ્વેષભાવ પ્રત્યે તે ઉપેક્ષા સેવે છે. આ મધ્યમ પ્રકારના ભક્ત માટે કોઈ હેય-વર્જ્ય નથી, કોઈ અવગણનાને પાત્ર નથી. તે બધાંને સહાય કરવા ઇચ્છે એવો સૌની સાથેનો એનો સંબંધ હોય છે. તે કોઈની ઉપેક્ષા કરતો નથી. શ્લોકમાં જે ઉપેક્ષાની વાત છે તે તો વિદ્વેષીના વિદ્વેષભાવના પ્રત્યે છે, વ્યક્તિ પ્રત્યે ઉપેક્ષા નથી. તો શ્રેષ્ઠ ભક્ત કોણ?

સર્વ ભૂતેષુ ય: પશ્યેદ્ ભગવદ્‌ભાવમાત્મન: ।
ભૂતાનિ ભગવત્યાત્મન્યેષ ભાગવતોત્તમ: ॥
(૧૧:૨:૪૫)

ભગવાનની મૂર્તિ સાથે જે પૂજા આરંભાઈ તે જ દૃષ્ટિ ધીરે ધીરે ભક્તોમાં અને ત્યાર પછી સર્વભૂતો- પ્રાણીઓમાં પ્રસરતી જાય છે. આ દૃષ્ટિથી કોઈપણ અસ્પૃષ્ટ-અષ્ટ નથી રહેતા. પોતાની ભીતર જે આત્માને જુએ છે તે આત્માને તે સર્વપ્રાણીઓમાં જુએ છે. અહીં સર્વભૂત કહેવાનું તાત્પર્ય એ છે કે માત્ર જીવંત મનુષ્ય કે પ્રાણી જ નહિ પરંતુ જડ વસ્તુને પણ તે એ જ ભાવે જુએ છે. વધુમાં શ્રેષ્ઠ ભક્તો વિશે ભાગવતમાં વધુમાં કહ્યું છે :

ખં વાયુમગ્નિં સલિલં મહીં ચ જ્યોતીષિં સત્ત્વાનિ દિશો દ્રુમાદીન્ ।
સરિત્સમુદ્રાંશ્ચ હરે: શરીરં યત્કિંચ ભૂતં પ્રણમેદનન્ય: ॥
(૧૧:૨:૪૧)

તે સર્વત્ર ભગવાનની સત્તા જુએ છે, બધાને ભગવાનના શરીર રૂપે જુએ છે. તે એ પણ જુએ છે કે જેમ શરીર અને શરીરી અભિન્ન છે. તેમ જગત અને ભગવાન પણ અભિન્ન છે. તે છે શ્રેષ્ઠ ભક્તનું લક્ષણ. તે વિચારના માર્ગે નહિ પણ ભક્તિના માર્ગે જાય છે અને એ પથે જતાં જતાં એ એવે સ્થાને પહોંચે છે જ્યાં ઈશ્વર સિવાય બીજું કંઈ દેખાતું નથી. આ અનન્ય ભક્ત છે. અનન્ય એટલે જેની દૃષ્ટિએ ભગવાન સિવાય બીજું કંઈ નથી. અને એટલે જ એ સર્વત્ર પ્રણામ કરે છે અને એટલા માટે એનો વ્યવહાર પણ એવો જ હોવાનો. આ વિગ્રહ-સ્વરૂપના પ્રત્યે એનો શ્રદ્ધાપૂર્ણ ભાવ હતો. જગતના પ્રત્યેક અણુ-પરમાણુ પ્રત્યે પણ તેનો વ્યવહાર એવો જ હોવાનો. આ છે શ્રેષ્ઠ ભક્તનું લક્ષણ.

શ્રેષ્ઠ ભક્તનાં લક્ષણ જોઈને જો આપણે મૂર્તિને હેય દૃષ્ટિએ જોઈશું તો એનું એવું પરિણામ આવશે કે આપણે પોતે જ આપણી પ્રગતિના માર્ગને જ અવરોધી દઈશું અને સાથે બીજાની પ્રગતિ માટે પણ કોઈ રસ્તો બાકી નહિ રાખીએ. દાદરાનું જે સૌથી નીચલું પગથિયું છે તેના પર પગ મૂકતાં જ આપણે એમ વિચારીને સંકોચ અનુભવીએ કે આ તો સૌથી નીચલું પગથિયું છે તો પછી છત પર કે મેડી પર પહોંચવું આપણા માટે ક્યારે સંભવ બને? આ બાળક જેવી મનોવૃત્તિ છે. નાના બાળકનો આવો જ સ્વભાવ હોય છે. તેને નાની વસ્તુઓથી સંતોષ થતો નથી. પિતાનાં કે મોટા ભાઈનાં જોડાં પહેરીને ચાલવામાં એને મજા આવે છે. તે એ નથી જાણતો કે એ હજી આ જોડાં પહેરવા લાયક થયો નથી. આપણો પણ બરાબર આવો જ બાળસ્વભાવ છે. જેને આપણે ગ્રહણ કરી શકીએ અને આપણા માટે ઉપયોગી હોય તેની ઉપેક્ષા કરીને આપણે એવી વસ્તુ પ્રત્યે આકર્ષાઈએ છીએ કે જેને આપણે પકડી શકતા નથી. છલાંગ મારીને દાદરાના અંતિમ પગથિયે પહોંચી શકાતું નથી. ધીમે ધીમે એક એક પગથિયું ચડી આગળ વધવું પડે છે.

(ક્રમશ:)

Total Views: 162

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.