રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમદ્ સ્વામી રંગનાથાનદજી મહારાજના મૂળ અંગ્રેજી પુસ્તક ‘Vedanta and The Future of Mankind’ના મહત્ત્વના અંશોનો પ્રૉ. ચંદુભાઈ ઠકરાલે કરેલો ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. – સં.

જુલાઈ – સપ્ટેમ્બર દશ સપ્તાહ માટે મારી વાર્ષિક વ્યાખ્યાનમાળાના અનુસંધાનમાં હું ભારત બહાર ગયો હતો. આ યાત્રામાં મેં હૉલેન્ડ, બેલ્જિયમ, અમેરિકાનો સંયુક્ત રાજ્યો. (માર્શફિલ્ડ, ફિલાડેલ્ફિયા, વૉશિંગ્ટન ડી.સી., કોલમ્બસ, શીકાગો, ગૅસ, ડેટ્રોઈટ, સાન ફ્રાન્સિસ્કો, હૉલીવુડ અને હૉનોલુલુ), ઑસ્ટ્રેલિયા, (સીડની, કેનબેરા, ન્યૂ કેસલ અને પર્થ), અને સિંગાપુર સ્થળોને આવરી લીધાં હતાં.

૧. વેદાન્તની માનવીય પ્રસ્તુતતામાં વધારે પાકી ખાતરી

મારી આ વ્યાખ્યાનયાત્રા ખરેખર ખૂબ પ્રેરક રહી. તેણે મને વધારે પાકી ખાતરી કરાવી આપી કે યુગોથી ભારતે જે મહાન તત્ત્વજ્ઞાન વિકસાવ્યું છે તે માનવજાતિ માટે ખૂબ પ્રસ્તુત છે.

મોટા સંતો, મહંતો અને સર્વત્ર ચિંતકોની પરંપરા દ્વારા એ તત્ત્વજ્ઞાને આજે પણ પોતાની વિશ્વાસપાત્રતા પુનઃ પુનઃ પ્રસ્થાપિત કરી છે. એ કોઈ જાદુ નથી, એ કોઈ સસ્તું રહસ્ય નથી. એ તો છે માનવીય નિખાર, વિકાસ અને સિદ્ધાન્ત, એ વિશુદ્ધ પયગામ છે; એ માનવની સંપૂર્ણ ખિલાવટ અને ઉત્ક્રાન્તિનું તર્કશુદ્ધ તત્ત્વજ્ઞાન છે. તેનું એક વિજ્ઞાન છે; તેની એક પ્રક્રિયા છે; અને આપણા દેશે ભૂતકાળમાં બે મહાન ગ્રંથોને જન્મ આપ્યો છે. આ ગ્રંથો છે  —  ઉપનિષદો અને ભગવદ્‌ગીતા. તેમાં આ તત્ત્વજ્ઞાનનું વિજ્ઞાન અને અમલની પ્રક્રિયા વિષેની જાણકારી સંઘરાઈ રહેલી છે. આ બે ઉપરાંત પણ બીજા અનેક ગ્રંથો છે. અને આજના આ આધુનિક યુગમાં આપણા દેશે અસાધારણ વ્યક્તિત્વોને ઉત્પન્ન કરેલાં છે. તેમણે આ તત્ત્વજ્ઞાન જીવી બતાવ્યું છે અને તેનો ઉપદેશ કર્યો છે. આવાં વ્યક્તિત્વો છે – શ્રીરામકૃષ્ણ, સ્વામી વિવેકાનંદ, મા સારદાદેવી અને બીજા કેટલાક.

૨. વેદાન્ત અને ભારતીય લોકો

મેં જે જે દેશોની મુલાકાતો લીધી હતી, તેમનાં લોકો સમક્ષ મેં જ્યારે આ વિષયાંગો વિષે વાર્તાલાપો આપ્યા ત્યારે હું જોઈ શંક્યો કે વેદાન્તના આ સંદેશનો પ્રભાવ ખૂબ પ્રચંડ હતો. ભારતમાં જ મને આટલા પ્રમાણમાં એ પ્રભાવ જોવા મળતો નથી. આનું કારણ એ છે કે આપણા લોકો માને છે કે આ બધું તો તેઓ જાણે જ છે, તે બધાથી કે દિ’ના પરિચિત છે. પરંતુ મને કહેતાં દુઃખ થાય છે કે જેના વિષે આપણા લોકો માને છે કે તેઓ જાણે છે, તે તો મોટે ભાગે અવ્યવસ્થિત માહિતીનો જથ્થો છે. આપણા પોતાના દેશના બહુ જ ઓછા લોકો આ વિશુદ્ધ રીતે આધ્યાત્મિક અને તત્ત્વજ્ઞાન વિષયક પરિણામોથી વાકેફ છે. પરિણામ એ આવે છે કે વિદેશોમાં વસતા આપણા પોતાના લોકોને જ્યારે આજના યુગમાં ખૂબ વિકસેલા તે તે દેશોના પડકારોનો સામનો કરે છે ત્યારે તેમના પોતાના સાંસ્કૃતિક વારસાનાં મૂલ્યોને જાળવી રાખવાની, આંતરિક બળ અને શાંતિ મેળવવાની સમસ્યા ઊભી થાય છે અને જ્યારે તેમને જાદુ અને વહેમોની ભેળસેળ વિનાના વિશુદ્ધ તત્ત્વજ્ઞાનપૂર્ણ અને વેદાંતના આધ્યાત્મિક સંદેશાને સાંભળવાની તક મળે છે ત્યારે તેઓ તરત જ એ પ્રભાવનો અનુભવ કરે છે અને એ સંદેશને આજના યુગમાં સર્વત્ર દરેક સ્ત્રી-પુરુષ માટે તેનો વ્યાપક અમલ કેટલો બહોળો છે તેનો તેમને સાક્ષાત્કાર થાય છે.

કેટલેક ઠેકાણે મને આવો અનુભવ થયો. સિડની રામકૃષ્ણ વેદાંત સોસાયટીના વાર્ષિક વેદાંત રિટ્રીટ કાર્યક્રમના અનુસંધાને હું ગયા ઑગસ્ટ’૭૯માં ઑસ્ટ્રેલિયા હતો. મને નિમંત્રણ મળતાં હું પડોશના ન્યુકેસલ નગરમાં ગયો હતો. આ નગર સિડનીથી ૧૨૦ કિ.મી. દૂર આવેલું છે. ત્યાં આપણા કેટલાક લોકો કાયમી વસવાટ કરવા લાગ્યા છે. તેમાંના મોટા ભાગના લોકો ઊંચી શૈક્ષણિક યોગ્યતા ધરાવનારા ઇજનેરો, ડૉક્ટરો, શલ્ય ચિકિત્સકો છે. એમાંના કેટલાક તો આંતરરાષ્ટ્રિય પ્રતિભા ધરાવનારા છે. મેં તેમની સાથે એક દિવસ વિતાવ્યો. તેમાંના કેટલાકે મારાં જાહેર વ્યાખ્યાનો તથા ગૃહસ્થના ઘરે આપેલા વ્યાખ્યાનોમાં હાજરી આપી હતી. તે વ્યાખ્યાનોમાં મેં ઉપનિષદો, ગીતા, શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદના સંદેશ વિશે વાતો કરેલી. મોટા ભાગના લોકો માટે તેમણે સાંભળેલી આ વાતો નવી હતી. તેઓ ભક્તિભાવ પૂર્વક પોતાનાં ભક્તિ અને ભજન સહિતના તેના વિધિનિષેધો સાથેના, તેમની પુરાણ કથાઓ અને કર્મ કાંડની વિધિ તથા પવિત્રતાના ભાગ રૂપ ગણાતા તેના જાદુ તથા વહેમો સાથેના હિંદુધર્મને અનુસરે છે. તેમની ઇચ્છા એવી હતી કે તેઓ હિંદુ ધર્મ અને તેની સંસ્કૃતિને જે રીતે સમજ્યા હતા તે જળવાઈ રહેવાં જોઈએ પણ તેમનામાં એક એવી લાગણી પણ પ્રવર્તતી હતી કે આ પ્રકારના લોકપ્રિય હિન્દુ ધર્મ તેમની આસપાસનાં આ ઔદ્યોગિક અને હાડોહાડ ભૌતિક સંસ્કૃતિનાં મોટાં અને સામાજિક અને સંસ્કારવિષયક દબાણો સામે ટકી નહીં શકે.

આપણે જોઈએ છીએ કે આપણા પોતાના દેશમાં પણ એવી લાગણી પ્રવર્તે છે કે આપણા ધર્મનાં આ જ પાસાંઓની મદદથી આધુનિક પડકારોને ઝીલવામાં આપણે કાચા પડીશું. પરંતુ જ્યારે તેમણે વેદાન્તનાં આ આધ્યાત્મિક અને તત્ત્વજ્ઞાન વિષયક પરિણામોનાં સ્પષ્ટીકરણો સાંભળ્યાં ત્યારે તેમની પ્રતિક્રિયા હકારાત્મક, જબરદસ્ત અને તાત્કાલિક હતી. ડૉક્ટરોમાંના એક ઊભા થયા અને બોલી ઊઠ્યા : ‘આપણી લાગણીઓને શબ્દો દ્વારા વ્યક્ત કરવાનો શો ફાયદો છે? અમે કાંઈક આશ્ચર્યજનક સાંભળ્યું છે; હવે અમને આપણી માતૃભૂમિનાં વેદાન્તક દર્શનશાસ્ત્ર અને આધ્યાત્મિકતાનાં બળ અને પ્રસ્તુતતાનો અનુભવ થાય છે. ઘણાએ તેને લગતાં પુસ્તકો માટે ઇચ્છા વ્યક્ત કરી; અને કેટલાકે હવે પછીના વીક-એન્ડમાં થનારી આધ્યાત્મિક રીટ્રીટમાં ભાગ લેવા માટે પોતાની તીવ્ર ઇચ્છા વ્યક્ત કરી હતી. આ રીટ્રીટનું ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૧૯૮૦માં સીડનીની રામકૃષ્ણ વેદાંત સોસાયટી દ્વારા સંચાલન કરવામાં આવશે.

૩. વેદાંત અને પશ્ચિમના લોકો

હવે આપણા લોકો ભારતમાં હોય કે વિદેશમાં, તેમને માટે આ કુદરતી છે અને પોતાનાં જ આધ્યાત્મિક મૂળિયાં તરફ પાછા ફરવાની વાત છે. પરંતુ પશ્ચિમના લોકોની બાબતમાં તો આ વિષય સાવ જ નવો છે અને એનો પ્રતિભાવ પણ ભારે પ્રચંડ, સભાન અને તાત્કાલિક છે, તેમાંના ઘણાએ અગાઉ આમાંની કોઈ પણ બાબત સાંભળી હોતી નથી; આ થોડાક સૈકાઓથી તેમને જે ધર્મનું શિક્ષણ આપવામાં આવ્યું છે, એ તર્કપૂર્ણ તપાસણીની અને પ્રશ્ન પૂછવાની છૂટ આપી ન હતી. એ ધર્મે તો ગુનેગારીની ભાવના જોડાયેલી હોય તેવા મૂળભૂત પાપ દ્વારા માણસની સહજ નીતિભ્રષ્ટતા પર ભાર મૂક્યો છે અને તે માને છે કે મુક્તિ એ તો મરણ પછી મેળવવાની વસ્તુ છે. આધુનિક વિચાર ધારાએ આ બધા વિચારો વિરુદ્ધ બળવો પોકાર્યો છે; અને તો પણ આધુનિક માનવની આધ્યાત્મિક ભૂખ ચાલુ રહી છે, એ સંતોષાયેલી નથી, અને જેમ જેમ વર્ષો પસાર થતાં જાય છે તેમ તેમ તે વધારે ને વધારે તીવ્ર બનતી જાય છે.

માનવના જીવનને આધ્યાત્મિક પોષણ માટે ક્યાંથી વળાંક લેવો એ અંગે કોઈ માર્ગદર્શન મળતું નથી. પછી તેઓ ઉપનિષદો વિષે શ્રવણ કરે છે અને પછી બોંબ ફૂટતા હોય તેવા ઊંડાણભર્યા આ સાહિત્યના શબ્દો અને વિચારોનો આનંદ અને સંતોષ સાથે અનુભવ કરે છે.

આ છેલ્લા જુલાઈમાં હોલેન્ડમાં હું તૈત્તિરીય ઉપનિષદ ભણાવી રહ્યો હતો. એક સપ્તાહ ચાલનારા વેદાંત રીટ્રીટમાં ચાળીસથી પચાસ લોકો અને હું, પાછળ ર્‌હાઈન નદી વહેતી હોય એવી આરનહેમ શહેરની નજીકની સંસ્કારપૂર્ણ હોટલમાં સાથે નિવાસ કરી રહ્યા હતા. મોટા ભાગના લોકો પાસે આ ઉપનિષદની મદ્રાસ રામકૃષ્ણ મઠની, શબ્દે-શબ્દના અનુવાદવાળી અંગ્રેજી આવૃત્તિની નકલો હતી.

તેમાં ડૉક્ટરો, પ્રાધ્યાપકો, ગૃહિણીઓ, યુવાન, વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હતો. એક રીતે કહીએ તો ડચ લોકોના સમાજનો એક ભાગ અહીં મોજૂદ હતો. એકાદ બે ભારતીય લોકો પણ આમાં જોડાયેલા હતા. તેનો પ્રતિભાવ વર્ણન ન કરી શકાય તેવો છે. ઉપનિષદના આવા ભવ્ય ઉદ્‌ગારોનાં મારાં વચન, અનુવાદ અને વિવરણનું ઊંડા ધ્યાનપૂર્વક આ જૂથશ્રવણ કરી રહ્યું હતું.

બ્રહ્મવિદ્ આપ્નોતિ પરમ્ : તદેષાભ્યુક્તા;
સત્યં, જ્ઞાનં, અનન્તં બ્રહ્મ,
યો વેદ નિહિતમ્ ગુહાયામ્ પરમ વ્યોમન્‌;
સોડશ્નુતે સર્વાન્ કામાન્ સહ
બ્રહ્મણા વિપશ્ચિતેતિ…
યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ;
આનંદં બ્રહ્મણો વિદ્વાન્ ન બિભેતિ કુતશ્ચન  — 

‘બ્રહ્મનો જ્ઞાતા પરમ તત્ત્વને પામે છે; તેના વિષે આ મહા વાક્ય છે; બ્રહ્મ સત્ય, વિશુદ્ધ જ્ઞાન અને અનંત છે. જે કોઈ હૃદયની ગુફામાં રહેલા આ સત્યને તેના સર્વોચ્ચ પરિમાણમાં જાણે છે તેને બ્રહ્મના જ્ઞાન સાથે બધી જ વાસનાઓ સંપન્ન થવાની અનુભૂતિ થાય છે.

જ્યાંથી વાણી અને વિચાર (તેને ન સમજી શકવાને લીધે) પાછાં ફરે છે; બ્રહ્મના તે આનંદની અનુભૂતિ કરનાર કોઈથી કદી ડરતો નથી.’

શુદ્ધ ચૈતન્યનો સ્વભાવ સત્ય છે. તે પરિમાણમાં અનંત છે. એમ આ મંત્ર કહે છે. અને આ સત્ય દૂર દૂર હોય એવી કોઈ વસ્તુ નથી. તે ઊંચે આકાશમાં કે બ્રહ્માંડની બહારની વસ્તુ નથી, એ તો તમારી સાવ નજીક છે. તમારા પોતાના આત્માનાં મૌન ઊંડાણમાં રહેલ તત્ત્વ છે. જ્યારે તમને આ સત્યનો સાક્ષાત્કાર થાય છે ત્યારે તમારામાં કોઈક મહાન ઘટના બને છે; તમે ધન્ય અને અભય બની જાઓ છો. વેદાંતમાં ભગવાનને વિશ્વની બહાર ન્યાયાધીશની પેઠે બેઠેલ હોય તેવો રજૂ કરવામાં આવ્યો. નથી. ન્યાયાધીશની સમક્ષ તો અંજાઈ જઈને અને ડરતાં ડરતાં ઊભા રહેવાનું હોય છે. તે તત્ત્વ તમારો અનંત આત્મા છે, પ્રિયમાં સૌથી પ્રિય હોય તેવો-તદેતત્ પ્રેયઃ, સર્વસ્માત્ અસ્માત્ પ્રિયતર, નજીકમાં સૌથી વધુ નજીક, તદ્ ઈહ અન્તિકે આવું વર્ણન અન્ય કેટલાંક ઉપનિષદો કરે છે. પોતાની જ અંદર છૂપાઈ રહેલા આ ઊંડા રહસ્ય તરફ ધ્યાન દેવા માટે ઉપનિષદો કેટલા બધા પરિચ્છેદોમાં આહવાન કરે છેઃ અને તેઓ ભારપૂર્વક કહે છે કે આ સત્યનો સાક્ષાત્કાર કરવાનો છે; એ જ માનવીય જીવનના નિખાર, વિકાસ અને સંપન્નતાની ધારા છે. બધાં સ્ત્રીપુરુષો અને બાળકોને ઉદ્દેશીને આ સાર્વત્રિક આહ્વાન છે; અને એનો પ્રતિભાવ પણ કુદરતી રીતે જ તાત્કાલિક અને પ્રચંડ હતો.

પૃથ્વીના ગોળાને પેલે પાર, અગાઉ નિર્દેશ કર્યો છે, તે રીતે, એક મહિના પછી એક અઠવાડિયાની વેદાંત – રીટ્રીટ હતી. આ કાર્યક્રમ લ્યોરાનગરમાં યોજવામાં આવ્યો હતો. આ નગર સીડનીથી લગભગ ૬૦ માઈલ દૂર બ્લ્યૂ માઉન્ટનમાં આવેલું છે. ભારતના તામીલનાડુના નીલગિરિને મળતો આવતો આ શબ્દ છે.

શ્રી પીટર અને શ્રીમતી યોન્ન મલિક્ક નામનાં ઓસ્ટ્રેલિયન દંપતીએ બાંધેલા સુંદર આશ્રમમાં આ આયોજન કરવામાં આવ્યું હતું. તે લોકોએ એને નામ આપ્યું છે  —  ગણેશ આશ્રમ, તેમાં પ્રવેશ કરતાં તમને અનુભૂતિ થાય છે કે તમે કોઈક જુદી જ દુનિયામાં છો. ધ્યાન ધરવા માટે તથા અભ્યાસની બેઠકો માટે ત્યાં એક કોટડી છે.

ત્યાં જ્ઞાન અને સિદ્ધિના હિન્દુ દેવ ગણેશની સુંદર મૂર્તિવાળું મંદિર છે. સાથે સાથે શ્રીરામકૃષ્ણ, શ્રી શ્રીમા સારદાદેવી, સ્વામી વિવેકાનંદ, ઈસુ ખ્રિસ્ત અને બુદ્ધની તસ્વીરો પણ છે. તે સ્થળનો માહોલ પાવિત્ર્ય અને શાંતિનો છે.

૪. બૃહદારણ્યક ઉપનિષદમાં વેદાંતનો સિંહનાદ

લગભગ ૫૦ લોકોની મંડળી આ રીટ્રીટમાં હાજરી આપવા માટે આવી હતી તેના પર આશ્રમના વાતાવરણની ઊંડી છાપ પડી હતી ત્યાં તેઓ મારી સાથે શંકરાચાર્યના ભાષ્ય સાથે સૌથી વધારે મહત્ત્વ ધરાવતા બૃહદારણ્યક ઉપનિષદનો અભ્યાસ કરી રહ્યા હતા. આ જ ઉપનિષદ્ પર મેં મેં ૧૯૭૯માં દિલ્હીમાં ત્રણ પ્રવચનો આપેલાં હતાં. આ ઉપનિષદ્ના ઉપદેશોમાં આત્મા તરીકે મનુષ્યનાં રસહજ સ્વાતંત્ર્ય, ગૌરવ, શુચિતા અને કીર્તિના સત્યનો ઉપદેશ સૌથી મહત્ત્વપૂર્ણ છે. આ સંદેશ પ્રબુદ્ધ સંતો સ્ત્રીઓ પુરુષો દ્વારા ઘણી તેજસ્વી કંડિઓમાં વ્યક્ત કરેલો છે. સ્વામી વિવેકાનંદ કહેતા – વેદાંતરૂપી સિંહને ગર્જના કરવા દો, અને ભય તથા તિરસ્કારનાં શિયાળો પોતાનાં દરમાં ભાગી જશે. આપણને આ ઉપનિષદમાં તે સિંહનાદ જોવા મળે છે. જ્યારે મનુષ્ય પોતાના સાચા સ્વરૂપને જાણતો નથી અને દેવોના પશુ તરીકે જીવે છે અને વર્તન કરે છે. ત્યારે તેને ઉદ્દેશીને વેદાંતકેસરીની આવી ગર્જનામાં વાત કરે છે ‘પશુવં સ દેવાનામ્’ (૧.૪.૧૦)

બ્રહ્મ વા ઈદમ્ અગ્ર આસીત; તત્ આત્માનમેવાવત્। અહં બ્રહ્માસ્મિ ઇતિ। તસ્માત્ તત્સર્વમભવત્ તદ્યો યો દેવાનાં પ્રત્યબુધ્યત સ એવ તદભવત્, તથર્ષીગ્રામ, તથા મનુષ્યાણામ્; તદ્વૈતત્ પશ્યન્નૃષિર્વામદેવઃ પ્રતિપેદે, અહં મનુરભવં સૂર્યશ્ચેતિ ।

તદિદં અપ્યેતર્હિ, ય એવં વેદ, અહમ્ બ્રહ્માસ્મિ ઈતિ, સ ઈદં સર્વં ભવતિ; તસ્ય હ ન દેવાશ્ચ ન અભૂત્યા ઈશતે, આત્મા હ્યેષાં સ ભવિત ।

અથ યો અન્યાં દેવતામુપાસ્તે, અન્યો અસૌ, અન્યો અહમ્ અસ્મીતિ, ન સ વેદ; યથા પશુરેવં સ દેવાનામ્ ।

યથા હ વૈ બહવઃ પશવો મનુષ્યં ભુંજ્જ્યુંઃ એવં એકૈકઃ પુરુષો દેવાન્ ભુનક્તિ; એકસ્મિન્ એવ પશૌ આદીયમાને અપ્રિયં ભવતિ કિમુ બહુષુ

તસ્માત્ એષાં તત્ ન પ્રિયં, યત્ એતદ્ મનુષ્યા વિદ્યુઃ –

આરંભમાં જગત બ્રહ્મ જ હતું ‘હું બ્રહ્મ છું’ એમ તે પોતાની જાતને જાણતું હતું. આથી તે સર્વ બની ગયું, અને જે કોઈ દેવે તેને જાણ્યું તે પણ તે બની ગયો; મુનિઓની બાબતમાં પણ એમ જ થયું, માણસોની બાબતમાં પણ ઋષિ વામદેવને જ્યારે આત્મા બ્રહ્મ જ છે એવો સાક્ષાત્કાર થયો ત્યારે તેમને જ્ઞાન થયું કે ‘હું મનુ અને સૂર્ય છું.’

અને આજ સુધી જેને એવું જ્ઞાન થાય છે કે હું બ્રહ્મ છું, તે આ જગત સાથે એકાકાર થઈ જાય છે. દેવો પણ તેને રોકી શકતા નથી કેમકે તે વ્યક્તિ તેમનો પણ આત્મા બની જાય છે.

જ્યારે માણસ બીજા દેવની ઉપાસના કરે છે અને એમ માને છે કે એ એક છે, અને હું બીજો છું, તે આત્મા વિષેના સત્યને જાણતો નથી; તે દેવોના પશુ જેવો છે.

જે રીતે ઘણાં પશુ માણસની સેવા કરે છે, તે જ રીતે દરેક માણસ દેવોની કરે છે. એકાદું પણ પશુ (વાઘ વગેરે દ્વારા) લઈ જવામાં આવે તો તેને દુઃખ થાય છે; તો પછી જો ઘણાં બધાં (પશુઓને લઈ જવામાં આવે તો) કહેવું જ શું?

આથી દેવોને ગમતું નથી કે માણસો આત્મા વિષેના સત્યને જાણો, ઘેટાંનું ટોળું એ ભરવાડની મિલકત છે; એ જ રીતે જ્યાં સુધી સ્ત્રીઓ તથા પુરુષો એન્જિયિક કક્ષાએ જ જીવે છે, ત્યાં સુધી તેઓ નિસર્ગની અદૃશ્ય શક્તિઓની મિલકત બની રહે છે; તેઓ જંતુઓ છે, તેઓ નિઃસહાય છે; ‘પણ તમે એવાં શા માટે બની રહો છો?’ એમ ઉપનિષદ આ બધા લોકોને પૂછે છે, અને ઉત્તર આપે છે – કારણ કે તમે તમારી સાચી જાતને ઓળખતા નથી, એનો સાક્ષાત્કાર કરતા નથી. એ તો બધી તાકાત અને નિર્ભયતાનો સ્રોત છે. તમારા સ્વાતંત્ર્ય અને શ્રેષ્ઠતાનું સાચું કેન્દ્ર છે. એ જ્ઞાનનો એકાદ અંશ પણ તમને સ્વાધીન અને નિર્ભય બનાવી દેશે. આથી ઉપનિષદ્ આપણને હાકલ કરે છે. તમે દેવતાઓ માટે માત્ર પશુ ન બની રહી. પશુ, અર્થાત્ જનાવર, દેવોના અર્થાત્ દેવતાઓના; આવી ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે; દયનીય જંતુડાંની સ્થિતિ અને નિઃસહાયતાનું આ સૂચન છે. બહારની દુનિયાના જ્ઞાનથી તમે આ જંતુર્તોની સ્થિતિને અમુક અંશે નિવારી શકો, પણ એ તો થયું ભૌતિક વિજ્ઞાન; પણ અધ્યાત્મવિદ્યા, આધ્યાત્મિક વિજ્ઞાન દ્વારા તમે એ સ્થિતિને સંપૂર્ણ રીતે નિવારી શકો છો, એમ વેદાંત કહે છે.

જંતુડાપણું, નિઃસહાયતા, અથવા અપૂર્ણતાની ભાવના એ ભૌતિક શાસ્ત્ર, યાંત્રિકીવિદ્યા અને ભૌતિક સમૃદ્ધિની બાબતોમાં ખૂબ આગળ વધેલા સમાજોનું વિશેષ લક્ષણ છે. સાચા સ્વાતંત્ર્યનો અર્થ થાય છે આ જંતુડાપણામાંથી મુક્ત થવાની સ્થિતિ. પોતાની જાતને નિત્ય – શુદ્ધ – બુદ્ધ – મુક્તસ્યભાવ – પરમાત્મા – (સદા શુદ્ધ, સદા જાગૃત અને સદા મુક્ત પરમતત્ત્વ) તરીકે ઓળખી લેવા દ્વારા જ સાધી શકાય છે એમ વેદાંત કહે છે. આ પ્રકારનો સાક્ષાત્કાર મનુષ્યની સ્વતંત્ર્યતાની આડે આવતાં બધાં વિઘ્નોને તરત જ દૂર કરી દે છે. આ વિઘ્ન છે પ્રકૃતિનાં બાહ્ય અને આંતરિક પરિબળો કે અદૃશ્ય શક્તિઓની તથા નાના નાના દેવોની ગુલામી, કેમકે એ વખતે મનુષ્ય પોતાની જાતને મુક્ત અને આ બધાના આત્મા તરીકે ઓળખી લે છે. પ્રાચીન સમયમાં મહર્ષિ વામદેવને આત્મા વિષેના આ મહાન સત્યનો સાક્ષાત્કાર થયો હતો અને આ સાક્ષાત્કારની સાથે જ આ બધાની તથા મહાન સ્મૃતિકાર મનુ, સૂર્ય વગેરેની સાથે પોતાની એક્તાનું જ્ઞાન થઈ ગયું હતું. આ પરિચ્છેદ પર શંકરાચાર્યનું ભાગ્ય સારો ખુલાસો કરે તેવું છે –

બ્રહ્મનો સાક્ષાત્કાર થાય એ પહેલાં પણ દરેકનું હંમેશાં ખરેખર બધા સાથે અદ્વૈત જ હોય છે, કેમકે પ્રત્યેક વ્યક્તિ બ્રહ્મ હોય છે. પરંતુ અજ્ઞાન જ તેના પર એવા વિચારનો અધ્યારોપ કરે છે કે હું બ્રહ્મ નથી, હું સર્વ નથી.

કદાચ કોઇ એમ માને કે ‘મહાન હોવાને લીધે દેવોને તેમની અસાધારણ શક્તિને તેમના બ્રહ્મજ્ઞાનને લીધે આ આત્મધ્ય પ્રાપ્ત થયું હતું; પણ આ યુગના માણસો, ખાસ કરીને પુરુષો, પોતાની મર્યાદિત શક્તિને લીધે એ સિદ્ધિ હાંસલ કરી શકે નહીં’ આ ધારણાને દૂર કરવા માટે આ ગ્રંથ કહે છે – અને આજે પણ જે મનુષ્ય એ જ રીતે એને જાણે છે, અર્થાત્ પોતાની જાતને હું બ્રહ્મ છું એમ જાણે છે, તે આ સર્વ બની જાય છે.

કેમકે બ્રહ્મની કે તેના જ્ઞાનની બાબતમાં ઋષિ વામદેવ જેવા મહાન વ્યક્તિત્વ અને આજનાં જંતુડાંની વચ્ચે કોઈ ફરક નથી. લેણદારો જેમ દેણદારને તેમ દેવો પરાધીન માનવોને અમરતા મેળવતાં રોકે એમ માની લેવું તર્કસંગત છે, કેમકે દેવોએ પણ પોતાની જીવાદોરી ટકાવી રાખવાની હોય છે. દેવો પણ પોતાનાં શરીરની માફક જ પોતાનાં પશુઓનું રક્ષણ કરે છે, કેમકે શ્રુતિ (ઉપનિષદો) બતાવે છે કે દરેક માણસ ઘણાં બધાં પશુઓ સાથે સમાન મૂલ્ય ધરાવે છે; માણસ જે કાંઈ ધાર્મિક વિધિઓ કરે છે, તેના પર દેવોનો જીવન નિર્વાહ ચાલે છે. આથી હમણાં જ એવું વિધાન કરવામાં આવશે કે, મનુષ્યો આ સત્યને જાણી જાય એ વાત તેમને ગમતી નથી.’ આ અણગમા અને સલામતીના નિર્દેશથી આપણે સમજી શકીએ છીએ કે દેવો માને છે કે જ્યારે મનુષ્યને બ્રહ્મજ્ઞાન થઈ જાય છે ત્યારે તે દેવોના ઉપભોગના પદાર્થ તરીકે કામ કરતો બંધ થઈ જશે, કેમકે તેની પરાધીનતાનો તેથી અંત આવી જશે. આથી બ્રહ્મજ્ઞાનનું ફળ મેળવવાનો પ્રયત્ન કરી રહેલા ભવિષ્યના બ્રહ્મજ્ઞાતા મનુષ્યના માર્ગમાં દેવો અવરોધો ઊભા કરે એ સમજી શકાય એવું છે, કેમકે તેઓ શક્તિશાળી પણ છે જ…

પરિસ્થિતિ આવી છે તેથી દેવો અજ્ઞાન મનુષ્યની આડા પણ આવી શકે છે અને મદદરૂપ પણ બની શકે છે. આ હકીકત નીચેના વિધાનમાં દર્શાવવામાં આવી છે. જગતમાં જેમ બને છે તેમ, જે રીતે ગાયો, ઘોડા વગેરે પશુઓ તેના માલિક અને ગોવાળની સેવા કરે છે, તે જ રીતે ઘણાં બધાં પશુઓ સાથે સમાનતા ધરાવતો “દરેક અજ્ઞાન મનુષ્ય’ પણ દેવોની ‘સેવા કરે છે.’ આ છેલ્લા શબ્દમાં પિતૃઓનું સૂચન પણ થઈ જાય છે. તે માને છે કે ‘આ ઈન્દ્ર અને અન્ય દેવો મારા કરતાં જુદા છે. અને મારા સ્વામીઓ છે. એક સેવકની માફક પ્રશંસા, પ્રણામ, યજ્ઞો આદિ દ્વારા હું તેમની ઉપાસના કરીશ અને પરિણામ સ્વરૂપે તેમણે બક્ષેલી સમૃદ્ધિ અને મુક્તિ પ્રાપ્ત કરીશ. હવે જગતમાં પણ એવું બને છે કે જેની પાસે ઝાઝાં પશુઓ હોય, તેના એકાદા પશુને પણ જો વાઘ પકડીને લઈ જાય તો પેલા માણસને ઉદ્વેગ થાય છે. તે જ રીતે ઘણાં બધાં પશુઓ સમાન મૂલ્ય ધરાવતો એકાદ મનુષ્ય પણ હું તેનું જંતુ છું એવા વિચારમાંથી મુક્ત થઈ જાય તો દેવોને મરવા જેવું (કે માનભંગ) લાગે તો તેમાં શી નવાઈ છે? જ્યારે કોઈ ગૃહસ્થનાં ઘણાં બધાં પશુઓને લૂંટી લેવામાં આવે છે, ત્યારે તેની પણ દશા એવી જ હોય છે ને? આથી તેમને અર્થાત્ આ દેવોને આ ગમતું નથી કે મનુષ્યને ગમે તે રીતે એવા સત્યનું ભાન થાય કે ‘હું આત્મા અને બ્રહ્મ સાથે અદ્વૈત ધરાવું છું.’

૫. માનવીય સ્વાધીનતા અને ગૌરવની વેદાન્તિક સંદેશ

જ્યાં સુધી આત્માના સત્યને લાગેવળગેછે, અને માનવની તેનો સાક્ષાત્કાર કરવાની ક્ષમતાને લાગે વળગે છે, ત્યાં સુધી વિરાટ વ્યક્તિત્વવાળા વામદેવ અને આજકાલનાં જંતુડાંની વચ્ચે કોઈ ફરક નથી!

માનવ ગૌરવ વિશે વેદાન્તની આ કેવી હિંમતભરી ઘોષણા છે કે દરેક માનવને આ સાક્ષાત્કાર કરવાનો જન્મસિદ્ધ અધિકાર છે! આ સત્યની ખોજ કરવાની અને તેનો સાક્ષાત્કાર કરવાની જૈવિક ક્ષમતા કુદરતે મનુષ્યને આપેલી છે; માત્ર આપણે તેને ગણતરીમાં લેવાની જરૂર છે. પરંતુ મોટે ભાગે આપણે તેની ઉપેક્ષા કરીએ છીએ, તેની અવગણના કરીએ છીએ. ઉપનિષદો કહે છે કે આપણે આ પરિસ્થિતિને નિવારવાની છે.

ઉપનિષદની આ કંડિકામાં શેઠ અને નોકર, ધનવાન અમીરો અને નિઃસહાય, અજ્ઞાન ગણોતિયા, શક્તિસંપન્ન મૂડીવાદીનો અને શોષિત મજૂરોના જેવા અંદરોઅંદરના માનુષિક સંબંધોનો પણ નજીકથી ઉલ્લેખ છે. આમાંના શેઠો, ધનિકો વગેરેને સેવકો, ગણોતિયા વગેરે શૈક્ષણિક અને આર્થિક તકોની બાબતમાં ઊંચે આવે એ વાત ગમતી નથી. તેઓ પેલા લોકોને પાછા પાડવાની એકેય તક જવા દેતા નથી. બ્રિટિશ પાર્લામેન્ટમાં ઓગણિસમી સદીમાં ટોરી વિરોધપક્ષની બાબતમાં આમ થયું હતું. વિષય હતો સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણ દાખલ કરવાનો ચર્ચાસ્પદ મુદ્દો હતો કે “જો આમ જનતાને ભણાવવામાં આવશે તો આપણી સેવા કોણ કરશે?’ પણ જ્યારે માણસમાં જ્ઞાન અને આત્મશ્રદ્ધાની જાગૃતિ આવે છે અને લોકતાંત્રિક નાગરિકતાની જાગૃતિને લીધે તેમાં જે સમાનતાની ભાવના ઊભી થાય છે તેને લીધે આમજનો પોતાનાં જંતુડાંપણાને, નિઃસહાયતાને, પરતંત્રતાને અને ભયને ખંખેરી નાખે છે અને પોતાનાં સહજ નરત્વ અને નારીત્વ પોતાની અવિચ્છેદ્ય માનવતા અને સ્વતંત્રતાનાં ગૌરવ અને ઊંચાઈને સાકાર કરે છે. સામાજિક પરિસ્થિતિને લાગું પાડવામાં આવેલું આ વેદાન્ત છે. ૧૮૯૭માં મદ્રાસના એક મોટા શ્રોતા-સમુદાયને ઉદ્‌બોધન કરતાં આ વિષયમાં સ્વામી વિવેકાનંદે આ જોરદાર શબ્દો કહ્યા હતા. (કંપ્લીટ વર્ક્સ, વૉ.૩, પૃ.૨૯૪, ૨૯૭)

‘ભારતની ધરતી ઉપરથી માત્ર અમુકને જ વિશેષાધિકાર અને માત્ર અમુકના જ હકદાવાઓના દિવસો ચાલ્યા ગયા છે, કાયમ માટે ચાલ્યા ગયા છે…

‘દરેક ઉમરાવશાહીનું એ કર્તવ્ય છે કે એ પોતાની કબર ખોદે; આ કામ તે જેટલું વહેલું કરશે, એટલું સારું થશે. એ જેટલો વિલંબ કરશે, એમ એમ એ વધારે ખરાબ થતું જશે અને વધારે ખરાબ મોતે મરશે.’

જ્યારે ઉપનિષદોની અને વિવેકાનંદજીના સાહિત્યમાં આવી કંડિકાઓ વાંચવામાં આવી છે અને તેમની સમજૂતી આપવામાં આવે છે ત્યારે પોતાની વચ્ચે બોબનો ધડાકો થતો હોય એવો અનુભવ મોટા ભાગના શ્રોતા સમુદાયોને થાય છે. સમ્રાટ જનકના દરબારમાં પોતાની પત્ની મૈત્રેયી સાથે યાજ્ઞવલ્ક્યનો સંવાદ અને મહાન હિંમતવાળી તત્ત્વચિંતક ગાર્ગી સાથે યાજ્ઞવલ્ક્યની મહત્ત્વપૂર્ણ ચર્ચા વિશેની કંડિકાઓ બૃહદારણ્યક ઉપનિષદમાં આવે છે. તેમની અસર પણ શ્રોતાઓ પર એવી જ પડી હતી. આ કંડિકાઓ ઉચ્ચ તત્ત્વજ્ઞાનપૂર્ણ અને આધ્યાત્મિક છે. તેમની ઉત્કટ પ્રસ્તુતતા પ્રત્યેક મનુષ્યને માટે સાર્વત્રિક છે. આનું કારણ એ છે કે દેખાતા માણસની પાછળ રહેલા સાચા માણસ વિશેના સત્યનું તેમાં વિવરણ કરવામાં આવ્યું છે.

૬. વેદાન્તના પ્રકાશમાં આસ્તિકતા અને નાસ્તિકતા

માણસ વિશે, અરે આપણી જાત વિશે આપણે કેટલું ઓછું જાણીએ છીએ! આ માનવશરીર વિશે અને તેના ઈન્દ્રિયતંત્ર વિશે આપણે ઘણું જ્ઞાન ધરાવીએ છીએ. અને વળી આપણે મન વિશે પણ સ્વલ્ય જાણકારી ધરાવીએ છીએ; એ જાણકારી તો મોટે ભાગે તે ઈન્દ્રિયોના તંત્રના વિસ્તરણરૂપ છે એને લગતી હોય છે.

આપણી પાસે માત્ર આટલી જ માહિતી આપણી જાત માટેની છે, બસ. આપણે જાણીએ છીએ એના કરતાં આપણે જાણતા નથી એનું પ્રમાણ વધારે મોટું છે. આપણામાંના દરેકની અંદર કેટલી બધી શક્યતાઓ છુપાઈને પડેલી છે? માણસની સંભાવનાઓના બારામાં એક વિજ્ઞાન છે. વેદાન્તે માત્ર બ્રહ્માંડના વિજ્ઞાન તરીકે નહિ, પણ માણસના વિજ્ઞાન તરીકે, માણસમાં રહેલી માનવીય સંભાવનાઓ વિશે, પોતાની ફિલસૂફી વિકસાવી છે અને બન્નેનો સમન્વય અદ્વૈતના દૃષ્ટિબિંદુથી કર્યો છે. જ્યારે તમે એમ કહો છો કે તમે કોઈક વસ્તુ કરી શકતા નથી કે સાધી શકતા નથી, ત્યારે તમારી અંદર કેવી વિશાળ સંભાવનાઓ પડેલી છે, તેમને જાણ્યા વગર જ તમે આમ બોલો છો. આથી વિવેકાનંદજી કહેતા કે જ્યારે માનવજાતિના એકદેવવાદી ધર્મો આકાશમાં બેઠેલા’ આ વિશ્વને પાર રહેલા ભગવાનમાં ન માનનારા માણસને નાસ્તિક કહે છે, ત્યારે વેદાન્ત પોતાની જાતમાં જ ન માનનારા માણસને નાસ્તિક કહે છે. પહેલી વિચારધારા ખોખલી લાગે છે કેમ કે ઘણા લોકોએ એવા ઈશ્વરનો ઈન્કાર કર્યો છે અને સહેલાઈથી તેનાથી દૂર રહી શક્યા છે. આમાં અપવાદરૂપ રહ્યા છે એવા ઈશ્વરનો ઝંડો પકડીને ચાલતાં ત્રાસવાદી અને સહિષ્ણુ ચર્ચો અને બીજી ધાર્મિક સંસ્થાઓની સતામણીઓ એમનાથી સહેલાઈથી મુક્ત થઈ શકાતું નથી.

આખી દુનિયાનાં નરનારીઓએ સમ્રાટપણા, સત્તા અને પરોપકારવૃત્તિના સ્રોત તરીકે રાજાને સિંહાસન પર બેસાડ્યો છે. આ બધું તેમની બહારની વસ્તુ છે; તેઓ તે સત્તાધીશની સમક્ષ ભયભીત થઈને, ધ્રુજતા ધ્રુજતા ઊભા રહ્યા છે; વફાદાર પ્રજાજનો તરીકે તેઓ તેની આજ્ઞાને તાબે થયા છે અને પોતે પરસેવો પાડીને મેળવેલી સંપત્તિ ખંડણી તરીકે આપે છે. તેમણે તેમની સામે બળવો પણ કર્યો છે; તેમણે સત્તાધીશને રાજસિંહાસન પરથી તગેડી પણ મૂકેલ છે; કેટલીકવાર તે લોકોનાં માર્થા પણ કાપી નાખ્યાં છે; અને જ્યારે જ્યારે તેમને લોકશાહીની હિમાયતી અને લોકતાંત્રિક ફિલસૂફી પાસેથી પ્રેરણા મળી છે, ત્યારે તેમણે સ્વતંત્ર રાષ્ટ્રના મુક્ત નાગરિકો તરીકે નિર્ભેળ સ્વાતંત્ર્ય અને સાર્વભૌમત્વની ઘોષણા પણ કરેલી છે. સમ્રાટોની આવ-જા થતી રહી છે, પણ સાર્વભૌમત્વ કાયમ રહે છે. ઘણા દેવતાઓ મરણશરણ થયા છે, પણ બધામાં અને પ્રકૃતિમાં રહેલ એક અને અદ્વિતીય આત્મારૂપી ઈશ્વર ઘણું જીવો, તેનાં સત્ય અને યશ વિશે કઠોપનિષદ્ ગાય છે.

એકો વશી સર્વભૂતાન્તરાત્મા
એક રુપે બહુધા યઃ કર્રાતિ ।
તમાત્મર્થ થૈડનુપશ્યન્તિ ધીરાઃ
તેષાં સુખ શાશ્વત નેતરેષામ્ ॥

‘એક, સૌને વશમાં રાખનાર સર્વભૂતોનો અંતરાત્મા છે અને જે એક રૂપને બહુ પ્રકારનાં કરે છે. આત્મામાં રહેનારને જે ધીર જોયા કરે છે, તેમને શાશ્વત સુખ (મળે છે), અન્ય લોકોને નહિ.

નિત્યોઽનિત્યાનાંચેતનશ્ચેતનાનામ્
એકો બહુનાં યો વિદધાતિ કામાન્ ।
તમાત્મરથં યેઽનુપશ્યન્તિ ધીરા:
તેષાં શાન્તિઃ શાશ્વતી નેતરેષામ્ ।। (૨.૨.૧૨-૧૩)

‘જે અનિત્યોમાં નિત્ય અને ચેતનોનું ચેતન છે, અને જે એક છતાં ઘણાની કામનાઓ પૂરી કરે છે. અન્તરાત્મામાં રહેલા અને જે ધી૨ લોકો સમજે છે, તેમને જ નિત્ય શાન્તિ પ્રાપ્ત થાય છે, અન્ય લોકોને નહિ.’

આ રીતે માણસો માટે બહારના ગણવામાં આવેલાં દેવો, અન્યોઽસૌ, અન્યોઽહમ્, તે જુદો છે, હું જુદો છું. એ રીતે જે દેવોને ઉપનિષદની ઉપર્યુક્ત કંડિકામાં રજૂ કરવામાં આવ્યા છે, તેમને વારંવાર આસન પર બેસાડવામાં આવ્યા છે અને ઉઠાડી મૂકવામાં આવ્યા છે. પરંતુ મનુષ્યનો અનંત આત્મા, મનુષ્યની અંદર રહેલું જ્યોર્તિમય સત્ય, કોઈના હકારાત્મક કે નકારાત્મક વિધાન પર આધારિત નથી, કોઈની ગાદી પર બેસાડવાથી કે ઉઠાડી મૂકવાથી તેના પર કોઈ પ્રભાવ પડી શકતો નથી; તે આત્મા અનંત અને અદ્વિતીય છે, અને તે જ તમારો પોતાનો સાચો સ્વભાવ છે. ખાસ કરીને છાન્દોગ્ય અને બૃહદારણ્યક ઉપનિષદોનો આ મહાન ઉપદેશ અજ્ઞાન અને નિર્બલતા, ભય અને તિરસ્કારના અંધકારને દૂર હાંકી કાઢતા સત્યના તેજસ્વી સૂર્ય જેવો ખડો છે. જ્યારે આ ઉપદેશને અતાર્કિક સિદ્ધાન્તોથી થાકેલા અને સત્યને શોધતા હોય તેવા લોકો સમક્ષ રજૂ કરવામાં આવે અને તર્કપૂર્ણ શબ્દોમાં રજૂ કરવામાં આવે ‘જે શબ્દો વિશે તમે પ્રશ્ન પૂછી શકો, ચર્ચા-વિચારણા કરી શકો’ જેમના વિશે તમે ઊંડા ઊતરીને તપાસ કરી શકો અને જેના વિશે તમે પ્રયોગ કરી શકો તથા માત્ર માન્યતા ખાતર જ નહિ પણ અનુભવવા માટે હોય-તો તમે સત્યશોધતા અને સત્ય પ્રત્યે સંવેદના ધરાવતા માનવીય મન અને હૃદયમાં કેવી મોટી પ્રતિક્રિયા સર્જે તેની તમે કલ્પના કરી શકો છો.

(ક્રમશઃ)

અનુવાદક : ચંદુભાઈ ઠકરાલ

Total Views: 164

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.