એક રીતે જોતાં રામકૃષ્ણ મઠનું સર્જન એ જાણે શ્રીરામકૃષ્ણને શારદાદેવીએ કરેલી પ્રાર્થનાનું ફળ જ છે. શ્રીરામકૃષ્ણની મહાસમાધિ પછી પણ ખૂબ લાગણીપૂર્વક મા શારદાદેવી તેને પ્રાર્થતાં હતાં : ‘પૃથ્વી પર આપ અવતર્યા, માનવજાતિ માટે કેટલાંય કષ્ટો સહન કર્યાં છતાં તમારા જ શિષ્યો જે સાધુ બન્યા છે, તેમને માટે હજી સુધી કોઈ આશ્રયસ્થાન પણ મળી શક્યું નથી. ઘર વિહોણા તેઓ અહીં તહીં ફર્યા કરે છે. તો પછી આપના પ્રાકટ્યનો ઉદ્દેશ શો હતો? તમારાં આધ્યાત્મિક બાળકોની કાળજી કોણ કરવાનું છે?’

આ શબ્દો તેઓ ફરિયાદના સ્વરે નહોતાં કહેતાં, બલ્કે તેમની એ મહેચ્છાની અભિવ્યક્તિ કરતાં હતાં કે શ્રીરામકૃષ્ણનો ઉપદેશ તેમના સંન્યાસી બનેલા શિષ્યો દ્વારા વિસ્તૃત સ્થળોએ પ્રચાર પામે. તેમની ઇચ્છા એ નહોતી કે એ ઉપદેશ કેટલાક જ લોકો સુધી પહોંચે. સમગ્ર જગતને તેનો લાભ મળે તેવી તેમની ઇચ્છા હતી. શ્રીરામકૃષ્ણનું ધ્યેય પણ એ તો હતું જ. તેથી જ તેમણે પોતાનાં આધ્યાત્મિક જોડીદાર શારદાદેવીને પોતાની પાછળ રાખ્યાં હતાં. તેમણે શારદાદેવીને એક વાર કહ્યું પણ હતું : ‘હું થોડા જ વખતમાં આ જગત છોડી જઈશ. મારા પછી જગતના કલ્યાણનું કામ તમારે ક૨વાનું છે. મેં જે કંઈ કર્યું તે તો બહુ ઓછું છે, તમારે ઘણું બધું કામ કરવાનું રહેશે!’

આમ શ્રીમા શારદાદેવીને તેઓ પાછળ મૂક્તા ગયા હતા, જેથી તેઓનું કાર્ય સંપૂર્ણ થાય. આધ્યાત્મિક મહાન વિભૂતિઓમાંથી કોઈની પણ જીવનસંગિનીએ આ રીતે કાર્ય નથી કર્યું જેટલું શ્રીમા શારદાદેવીએ કર્યું છે. સમગ્ર ધર્મોના ઇતિહાસમાં તેઓનું સ્થાન અસાધારણ અને વિલક્ષણ છે. તેમના દૃષ્ટાંતથી, આપણે જેઓ શ્રીરામકૃષ્ણનાં બાળકો જ છીએ, રામકૃષ્ણ મઠના કાર્યમાં તેઓનું પ્રદાન જોઈએ છીએ.

આપણે કદી પણ તેઓની આધ્યાત્મિક ઉચ્ચતા અને ગહનતાને જાણી ન શકીએ, પણ તેઓના અબાધિત પ્રેમને સમજવામાં આપણને કોઈ મુશ્કેલી નથી. આપણી સમક્ષ શ્રીમા કદી એક રહસ્યમય, અગમ્ય આધ્યાત્મિક વ્યક્તિ તરીકે નથી આવ્યાં. નથી એમણે કદી આપણને અતિ આધ્યાત્મિક ઊંચાઈઓથી, દૂર દૂરના દેશેથી કોઈ આધ્યાત્મિક સિદ્ધાંતો કે મતાગ્રહોનો ઉપદેશ આપ્યો તેઓને તો કેવળ એક આપણને અનહદ પ્રેમ કરતા માતા તરીકે જ આપણે જાણીએ છીએ. તેઓનો સંદેશ સીધો અને સરળ છે એટલો જેટલાં ભ્રામક રીતે તેઓ સીધાં અને સરળ હતાં. આપણને નિઃશસ્ત્ર કરી નાખતી તેમની નિર્મળ સાદાઈ આપણને જણાવે છે કે આપણે એટલું જાણવું જ પૂરતું હતું કે તેઓ આપણાં માતા છે. અને એમની આધ્યાત્મિક વ્યક્તિ તરીકેની ગહનતાને સમજવાની કોઈ જરૂર નથી એવું આપણને લાગે છે.

શ્રીરામકૃષ્ણને પ્રાર્થતાં તેઓ કહેતાં, ‘એ વાત તમે નિશ્ચિત કરો કે તમારા શિષ્યો એક સુરક્ષિત જગ્યાએ સાથે રહે. એમ પણ નિશ્ચિત કરો કે તેઓ કદી ભૂખમરો ન વેઠે.’ આ પ્રકારની પ્રાર્થના તેઓ કરતાં કેમ કે તેઓ આપણાં માતા હતાં. શું બાળકો અને ઘરની કાળજી માતાઓ જ નથી કરતી?

એટલું ખરું કે તેઓની પ્રાર્થનાનો શ્રીરામકૃષ્ણે સ્વીકાર કર્યો. પૃથ્વી પર હતા ત્યારે મઠનું બીજ તો તેમણે વાવ્યું હતું ખરું. પણ તેની સંભાળ અને ઉછેરનું કાર્ય કરવા શ્રીમાને તેઓ પાછળ છોડીને ગયા હતા. જો શ્રીમાએ આ બીજનું પ્રેમપૂર્વક જતન ન કર્યું હોત, તેના પર માતાનો પ્રેમ ન ઢોળ્યો હોત, તો કદાચ તે બીજ કરમાઈ પણ ગયું હોત. પરંતુ, વર્ષોના વહેણમાં આપણે રામકૃષ્ણ મઠને એક મોટા વટવૃક્ષ જેવું બનતાં જોઈ શકીએ છીએ. તેના દ્વારા સમગ્ર વિશ્વના લોકો હવે શ્રીરામકૃષ્ણના ઉપદેશને તથા સંદેશને જાણવા લાગ્યા છે, અને તેની કદર કરવા લાગ્યા છે. શ્રીમાની પ્રાર્થનાઓ વિના આ કદી બની શક્યું ન હોત.

આપણે એ વાત કદી વિસારે ન પડવા દેવી જોઈએ કે રામકૃષ્ણ મઠના સર્જનમાં શ્રીમાનો ફાળો કેટલો મોટો છે. તેઓ જીવતાં હતાં ત્યાં સુધી તેમણે જરૂર પડે ત્યારે મઠને પ્રેમભર્યું માર્ગદર્શન આપ્યા કર્યું. તેમ છતાં, પોતાના નમ્ર સ્વભાવને લીધે તેઓ કહેતાં, ‘હું તો એક સામાન્ય સ્ત્રી જ તો છું! હું શું જાણું! હું કશું જાણતી નથી!’

રામકૃષ્ણ મઠનો ઇતિહાસ એવાં તો કેટલાંય દૃષ્ટાંતોથી ભરેલો છે જેમાં મઠને ભીડના સમયમાં શ્રીમાએ કઈ રીતે માર્ગદર્શન આપ્યું હતું. ઉદાહરણાર્થે, વિવેકાનંદના પ્રશંસકોએ તેમને ૧૮૯૩ની વિશ્વધર્મ પરિષદમાં પ્રતિનિધિત્વ કરીને અમેરિકા જવા માટે પ્રોત્સાહિત કર્યા. પરંતુ સ્વામીજી કોઈ નિર્ણય લઈ શક્યા નહિ. તેમને એક પારલૌકિક દૃશ્યનો અનુભવ તો થઈ ચૂક્યો હતો. જેમાં શ્રીરામકૃષ્ણ જાણે તેમને પશ્ચિમી દેશોમાં જવાની આજ્ઞા કરતા હતા. છતાં, તેમને લાગ્યું કે શ્રીમાની મંજૂરી વિના તેમણે જવું યોગ્ય નહોતું.

જ્યારે શ્રીમાએ તેમની મંજૂરી અને આશિષ સ્વામીજીને આપ્યાં ત્યારે સ્વામીજી પ્રસન્ન થઈ ઊઠ્યા. તેમણે કહ્યું, ‘હવે મારા મનમાં કોઈ પ્રકારની અવઢવ નથી. શ્રીમાએ જ મને આશિષ મોકલ્યા છે! હવે તો પૌરાણિક વીરહનુમાનની જેમ હું પણ સમુદ્રને પાર કરીને વિશ્વવિજયી બનીશ!’ જ્યારે પરદેશ હતા ત્યારે પણ સ્વામીજીને તેમની કપરી કસોટીઓમાંથી. પસાર થવાનું બળ શ્રીમાના આશીર્વાદથી જ મળતું રહ્યું હતું.

આમ તો સ્વામી વિવેકાનંદ શ્રીરામકૃષ્ણની પ્રત્યેક વાતને જેમની તેમ સ્વીકારી લેતા નહોતા. ઘણી વાર તો તેમની સાથે સામી ચર્ચા પણ કરવા લાગતા. પણ જ્યારે શ્રીમા તેમને કશું કરવાનું કહે, ત્યારે સહેજ પણ મતમતાંતર કે વિચાર વિના તેમની આજ્ઞા પ્રમાણે સ્વામીજી કરતા. આ શ્રીમાના પ્રેમનું બળ દર્શાવે છે.

એક અન્ય બનાવ છે, જ્યારે સ્વામી શિવાનંદ રામકૃષ્ણ મઠના પ્રમુખ હતાં. એક નવોસવો બનેલો સંન્યાસી કશીક ભૂલ કરી બેઠો. આને કારણે સ્વામી શિવાનંદે તેને મઠ છોડીને જવાનું કહ્યું. તે છોકરો ડરી ગયો અને ઘણા માઈલો દૂર ચાલતો ચાલતો જયરામબાટી, જ્યાં માતાનો તે સમયે નિવાસ હતો ત્યાં પહોંચ્યો. તેણે શ્રીમાને પોતાની વાત જણાવી અને કહ્યું કે સ્વામી શિવાનંદે તેને મઠમાંથી હાંકી કાઢ્યો છે. શ્રીમાએ તો તેને પોતાની પાસે રહેવાની આશા આપી, અને બે-ત્રણ દિવસ સુધી તેને આરામ કરવા કહ્યું. શ્રીમા સ્વયં તેને માટે ભાણું તૈયાર કરતાં અને તેમની કાળજી કરતાં. પછી શ્રીમાએ તેને પાછો બેલુર મઠ સ્વામી શિવાનંદ પાસે પોતાના એક પત્ર સાથે મોકલ્યો. તેમાં લખ્યું હતું, ‘વ્હાલા તારક, (કેમ કે સ્વામી શિવાનંદનું પૂર્વાશ્રમનું નામ તારક હતું), આ છોકરાએ ભૂલો અવશ્ય કરી છે, પણ હવે તેનો તેને પસ્તાવો પણ થયો છે. તેને મઠમાં પાછો લઈ લેવો જોઈએ.’ આ પત્ર વાંચી સ્વામી શિવાનંદ હસી પડ્યા ને કહેવા લાગ્યા, ‘હં, તો તું અહીંથી નીકળીને સીધો હાઈકોર્ટને અપીલ કરવા પહોંચી ગયો હતો?’ કેમ કે, રામકૃષ્ણ મઠ માટે તો શ્રીમા શારદાદેવીનું સ્થાન ન્યાયની હાઈકોર્ટ કરતાં સહેજે ઊતરતું નહોતું! તે સંન્યાસીને ફરીથી મઠમાં લેવામાં આવ્યો.

સ્વામી શિવાનંદ તેમ જ બીજા કોઈ પણ માટે શ્રીમાની ઇચ્છા એ જ આજ્ઞા હતી. આમ તો તેમની પાસે કોઈ હોદ્દો તો નહોતો, છતાં તેઓ જ સર્વોચ્ચ માર્ગદર્શક, અને મઠમાં અંકુશમાં રાખનારાં હતાં. પરંતુ પોતાના આ સ્થાન વિષે કદી તેમણે દેખાડો કર્યો નથી. કેવળ પોતાના માતૃભાવપૂર્ણ પ્રેમથી જ તેઓ મઠને માર્ગદર્શન શાંતિથી આપતાં રહ્યાં.

પોતાના ભક્તોને એક વાર શ્રીમાએ કહ્યું, ‘તમે તમારો આધ્યાત્મિક અભ્યાસ કરો કે ન કરો, એટલું યાદ રાખજો સર્વદા તમારી સાથે જ છું. હું તમારી માતા છું, અને હું કદી તમને છોડી જઈશ નહિ.’

એક ભક્ત એક વખત શ્રીમા પાસે આવ્યો અને બોલ્યો. ‘માતા, મારી આધ્યાત્મિક સાધનામાં હું કશી પ્રગતિ કરી રહ્યો છું કે નહિ તેનો નિશ્ચય કરી શકતો નથી.’

શ્રીમાએ તેને કહ્યું, ‘દીકરા એક પથારીમાં સૂતેલી વ્યક્તિની કલ્પના કર. શું તેને એ રીતે સૂતાં સૂતાં જ બીજી ઓરડીમાં ઉઠાવી જવામાં આવે, તો શું તે કદી જાણી શકશે કે એ ત્યાં કઈ રીતે પહોંચી? એ તો જ્યારે તે ઊંઘમાંથી જાગશે ત્યારે જ તેને ખબર પડશે. તારો કિસ્સો પણ આવો જ છે, દીકરા, અત્યારે તને ખબર નથી પડતી કે તમારો આધ્યાત્મિક વિકાસ થઈ રહ્યો છે કે નહિ, પણ તારી જાગૃતિ વેળા તું તે અવશ્ય જાણી લઈશ. તેમ છતાં, તું તે હંમેશાં યાદ રાખજે કે હું સર્વદા તારી સાથે જ છું, એ ભૂલતો નહિ કે હું તો તારી માતા છું.’ શ્રીમાનાં આવાં પ્રેમાળ વચનો અમ સહુને આશ્વસ્ત કરતાં, હંમેશાં અમને આશા અને ઉત્સાહથી ભરી દેતાં.

શ્રીમાના હૃદયમાં સાધુઓ અને ભક્તો માટેનું સ્થાન એક સરખું જ હતું – બંનેને માટે તેઓને માતૃભાવ હતો, બંને તેમનાં સંતાન હતાં. તેમનો પ્રેમ એટલો વિશાળ હતો કે કોઈ સારો કે કોઈ ખરાબ હોય, કોઈ ગૃહસ્થ હોય કે સર્વસ્વને ત્યાગી દેનાર સાધુ હોય, તેઓ કદી આ પ્રકારે ભેદભાવ કરતાં નહિ. બધાં પ્રત્યેનો તેમનો પ્રેમ એક સમાન હતો.

ગુજરાતી અનુવાદ : ડૉ. સુધા નિખિલ મહેતા

Total Views: 169

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.