રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ ‘Vedanta and the Future of mankind’નો પ્રો. ચંદુભાઈ ઠકરાલે કરેલો ગુજરાતી અનુવાદ ‘વેદાંત અને માનવજાતિનું ભાવિ’ પુસ્તાકારે બહાર પડી ગયો છે. – સં.

૨૫. આજના યુગમાં વેદાન્તનું જીવન-કાર્ય

આપણે ખાવા, પીવા તથા અન્યાન્ય વિષયોપભોગો વડે મજા કરી શકીએ છીએ. આવી મજાનું ઉદ્‌ભવસ્થાન બહાર હોય છે. આ એક સંપૂર્ણ રીતે નક્કર સત્ય છે. આપણે બાળક પાસેથી એવી અપેક્ષા ન રાખી શકીએ કે એ આંતરિક રીતે આવતા આનંદની અનુભૂતિ કરે. બાળક હંમેશાં પોતાનો આનંદ બાહ્ય સંપર્કોથી મેળવે છે. ગીતા એને માટે બાહ્ય-સ્પર્શ એવો શબ્દ યોજે છે. પણ જેમ જેમ બાળકની ઉંમર વધતી જાય છે, અને પરિપક્વ થતું જાય છે, તેમ તેમ એ શીખતું જાય છે, એણે શીખી લેવું જ જોઈએ, કે આનંદ ઇન્દ્રિયોના બાહ્ય-સંપર્કોથી કે આવેગોથી હંમેશાં મેળવી શકાતો નથી, પણ કેટલીક વાર પોતાની અંદરથી મેળવવાનો હોય છે. આ પ્રકારની સમજણ એ પીઢપણાની નિશાની છે. પણ બાળકે પોતાની જાતને અંદરથી ટકાવી રાખવાની છે, બાહ્ય રીતે મળતી કદરદાની અને તાળીઓના ગડગડાટ દ્વારા નહિ. બાળકના વિકાસ માટે આ ખોજ જરૂરી છે. સૌથી મોટા પ્રમાણમાં સંતુષ્ટિ માટે આ પ્રકારનું શિક્ષણ ધીમે ધીમે પણ અડગ રીતે માણસજાતિએ મેળવવું જોઈએ.

માનવજાતિના ઇતિહાસના આ આશ્ચર્યજનક યુગના ગર્ભમાં માનવ વિકાસને લગતી આ સંભાવનાઓ છુપાઈને પડેલી છે; માત્ર ભારતવર્ષના ઇતિહાસમાં જ નહિ; કારણ કે આજે બધા રાષ્ટ્રિય ઇતિહાસો માનવજાતિ માટેની જાગૃતિ અને આંતરરાષ્ટ્રિય માનવવિકાસના એક મહાન તાણાવાણામાં ગૂંથાતા રહે છે. છેલ્લાં ૫૦૦૦ વરસો દરમિયાન આપણો રાષ્ટ્રિય ઇતિહાસ મધ્ય એશિયાના ઇતિહાસ સાથે ગૂંથાયેલો હતો. અત્યારના યુગમાં આપણો ઇતિહાસ સમગ્ર જગત સાથે ગૂંથાયેલો છે. ભારતીય ઇતિહાસનો આ યુગ અને જગતના ઇતિહાસનો આધુનિક યુગ બંનેમાં વિશાળ આધ્યાત્મિક શક્યતાઓ છુપાઈને પડી છે.

એ જગતવ્યાપી સંભાવનાને પ્રકટ કરવામાં સહાયરૂપ થવાનું વેદાન્તનું જીવનકાર્ય છે. જ્યારે આખા જગતના લોકો માણસના દિવ્ય સ્વભાવ અને તેની ઇન્દ્રિયોના એ સ્વભાવને સાકાર કરવાની ક્ષમતાના વેદાન્તના આ મહાન સત્યને સમજવા માંડશે અને એકાદ તસુભાર પણ આગળ વધશે, ત્યારે માણસોને કેવો વિશાળ આધ્યાત્મિક ઊર્જાનો સ્રોત ઉપલબ્ધ થશે! તેથી જ માણસજાતિના ભાવિ વિશે હું આશાવાદી છું, અને આ આશાવાદના પાયામાં હકીકતો અને માનવીય વારસામાં રહેલી આધ્યાત્મિક સમૃદ્ધિ રહેલાં છે, તેમાંના મોટા ભાગ વિશે આપણે જાણતા નથી અને તેમનો ઉપયોગ કર્યો નથી. આધુનિક સમાજોને પીડતા ભયંકર મહારોગો છે અને અસરકારક ઉપચારો પણ છે જ. ઉપચારોનો ઉપયોગ કરો અને તેમની મહારોગો ચાલ્યા જશે. જ્યારે ઘરમાં બાળકને ખૂબ તાવ આવ્યો હોય ત્યારે ઘરનાં બધા સભ્યો ખિન્ન થઈ જાય છે. 

એ સમય આશાવાદી બનવાનો નથી. પણ જ્યારે ડોક્ટર આવે છે અને યોગ્ય દવા કે ઈન્જેક્શન આપે છે અને તાવ ચાલ્યો જાય છે અને બાળક સ્મિત કરે છે, ત્યારે કુટુંબ આશાવાદી બની જાય છે.

એ જ રીતે આજે માનવોને ગંભીર રોગો થાય છે અને વ્યાપક પ્રમાણમાં થાય છે. ક્ષુદ્રતા અને પામરતા, ગરીબી, શોષણ, હિંસા અને ગુનાખોરી. બધાં એક સાથે પ્રસરેલાં છે, ત્યારે આશાવાદી બનવાનો સમય નથી. પણ જ્યારે તમને યોગ્ય બુદ્ધિગમ્ય અને સમજદારીપૂર્ણ ઉપાયો ઉપલબ્ધ થઈ શકે એમ છે; જે જાદુઈ કે ધૂંધળા નથી અને માણસ માટે સર્વત્ર પ્રસ્તુત છે, ત્યારે એમાં આનંદ આવે છે અને આશાનો સંચાર થાય છે. જ્યારે આપણને ખબર પડે છે કે સર્વત્ર વધતી જતી સંખ્યામાં લોકો આ જ ઉપચારોની ખોજમાં છે અને ઊંચી અપેક્ષાઓ સેવી રહ્યા છે ત્યારે આ લાગણીનો પારો ઊંચો ચડતો જાય છે. સાચું કહીએ તો પોતાની અંદર રહેલી સહજ દિવ્યતાના આ વેદાન્તિક સંદેશનો પ્રતિભાવ બધા લોકો આપે છે અને તેને સાકાર કરવા માટે ઘણા લોકો વિવિધ યુક્તિઓ દ્વારા પ્રયોગો કરી રહ્યા છે. ધ્યાન ધરવાનો અર્થ શો છે? એ પ્રશ્ન પૂછો. આજે આ યુક્તિ વિશ્વવ્યાપી બની ગઈ છે. ૫૦ વર્ષ પહેલાં પશ્ચિમના લોકો ધ્યાનમાં બેઠેલા માણસને તુચ્છકારની દૃષ્ટિએ જોવા ટેવાયેલા હતા. તે લોકો તેની સાથે અસ્થિર મગજના અને અસ્વાભાવિક વર્તનવાળા હોય એવું વર્તન કરતા હતા. પણ આજે કોઈ એમ કરતું નથી; ન્યૂયોર્કનો કરોડપતિ, કે દુનિયાદારીમાં ડૂબેલો સામાન્ય માણસ ધ્યાન ને આશ્ચર્યકારક કળા અને પ્રક્રિયા તરીકે તેની સાથે વર્તે છે. ધ્યાનની આ આશ્ચર્યજનક શિસ્તની વિશ્વવ્યાપી રીતે કદર કરવામાં આવે છે, તે હકીકત વેદાન્તના મહાન સત્ય પર ભાર મૂકે છે કે માણસ પોતાની અંદર રહેલા ઊંડા રહસ્યની ખોજમાં ઇન્દ્રિયવિષયક તથા મનોવૈજ્ઞાનિક પરિમાણોને પેલે પાર જઈ રહ્યો છે. આમ કરતી વખતે તેને દૃઢ પ્રતીતિ છે કે સંપૂર્ણ સંતુષ્ટિને ખાતર એનો વિકાસ એ જ એકમાત્ર સાચો માર્ગ છે. શ્રીરામકૃષ્ણદેવ કહેતા કે જ્યારે તમે સપાટી પર તરણ કરો છો ત્યારે તમારા હાથમાં સસ્તાં છીપલાં જ આવે છે; પણ જ્યારે તમે ઊંડી ડૂબકી મારો છો ત્યારે જ તમારા હાથમાં સાચાં મોતી આવે છે. આ જ અર્થનું એક ગીત તેમને ગાવું ગમતું હતું :

‘ઊંડી ડૂબકી માર, ઊંડી ડૂબકી માર, ઊંડી ડૂબકી માર ઓ મારા મન; તારે એ ડૂબકી મારવાની છે સૌન્દર્યના મહાસાગરમાં; તે મહાસાગરમાં તળિયે-ઊંડે-ઊંડે-મહાન રત્ન પડેલાં છે.’

૨૬. ઉપસંહાર

આથી અત્યારે માનવની સ્થિતિ અંધકારભરી અને ખેદજનક છે, તે જાણતો હોવા છતાં હું આશાનો, ઉલ્લાસનો સૂર ઉચ્ચારી શકું છું. માણસનાં આશા અને આત્મવિશ્વાસને ટકાવી રાખનારું પરિબળ માત્ર વેદાન્તનું પ્રાચીન તત્ત્વજ્ઞાન જ નથી, તેમાં આધુનિક તેજસ્વી મહાન ઉપદેશકો – શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદનું યોગદાન પણ છે જ. ‘શ્રીરામકૃષ્ણના જીવનચરિત્ર’માં રોમાંરોલાં વાચકોને તેમનો પરિચય કરાવતાં લખે છે કે તેઓ વૈશ્વિક આત્માની સુંદર સુસંવાદિતા છે. તેઓ લખે છે કે તેમણે અત્યારના યુગમાં વેદાન્તના એ ગતિશીલ અને વૈશ્વિક સ્વપ્નનો દાખલો પૂરો પાડ્યો છે. હા, ભૂતકાળમાં આપણે જે સાધી શક્યા ન હતા તેને આપણે અત્યારના યુગમાં સાધી શકીએ છીએ. આથી જ આપણે એવી પ્રતીતિ સાથે ઘરે જઈ શકીએ એમ છીએ કે જો કે આપણી આસપાસ બધું ઉદાસીનતાવાળું છે, પણ તે બધું કાંઈ કાયમ માટે ચાલુ રહેવાનું નથી. મધ્યરાત્રિએ ગાઢ અંધકાર હોય છે, થોડા કલાક પછી ઉષાના આગમન સાથે આકાશ ગુલાબી રંગ ધારણ કરી લે છે; અને તરત જ ક્ષિતિજ ઉપર સૂર્યનો ઉદય થાય છે. તે બધા અંધકારને હાંકી કાઢે છે. તેથી જ આજે લાખો નરનારીઓના હૃદયમાંથી બૃહદારણ્યક ઉપનિષદની પ્રાચીન વૈદિક પ્રાર્થના સંભળાય છે. આ પ્રાર્થના હજારો વર્ષ પહેલાં રચાઈ હતી –

અસતો મા સદ્‌ગમય!
તમસો મા જ્યોતિર્ગમય!
મૃત્યોર્માઽમૃતં ગમય!

‘(હે પ્રભુ!) અમને અસત્યમાંથી સત્ય તરફ લઈ જાઓ!

અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાઓ!
મૃત્યુમાંથી અમરતા તરફ લઈ જાઓ!’

હું વરસો વરસ જગતની યાત્રા કરતો ફરું છું અને માણસના હૃદયમાં રહેલા દિવ્ય તત્ત્વના વેદાન્તિક સંદેશનો પડઘો પાડતા હોય એવા લોકોના થોડાક ભાગના સંપર્કમાં આવું છું. રશિયાના હાડોહાડ બિનસાંપ્રદાયિક રાજ્યમાં પણ હું જ્યારે ૧૯૭૭ના ઓક્ટોબરમાં પ્રવચન કરતો હતો ત્યારે તેમણે પોતે જ મારા વ્યાખ્યાનનો વિષય નક્કી કર્યો હતો – ‘સ્વામી વિવેકાનંદ : તેમનો માનવતાવાદ’. એ વખતે મેં જોયું કે મોસ્કોની યુનિવર્સિટીના પ્રાધ્યાપકો, સંશોધનકર્તા, વિદ્વાનો અને વિદ્યાર્થીઓ હૃદયપૂર્વક આ સંદેશનો પડઘો પાડતા હતા, પોતાની હૃદયપૂર્વકની પ્રતિક્રિયા વ્યક્ત કરતા હતા. કેટલાકને એ વિચાર જ આશ્ચર્યજનક લાગતો હતો કે માણસના બંધારણમાં જ એક જોરદાર દિવ્ય પરિમાણ રહેલું છે. પ્રશ્નોત્તરીના સમય દરમિયાન એક પ્રાધ્યાપકે તો કહ્યું પણ ખરું ‘હા’, એ વિચાર જ આશ્ચર્યકારક અને મંત્રમુગ્ધ કરી દે તેવો છે; કૃપા કરીને અમને તેના વિશે વધારે કહો.’ અને તેના વિશે વધારે સમજૂતી આપવામાં જ મેં મારી પ્રશ્નોત્તરી બેઠકનો મોટો ભાગ વ્યતીત કર્યો. શિકાગોની ધર્મસભા અને તે પછી સ્વામી વિવેકાનંદનાં પ્રવચનોનો આ જ મધ્યવર્તી વિષય હતો એવું પ્રતિપાદન કરતાં ‘સ્વામી વિવેકાનંદનું જીવનચરિત્ર’ (લાઈફ ઓફ સ્વામી વિવેકાનંદ) નામક પોતાના ગ્રંથમાં રોમારોલાં કહે છે (પૃ. ૪૨) :

‘દેશ કાળની મર્યાદાથી રહિત એવા વૈશ્વિક ધર્મ વિશેના પોતાના સિદ્ધાંતની રજૂઆત તેઓ નવી નવી દલીલો દ્વારા, પણ દૃઢપ્રતીતિની એકસરખી તાકાતથી કરતા હતા. તેમના વક્તવ્યમાં સમગ્ર માનવીય આત્માના સિદ્ધાન્તનો સુયોગ પ્રકટ થતો હતો. એ પ્રતિપાદનમાં ગુલામીમાં સબડતા અને બુદ્ધિમાં ન ઊતરે એવા જંગલી માણસની જીવનસરણીથી માંડીને આધુનિક વિજ્ઞાને સ્વીકારેલાં રચનાત્મક અને ઔદાર્યપૂર્ણ સત્યોનો સમાવેશ થઈ જતો હતો. તેમણે તે બધાંનો એક અદ્‌ભુત સમન્વય કર્યો હતો. એ સમન્વયની પ્રક્રિયામાં એકાદાની આશાપર ઠંડું પાણી રેડી દેવાની વાત તો દૂર રહી, બધા લોકોની તેમની સ્વભાવિક પ્રકૃતિ અનુસાર કરવામાં આવતી આશાઓને વિકસવા અને સમૃદ્ધ થવામાં મદદરૂપ થવાનો ધ્વનિ સંભળાતો રહેતો હતો. તેમાં બીજા કોઈ સિદ્ધાંતને સ્થાન ન હતું, તેમાં તો પ્રતિપાદન હતું માણસમાં રહેલી સહજ દિવ્યતાનું અને તેમાં રહેલ અનન્ત ક્ષમતાની ઉત્ક્રાંતિનું.’

આ રીતે વેદાન્ત શારીરિક રીતે સશક્ત, માનસિક રીતે સતર્ક અને સંવેદનશીલ તથા અધ્યાત્મિક રીતે એકતાનો અનુભવ કરતી માનવતાના વિકાસમાં મદદરૂપ થશે તે દિવસ આપણા માટે અને દુનિયાના બાકીના ભાગો માટે ધન્ય બની રહેશે અને તે ધ્યેયને માટે કામ કરવું એ આનંદનો વિષય છે! નમસ્તે.

Total Views: 143

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.