રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજે ૧૯૯૮ની ૮મી ફેબ્રુઆરીએ બેલુર મઠમાં યોજાયેલ ભક્ત સંમેલનમાં આપેલ સમાપન સમારંભના વાર્તાલાપનો શ્રી દુષ્યંત પંડ્યાએ કરેલ ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. – સં.

આ શતાબ્દિ પ્રસંગે બે મહાન ઘટનાઓની ઉજવણી કરવામાં આવી છે: એક, પશ્ચિમમાં પોતાના પ્રભાવક કાર્ય પછી સ્વામી વિવેકાનંદનું ભારતમાં પુનરાગમન તથા રાષ્ટ્રને પોતાની ઘોર નિદ્રામાંથી જગાડવા માટે, કોલંબોથી લાહોર અને આલમોડા સુધી એમણે આપેલાં બળપ્રદ પ્રવચનો; બે, શ્રીરામકૃષ્ણના સંન્યાસી તથા ગૃહસ્થ ભક્તોએ સાથે મળી કરેલું રામકૃષ્ણ મિશનનું મંડાણ. આખા ભારતમાંથી અને કલકત્તાના વિવિધ ભાગમાંથી ભક્તો બેલુર મઠમાં એકત્ર થાય છે. આ મહાન ઐતિહાસિક ઘટના છે કારણ કે, આટલી મોટી સંખ્યામાં તમે સૌ સાથે મળીને, ખાસ કરીને ભારતમાં તેમજ બાકીના સમગ્ર વિશ્વમાં માનવ વિકાસના પ્રશ્નો ચર્ચો છો. વક્તાઓ પાસેથી પૂજ્ય શારદામાની મહત્તા વિશે આપણે સાંભળ્યું છે અને આ અંતિમ સત્રમાં, આંતર મનુષ્ય સંબંધના ઉત્તમ સાધન તરીકે સેવાધર્મ વિશે આપણે ચર્ચા કરી રહ્યા હતા.

પારસ્પરિક સંબંધોથી મનુષ્યો બેમાંથી એક રીતે એકમેક સાથે જોડાઈ શકે; બીજાનું શોષણ કરીને કે સેવા કરીને. સમાજ સુગ્રથિત હોઈને, આપણને એકબીજા વગર ચાલવાનું જ નથી. માનવ વિકાસને અગાઉને તબક્કે, ફ્રેંચ ચિંતક રુસોના સામાજિક કરાર બાબતના રુસોના કથનનું ખંડન કરીને, જર્મન ફિલસુફ નિત્‌શે જેવાઓએ લોકોત્તર મનુષ્યની વાત કરી હતી. એણે કહ્યું હતું કે, પહાડી પ્રદેશથી ઊતરી આવી, અતિમાનવો મેદાની પ્રદેશોમાં રહેતાં સામાન્ય લોકોને પકડી, તેમને દાસ બનાવી તેમનું શોષણ કરવાથી સમાજનો આરંભ થયો. (રુસોએ કહ્યા મુજબ) સોશિયલ કોન્ટ્રેક્ટ મારફત નહીં પણ, આ રીતે સમાજનો આરંભ થયો હતો. એણે બળની ભાષા વાપરી હતી. એણે કહેલું કે અતિમાનવ-‘સુપરમેન’-હિંસાના કાર્યમાં અને ભપકામાં પ્રગટે છે.

બીજી બાજુ સેવા છે. સમાજમાં અનેક લોકોના સુગ્રથનની જરૂર પડે છે અને એ સહકાર અને સેવા દ્વારા શક્ય બને છે. ગીતાના ત્રીજા અધ્યાયમાં શ્રીકૃષ્ણ કહે છે કે, ‘એક બીજાને ચાહીને અને એકબીજાની સેવા કરીને આપણે ઉત્તમ માનવવિકાસ સાધી શકીશું.’ અર્થાત્ આપણે અહીં એકમેકની સેવા માટે આવ્યાં છીએ. આવા સદ્વિચારો પાંચ હજાર વરસથી આપણી પાસે છે. પણ દુર્ભાગ્ય એ છે કે આપણે એમનો અમલ કરતા નથી. જે સમાજમાં લોકો પરસ્પરની સેવા કરતા હોય એવો આપણો સમાજ નથી. આપણી પ્રજાના મોટા ભાગનું આપણે શોષણ કર્યું છે. આપણા ઉપલા વર્ગોને હાથે થતા નીચલા વર્ગોનું ભયંકર શોષણ જોઈને પોતાના પરિવ્રાજક કાળમાં, સ્વામીજીને ખૂબ દુ:ખ થયું હતું. અમેરિકાથી લખેલા પોતાના એક પત્રમાં તેમણે લખ્યું હતું:

‘તમને સ્વપ્ને પણ ભાગ્યે જ ખ્યાલ આવશે કે, યુગોના માનસિક, નૈતિક અને શારીરિક ત્રાસે દેવ (અર્થાત્, માનવી)ની મૂર્તિને ભાર ઊંચકનાર પ્રાણી અને દેવી (અર્થાત્, સ્ત્રી)ને બાળકો જણતી ગુલામડી બનાવી મૂકેલ છે તથા જીવનને પોતાને શાપરૂપ બનાવી દીધેલ છે.’

આ શાપમાંથી તેમની મુક્તિ આપણા લોકતાંત્રિક બંધારણ વડે અને તેના ધીમા, અતિ ધીમા અમલ વડે સધાઈ રહી છે.

ચાર હજાર વર્ષો પૂર્વે આપણા સંતોએ ઉપનિષદોમાં માનવ વિશેષતાનું સૌથી મોટું પરિમાણ શોધી કાઢ્યું હતું, એ હતું વિશ્વના અને મનુષ્યના મૂળને પામવાની શક્તિ, જેને એમણે બ્રહ્મ નામ આપ્યું હતું, એ અનંત, અદ્વિતીય ચેતના છે: સત્યમ્ જ્ઞાનમ્ અનન્તમ્ બ્રહ્મ. બૃહદારણ્યક ઉપનિષદની પોતાની ટીકામાં શંકરાચાર્યે કહ્યા પ્રમાણે, ‘આ સત્ય ઉપનિષદોમાં જ સાંપડે છે, બીજે ક્યાંય નહીં – ઉપનિષત્વેવ વિજ્ઞોયતે ન અન્યથા — મનુષ્ય પાસે જગતને સમજવાની જ શક્તિ છે એમ નહીં પણ, વિશ્વના અને મનુષ્યના આત્મા તરીકે બ્રહ્મને જાણવાની જૈવિક શક્તિ છે. ઉપનિષદોએ વિકસાવેલા ગહન માનવ વિજ્ઞાનનો એ વિશિષ્ટ બોધ છે. શ્રીમદ્ ભાગવતમાં એક સુંદર વાક્યખંડમાં આ સત્ય દોહરાવાયું છે: બ્રહ્મલોક દ્વિષનમ્ — ‘બ્રહ્મનો સાક્ષાત્કાર કરવા સમર્થ.’ ઉત્ક્રાંતિ વ્યાપારે મનુષ્યરૂપ પેદા કર્યું તેથી, આ ઉત્ક્રાંતિ નીપજમાં પોતે પોતાને પુન: પ્રાપ્ત કરી શકશે તે જાણી બ્રહ્મને ખૂબ આનંદ થયો. બીજી કોઈ યોનિ પાસે આ શક્તિ નથી. કેવો તો અદ્‌ભુત વિચાર છે આ! અર્વાચીન પાશ્ચાત્ય વિજ્ઞાને શોધેલ માનવ વિશિષ્ટતાને ઉપનિષદોના આપણા વેદાન્તના તત્ત્વજ્ઞાને શોધેલી આ માનવ વિશિષ્ટતા ખૂબ ઊંચે લઈ જાય છે. આજનું જગત આ બીજી વિશિષ્ટતાની ખોજ કરે છે.

રામકૃષ્ણ-વિવેકાનંદ વિચારધારામાં માનવ-વિશિષ્ટતા પ્રત્યેના આ ભારતીય અભિગમની છણાવટ તમને જોવા મળશે. બૃહદારણ્યક ઉપનિષદમાં જણાવ્યા પ્રમાણે, આ સત્યસ્ય સત્યમ્ — બધાં સત્યોના સત્ય – નો સાક્ષાત્કાર આ જ જીવનમાં ત્યાગ અને સેવાના માર્ગે પ્રત્યેક માનવી કરી શકે છે. એ માટે સ્વર્ગે જવાની જરૂર નથી. આજના યુગમાં શ્રીરામકૃષ્ણે આ બાબત પર ભાર મૂકતાં કહ્યું હતું: ‘જેખાને, જેખાને, જ્ઞાન શેખાને, શેખાને, અજ્ઞાન — (જ્યાં, જ્યાં જ્ઞાન છે; ત્યાં, ત્યાં અજ્ઞાન છે.)

શ્રીરામકૃષ્ણની ઘોષણા ગીતા (૧૮.૪૬)માં આ રહી:

યત: પ્રવૃત્તિર્ભૂતાનાં યેન સર્વમિદં તતમ્ ।
સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિં વિન્દતિ માનવ : ॥

‘જેમાંથી આ બધાં ભૂતો ઉત્પન્ન થયાં છે, જે સમસ્ત વિશ્વમાં વ્યાપ્ત છે તેની પૂજાઅર્ચના પોતાનાં કર્મો વડે કરીને માનવ આધ્યાત્મિક સિદ્ધિ પામે છે.’ આ બ્રહ્મ કશું દૂરનું તત્ત્વ નથી પણ, સૌનું અંતર્યામી છે તેથી, આ શક્ય બને છે. શ્રીમદ્ ભાગવતના સાતમા સ્કંધમાં, પોતાના સહપાઠીઓને પાંચ વર્ષનો પ્રહ્‌લાદ આપે છે તે બોધમાં આ જ વાત પર ભાર દેવાયો છે: (૭.૬.૧૯)

ન હ્યચ્યુતં પ્રીણયતો બહ્વાયાસોઽસુરાત્મજા : ।
આત્મત્વાત્ સર્વભૂતાનાં સિદ્ધત્વાદિહ સર્વત : ॥

‘હે અસુર સંતાનો, અચ્યુતની પ્રીતિ પ્રાપ્ત કરવા માટે બહુ આયાસ કરવાની જરૂર નથી કારણ કે, એ જ સર્વભૂતોનો અંતરાત્મા છે અને સર્વત્ર સિદ્ધ થયેલ છે.’ કેવો તો અદ્‌ભુત બોધ છે! અહીં વેદાન્ત વ્યાવહારુ બને છે. ધર્મને નામે આપણે સદીઓ સુધી માનવીને હડધૂત કરતાં હતાં એ મોટું દુર્ભાગ્ય છે. ધર્મને નામે આપણે વળી માનવીનું શોષણ પણ કરતાં હતાં. પરંતુ, આજે હવે ભારતમાં પહેલી વાર શાંત સામાજિક ક્રાંતિ ગતિમાન છે. આજ દી પછીથી, શ્રીરામકૃષ્ણ, સ્વામી વિવેકાનંદ અને પૂજ્ય મા શારદાદેવીનાં જીવનથી પ્રમાણિત થયેલાં અને દૃષ્ટાંતરૂપે રજૂ કરાયેલાં વેદાન્તમાં આ ચિંતનો સમાજમાં પ્રસરશે ત્યારે, ત્યાગ અને સેવા મનુષ્યોનું સ્વાભાવિક લક્ષણ બનશે. આંતર માનવ સંબંધનું ઉત્તમ સ્વરૂપ સેવા છે: ‘હું તમારે માટે શું કરી શકું? તમને શી સહાય કરી શકું?’ અપવાદરૂપ વ્યક્તિઓને બાદ કરતાં ભારતમાં અગાઉ આ કદી બન્યું ન હતું. પશ્ચિમમાં પરિસ્થિતિ વધારે સારી હતી પણ, તે માત્ર ધર્મનિરપેક્ષ પરિમાણમાં. હવે, વિવેકાનંદના વ્યવહાર્ય વેદાન્તે એને આધ્યાત્મિક પરિમાણ આપ્યું છે. સારી રીતે કરેલા કર્મ વડે સેવા કરીને તમે સમાજને તો સમૃદ્ધ કરો છો જ પણ તેથી વિશેષે તમે તમારા આધ્યાત્મિક સ્વભાવને પામો છો. ગીતાના બીજા અધ્યાયમાં આપેલી યોગની વ્યાખ્યા આ છે: યોગ: કર્મસુ કૌશલમ્ — ‘યોગ એટલે કર્મમાં કુશલતા.’

આત્મવત્ સર્વભૂતાનામ્ — એમ ભાગવત કહે છે. આપણે એક છીએ; તમે એને હું ભિન્ન નથી. તમારામાં અને મારામાં એક જ આત્મા વસે છે. કેવા અદ્‌ભુત શબ્દો છે! આ શબ્દો વેદાન્તનો વ્યવહારમાં અમલ રજૂ કરે છે. એ ત્યાં હતો જ પણ, આપણે એનો અમલ કદી જ કર્યો ન હતો. પરિણામે હજાર વર્ષોની ગુલામી અને બધી જાતની રાષ્ટ્રિય આપત્તિ આવી પડી. માત્ર ભક્તો નહીં, મંદિરમાંના ભગવાન પણ વિદેશી વિજેતાઓ વડે ગુલામ બનાવાયા હતા. આવું ફરી બનવા દેવું જોઈએ નહીં એ સ્વામી વિવેકાનંદના નીચેના અવતરણથી જાણવા મળે છે: ‘આવતાં પચાસ વર્ષો સુધી આપણો ધ્યાનમંત્ર એક જ રહેશે, આ આપણી મહાન માતૃભૂમિ.’ કોલંબોથી આલમોડા સુધીનાં સ્વામીજીનાં પ્રવચનોએ ભારતને આ જ સંદેશ આપ્યો હતો. એ ઘડી પછીથી, ત્યાગ અને સેવાની આ ભાવનાએ આપણા સમાજમાં પ્રવેશ કર્યો અને બરાબર પચાસ વર્ષે આપણને એણે રાજકીય સ્વાતંત્ર્ય આણી આપ્યું. પરંતુ એ આપણું રાષ્ટ્રિય દુર્ભાગ્ય છે કે, સ્વતંત્રતા પ્રાપ્તિ પછી, માનવ ઘડતરના, રાષ્ટ્ર ઘડતરના અને સેવાના વિવેકાનંદના સંદેશને આપણે વીસરી ગયા. રાષ્ટ્રિય તખ્તા પર ફરીથી શોષણ આવ્યું, સત્તાનો અને, વહીવટી તથા રાજકીય લાભનો શોખ આવ્યો અને, બધા પ્રકારનો સડો તથા મૂલ્યહ્રાસ વ્યાપી ગયાં, માનવ વિકાસ રુંધાયો, રાષ્ટ્રિય ભાવિ આગળ પ્રશ્ન ચિહ્ન આવી ગયું અને રાષ્ટ્રિય પતન વાસ્તવિકતા બની ગયું. આમ આજે આપણે ખરાબ સંજોગોમાં છીએ. માનવ જીવન અને રાષ્ટ્રિય મિલકતનો નાશ કરતી હિંસક અને બોમ્બ સંસ્કૃતિ આજે વિકસી રહી છે. પણ આ પાસું અલ્પજીવી છે તે આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. રાષ્ટ્રિય શક્તિ અને વિકાસ વૃદ્ધિગત કરતી નવી બોમ્બ સંસ્કૃતિનો આપણે આરંભ કરવાનો છે. મારા અનેક વાર કહ્યા પ્રમાણે, વિવેકાનંદનું સાહિત્ય લોકો પર વેદાન્તના વિચાર બોમ્બો ફેંકશે. ફરી આ બધા બોમ્બ આપણી પ્રજાના મગજમાં જે કંઈ ક્ષૂદ્ર અને નાનું છે તેનો નાશ કરશે અને, માનવ અભ્યુદયના તથા રાષ્ટ્રિય વિકાસના વાહક તેમને બનાવશે. ભારતમાં લાખો લોકોને આ વેદાન્તી ધડાકાઓમાંથી પસાર થવાની જરૂર છે જેથી એમના મનહૃદય પરિવર્તિત થાય અને, એ સૌ ત્યાગ અને સેવાની ભાવના ઝીલી શકે; વિવેકાનંદે કહ્યા પ્રમાણે એ બંને ભારતના રાષ્ટ્રિય આદર્શો છે.

સેવાધર્મની આ અદ્‌ભુત ભાવના સમગ્ર સમાજમાં ફેલાવી જોઈએ. સમાજ મૂલ્ય આધારિત દિશા ભણી મોઢું ફેરવશે એટલે, રાજકારણ અને વહીવટ પણ એ દિશા ભણી જશે. રાજકારણ સામાજિક પરિબળોનું રમકડું છે. આજ સુધી એ સત્તા અને સમૃદ્ધિનું રાજકારણ હતું. ત્યાં માનવીય પ્રેમ અને સેવાનું રાજકારણ ન હતું. ચારિત્ર્ય ઘડતરના આ સુંદર વિચારોથી દેશ પરિચિત થશે ત્યારે, સમસ્ત ભારત પરિવર્તન પામશે. એટલે એ માટે આપણે નાસીપાસ થવાની જરૂર નથી. ઘણા રોગો આપણા રાષ્ટ્રને પીડી રહ્યા છે; પણ આપણી પાસે ઇલાજો પણ છે. પરંપરાગત વેદાન્ત બોધમાં જ એ સમાયેલા છે એટલું જ નહીં પણ, શ્રીરામકૃષ્ણ, સ્વામી વિવેકાનંદ અને શ્રીમા શારદાદેવીનાં જીવન અને બોધમાંથી પણ એ સાંપડે છે. જીવનને અને કાર્યને આવરી લેતું એ તત્ત્વદર્શન છે અને, જ્ઞાતિ, ધર્મ કે જાતિના ભેદભાવ વગર એનો વિનિયોગ કરવામાં આવ્યો છે. મનુષ્યોની દિવ્ય સ્ફુલિંગો તરીકેની સેવા પર એનો ભાર છે.

અત્યાર સુધી ધર્મને નામે આપણે અચલ દયા કરતા હતા જે, ઘણી વાર માનવતા વિરોધી હતી. હવે આપણી પાસે ઊંડી માનવતાથી પૂર્ણ ગતિશીલ આધ્યાત્મિકતાનો વિવેકાનંદનો સંદેશ છે. ધાર્મિક થવું સરળ છે. શરીરે ભસ્મ લગાડીએ, ગળે ક્રોસ લટકાવીએ કે માથે ટોપી પહેરીએ એટલે ધાર્મિક થઈ ગયા. પણ આધ્યાત્મિક થવા માટે આપણે આધ્યાત્મિક વિકાસ સાધવો જોઈએ. ભીતર અધ્યાત્મનો આવિષ્કાર કરવો જોઈએ અને, મૂલ્ય આધારિત જીવન તથા ચારિત્ર્ય વિકાસનો આરંભ કરવો જોઈએ. આપણી શક્તિ અને આપણા જીવન સંજોગો અનુસાર મનુષ્યજાતની સેવા દ્વારા ભીતર અધ્યાત્મનો આવિષ્કાર કરવો જોઈએ. જનીન કક્ષાથી પરનો આ માનવ વિકાસ છે, આત્મ વિકાસ છે. સ્વામીજીએ કહ્યું છે કે, ‘બધો વિકાસ જીવન છે, બધી સંકોચ – શીલતા મૃત્યુ છે.’ વ્યવહારુ વેદાન્તના વિવેકાનંદના બોધ દ્વારા લોકો આ આત્મવિકાસ શીખશે. પોતાના આ વેદાન્તી સંદેશને સ્વામીજીએ એક સૂત્રમાં મૂક્યો હતો: ‘થાઓ અને કરો; તમે જાતે માણસ થાઓ અને, બીજાંઓને માણસ થવામાં મદદ કરો.’

સમાજના ભિન્ન ભિન્ન પ્રશ્નો હલ કરવામાં આ વેદાન્ત ફિલસૂફી લાગુ કરાતાં, ભારતમાં જે મહાન વિકાસ સધાશે તે નિહાળી જગત સ્તબ્ધ થઈ જશે એમ વિવેકાનંદે ભાખ્યું હતું. આવતી સદીમાં આપણે આ જોશું. ભારતના જુદા જુદા પ્રદેશોમાંથી અહીં આવેલા ભક્તો માટે માનવ ઘડતરના અને રાષ્ટ્રઘડતરના આ વિચારો લોકો સુધી લઈ જવાનું સાધન બનવા કરતાં વધારે સારું બીજું કશું નથી.

ભવિષ્ય આપણી સામે છે. આજે આપણને નિરાશ કરે તેવું જે કાંઈ છે તે પુનર્નિર્માણની પ્રક્રિયામાં પરિવર્તન પામશે.અત્યાર સુધી તો મોટે ભાગે અધોગતિ જ જોવા મળે છે. કેટલાંક આર્થિક અને ઔદ્યોગિક વિકાસ સધાયો છે. પરંતુ, વાસ્તવમાં, લોકો વધારે સ્વાર્થી બન્યા છે, વધારે દુષ્ટ બન્યા છે, વધારે હિંસક બન્યા છે. પરંતુ, હવે પોતાના નૈતિક અધ:પતનનું ભાન રાષ્ટ્રને થયું છે અને પુનર્નિર્માણની પ્રક્રિયા આરંભાઈ ચૂકી છે.

આ એક વર્ષ દરમિયાન વિવેકાનંદ સાહિત્યનો ખૂબ ફેલાવો થયો છે. તમને મેં કહ્યા પ્રમાણે એમાં વેદાન્તના વિચાર-બોમ પડ્યા છે. જે કંઈ ક્ષુલ્લક છે અને નાનું છે તે, જ્ઞાતિવાદ અને કોમવાદના બધા સંઘર્ષોને તે બાળી નાખતો અને ચારિત્ર્ય ઉત્કૃષ્ટતાના તથા રાષ્ટ્રિય એકતાના વિકાસમાં તે સહાય કરશે. અનેક ચિંતકોને મતે વિવેકાનંદ સાહિત્યની એ શક્તિ છે. પોતાના પુસ્તક લાઈફ ઑફ વિવેકાનંદની પ્રસ્તાવનામાં રોમાં રોલાંએ કહ્યું છે કે :

‘વિવેકાનંદના શબ્દો મહાન સંગીત છે. બિથોવનની શૈલીના શબ્દસમૂહો છે. હેન્ડેલનાં સમૂહગાનની માફક સમન્વિત તાલબદ્ધ ગતિ છે. વિવિધ ગ્રંથોમાં ત્રીસ વર્ષને અંતરે ઘેરાયેલા એમના શબ્દોને હું સ્પર્શ કરું છું ત્યારે, મારા દેહમાં વીજળીના ઝાટકા જેવો ઝાટકો લાગ્યા વિના નથી રહેતો. અને એ વીરને મુખેથી એ શબ્દો સર્યા હશે ત્યારે એ અગ્નિ ઝરતી વાણીએ એના શ્રોતાઓને કેવા આંચકા આપ્યા હશે, કેવા આનંદના હિલોળે ચડાવ્યા હશે!’ જવાહરલાલ નહેરુએ પોતાના ડિસ્કવરી ઑફ ઇન્ડિયામાં કહ્યું છે કે :

‘ભારતના ભૂતકાળમાં દૃઢમૂલ અને એના વારસા માટે ગૌરવાન્વિત હોવા છતાં જીવનના પ્રશ્નો પ્રત્યેના પોતાના અભિગમમાં વિવેકાનંદ અર્વાચીન હતા; ભારતના અતીત અને વર્તમાનને સાંકળતા સેતુ સમાન એ હતા.’

અર્વાચીન સમયમાં આપણે નવીન ભારત જોશું, જેને આપણે સત્યયુગ કહીશું. શ્રીરામકૃષ્ણના જન્મથી એ આરંભાયો છે. પણ સત્ય યુગ સીધો ચાલી નથી આવતો. લાખ્ખો લોકોએ શ્રીરામકૃષ્ણનો સંદેશ ઝીલવો પડશે. અને એ પ્રક્રિયા ચાલી રહી છે. બંગાળના ક્રાંતિકારી મુસ્લિમ કવિ જન્નત નશીત કાઝી નસરુલ ઈસ્લામે શ્રીરામકૃષ્ણ પરના પોતાના બંગાળી ગીતમાં ગાયું છે :

‘સત્યયુગેર પુણ્યસ્મૃતિ આનિબે કલિતે, તુમિ તાપસ.’

‘હે તપસ્વી! આ કળિયુગમાં તમે અન્યયુગની પુણ્ય સ્મૃતિ આણી છે.’

તમારે અને મારે આ સંદેશ લોકોમાં ફેલાવવા માટે સતત મથવું જોઈએ. તો જ સત્યયુગ વાસ્તવ બનશે. એટલે, આ સંમેલનમાંથી તમે છૂટાં પડો ત્યારે, માનવ પુનર્નિર્માણનું આ કાર્ય શાંતિપૂર્વક કરવાનું ચાલુ રાખશો. આ જવાબદારી સ્વામીજીએ આપણી ઉપર નાખી છે. શ્રીરામકૃષ્ણદેવ, પૂજ્ય શ્રીમા સારદાદેવી અને સ્વામી વિવેકાનંદ પ્રત્યે માન અને આદર દર્શાવવાનો એ માર્ગ છે.

સૌનો આભાર માનું છું.

Total Views: 130

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.