‘પરંતુ જો કોઈ માણસ આ ભારતમાં ‘ખાઓ, પીઓ અને મોજ કરો’નો આદર્શ શીખવવા માગે,  જો કોઈ માણસ આ ભૌતિક જગતને ખુદ ઈશ્વરમાં ફેરવી નાખવા તૈયાર થાય, તો જાણજો કે એ જૂઠો છે ! આ પવિત્રભૂમિમાં એને માટે સ્થાન જ નથી. ભારતીય માનસ એને લેશ પણ સાંભળવા માગતું નથી. અરે ! પાશ્ચાત્ય સંસ્કૃતિના ચમકારા અને ઝળહળાટ ગમે તેટલા હોય, તેની સફાઈ અને શક્તિનું અતિ અદ્ભુત પ્રદર્શન હોય, તે છતાં આ વ્યાસપીઠ ઉપર ઊભો રહી હું તેમને ચોખ્ખું સંભળાવી દઉં છું કે તેમનું એ બધું ધુમાડાના બાચકા જેવું છે, વ્યર્થ છે. કેવળ એક ઈશ્વર જ શાશ્વત છે, કેવળ એક આત્મા જ શાશ્વત છે, કેવળ એક આધ્યાત્મિકતા જ શાશ્વત છે. એને વળગી રહો.’

‘છતાં કદાચ આપણી પોતાની આવશ્યકતા પ્રમાણે કંઈક ઓછો ઉગ્ર ભૌતિકવાદ, આપણા જે અનેક ભાઈઓ હજી સર્વોચ્ચ સત્યોને માટે પરિપક્વ થયેલા નથી, તેમને આશીર્વાદ રૂપ થઈ પડે… આપણા શાસ્ત્રગ્રંથોમાં એવાઓને માટે પુષ્કળ સગવડો રાખવામાં આવી છે. પરંતુ દુર્ભાગ્યે પાછળના કાળમાં એક એવું વલણ આવી ગયેલું છે, કે જે નિયમો માત્ર સંન્યાસી માટેના જ છે, તેમનાથી સૌ કોઈને બાંધવા; અને એ એક બહુ મોટી ભૂલ થઈ છે. એ જો ન થયું હોત તો ભારતમાં તમે જે મોટા પ્રમાણમાં દારિદ્ર અને દુ:ખ દેખી રહ્યા છો તે આવ્યાં જ ન હોત. બિચારા ગરીબ માણસનું જીવન, એને માટેના બિનજરૂરી અને ભારેખમ એવા આધ્યાત્મિક અને નૈતિક નિયમોના બંધનોથી ઘેરાઈ પડ્યું છે, જકડાઈ રહ્યું છે. એમને છૂટ આપો ! બાપડા ગરીબને જરાક આનંદ કરવા દ્યો ! ત્યાર પછી એ પોતાને ઊંચે લાવશે અને ત્યાગ પણ આપોઆપ એની પાસે આવશે. આ બાબતમાં કદાચ પાશ્ચાત્ય લોકો પાસેથી આપણે થોડુંક શીખી પણ શકીએ. માત્ર, આ બાબતો શીખવામાં આપણે અતિશય સાવચેત રહેવાનું છે. મારે દિલગીરી સાથે કહેવું પડે છે કે  પાશ્ચાત્ય વિચારોને અપનાવેલ માણસોનાં આજકાલ મળતાં ઉદાહરણોમાંથી મોટા ભાગનાં ઓછેવત્તે અંશે નિષ્ફળ જ નીવડેલાં દેખાય છે.’

‘સાચા હિંદુના ચારિત્ર્યનું રહસ્ય, પોતાના યુરોપીય વિજ્ઞાનોને અને વિદ્યાઓને, પોતાની સંપત્તિ, મોભા અને કીર્તિને, દરેક હિંદુને જન્મજાત મળેલી એક મુખ્ય ભાવના જે આધ્યાત્મિકતા અને પ્રજાની વિશુદ્ધિ છે, તેની પાસે ગૌણ બનાવવામાં છે… પરંતુ ધ્યાનમાં રાખજો કે જો તમે એ આધ્યાત્મિકતાને છોડી દેશો, પશ્ચિમની ભૌતિકવાદી સંસ્કૃતિની પાછળ દોડવા જતાં એને તરછોડી દેશો, તો પરિણામ એ આવશે કે ત્રણ પેઢીની અંદર, તમે એક પ્રજા તરીકે પૃથ્વીના પટ પરથી ભૂંસાઈ જશો; કારણ કે જે પ્રજાનો મેરુદંડ ભાંગી ગયો હોય, જે પાયા ઉપર રાષ્ટ્રિય ઈમારતનું ચણતર થયેલું હોય તે પાયા જો મૂળમાંથી ખોરાઈને પોલા પડી ગયા હોય, તો પરિણામે એ પ્રજાનો સાર્વત્રિક વિનાશ થાય છે.’…‘એટલા માટે, મારા બંધુઓ ! એમાંથી બહાર નીકળવાનો રસ્તો એ છે કે આપણા પ્રાચીન પૂર્વજો પાસેથી પરંપરા દ્વારા આપણને સોંપાયા કરતી એ અમૂલ્ય ભેટ રૂપી આધ્યાત્મિકતાને આપણે મજબૂત રીતે પકડી રાખવી જોઈએ… એટલા માટે આધ્યાત્મિકતામાં તમને શ્રદ્ધા હો યા ન હો, પરંતુ રાષ્ટ્રિય જીવન ખાતર તમારે આધ્યાત્મિકતાને એક હાથે પકડી જ રાખવાની છે, તેને વળગી જ રહેવાનું છે. ત્યાર પછી જ બીજો હાથ લાંબો કરીને બીજી પ્રજાઓ પાસેથી મળે તેટલું બધું મેળવો; પરંતુ એ બધું પણ પેલા એક માત્ર જીવનના આદર્શથી નીચી કક્ષાએ જ રાખવાનું છે. એમાંથી જ એ અદ્ભુત, મહિમાવંતુ  ભાવિ ભારત બહાર આવશે; અને મારી તો ખાતરી છે કે પૂર્વે કદીયે હતું તેના કરતાં મહાન ભારત અવતરી રહ્યું છે; પ્રાચીનકાળમાં હતા તે બધા કરતાં વધુ મહાન ઋષિઓ નીકળી આવવાના છે.’

રામનદથી આગળના વિરામસ્થાન પરમકુડી ખાતે બોલતાં તેમણે જણાવ્યું: 

‘અમુક અર્થમાં તો ભૌતિકવાદ ભારતની વહારે ધાયો જ છે, કારણ કે તેણે જિંદગીના દ્વાર સૌને માટે ખુલ્લા મૂકી દીધાં છે, જ્ઞાતિવાદના ખાસ અધિકારોનો વિનાશ કર્યો છે, અને સાવ થોડાએક લોકો પાસે જે અમૂલ્ય ખજાનો પોતે વાપરતા ન હતા છતાં છુપાઈ રહ્યો હતો તે તેમની પાસેથી હવે જાહેરમાં ચર્ચા સારું ખુલ્લો મૂકવામાં આવ્યો છે.’

‘પશ્ચિમની દુનિયા આજે શાયલોકોના જુલમ નીચે ગૂંગળાઈ રહી છે, જ્યારે પૂર્વની દુનિયા ધર્માચાર્યોના ત્રાસથી ત્રાહિમામ્ પોકારી રહી છે; આ બંનેએ એકબીજીને કાબૂમાં રાખવાની છે… મહાનમાં મહાન પુરુષ અને તમારા પગ નીચે સળવળતા ક્ષુદ્ર જંતુ વચ્ચે તફાવત શો છે ? જ્ઞાન અને અજ્ઞાનનો. એ જ બધો તફાવત પાડે છે. ક્ષુદ્ર સળવળતા જંતુની અંદર પણ સ્વયં પરમાત્માની અનંતશક્તિ, અનંતજ્ઞાન, અનંત પવિત્રતા અને અનંત દિવ્યતા સમાયેલાં છે; માત્ર તે અવ્યક્ત સ્થિતિમાં છે. તેમને અભિવ્યક્ત કરવાની જ જરૂર છે.

‘આ એક જ મહાન સત્ય ભારતે વિશ્વને શિખવવાનું છે, કારણ કે એ સત્ય અન્ય કોઈ જગ્યાએ નથી. આ આત્માનું વિજ્ઞાન છે, આધ્યાત્મિકતા છે. મનુષ્યને ખડો કરી કામ કરાવનાર કોણ છે ? સામર્થ્ય. સામર્થ્ય એ ભલાઈ છે, દુર્બળતા એ પાપ છે. ઉપનિષદોમાંથી બોમ્બની પેઠે નીકળી આવતો અને અજ્ઞાનના સમૂહો પર ધડાકાભેર પડતો જો કોઈ એક શબ્દ દેખાતો હોય તો તે છે ‘અભી:’ – નિર્ભયતા શીખવવા જેવો જે એક માત્ર ધર્મ છે, તે નિર્ભયતાનો ધર્મ છે… જ્યારે આત્માના આ સ્વભાવને જાણી લેવાય છે, ત્યારે દુર્બળમાં દુર્બળ માનવીના, પતીતમાં પતીત માનવીના, પામરમાં પામર પાપીના અંતરમાં પણ આશા જન્મે છે. તમારાં શાસ્ત્રો પોકારી પોકારીને કહી રહ્યાં છે કે કોઈ રીતે આશા ગુમાવશો નહિ. કારણ કે તમે ગમે તે કરો પણ તમે તેના તે જ છો, તમારી પ્રકૃતિ પલટાવાનું તમારા હાથમાં નથી. પ્રકૃતિ પોતે જ પ્રકૃતિનો નાશ કરી ન શકે. તમારી પ્રકૃતિ શુદ્ધ છે. લાખો યુગોથી એ ભલે છુપાયેલી પડી હોય, પરંતુ અંતે એ વિજયી થશે અને પ્રગટ થશે. આમ અદ્વૈતવાદ સૌને આશા આપે છે, નિરાશા નહિ. એનો ઉપદેશ ભયનો નથી; તમારો પગ ચૂક્યો કે તમને ઝડપી લેવાની તપાસમાં હંમેશાં રહેનારાં દૈત્યો વિશે એ ઉપદેશ નથી આપતો. એ તો કહે છે કે તમારું નસીબ તમે તમારા હાથમાં લીધું છે. તમારી આધ્યાત્મિકતાએ, અમુક અર્થમાં, આ નવી જાતના સમાજના આધારરૂપ બનવું પડશે. 

અને થોડા દિવસ પછી કુંભકોણમ્ ખાતે ‘વેદાંતનો ઉદ્દેશ’ (ધ મિશન ઓફ ધ વેદાન્ત) વિશે બોલતાં તેમણે સર્વત્ર રહેલા લોકોને પ્રેરણાદાયી ઉદ્બોધન કર્યું:

‘આપણે એકેએક જીવને ઘોષણા કરી સંભળાવીએ છીએ. ‘ઉત્તિષ્ઠત, જાગ્રત પ્રાપ્યવરાન્ નિબોધત – ઊઠો, જાગો અને અટક્યા વગર ધ્યેયે પહોંચો.’ ઊઠો, જાગ્રત થાઓ ! આ નિર્બળતાની ભૂરકીને ખંખેરી નાખો, વાસ્તવિક રીતે કોઈ દુર્બળ નથી; આત્મા સનાતન, સર્વશક્તિમાન અને સર્વજ્ઞ છે.. તમારી પોતાની જાતને, સહુ કોઈને, પોતાના સત્ય સ્વરૂપનો ઉપદેશ આપો; સૂઈ રહેલા આત્માને જગાડો અને જુઓ કે એ કેવો જાગી ઊઠે છે. જ્યારે આ સુષુપ્ત આત્મા જાગીને સ્વમાનપૂર્વક ક્રિયાશીલ થઈ જશે ત્યારે શક્તિ આવશે, કીર્તિ આવશે, ભલાઈ આવશે, પવિત્રતા આવશે અને જે કાંઈ ઉત્તમ છે તે બધી બાબતો આવી મળશે.’

૧૩.અર્વાચીન વિજ્ઞાન : તેની મક્કમ પૂર્વાભિમુખતા

ઘણા વૈજ્ઞાનિકો અને લેખકોએ એ વાત પ્રત્યે ધ્યાન દોર્યું છે કે ગઈ સદીથી ઊલટું વીસમી સદીના ભૌતિકવિજ્ઞાન અને જીવ વિજ્ઞાને આધ્યાત્મિક રહસ્યની નોંધ લેવાનો આરંભ કર્યો છે. આ આધ્યાત્મિક રહસ્ય મનુષ્યમાં રહેલું છે. આણ્વિક ભૌતિક વિજ્ઞાન બધી ક્વોન્ટમ પ્રક્રિયાઓમાં ધ્યાનથી જોવાયેલા મુદ્દાઓના અર્થઘટનમાં ધ્યાનથી જોનાર (નિરીક્ષક)નું મહત્ત્વ પિછાનવામાં અને ‘નિરીક્ષક’ના સ્થાને ‘ભાગ લેનાર’ શબ્દ સૂચવવામાં આ નોંધ લે છે.

અમેરિકન આણ્વિક વૈજ્ઞાનિક જ્હોન આર્ચિબાલ્ડ વ્હીલરના શબ્દોમાં (ભૌતિક વૈજ્ઞાનિકની પ્રકૃતિની વિભાવના’ (પૃ.૨૪૪)ની જે. મહેરા આવૃત્તિમાં જેમને ઉલ્લેખ થયેલો છે) :

‘ક્વોન્ટમ (એક શક્તિ બીજી શક્તિમાં સંક્રમિત થાય છે એ) સિદ્ધાંત અંગે આનાથી વધુ મહત્ત્વનું બીજું કશું નથી, કે જગતની વિભાવનાનો ‘ત્યાં બહાર બેસીને’ નાશ કરે છે અને તે પણ નિરીક્ષકને ૨૦ સે.મી. જાડા કાચની પ્લેટથી સલામત રીતે અલગ કરીને. ઈલેક્ટ્રોન સ્વરૂપના અતિ સૂક્ષ્મ પદાર્થનું નિરીક્ષણ કરવા પણ તેને કાચનો ભુક્કો બોલાવી દેવો જોઈએ. તેણે ત્યાં પહોચવું જોઈએ. તેણે માપવા માટે પોતાની પસંદગીનું સાધન ગોઠવવું પડે છે. તે સ્થિતિ કે ગતિની માપણી કરશે તેનો નિર્ણય કરવાનું તેના હાથમાં જ છે. એકનું માપ કાઢવા સાધનની ગોઠવણી બીજાનું માપ કાઢવા માટેના સાધનની ગોઠવણી કરતાં તેને રોકે છે. વધુમાં આપણી ઈલેક્ટ્રોનની સ્થિતિ બદલે છે. ત્યાર પછી વિશ્વ કદી એવું ને એવું (એ સ્થિતિમાં) રહેશે નહિ. શું બન્યું તેનું વર્ણન કરવા પેલો જૂનો શબ્દ ‘નિરીક્ષક’ રદ કરી તેને સ્થાને ‘ભાગ લેનાર’ એવો નવો શબ્દ મૂકવો પડશે. કોઈક વિચિત્ર અર્થમાં વિશ્વ એક ભાગ લેનાર વિશ્વ છે.’

શંકરાચાર્યે આને આવી જ રીતે વર્ણવ્યું છે: યુષ્મદસ્મત્પ્રત્યયગોચરયોર્વિષયવિષયિણો: । અર્થાત્ ‘જાતે નહિ’ અને ‘જાતે’ – વિશ્વ નિરીક્ષણ કરાયેલું અને નિરીક્ષકનું બનેલું છે. વ્યાસનાં બ્રહ્મસૂત્રો પરના ભાષ્યના પ્રારંભના વાક્યમાં શંકરાચાર્યે આવું કહેલું છે.

તપાસ માટેના એક મહત્ત્વના મુદ્દા તરીકે ચેતનાના આંતરિક જગતનું મહત્ત્વ તે છતું કરે છે; અને આવી તપાસ ભૌતિક વિજ્ઞાનને વાસ્તવિકતાના આધ્યાત્મિક પરિમાણ પ્રતિ લઈ જશે અને વેદાંત અને અન્ય ફિલસૂફીઓએ વિકસાવેલ આધ્યાત્મિકતાના વિજ્ઞાનની વધુ નજીક પણ લઈ જશે. તેવી જ રીતે મજ્જાતંતુ વિજ્ઞાન (Neurology)માં આત્મજ્ઞાન અને અહમ્ મજ્જાતંતુ વિજ્ઞાનને સ્વયં (પોતાની જાતનું) સ્વરૂપની ભીતર તપાસ કરવાના રાજમાર્ગ પર મૂકી દે છે, અને તેને યોગ, વેદાંત અને આધ્યાત્મિકતાની અન્ય પદ્ધતિઓ નજીક લાવશે. ઉપર જણાવ્યા મુજબનાં આત્મભાન અને અહમ્ આત્મભાન જેમને પ્રાપ્ત થયું ન હતું તેવા આદિ માનવોમાં ન હતું. પાછળથી તે મનુષ્યોમાં વિકાસ પામ્યું અને તે મનુષ્યમાં તર્ક, ઇચ્છાશક્તિ અને વાણી જેવી ઉચ્ચતર શક્તિઓનું કેન્દ્ર બન્યું અને આ શક્તિઓ દ્વારા મનુષ્યે પ્રકૃતિ ઉપર આધિપત્ય જમાવ્યું. આ બધું અને પૌર્વાત્ય આધ્યાત્મિક સત્યો અને પદ્ધતિઓનો અર્વાચીનપાશ્ચિમાત્ય માનસશાસ્ત્રીય ઉપચાર પદ્ધતિમાં વધતો જતો પ્રવેશ આ અદ્ભુત અવકાશ યુગની સદીના ઉત્તરાર્ધમાં ભૌતિક વિજ્ઞાનો અને આધ્યાત્મિકતા વચ્ચે વધતા જતા સહકારનો સ્પષ્ટ નિર્દેશ છે. એ વર્ષ પહેલાં ‘ધ મીટિંગ ઓફ વેટ્ઝ : એક્ષ્પ્લોરેશન્સ ઈન ઈસ્ટ-વેસ્ટ સાયકોલોજી’ (માર્ગોનું મિલન : પૂર્વ-પશ્ચિમના માનસશાસ્ત્રમાં ખોજ) નામનું પુસ્તક શોકન બુક્સ, ન્યુયોર્કે પ્રસિદ્ધ કર્યું હતું. તેની પ્રસ્તાવનામાં સંપાદક જ્હોન વેલવુડ કહે છે :

‘ચેતનાનું સ્વરૂપ, વ્યક્તિગત ઓળખ, શાણપણ અને માનસશાસ્ત્રીય ઉપચાર પદ્ધતિનાં સ્વરૂપ જેવા શાશ્વત પ્રશ્નો વિશેનું નવીન દર્શન કરાવવાના હેતુથી આ પુસ્તકની રચના કરવામાં આવેલી છે. પ્રથમ વિભાગમાં મનુષ્યના મગજ વિષયક પાયાના પ્રશ્નો પૂછાયા છે. ચેતનાનાં જુદાં જુદાં સ્તરોની ખોજ મનુષ્યની વ્યક્તિગત ઓળખ અથવા અહમ્ના સ્વરૂપ અંગેના પ્રશ્નો પ્રતિ દોરી જાય છે, જે દ્વિતીય વિભાગનો વિષય બને છે. કલ્પના પર આધારિત સિદ્ધાંતોને બાજુ પર રાખવા મગજ અને જાત-સ્વની ખોજે ખડા કરેલા પ્રશ્નો વધુ અનુભવ કે પ્રયોગ ઉપર આધારિત રીતે અને શિસ્તબદ્ધ અભિગમથી વાસ્તવિક પરિપાટીએ લાવવા જોઈએ. આમ ત્રીજા વિભાગમાં ધ્યાન વિશે અથવા જીવનને સ્પર્શતા પ્રશ્નો પ્રત્યક્ષ વ્યક્તિગત રીતે કેવી રીતે સાંકળી લેવાય તેની ચર્ચા કરવામાં આવી છે. અંતે ચોથા વિભાગમાં પહેલા ત્રણ વિભાગોના આંતરદર્શનને માનસશાસ્ત્રીય ઉપચાર શાસ્ત્રને લાગુ પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને લોકોને વધુ જાગૃત રીતે જીવન જીવવાના ઉપચારશાસ્ત્ર માટે નવી દિશાઓ સૂચવે છે.’

વધુમાં, પરિચયમાં, તેઓ જણાવે છે (પૃ.૪૫-૪૬): ‘પૂર્વની અનુભવસિદ્ધ, સમગ્રતયા અને પ્રબુદ્ધ પરંપરાઓ અને પશ્ચિમની ચોકસાઈ, સ્પષ્ટતા, આશંકા અને સ્વતંત્રતાની પદ્ધતિઓ વચ્ચેનો મુકાબલો નવીન પ્રકારના માનસશાસ્ત્ર પ્રતિ દોરી શકે છે જે સભ્યતાની મર્યાદાઓથી પર જઈને જેનો અબ્રાહમ મેસ્લોએ ‘માનવ સ્વભાવની આગળ જતી પહોંચ’નાં દ્વાર ખોલી આપે છે. પૂર્વ-પશ્ચિમના માનસશાસ્ત્રનું આવું સ્વરૂપ જે અહીં સંપાદિત કરેલા લેખોમાં છે તે હજી એની બાળદશામાં છે; પરંતુ તે માત્ર એક પસાર થતી સભ્યતાનો તરંગ નથી. આ પુસ્તક તેના વધુ વિકાસમાં યોગદાન આપશે એવી આશા વ્યક્ત કરીએ.’

આ પુસ્તકનો અંતિમ ફકરો એવા આશીર્વાદની જાહેરાત કરે છે જે જ્યાંથી ભૌતિક વિજ્ઞાનોની શક્તિઓ આધ્યાત્મિકતાના વિજ્ઞાનની શક્તિઓ સાથે જોડાય છે ત્યાંથી વહે છે: 

‘જો પૂર્વનું શિક્ષણ આ સમયે પશ્ચિમની સભ્યતા સાથે એટલી બધી પ્રત્યક્ષ રીતે વાતચીત કરતું લાગે તો એનું કારણ કદાચ એ હોઈ શકે કે વ્યક્તિગત શિસ્ત તેઓના માર્ગનો આધાર અને તેનો સાક્ષાત્કાર સરળ છતાં સબળ આચરણો જે વ્યક્તિને સીધી રીતે અને નવીન રીતે તેના પોતાના મનના વ્યાપારોમાં જોવાની તાલીમ આપે છે તે પૂરાં પાડે છે. ચેતનામાં મૂળગામી સ્થળાંતર જે આપણી સભ્યતાના ર્જીણોદ્ધાર માટે જરૂરી જણાય છે તે સ્વત્વના જ્ઞાનની શાખાઓમાં માનસશાસ્ત્રીઓ અને સામાન્ય જનતા ઓતપ્રોત થાય તો જ થઈ શકે તેમ છે. (આ વાક્ય જ્હોન વેલવુડનું નથી.) પૂર્વ અને પશ્ચિમની મહાન આધ્યાત્મિક પરંપરાઓ એક વાત પર સહમત છે કે મનુષ્ય તેનું સ્તર, તેના સંસ્કાર જીવનના સનાતન સિદ્ધાંતો સાથે તાલ મિલાવીને સંપૂર્ણ ઉઘાડી કિતાબ જેવો બને છે. આ આંતરમાનવીય સંદર્ભ જેનો મનુષ્ય સીધો સાક્ષાત્કાર કરી શકે તે અંતે સ્વ અંગેનું સંપૂર્ણ જ્ઞાન જે આપે છે તે છે; તે મનુષ્યના જીવનને બળ અને ઊંડાણ અર્પે છે અને તે મનુષ્યને પરસ્પર અને કુદરતી પર્યાવરણ સાથે સંવાદિતા સાથે જીવવા દે. આવાં કામોમાં અર્વાચીન માનસશાસ્ત્રને સંબંધ છે ત્યાં સુધી તેણે આ વિશાળ દૃષ્ટિને પોતાનામાં સમાવી લેવી જોઈએ.’

૧૪. ઉપસંહાર

‘સમર્થ વૈજ્ઞાનિકો દ્વારા લખાયેલા આ ફકરાઓ અને આવા જ અન્ય લેખો અર્વાચીન યુગમાં અગાઉ જેનો ઉલ્લેખ થઈ ચૂક્યો છે એવા શ્રીમદ્ ભાગવતની ત્રણ કડીઓમાં વ્યક્ત થયેલી શ્રીકૃષ્ણના મનુષ્યના જ્ઞાન અંગેની સર્વગ્રાહી દૃષ્ટિનો અમલ શરૂ થઈ ચૂક્યો છે એવું નિર્દેશે છે. આ ત્રણ કડીઓમાં એવા જ્ઞાનનો ઉલ્લેખ થયો છે જે ભૌતિક વિજ્ઞાનો અને આધ્યાત્મિકતાના વિજ્ઞાનની શક્તિના પ્રવાહોના એકીકરણ દ્વારા ડહાપણમાં પરિપક્વ થાય છે. આગામી દાયકાઓમાં આ બે શક્તિઓના પ્રવાહો જ વૈશ્વિક કલ્યાણ, શાંતિ અને વ્યક્તિગત તેમજ સામૂહિક તૃપ્તિ (સિદ્ધિ)ની દિશામાં આપણી અદ્ભુત અર્વાચીન વૈજ્ઞાનિક સંસ્કૃતિ મક્કમતાથી પ્રગતિ સાધશે એવું વચન આપે છે.

સામાન્યત: એવું માનવામાં આવે છે કે અર્વાચીન પશ્ચિમ ઉપર માત્ર ગ્રીસ, રોમ અને પેલેસ્ટાઈનની જ અસર છે. પરંતુ ખ્યાતનામ અમેરિકન લેખક વિલ ડ્યુરાં જેમણે ‘સ્ટોરી ઓફ સિવિલાઈઝેશન’ના સુપ્રસિદ્ધ દશ ગ્રંથો લખેલા છે, જેમાંનો પહેલો ગ્રંથ ‘અવર ઓરિયેન્ટલ હેરિટેજ’ (આપણો પૌર્વાત્ય વારસો) નામક છે, તેમણે ‘ધ કેસ ફોર ઇન્ડિયા’ નામક એક બીજું પુસ્તક પણ લખેલું છે જેમાં તેમણે ભારતની આઝાદી માટે મહાત્મા ગાંધીએ અપનાવેલ અહિંસક સત્યાગ્રહની લડત જોઈને ભારતને સ્વતંત્રતા આપવા માટે બ્રિટિશ સરકારને મક્કમ ભલામણ કરેલી છે. પરંતુ એ પુસ્તક પર બ્રિટિશ સરકારે પ્રતિબંધ મૂક્યો હતો. એ પુસ્તકના ‘અ પર્સ્પેક્ટીવ ઓફ ઇન્ડિયા’ (ભારતના પરિપ્રેક્ષ્યમાં) (ન્યુયોર્ક,સાયમન શુસ્ટર,૧૯૩૦)માં વિલ ડ્યૂરાં લખે છે :

‘પ્રથમ આપણે એ વાત યાદ રાખવી જોઈએ કે ભારત છૂટી છવાઈ વસ્તી ધરાવતો એક નાનો ટાપુ કે ખંડ નથી, પરંતુ બત્રીસ કરોડની વસ્તી ધરાવતો વિશાળ પ્રદેશ છે. તેની વસ્તી યુનાઈટેડ સ્ટેટ્સ કરતાં ત્રણ ગણી છે, ઉત્તર અને દક્ષિણ અમેરિકાની વસ્તી કરતાં વધુ છે અને યુરોપ તથા પશ્ચિમ રશિયાની ભેગી વસ્તી કરતા વધુ છે. તેની વસ્તી જગતની વસ્તીના ૨૫% જેટલી છે. આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે ભારતના ઉત્તર અને વધુ મહત્ત્વના ગોળાર્ધમાં વસતાં લોકોની જાતિ ગ્રીકો, રોમનો અને આપણા લોકોની જાતિ, અર્થાત્ ઈન્ડોયુરોપિયન કે આર્ય જાતિ જ છે. જો કે સખત તાપમાં તેઓની ત્વચા ઘઉંવર્ણી થઈ ગયેલી છે, છતાં તેઓના ચહેરાની સિકલ આપણને મળતી આવે છે અને સામાન્યત: તેઓ સરેરાશ યુરોપિયન કરતાં વધુ નિયમિત અને સુધરેલા છે. આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે ભારત આપણી જાતિની માતૃભૂમિ છે અને સંસ્કૃત યુરોપની ભાષાઓની જનની છે, અને તે આપણી ફિલસૂફીની પણ જનની છે. આરબો મારફત ભારતમાંથી આપણું મોટાભાગનું ગણિતશાસ્ત્ર આયાત થયેલું છે. ખ્રિસ્તી ધર્મમાં મૂર્તિમંત આદર્શો બુદ્ધ મારફત મળેલા છે એટલે એ અર્થમાં પણ ભારત આપણી જનની છે. ગામડાંના લોકો દ્વારા સ્વરાજ્ય અને લોકશાહીની જમની પણ ભારત છે. ભારત માતા ઘણી રીતે આપણા બધાની માતા છે.’

Total Views: 137

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.