પ્રાસ્તાવિક

ભારતના વીરકાવ્ય મહાભારતમાં સ્ત્રીત્વના કેટલાક અવિનારી આદર્શો આલેખાયેલા છે. ગાંધારી, કુન્તી, દ્રૌપદી, દમયન્તી, સીતા અને સાવિત્રીના જીવન દ્વારા આ આદર્શો મૂર્તિમાન થયેલા દૃષ્ટિગોચર થાય છે. આ આદર્શોમાં સૌથી મહત્ત્વનો આદર્શ છે, તે બધી મહિલાઓની ધર્મમાં ઊંડી શ્રદ્ધા. આ મહિલાઓ આ હકીકત વિશે સભાન હતી કે નીતિમત્તા જેવી કોઈક વસ્તુ છે અને એ હંમેશાં સક્રિય હોય છે. તેઓની એ પણ દૃઢ માન્યતા હતી કે આને લીધે જ વિશ્વ વ્યવસ્થિત રીતે પોતાની ગતિવિધિ ચાલુ રાખી શકે છે. તેમને મન ધર્મ એ માત્ર કોઈ વ્રતનું ઉઘાપન કે પરંપરાગત કર્મકાંડનું સ્વરૂપ ન હતો. આપણે જેને ધર્મ માનીએ છીએ તેના કરતાં તેમને મન ધર્મનું મહત્ત્વ વધારે વિશાળ પાયા પર હતું. મહાભારતમાં ધર્મ એટલે સમગ્ર વિશ્વને એક સાથે બાંધી રાખનાર પરિબળ કે સિદ્ધાંત છે. ધર્મની આ વિશાળ કલ્પનાને સમજવા માટે ધીરજ, અડગતા, અને સંનિષ્ઠાની જરૂર પડે છે. અને આપણને એ વાતની નોંધ લેતાં ગૌરવ અનુભવાય છે કે આ કાવ્યનાં સ્ત્રીપાત્રો ધર્મની આ કક્ષાના શિખર સુધી આરોહણ કરી શક્યાં છે અને પોતાનાં ચારિત્ર્ય અને ચાલચલગતથી સિદ્ધ કરી બતાવ્યું છે કે ધાર્મિકતાની આ કક્ષાએ માનવજીવન જીવતાં જીવતાં પહોંચવું શક્ય છે. આથી જ કુરુકુલની ભાગ્યવિષયક કટોકટીની ઉત્કટ પળે ગાંધારી આ શબ્દો પોતાના પુત્ર દુર્યોધનને ઉદ્દેશીને કહી શકી : ‘જ્યાં ધર્મ છે ત્યાં જય છે.’ માણસના જીવનમાં એવું બને છે કે કેટલીક વાર ખોટું વિકાસ પામે છે. પરંતુ મહાભારતનો સનાતન ઉપદેશ એ છે કે ખોટો કે અધર્મ આચરનારો માણસ ભલે થોડા સમય માટે સમૃદ્ધ થતા રહે, વિકાસ સાધતા રહે, પરિસ્થિતિનો લાભભ ઉઠાવતા રહે, શત્રુ પર વિજય મેળવતા રહે પણ અંતે તેનો સમૂલ વિનાશ થાય છે. 

ગાંધારી

નિઃશંક રીતે મહાભારતનાં સ્ત્રીપાત્રોમાં ગાંધારી સૌથી ઉમદાપાત્ર છે. બીજા કોઈ પાત્ર કરતાં નીતિમત્તાની બાબતમાં તે શ્રદ્ધાને વધારે પ્રજ્વલિત રાખે છે. ઘેરી કટોકટીની પળોમાં પણ તે કશાય સંકોચ વગર વૈયક્તિક અને કૌટુંબિક કહેવાતાં હિતોનો ભોગ આપી દે છે. તે ધર્મના ધ્વજને ઊંચો પકડી રાખે છે અને અન્ય લોકોને પણ ધર્મનો પક્ષ લેવા સમજાવતી રહે છે. કુરુક્ષેત્રના યુદ્ધમાં તેણે પોતાના સોએ સો પુત્રો અને બીજાં નજીકનાં સગાંવહાલાંને ગુમાવ્યાં હોવા છતાં તે માનતી ૨હે છે કે વિજય તો નીતિમત્તાનો જ થાય છે. આ વાતને પ્રકટ કરવામાં તે કશો જ સંકોચ અનુભવતી નથી.

પોતાનો પતિ અંધ હોવાને લીધે તે દૃષ્ટિસુખ અનુભવવાનો ત્યાગ કરી દે છે અને કાયમ માટે પોતાની આંખ આડો પાટો બાંધી દે છે. આમાં તે કદી પાછીપાની કરતી નથી. પતિભક્તિનો કેવો આદર્શ!

તેણે સો પુત્રોને જન્મ આપ્યો છે, પરંતુ તેનો એકેય પુત્ર તેની ધર્મવિષયક અપેક્ષા પૂરી એવો નથી. પરંતુ પોતાનું વ્યક્તિત્વ જાળવી રાખે છે અને પોતાના પુત્રોના પાંડવો પ્રત્યેના વર્તન પ્રત્યે પોતાની નારાજી પ્રકટ કરતી રહે છે. તે પોતાના પતિને પણ વારંવાર પુત્રીની દુષ્ટ વૃત્તિને નિયંત્રણમાં રાખવા સમજાવતી રહે છે.

દ્યૂતમાં પાંડવો દ્રૌપદી સાથે બધું હારી ગયા ત્યારે દરબારમાં સર્વત્ર હર્ષનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. પરંતુ ગાંધારી તેમાં અપવાદરૂપ હતી. તે પોતાના પતિ પાસે જઈને પોતાના પુત્રોની વર્તણૂક મંજૂર ન રાખવા કહે છે. તે દુર્યોધનને દેશનિકાલ કરી દેવા સમજાવે છે.

પુત્રો પ્રત્યેનો તેનો પ્રેમ અને વાત્સલ્ય તેની વિવેકશક્તિ પર વિપરીત અસર થવા દેતાં નથી. પોતાની સંતતિ જે અન્યાયી માર્ગ અપનાવી રહેલ છે. તેની સામે સમગ્ર જીવન દરમિયાન તે માથું ઊંચકતી રહી છે અને પોતાની નારાજી પ્રકટ કરતી રહી છે. દુર્યોધનને તે સતત શાંતિ અને સમાધાનનો માર્ગ અપનાવવા સમજાવતી રહી છે.

શ્રીકૃષ્ણ જ્યારે પાંડવોના દૂત તરીકે કૌરવોના રાજદરબારમાં આવે છે ત્યારે પોતે દરબારમાં જઈને દુર્યોધનની વર્તણૂકને વખોડી કાઢે છે અને સખત ભાષામાં ઠપકો આપે છે. તે સ્પષ્ટ રીતે પ્રતિપાદન કરે છે કે પાપનો બદલો મૃત્યુ છે. તે એવું પણ પ્રતિપાદન કરે છે કે યુદ્ધથી કોઈ સમસ્યા હલ થતી નથી, ઊલટાનું તે વધારે જટિલ પ્રશ્નોને જન્મ આપે છે. તે પોતાના પુત્રને લોભી ન બનવા અને યુદ્ધને માર્ગે ન જવા હાકલ કરે છે.

દુર્યોધનને પોતાની માતાના આવા શબ્દો પ્રત્યે જરાય આદર નથી. તેથી તે પોતાની રાજનીતિના એક સાધન તરીકે યુદ્ધની જાહેરાત કરી દે છે. પરંતુ પોતાની માના પાવિત્ર્યમાં તેને શ્રદ્ધા હતી તેથી તે યુદ્ધનો આરંભ થાય એ પહેલાં દરરોજ તેના આશીર્વાદ લેવા જતો હતા દુર્યોધન હંમેશાં પોતાની માતાને કૌરવોના વિજયની કામના કરવા વિનવતે હતો પરંતુ ગાંધારી પોતાના મંતવ્યને વળગી રહે છે કે જ્યાં ધર્મ હોય છે. ત્યાં જ વિજય હોય છે.

યુદ્ધની પૂર્ણાહૂતિ પછી ગાંધારીને મળવા અને આશ્વાસન આપવા આવે છે ત્યારે તે તેમને પાંડવોને અસ્વત્થામા હુમલાથી પાંડવોને બચાવી લેવા તાત્કાલિક દોડવાનું સૂચન કરે છે. પાંડવો માટે તેના હૃદયમાં કેવું વાત્સલ્ય હતું, તેનું આ ઉદાહરણ છે! કુટુંબના વડીલ તરીકેના કર્તવ્યની પણ કેવી ઉચ્ચભાવના! માત્ર એક જ પ્રસંગે તે બેભાન થઈને પૃથ્વી પર જઈ પડે છે- તે પ્રસંગ છે યુદ્ધમેદાનમાં પોતાના પુત્રોનાં મૃતદેહોને જોવાનો.

ગાંધારી કુરુક્ષેત્રના યુદ્ધ માટે શ્રીકૃષ્ણને જવાબદાર ગણે છે અને શાપ આપે છે કે યાદવકુલનો નાશ થશે. પોતાના પવિત્રતા અને સંયમીજીવનના આધારે તે સ્વયં કૃષ્ણને પણ કરુણ મૃત્યુનો શાપ આપે છે. શ્રીકૃષ્ણ પણ ગાંધારી સચ્ચાઈ, પવિત્રતા અને તપસ્યાને લક્ષમાં લઈને સ્મિતપૂર્વક શાપનો સ્વીકાર કરી લે છે.

મહાભારતના યુદ્ધ પછી આ સાપ વર્ષ સુધી પાંડવો સાથે રહે છે અને ત્યાં દંપતી યુધિષ્ઠિર તેમની જે કાળજી લે છે તેથી તેઓ પુત્ર વિયોગના દુઃખને લગભગ ભૂલી જાય છે. સોળમા વરસને અંતે તેઓ બંને હિમાલયની યાત્રા કરવા માટે ચાલી નીકળે છે. આ વખતે તેમની સાથે વિદુર, સંજય અને કુંતી હોય છે. યાત્રામાં જતાં પહેલાં ધૃતરાષ્ટ્ર નગરજનો અને ગ્રામવાસીઓની એક સભાને ઉદ્‌બોધન કરે છે, ગાંધારી પતિ સાથે આ સભામાં હાજરી આપે છે. અને પ્રજાજનોને વિનવે છે કે તેઓ દુર્યોધન વગેરેનાં દુષ્કૃત્યોની માફી આપી છે.

આ દંપતીની વિદાય કરુણ વાતાવરણનું સર્જન કરી દે છે. યાત્રામાર્ગે કુંતી નેતાગીરી લે છે. ગાંધારી તેના ખભા પર હાથ મૂકીને ચાલે છે, ધૃતરાષ્ટ્ર ગાંધારીના ખભા પર રાખીને ચાલે છે. વિદુર અને સંજય બંનેની બાજુમાં ચાલે છે. નગરજનો રડી ઊઠે છે પરંતુ ધૃતરાષ્ટ્ર વગેરે મક્કમ મનથી યાત્રામાર્ગે આગળ ચાલે છે. હિમાલય પ્રદેશમાં થોડાંક વરસ જીવન વ્યતીત કરીને તેઓ દાવાનળમાં શાંતિથી મૃત્યુને ભેટે છે.

દુનિયામાંથી વિદાય લેતી વેળાએ પણ ગાંધારીએ પોતાની આંખ પરની પટ્ટી ખોલી નથી. આમ તે ભારતીય નારીના સર્વશ્રેષ્ઠ આદર્શોનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે.

કુન્તી

આખા મહાભારતમાં કુંતી ધીરજ, સહનશક્તિ અને આત્મત્યાગનું મૂર્તિમાન સ્વરૂપબની રહી છે. તે રાજાની કુવરી હતી અને હસ્તિનાપુરના રાજા પાંડુ સાથે તેનો વિવાહ કરવામાં આવ્યો હતો. પોતાના પતિ સાથે તે હિમાલય પ્રદેશમાં વરસો સુધી રહેલી અને તેનું નિવાસસ્થાન ઉત્તર પરિપાત્રમાં આવેલા આશ્રમમાં હતું. ત્યાં તેણે યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન એમ ત્રણ પુત્રોને જન્મ આપેલો. અર્જુનના જન્મ સમયે તેણે આકાશવાણી સાંભળી હતી કે તેનો આ પુત્ર દેવરાજ ઈન્દ્ર જેવો થશે અને કુટુંબની આબરૂ અને પ્રતિષ્ઠા પાછી મેળવશે.

પોતાના પતિના અવસાન પછી કુન્તી પોતાના ત્રણ પુત્રો અને માદ્રીના બે પુત્રો સાથે હસ્તિનાપુર આવી. હસ્તિનાપુરમાં તેના નિવાસ દરમિયાન તેણે અદ્‌ભુત ધી૨જ અને સહનશક્તિ દાખવી છે. તેના માટે આ દિવસો યાતના અને હાલાકીના હતા. પણ કુન્તીએ બધું સહન કરી લીધું. ધૃતરાષ્ટ્ર અને તેના દુષ્ટપુત્રોએ લાક્ષાગૃહમાં આખા પાંડવકુટુંબને બાળી મૂકવાનું જે કાવતરું કર્યું, તેમાંથી સહીસલામત પસાર થઈને ગંગા નદી પાર કરીને તે પાંચાલના રાજ્યના આવી પહોંચી. ત્યાં અર્જુને પોતાનાં પરાક્રમ અને દધુર્વિદ્યાના બળે ત્યાંની રાજકુમારી સાથે લગ્ન કર્યું. આ રીતે અર્જુન વિશે થયેલી ભવિષ્યવાણી પૂરી થવા લાગી. પાંચાલો અને પાંડવોન અ સંબંધે ધૃતરાષ્ટ્રને પોતાના ભાઈના દીકરાઓ વિશે પતાના દૃષ્ટિબિંદુની ફેરવિચારણા કરવા ફરજ પાડી. તણે વિદુરને મોકલીને પાંચાલના રાજાને વિનંતી કરી કે તમે કુન્તી તથા તેના પુત્રોને હસ્તિનાપુર મોકલી આપો. તેમનેહવે તેણે આતિથ્યપૂર્ણ રીતે માનભેર આવકાર્યાં. કૌરવોનું અડધું રાજ્ય યુધિષ્ઠિરને આપવામાં આવ્યું. યમનાના કાંઠા પરનું શહેર ઇન્દ્રપ્રસ્થ તેની રાજધાની બની ગયું. હવે કુન્તી રાજમાતા બની. પરંતુ તેના સુખના દિવસો ક્ષણજીવી નીવડ્યા કેમ કે દુર્યોધન અને તેના મામા શકુનિ સાથે જુગાર રમતાં યુધિષ્ઠિર દ્રૌપદી સહિત બધું હારી ગયા. ભાગ્યના કારમા પ્રહારને માટે કુન્તી તૈયાર ન હતી. તેને ખૂબ વ્યથા થઈ પરંતુ તે ખડકની પેઠે અડગ રહી અને પાંડવો સાથે વનમાં જનારી દ્રૌપદીને તેણે હૈયાધારણ તથા સલાહસૂચના આપી.

પાંડવોના વનવાસનાં ૧૩ વ૨સો દરમિયાન કુન્તી વિદુરના ઘરે રહી હતી. વનવાસ અને ગુપ્તવાસના વરસો પૂરાં થયાં. પછી પાંડવો હસ્તિનાપુર પાછા ફર્યા અને પોતાનું રાજ્ય પાછું માગ્યું. પરંતુ દુર્યોધને સાવ ના પાડી અને પરિણામે યુદ્ધ થયું . યુદ્ધ થાય તે પહેલાં શ્રીકૃષ્ણ પાંડવોના શાન્તિદૂત તરીકે હસ્તિનાપુર ગયા. ત્યાં તેઓ આવી પડનારા સંઘર્ષ માટે સલાહસૂચના લેવા કુન્તીને મળવા વિદુરને ત્યાં ગયા. કુંતીએ રુદન કર્યું અને અપમાનજનક કોઈ પણ શરત ન સ્વીકારવા તાકીદ કરી. કૌરવોએ જે અપમાનો કર્યાં છે, તેને માટે તેણે કદી તે લોકોને માફ નથી કર્યા. આ અપમાનોનો ભોગ બનેલી દ્રૌપદીને તે પોતાના પુત્રો કરતાં ય વધુ ચાહતી હતી.

ઘૂતસભામાં દુઃશાસન દ્વારા દ્રૌપદીનું અપમાન કરવામાં આવતું હતું ત્યારે વિદુર સિવાય કોઈએ તેનો વિરોધ કર્યો ન હતો, તેનું તેને ભારોભાર દુઃખ છે. સાથે સાથે વિદુધે ભયાનક યુદ્ધમાંથી કૌરવોને બચાવી લેવા માટે પણ પ્રયત્ન કર્યો હતો. તેથી કુંતી કહે છે કે હસ્તિનાપુર આખા રાજદરબારમાં વિદુર જ એકમાત્ર માનનીય વ્યક્તિ છે. માનવજાતિને માટે તે એક બહુ સરસ વિધાન કરે છે કે માણસનું નૈતિક ઉત્થાન તેના સચ્ચરિત્ર અને સદ્‌વર્તનને લીધે થાય છે, તેના ધન કે વિદ્વત્તાથી નહિ.

કુંતી શ્રીકૃષ્ણ દ્વારા પોતાના પુત્રોને કેટલાક સંદેશા મોકલે છે. યુધિષ્ઠિર તે સંદેશો આપે છે કે તે પોતાના ગૃહસ્થાશ્રમની ફરજો બજાવવામાં નિષ્ફળ નીવડ્યા છે તેથી તેનું ધર્મનું આચરણ ફળદાયી નીવડતું નથી. ભીમ અને અર્જુનને તે કહેવડાવે છે કે હવે તેની ફરજ તેમની માતાના માનની રક્ષા કરવાની છે. નકુલ અને સહદેવને તે સંદેશો મોકલે છે કે જિંદગી બચાવા અને ભાગ્યાધીન હોવાની વો કરવા કરતાં સામર્થ્ય અને પરાક્રમથી જે વસ્તુ મેળવી શકાય એમ હોય તે વધારે પસંદ કરવા યોગ્ય છે. તે પોતાનો સંદેશ એમ કહીને પૂરો કરે છે કે યુધિષ્ઠિરની સમજશક્તિ અને સામાન્ય બુદ્ધિ બહેર મારી ગયેલ છે કારણ કે તે વધારે પડતા ધાર્મિકગ્રંથો વાંચ્યા કરે છે. તેની સલાહ યુદ્ધ ખેલી લેવાની છે.

કુન્તી વિદુરાની વાર્તા કહે છે. વિદુરાસિંધુ દેશની રાણી હતી. તેણે પોતાના પુત્રને હાકલ કરી હતી કે માનભંગ સહન કરીને સમાધાન કરી લેવું એના કરતાં મોતને ભેટવું વધુ સારું છે, કેમ કે એકક્ષણ માટે ઊભા થઈને પ્રકાશી ઊઠવાની ક્રિયા, લક્ષ્યહીન અને અપકીર્તિયુક્ત દીર્ઘ જીવન કરતાં વધારે સારી છે. કુન્તી પોતાના પુત્રોને કોઈ પણ ભોગે ગરીબી અને માનભંગની પરિસ્થિતિ ન સ્વીકારી લેવા હાકલ કરે છે. તેની એકમાત્ર શીખ છે યુદ્ધ માટે. આ કામ તેમણે પોતાના કુટુંબની પ્રતિષ્ઠાનું રક્ષણ કરવા માટે અને ચાલી ગયેલી કીર્તિ અને સમૃદ્ધિને પાછા મેળવવા માટે કરવાનું છે.

કુન્તી માત્ર એક પ્રસંગે નિર્બળ અને માનસિક રીતે અનિશ્ચિતતાની નિશાની બતાવે છે. તે પ્રસંગ છે યુદ્ધ પહેલાં તે પોતાના ત્યજી દીધેલા પુત્ર કર્ણને મળવા જાય છે તે. કર્મ અને અર્જુન વચ્ચે જે ભયંકર યુદ્ધ ખેલાશે તેનો વિચાર જ તેનામાં આવા લાગણીના યુદ્ધને પ્રેરે છે. માતાનું હૃદય એ યુદ્ધના વિચારથી ચોટ અનુભવે છે અને તે કર્ણને પાંડવોના પક્ષમાં આવી જવા માટે લાલચો બતાવે છે. પરંતુ કર્ણ પોતાની દુર્યોધન તરફી વફાદારીની બાબતમાં મક્કમ રહે છે અને પોતાને જન્મતાં વેંત જ નિર્દય રીતે ત્યજી દેવા માટે કડક શબ્દોમાં ઠપકો આપે છે. કર્ણ તેને પોતાના સ્વાર્થની ગણતરીમાં સાધતી કહે છે. કદાચ કુંતી આવા ઉપાલંભ માટે યોગ્ય નથી. અસહ્ય માણસિક સંઘર્ષ અનુભવતી માતા તરીકે તે આ બારામાં દરમ્યાનગીરી કરવાનું સ્વીકારે છે અને શરમ છોડી દઈને કૌરવો તથા પાંડવો વચ્ચે સમાધાન થઈ શકે એ માટે કર્ણને મળવાનું માથે લે છે. તે માને છે કે જો કર્ણ દુર્યોધનનો પક્ષ છોડી દેશે તો દુર્યોધન સમાધાન કરવા સંમત થશે. આમ આફતને નિવારી શકાશે અને બધા ભાઈઓ સુખશાંતિથી જીવી શકશે.

પરંતુ કુરુક્ષેત્રનું યુદ્ધ થયું જ અને અસંખ્ય યોદ્ધાઓ મૃત્યુ પામ્યા. આ યુદ્ધ પછી સોળ વરસે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી હિમાલય જવાનો નિર્ણય કરે છે. વિદુર અને સંજય તેમની સાથે જવા તૈયાર થાય છે. આ વાત સમજી શકાય તેવી છે કેમકે બંને જૂના રાજા માટે લાગણીનાં બંધન ધરાવતા હતા. પણ આ વખતે કુંતીનું વલણ વિસ્મય પ્રેરે તેવું છે કેમ કે આટલી યાતનાઓ સહન કર્યા પછી સુખચેનથી રહેવાનો મોકો તેને માંડ મળ્યો હતો. પરંતુ તેને સમૃદ્ધિ કે સત્તાનું આકર્ષણ કદી હતું જ નહિ આથી તે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી સાથે ચાલી નીકળે છે. યુધિષ્ઠિર અને ભીમ તેને વનવાસમાં ન જવા સમજાવે છે, પણ તે મક્કમ રહે છે અને કહે છે કે હવે તેની ફરજ વાનપ્રસ્થાશ્રમ કરવાની છે. પોતાના પુત્રોને તે ધર્મ પ્રિય એન ઉદાર બની રહેવા શિખામણ આપે છે. હિમાલયમાં પણ તે કદી પોતાના ભૂતકાળને યાદ કરતી નથી. રાજવી દંપતી પ્રત્યેની તેની ભક્તિ પણ આશ્ચર્ય પમાડે તેવી છે. તેના જીવનનો અંત પણ એના જીવન જેટલી જ ભવ્ય છે. તે દાવાનલમાં સ્થિર રહી મૃત્યુને ભેટે છે.

Total Views: 135

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.