માણસ એ ઈશ્વરનું સૌથી શ્રેષ્ઠ સર્જન માનવામાં આવેલ છે. પરંતુ કેટલીક વાર મીઠી મૂંઝવણ થાય છે કે આ શ્રેષ્ઠ સર્જન હોવા છતાં કેમ કનિષ્ઠની પેઠે વર્તન કરે છે! સાધારણ રીતે એમ માનવામાં આવે છે કે કેટલાંક લક્ષણોની બાબતમાં મનુષ્ય અને પશુની વચ્ચે કશો જ તફાવત નથી. પણ તો પછી મનુષ્યની માનવતા ક્યાં રહી? આ વાતનો ખુલાસો આપણા કવિ ભર્તૃહરિએ નિમ્નલિખિત શ્લોકમાં સરસ રીતે કર્યો છે :

આહાર નિદ્રાભયમૈથુનં ચ સામાન્યમેતદ્ પશુભિર્નરાણામ્ । ધર્મોહ્યેકોઽધિકો વિશેષો ધર્મેણ હીના: પશુભિ: સમાના: ॥

પશુઓ અને મનુષ્યની વચ્ચે આટલી વસ્તુઓ સામાન્ય છે (બંનેમાં મળતી હોય એવી છે); આહાર, નિદ્રા, ભય અને સંતાનોત્પત્તિ. પરંતુ મનુષ્યને તેનાથી જુદો પાડતું પરિબળ છે ધર્મ. જો માણસમાં ધર્મ ન હોય તો એ પશુસમાન જ છે.

હવે આ ધર્મ એ શબ્દ વ્યાખ્યા માગી લે તેવો ગહન છે. પરંતુ મહાભારતે એક સરલ વ્યાખ્યા આપી છે.

આત્મન: પ્રતિકૂલાનિ પરેષાં ન સમાચરેત્ ।

આપણને જે વર્તન ન ગમતું હોય એવું વર્તન કે આવરણ આપણે બીજા લોકો સાથે ન કરવું.

હવે આ વ્યાખ્યાના પ્રકાશમાં આપણે આપણા દરરોજના વ્યવહારોને તપાસીને તો એમ લાગ્યા વિના રહેશે નહિ કે આપણે આ વ્યાખ્યાનો ભંગ અવારનવાર કરતા જ રહીએ છીએ.

આ ‘ધર્મ’ શબ્દને બદલે કેટલીકવાર ‘નીતિ’ કે ‘નીતિમત્તા’ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. અંગ્રેજી ભાષામાં તેને માટે Moral અથવા Morality શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. અર્નેસ્ટ હેમિંગ્વે નામના લેખકે આની સાદી સમજ આપતાં કહ્યું છે :

 …What is moral is what you feel good after and what is immoral is what you feel bad after.

જે કામ કરી લીધા પછી તમને સારું લાગે તે નીતિમત્તાવાળું કામ અને જે કર્યા પછી તમને ખરાબ લાગે તે અનીતિમત્તાવાળું કામ.

દરરોજના જીવનમાં આ સિદ્ધાંત અપનાવવા જેવો છે. નીતિનું કામ એ છે કે જે કર્યા પછી આપણું હૃદય એક પ્રકારની સાત્ત્વિકતા અનુભવે, આનંદ અનુભવે અને આપણું જીવન સાર્થક થયું લાગે. હવે એનાથી ઊલટું જે કામકર્યા પછી આપણને એમ લાગે કે આપણે આ કામ ન કર્યું હોત તો સારું થાત. જે કામ કર્યા પછી આપણને ખરાબ લાગે અર્થાત્ આપણી જાત માટે માન ઓછું થઈ જાય એ અનીતિથી ભરેલું કામ છે.

આપણે જાણીએ છીએ કે દરરોજના જીવનમાં આપણે ઘણાં કામ એવાં કરીએ છીએ કે જેને માટે આપણી પાસે બહાનું હોય છે કે બધા લોકો આમ જ કરતા હોય છે. તો પછી આપણે કરવામાં શો વાંધો છે? અને એ કામ કરી નાખીને આપણે એક પ્રકારની રાજસી કે તામસી આનંદ અનુભવીએ છીએ.

આપણે આવી બાબતોમાં ભૂલી જઈએ છીએ કે પ્રવાહની સાથે તણાતા માણસો કદી મૂઠી ઊંચેરા બની શકતા નથી. આપણી પાસે આપણા વ્યક્તિત્વની સ્પષ્ટ ઓળખાણ હોવી જોઈએ. આને આપણે સ્વમાન કહી શકીએ. આ સંદર્ભમાં આપણે વિચારવું જોઈએ કે હું કંઈક જુદો છું. સામાન્ય માણસ જે કરે તે હું કેમ કરી શકું? હું અન્ય લોકો કરતાં કુટુંબ, સંસ્કાર, શિક્ષણ, પરિવેશ આદિની બાબતમાં ચડિયાતો છું. આવું આત્મભાન જાળવીને કામ કરવાની બાબતમાં લોરેન્સ સ્ટર્ન નામના ચિંતક કહે છે:

To have a respect for ourselves guides our morals; to have reverence for others governs our manners.

આપણી જાત પ્રત્યેનો આદર આપણને નીતિમત્તાનાં માર્ગ બતાવે છે; બીજા પ્રત્યેનું આપણું માન આપણને રીતભાતની બાબતમાં શાસન ભોગવે છે.

અહીં આપણે આપણી જાત વિશે જાણી લેવાની જરૂર છે. મારાથી અમુક વસ્તુ તો થાય જ નહિ, અમુક વસ્તુઓમાં હું બીજાથી જુદો પડું એવું મારું વર્તન હોવું જોઈએ. આવી નીતિપૂર્ણ વિચારસરણી માટે હેન્રી આડમ્સ નામના વિદ્વાન કહે છે :

Morality is private and costly luxury.

નીતિમત્તા એ ખાનગી અને કીમતી ભોગવિલાસ છે.

અહીં ખાનગી શબ્દ ધ્યાનમાં રાખવા જેવો છે. કેમ કે અહીં જાહેર પ્રદર્શનને કોઈ સ્થાન નથી. આ આપણા મનમાં જ સમજી લેવાની વાત છે. આ રીતે કામ કરવા જતાં આપણે એક પ્રકારની દિવ્યતા અનુભવીએ છીએ એની ના નહિ, પણ આપણે એક વાત યાદ રાખવી જોઈએ કે એ આનંદનું સ્થૂળ મૂલ્ય એ છે કે એ ભોગવવા માટે આપણે એની કીમત ચૂકવવી પડે છે. એ ચૂકવવાની આપણી તૈયારી હોય તો જ આપણે ટોળાથી જુદા તરી આવીએ.

આવું વ્યક્તિત્વ કેળવવા માટે આપણા શાસ્ત્રકારોએ દરરોજના જીવનમાં કામ લાગે તેવાં ધર્મનાં, નીતિમત્તાનાં કેટલાંક લક્ષણો તારવી આપ્યાં છે. એને આપણે જીવનમૂલ્યો પણ કહી શકીએ. મનુસ્મૃતિ કહે છે :

ધૃતિ: ક્ષમા દમોઽસ્તેયં શૌચમિન્દ્રિયનિગ્રહ: ।
ધીર્વિદ્યા સત્યમક્રોધો દશકં ધર્મલક્ષણમ્ ॥

ધૈર્ય, ક્ષમા, દમ, ચોરી ન કરવી, પવિત્રતા, ઈંદ્રિયો પર વિજય, શુદ્ધબુદ્ધિ, વિદ્યા, સત્યભાષણ અને અક્રોધ – ધર્મનાં આ દશ લક્ષણો છે.

આપણે આપને બધાં વર્ણોનો ધર્મ (સાર્વવર્ણિક ધર્મ) કહી શકીએ.

ધૃતિ: ધૈર્ય- ધીરજ. કોઈ પણ કાર્યનાં સારાં ફળ મેળવવા માટે ધીરજ રાખવી જરૂરી છે. આપણે જાણીએ છીએ કે ઉતાવળે આંબા પાકતા નથી. આ ગુણ કે લક્ષણને જીવનમાં સાકાર કરનાર માણસને ધીર કહેવામાં આવે છે. અને એની વ્યાખ્યા આપતાં મહાકવિ કાલીદાસ કહે છે :

વિકારહેતૌ સતિ વિક્રિયન્તે યેષાં ન ચેતાંસિ ત એવ ધીરા: ।

વિકાર (મન બગડવાનું) કારણ મોજૂદ હોય તે છતાં જેનું ચિત્ત વિકાર પામતું નથી, તે ધીર કહેવાય છે.

ક્ષમા – માફ કરી દેવું. આપણે જાણીએ છીએ કે To err is human, to forgive, divine.

 – ભૂલચૂક કરવી એ માનવસહજ વસ્તુ છે. તેને માફ કરી દેવી એ દિવ્યતા છે.

દમ – ઇન્દ્રિયદમન, આત્મસંયમ, પોતાની જાત પર કાબૂ. એક અંગ્રેજી કવિ ફિલિપ મેસિંજર આ કાબૂ વિશે લખે છે :

He that would govern others, first should be the master of himself.

જે માણસ બીજા પર શાસન કરવા માગતો હોય, તેણે પોતાની જાત પર કાબૂ ધરાવનાર બની રહેવું જોઈએ. કોઈ પણ પ્રકારની સાધના માટે ઇન્દ્રિયો પરનો કાબૂ-સંયમ-અગત્યનો છે.

અસ્તેયમ્ – ચોરી ન કરવી. ચોરી અનેક પ્રકારની થઈ શકે છે. એક નાનકડો દાખલો લઈએ તો ઢીલને સમયનો ચોર કહેવામાં આવે છે :

Procrastination is the thief of time; year af-ter year it steals, till all are fled. (Edward Young)

– કામને ઢીલમાં નાખવું એ સમયની ચોરી છે. બધાં જ વરસો છટકી જાય ત્યાં સુધી એ તેની ચોરીને ચાલુ રાખે છે.

આ મુલતવી રાખવાનાં માઠાં ફળ આપણે વ્યક્તિગત તેમજ રાષ્ટ્રિય કક્ષાએ ભોગવીએ છીએ.

આજના કરચોરી, કામચોરી, પરીક્ષામાં ચોરી વગેરેનાં વ્યાપક દૂષણો જ્યારે સમાજને ઘેરી વળ્યાં છે, ત્યારે આ અસ્તેય ના મૂલ્યની આપણને ખબર પડે છે.

શૌચમ્ – શુચિતા, પવિત્રતા. આ પવિત્રતા કે શુચિતા બે પ્રકારની હોય છે. એક આંતરિક અને બીજી બાહ્ય. દરરોજના જીવનમાં માત્ર બાહ્ય ટાપકટીપક પૂરતી છે એમ માનીને ચાલવામાં આવે છે. પરંતુ તેટલું પૂરતું નથી. એ તો જરૂરી છે જ. પરંતુ હૃદયની શુચિતા વિશે બાઈબલમાં એક સરસ વાક્ય આવે છે :

Blessed are the pure in heart: for they shall see God. (New Testament)

હૃદયની શુદ્ધિ ધરાવનારા લોકો ધન્ય છે, કેમ કે તેઓ ભગવાનનાં દર્શન કરી શકશે.

આવાં વિધાનો સ્વયં સ્પષ્ટ હોય છે. પરંતુ તેનું મહત્ત્વ કેટલું છે તેની આપણને ખબર પડે છે કે આપણા પૂર્વજોએ એને દૈનંદિન ધર્મનાં અંગોમાં સ્થાન આપ્યું છે.

ઈન્દ્રિયનિગ્રહ – ઇન્દ્રિયો પરનો સંયમ. આ ધર્મ લક્ષણને એક ઠેકાણે પૂજાનાં સાચાં ફૂલોમાં સ્થાન આપતાં કહેવામાં આવ્યું છે – અહિંસા પ્રથમં પુષ્પં દ્વિતીયમ્ ઈન્દ્રિયનિગ્રહ: – પૂજામાં પહેલું ફૂલ અહિંસા છે અને બીજું ઇન્દ્રિયો પરનો કાબૂ છે.

ધી: – શુદ્ધ બુદ્ધિ. આપણે ત્યાં બુદ્ધિભ્રષ્ટ હોવું એ એક ગાળ ગણાય છે. આથી બુદ્ધિની શુચિતા, શુદ્ધિ એ વખાણવા જેવો ગુણ છે. બુદ્ધિનું એક ભયસ્થાન દર્શાવતાં ઝેંગપિલ નામના ચિંતક લખે છે :

Intellect obscures more then it illumines.

બુદ્ધિ કોઈ વસ્તુ પર પ્રકાશ ફેંકે છે તેના કરતાં તેને ઢંકાયેલી વધુ રાખે છે.

આજે સાચાને ખોટું અને ખોટાને સાચું ઠરાવવા માટે જે સર્વોચ્ચ કક્ષાના માણસો રોકાયેલા છે, તે જોતાં સામાન્ય માણસની બુદ્ધિ બહેર મારી જાય છે.

સાચી બુદ્ધિમત્તા (કે પ્રતિભાની) બાબતમાં અબ્રાહમ લિંકન કહે છે :

Towering genius disdains a beaten path. It seeks regions hitherto on unexplored.

વિરાટ પ્રતિભા ચીલાચાલુ માર્ગને ધિક્કારે છે. હજી સુધી હટીને પ્રયત્ન કરવા જેવો છે.

વિદ્યા – આપણી સંસ્કૃતિમાં વિદ્યા બે પ્રકારની માનવામાં આવી છે. પરાવિદ્યા અને અપરાવિદ્યા; અથવા વિદ્યા અને અવિદ્યા. જે પરમાત્માનું દર્શન કરાવી શકે તે વિદ્યા અથવા પરા વિદ્યા કહેવાય છે અને જે સંસારને જ સર્વસ્વ માની લે તે અવિદ્યા અથવા અપરાવિદ્યા છે.

આ વિદ્યા વિશે Catherall કહે છે :

Three foundations of learning – seeing much, suffering much, and studying much.

વિદ્યાના ત્રણ પાયા છે – પહેલું : ખૂબ જોવું, અવલોકન કરવું; બીજું : ખૂબ સહન કરવું અને ત્રીજું: ખૂબ અભ્યાસ કરવો.

અહીં આપણી પાસેથી કયા પ્રકારની વિદ્યાની અપેક્ષા રાખવામાં આવી છે, તે સ્પષ્ટ બની જાય છે.

પણ અંગ્રેજી સાહિત્યમાં એક કહેવત આ વિદ્યાના બેધારાપણા પર સાચો પ્રકાશ ફેંકે છે.

Learning makes a good man better and an ill man worse.

વિદ્યા સારા માણસને વધારે સારો બનાવે છે અને દુષ્ટને વધારે ખરાબ બનાવે છે.

આમાં પસંદગી આપણી છે.

સત્યમ્ – સાચું. મહર્ષિ અરવિંદે આધ્યાત્મિકતા કેળવવામાં સત્યની શી ભૂમિકા છે, તે બતાવતાં લખ્યું છે :

Truth is the foundation of real spirituality and courage is its soul.

સાચી આધ્યાત્મિકતાનો પાયો સત્ય છે અને અભય (હિંમત) એ તેનો આત્મા છે. આમ અભય અને સત્ય કેવાં અવિભાજ્ય રીતે સંકળાયેલાં છે, તે સમજાવી દે છે.

પરંતુ આ સત્યનો માર્ગ અડગ શ્રદ્ધા માગી લે છે. તેના વિશે નીચેનાં વિધાનો ધ્યાનમાં રાખવા જેવાં છે :

(૧) Truth is mighty and will prevail. (Thomas Brooks)

સત્ય બળવાન છે અને તેનો વિજય થશે જ.

(૨) Truths and roses have thorns about them.

સત્યો અને ગુલાબોની આસપાસ કાંટા રહેલ હોય છે. સત્યનો માર્ગ કંટકરહિત નથી.

ગાંધીજીએ પોતાના સત્યના પ્રયોગો કરીને સત્યની વિભાવનાને એક આગવું પરિણામ બક્ષ્યું છે. એ વાત પણ અત્રે યાદ રાખવી જરૂરી છે.

અક્રોધ – ક્રોધનો અભાવ. ક્રોધ વિશે કહેવામાં આવ્યું છે કે એ ટૂંકાગાળાનું ગાંડપણ છે. જો આપણે એને કાબૂમાં ન રાખીએ તો એ આપણા પર કબજો જમાવી દે છે. ક્રોધ વિશે એક નિરીક્ષણ એવું છે કે ક્રોધમાં આવેલો માણસ પોતાનું મોઢું ખોલે છે અને આંખોને બંધ કરી દે છે. કેમ કે આપણે ક્રોધ કરીને બીજાના દોષોનો બદલો આપણા પર વાળતા હોઈએ છીએ. આથી ક્રોધની બાબતમાં એરિસ્ટોટલનું વિધાન યાદ રાખવા જેવું છે.

The man who gets angry at the right things and with the right people, and in the right way and at the right times and for the right length of times is commended.

જે માણસ સાચી બાબતો માટે અને યોગ્ય લોકો પર અને સાચી રીતે, સાચા સમયે અને સાચા સમયના ગાળા માટે ગુસ્સે થાય છે તે પ્રશંસા કરવા યોગ્ય છે.

આમ ગુસ્સાને તેનું પોતાનું મહત્ત્વ છે. પણ બધું મર્યાદામાં થાય એ ઇચ્છવા જેવું છે. આથી ક્રોધનો અભાવ એ ધર્મનું લક્ષણ બની રહે છે.

અહીં એ બતાવવાનો આશય છે કે નીતિમત્તા કે નૈતિકતા એ કોઈ એકલદોકલ ગુણ નથી. કેટલાયે સદ્ગુણોનું રસાયણ આ એક ગુણમાં થયેલું છે. એને ખ્યાલમાં રાખીને વિચારશીલ માણસે પોતાનો જીવનમાર્ગ કંડારવો જોઈએ.

આ બધા વિચારોની ગંગોત્રી બની રહે તેવા સ્વામી વિવેકાનંદનાં નિમ્નલિખિત વિધાનો ધ્યાનમાં રાખીને આગળ વધવા જેવું છે :

‘જિંદગીમાં એક મહાન આદર્શને સ્વીકારવો અને પછી આખું જીવન એને માટે સમર્પણ કરવું એ એક મહાન વસ્તુ છે. નહિતર, હેતુ વિનાના ક્ષુદ્ર માનવજીવનની કીમત શી છે? એક મહાન આદર્શની ખાતર એને સમર્પણ કરી દેવી, એ એક જ જિંદગીનું ખરું મૂલ્ય છે.’

Total Views: 48

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.