કોઈ પણ કાર્ય ક્યારે કરવું અને ક્યારે ન કરવું, એ વિશે આપણા મનમાં સતત ગડમથલ ચાલ્યા જ કરતી હોય છે. કવિઓ અને સંતો એમાં આપણને માર્ગદર્શન પૂરું પાડે છે. આવા એક અંગ્રેજ સંત કવિ ચાર્લ્સ મેકેના માર્ગદર્શન વિશે જોઈએ. માણસના જીવનમાં ક્વચિત્ ભાગ્ય ફૂલડાં વેરી દેતું હોય છે. એ વેળાએ વિલંબ ન જ કરવો જોઈએ. એ વિશે કવિ કહે છે.

If fortune, with a smiling face, throw roses on our way, when shall we stop to pick them up ? To-day my friend, today.

– જો ભાગ્ય સ્મિત કરીને આપણા માર્ગમાં ગુલાબ પાથરી દે તો આપણે એને ઊંચકી લેવા માટે ક્યારે રોકાઈ જઈશું ? આજે, મિત્ર, આજે.

ભાગ્ય આપણી સામે સ્મિત કરે છે, એ વાતને પારખવાની આવડત બહુ ઓછા માણસો પાસે હોય છે. તેઓ પોતાની જૂની ગતિએ જ જીવનમાર્ગ કાપ્યા કરે છે અને ભાગ્યની યારીથી અપરિચિત રહી જાય છે. આથી કવિ કહે છે કે જો ભાગ્ય આપણા માર્ગને સરળ બનાવી રહ્યું હોય તો આપણે એનો લાભ તરત જ ઉઠાવી લેવો જોઈએ.

પણ ભાગ્યની લીલા અકળ હોય છે. તે ક્વચિત્ આપણી સામે પોતાની ભ્રૂકુટિ પણ ચડાવે છે. તે વખતે આપણે દિલગીર થવું પડે છે. એની લીલાને માથે ચડાવવી પડે છે. હવે એ દુઃખ અનુભવવાનું જ હોય, સહન કરવાનું જ હોય તો એનો અનુભવ ક્યારે લઈશું ? કવિનું માર્ગદર્શન છે –

But should she frown with face of care And talk of coming sorrow, When shall we grieve, if grieve we must ? Tomorrow friend, tomorrow.

પણ ચિંતાતુર ચહેરે તે કદાચ આપણી સામે ભવાં ચડાવે અને ભવિષ્યમાં આવી પડનાર શોકજનક પ્રસંગની વાત કરે તો એ વખતે કદાચ આપણે દુ:ખ અનુભવવું પડે તો આપણે એ ક્યારે કરીશું? આવતી કાલે,મિત્ર, આવતી કાલે.

ભાગ્યમાં હંમેશા સુખ અને આનંદના જ પ્રસંગો નથી લખ્યા હોતા. કેટલીક વાર દુઃખના, ગમગીનીના, શોકના પ્રસંગો પણ આવી જ જતા હોય છે. એ વખતે આપણે વિચલિત ન જ થવું જોઈએ. પણ જો વિચલિત થયા વિના ન જ ચાલે તો એ પરિસ્થિતિને આપણે આવતી કાલ પર મોકૂફ રાખીએ. આવતી કાલની ચિંતામાં આપણે આપણી સુખપૂર્ણ આજને તો ન જ બગાડીએ.

જીવનમાં હંમેશા ન્યાય જ મળે છે, એવું બનતું નથી, કેટલીક વાર લોકો આપણને ન ગમે તેવાં કાર્યો કરીને આપણને નુકસાન પણ પહોંચાડે છે. પછી આપણી પાસે દયાની પ્રાર્થના કરે છે. આપણે તેમને માફી આપી દેવી જોઈએ. એ કામ ક્યારે કરવું એ વિષે વાત કરતાં કવિ સૂચન કરે છે.

If those who’ve wronged us own their fault And kindly pity pray, When shall we listen and forgive ?To-day, my friend, to-day.

– જો કોઈ માણસોએ આપણને નુકસાન કર્યું હોય, અને હવે તેઓ આપણને દયા માટે આજીજી કરતા હોય, તો આપણે તેમના શબ્દો ક્યારે સાંભળીશું અને એમને ક્ષમા ક્યારે આપીશું ? આજે, મારા મિત્ર, આજે.

માણસ આવેશમાં આવી જઈને કોઈકને નુકસાન કે અન્યાય કરી બેસે છે. આ આવેશ કે ઉશ્કેરાટ પછી તે પોતે જ ધિક્કારનું પાત્ર બની જાય છે, એનો ભોગ બનેલો મનુષ્ય નહીં. પોતાનાં દુષ્કૃત્ય માટે એને પસ્તાવો થાય છે અને એ ક્ષમા માગવા તૈયાર થઈ જાય છે, ક્ષમાયાચના કરનાર માણસના અંતરમાં દૈવી સંપત્તિ જ આકાર લઈ રહી હોય છે. તેનું સુયોગ્ય રીતે સ્વાગત કરી લેવું જોઈએ. એમાં વિલંબ કરવો ન પાલવે. એ કામ આજે ને અત્યારે જ કરી લેવું જોઈએ, કેમ કે સારા વિચારો ક્યારેક ક્ષણજીવી નીવડતા હોય છે.

કેટલીક વાર આપણે પણ લોકોને ઠપકો આપવો પડે એવા સંજોગો ઊભા થતા હોય છે. એ પ્રક્રિયામાં આપણા જૂના અનુભવો ગરમી પૂરી પાડતા હોય છે. આ કામ ક્યારે કરવું ? આ બારામાં કવિનું દર્શન કહે છે :

But if stern justice urge rebuke And warmth from memory borrow When shall we chide, if chide we dare? To-morrow, friend tomorrow.

કડક ન્યાયના સિદ્ધાંતને અનુસરીને આપણે ક્યારેક કોઈકને ઠપકો આપવો જ પડે અને એમાં આપણને આપણા ભૂતકાળના અનુભવો સાક્ષી પૂરતા હોય તો આપણે કસૂર કરનારને ઠપકો ક્યારે આપીશું ? ઠપકો આપવાની આપણામાં હિંમત હોય તો ? આવતી કાલે, મિત્ર, આવતી કાલે.

માણસ હંમેશા ક્ષમાશીલ રહી શકતો નથી. એણે પણ ક્યારેક કોઈક માણસને ઠપકો આપવો પડે છે. આપણે જાણીએ છીએ કે આ માણસે ભૂતકાળમાં પણ આવાં ઘણાં ખોટાં કામ કર્યાં છે. પરંતુ સોનેરી નિયમ એ છે કે એને ક્ષમા જ આપી દેવી. પણ ક્ષમા ન જ આપી શકાય અને બે કડવાં વેણ કહેવાં જ પડે તો એ કામ કરવામાં ઉતાવળ ન જ કરવી. એને ખુશીથી આપણે આવતી કાલ સુધી થંભાવી દઈ શકીએ, થંભાવી દેવું જોઈએ.

આપણે લીધેલું દેવું – ઉપકાર – પાછું વાળવાનું હોય અને આપણા ઉપર ઉપકાર કરનારને આપણી પાછા વાળવાની વિલંબી નીતિથી નુકસાન થતું હોય, તો આપણે એને ન્યાય કરવાની બાબતમાં ઢીલ ન જ કરવી જોઈએ. એ નિયમની યાદ અપાવતાં કવિ કહે છે –

If those to whom we owe a debt Are harmed unless we pay, When shall we struggle to be just ? To-day, my friend, to-day.

– આપણે જો કોઈનો ઉપકાર લીધો હોય અને આપણે જો કૃતજ્ઞતા ન દાખવીએ તો તેમને નુકસાન થતું હોય, તો એ વખતે તેમને ન્યાય આપવો જોઈએ, એને માટે મથામણ કરવી જોઈએ. આપણે એ ક્યારે કરીશું ? આજે મારા મિત્ર, આજે.

કૃતજ્ઞતા દાખવવી એ સમગ્ર જીવસૃષ્ટિનું કર્તવ્ય છે. કૃતજ્ઞતા દાખવવાની બાબતમાં કદી વિલંબ ન જ કરવો જોઈએ. આ પરમ કર્તવ્ય આજે જ અને અત્યારે જ બજાવી દેવું જોઈએ. સામો માણસ એ માગવા આવે એની કદી રાહ ન જોવી જોઈએ.

પણ સમાજમાં કૃતજ્ઞતા એ એક દુર્લભ ગુણ છે. માણસો ઉપકાર લઈને પછી એ પાછો વાળવામાં અનેક બહાનાં કાઢતા રહે છે. એ વખતે આપણને તેમની કૃતઘ્નતા કે વિશ્વાસઘાત અવશ્ય અસહ્ય લાગે છે. પણ આપણે એ સહન કરી લેવાં જોઈએ અને એની સામે આપણો પ્રતિભાવ પ્રકટ કરવામાં વિલંબ કરવો જોઈએ. એમ કવિ માને છે –

But if our debtor fail our hope And plead his ruin through When shall we weigh his breach of faith? To-morrow friend, tomorrow.

– પણ કદાચ આપણો લેણદાર – આપણે જેના પર ઉપકાર કર્યો હોય, તે માણસ આપણી આશા કે અપેક્ષા પૂરી કરવામાં નિષ્ફળ નીવડે અને એવી દલીલ કરે કે હું તો સાવ પાયમાલ થઈ ગયો છું, તો આપણે તેના વિશ્વાસઘાતનાં લેખાંજોખાં ક્યારે કરીશું ? આવતીકાલે, મિત્ર,આવતી કાલે.

આપણે કોઈ પર ઉપકાર કર્યો હોય, તો તેના બદલા માટે કદી ઉતાવળ ન કરવી એવા નૈતિક મૂલ્યની કવિ અહીં પ્રસ્થાપના કરી રહ્યા છે. ઉપકારનો બદલો ન વાળવો અને એ ન વાળવા માટે ગલ્લાંતલ્લાં કરવાં એ વિશુદ્ધ વિશ્વાઘાત છે. તેનાં લેખાંજોખાં કરવામાં આપણે કદી ઉતાવળ ન કરવી જોઈએ. એ કામ આવતી કાલ પર મુલતવી રાખવામાં કશું જોખમ નથી.

સત્કાર્યો અને નિર્દોષ આનંદોને જીવનમાં તેમનું પોતાનું સ્થાન છે. તેમના વિશે આપણે સત્વરે પગલાં લેવાં જોઈએ. આ બાબતમાં કવિનું સૂચન છે

For virtuous acts and harmless joys The minutes will not stay, We have always time to welcome them To-day, my-friend, today.

– સત્કાર્યો અને નિર્દોષ આનંદો માટે સમય થંભી જતો નથી. આપણે આજે જ તેમને માટે સમય મેળવી લઈ તેમનું સ્વાગત કરી લેવું જોઈએ. આજે, મારા મિત્ર, આજે.

આપણા મનમાં સારા કાર્ય માટે વિચાર આવે કે તરત જ તેના અમલીકરણ માટે સમય મેળવી લેવો જોઈએ. નિર્દોષ આનંદનું પણ એવું જ છે. સમય તો પોતાની સ્વાભાવિક ગતિથી જ પસાર થતો રહે છે. આથી જ સાત્ત્વિક કાર્યો અને નિર્ભેળ, નિર્દેશ, બિન નુકસાનકારક આનંદ માટેની પળોનું તાત્કાલિક સ્વાગત કરી લેવામાં જ ડહાપણ અને સમજદારી રહેલાં છે. એવું કવિનું મંતવ્ય અહીં પ્રગટ થાય છે.

પરંતુ સત્કાર્યોથી અને નિર્દોષ આનંદોથી જુદા જ પ્રકારનાં જીવન મૂલ્યો પણ અસ્તિત્વ ધરાવે છે. તેમનું યે સ્વાગત કરવું જ પડતું હોય છે. તેમના વિશે કવિનો અભિપ્રાય જાણવા જેવો છે :

But care, resentment, angry words, And unawailing sorrow, come far too soon if they appear To-morrow, my friend, tomorrow.

પરંતુ ચિંતા, રીસ, રોષના શબ્દો અને નિરર્થક શોક પ્રસંગો આવ્યા જ કરતા હોય છે. જો તેઓ દેખાય તો તેમનું પણ સ્વાગત આપણે કરીશું પણ તે આવતી કાલે, મિત્ર આવતી કાલે.

ચિંતાના પ્રસંગો, ગમા-અણગમાને લીધે ચડતી રીસ કે ગુસ્સામાં ઉચ્ચારાઈ જતા શબ્દો અને શોક કરવાથી કાંઈ ફળ મળવાનું ન હોય, તેવા દુઃખના પ્રસંગો આવે છે, એવું આપણને જણાય, તો સ્વાગત કરવા માટે આપણે ઉતાવળ ન કરીએ. એ બધાંને જીવનમાં આવકાર અવશ્ય છે જ. એ પણ જીવન પ્રવાહનો એક તરંગ છે. પણ તેનો અમલ કરવામાં કવિ વિલંબ કરવાની નીતિ અપનાવવાની શીખ દે છે.

આ કાવ્ય દ્વારા કવિએ કેટલાંક જાળવી રાખવા જેવાં જીવનમૂલ્યો કે જીવન સિદ્ધાંતોની મનનીય ચર્ચા કરી છે. કેટલાંક કાર્યો જલદી જલદી કરી નાખવા જેવાં હોય છે, એના માટે કવિનું પ્રતીક છે ‘આજ’, કેટલાંક કાર્યો કે જીવન મૂલ્યો આવતી કાલે કે ભવિષ્ય પર ઠેલી શકાય તેવાં હોય છે. તેમને માટે કવિએ પ્રતીક અપનાવ્યું છે. ‘આવતી કાલ’

પરંતુ કવિનો પક્ષપાત (કે પ્રેમપાત) દેખાઈ આવે છે આજે જ કરવાનાં કાર્યો તરફ. આનું પ્રમાણ છે ‘T0 day my friend to-day’ એ પંક્તિમાં આવતું ‘ફ્રેન્ડ’ શબ્દની સાથે આવતું ‘માય’ વિશેષણ અહીં જાણે કે કવિ આત્મીયતાપૂર્વક આપણને તેમની શીખ સ્વીકારી લેવાની વિનંતી કરે છે. કવિએ આવતી કાલ પર મુલતવી રાખી શકાય તેવાં, રાખવાં જોઈએ તેવાં, કાર્યોની યાદી માટે જે વાક્યાંશ યોજ્યો છે, તેમાં સંબોધિત માત્ર ‘ફ્રેન્ડ’ જ છે. અહીં કવિની તટસ્થતાનું આપણને દર્શન થાય છે. કવિ શિખામણ આપવાનું પોતાનું કર્તવ્ય બજાવી દે છે. એનો અમલ કરવો કે નહીં; તે વાત એ મિત્રની મરજી પર છોડી દેવા કવિ તૈયાર છે.

અહીં યોજવામાં આવેલી ભાષા તદન સરલ અને પ્રાસાદિક છે. જીવનની આચારસંહિતા તરફ કવિ – આંગળી ચીંધે છે. એનો અમલ કરીને આપણે આપણા જીવનને ઉદાત્ત બનાવી શકીએ છીએ.

Total Views: 43
By Published On: February 1, 2012Categories: Chandubhai Thakaral0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram