દરેક માણસ સુખની શોધમાં હોય છે. માણસ પોતાની પ્રકૃતિ પ્રમાણે જુદા જુદા ઠેકાણે, જુદી જુદી વસ્તુઓમાં, જુદી જુદી પરિસ્થિતિઓમાં સુખની શોધ કરતો રહે છે.

પરંતુ લાઈનસ ફરેરા નામના ચિંતક સુખની શોધ ઘરમાં કરવાની સલાહ આપે છે અને તે મેળવવાની ચાવીઓ પણ બતાવે છે.

  1. Never try to discipline your child when angry.

– જ્યારે ગુસ્સામાં હો ત્યારે બાળકને શિસ્તના પાઠ ભણાવવાનો કદાપિ પ્રયાસ ન કરો. ગુસ્સો નાના મોટા સૌને ભાન ભુલાવી દેતો હોય છે. મોટાં પોતાના ગુસ્સામાં બાળકને ગમે તેમ સંભળાવી દેતાં હોય છે; પરંતુ આ ચિંતકો માને છે ઊભયપક્ષે જ્યારે ગુસ્સાનું સામ્ર્રાજ્ય પ્રવર્તતું હોય ત્યારે બાળકને શિસ્તનો પાઠ ભણાવી દેવાનું સાહસ કરવું નહીં. બાળક નાનું છે. પરતંત્ર છે, એ વાત સાચી છે; પરંતુ તેથી કાંઈ તેના વ્યક્તિત્વને નકારી શકાય એમ નથી. આથી કદાચ ડરથી બાળક તાબે થઈ જાય પણ તે શિસ્તબદ્ધ થઈ ગયું છે એમ નહીં કહી શકાય.

  1. Make your self approchable

તમારી પાસે ઘરના સભ્યો સહેલાઈથી આવી શકે એવું વ્યક્તિત્વ બનાવો.

કેટલાક વડીલો એવા દુર્વાસા જેવા હોય છે, કે તેમની પાસે ઘરના માણસો પણ જતાં ડરતા હોય છે. ખાસ કરીને બાળકોની બાબતમાં આ વાત સો ટકા સાચી છે. કેમ કે બાળકો મોટેરાંના હાવભાવ પરથી એમનાં હૃદયને પારખી જતાં હોય છે. જો બાળકોને માટે આપણે સહેલાઈથી મળી શકાય એવા ન બની શકતા હોઈએ તો ઘરમાં બાળકો કે અન્ય સભ્યો હોય કે ન હોય, કંઈ બહુ ફરક પડતો નથી. આથી ચિંતકની સલાહ છે કે તમે તમારું વ્યક્તિત્વ એવી રીતે ઘડો કે જેથી ઘરનું કોઈ પણ માણસ તમારી પાસે આવતાં સંકોચ ન અનુભવે.

વધારે પડતો કડપ માણસને વાત છુપાવવા પ્રેરે છે. કુટુંબનો સભ્ય છૂટથી વાત કરી શકતો નથી અને આ રીતે છુપાવી રાખેલી વાત અનેકાનેક વિકૃતિઓ રૂપે પ્રકટ થાય છે. આથી આપણે એવું વ્યક્તિત્વ કેળવીએ કે આપણા ઘરના સભ્યોને એમ લાગે કે આ માણસ આપણો સ્વજન છે, મિત્ર છે, રક્ષક છે. આવા માણસને માટે અન્યત્ર સુખ શોધવાની જરૂર રહેતી નથી.

  1. Don’t keep repeating the wrong your child has done

તમારા બાળકે જે કાંઈ ખોટું કામ કર્યું હોય તે ફરી ફરીને તેને કહી ન બતાવો.

આપણે જાણીએ છીએ કે ભૂલ કરવી એ માનવનો સ્વભાવ છે. નાનાં મોટાં સૌથી ભૂલો થયા જ કરતી હોય છે. આથી ભૂલ એ આપણી દુ:ખતી રગ બની જાય છે. આપણને પોતાને એ ભૂલ ખટકયા જ કરતી હોય છે; પરંતુ આપણે રીઢા બની ગયા હોઈએ છીએ, તેથી કોઈ વારંવાર એની યાદ આપણને આપ્યા કરે તો આપણે ન ગમતું હોવા છતાં એને સહન કરી લઈએ છીએ અથવા એક યા બીજી રીતે એનો પ્રતિકાર કરી લેતા હોઈએ છીએ.

બાળકની વાત જરાક જુદી છે. એનું હૃદય કોમળ હોય છે, એ રીઢું બનેલું હોતું નથી. તેથી તેને જો તેની ભૂલની વારંવાર યાદ અપાવ્યા કરીએ તો એના મનમાં એવી ગ્રંથિ બંધાઈ જાય છે કે હું આવો જ છું. હું આવા વ્યક્તિત્વને લીધે કદાપિ સુધરી શકીશ જ નહીં. અને કોઈ પણ બાળકને પોતાનું ઉજ્જવળ ભવિષ્ય હોય છે જ. આથી બાળકની પાસેથી આપણે સુખની અપેક્ષા રાખતા હોઈએ તો એને એની ભૂલ બતાવી બતાવીને આપણે એને બુઠ્ઠો ન બનાવી દઈએ.

  1. Do not think that money can be a substitute for your love.

એમ ન માની લો કે પૈસા એ તમારા પ્રેમનો – વાત્સલ્યનો વિકલ્પ છે. તમે પૈસા ખર્ચી નાખ્યા એટલે પત્યું. તમારે તમે જેને માટે પૈસા ખર્ચો છો, તેને તમે પ્રેમ નહીં આપો કે વાત્સલ્ય નહીં આપો તો ચાલશે એમ માનવું ભૂલ ભરેલું છે.

આજે ગમે તેમ પણ ખૂબ વ્યસ્ત રહેતાં માબાપ કે દંપતી એમ માનીને ચાલે છે કે આપણે પૈસા દ્વારા ઘરના સભ્યની જરૂરિયાત પૂરી પાડી દઈએ એટલે આપણા કર્તવ્યની ઈતિશ્રી આવી જાય છે.

પરંતુ આ ચિંતક માને છે કે માત્ર સ્થૂળ જરૂરિયાતોની પૂર્તિ જ પૈસા દ્વારા થતી હોય છે. બાળક કે અન્ય સભ્યોની ઝંખના જુદા જ પ્રકારની હોય છે. એમની કામના હોય છે પ્રેમભર્યા સ્પર્શની, વાત્સલ્યભર્યા બે શબ્દોની.

ભગવાન પાસે ભક્તિની ચાહના હોય છે. હે ભગવાન મારે સ્થૂળ જરૂરિયાતો સંતોષે તેવા વરદાનની કોઈ જરૂર નથી. મારે તો જોઈએ છે માત્ર તમે મારા હૃદયમાં આવીને વસો એ જ અથવા એક અત્યંત વ્યસ્ત પિતાનો બાળક એને પૂછે છે; પિતાજી આપને કલાકનું વેતન કેટલું મળે છે? પિતા પોતાનું વેતન કહે છે, ત્યારે બાળક કહે છે પિતાજી મારી પાસે એથી અડધી રકમ ખિસ્સાખર્ચીમાંથી બચાવેલી છે અને અડધી મને આપો તો હું તમને એ વેતન આપી દઉં પણ તમે મને એક કલાક પ્રેમથી વાતો કરવા માટે આપો. મારી સાથે એકાદ કલાક પસાર કરો.

આ દિશામાં પણ સુખની શોધ કરવા જેવી ખરી.

  1. Never compare your child with others.

તમારા બાળકની સરખામણી અન્ય સાથે ન કરો. મોટા ભાગનાં માબાપની એ આદત હોય છે કે તેઓ પોતાનાં બાળકોની તુલના અન્યનાં બાળકો સાથે કરતાં રહે છે. તુલનાનો આ એક પ્રકાર છે. બીજો પ્રકાર છે પોતાનાં જ અન્ય બાળકો સાથે એકાદ બાળકની તુલના કરવી.

આ બંને પ્રકારો નિંદાપાત્ર છે. આમ કરવાથી બાળકને એમ લાગે છે કે મારાં માબાપને મન બીજાં બાળકો અથવા બીજાનાં બાળકો જ સારાં છે. તેમને મન મારી તો કોઈ ગણતરી જ હોતી નથી.

બાળકોની તુલના કરીને માબાપ જે મેળવી શકતાં હોય, તે તો તેઓ જ જાણે. પણ તેઓ બાલમાનસમાં એક વિષવેલ વાવી દે છે, એ વાતમાં કોઈ શંકા નથી. કેમ કે આ પ્રવૃત્તિમાં તેઓ બાળકને મન તો અકારાં થઈ જાય છે. તદુપરાંત તે બાળક અન્ય બાળક વિષે પણ અદેખાઈ કરતું થઈ જાય છે.

બાળકને આ પ્રવૃત્તિથી ગ્રંથિ બંધાઈ જાય છે કે મારાં માબાપ બીજા માટે પક્ષપાત દાખવે છે. આ વૃત્તિ જ ભવિષ્યની અનેક સમસ્યાઓનું ખાતમુહૂર્ત કરી દે છે. પરિણામે ઘરનું સુખ, ઘરની શાંતિ જોખમમાં મુકાઈ જાય છે.

અહીં ચિંતકે FAMILY શબ્દને ઘરના પર્યાય તરીકે યોજીને એ શબ્દને શાબ્દિક રમતની રીતે ઘટાવવાનો પ્રયત્ન કર્યો છે. એ રમત છે Father and Mother I Love you.

બા અને બાપુજી, મમ્મી અને પપ્પા હું તમને ચાહું છું. આપણે આ દિશામાં કંઈક કરીશું ખરાં?

Total Views: 12

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.