આપણી સંસ્કૃતિએ માતાનું ગૌરવ-ગુરુપણું-સ્વીકારતાં કહ્યું છે : સહસ્રં તુ પિતૃન્‌ માતા ગૌરવેણાતિરિચ્યતે । ગુરુપણાની બાબતમાં હજાર પિતાઓ કરતાં માતા ચડિયાતી બની રહે છે.

સંતાનોની બાબતમાં માતાપિતાની સંયુક્ત જવાબદારી સ્વીકારવી જ પડે એમ છે. પરંતુ પિતા કરતાં માતાના સંપર્કમાં કે સંસર્ગમાં સંતાનો વધારે રહેતાં હોવાથી માતાની જવાબદારી ઘણી વધી જાય છે અને એમાં કુદરતી સત્યનો સ્વીકાર પણ છે જ.

અંગ્રેજી સાહિત્યની એક કવયિત્રી કેથેરિન બટલર હાથાવેનું કાવ્ય – ‘A Tribute to Mother’ આ દિશામાં અત્યંત માર્ગદર્શક બની રહે તેવું છે. આપણે તેને જ સાંભળીએ : ‘Everyone knows that a good mother gives her children a feeling of trust and stability She is their earth.’

દરેક માણસ જાણે છે કે સારી માતા પોતાનાં બાળકોને વિશ્વાસ અને સ્થિરતાની લાગણી પૂરી પાડે છે. આ બાબતમાં એ પોતાનાં બાળકોની ધરતી (સર્વંસહા) છે.

આપણે જાણીએ છીએ કે સારી માતાનાં સંતાનોને પોતાની માતાની કાર્યક્ષમતામાં દૃઢ વિશ્વાસ હોય છે. મારી માતા જે કંઈ કરશે તે મારા હિતમાં જ હશે; મારી માતાનું પ્રત્યેક કાર્ય મને કેન્દ્રમાં રાખીને જ કરવામાં આવશે. એવી શ્રદ્ધા સંતાનમાં માતા માટે ભક્તિભાવ જગાડે છે. સાથે સાથે દૃઢ અને સ્વસ્થ ભવિષ્ય માટે જરૂરી સ્થિરતાની ભાવના પણ ઊભી થાય છે.

આજે જો કંઈ ખૂટતું હોય તો આ બંને લાગણીઓ છે. એનાં વિપરીત પરિણામો આપણે ઉચ્છૃંખલ કિશોરો અને આતંકવાદી યુવાનોમાં જોઈ શકીએ છીએ. સંતાનોને આ બાબતોમાં ભાતું પૂરું પાડવું, એ માતાને માટે બહુ મોટી જવાબદારી છે. તેણે આ બાબતમાં પૃથ્વી જેવા સહનશીલ બનવું પડે છે. ક્ષમયા ધરિત્રી – ક્ષમા આપવાની બાબતમાં કે સંતાનની મોટા ભાગની હરકતો સહી લેવાની બાબતમાં માતા ક્ષમાશીલ બની રહે તો જ તે બાળકો પાસેથી ધાર્યું કાર્ય લઈ શકે અને કરાવી શકે.

આગળ ચાલતાં લેખિકા કહે છે : ‘She is the one they can count for the things that matter most of all. She is their food. She is their bed.’

સંતાનો જેેને અતિશય મહત્ત્વની ગણતાં હોય તેવી વસ્તુઓમાંની એક એટલે કે તેમનો ખોરાક એ માતા છે. (માતાએ ખોરાક જેવા પોષણદાતા, બની રહેવું પડે છે.) તે તેમની પથારી પણ છે.

ખોરાક કેવો પોષક હોય છે કે હોવો જોઈએ, તેની ચર્ચા કરવાની આવશ્યકતા રહેતી નથી. પરંતુ માએ પથારી બની રહેવાનું છે. એ વાક્યમાં આંખેથી દેખાતું હોય એના કરતાં અનેકગણું મહત્ત્વ – અર્થસભરતા – રહેલ છે. આપણે જાણીએ છીએ કે આખા દિવસનો થાક્યો-પાક્યો માણસ જ્યારે સાંજે ઘરે આવે છે, ત્યારે તેને જે શાંતિ – આવકાર – મળે છે, એ આવકારનાર તત્ત્વ કે પરિબળ તેની પથારી હોય છે. પથારી તેની બધી ચિંતાઓને હરી લે છે. અને શાતા બક્ષે છે. માએ આ જ કામ કરવાનું હોય છે. આખા જગત તરફથી જુદા જુદા અનુભવો લઈને દીકરો કે દીકરી જ્યારે ઘરમાં આવે ત્યારે તેને શાતા બક્ષવા માટે મા ન હોય તો કેવી દશા થાય? અને મા જ શા માટે, પત્નીએ પણ એ વેળાએ માતાની ગૌરવશાળી ભૂમિકા ભજવવાની હોય છે. એ જગતનાં દંપતીઓ જાણે છે અને એનો અનુભવ પણ કરતાં હોય છે.

કવયિત્રી આગળ ચાલતાં માની એક નવી ભૂમિકાની વાત કરે છે : she is the extra blanket when it grows cold in the night. – જ્યારે રાતે વધારે પડતી ઠંડી થવા લાગે છે, ત્યારે મા એક વધારાનો ધાબળો બની રહે છે.

બાળકને બને તેટલાં ઓઢવાનાં સાધનોથી સુરક્ષિત કરીને માઁ પોતાનો સંતોષ માને છે, પણ તે છતાં ય જો બાળકની ઠંડી ઓછી ન થાય તો મા તેને પોતાના પડખામાં લઈને હૂફ આપવાનો પ્રયત્ન કરે છે. એ હૂંફનો વિરોધ કરનારી ઠંડીની કલ્પના પણ કરી શકાય ખરી?

કવયિત્રીના મનમાં આ ભાવ રહેલો છે, તેની પ્રતીતિ નિમ્નલિખિત શબ્દો દ્વારા આપણને થાય છે: She is their warmth and their health and their shelter. માતા તે બાળકો માટે હૂંફ, આરોગ્ય અને શરણ લેવા યોગ્ય સ્થાન છે.

હૂંફ માટે તો કવયિત્રીએ માને ‘ધાબળો’ કહેલી જ છે. આથી માત્ર ઠંડીની ઋતુમાં જ નહિ, જીવનની કોઈ પણ કટોકટીની પળે મા બાળકને હૂંફ પૂરી પાડે છે અને બાળકની તંદુરસ્તી ખાતર મા કેટલી મદદગાર બની રહે છે, તેની ખબર તો માત્ર માને જ હોય છે. સગર્ભાવસ્થાથી માંડીને બાળક ચાલતુ-હાલતું થાય ત્યાં સુધી ખાવાપીવા, પહેરવા-ઓઢવા તથા બોલવા-ચાલવાની બાબતમાં તેણે કેટલો પથ્યાપથ્યનો વિચાર કરવો પડતો હોય છે, તે તો વિચારશીલ માતા જ કહી શકે. વળી માતા જ બાળકને માટે આશ્રય લેવા યોગ્ય સ્થાન છે. બાળક જ્યારે ગભરાય છે ત્યારે માતાની જ રક્ષા શોધે છે. પણ આ પ્રક્રિયા એવી રોજિંદા જીવનની હોય છે કે એના અસ્તિત્વની નોંધ બાળક કદાપિ લેતું નથી. એ તો એમ જ હોય, એમ માની લઈને જ સૌ ચાલતાં હોય છે.

આ જ વાતની પુનરાવૃત્તિ કરતાં કવયિત્રી ગાય છે: ‘She is the one they want to be near when they cry.’ રડતું બાળક માતાનું પડખું શોધે છે અને હૈયાધારણ મેળવી લે છે. આ તો આપણા રોજનો નિરીક્ષણનો વિષય છે કે રડતા બાળકને છાનું રાખવા માટે અન્ય લોકો પ્રયત્ન કરી છૂટ્યા હોય ત્યારે તેમને ખાતરી હોય છે કે આનો ઉકેલ માત્ર બાળકની માતા પાસે જ હોય છે. માનો સ્પર્શ થતાં જ બાળક રડતું બંધ થઈ જાય છે.

આથી જ કેથેરિન દાવા સાથે કહે છે : ‘She is the only person in the whole world or in a whole lifetime who can be these things to her children. There is no substitute for her’ તે જ એક એવી વ્યક્તિ છે, જે તેનાં બાળકો માટે આખી દુનિયામાં કે (બાળકોના) જીવનગાળા દરમિયાન આ બધું બની રહે છે. તેનું સ્થાન અન્ય કોઈ લઈ શકે નહિ.

કવયિત્રીની ભાષા સ્વયંસ્પષ્ટ અને ચોટદાર છે. તેનો દાવો સ્વાભાવિક કે વાસ્તવિકતાની રજૂઆત કરનારો છે કે તેની સામે વિરોધ ઉઠાવી જ ન શકાય. આપણે તળપદી ભાષામાં કહીએ છીએ કે મા તે મા, એનો પણ ધ્વનિ એ જ છે. માતાનું સ્થાન અન્ય કોઈ લઈ જ ન શકે.

માતાની સાથે હૂંફનો વિચાર કેટલો નજીકથી સંકળાયેલો છે, તે દર્શાવતાં ચિંતકબહેન કહે છે: ‘Somehow even her clothes feel different to her children’s hands from anybody else’s clothes. Only to touch her skirt or her sleeve make a free troubled child feel better.’

ગમે તેમ હોય, પણ તેનાં કપડાં પણ તેનાં બાળકોને બીજા કોઈનાં (બીજી કોઈનાં) કપડાં કરતાં જુદાં જ લાગે છે. એ માતાનાં કપડાંમાંનાં સ્કર્ટ કે બાંય કે પાલવનો સ્પર્શ પણ મુશ્કેલીમાં મુકાયેલા બાળકને વધારે સારી પરિસ્થિતિનો અનુભવ (કે પરિસ્થિતિની અનુભૂતિ) કરાવે છે.

આ તો દરરોજના જીવનનું દૃશ્ય છે કે બાળકને જ્યારે કંઈક મુશ્કેલી જેવું લાગે ત્યારે તે પોતાની માતાના સ્કર્ટ કે બાંય કે પાલવને સ્પર્શ કરે છે અને એ કપડાંમાં પણ જાણે કે અલૌકિક શક્તિ છુપાયેલી હોય, એમ એ બાળકને હૂંફ મળી રહે છે. અને બાળક ભયમુક્ત બની જાય છે. માનો કે બાળક અને માતા વચ્ચે વણલખ્યું સમાધાન થઈ જાય છે.

આ કવયિત્રી પાસે માના વ્યક્તિત્વને આબેહૂબ ચિત્રિત કરવાની અદ્‌ભુત ફાવટ છે. અહીં ક્યાંય કશું ન સમજાય એવું નથી. તે છતાં આકર્ષક બની રહે તેવું ઘણું બધું છે. દરરોજના જીવનમાં માતા અને સંતાનો વચ્ચે લાગણીનું જે બંધન અસ્તિત્વ ધરાવે છે, તેને આ બહેને સ-રસ રીતે આલેખ્યું છે.

સાહિત્યકારો તો પોતાનું કર્તવ્ય આ રીતે બજાવી દેતા હોય છે. હવે આપણી ફરજ બની રહે છે કે આપણે એની ઉચિત કદર કરીએ અને માનું ગૌરવ કરીએ, સભાનતાથી.

Total Views: 21

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.