રામકૃષ્ણ મઠ-મિશનના પ્રથમ જનરલ સૅક્રૅટરી શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ શિષ્ય અને શ્રી શ્રીમાના અનન્ય સેવક શ્રીમત્ સ્વામી સારદાનંદજીએ મૂળબંગાળીમાં લખેલા ‘ભારતે શક્તિપૂજા’ પુસ્તકનો પ્રૉ. જ્યોતિબહેન થાનકીએ કરેલ ગુજરાતી અનુવાદ ‘ભારતમાં શક્તિપૂજા’એ ગ્રંથમાંથી પસંદ કરેલ આ પ્રકરણ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. – સં.

હજારો વર્ષ પહેલાંની વાત છે. તે સમયે ઈતિહાસનો જન્મ પણ થયો ન હતો. તો પછી ક્યો કાળ છે, તેનો નિર્ણય ભલા કોણ કરે? જગતના આ પ્રાચીનતમ યુગની અત્યંત પ્રાચીન-કથાના વિષયમાં યુરોપના આધુનિક પુરાતત્ત્વ સંશોધક (antiquarian-researchers) આવું વર્ણન કરે છે :

એ સમયે જંગલી જગત અંધકારથી ભરેલી અમાસની રાત્રિની જેમ ઘોર અજ્ઞાનરૂપી અંધકારથી છવાયેલું હતું. જ્યાં નજર પડે ત્યાં સઘળે તમસ્‌શક્તિની સાથે રજસ્‌શક્તિનો ઘોર સંગ્રામ ચાલી રહ્યો હતો. જે રીતે મનુષ્યના સ્થૂલ માંસપિંડના શરીર કરતાં તેની અંદરમાં રહેલું મન ખૂબ વધારે શક્તિવાળું છે, એ જ રીતે બાહ્ય પ્રકૃતિની સ્થૂલ સૃષ્ટિઓમાં, તેમાં રહેલો મનુષ્ય જ સર્વશ્રેષ્ઠ સર્જન છે. સૃષ્ટિમાં રહેલા આ શ્રેષ્ઠ સર્જન એવા મનુષ્યમાં આ સંગ્રામ વિશેષરૂપે રહેલો હતો. ભૂખની પીડા, વધારે ઠંડી, ગરમી, તોફાન, આગની જ્વાળાઓ, અને જંગલી પશુઓના ભયથી રક્ષણ કરવાનો સતત પ્રયત્ન અને કામેચ્છા વગેરે પ્રેરણાઓથી માનવીની અંદર રહેલો રજોગુણ ધીમે ધીમે પ્રગટ થઈને જીવનસંગ્રામમાં વિજયી બનવા લાગ્યો. ભોજન માટે ફળ, કંદમૂળની શોધ થવા લાગી. જ્યારે એ મેળવવાં મુશ્કેલ બન્યાં તો પશુવધ કરીને કાચું માંસ ખાવાનું શરૂ થયું. પર્વતોની ગુફાઓ અને માટીની બખોલોની શોધ થઈ. ત્યાર બાદ ઠંડીથી રક્ષણ મેળવવા સુરક્ષિત રહેઠાણ બનાવવાના પ્રયત્ન થવા લાગ્યા. ગુફાનું અનુકરણ કરીને પર્ણકુટિર રચાવા લાગી. ઓ દેવી માનુષી, તમોગુણમયી બનીને, આત્મ સ્વરૂપ પ્રગટ કરવા છતાં પણ તું ત્યારથી જ તે જંગલી મનુષ્યોની સહચરી બની છે.

તે વખતે ખાદ્યપદાર્થોનો સંગ્રહ અનિશ્ચિત હતો. ખાદ્યપદાર્થો મેળવવાના પ્રયત્નથી ધીમે ધીમે પશુપાલનની પ્રવૃત્તિ વિકસી. માનવજાતિની સંખ્યા પહેલાં કરતાં ઘણી વધારે થઈ ગઈ હતી. પરંતુ તે સમયે આધુનિક વિવાહ પ્રથાનું નામનિશાન ન હતું. એ ટોળીઓમાં કામેચ્છા જ પ્રજોત્પતિના કારણરૂપ હતી. કામદેવ જ પુરોહિત હતો અને છળ, કપટ-બળ વગેરે જ તેના મંત્ર-તંત્ર હતાં. તે પછી ઘણા સમય બાદ પણ ‘દેવરેણ સુતોત્પતિ:’ – ‘દિયરથી પુત્રની ઉત્પતિ’ વગેરે નિયમથી તથા આદિ પ્રજાપતિ મનુએ લખેલા નવપ્રકારના વિવાહ અને નવ પ્રકારના પુત્રોની વાતથી આ બાબતની સાબિતી મળે છે. પશ્ચિમમાં નૂહવંશના સરદારની બે પુત્રીઓએ બીજો પુરુષ ન મળતાં પોતાના પિતાને મદ્યપાન કરાવીને તેના દ્વારા જ ગર્ભધારણ કર્યો હતો. (Genesis XIX 30-38) આ રીતે બીજા પણ અનેક પ્રકારના સંબંધોથી શરૂઆતમાં માનવજાતિનો વિસ્તાર થયો. સદા નિર્વિકાર ઈશ્વર સિવાય આપણા જેવા સામાન્ય મનુષ્યોમાં કોણ એવું હોય કે જેનું મન આવી વિકૃતિઓ જોઈને અપાર શરમ અને ઘૃણાથી ભરાઈને સમગ્ર માનવજાતિને સેંકડો વાર ન ધિક્કારે?

હવે એક પ્રકારના સ્વાર્થને લઈને મનુષ્ય જુદી જુદી જગ્યાએ ટોળામાં રહેવા લાગ્યો. તેણે જોયું કે જંગલી પશુઓ પોતપોતાની જાતિ સાથે ટોળામાં રહે છે અને તેથી તેમને રક્ષણ મળે છે. વળી તેણે અનુભવ કર્યો કે એકલો મનુષ્ય હિંસક પશુઓથી પોતાની સ્ત્રી અને પાલક પશુઓનું રક્ષણ કરવામાં તે વારંવાર ક્ષતી ગ્રસ્ત અવસ્થામાં રહેતો. ત્યારે એને સમજાયું કે સાથે મળીને રહેવાથી બળ વધે છે અને બીજા પણ લાભ થાય છે. એટલે મનુષ્ય ધીમે ધીમે નાના નાના સમૂહોમાં રહેવા લાગ્યો. આ ટોળાંના સભ્યો એક સાથે પશુઓને ચરાવતા અને રાત્રે એક જ સ્થળે બાંધતા. આને લઈને પછી એક સ્થળે વસવાટની પ્રથા શરૂ થઈ. વળી ટોળામાં સહુથી વધારે બુદ્ધિમાન પુરુષનું બધાં ઉપર વર્ચસ્વ ચાલવા લાગ્યું અને પછી એના નામથી જ એ સમૂહ ઓળખાવા લાગ્યો. આ રીતે ગોત્રો રચાયાં. એ સમયે ગોત્રની પ્રત્યેક સ્ત્રી ગોત્રપતિની વિશેષ રૂપે અને ગોત્રના અન્ય પુરુષોની પણ સમાન રૂપે ઉપભોગ્યા ગણાવા લાગી. આ રીતે ગોત્રની સાથે સ્ત્રીનો પ્રથમ વિવાહ સંબંધ સ્થપાયો. દ્વૌપદી સમાન નારી તે સમયે એક સાથે પાંચ પતિઓનું મનોરંજન કરવામાં રત બની. અસહાય, એકાકી, મનુષ્યનાં સુખદુ:ખમાં સમાન રૂપે સહાય કરનારી, તેની પહેલાંની સહચરી હવે સમૂહના બળવાન અને અહંકારી મનુષ્યોની પાશવી વૃત્તિઓને તૃપ્ત કરવામાં કુશળ એવી એક પરાધીન દાસીમાં પરિણમી!

ધીરે ધીરે ભિન્ન ભિન્ન ગોત્રોમાં પ્રતિદ્વન્દ્વિતાની ભાવના દૃઢ બની, લગભગ તે બધાં એક બીજાનાં વિરોધી બની બેઠાં. ક્યારેક એવું ય બનતું કે એક ગોત્રવાળા બીજા ગોત્રની સ્ત્રીઓ અને ગાયોને છળકપટથી પોતાનાં અધિકારમાં લઈ લેતા અને ક્યારેક તો યુદ્ધ કરીને બીજા ગોત્રના બધા પુરુષોની હત્યા કરી તેમની સ્ત્રીઓ અને પશુઓને પોતાના અધિકારમાં લઈ લેતા. આમ કેટલાંય ગોત્રોનાં નામ સુધ્ધાં લોપાઈ ગયા છે. અસહાય અબળા નારી ત્યારે બળવાન પુરુષોના હાથનું રમકડું બની ગઈ! એટલે દેવરાણી શચીની જેમ પોતાનાં ઓઠ પર મરકલડું ફરકાવીને જ્યારે જે ઈંદ્ર બને એની વામ બાજુએ બેસીને તેનું મનોરંજન કરવામાં લીન રહેતી.

હવે પશુપાલન અને ખાદ્યસંગ્રહ માટે ગણબળ સહીત દૂર દૂર સુધી ફરી વળતા ગોત્ર પશુઓના ચારાના ઉત્પાદન માટે પ્રયત્નશીલ બન્યું. આ રીતે ખેતીની શરૂઆત થઈ. ધીમે ધીમે ખેતીનો વિસ્તાર વધવા લાગ્યો પરિણામે અહીં તહીં નિત્ય ભટકતાં, ઘરબાર વિહોણા માનવ સમૂહો કોઈ વિશિષ્ટ સ્થાને ગામ બનાવીને રહેવા લાગ્યા. આ રીતે ગામડાંનો ઉદ્‌ભવ થયો. ગ્રામોદ્‌ભવથી દેશોદ્‌ભવ થયો. પણ માણસની પરિસ્થિતિની ઉન્નતિ કરવાથી શું થાય? હે માનવદેવી, તારી અવસ્થામાં તો પરિવર્તન ન આવ્યું. તું તો દાસીની દાસી જ રહી. પશુપ્રભૃતિ ધનની જેમ સૌંદર્યભૂષિતાનારી પાશવીબળના ગર્વના નશામાં ચકચૂર નરસ્વામીના એક રત્નમાં તેની ગણતરી થવા લાગી. 

પછીથી એક જ સ્વાર્થની પૂર્તિ માટે અનેક ગોત્રો સાથે મળ્યાં અને એમાંથી ‘સુમેર’ જાતિ ઉદ્‌ભવી. સમય જતાં બૅબિલોન સામ્રાજ્યની સ્થાપના થઈ. દમૂજી અને આદુનેઈ જાતિએ જે પૂજાનો પ્રચાર કર્યો હતો, તેમાં સકામ પ્રવૃત્તિમાર્ગની પૂજા રહેલી છે. જીવ સૃષ્ટિમાં લિંગ અને યોનિની આવશ્યકતાનો નિત્ય અનુભવ કરતાં તંત્ર ગ્રંથોમાં પિતૃમુખ અને માતૃમુખ રૂપે વર્ણવાયેલાં લિંગ તથા યોનિની પૂજા પ્રચલિત બની. દેવીના મંદિરમાં અપરિચિત પુરુષની સાથે એક જ શય્યા પર શયન કરવાના રૂપમાં નારી વિવાહની પ્રથા શરૂ થઇ.

સતત વિકાસ પામતી ‘સુમેર’ જાતિનો જ એક ભાગ વસવાટ માટે સુજલા – સુફલા ભૂમિની શોધમાં નીકળી પડ્યો. ફરતાં ફરતાં, સ્ત્રી-પુરુષ ચિહ્‌નોની પૂજા લઈને હિંદમાં પ્રવેશ્યો. તેણે સમૃદ્ધ બનીને લાંબા સમય સુધી હિંદમાં નિવાસ કર્યો. પછી એ જ લોકોની એક શાખા મલબારના સમુદ્રકિનારેથી મોટી મોટી હોડીઓમાં બેસીને મિસર દેશમાં (ઈજિપ્ત) પહોંચી અને ત્યાં નાઇલ નદીના કિનારે એક બીજા મહાન સામ્રાજ્યની સ્થાપના કરી. આ રીતે ધન-ધાન્ય-સંપત્તિ અને ગૌરવમાં મનુષ્યની દૈવીશક્તિ પણ હંમેશાં માનવની સાથે રહીને, તેનાં બાળકો, પાળેલાં પશુઓ વગેરેના પાલન પોષણ અને રક્ષણમાં સહાય કરીને તેને પોતાની સ્થિતિને વધારે ઊંચે લઇ જવાની પ્રેરણા આપતી રહી. એટલા માટે પ્રાચીનકાળથી જ પૃથ્વીના અનેક ભાગોમાં અસંખ્ય લોકો સકામ ભક્તિથી તેની અનેક રીતે પૂજા-ઉપાસના કરવા લાગ્યા. એ પૂજા-ઉપાસનાનું મૂળ કારણ હતું, મનુષ્યના સ્વાર્થ-સુખની શોધ અને તે દેવીની જરૂર હતી માત્ર મનુષ્યની ભોગતૃપ્તિ સુધી જ. પરંતુ એમ કરવાથી આખરે શું થાય છે? દુર્ગંધવાળા, ગંદા કાદવમાં ઉત્પન્ન થતાં, મધુર સુગંધથી ભરેલાં, દેવોના ઉપભોગ્ય, ખીલેલાં શતદલ કમલની જેમ મનુષ્યની ઈન્દ્રિયોના સુખની ઇચ્છા, ભોગલાલસા અને કામલિપ્સાથી ભરેલી આ આગ્રહપૂર્ણ સકામ ભક્તિથી જ સમય જતાં માનવ મન નારી પ્રતિમામાં જગદંબાની હલાદિની શક્તિની ઉપાસના કરવાનું શીખ્યું. સમય જતાં ત્રણેય લોકની સર્જિકા શક્તિ, વિરાટ નારી સ્વરૂપની કલ્પના કરીને તેના આધારે માનવ મન જગન્માતાની ઉપાસના કરતાં શીખ્યું અને એમ તે કૃતાર્થ બન્યું.

પ્રકૃતિના જટિલ જંગલમાં આ રીતે મનુષ્ય જ્યારે દિઙ્‌મૂઢ થઈ રહ્યો હતો, જ્યારે માનવીના તન-મનની સુંદર કાંતિથી પૂર્ણ રીતે આકર્ષાઇને પણ તે તેની અંદર ‘સૂર્યકોટિપ્રતીકાશ ચન્દ્રકોટિસુશીતલ’ દેવીમૂર્તિનું દર્શન કરી શકતો ન હતો, ત્યારે ભારતના દેવો દેવદારવૃક્ષોથી સુશોભિત ગગનચુંબી હિમાલયના શિખર ઉપર વિશ્વની સમગ્ર નારીઓનાં તન-મનને સમાવી લેતી સમષ્ટિરૂપે હેમવતી ઉમાની ઉજ્જ્વળ સ્વર્ણિમ આભાવાળી મૂર્તિનાં પ્રથમ દર્શન કરી ધન્ય બન્યા હતા. દેવજગતના સ્તબ્ધ હૃદયથી બાલ અરુણ જેવા રંગવાળી, અનંતકોટિ-બ્રહ્માંડની સર્જિકા, બ્રહ્મશક્તિ દેવી માનુષીને નીલગગનના સુખાસન પર વિરાજમાન જોઈ અને તેના શ્રીમુખે તેનો મહિમા સાંભળ્યો.

अहं राष्ट्री सङ्गमनी वसूनां चिकितुषी प्रथमा यज्ञियानाम् ।
मया सो अन्नमत्ति यो विपश्यति यः प्राणिति य ईं शृणोत्युक्तम् ॥
अमन्तवो मां त उप क्षियन्ति श्रुधि श्रुत श्रद्धिवं ते वदामि ।
यं कामये तं तमुग्रं कृणोमि तं ब्रह्माणं तमृषिं तं सुमेधाम् ॥

(ઋગ્વેદ – ૧૦/૧૨૫ દેવીસૂક્ત)

હું જ સમગ્ર વિશ્વની સામ્રાજ્ઞી છું. મારા જ ઉપાસકો ઐશ્ચર્ય પ્રાપ્ત કરે છે. હું જ બ્રહ્મા છું ને બ્રહ્મજ્ઞાનથી સંપન્ન છું; સર્વયજ્ઞોમાં પ્રથમ પૂજા સ્વીકારવાનો અધિકાર મને મળેલો છે. આ પ્રાણીજગતનાં દર્શન, શ્રવણ, અન્નગ્રહણ, શ્વાસોચ્છ્‌વાસ વગેરે સઘળાં કાર્યો મારી જ શક્તિથી થઈ રહ્યાં છે. જે મનુષ્ય આ જગતમાં શુદ્ધભાવે મારી ઉપાસના કરતો નથી અને મારી અવગણના કરે છે, તે દિવસો દિવસ દુર્બળ બનવા લાગે છે અને અંતે તેનો નાશ થાય છે. હે સખા, હું જે કંઇ કહી રહી છું તે ધ્યાનપૂર્વક સાંભળ – ‘શ્રદ્ધાથી જે બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે, તે હું છું. મારી કૃપાથી જ મનુષ્ય શ્રેષ્ઠત્વ પ્રાપ્ત કરે છે. મારી કૃપાથી જ મનુષ્ય સ્રષ્ટા, ઋષિ અને મેધાવી બને છે.

દેવતાઓએ જ ભારતના મંત્રદ્રષ્ટા ઋષિઓને નારી મૂર્તિમાં કામરહિત પૂજા કરવાનું સર્વ પ્રથમ શીખવ્યું. ઉપનિષદોના પ્રાણ સમા ઋષિઓએ દેવીના મહિમાની હૃદયમાં પ્રત્યક્ષ અનુભૂતિ કરીને ગાયું –

अजामेकां लोहितशुक्लकृष्णां बह्वीः प्रजाः सृजमानां सरूपाः ।
अजो ह्येको जुषमाणोऽनुशेते जहात्येनां भूक्तभोगामजोऽन्यः ॥

(શ્વેતાશ્વતર ઉપનિષદ્‌ ૪/૫)

– શ્વેત, કૃષ્ણ અને રક્તવર્ણવાળી, સત્ત્વ, રજસ્‌ અને તમોગુણવાળી એક અપૂર્વ અજન્મા નારીએ એક અજન્મા પુરુષ સાથે મળીને પોતાને અનુરૂપ અસંખ્ય પ્રજાઓની સૃષ્ટિ ઉત્પન્ન કરી, વગેરે.

આત્મસ્વરૂપમાં પ્રતિષ્ઠિત દેવીના મહિમાનો પ્રત્યક્ષ અનુભવ કરીને એમણે શિક્ષણ આપ્યું – ‌‘न‌ वा अरे यायै कामाय या प्रिया भवति, आत्मनस्तु कामाय या‌ प्रिया भवति श्च’ (બૃહદારણ્યક ઉપનિષદ્‌ ૬/૫/૬) – પત્નીમાં આત્મસ્વરૂપિણી દેવી જ વિદ્યમાન છે, એટલા માટે લોકોને પત્ની આટલી પ્રિય લાગે છે.

ઋષિઓનાં પગલાંઓનું અનુસરણ કરીને ધન્યતા અનુભવતા વૃદ્ધ મનુ મહારાજે ગાયું કે,

द्विधा कृत्वात्मनो देहमर्धेन पुरुषोऽभवत् ।
अर्धेन नारी तस्यां स विराजमसृजत् प्रभुः ॥

(મનુસંહિતા ૧-૩૨)

– સૃષ્ટિના પહેલાં ઇશ્વરે પોતાની જાતને બે ભાગોમાં વહેંચીને એક ભાગથી પુરુષ અને બીજા ભાગથી સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. પછી બંનેનો સંયોગ થઇ ગયો. ત્યારથી સ્ત્રી વિરાટ બ્રહ્માંડને પોતાનો દેહ માનીને એવો અનુભવ કરી રહી છે કે એ પુરુષે તેને ગર્ભવતી કરી.

બળના અભિમાનમાં ડૂબેલા માનવે આજ સુધી પોતાનાં સુખ અને સ્વાર્થ માટે જ નારીનું પાલન અને રક્ષણ કર્યું હતું. વયોવૃદ્ધ મનુએ નારીને સહધર્મિણી માનીને સન્માનની દૃષ્ટિથી જોતાં શીખવ્યું અને એ રીતે તેણે નારીપૂજાની દિશામાં એક પગલું આગળ ભર્યું.

यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः ।
यत्रैतास्तु न पूज्यन्ते सर्वास्तत्राफलाः क्रियाः ॥

(મનુસંહિતા ૩-૫૬)

– જે ઘરમાં નારીઓની પૂજા થાય છે, ત્યાં દેવતાઓનું આનંદથી આગમન થાય છે અને જે ઘરમાં નારીઓનું સન્માન થતું નથી ત્યાં દેવતાઓ માટે કરવામાં આવેલાં યજ્ઞ, હોમ વગેરેનું કંઇ ફળ મળતું નથી.

આ રીતે ભારતના ઋષિઓએ સમગ્ર વિશ્વમાં નારી મહિમાનો સહુથી પહેલો અનુભવ કર્યો અને તેમણે તેનો પ્રચાર પણ કર્યો. કામનાયુક્ત જગતે અવાક્‌ અને આતુર બનીને એમની પવિત્રવાણી સાંભળી. તે આશ્ચર્યચકિત ચિત્તથી નારીરૂપ પ્રતીકમાં કામગંધરહિત માતૃપૂજા અને દેવી પૂજાને નિહાળતું રહ્યું અને મુગ્ધ બની તેનું શક્ય તેટલું અનુસરણ કરવાનો તેણે સંકલ્પ કર્યો. હે દેવી માનુષી, આ રીતે ભારત જ જગતમાં સર્વ પ્રથમ તારી દેવમૂર્તિની નિષ્કામ પૂજા કરી ધન્ય બન્યું અને બધાનું શિરમોર બન્યું. એ દિવસથી ભારત કુળદેવીના રૂપમાં ઘરે ઘરે તારી પૂજા કરતું આવ્યું છે, ને તને સન્માન આપતું આવ્યું છે.

તે સન્માન, તે પૂજા અને તે શ્રદ્ધાનું ફળ ભારતને પ્રત્યક્ષ રૂપે મળ્યું છે. લજ્જા તથા સૌંદર્યથી વિભૂષિત સીતા, સાવિત્રી, દ્રૌપદી, દમયંતી વગેરે ઉજ્જવળ દેવી-પ્રતિમાઓએ સર્વ પ્રથમ ભારતમાં જ આવિર્ભાવ પામીને આ દેશને પવિત્ર કર્યો અને તેને પુણ્યશાળી ધર્મક્ષેત્રમાં પલટાવી દીધો. ઓ ભારતવાસી, આજે તું વિદેશીઓનું અનુકરણ કરીને, તેના ઢાંચામાં આપણી કુળલક્ષ્મીઓનું જીવન ઢાળવાના કામમાં પ્રવૃત્ત થયો છે. અકુદરતી શિક્ષણથી સંપન્ન, ઓ હીનબુદ્ધિ અસંસ્કૃત, શું તારું આધ્યાત્મિક દૃષ્ટિબિંદુ આટલું બધું નીચે ઊતરી ગયું? એક વાર આંખમાંથી વિદેશી મોહનો ગાઢ સુરમો લૂછીને જરા ભૂતકાળ તરફ નજર તો કર. જોઇશ કે જગતની આદર્શ દિવ્યનારીઓ ફક્ત ભારતમાં જ અચલ હિમાલયની જેમ અનુલ્લંઘનીય હારમાં ઊભી રહીને તારી કુલલક્ષ્મીઓને સહાય કરવા તત્પર છે. તેમની ચરણરજથી ફક્ત ભારત જ નહીં પણ સમુદ્રો – દ્વીપો – વનો સહિતની સમગ્ર પૃથ્વી સદાને માટે ધન્ય બની છે, ગૌરવાન્વિત બની છે. ઓ મૂઢ, જરા વિચાર તો કર, ભારતની જે માટીમાંથી તારાં અને તારી કુલલક્ષ્મીઓનાં તન-મન ઘડાયાં છે, ભારતની જે ધૂલિ તારાં અને એનાં અંગો પર બચપણથી જ લાગેલી હોઈને તેણે શરીરને પોષ્યું છે ને બળવાન બનાવ્યું છે. તે માટી, તે ધૂલિ સીતા, સાવિત્રી, દ્રૌપદી, બુદ્ધસમર્પિતા યશોધરા, ચૈતન્યગૃહિણી વિષ્ણુપ્રિયા, ધર્મપ્રાણા અહલ્યાબાઇ અને ચિતોડગઢની વીરાંગનાઓના દેવારાધ્ય ચરણોના સ્પર્શથી પવિત્ર થયેલી છે. એક વાર તો વિચાર કર. ભારતની જે હવા પ્રત્યેક શ્વાસ સાથે તારી અંદર જઈને તને પુષ્ટ કરી રહી છે, તે આ દેવીઓના પવિત્ર હૃદયમાં યુગે યુગે પ્રવેશીને ક્રીડા કરતી કરતી એમની પવિત્રતાથી ઓતપ્રોત થઈને વિદ્યમાન છે. તું જોઈશ કે આ તારો પાશ્ચાત્ય મોહ મૃગતૃષ્ણાની જેમ ક્યાંનો ક્યાં અદૃશ્ય થઈ જશે અને તે તને મરુભૂમિમાં જળની આશાથી પછી ક્યારેય ભટકાવશે નહીં. આથી જગજ્જનની રૂપ નારીઓ પ્રત્યે ખાસ કરીને ભારતની નારીઓ પ્રત્યે તારાં હૃદયમાં પ્રેમભક્તિ જાગી ઊઠશે અને તે તને સાચા મનુષ્યત્વમાં પ્રતિષ્ઠિત કરી દેશે. એથી પછી તું કુલલક્ષ્મીઓને સાક્ષાત્‌ દેવી-પ્રતિમામાં પલટાવી દઈશ.

ભારતના દિવ્યદ્રષ્ટા ઋષિ-મુનિઓએ નારીની ભીતરમાં જગતની ઉત્પત્તિનો વિશેષ વિકાસ અનુભવ્યો હતો અને તેમણે મુક્તકંઠે જાહેર કર્યું કે નારી બુદ્ધિમતી છે, શક્તિસ્વરૂપિણી છે, જગજ્જનનીની હ્‌લાદિની, સર્જક અને પાલક શક્તિઓની જીવંત પ્રતિમા છે. પરંતુ આ પ્રત્યક્ષ અનુભવને પૂર્ણ બનાવવા પાછળ અનેક સાધકોની લાંબા સમયની તપશ્ચર્યા રહેલી છે. તેમાં કોઈ સંદેહ નથી. વૈદિક, ઔપનિષદિ્ક અને દાર્શનિક યુગની નારી ઉપાસનાની સાથે બૌદ્ધ અને તાંત્રિક યુગની નારી ઉપાસનાની સરખામણી કરતાં આ વાત સ્પષ્ટ જણાઈ આવે છે.

વૈદિક અને ઔપનિષદિક યુગોની નારી ઉપાસના ધીર-સ્થિર અને શાંત ભાવની હતી. તેમાં પ્રચંડ પ્રવાહની ભયાનક ગતિ ન હતી. અથવા ભયંકર વમળ ઉત્પન્ન કરીને સાધકના ચિત્તને ખળભળાવી દઈને તેને હંમેશને માટે એ વમળમાં ડૂબાડી રાખવાની ક્ષમતા પણ તેનામાં ન હતી. વૈદિકઋષિઓએ પુરુષ-દેહની જેમ જ નારી દેહમાં પણ સમાન રૂપે આત્માની અભિવ્યક્તિ જોઇ હતી. તેથી તેમણે બધી જ બાબતોમાં નારીઓને પુરુષોની સમાન અધિકાર આપ્યા હતા અને તેની પૂજા અને સન્માન કર્યાં હતાં. તેમણે શિર ઝૂકાવીને સ્વીકાર કર્યો હતો કે પરમાત્માના સાક્ષાત્‌ દર્શન અને પવિત્ર સ્પર્શથી નારી પણ પુરુષની માફક જ અતીન્દ્રિય દિવ્યદૃષ્ટિવાળી બનીને ઋષિત્વ પ્રાપ્ત કરી શકે છે. ઋક્‌ આદિ સંહિતાઓ અને ઉપનિષદોમાં અનેક જગ્યાએ નારી ઋષિઓનો ઉલ્લેખ હોવો, જનક વગેરે રાજાઓની સભામાં ગાર્ગી જેવી નારીઓનો બ્રહ્મજ્ઞાનની ચર્ચામાં પુરુષની સાથે સમાનરૂપે ભાગ લેવો, અને અશ્વમેધ વગેરે યજ્ઞકાર્યોમાં રાજાની સાથે રાણીનો પણ સહયોગ હોવો – આ બધાં નારીઓની ઉચ્ચ સ્થિતિના ઉત્તમ ઉદાહરણો છે. આ તો થઈ આધ્યાત્મિક જગતની વાત. વ્યાવહારિક જગતમાં પણ વૈદિકયુગની નારીઓ પુરુષોના જેટલું જ સન્માન પ્રાપ્ત કરતી હતી એનાં અનેક દૃષ્ટાંતો જોવા મળે છે. પરંતુ અમારી આ વાતથી કોઈ એવું ન માની લે કે ગૃહસ્થીના કેટલાંક કાર્યોમાં નારીઓનો જ સ્વભાવસિદ્ધ વિશેષ અધિકાર છે, આ વાત વૈદિક યુગમાં નહોતી સ્વીકારાઇ, ના, એ વાત તો ભારતના બધા જ યુગોમાં સ્વીકારાયેલી છે અને ભવિષ્યમાં પણ સ્વીકારાતી રહેશે. પશ્ચિમના દેશોમાં ઈસુના જન્મ પછી પાંચસો – છસ્સો વર્ષ બાદ પણ નારીજાતિને તુચ્છ માનવામાં આવતી હતી અને તેમનામાં આત્માનું અસ્તિત્વ જ નથી, તેઓ પુરુષોની જેમ ધન સંપત્તિનો અધિકાર મેળવવા યોગ્ય નથી, વગેરે વિપરીત બાબતોનો સ્વીકાર થયેલો જોવા મળતો હતો અને એ પ્રમાણે સમાજમાં બધી જગ્યાએ તેની સાથે વર્તન કરવામાં આવતું હતું. પરંતુ ભારતમાં વૈદિકયુગથી માંડીને આજ સુધી આ પ્રકારનો પ્રચાર અને વ્યવહાર ક્યારેય થયો હોય એવું જોવા મળતું નથી.

વળી વૈદિકયુગની વિવાહપ્રથામાં કુમારી કન્યા માતૃત્વ શક્તિની અધિકારિણી બની છે. એ જાણીને ‘ગર્ભ દેહિ સિનીબાલિ’ વગેરે મંત્રો દ્વારા તેના માતૃમુખની પૂજા કરવાનું જે કહેવામાં આવ્યું છે, તેમાંથી એ સ્પષ્ટ જાણી શકાય છે કે ભારત એ સમયથી જ નારીમાં માતૃપૂજા કરતું આવ્યું છે. પરંતુ એ વાત પણ સ્પષ્ટ છે કે વેદમાં કહેલી માતૃમુખ કે સ્ત્રીચિહ્‌નની આ પૂજા દ્રવિડ જાતિમાં પ્રચલિત સ્ત્રીચિહ્‌નની પૂજા અથવા તંત્રમાં વર્ણવાયેલી માતૃમુખની પૂજા જેવી ન હતી. એ બંનેમાં ઉદ્દેશની ભિન્નતા જોઇને જ એ અનુમાન કરી શકાય છે. વૈદિક પૂજાનો ઉદ્દેશ છે – ફક્ત માતૃત્વ શક્તિનું સન્માન કરવાનો – દ્રવિડ અનુષ્ઠાનોનો ઉદ્દેશ છે – ફક્ત પત્નીમાં રહેલી નારી શક્તિની પૂજા કરવાનો અને તાંત્રિક પૂજાનો ઉદ્દેશ છે – માતા અને પત્ની બંને સ્વરૂપોમાં રહેલી નારીશક્તિના મહિમાનો પ્રચાર કરવાનો – વેદોમાં નારીની માતૃત્વશક્તિની પૂજા આ રીતે ઓછા વત્તા પ્રમાણમાં જોવા મળે છે. પણ દ્રવિડોની જેમ સ્ત્રી-પુરુષ ચિહ્‌નોની પૂજા કરવાનું કોઈ પ્રમાણ તેમાં મળતું નથી. પૂજ્યપાદ સ્વામી વિવેકાનંદજી કહેતા: આ પ્રકારની પૂજા સુમેર તથા એની શાખા દ્રવિડ જાતિની પોતાની વિશિષ્ટતા છે. તે વૈદિક આર્યોની દેન નથી. નહીં તો વેદમાં જ તેનું પ્રમાણ મળી આવત. તેઓ વધુમાં એમ પણ કહેતા, કે લિંગાયત શૈવ સંપ્રદાયે પ્રચાર કર્યો છે કે લિંગપૂજા વેદવિરૂદ્ધ નથી. અથર્વવેદમાં જે યૂપ-સ્કમ્ભ (સ્તંભ)ની પૂજાનું વર્ણન આવે છે, તે લિંગપૂજા જ છે. પરંતુ ઊંડો વિચાર કરતાં આ વાત સાચી હોય તેવો વિશ્વાસ બેસતો નથી. કેમ કે, જો એવું હોત તો વેદના બીજા કોઈ પણ ભાગમાં સ્ત્રી-પુરુષ ચિહ્‌નોની પૂજાને સૂચવતો કોઈ પણ મંત્ર કે વાક્ય જોવા મળતાં હોત. પરંતુ તે કેમ જોવા મળતાં નથી? શિવલિંગની પૂજા પુરુષચિહ્‌નની પૂજા નથી. એની સાબિતી એ પણ છે કે પૂજાના સમયે પૂજક ‘ધ્યાયેન્નિત્યં મહેશં ગિરિનિભં ચારુચન્દ્રાવતંસમ્‌ । વગેરે મંત્રથી ધ્યાન-ધારણા કરે છે. આથી સ્વામીજી એ યોગ્ય સમજતા હતા કે વેદોક્ત પ્રાચીન શિવપૂજાની સાથે બૌદ્ધયુગના સ્તૂપોની પૂજાની મિલાવટ કરવાથી સમય જતાં વર્તમાન લિંગપૂજા અસ્તિત્વમાં આવી.

દ્રવિડોનું અનુકરણ કરીને પત્નીમાં રહેલી નારીશક્તિની પૂજા ભારતમાં બૌદ્ધ યુગમાં જ પહેલવહેલી દાખલ થઈ. જેમ કોઈ નવાભાવને સર્વશ્રેષ્ઠ માનીને સર્વત્ર અને સર્વકાર્યમાં તેનાં જ સંયોગ ને અનુષ્ઠાન કરવામાં આવે તે રીતે તે સમયે ભારતમાં પણ મોટે ભાગે એ ભાવનાનાં જ અનુષ્ઠાન થવાં લાગ્યાં. એટલા માટે એવું જણાય છે કે બૌદ્ધયુગનાં તંત્રોમાં બધી સ્ત્રીઓમાં ફક્ત આ શક્તિનું સન્માન કરવાનો ઉપદેશ છે. એ સાચું છે કે આ શિક્ષણથી સંયમી પુરુષોને કોઈ હાનિ ન પહોંચી. આ ઉપદેશથી સંયમી પુરુષો કેટલા જોવા મળે? ઇન્દ્રિયોના ગુલામ, અસંયમી, સામાન્ય મનુષ્યોએ એ ઉપદેશોને સ્થૂલરૂપે ગ્રહણ કર્યો અને બૌદ્ધયુગના અંતભાગમાં અનાચાર અને વ્યભિચારનો કેવો ભયાનક પ્રવાહ વહેવડાવ્યો હતો, તેની જાણકારી આજે પણ પુરી અને દક્ષિણભારતના મંદિરોની દિવાલો પર કંડારાયેલી, પશુભાવની પરાકાષ્ટાને વ્યક્ત કરતી મૂર્તિઓ દ્વારા મળે છે. એટલા માટે ભારતના તાંત્રિક સાધકોએ ખૂબ જ સાવધાનીપૂર્વક યોગ્ય અધિકારી સાધક માટે સ્ત્રીમાં પત્નીભાવની પૂજા ચાલુ કરી અને સર્વસામાન્ય મનુષ્યોને માટે વેદોના અનુગામી બનીને સ્ત્રીની માતૃભાવથી પૂજા કરવાનો વિશેષ પ્રચાર કર્યો. આ રીતે તેઓએ બૌદ્ધયુગની એ ખામીને નિવારી. એ બતાવવાની જરૂર નથી કે જેને સાધારણ મનુષ્ય વામાચાર કહે છે, તે પાંચ ‘મ કાર’વાળી વીરભાવની પૂજામાં જ નારીની પત્નીભાવની પૂજાની વાત સમાયેલી છે. આ વીરભાવની પૂજાના પ્રયોગમાં કુશળ સિદ્ધગુરુ હોવા જોઈએ અને તેના અનુષ્ઠાન માટે કુશળ, સંયમી, શ્રદ્ધાવાન્‌ સાધક હોવો જોઈએ. જે ભાગ્યે જ મળે છે. યોગ્ય ગુરુ મળી જાય તો પરિણીત વ્યક્તિ ભલે આ ભાવની સાધનામાં ઉન્નતિ સાધી શકતી હોય તો પણ જે પરિણીત નથી તેઓ જો એકાએક આ ભાવની સાધનામાં ડૂબી જાય તો તે પથભ્રષ્ટ બને છે અને તેના પતનની વધારે શક્યતા રહે છે. એ વાત આપણે હંમેશા યાદ રાખવી જોઈએ કે સિદ્ધગુરુની સહાયતાથી સંયમી મનુષ્ય જ આ ભાવની સાધનામાં સફળ અને અગ્રેસર બની શકે છે.

‘વામાચાર’ શબ્દનો અર્થ સમજવાથી જ ઉપરની વાત આપણે સહેલાઈથી સમજી શકીશું. અહીં વામ શબ્દ વિપરીત અર્થમાં છે. અર્થાત્‌ પંચ ‘મકાર’ ગ્રહણ કરવાથી સાધારણ મનુષ્ય જે રીતે ઉન્મત્ત બનીને અસંયત આચરણ કરવા લાગે છે, સાધકે તેનાથી તદ્દન વિપરીત આચરણ કરવાનું છે. એટલે કે પૂરેપૂરા સંયમનું પાલન કરી તેમાં સ્થિર થવાનું છે. આ શિક્ષણ આપવાનો જ વામાચારની સાધનાનો ઉદ્દેશ છે. અથવા તો આ પ્રકારના પદાર્થો ગ્રહણ કરવાથી મનુષ્યમાં અધર્મભાવ જાગૃત થાય છે. એવું ન કરતાં જેનાથી સૂતેલી કુંડલિની શક્તિને જાગૃત કરીને વધારે સંયમ અને ધર્મભાવની પ્રાપ્તિ સાધક કરે, એ આ પૂજાનું લક્ષ્ય છે. તંત્ર ગ્રંથો વળી એમ પણ કહે છે; ‘કુંડલિની શક્તિ જાગૃત થઈને મસ્તકમાં રહેલા સહસ્રાર કમલ સુધી ચડતી વખતે મુલાધારથી લઈને પ્રત્યેક ચક્રને ડાબી બાજુથી લપેટીને તે ચક્રોમાં રહેલા રંગોને પોતાની અંદર મેળવી દઈને ઉપર ચઢે છે. પછી સમાધિભંગ થતાં મસ્તક પરથી મેરુદંડમાં આવતી વખતે પ્રત્યેક ચક્રને વિપરીત બાજુથી એટલે જમણી બાજુથી લપેટતી ધીમે ધીમે નીચે ઊતરી આવે છે. કુંડલિની શક્તિને સામાન્ય લોકોમાં અપરિચિત એવી વામ (ડાબી) બાજુથી ઘૂમાવીને સહસ્રારમાં ચઢાવીને સમાધિમગ્ન બનવાનું શિક્ષણ આપતો જે માર્ગ છે, તે વામ માર્ગ. આ પણ વામમાર્ગનો એક અર્થ છે. આ શબ્દના આ તંત્રોક્ત અર્થ પર મનન કરતાં આપણે જાણી શકીએ છીએ કે ઉદ્દામ ઉચ્છ્રંખલતાને ઉત્તેજન આપવાનો વામમાર્ગનો બિલકુલ ઉદ્દેશ નથી. જે રીતે મહાન ત્યાગી શ્રી ચૈતન્યદેવે પ્રસારેલા પ્રેમધર્મને આજ કાલ વૈરાગી લોકો વ્યભિચાર માટે જવાબદાર ગણાવે છે, એ તર્કસંગત નથી, એ જ રીતે ધર્મના નામે આચરવામાં આવતા બૌદ્ધયુગના અને વર્તમાન સમયના વ્યભિચારોને માટે તંત્રોક્ત વામાચાર પર દોષારોપણ કરવું એ પણ તર્કસંગત નથી.

માનવ સ્વભાવનું પૃથક્કરણ કરવાથી આપણે વામાચાર સંબંધી એક બીજી વાત પણ સહેલાઈથી સમજી શકીએ છીએ. મનુષ્યને જે કરવાની મનાઈ કરવામાં આવે તે આપણામાંના વિપરીત સ્વભાવવાળા મનુષ્યો પહેલાં કરશે. એવા લોકોને જો એમ કહેવામાં આવે કે વામમાર્ગમાં અમુક બાબતોનો નિષેધ છે. તો તેઓ સહુથી પહેલાં એ કરવાનું પસંદ કરશે. અને તેના માટે ખોટું પણ કરવા તૈયાર થઈ જશે. પણ જો તેમને એમ કહેવામાં આવે કે વામમાર્ગમાં નિષિદ્ધ આ વસ્તુઓની પણ ધર્મસાધનામાં એક રીતે ઉપયોગીતા રહેલી છે તો પછી તેઓ એ કાર્ય કરતા નથી. એટલા માટે જ્યારે તેઓ ધર્મસાધન માટે તૈયાર થાય ત્યારે આ રીતની વિપરીત પ્રેરણા આપવાથી પછી તેમને કપટ કે જૂઠાણાંનો આશ્રય લેવો પડતો નથી.

સામાન્ય રીતે તો વામમાર્ગની નિંદા જ સાંભળવા મળે છે. આપણે એવું કોઈને કહેતાં સાંભળ્યા નથી કે આ માર્ગમાં કેટલીક ઉત્તમ બાબતો પણ છે. વળી આ માર્ગના સામાન્ય ગુરુઓએ શિષ્યની પાત્રતાનો વિચાર કર્યા વગર બધાંને આ માર્ગનો ઉપદેશ આપ્યો હોવાથી તેઓ ઘણી વખત અનેકના પતનનું કારણ બન્યા છે. આ માટે લોકો વામમાર્ગને દોષિત ગણે છે. આ બધાં કારણોને લઈને વામમાર્ગનું સમર્થન કરતાં અમારે ઉપર મુજબની વાત કરવી પડી.

ભારતમાં તંત્રોએ આ રીતે માતા અને પત્ની બંને ભાવોથી નારીની પૂજા શરૂ કરીને નારી પ્રતીકમાં વિશ્વજનનીની ઉપાસનાને પૂર્ણતા આપી. કુંભાર જે રીતે વાંસ, માટી, ઘાસ, પુઆલ (કપચી) વગેરેની મદદથી સુંદર દેવમૂર્તિ ઘડીને સાધકની પૂજામાં મદદરૂપ બને છે, તે રીતે ભારતના તત્ત્વવેત્તાઓ ખાસ કરીને મહામુનિ કપિલ પ્રકૃતિ-પુરુષ વિષયક દર્શનનો પ્રચાર કહીને તાંત્રિકના તે ‘અસિમુંડ-વરાભયકરાં’ – સૌમ્ય – કઠોર – જીવન – મૃત્યુ વગેરે બધા વિરોધી ભાવોના સમન્વયના મિલન સ્થાન રૂપિણી માતાની મૂર્તિ ઘડવામાં સહાયક બન્યા. તાંત્રિક સાધકે શ્રદ્ધા અને સંયમપૂર્વક ભક્તિભાવપૂર્ણ ચિત્તે એ મૂર્તિની પૂજા કરીને સમય જતાં સમાધિમાં અનુભવ્યું કે ખરેખર આ મૂર્તિ ચૈતન્યમય છે. જીવંત છે. વિશ્વમાં સર્વત્ર ઓતપ્રોત બનીને વ્યાપેલી છે. તેણે સમાધિમાં આ ભૌતિક વિશ્વથી અલગ થઈને, દૂર રહીને જોયું – તેનું અનંત ભૌતિક બ્રહ્માંડને પ્રગટ કરનારૂં રૂપ – એક વિરાટ શવશિવા મૂર્તિ. અને તેની અંદર જે કંઈ જુદા જુદા પદાર્થો હતા તે બધા તે શવશિવાના ઉપર ઊભેલી શિવાનીના અંગ-ઉપાંગો – રૂપે નિત્ય રહેલા હતા. હર્ષ, વિસ્મય, ભય વગેરે અનંત ભાવોથી તેનું હૃદય એકદમ ઊછળવા લાગ્યું અને સાધકના મુખમાંથી પ્રથમ આ વાણી નીકળી :

करालवदनां घोरां मुक्तकेशीं चतुर्भुजाम् ।
कालिकां दक्षिणां दिव्यां मुण्डमालाविभूषिताम् ।
एवं सञ्चिन्तयेत् कालीं स्मशानालयवासिनीम् ।

આ રીતે સમાધિ અથવા ભાવાવસ્થામાં પ્રત્યક્ષ દર્શન કરીને જ સિદ્ધ સાધકોએ વિશ્વરૂપિણી વિશ્વજનનીનાં વિવિધરૂપ અને વિવિધ ધ્યાનમંત્રો પ્રાપ્ત કર્યા હતા, એમાં કોઈ શંકા નથી.

ઘણા સમય પહેલાં પાશ્ચાત્ય જગતે નારીની વિભૂતિભાવે કે પત્નીભાવે પૂજા કરવાનું દ્રવિડો પાસેથી પ્રાપ્ત કર્યું હતું. એ સમયે યુરોપનાં જુદાં જુદાં સ્થળે મદિરાપ્રિય ને સર્પના આભૂષણવાળા ઉક્ષદેવ-બાકુસ (Bacchus) અને તેની શક્તિ આઈશીની (Isis) વિવિધ રૂપે પૂજા થતી હતી. ભાગ્યે જ કોઈ સંયમી સાધક એ પૂજા શુદ્ધભાવે કરતા હતા. અસંયમી ઉચ્છૃંખલ સામાન્ય લોકોએ એની પૂજાના બહાના હેઠળ પશ્ચિમમાં અનેક જગ્યાએ એનો વ્યભિચાર ફેલાવી દીધો હતો. ઈતિહાસ એની સાક્ષી પૂરે છે. પ્રાચીન ઈતિહાસમાંથી એ વાતનું પણ પ્રમાણ મળી આવે છે કે બાકુસ દેવની પૂજા નિમિત્તે પશ્ચિમમાં અંધારી રાતે સ્ત્રી-પુરુષો ગુપ્ત સ્થળે ભેગાં થતાં અને મદ્યપાન કરી અનેક પ્રકારનો દુરાચાર કરતાં. તે સમયે કુલીન સ્ત્રીઓમાં પણ આવી પૂજા પ્રચલિત હતી. વિશ્વવિજયી, અજોડ, વીરસમ્રાટ સિકંદરની માતાએ આ પ્રકારની પૂજાવિધિ કરી હતી, તે વાત ઈતિહાસ પ્રસિદ્ધ છે. ઈતિહાસ એ વાતની પણ સાક્ષી પૂરે છે કે ખ્રિસ્તી ધર્મના ઉદય પહેલાં આવાં અનુષ્ઠાનો ઘણાં જ સામાન્ય હતાં.

બૌદ્ધ અને જરથોસ્તી ધર્મોના સારાંશને પોતાનામાં સમાવીને નવો ખ્રિસ્તીધર્મ ઉપર વર્ણવેલી પૂજાના વિરોધમાં ઊભો થયો. સમય જતાં તેણે શાર્લમેન વગેરે રાજાઓને પોતાનામાં ભેળવ્યા અને તેમની તલવારોના જોરે જ પોતાનું પ્રભુત્વ સ્થાપવા સમર્થ બન્યો. એ વાત પણ ઈતિહાસમાં જાણીતી છે કે પ્રાચીનકાળમાં ખ્રિસ્તી ધર્મે છળકપટથી જ અધિકાર જમાવ્યો હતો. એ ગમે તે હોય, પણ ઈસુ ખ્રિસ્તની માતા મેરીની પૂજા શરૂ કરાવીને ખ્રિસ્તી ધર્મે પાશ્ચાત્ય જગતમાં પહેલી વાર નારીની માતૃભાવનાથી પૂજા કરવાનો થોડોક પ્રચાર કર્યો. પરંતુ તેની માતૃપૂજાનું આ બીજ ભારતમાં જેમ ફળફૂલથી લચી રહેલા મહાન વૃક્ષમાં પરિણમીને પ્રત્યેક નારીમાં આ ભાવથી પૂજા ને સન્માન કરવાનું શીખવી શક્યું, તેવું બની શક્યું નહીં. યુરોપની આ માતૃપૂજા બસ મેરીની મૂર્તિપૂજા સુધી જ સીમિત રહી, તેનાથી તે આગળ વધી શકી નહીં. બાકુસદેવની પૂજાના અતિપ્રાચીન કાળથી યુરોપ નારીમાં પત્નીભાવ કે શક્તિભાવની જે પૂજા શીખતું આવ્યું હતું, તે પૂજાને ખ્રિસ્તી ધર્મની નવીન પ્રેરણા મળવા છતાં તે છોડી શક્યું નહીં. હા, એટલું જરૂર થયું કે સમય જતાં તે કંઇક શુદ્ધ ભાવે નારીની પૂજા કરવાનું શીખ્યું.

એ તો હંમેશા જોઇ શકાય છે કે સમગ્ર પાશ્ચાત્ય જગત આ ભાવથી નારીજાતિની વિશેષ પૂજા અને સન્માન કરે છે. યુરોપના પુરુષો નારીને પહેલાં આસન, વસ્ત્ર ને ભોજન આપે છે. જો કોઈ સ્ત્રી ટ્રામમાં કે રેલ્વેમાં જગ્યા ન મળતાં ઊભી હોય તો પુરુષ તુરત જ ઊભો થઈને તેને બેસવા માટે પોતાની જગ્યા આપી દે છે. ગાડીમાં ચડતી વખતે પહેલાં સ્ત્રીઓને ચડવા દઈને પછી પુરુષ પોતે ચડે છે. આમ ઘણી રીતે તે સ્ત્રીદાક્ષિણ્ય પ્રગટ કરે છે. આપણે ફક્ત ઉપર ઉપરથી ન જોતાં જો ઊંડાણપૂર્વક દૃષ્ટિ કરીએ તો જણાશે કે આ કંઈ નારીની માતૃભાવે કરાતી પૂજા નથી. તે છે શક્તિભાવની પૂજા, એટલે કે ગૃહલક્ષ્મી કે કુળલક્ષ્મીની પૂજા. એ તો સહજ રીતે જણાઈ આવે છે કે ‘દેવી’ – આનંદમયી વગેરે શબ્દોમાં નારીના સંસારપાલન તથા પુરુષનું નિયમન કરનારો જે ઐશ્વર્યભાવ રહેલો છે, તે પ્રગટ થાય છે. અને સમય જતાં એ ભાવ સઘન બનીને મધુર કે પત્નીભાવમાં પરિણમે છે. આ જ ભાવે યુરોપના પુરુષો નારીની પૂજા કરે છે. કેમ કે, યુરોપીય પુરુષની એ પૂજા કે સન્માન નાનીવયની કુમારી કે રૂપયૌવન વિહોણી વૃદ્ધાને ભાગ્યે જ પ્રાપ્ત થાય છે. સહુથી પહેલાં યુવાન અને પછી પ્રૌઢ નારીઓ આ સન્માનની વિશેષ અધિકારિણી બને છે. વળી રૂપ સૌંદર્યવાળી યુવતી આગળ કદરૂપી યુવતીને આ પૂજામાં ઊતરતું સ્થાન મળે છે. વળી એ વાત પણ ધ્યાનમાં લેવા જેવી છે કે અજાણ્યો પુરુષ અપરિચિત સ્ત્રીને સંબોધન કરવા માટે ‘મેડમ’(Madam) કે ‘મિસિસ’(Mistress) વગેરે જે શબ્દો વાપરે છે, તે પણ નારીના શક્તિભાવ કે ઐશ્વર્યભાવને જ પ્રગટ કરનારા છે. એ યુરોપના પુરુષોના એ પ્રકારના વર્તન પરથી સમજાઈ જાય છે.

ભારતના તંત્રોએ શક્તિપૂજા દ્વારા નારીના માતૃભાવની પૂજાના જ મહત્ત્વને પ્રસ્થાપિત કર્યું છે, એ વાતની સ્પષ્ટ જાણકારી આપણને ભારતીય પુરુષોના નારી જાતિ પ્રત્યેના વ્યવહાર દ્વારા મળે છે. અહીં પુરુષો વયોવૃદ્ધ નારીને જ સર્વ પ્રથમ સન્માન આપે છે. રૂપ સૌંદર્યવાળી યુવતી જો પોતાના પતિની માતાની આજ્ઞામાં ન રહે તો તેની ટીકા થાય છે. ઉચ્છૃંખલ પત્નીની સલાહથી જો તેનો પતિ તેની પોતાની માતાની આજ્ઞાની ઉપેક્ષા કરવા લાગે કે તેમની માન-મર્યાદા ન રાખે તો લોકો તેને અધર્મી કે બાયલો કહીને તેની નિંદા કરે છે. અજાણી સ્ત્રી જો આધેડ વયની હોય તો તેને માતા અને યુવતી કે નાની કન્યા હોય તો તેને બેટા કહીને સંબોધવામાં આવે છે. માતા જ સર્વ પ્રથમ પૂજાય છે. માતા શબ્દના સંબોધનથી સ્ત્રીઓ અજાણ્યા પુરુષો સાથે પણ નિ:સંકોચપણે વાત કરી શકે છે. અને જરૂર પડે તો તેમની સેવા અને સહાયતા પણ લે છે. બીજી ઘણી બાબતોમાં પણ આ પ્રકારનો વ્યવહાર જોઈને એ દૃઢપણે માની શકાય કે નારીની માતૃભાવે પૂજા એ ભારતના હાડ-માંસમાં કેટલી બધી ઊંડે સુધી વ્યાપી ગઈ છે.

સર્જનહાર ઈશ્વરને ‘જગજ્જનની’, ‘જગદંબા’ વગેરે નામોથી બોલાવીને તેમની નારીભાવથી પૂજા કરવી એ ભારતની આગવી સંપત્તિ છે. ભારત સિવાય અન્ય દેશોમાં ખાસ કરીને પાશ્ચાત્ય દેશોમાં ઈશ્વરની પિતૃભાવે પૂજા કરવાનું વિશેષ રૂપે જોવા મળે છે. એટલું જ નહીં ખ્રિસ્તી ધર્મના સાધકોમાં મોટા ભાગના સાધકો એવું માને છે કે ઈશ્વરમાં નારી ભાવનું આરોપણ કરવું એ મહાપાપ છે, જો કે પાશ્ચાત્ય દેશોમાં નારીના શક્તિભાવ કે ઐશ્વર્ય ભાવની પૂજા લાંબા સમયથી ચાલતી આવી છે, તો પણ પશ્ચિમના કોઈ પણ સાધક ભારતના તંત્રોક્ત વામ માર્ગના સાચા વીર સાધકોની જેમ ઈશ્વરમાં નારી ભાવનું આરોપણ કરીને કે ‘તે જ મારી શક્તિ છે’, એ રીતે તેની સાધના કરવાનું સાહસ કરતા નથી. જો કે અતિ પ્રાચીન કાળમાં યુરોપમાં કેટલાક વિશિષ્ટ સાધકોમાં આ ભાવની થોડી ઝાંખી થાય છે. પરંતુ વર્તમાન કાળમાં તો તેનું નામનિશાન જોવા મળતું નથી. પ્રાચીન યુગમાં યુરોપની કોઈ ખ્રિસ્તી સાધ્વીએ ઈશ્વર કે ઈશ્વરના અવતાર ઈસુ ખ્રિસ્ત પર પતિભાવનું આરોપણ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. એ વાત તેના ગ્રંથોમાં જોવા મળે છે. ઈસુના ધ્યાનમાં અને ભાવસમાધિમાં તે એવી તન્મય બની જતી કે ઈસુને ક્રોસ પર ચઢાવેલા ત્યારે તેના શરીરના જે જે ભાગોમાં ખીલા જડેલા, તે સાધ્વીના શરીરના એ જ ભાગોમાંથી રૂધિર ટપકવા લાગતું. આ વાત પણ એમના ગ્રંથોમાં લખાયેલી છે. વળી બીજી બાજુ, પોતાની આરાધ્ય મેરીની મૂર્તિ સાથે વીંટી બદલાવીને, તેને જ પોતાની શક્તિ માનીને યુરોપના પ્રાચીન યુગના વિશિષ્ટ અને વિદ્વાન સાધક ઇરાસ્મસે આજીવન બ્રહ્મચર્યનું પાલન કર્યું હતું, એ હકીકત એના જીવનચરિત્રમાં લખાયેલી છે. ઈતિહાસની મદદથી એ અનુમાન કરી શકાય છે કે ભારતની શક્તિપૂજાનો ભાવ અપનાવીને જ યુરોપના પ્રાચીનયુગના આ બધા સાધકોએ આ ભાવસિદ્ધિ પ્રાપ્ત કરી હતી. પણ પછીના કાળમાં ભારત સાથેનો આવો સંબંધ તૂટતો ગયો અને યુરોપ એ ભાવ દ્વારા આધ્યાત્મિક જગતમાં આગળ વધીને સિદ્ધિ પ્રાપ્ત કરવાનું ભૂલી ગયું. તે ઉપરાંત માર્ટિન લ્યુથરે પ્રચાર કરેલા પ્રોટેસ્ટંસ્ટ ધર્મમાં પૂર્ણબ્રહ્મચર્ય અને સંન્યાસનો વિરોધ કરવામાં આવ્યો છે. ફક્ત નીતિ દ્વારા જ જીવન-ઘડતરનું શિક્ષણ આપીને તેણે જીવનના મૂળમાં જ એકદમ કુહાડાનો ઘા કર્યો છે. પછી ભૌતિક વિજ્ઞાનના ફેલાવાથી યુરોપની દૃષ્ટિ હાલમાં ફક્ત ભૌતિકતામાં જ બંધાઈ ગઈ છે. અને તે ભૌતિક જગતને જ સર્વસ્વ માની બેઠું છે. તેથી યુરોપ અને પાશ્ચાત્ય દેશોમાં કોઈ પણ રીતે સંસારના સુખોપભોગ મેળવવા એ જ જાણે મુખ્ય ધ્યેય બની ગયું ન હોય, તેવું જણાય છે. યુરોપના આધ્યાત્મિક જીવનની આ ઘેરી મહારાત્રિનો અંત ક્યારે આવશે તે તો ફક્ત ઈશ્વર જ જાણી શકે. આશા કેવળ એટલી જ જણાય છે કે પૂજ્યપાદ સ્વામી વિવેકાનંદજીના માધ્યમ દ્વારા ભારતનો ધર્મભાવ વર્તમાનયુગમાં ફરીથી અમેરિકા અને યુરોપમાં થોડો ઘણો પ્રવેશ્યો છે, અને તે ધીમે ધીમે પ્રબળ બની ફેલાઇ રહ્યો છે.

યુગાવતાર ભગવાન શ્રીરામકૃષ્ણદેવના પવિત્ર પ્રાગટ્યથી વર્તમાન યુગમાં ભારતમાં નારીના પ્રતીકમાં શક્તિપૂજા ફરીથી વિશેષ રૂપે જીવંત બની ગઈ છે. નારી પ્રતીકમાં આટલા શુદ્ધભાવે થતી શક્તિ પૂજા જગતમાં આ પહેલાં ક્યારેય જોવામાં આવી છે કે નહીં, તે કહી શકાતું નથી. જગન્માતાનું નિરંતર ધ્યાન કરતાં કરતાં સમાધિમાં મગ્ન રહેવું, તેના પ્રત્યક્ષ દર્શન કરી પાંચ વર્ષના બાળકની જેમ બધી જ બાબતોમાં સંપૂર્ણપણે એના પર જ આધારિત રહેવું, બધી જ સ્ત્રીઓમાં જગજ્જ્નની જગદંબાનો પ્રકાશ અનુભવીને, બધો જ વખત ભક્તિભાવભર્યા હૃદયથી એમને માતાનું સંબોધન કરી તેમને પોતાના આરાધ્ય ઈષ્ટદેવતાની મૂર્તિ ગણવી, પરિણીત હોવા છતાં પણ પોતાની યુવાન પત્નીને જોતાં જ માતૃભાવની પ્રેરણાને વશ થઈને તેને માતા જગદંબાનું સાક્ષાત્‌ સ્વરૂપ માનીને તેને માતાનું સંબોધન કરવું, એટલું જ નહીં, પણ જપાકુસુમ – બિલિપત્ર વગેરે દ્વારા તેનાં ચરણકમળની પૂજા કરવી, તિરસ્કૃત વેશ્યાઓમાં પણ જગન્માતાનાં દર્શન કરીને, તેમને માતાના સંબોધનનું સન્માન આપતાં સમાધિમાં મગ્ન થઈ જવું, બધા લોકોની સામે ભક્તિપૂર્ણ ચિત્તે, પ્રકટરૂપે કુલાગાર – પ્રતીકમાં જગત્‌યોનિની પૂજા કરતાં કરતાં આનંદથી સમાધિમાં મગ્ન બની જવું, તાંત્રિક પૂજાના સાધનમાં કારણરૂપ મદિરાને જોતાં જ જગતના સ્રષ્ટા પરબ્રહ્મની યાદ મનમાં આવતાં પ્રેમભક્તિથી વિહ્‌વળ થઈ જવું, તથા સર્વોપરિ જગન્માતાના પ્રેમમાં પોતાને ભૂલીને સર્વ પ્રકારના સુખોપભોગની સ્વાર્થી કામનાઓનો સંપૂર્ણપણે ત્યાગ કરીને અખંડ બ્રહ્મચર્યમાં હંમેશ માટે સ્થિર થઈ રહેવું — નારી પ્રતીકમાં શક્તિપૂજાનો આવો જ્વલંત અને ઉચ્ચ આદર્શ શ્રીરામકૃષ્ણદેવના પવિત્ર જીવન સિવાય જગતે બીજા ક્યા યુગમાં, બીજા ક્યા અવતારી પુરુષમાં જોયો છે? હે ભારત, તેમના અલૌકિક જીવનપ્રકાશની સહાયથી જ હવે તારે પવિત્રભાવે નારી – પ્રતીકમાં શક્તિપૂજાનું અનુષ્ઠાન કરવાનું છે. હે ભારતનાં નરનારીઓ, ગુરુ પાસેથી ઉપદેશ લઈને પશુ કે વીર, ભલે કોઈ પણ ભાવની સહાય લઈને તમે નારીપ્રતીકમાં શક્તિપૂજા માટે આગળ વધો પણ શ્રીરામકૃષ્ણદેવના પવિત્ર જીવનને હમેશાં નજર સામે રાખીને અનુષ્ઠાન કરવું. સાથે સાથે તેમની આ વાત હૃદયમાં દૃઢપણે અંકિત કરી રાખવી કે ત્યાગ-તપશ્ચર્યા અને બ્રહ્મચર્યના સહારે એકનિષ્ઠ ભક્તિ અને પ્રેમની સાથે જો સાધના કરવામાં નહીં આવે તો કોઈ પણ ભાવે પૂજા કરવાથી જગન્માતાના દર્શન નહીં થાય અને કૃતાર્થતા નહીં મળે. અને એ પણ યાદ રાખવું કે ભાવમાં સૂક્ષ્મરૂપે પણ જો કપટ હશે તો આ પૂજા ઊલટું ફળ આપશે.

હે વીરમાર્ગના સાધક! તારે ખૂબ સાવધ રહેવું પડશે. તારે સજાવેલી તલવારની ધાર જેવા દુર્ગમ માર્ગ પર આગળ વધીને નારી-પ્રતીકમાં જગતશક્તિરૂપિણી જગદંબાની પૂજા કરવી પડશે. વૃત્તિઓના મોહક આવરણમાં લપેટાઇને, ધીરજ ગુમાવી બેસતાં તારા લપસી પડવાની પૂરી શક્યતા છે. યાદ રાખજે કે ભારતના તાંત્રિકોએ તારા માટે જ રાત્રિમાં પૂજા કરવાનું કહીને તને દિવસના કરતાં રાત્રિમાં વધારે સાવધ રહેવા માટે સંકેત કર્યો છે. કારણ કે હિંસક પશુઓની જેમ આ ઇન્દ્રિયોની વૃત્તિઓ રાત્રિના ઘોર અંધકારમાં જ નિર્ભય બની સ્વચ્છંદપણે વિહરવાનું સાહસ કરે છે. એવું ન વિચારતો કે તું નિષ્કામભાવે નારીપૂજા કરવાને યોગ્ય નથી. હતાશ ન થતાં નિરાશા આવે ત્યારે વૃદ્ધાવસ્થાની વાતનું સ્મરણ કરજે – વૃદ્ધાવસ્થામાં ઇન્દ્રિયો શિથિલ થઈ જવાથી પતિ-પત્નીનો શરીર સંબંધ છૂટી જાય છે. ત્યારે તેમનામાં ફક્ત પરસ્પર સઘન પ્રેમનો જ સંબંધ બાકી રહે છે. ત્યારે પુરુષને માટે રમણી સખી બની જાય છે. તે સમયે ભલા સ્ત્રી અને જનનીમાં ભેદ ક્યાં હોય છે? સામાન્ય લોકો કાળના નિયમ પ્રમાણે વૃદ્ધાવસ્થામાં પહોંચીને જે ભાવને પ્રાપ્ત કરે છે, તે નારી પ્રત્યેના ભાવને તારે તો બધો જ વખત જાગ્રત રહીને સાધના દ્વારા પ્રાપ્ત કરવાનો છે અને તેને પુષ્ટ કરવાનો છે, ત્યારે તને ભાવમાં સિદ્ધિ મળશે. એમાં અવરોધો આવે તેવી શક્યતા પણ રહેલી છે. એથી હું તને આપણા ગુરુએ બતાવેલા માર્ગને છોડી દેવા માટે કહી શકતો નથી. યુગાવતાર શ્રીરામકૃષ્ણદેવે ક્યારેય કોઈમાં ય ભાવને નષ્ટ નથી કર્યો અને એવું કરવા માટેનો ઉપદેશ પણ કોઈને ય આપ્યો નથી. હંમેશા સજાગ રહીને, ત્યાગમાં દૃષ્ટિ સ્થિર રાખીને, શ્રદ્ધા ને ભક્તિપૂર્વક શુદ્ધ ભાવથી સાધનામાં લાગી રહેવાથી તું પણ સમય આવ્યે જગદંબાના દર્શન કરી સિદ્ધ બની શકીશ. હે ગુરુભક્ત શ્રદ્ધાવાન્‌ સાધક, તને પણ આ વાત વારંવાર જણાવીને તેમણે અભય આપ્યું છે. આથી જગદ્‌ગુરુની શ્રીપાદુકાઓનું ધ્યાન કરીને એમની અભય વાણીને ધ્યાનમાં રાખીને, એકાગ્ર મનથી શક્તિપૂજામાં આગળ વધ. તું ધન્ય બની જઈશ.

Total Views: 158

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.