ભક્ત પોતાના ભગવાનને હંમેશાંં પૂર્ણ જોવા ઇચ્છે છે. નરદેહ ધારણ કરેલો છે એટલે એમનામાં નરસુલભ નિર્બળતા, દૃષ્ટિ કે શક્તિનો અભાવ કોઈ પણ કાળે સહેજ પણ રહેલાં હતાં, એવો સ્વીકાર કરવાને એ ચાહે નહિ.

(શ્રીરામકૃષ્ણદેવનું જીવન ચરિત્ર લખવાના સમયે એમના સંન્યાસી શિષ્ય સ્વામી સારદાનંદે સ્વામી વિવેકાનંદ સાથે અનેક ચિંતન-પરામર્શ કર્યો હતો. એક ભક્તની દૃષ્ટિએ અવતાર સંપૂર્ણ છે અને એમણે સાધના કરીને સિદ્ધિ પ્રાપ્ત કરવાની કોઈ જરૂર નથી. પણ જો આપણે બધા એમ વિચારી બેસીએ કે અવતાર તો સિદ્ધ જ પ્રગટ થયા છે તો સાધના કરીને સિદ્ધિલાભ કરવી અસંભવ છે તો આપણે સાધન-સમુદ્રની ગભીરતામાં ક્યારેય ડૂબકી નહીં મારીએ. ઠાકુરની સાધન-નિષ્ઠા જોઈને જ આપણને પ્રેરણા મળશે. શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગમાંથી સંગૃહિત આ લેખમાં અવતારજીવનમાં સાધનાનું શું પ્રયોજન છે એ વિષય આવરી લેવામાં આવ્યો છે. – સં.)

આચાર્યોનો સાધકભાવ લિપિબદ્ધરૂપે જોવા મળતો નથી

જગતનો આધ્યાત્મિક ઈતિહાસ વાંચતાં જોવા મળે છે કે લોકગુરુ બુદ્ધ અને શ્રીચૈતન્યદેવને બાદ કરતાં બાકીના બીજા અવતાર પુરુષોનાં જીવનચરિત્રોમાં સાધકભાવે થયેલાં વિવિધ કાર્યોનું સવિસ્તર વર્ણન લેખિત સ્વરૂપે નથી. જે તીવ્ર અનુરાગ અને ઉત્સાહને અંતરમાં પોષીને તેઓ જીવનમાં સત્યપ્રાપ્તિને માટે આગળ વધ્યા હતા; જે આશા-નિરાશા, ભય-વિસ્મય, આનંદ-વ્યાકુળતાના તરંગોમાં સપડાઈને તેઓ કદીક ઉલ્લાસભર્યા તો કદીક વળી વિષાદપૂર્ણ બન્યા હતા અને છતાં પણ પોતાના ગંતવ્ય લક્ષ્ય પ્રત્યે એકધારી સ્થિર દૃષ્ટિ રાખવાનું ભૂલ્યા ન હતા; એ વિશેની વિશદ આલોચના એમના જીવન-ઇતિહાસમાં નથી મળતી. અથવા તો જીવનના પાછલા ભાગમાં તેમણે કરેલાં અવનવાં કાર્યો અને તેમનાં બાળપણ આદિ પૂર્વકાળ દરમ્યાનનાં શિક્ષણ, ઉદ્યમ અને કાર્યોની વચ્ચે એક સ્વાભાવિક પૂર્વાપર કાર્યકારણનો સંબંધ શોધવા જતાં મળતો નથી.

દૃષ્ટાંતરૂપે કહી શકાય કે વૃંદાવનના ગોપીજનવલ્લભ શ્રીકૃષ્ણ કેવી રીતે ધર્મસંસ્થાપક દ્વારકાનાથ શ્રીકૃષ્ણમાં પરિણત થયા તે સ્પષ્ટપણે સમજાતું નથી. ઈશુના મહાન ઉદાર જીવનમાં ત્રીસ વરસની ઉંમર પહેલાંની ફક્ત એકાદ – બે વાતો જ જાણવા મળે છે.

આચાર્ય શંકરના દિગ્વિજયની કથા જ ફક્ત વિસ્તારપૂર્વક લખાયેલી છે. બીજે બધે પણ આ જ પ્રમાણે જોવા મળે છે.

તેઓ કોઈ સમયે અપૂર્ણ હતા, એ વાત વિચારવા ભક્તો ઇચ્છતા નથી

આમ થવાનું કારણ શોધી કાઢવું અઘરું છે. એવું લાગે છે કે ભક્તજનોની ભક્તિની અતિશયતાને લીધે જ આ બધી વાતો લખાઈ નથી. મનુષ્યની અપૂર્ણતાનું દેવચરિત્ર પર આરોપણ કરતાં, સંકોચ પામીને જ એમ લાગે છે કે તેમણે આ બધી હકીકતોને લોકોની નજરથી ઢંકાયેલી રાખવાનું જ ઉચિત ગણ્યું હતું. અથવા તો સંભવ છે કે મહાપુરુષોનાં ચરિત્રોમાંના બધા સર્વાંગ સંપૂર્ણ મહાન ભાવો સાધારણ જનની સન્મુખ ઉચ્ચ આદર્શનું રૂપ ધારણ કરીને એમનું જેટલું કલ્યાણ સાધી શકે; એવો કોઈ લાભ, એ બધા ભાવોએ પહોંચવા માટે એમણે જે અલૌકિક પ્રયાસો કર્યા હતા, એના વર્ણનથી નહીં થઈ શકે એમ વિચારીને જ એનું વિવરણ લખવાનું તેમને બિનજરૂરી લાગ્યું છે.

ભક્ત પોતાના ભગવાનને હંમેશાંં પૂર્ણ જોવા ઇચ્છે છે. નરદેહ ધારણ કરેલો છે એટલે એમનામાં નરસુલભ નિર્બળતા, દૃષ્ટિ કે શક્તિનો અભાવ કોઈ પણ કાળે સહેજ પણ રહેલાં હતાં, એવો સ્વીકાર કરવાને એ ચાહે નહિ. બાળગોપાળના મુખની બખોલમાં વિશ્વબ્રહ્માંડને વસેલું જોવાના પ્રયાસો તેઓ હરહંમેશ કર્યા કરે અને બાળકની અસંબદ્ધ ચેષ્ટાઓમાં પાકટ પ્રૌઢનાં બુદ્ધિ અને ડહાપણનો પરિચય પામવાની આશા તો રાખે પણ સાથે ને સાથે સર્વજ્ઞતા, સર્વશક્તિમત્તા અને વિશ્વજનીન ઉદારતા અને પ્રેમની સંપૂર્ણ પ્રતિમાને જોવા માટે અધીરા બની ઊઠે. તેથી, પોતાનું ઈશ્વરી સ્વરૂપ સર્વ સાધારણજનોને કળાવા ન દેવા જ અવતાર પુરુષો સાધનભજન વગેરે માનસિક ચેષ્ટાઓનો તેમજ આહાર, નિદ્રા, થાક, રોગ, દેહત્યાગ વગેરે શારીરિક અવસ્થાઓનો ખોટો ઢોંગ કરી રહેલા છે એવો સિદ્ધાંત ઠરાવવો તે ભક્તોને પક્ષે નવાઈભર્યું નથી. અમારા વખતમાં જ અમે સગી આંખે જોયું છે, શ્રીરામકૃષ્ણના કેટલાક ખાસ ભક્તોએ એમના શારીરિક વ્યાધિ સંબંધે એ જાતના મિથ્યા ઢોંગ તરીકેની ધારણા બાંધી હતી.

એ પ્રમાણે વિચારવાથી ભક્તની ભક્તિને હાનિ પહોંચે, એ વાત તર્કસંગત નથી

પોતાની દુર્બળતાને લીધે જ ભક્તો આ જાતના સિદ્ધાંતો પર પહોંચે છે. એનાથી ઊલટો સિદ્ધાંત રાખવાથી તેમની ભક્તિને નુકસાન પહોંચે એમ માનીને જ તેઓ નરસુલભ ચેષ્ટાઓ અને ઉદૃેશ્ય આદિનું આરોપણ અવતાર પુરુષો ઉપર કરવા નથી માગતા એમ જણાય છે. એથી, એમની વિરુદ્ધમાં અમારે કશું જ કહેવાનું નથી. આમ છતાં પણ એટલી વાત તો નક્કી કે ભક્તિની અપરિપકવ અવસ્થામાં જ ભક્તમાં આવી નબળાઈ દેખાય છે. ભક્તિની પ્રથમ અવસ્થામાં ભક્ત ભગવાનને ઐશ્વર્યરહિત કરીને તેમનું ચિંતન નથી કરી શકતો. ભક્તિ પરિપકવ થયા બાદ ઈશ્વર પ્રત્યેનો અનુરાગ સમય જતાં ગંભીર ભાવ ધારણ કર્યા પછી, આ જાતનું ઐશ્વર્યનું ચિંતન ભક્તિપથમાં અંતરાયરૂપ જણાવા માંડે છે અને ત્યાર પછી ભક્ત એને પ્રયાસપૂર્વક દૂર ઠેલી મૂકે છે. સમગ્ર ભક્તિશાસ્ત્રે આ વાત વારંવાર કહેલી છે. જોવા મળે છે કે શ્રીકૃષ્ણની માતા યશોદા ગોપાલની દિવ્ય અનુભૂતિઓનો પરચો રોજે રોજ પામતી હતી છતાં પણ એને પોતાનો બાળક જાણીને જ લાડ લડાવતી કે મારતી, વઢતી. ગોપીગણ શ્રીકૃષ્ણને જગત્કારણ ઈશ્વર તરીકે જાણતો હોવા છતાં તેમના ઉપર કાન્તભાવ સિવાય અન્ય ભાવનું આરોપણ કરી શકતો નહિ. એ જ પ્રમાણે બીજે બધે પણ જોવા મળે છે.

Total Views: 468

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.