(સ્વામી સારદાનંદ શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય અને રામકૃષ્ણ મિશનના પ્રથમ મહાસચિવ હતા. ૧૯૨૬માં રામકૃષ્ણ મિશનનાં આદર્શો અને પ્રવૃત્તિઓ વિશે ચિંતન-મનન કરવા પ્રથમ સંમેલન આયોજિત કરવામાં આવ્યું હતું. ૩ એપ્રિલ, ૧૯૨૬ના રોજ સારદાનંદજીએ લખેલ આ પ્રબંધ એ સંમેલનમાં વંચાયો હતો અને ‘પ્રબુદ્ધ ભારત’ મે, ૧૯૨૬ના અંકમાં છપાયો હતો. આ લેખનો શ્રી હર્ષદભાઈ પટેલે કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.)

ધર્મરાજ્ય અને ધાર્મિક વિભાવનાઓના ઉદયકાળથી વિશ્વના પ્રાચીન ઇતિહાસમાં કયાંય ધર્મના કોઈપણ આચાર્યોએ વિવિધ મતવાદો દ્વારા સત્યપ્રાિપ્ત બાબતે ગહન પ્રયાસો આદર્યા નથી. હિંદુ ધર્મ, ઇસ્લામ ધર્મ, અને ખ્રિસ્તી ધર્મના સિદ્ધ ગુરુઓ પાસેથી દીક્ષા ગ્રહણ કરી, એ બધા જ માર્ગોની વારાફરતી સાધના કરીને એક માત્ર શ્રીરામકૃષ્ણે જ સત્યપ્રાપ્તિ અર્થે અભિરુચિ અને સાહસિકતા દાખવ્યાં હતાં. તેમની સાધનાનાં પરિણામોએ મનુષ્યો અને રાષ્ટ્રોને પરસ્પર ઘૃણા અને તિરસ્કારથી ભરી દેતી સઘળી અસહિષ્ણુતા અને ધર્માંધતાનો મૃત્યુઘંટ વગાડી દીધો છે.

શ્રીરામકૃષ્ણની અનુભૂતિઓને નીચે મુજબ સંક્ષિપ્તમાં વર્ણાવી શકાય:

૧. ગમે તે ધર્મમતના ભક્તે (સાધકે) દ્વૈતવાદ, વિશિષ્ટાદ્વૈતવાદ અને અદ્વૈતવાદ—વિકાસના એ ત્રણ તબક્કામાંથી પસાર થવું પડે છે.

૨. બધાં શિયાળવાં એક જ પ્રકારની કિકિયારી કરે છે તેમ ગમે તે ધર્મના બધા જ ભક્તોએ અદ્વૈતની સર્વોચ્ચતાની અનુભૂતિ કર્યા બાદ ઇષ્ટ સાથેના પોતાના ઐક્યની ઘોષણા ભૂતકાળમાં કરી છે અને એવું જ ભવિષ્યકાળમાં કરતા રહેશે.

દ્વૈતવાદ, વિશિષ્ટાદ્વૈતવાદ અને અદ્વૈતવાદ વચ્ચે પારસ્પરિક સંઘર્ષની કોઈ આવશ્કયતા નથી, કારણ કે દરેક સાધકે આધ્યાત્મિક જીવનમાં પોતાના વિકાસ અને પ્રગતિ અનુસાર ક્રમશઃ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહેવું પડે છે.

૪. દરેક ધર્મનાં મતવિધાન, સાધનાપદ્ધતિ અને ધ્યેયના સકારાત્મક વિભાગને અનુસરીને વ્યક્તિ અંતમાં એકસમાન ધ્યેયસ્થાને પહોંચે છે—તે બધા માટે સાચું છે. તેનું નકારાત્મક પાસું વ્યક્તિને ધર્મચ્યુત થઈ, પોતાના ધર્મ દ્વારા થતી શિક્ષા કે દંડ અને તિરસ્કારનું વિધાન સૂચવે છે.

૫. મહાન આચાર્યો દ્વારા ઇચ્છામાત્ર અને સ્પર્શમાત્ર દ્વારા ધર્મનું પ્રવહન થઈ શકે છે.

૬. વેદાંતના સનાતન ધર્મમાં નિશ્ચિતકાળ, સ્થાન અને પરિવેશમાં ધર્મજગતની અનુભૂતિઓના પ્રગટીકરણ અંગેના શાશ્વત સિદ્ધાંતો અને નિયમો જોવા મળે છે.

આમ, દીર્ઘ બાર વર્ષનાં અશ્રુત સાધના અને ત્યાગને અંતે યુગને અનુરૂપ આદર્શની પરિપૂર્તિ થઈ અને મહાન ગુરુદેવે (શ્રીરામકૃષ્ણે) જાણ્યું કે અંતે એમના પ્રત્યક્ષ સંસ્પર્શના ભાવને હૃદયંગમ કરનાર અને દેશ-વિદેશમાં સર્વત્ર આદર્શનું પરિવહન કરનાર શિષ્યોના આગમનનો સમય પાકી ગયો છે. એ બધા શિષ્યો આવ્યા અને જાણે દીર્ઘકાળથી પૂર્વપરિચિત હોય એમ તે સૌને ગુરુદેવે પીછાણી લીધા. અને તેમાંના એક નરેનને તેમણે પસંદગીપૂર્વક નેતારૂપે પ્રસ્થાપિત કર્યો. તેમણે કહ્યું કે તેઓ અધીરતાપૂર્વક તે નેતાની પ્રતીક્ષા કરી રહ્યા હતા, કારણ કે તેમણે જાણી લીધું હતું કે જગદંબાએ તે નેતાને ભારતવર્ષ અને અન્ય દેશોના ઉત્થાનનું મહાન કાર્ય સંપન્ન કરવા યંત્રરૂપ બનાવ્યો છે. 

આ પૂર્વે પાશ્ચાત્ય શિક્ષણને પ્રભાવે પ્રાપ્ત કરેલ સંશયાત્મક મનોવૃત્તિને કારણે નરેન ગુરુદેવના આ વિધાનને માન્ય ગણી શક્યો નહીં. આ વિચિત્ર જણાય છે, પણ ધર્મના મહાન આચાર્યોના સંદર્ભમાં આવું સૌ પ્રથમવાર બન્યું છે, એમ નથી. શંકરાચાર્ય, ચૈતન્યદેવ, અને બીજાઓએ આમ જ કર્યું હતું. ઈશુએ પોતાના શિષ્યોને ઓળખી લીધા એટલું જ નહીં પણ જ્યારે તેઓ પીટરને મળ્યા હતા ત્યારે કહ્યું હતું, “Upon this rock shall I build my temple!”

આમ, ગુરુદેવ યુવા શિષ્યોને પ્રશિક્ષણ આપતા રહ્યા અને નેતા સ્વામી વિવેકાનંદને પોતાના મહાન ઉપદેશના પ્રચાર-પ્રસારના નિર્દેશો આપીને ૧૮૮૬માં મહાસમાધિમાં લીન થયા. પોતાના ગુરુદેવ પ્રત્યેના પ્રેમ અને તેમના સંદેશના પ્રસારના ઉત્સાહથી થનગનતા યુવાન જોમભર્યા કાર્યકરોની નાની ટોળકી ખિસ્સામાં ફૂટી કોડી રાખ્યા વિના, ક્યાં ખાવું અને ક્યાં સૂવું તેની પરવા કર્યા વિના ઉઘાડા પગે મહિનાઓ અને વર્ષો સુધી ભારતભરમાં ભ્રમણ કરતી રહી. અને મહાન સંદેશ કેવા વિસ્મયપૂર્વક ધીરે ધીરે સ્વયં પ્રસરતો ગયો! ૧૮૯૩માં સ્વામી વિવેકાનંદ કેવી સ્થિતિમાં શિકાગો વિશ્વધર્મ પરિષદમાં હિંદુ ધર્મનું પ્રતિનિધિત્વ કરવા અમેરિકા ગયા! પ્રતિભાવાન શ્રોતાસમૂહનો હેતુ કેવી રીતે જગદંબાની લીલાથી પરિવર્તિત થઈ દેશવાસીની સેવા કરવાના અને હિંદુ ધર્મની ગરિમાને વધારવાના સ્વામી વિવેકાનંદના આગમનના ઉદ્દેશને અનુકૂળ બન્યો. અંતમાં, કેવા સંજોગોમાં અમેરિકામાં અને ઇંગ્લેન્ડમાં ભારતમાતા અને હિંદુ ધર્મના ગૌરવને પ્રસ્થાપિત કરીને, તેઓ ૧૮૯૬માં ભારતવર્ષ પાછા આવ્યા અને રામકૃષ્ણ મિશનનો પ્રારંભ કર્યો.

સ્વામીજીએ સૌપ્રથમ ગુરુદેવના સંન્યાસી અને ગૃહસ્થ શિષ્યોના સહયોગથી મિશનનો પ્રારંભ કર્યો. એક કે બે વર્ષ બાદ ગૃહસ્થ શિષ્યોએ ઓછો રસ લીધો અને અંતે મિશનનું સઘળું કાર્ય મઠના સંન્યાસીઓના હાથમાં હસ્તાંતરિત કરાયું હતું. મહાન ગુરુદેવના જીવન અને અનુભૂતિઓના પ્રકાશમાં શાસ્ત્રોનું અર્થઘટન કરીને ધાર્મિક આદર્શોના પ્રસાર માટે તથા ઈશ્વરની પ્રતિમા જાણીને, ના, સ્વયં ઈશ્વર જાણીને માનવજાતની સેવા કરવાની વિભાવના સાથે સ્વામીજીએ મિશનનો આરંભ કર્યો હતો. આમ, મિશનના બે મુખ્ય વિભાગો હતા—ધર્મોપદેશ અને પરોપકારી પ્રવૃત્તિઓ. પરંતુ સ્વામીજી અમારામાંના પ્રત્યેક પાસેથી અપેક્ષા રાખતા કે બંને વિભાગનાં કાર્યો કર્મયોગની ભાવનાથી અર્થાત્ કર્મને નિઃસ્વાર્થ ભાવથી જ નહીં પણ સંપર્કમાં આવતાં નર-નારીને સાક્ષાત્‌ ઈશ્વર સમજીને કરવાનાં છે. પરંતુ જો આપણે કેવી રીતે પ્રચાર-પ્રસાર કરવો અને સેવા કરવી એ વિભાવનાનો ત્યાગ કરી દઈએ તો? અને તેનો ઉત્તર છે કે તમારાં શાસ્ત્રો તમને ઉપદેશે છે કે માત્ર ઈશ્વરને પૂર્ણ સમજવાના નથી, પરંતુ પ્રત્યેક આત્માને તે સમષ્ટિ ઈશ્વરના અંશ સમજવાના છે.

શું તમને ખબર છે કે રોગી, દુઃખી, અજ્ઞાની અને ક્ષુધાપીડિત રૂપે, તે સ્વરૂપોમાં તેમની સેવા કરીને તમારી જાતને ધન્ય બનાવવાનો અવસર આપવા માટે, તે ‘પૂર્ણ’ ઈશ્વરે ‘અંશ’ રૂપે તમારી સમક્ષ પ્રગટ થવાનું પસંદ કર્યું છે?

આમ, આપણે ઉપદેશ-કાર્ય અને સેવા આવી ભાવનાથી કરવાનાં છે. બીજાને સહાયતા કરીને આપણું પોતાનું મહત્ત્વ વધારવાની વૃત્તિ સામે તે આપણું રક્ષણ કરશે, વળી આવી ભાવનાથી કાર્ય કરવાનું ચાલુ રાખતા રહીશું તો તે આપણને વધુ ને વધુ નિઃસ્વાર્થી બનાવશે તથા અંતે ‘વિશ્વ અને તેનો પ્રત્યેક અંશ ઈશ્વરનાં છે, ના, ઈશ્વર સિવાય કંઈ નથી’ એવી વેદાંતી વિભાવનાની અનુભૂતિ કરવા સક્ષમ બનાવશે. કોઈપણ કાર્ય શુભ કે અશુભ નથી, પરંતુ કયા હેતુથી તે કરીએ છીએ તે મુજબનું તે બને છે. જો આપણે સ્વાર્થી ઉદ્દેશોથી કાર્ય કરીએ તો તે બંધન પર બંધન રચે છે, અને તે જ કાર્ય સંપૂર્ણ નિઃસ્વાર્થ ભાવનાથી, નામ-યશ સુધ્ધાંની ઇચ્છા વિના કરીએ તો તે આપણને મુક્ત કરે છે, તેમજ ઉચ્ચતર સ્થિતિમાં મૂકી દે છે.

રામકૃષ્ણ મિશન આપણને સર્વોચ્ચ હેતુઓ સાથે બધાં કાર્યો કરવાનુું શીખવે છે. તમે ગૃહસ્થ છો?  તો તમારાં પત્ની અને બાળકોને ઈશ્વરની પ્રતિમાઓ રૂપે નીરખો અને હૃદયપૂર્વક તેમની સેવા કરો. તમે સંન્યાસી છો? તો સમસ્ત માનવજાતને ઈશ્વરના અવતારની દૃષ્ટિએ જુઓ અને તન-મનથી તેમની સેવા કરો, અને તે તમને અતિચેતન અવસ્થા સુધી પહોંચવામાં સહાયભૂત થશે. તમે રાષ્ટ્રભક્ત છો? તો પછી તમારાં ક્ષુદ્ર ઈર્ષ્યાઓ અને હૃદયની બળતરાઓ કે જે તમારાં દૃષ્ટિબિંદુને સીમિત કરે છે, તેનો પરિત્યાગ કરો અને તમારા દેશને સાચે જ મહાન બનાવવા અવિરત કાર્ય કરતા રહો. આમ, ત્યાગ અને સેવા દ્વારા અતિચેતન સ્થિતિએ પહોંચવુું તેમજ લોકોને તેવું કરવા મદદરૂપ થવું, મિશન એ જ આપણને સૌને શીખવે છે.

મૂલ્યવાન વારસારૂપે શ્રીરામકૃષ્ણ પ્રદત્ત મહાન આદર્શ પર ઊભા રહેવા મનુષ્યોને શીખવવું અને પછી ભારતની ભૌતિક સ્થિતિ સુધારવા પશ્ચિમ-સંશોધિત સાપેક્ષ સત્યોનું જ્ઞાન મેળવવું અને તેનો અમલ કરવો—મિશન આપણને સૌને આનો જ આદેશ કરે છે.

આવો છે રામકૃષ્ણ મિશનનો આદર્શ, અને તે માનવજાતિના કલ્યાણની આવી વિભાવનાઓની આપણી પાસે અપેક્ષા રાખે છે. જેમનું અદ્વિતીય આધ્યાત્મિક જીવન મિશનની પરિપુષ્ટિ કરતો પ્રેરક આદર્શ છે ‘તેમણે’ (શ્રીરામકૃષ્ણે) અને જેમણે (સ્વામી વિવેકાનંદે) આપણને દૈનંદિન જીવનમાં આ આદર્શ વ્યવહારમાં કેવી રીતે મૂકવો તે બતાવ્યું છે, ‘તે’ આપણને આશીર્વાદ આપે અને ભારતવર્ષ તેમજ આપણા પોતાના યથાર્થ કલ્યાણ માટે તેમનાં પદચિહ્‌નોનું અનુસરણ કરવાનો પ્રકાશ અને સામર્થ્ય આપે.

Total Views: 657

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.