(ઈશ્વરીય અવતારોને પરિપૂર્ણ બતાવવા માટે જ કદાચ એમનાં જીવનચરિત્રોમાં એમણે કરેલ સાધનાનો સુવિસ્તૃત વૃત્તાંત આપવામાં આવેલ નથી. પરંતુ જો આપણે આમ માનવાનું શરૂ કરી દઈએ કે શ્રીરામ, શ્રીકૃષ્ણ, ગૌરાંગ મહાપ્રભુ, અને શ્રીરામકૃષ્ણ અવતાર હતા માટે જ એમને ઈશ્વરનાં દર્શન થયાં હતાં અને ઉચ્ચ આધ્યાત્મિક અનુભૂતિઓ પ્રાપ્ત થઈ હતી તો આપણે ક્યારેય કઠોર સાધના કરીને ઈશ્વરપ્રાપ્તિ માટેનો સંઘર્ષ કરીશું નહીં. માટે જ શ્રીરામકૃષ્ણના જીવનચરિત્ર ‘લીલાપ્રસંગ’માં એમની સાધના વિશે દાર્શનિક સોપાન પ્રણાલી વિવૃત કરવામાં આવી છે. આ વૃત્તાંતનો એક અંશ અહીં પ્રસ્તુત છે. – સં.)

સાધક અને સાધના

ઠાકુરના જીવનમાં સાધક ભાવનો પૂરેપૂરો પરિચય પામવો હોય તો આપણે સાધના કોને કહેવાય તે પ્રથમ સમજવું પડશે. ઘણા માણસો આ સાંભળીને એક જ વાતમાં કહેશે કે ભારત તો સદા કાળથી કોઈ ને કોઈ પ્રકારની ધર્મસાધનામાં લાગેલું જ રહ્યું છે. તો પછી એ વાતની વળી ફરી ચર્ચા કરીને પોથીને લંબાવવી શાને? જુગ જૂના જમાનાઓથી આધ્યાત્મિક જગતનાં સત્યોનો સાક્ષાત્કાર કરવામાં ભારત પોતાની રાષ્ટ્રીય શક્તિ જેટલી હદે વાપરતું આવ્યું છે અને હજી પણ વાપરી રહ્યું છે, એટલી હદે પૃથ્વીના કોઈ પણ દેશની કોઈ પણ જાતિએ કર્યું છે ખરું? કયા દેશમાં બ્રહ્મજ્ઞ અવતાર પુરુષોનો આવિર્ભાવ આટલા બહોળા પ્રમાણમાં થયો છે? એટલે સાધનાની સંગે ચિરપરિચિત એવા અમારી આગળ એ વિષયનાં મૂળ તત્ત્વો પુનરાવૃત્તિ કરીને કહેવાની કંઈ જરૂર નથી.

સાધના વિશે લોકોની ભ્રામક ધારણા

વાત ખરી છે છતાં એ પ્રમાણે કરવાની જરૂર છે. કારણ કે સાધના વિશે અનેક સ્થળે સામાન્ય લોકોની એક કંઈક વિચિત્ર કલ્પના જોવામાં આવે છે. ઉદ્દેશ્ય અથવા તો ગંતવ્ય તરફનું લક્ષ્ય ચૂકી જઈને તેઓ મોટે ભાગે માત્ર દેહના કષ્ટને, જાત જાતની દુષ્પ્રાપ્ય ચીજોને એકઠી કરીને અમુક ખાસ સ્થાને અમુક ખાસ ક્રિયાઓના નિરર્થક અનુષ્ઠાનને, શ્વાસોચ્છ્વાસના નિરોધને અને એટલે સુધી કે વિકૃત મનની અર્થહીન ચેષ્ટાઓને પણ ખાસ પ્રકારની સાધના તરીકે ગણી લે છે. અને વળી એમ પણ જોવા મળે છે કે કુસંસ્કારો અને કુટેવોને કારણે વિકૃત બનેલા મનને સ્વસ્થ અને સ્વાભાવિક બનાવીને આધ્યાત્મિક માર્ગે ચઢાવી દેવા મહાપુરુષોએ વખતો વખત જે બધી ક્રિયાઓ અથવા ઉપાયોનો ઉપદેશ આપ્યો હતો તે તમામને સાધના તરીકે માની લઈને એ બધાંનું અનુષ્ઠાન સહુને માટે એકસરખું જરૂરી ગણીને અનેક સ્થળે પ્રચારિત થયું છે. વૈરાગ્યવાન થયા વગર, સંસારના ઘડી બે ઘડી ટકનારા રૂપરસાદિના ભોગને માટે એવી ને એવી જ લાલસાવાળા રહીને મંત્ર અથવા તો અમુક ખાસ ક્રિયાની મદદ વડે જગત્કારણ ઈશ્વરને મંત્ર કે જડીબુટ્ટીથી વશ થયેલા સાપની માફક પોતાના તાબામાં લાવી શકાય, એવી ભૂલ ભરેલી ધારણાને વશ થઈને અનેક વ્યક્તિઓ વ્યર્થ પ્રયાસોમાં વખત ગુમાવતી જોવા મળે છે. તેથી જુગ જુગ વ્યાપી ખંતપૂર્વકના પ્રયાસોને પરિણામે ભારતના ઋષિ અને મહાપુરુષો સાધના દ્વારા જે બધાં તત્ત્વે પહોંચેલા તેની સંક્ષેપમાં આલોચના કરવી અહીં અસ્થાને નહિ ગણાય.

સાધનાનું ચરમ ફળ—સર્વભૂતોમાં બ્રહ્મદર્શન

ઠાકુર કહેતા, “સર્વભૂતોમાં બ્રહ્મદર્શન અથવા તો ઈશ્વરદર્શન તે છેવટની વાત.” સાધનાની ચરમ ઉન્નતિ મનુષ્યને સદ્‌ભાગ્યે પ્રાપ્ત થાય. હિન્દુઓના સર્વોચ્ચ પ્રમાણગ્રંથ વેદ અને ઉપનિષદો પણ એ જ વાત કહે છે. શાસ્ત્ર કહે છે કે જગતમાં સ્થૂળ, સૂક્ષ્મ, ચેતન, જડ જે કંઈ તમે જુઓ છો—ઈંટ, માટી, કાષ્ઠ, પથ્થર, મનુષ્ય, પશુ, ઝાડપાન, જીવ-જાનવર, દેવ-ગંધર્વ—બધાં એક અદ્વય બ્રહ્મવસ્તુ છે. બ્રહ્મવસ્તુને જ તમે વિવિધરૂપે નિરાળા ભાવે જુઓ છો, સાંભળો છો, સ્પર્શો છો, સૂંઘો છો અને આસ્વાદ કરો છો. એમને લીધે તમારો સર્વપ્રકારનો રોજિંદો વ્યવહાર જીવનભર ચાલતો હોવા છતાં તમે તેને સમજી શકતા નથી. વિચારો છો કે ભિન્ન ભિન્ન વસ્તુઓ તથા વ્યક્તિઓ સાથે તમે એવો વ્યવહાર કરી રહ્યા છો. આ બધી વાતો સાંભળીને આપણા મનમાં જે સંદેહની પરંપરા ઊઠે છે અને તેને દૂર કરવા શાસ્ત્રો જે કાંઈ કહે છે, તેનો સારાંશ અહીં પ્રશ્નોત્તરરૂપે વાચકને કહેવાથી તે વાત વાચકના ગળે ઊતરવાની સંભાવના છે.

પ્રશ્નઃ આ વાતનો અમને પ્રત્યક્ષ અનુભવ કેમ નથી થતો?

ઉત્તરઃ તમે ભ્રમમાં પડ્યા છો. જ્યાં સુધી એ ભ્રમને દૂર ન કરવામાં આવે, ત્યાં સુધી એ ભ્રમ છે એ તમને બરાબર કેવી રીતે સમજાય? સત્ય વસ્તુ અને અવસ્થાની સાથે સરખામણી કરવાથી જ આપણે બહારના અને અંદરના ભ્રમને પકડી પાડી શકીએ. પૂર્વોક્ત ભ્રમ પકડી પાડવા માટે પણ તમારે એ જાતના જ્ઞાનની જરૂર છે.

પ્રશ્નઃ ઠીક, આ જાતનો ભ્રમ ઊપજવાનું કારણ શું? અને કયારથી આ ભ્રમ અમારામાં આવી ભરાયો છે?

ભ્રમ અથવા અજ્ઞાનને કારણે સત્ય પ્રત્યક્ષ થતું નથી. અજ્ઞાન અવસ્થામાં રહીને અજ્ઞાનનું કારણ સમજી શકાય નહિ

ઉત્તરઃ ભ્રમનું જે કારણ બધે જ જોવા મળે છે તે જ અહીં પણ છે — અજ્ઞાન. એ અજ્ઞાન ક્યારે પેદા થયું તે કેવી રીતે ખબર પડે? જ્યાં સુધી અજ્ઞાનની અંદર પડ્યા છીએ, ત્યાં સુધી એને જાણવાના પ્રયત્નો વૃથા છે. સ્વપ્ન જ્યાં સુધી દેખાતું હોય ત્યાં સુધી ખરું જ છે, એવો અનુભવ થાય. નિદ્રાનો ભંગ થતાં જાગ્રત અવસ્થાની સાથે સરખામણી કરવાથી જ એના મિથ્યાપણાનો ખ્યાલ આવે. તમે કહી શકો છો કે સ્વપ્ન જોતી વખતે પણ ક્યારેક ક્યારેક કોઈ કોઈ વ્યક્તિને “હું સ્વપ્ન જોઉં છું” એવો ખ્યાલ રહેલો હોય છે. ત્યાં પણ જાગ્રત અવસ્થાની સ્મૃતિને કારણે જ એમના મનમાં એવો ભાવ જાગેલો હોય છે. જાગ્રત અવસ્થામાં જગતને જોતી વખતે પણ કોઈ કોઈને અદ્વય બ્રહ્મવસ્તુની સ્મૃતિ એ પ્રમાણે થતી જોવામાં આવે છે.

પ્રશ્નઃ તો પછી ઉપાય?

ઉત્તરઃ ઉપાય એ છે કે અજ્ઞાન દૂર કરો. એ ભ્રમ અથવા અજ્ઞાનને દૂર કરી શકાય એ હું તમને નિશ્ચિતરૂપે કહી શકું છું. પહેલાંના ઋષિઓ એને દૂર કરવા સમર્થ નીવડેલા અને તેને કેવી રીતે દૂર કરાય તે વાત કહી ગયા છે.

પ્રશ્નઃ સારું, પણ તે ઉપાય જાણતાં પહેલાં હજી બીજા એકાદ બે પ્રશ્નો કરવાની ઇચ્છા થાય છે. અમે આટલા લોકો જે જોઈ રહ્યા છીએ, પોતે જાતે અનુભવી રહ્યા છીએ એને તમે ભ્રમ કહો છો અને ગણ્યા-ગાંઠ્યા ઋષિઓએ જ જોયું અથવા તો જે રૂપે જગતને જોયું એને જ તમે સત્ય કહો છો. તો કદાચ એવું ન બની શકે કે એમણે જે જોયેલું તે જ ખોટું ન હોય?

જગતને ઋષિઓએ જે રૂપે જોયું છે તે જ સત્ય—એનું કારણ

ઉત્તરઃ ઘણા લોકો જે માને છે તે જ હંમેશાં સાચું હોય એવો નિયમ નથી. ઋષિલોકોના પ્રત્યક્ષ અનુભવને સત્ય કહીએ છીએ; કારણ કે એ પ્રત્યક્ષ અનુભવની સહાયથી તેઓ સર્વ પ્રકારનાં દુઃખોના પંજામાંથી મુક્ત થઈને, સંપૂર્ણપણે ભયરહિત અને ચિરશાન્તિના અધિકારી બન્યા હતા અને એને અંતે મરણ નિશ્ચિત જ છે એવા માનવજીવનનાં સમગ્ર વ્યવહાર અને પ્રયત્નોની પાછળ રહેલ ઉદ્દેશ્યનું જ્ઞાન પણ મેળવ્યું હતું. તદુપરાંત યથાર્થ જ્ઞાન માનવ મનમાં હંમેશાં સહિષ્ણુતા, સંતોષ, કરુણા, દીનતા વગેરે સદ્‌ગુણોને વિકસાવીને એને અદ્‌ભુત ઉદારવૃત્તિવાળું કરી મૂકે. ઋષિઓના જીવનમાં આ જાતના અસાધારણ ગુણ અને શક્તિનો પરિચય આપણને શાસ્ત્રમાં મળે છે અને એમના પગલે જેઓ સિદ્ધિ પ્રાપ્ત કરે છે, તેમની અંદર આજે પણ એ બધાનો પરિચય અત્યારે પણ જોવા મળે છે.

અનેક વ્યક્તિને એકસરખો ભ્રમ હોય તો પણ ભ્રમ કદી પણ સત્ય બને નહિ

પ્રશ્નઃ એ તો બરાબર, પણ આપણને બધાયને એક જ જાતનો ભ્રમ કેવી રીતે થયો? હું જેને પશુ તરીકે સમજું છું, તમે પણ તેને પશુને બદલે માણસ કહીને નથી જાણતા, અને એવું જ બધી બાબતમાં. આટલા લોકોની આ રીતે બધી જ બાબતમાં એક વખતે એક જાતની ભૂલ થવાની વાત કંઈ ઓછી નવાઈની નથી. પાંચ જણા એકાદી બાબતમાં ખોટી ધારણા બાંધે તો પણ બાકીના બીજા પાંચની એ બાબતમાં ખરી દૃષ્ટિ હોય, એમ જ તો બધે જોવામાં આવે છે. પણ અહીં તો એ નિયમથી સાવ ઊલટું જ થઈ રહેલું છે. એટલે તમારી વાત સંભવિત નથી લાગતી.

વિરાટ મનમાં જગતરૂપી કલ્પના વિદ્યમાન હોવાથી જ સામાન્ય મનુષ્યને એક જ પ્રકારનો ભ્રમ થાય છે પણ (સમષ્ટિવાળું) વિરાટ મન ભ્રમમાં બંધાયેલ નથી

ઉત્તરઃ અલ્પ સંખ્યક ઋષિઓની સર્વ જનોમાં ગણના ન કરવાથી જ અહીં તમને નિયમનો ભંગ થતો દેખાયો છે. નહિ તો પાછલા પ્રશ્નમાં જ એનો જવાબ અપાઈ ગયો છે. તો પણ આપ પૂછો છો કે સહુને એક જ જાતનો ભ્રમ કેવી રીતે થયો? તેના ઉત્તરમાં શાસ્ત્ર કહે છે કે એક અસીમ અનન્ત સમષ્ટિ મનમાં જગતરૂપી કલ્પનાનો ઉદય થયો છે. તમારું, મારું અને સર્વ જનોનું વ્યષ્ટિમન આ વિરાટ મનના અંશ અને અંગરૂપ હોવાથી આપણે સૌને એ એક જ પ્રકારની કલ્પના અનુભવવી પડે છે. એને લીધે જ આપણે દરેક પશુને પશુ સિવાય બીજા કશા રૂપે જોઈ કે કલ્પી શકતા નથી. એને લીધે જ વળી યથાર્થ જ્ઞાનપ્રાપ્તિ કરીને આપણામાંનો એકાદ વ્યક્તિ સર્વ પ્રકારના ભ્રમના હાથમાંથી મુક્તિ પામે, છતાં બાકીના બીજા સૌ જેવા એ ભ્રમમાં પડેલા છે તેવા ને તેવા જ પડ્યા રહે. અને વળી બીજી એક વાત, એ સર્વવ્યાપી પુરુષના અથવા તો ઈશ્વરના વિરાટ મનમાં જગતરૂપી કલ્પનાનો ઉદય થયા છતાં પણ તેઓ આપણી માફક અજ્ઞાનબંધનમાં જકડાઈ જાય નહિ. કારણ કે સર્વદર્શી એવા તેઓ અજ્ઞાનમાંથી જન્મેલી જગતકલ્પનાની અંદર અને બહાર અદ્વય બ્રહ્મવસ્તુને ઓતપ્રોત ભાવે વણાઈ રહેલી જોઈ રહે છે. આપણે એ પ્રમાણે જોઈ શકતા નથી તેને કારણે જ આપણી વાત અલગ પ્રકારની થઈ જાય છે. ઠાકુર કહેતા તે પ્રમાણે, “સાપના મુખમાં ઝેર રહેલું છે, એ મોઢાથી રોજે રોજ ખાય-પીવે છે પણ સાપને એનાથી કશું થતું નથી. પરંતુ સાપ જેને કરડે તેનું એ ઝેરથી તત્ક્ષણ મોત નીપજે.”

Total Views: 608

One Comment

  1. Jigar Joshi November 21, 2022 at 11:11 am - Reply

    Jai Thakur, Jai Swamiji, Jai Maa!

    Thakur’s specialty- explanation of most difficult concept of power of Ishwar- Maya , with the most simple day to day example of poison of Snake. 🙏🏻🙏🏻

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.