(શ્રીરામકૃષ્ણદેવનુંં બાળપણનું નામ હતું ગદાધર. તેઓનું જન્મસ્થાન હતું કામારપુકુર ગ્રામ. ગદાધરની બાળસુલભ મધુરલીલાઓનું વર્ણન સ્વામી સારદાનંદ લીખિત ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ પુસ્તકમાંથી અત્યાર સુધીના અંકોમાં આપણે રજૂ કર્યું હતું. સમય વીતતાની સાથે સાથે ગદાધરનું મન ત્યાગ, વૈરાગ્ય અને ઈશ્વરીય-આનંદરૂપી ગગનમાં મુક્તપણે ઉડાન ભરવા લાગ્યું. પરંતુ ગ્રામવાસીઓ અને પોતાના મિત્રોના નિઃસ્વાર્થ પ્રેમે ગદાધરને એમની સાથે પવિત્ર બંધનમાં બાંધી રાખ્યો હતો. એક બાજુ એનું મન સાધુ-સંન્યાસીઓની જેમ નિઃસંગ વિચરણ કરવાનું કહેતું અને બીજી બાજુ કામારપુકુરની પવિત્રભૂમી એને પોકારતી. પણ છેવટે તો ગ્રામવાસીઓના પ્રેમનો વિજય થયો અને ગદાધર ઘરે રહીને મિત્રો સાથે નાટક મંડળી રચવાનું, પોતાની મા વિહોણા ભત્રીજા અક્ષયની કાળજી રાખવાનું અને પોતાની મા ચંદ્રાદેવીને મદદ કરવાનું કામ કરવા લાગ્યો. – સં.)

ગદાધરના હૃદયની પ્રેરણા

અસાધારણ સહાનુભૂતિ ધરાવતું ગદાધરનું વિશુદ્ધ હૃદય એને એ સમયે એક બીજી બાબત વિશે પણ સભાન કરતું. પુરાણપાઠ અને સંકીર્તનો કરતાં કરતાં એ જ હૃદયે વળી આ પહેલાં જ એને ગામનાં સહુ નરનારીઓ સહિત ગાઢ સંબંધે બાંધી દઈને એ બધાંને એટલી હદે પોતીકાં ગણતાં શિખવાડેલું કે હવે એમનાં જીવનનાં સુખદુઃખને તે સાવ પોતાનાં જ સુખદુઃખની જેમ અનુભવતો. એટલે જ્યારે જ્યારે આ સમય દરમિયાન એની વિચારશીલ બુદ્ધિ એને સંસાર ત્યાગ ભણી આંગળી ચીંધતી ત્યારે તરત જ એનું હૃદય એને એ સર્વે નરનારીના સરળ પ્રેમપૂર્ણ વ્યવહારની અને પોતાના ઉપરના અપાર વિશ્વાસની વાત યાદ કરાવી દેતું હતું અને એને પોતાનું જીવન એવી રીતે જીવી જવા કહેતું હતું કે જેને દેખીને એ સહુને પોતાનાં જીવન ગાળવા માટેનો ઊંચો આદર્શ મળે અને કૃતાર્થ બને; અને જેથી કરીને તેની સાથેનો એ બધાંનો હમણાંનો સંબંધ ગંભીર પારમાર્થિક સંબંધમાં પરિણત થઈને ચિરકાળને માટે અવિનાશી બને. બાળકનું સ્વાર્થગંધ વિહોણું હૃદય એને આ વિષયનો સ્પષ્ટ આભાસ કરાવી દઈને કહેતું કે ‘પોતાને ખાતર સંસાર-ત્યાગ કરવો તે તો સ્વાર્થપરતા છે, જેનાથી સહુનું કલ્યાણ થાય એવું કશુંક કર.’

ગદાધરે નિશાળ છોડવી અને ભાઈબંધો સાથે અભિનય કરવો

પરંતુ નિશાળ અને તેના પછી પાઠશાળાના અભ્યાસની બાબતમાં ગદાધરનાં હૃદય અને બુદ્ધિ ત્યારે મુક્તકંઠે એક જ સૂર કાઢતાં, અને તોય એમ એકદમ નિશાળ છોડી દેવાથી ભાઈબંધો પોતાની સોબતના લાભથી મોટે ભાગે વંચિત થઈ જશે એમ જાણીને એનાથી એ કામ હજી સુધી બની શકેલું નહિ. ગયાવિષ્ણુ અને બીજા બધા સરખે સરખા ગોઠિયાઓ એને ખરા દિલથી ચાહતા અને અસામાન્ય બુદ્ધિ અને સાહસને કારણે અહિંયાં પણ તેને તેમની ટોળીનો સરદાર બનાવેલો. એવામાં બનેલા એક પ્રસંગથી બાળકને પૈસા-કમાઉ ભણતર છોડી દેવાની તક હાથમાં આવી ગઈ. એક દિવસે ગદાધરની અભિનય કરવાની શક્તિ જોઈને એના કેટલાક ભાઈબંધોએ ભેગા થઈને એક જાત્રાનાટકમંડળી ખોલવાનો પ્રસ્તાવ કર્યાે અને એમને એ માટેની તાલીમ આપવાનો ભાર ગદાધરે ઉપાડી લેવો એવો આગ્રહ કર્યાે. ગદાધરે પણ એમાં સંમતિ આપી. પણ વાત જો ઘરનાં મોટેરાંઓની જાણમાં આવે તો મુશ્કેલી ઊભી થવાનો પૂરો સંભવ, તેથી કઈ જગ્યાએ એ લોકો એવી તાલીમ લેવાનું ગોઠવી શકે એની છોકરાઓને ફિકર પેઠી. એટલે ગદાધરના ફળદ્રુપ ભેજાએ એમને માણિકરાજાનું આંબાવાડિયું દેખાડી દીધું અને નક્કી થયું કે રોજ અમુક ઠરાવેલા વખતે નિશાળમાંથી પોબારા ભણીને બધાએ ત્યાં પહોંચી જવું.

માણિકરાજાનું આંબાવડિયું

ચપટી વગાડતામાં તો કરેલો સંકલ્પ અમલમાં મૂકાયો અને ગદાધરના હાથ નીચે તાલીમ પામીને થોડા દિવસમાં તો બાળકમંડળીએ પોતપોતાની ભૂમિકાના સંવાદો ને ગાયનો મોઢે કરી લીધાં અને શ્રીરામચંદ્ર અને શ્રીકૃષ્ણલીલાના જાત્રાભિનયથી આંબાવાડિયું ગજાવી દીધું. અલબત્ત, એ બધા જાત્રાના અભિનયોની તમામ વિગતો ગદાધરે પોતાની કોઠાસૂઝે પૂરી પાડવાની રહેતી અને એમાંના બધા મુખ્ય પાત્રોની ભૂમિકા પણ એણે જ ભજવવાની રહેતી. ગમે તેમ પણ જાત્રામંડળી આમ જોવા જાઓ તો કાંઈ કાઢી નાખવા જેવી નથી બની એ જોઈને બાળકોના હરખનો પાર ના રહ્યો. અને સાંભળ્યું છે કે આંબાવાડિયામાં અભિનય ભજવતાં પણ ગદાધરને વખતો વખત ભાવ સમાધિ થઈ આવેલી.

ગદાધરની ચિત્રકળા અને મૂર્તિઓ ઘડવામાં પ્રગતિ

સંકીર્તન અને નાટકો કરવામાં હવે ગદાધરનો ઘણો સમય વીતી જતો હોવાથી એની ચિત્રકળા બહુ આગળ વધવા પામી નહિ તો પણ સાંભળ્યું છે કે ગૌરહાટિ ગામે, એ સમયે એકવાર પોતાની નાની બહેન સર્વમંગલાને મળવા બાળક ગયેલો ત્યારે ઘરમાં પેસતાં જ એણે દીઠું કે એની બહેન પ્રસન્નમુખે સ્વામીની સેવા કરે છે. એ જોઈને થોડા દિવસો પછી એણે પોતાની બહેન અને તેના પતિનું એ ભાવનું ચિત્ર દોરેલું. સાંભળ્યું છે કે ઘરના બધાય ચિત્રમાં આલેખેલા ચહેરા સાથે સર્વમંગલા અને તેમના પતિનું ઘણું મળતાપણું જોઈ આશ્ચર્ય પામી ગયેલાં. પણ દેવદેવીઓની મૂર્તિઓ ઘડવામાં ગદાધર ઘણો પારંગત થઈ ગયેલો. કારણ કે એની ધર્મપ્રેમી પ્રકૃતિને લીધે એને એવી બધી મૂર્તિઓ ઘડીને, ભાઈબંધો સાથે ભેગા મળીને તેની યથાવિધિ પૂજા કરવાનું બહુ ગમતું.

ગદાધરનું મૂર્તિસર્જન

આમ, નિશાળ છોડ્યા પછી પોતાના હૃદયની પ્રેરણા મુજબ આવાં બધાં કામોમાં રોકાયેલો રહીને તથા ચંદ્રાદેવીને ઘરકામમાં મદદ કરીને ગદાધર વખત વિતાવવા લાગ્યો. મા વગરનો બાળક અક્ષય પણ એને બહુ વહાલો થઈ પડેલો. તેને રાખવામાં પણ ઘણો સમય વીતી જતો. ચંદ્રાદેવી નિરાંતે ઘરકામ કરી શકે એટલા માટે નાનકાને ખોળે બેસાડીને ભાતભાતની રમત રમાડી ભુલાવી રાખવાનું પણ એનું રોજનું એક ખાસ કામ થઈ ગયેલું. એ પ્રમાણે ત્રણથી યે વધારે વરસ વીતી ગયાં અને ગદાધરને સત્તરમું વરસ બેઠું. તે દરમ્યાન એ ત્રણ વરસની મહેનતને પરિણામે રામકુમારની કલકત્તાની પાઠશાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી જવાથી એમની કમાણી પણ પહેલાં કરતાં વધેલી.

Total Views: 669

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.