દ્રૌપદી

સમગ્ર મહાભારતના કથાપ્રવાહ દરમ્યાન દ્રૌપદી હિંમત, સહનશીલતા, સમજ, સમજદારીનું મૂર્તિમાન સ્વરૂપ બની રહે છે. સાથે સાથે તેનાં અભિમાન અને પૂર્વગ્રહો પણ એવા જ જોરદાર છે. એક રીતે કહીએ તો દ્રૌપદી એ આ વીરકાવ્યનું કેન્દ્રવર્તી પાત્ર છે અને વ્યાસજીએ તેનું આલેખન આશ્ચર્યમાં ડુબાવી દે એવા કૌશલ સાથે કર્યું છે. જે સંજોગોમાં તેનો જન્મ થયો છે, તે જ બતાવી આપે છે. આ ધરાતલ પર વિધાતાની કોઈક નિશ્ચિત યોજનાની પૂર્તિ માટે આવેલી છે. તેનો જન્મ યજ્ઞાગ્નિમાંથી થયો હતો. તેના પિતા પાંચાલના રાજા દ્રુપદે એ અગ્નિ પ્રકટાવેલો હતો. તે વેળાએ આકાશવાણી થયેલી કે સમય જતાં દ્રૌપદી દેવોને પ્રિય કર્તવ્યો બજાવશે અને તેને લીધે કુરુકુટુંબ પર વિનાશનાં વાદળો ઘેરાશે. સૌંદર્યમાં તે અવર્ણનીય હતી એન તેના શરીરમાંથી નીલકમલની સુગંધ આવતી હતી. ટૂંકમાં કહીએ તો તે મનુષ્યદેહધારી દેવી હતી. તે લગ્નની ઉંમરની થઈ ત્યારે તેના પિતાએ સ્વયંવરનું આયોજન કર્યું. તે સ્વયંવરસભામાં પોતાના પરાક્રમથી અર્જુને તેને પત્ની તરીકે પ્રાપ્ત કરી હતી.

જ્યારે યુધિષ્ઠિર ઇન્દ્રપ્રસ્થના રાજા બન્યા ત્યારે પત્ની તરીકે દ્રૌપદી ગૃહિણી ધર્મનો આદર્શ પૂરો પાડનારી સામ્રાજ્ઞી બની રહે છે. જ્યારે યુધિષ્ઠિરે રાજસૂયયજ્ઞ કર્યો ત્યારે ભારતના ઘણા રાજાઓએ તેમનું ભેટસોગાદો દ્વારા અભિવાદન કર્યું. એ વિધિ ઘણા દિવસ ચાલ્યો અને તેમાં કૌરવો પણ જોડાયા હતા. પાંડવોને આ રીતે મળેલી સંપત્તિને જોઈને દુર્યોધન અદેખાઈથી બળવા લાગ્યો અને ભારે હૃદયે હસ્તિનાપુર પાછો ફર્યો. તેણે ધૃતરાષ્ટ્ર પાસે ઘણી બધી ફરિયાદો કરી, પણ નિખાલસપણે તેણે એક વાતનો ખાસ ઉલ્લેખ કર્યો કે ભોજનાવ્યવસ્થા દ્રૌપદી પોતે જ સંભાળતી હતી અને બધાને ભોજન કરાવ્યા પછી જ પોતે ભોજન લેતી હતી.

દ્રૌપદીના પાત્રાલેખનમાં કરુણા અને દીનહીન લોકો માટે સંવેદના એ જ માત્ર મુખ્ય ગુણો નથી. તેની હિંમત એન ગૌરવની ઉદાત્ત ભાવના પણ એવી જ હૃદયસ્પર્શી રીતે આલેખન પામેલ છે. જુગારમાં જ્યારે યુધિષ્ઠિર તેને હારી ગયા અને દુ:શાસન ખુલ્લી સભામાં તેનું અપમાન કરવા લાગ્યો ત્યારે ઉપસ્થિત લોકો પાસે પોતાની રક્ષા માટે ન્યાય મેળવવા ફરી વળે છે. પણ કોઈ આગળ આવતું નથી, ત્યારે તે બોલી ઊઠે છે કે ભારતના ક્ષત્રિયોમાંથી ન્યાયની ભાવનાનો લોપ થઈ ગયો છે અને ક્ષત્રિયો પોતાનું કર્તવ્ય ભૂલી ગયા છે. જો આમ ન હોય તો રાજદરબારના વડીલોમાંથી કોઈ સ્ત્રી ઉપર કરવામાં આવતા અત્યાચાર અને અન્યાયનો સામનો કેમ ન કરે? બધા મૂક પ્રેક્ષકો જ કેમ બની રહે? દુ:શાસન જ્યારે અનાર્ય જેવું આચરણ કરી રહ્યો હતો ત્યારે દ્રૌપદી તેને જંગલી રીતે અજમાવતો રાક્ષસ કહે છે. વડીલોને છેલ્લી પ્રાર્થના કરે છે અને પોતાની રક્ષા કરવા વિનવે છે. પરંતુ પિતામહ ભીષ્મ પણ નિષ્ક્રિય રહે છે અને ધર્મની આંટીઘૂંટી પોતે સમજી શકતા નથી એમ કહીને હાથ ઊંચા કરી દે છે. તેનો વિરોધ એક માત્ર વિકર્ણ કરે છે અને દુ:શાસનની જંગલિયતને વખોડી કાઢે છે. ભીમ આ અપમાનનો બદલો લેવાની પ્રતિજ્ઞા કરે છે અને કહે છે કે દુ:શાસને આ અત્યાચાર માટે ભારે કિંમત ચૂકવવી પડશે.

વફાદાર પત્ની તરીકે પાંચે ભાઈઓ સાથે તે વનવાસ જાય છે. આ બાર વરસ દરમ્યાન ત્યાં પણ ઘરસંસારની આદર્શ વ્યવસ્થા કરનારી બની રહે છે. જ્યારે જ્યારે મોકો મળે છે ત્યારે ત્યારે પોતાને થયેલા અન્યાયનો ઉલ્લેખ કરતી રહે છે. એક વાર શ્રીકૃષ્ણ પાંડવોની ખબર કાઢવા વનમાં આવે છે ત્યારે તે પાંડવોની હાજરીમાં પોતાના પર થયેલા અત્યાચારની વાત કરે છે અને જણાવે છે કે તે એ ઘટનાને ભૂલી શકી નથી.

શ્રીકૃષ્ણ દ્રૌપદીને હૈયાધારણ આપે છે કે તે દિવસે જે રીતે તેણે આક્રંદ કર્યું હતું તેવું જ આક્રંદ કૌરવોની પત્નીઓએ પણ કરવું પડશે. શ્રીકૃષ્ણ તેને શુભેચ્છા પાઠવે છે કે તે સામ્રાજ્ઞી બનશે. આથી તેણે મનોવ્યથા ન અનુભવવી જોઈએ.

આથી દ્રૌપદીને થોડા વખત પૂરતો સંતોષ થાય છે પણ પછી ધર્મનાં લક્ષણો અને આચરણ વિશે તે યુધિષ્ઠિર સાથે વિસ્તૃત ચર્ચા કરે છે. આ બારામાં યુધિષ્ઠિર તેને દલીલોથી હરાવી દે છે અને સિદ્ધ કરે છે કે ધર્મ વિશ્વવ્યાપી કાનૂન છે અને તેનું આચરણ કદી નિષ્ફળ જતું નથી. ધર્મનો જ વિજય થાય છે, એ બાબતમાં તેને કોઈ શંકા હોય તો તેણે તે કાઢી નાખવી જોઈએ.

યુધિષ્ઠિરના આ શબ્દોથી તેને આશ્વાસન મળે છે બાકીનાં વરસો દરમિયાન તે પાંડવો સાથે વનમાં જ રહે છે અને આ બધી આફતો આદર્શ પત્નીની પેઠે સહન કરી લે છે. આ સમય દરમિયાન શ્રીકૃષ્ણ પોતાની પત્ની સત્યભામા સાથે પાંડવોને મળવા આવે છે. સત્યભામા બહુ જ નમ્રતાથી દ્રૌપદીને પૂછે છે કે તમે આવી ઉમદા રીતે કઈ રીતે પતિઓની સગવડો સાચવી શકો છો અને પતિઓ તરફથી તમને કઈ રીતે પ્રેમ અને આદર મળી રહે છે?

દ્રૌપદીએ આ પ્રશ્નના જવાબમાં પત્નીની ફરજો અને જવાબદારીઓ વિશે જે કહ્યું છે, તે મહાભારતમાં મહત્ત્વપૂર્ણ પ્રકરણોમાંનું એક બની રહે છે.

બાર વરસના વનવાસ પછી ગુપ્તવાસમાં પાંડવોને જે સહજીવન ગાળવાનું આવ્યું તે કદાચ તેમના જીવનની સૌથી મોટી તપસ્યા હતી. તે વરસ દરમિયાન તેમણે પોતાના પરિચયનો સાવ લોપ કરી દીધો કારણ કે તે ગુપ્તવાસનો ગાળો હતો. આ વરસ દરમિયાન તેમણે પોતાના દરજ્જાને લાયક ન હોય તેવાં કર્તવ્યો બજાવવાનું સ્વીકાર્યું. મત્સ્ય દેશમાં જતાં પહેલાં યુધિષ્ઠિરને દ્રૌપદીને લીધે સંકોચ થતો હતો કેમ કે તેમના મતાનુસાર દ્રૌપદી પ્રિયપત્ની તરીકે માતાની જેમ તથા મોટી બહેનની જેમ આદરપૂર્વક જાળવવા લાયક હતી.

આથી વિરાટને ત્યાં પોતાને લાયક શી કામગીરી સ્વીકારવી એ બાબતમાં તેમના મનમાં દ્વિધા પ્રવર્તતી હતી. દ્રૌપદીએ તેમનો સંકોચ દાસીપણું કરવાની તૈયારી દાખવીને દૂર કરી દીધો. સર્વમોહક સૌંદર્ય અને રાજધરાને નાતે ઘડાયેલું વ્યક્તિત્વ હોવા છતાં તેણે ઘરની નાનામાં નાની ફરજો બજાવવાનું સ્વીકારી લીધું. એક વખત વાતચીત દરમિયાન આંખમાં આંસુ સાથે તેણે ભીમને જણાવ્યું કે ઘરની કઠોર ફરજો બજાવતાં તેની હથેળીઓ કઠોર બની ગઈ છે. તેની આંખમાં જે આંસુ આવ્યાં હતાં તે કઠોર ફરજો બજાવવાને લીધે આવ્યાં ન હતાં. તેનું કારણ તેને રાજાના સાળા અને સેનાપતિ કીચક તરફથી જે અપમાનો સહન કરવાં પડતાં હતાં તે હતું. એકવાર તેણે રાજદરબારમાં ફરિયાદ કરી તો રાજાએ તેને કોઈ મદદ તો ન કરી, ઊલટાનું તેને કીચકને હાથે એક વધુ અપમાન જાહેરમાં સહન કરવું પડ્યું. આ વેળાએ તેણે રાજાને કહેલા શબ્દો યાદ રાખવા જેવા છે. તેણે કહ્યું કે વિરાટનાં રાજ્યમાં જંગલનો કાયદો પ્રવર્તતો હતો, ન્યાય નહિ. આવા નમાલા રાજા પ્રત્યે ભક્તિ દાખવનારા દરબારીઓ પણ ધર્મનાં ધારાધોરણોથી ઘણા બધા દૂર હતા. તેનો સંકેત એ હતો કે આવા રાજાની સામે બંડ થવું જોઈએ અને તેને ગાદી પરથી ઉઠાડી મૂકવો જોઈએ. ભીમ દ્વારા કીચકને યોગ્ય સજા કરવામાં આવતાં તેના અપમાનનો બદલો લેવાઈ જાય છે. વિરાટપર્વનો અંત અર્જુનના પુત્ર અભિમન્યુના ઉત્તરા સાથે લગ્ન થતાં સુખદ બની રહે છે.

પછી પાંડવો કુરુદેશ તરફ પ્રયાણ કરે છે અને ઉપાલવ્ય નગરમાં છાવણી નાખે છે. યુદ્ધની નીતિ ઘડી કાઢવા માટે સમિતિ મળે છે તેમાં દ્રુપદ, વિરાટ, પાંડવો, શ્રીકૃષ્ણ તથા દ્રૌપદી ભાગ લે છે. કટોકટીના સમયે લગભગ બધા શાંતિનો માર્ગ અપનાવવા આગ્રહ કરે છે. ભીમ પણ ક્ષમા કરી દેવા અને ભૂલી જવા તૈયાર થઈ જાય છે. પરંતુ દ્રૌપદી મક્કમ રહે છે. દુ:શાસન તથા અન્ય કૌરવોએ તેના પર જે જુલમ કર્યો હતો, તેને તે માફ કરી શકતી નથી. શ્રીકૃષ્ણને ઉદ્દેશીને તે કહે છે કે જો ભીમ અને અર્જુન પણ આવા નિર્માલ્ય થઈને શાંતિની વાતો કરતા હોય તો મારા વૃદ્ધ પિતાજી કૌરવો સામે યુદ્ધ કરશે. તેમાં અભિમન્યુ તથા પોતાના પાંચ પુત્રો, જોડાશે અને ગમે તેમ કરીને અપમાનનો બદલો લેશે. તે ઉમેરે છે કે જ્યાં સુધી હું દુ:શાસનના હાથોને ધૂળ ચાટતા નહિ જોઉં ત્યાં સુધી મને શાંતિ નહિ થાય. ધર્મને નામે શાંતિની વાત કરતા ભીમને લીધે મને ઊંડું દુ:ખ થાય છે. દ્રૌપદી સ્પષ્ટ રીતે સંભળાવી દે છે કે ભીમ અને બીજા લોકો ધર્મ વિશે ગેરસમજ કરી રહ્યા છે. આમ કહેતી વખતે તે પોતાના વાળ આગળ ધરે છે અને શાંતિ અને સમાધાનની વાતો કરનારા સમક્ષ લાચારીથી આંસુ સારે છે. સ્ત્રીત્વ પર કરવામાં આવેલા જુલમ સામે તેના પદને યોગ્ય એવો આ આક્રોશ હતો. પોતાના પર જુલમ ગુજારનાર સાવ નામશેષ ન થઈ જાય ત્યાં સુધી તેને સંતોષ નહિ જ થાય એમ એ મક્કમપણે બતાવી દે છે. દ્રૌપદીના પાત્ર પર વિશેષ પ્રકાશ પાડતો પ્રસંગ છે તેની અશ્વત્થામા સાથેની વર્તણૂક. મહાભારતના યુદ્ધનો મોટો ભાગ પૂરો થયા પછી અશ્વત્થામાએ રાત્રિ દરમિયાન પાંડવોના પાંચેય પુત્રોની હત્યા કરી નાખી.

આથી પાંડવો ગુસ્સે ભરાયા અને દ્રૌપદીએ પણ તેમને વેર લેવાં ઉશ્કેર્યાં. અશ્વત્થામા પકડાઈ ગયો અને તેનો શિરચ્છેદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. પરંતુ છેલ્લે છેલ્લે દ્રૌપદીના હૃદયમાં માતૃત્વ જાગી ઊઠ્યું અને તેણે પાંડવો દ્વારા ગુરુપુત્રનો શિરચ્છેદ રોકી દીધો. તે કહે છે કે મને જેમ મારા પુત્રોનું દુ:ખ સાલે છે, તેમ ગુરુપત્ની કૃપીને પણ પોતાના પુત્રના વિયોગનું દુ:ખ અસહ્ય બને જ.

અહીં બીજાની લાગણીનો વિચાર કરવાની વિશેષતા અંકિત કરીને વ્યાસજીએ દ્રૌપદીના પાત્રમાં અદ્‌ભુત રંગ પૂરી દીધો છે. શ્રીકૃષ્ણ તેના આક્રોશથી પ્રભાવિત થઈને તેને ખાતરી આપે છે કે તેઓ પોતે જ એ યુદ્ધ કરશે અને કૌરવોનો વિનાશ કરી નાખશે. કૃષ્ણ તેને ખાતરી આપે છે કે તેમનો આ સંકલ્પ થોડા સમયમાં પૂરો થશે અને દ્રૌપદી જોશે કે પાંડવોને તેમની કીર્તિ અને સંપત્તિ પાછી મળશે.

શ્રીકૃષ્ણ ભવિષ્ય ભાખે છે કે મહાભારતનું યુદ્ધ થશે અને તેમાં કૌરવ વંશ નિર્મૂલ થઈ જશે. પછી યુદ્ધ થતાં પાંડવોને તેમનું રાજ્ય પાછું મળે છે અને યુધિષ્ઠિર ભારતના સમ્રાટ બને છે. દ્રૌપદી સત્તાવાર રીતે સામ્રાજ્ઞી બને છે અને હસ્તિનાપુરના રાજમહેલમાં પ્રવેશ કરે છે. છત્રીસ વર્ષ સુધી પાંડવોની રાણી તરીકે તે ગૌરવપૂર્વક જીવન વ્યતીત કરે છે. પરંતુ જ્યારે યુધિષ્ઠિર વગેરે ભાઈઓ હિમાલયની યાત્રાએ જવાનો નિર્ણય કરે છે, ત્યારે દ્રૌપદી તેમની સાથે સહમત થાય છે. તેઓ પોતાના રાજવંશી દબદબાનો ત્યાગ કરી દે છે અને યાત્રાએ જવા માટેનાં સંન્યાસી જેવા કપડાં ધારણ કરી લે છે અને રાજપાટ છોડી દઈને ચાલી નીકળે છે. પહેલાં તેઓ સમગ્ર ભારતની યાત્રા કરે છે. જગતમાંથી વિદાય લેતાં પહેલાં પોતાની માતૃભૂમિનાં દર્શન કરી લેવાની તેમની કામના છે. એ કામના પૂરી થતાં તેઓ બીજી નજર નાખવા રોકાતાં નથી અને હિમાલય તરફ પ્રયાણ કરે છે.

આ યાત્રા દરમિયાન દ્રૌપદીનું પહેલાં પતન થાય છે. આપણે જાણીએ છીએ કે તેના ચરિત્રમાં કેટલીક મર્યાદાઓ હતી. (પણ એવી મર્યાદાઓ કોના ચરિત્રમાં નથી હોતી?) આથી તે યાત્રા પૂરી ન કરી શકી. એ મંડળીમાંથી માત્ર યુધિષ્ઠિર અંતિમ મુકામે પહોંચે છે. આમાં તેમને તેમની ધાર્મિકતા કામ લાગે છે. દ્રૌપદીની કેટલીક મર્યાદાઓ હોવા છતાં તે એક અજોડ સ્ત્રી બની રહે છે. માત્ર સંનિષ્ઠ પ્રતિવ્રતા તરીકે જ નહિ, પણ મુશ્કેલીઓમાં સહાયક અને જીવનમાં ભાગીદાર બનીને. કાલિદાસે રઘુવંશમાં નિર્દેશેલ ગૃહિણી, સચિવ, સખી વગેરે પદોને, ગૌરવપૂર્વક તે ધારણ કરે છે. પાંડવોના ઘરનીલક્ષ્મી બની રહે છે. તે કવચિત્‌ ગુસ્સાના આવેશમાં આવી જાય છે. પરંતુ તેના હૃદયની ઉદાત્તતા, નિર્ભયતા, આત્મત્યાગ, નૈતિકમૂલ્યો માટેના આગ્રહ અને આધ્યાત્મિક નિષ્ઠાને લીધે ભારતીય નારીત્વનું ઉમદા તેજસ્વી ઉદાહરણ બની રહે છે.

Total Views: 120

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.