(૧૯૯૭ની ૧૪મી ડિસેમ્બરે, આંધ્રપ્રદેશના રાજમહન્દ્રીમાં મળેલ રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદમાં અપાયેલ સમાપન પ્રવચન)

શ્રીરામકૃષ્ણ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદ સાથે સંકળાયેલા પ્રસંગ આપણે ઉજવીએ છીએ ત્યારે, માત્ર ભારતમાં જ નહિ, વિદેશોમાં પણ માનવસંજોગોમાં પરિવર્તન આણી શકે એવી મહા ઊર્જાના સંપર્કમાં આપણે આવીએ છીએ. એ ત્રણમાંથી માત્ર એકનું આગમન થયું હોત તો પણ, સમાજ ઉપર એનો ક્રાંતિકારક પ્રભાવ પડ્યો હોત. આજના આ યુગમાં એમના મહાન યોગદાનની અસર આપણા સમાજ ઉપર યોગ્ય સમયે પડવાની જ છે.

ભારતમાં ધર્મ અને તત્ત્વચિંતન ઉપનિષદકાળથી ચાલ્યાં આવે છે. પરંતુ, ઉપનિષદના મહાન તત્ત્વજ્ઞાનની અને અધ્યાત્મની અસર આપણા સમાજે કદી અનુભવી ન હતી. ઉપનિષદો, ગીતા, ભાગવત – આ પુસ્તકો આપણા લોકો વાંચતા પરંતુ, માનવ માનવ વચ્ચેના સંબંધો પૂરતા આપણા લોકો કદી એમાંના બોધનો અમલ ન કરતા. શ્રીરામકૃષ્ણની મહાસમાધિ પછી, પરિવ્રાજક તરીકે સ્વામી વિવેકાનંદ પરિભ્રમણ કરી રહ્યા હતા ત્યારે, આપણા દેશની સાચી પરિસ્થિતિના સંપર્કમાં એ આવ્યા અને, એથી મૂંઝાઈ, એ મરણિયા બન્યા. પછીથી, અમેરિકા કે ઈંગ્લેન્ડથી લખેલા વિવિધ પત્રો દ્વારા આપણા સમાજ વિશેની પોતાની છાપ તેમણે વ્યક્ત કરી. ‘માનવજાતિનું ગૌરવ જે ઉદાત્ત રીતે હિંદુ ધર્મ કરે છે તે રીતે બીજો કોઈ ધર્મ કરતો નથી અને, રંક તથા નીચલા ઘરના લોકો પર જેટલો જુલમ હિંદુ ધર્મ ગુજારે છે એટલો બીજો કોઈ ધર્મ કરતો નથી.’ આ મહાન વાક્ય આવા એક પત્રમાં એમણે લખ્યું હતું. અસ્પૃશ્યતા અને આ પ્રકારનો જ્ઞાતિવાદ ભારત સિવાય બીજે ક્યાંય જોવા મળશે નહિ. પરંતુ, આપણા સમાજને નિસ્બત છે ત્યાં સુધી, આ આજના યુગમાં ક્રાંતિ થવાની છે. આ ક્રાંતિની પ્રેરણા શ્રીરામકૃષ્ણ, પૂજ્ય મા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદનાં જીવને આપી છે. એ ત્રણે સમાજસુધારકો ન હતાં પણ, ભારતીય સમાજ વેદાંત પ્રબોધિત જીવન – દરેક વ્યક્તિમાં નિહિત દિવ્યતાનું પોતાના જીવનમાં, વર્તનમાં, વ્યવહારમાં પ્રાગટ્ય – જીવે તેમ એ ઇચ્છતાં હતાં. 

ભક્તિ, જ્ઞાન વગેરે અનેક પથની સાધના શ્રીરામકૃષ્ણે કરી હતી; પરંતુ, એમની અગાઉ કોઈએ નહિ કરેલી એવી એક સાધના એમણે કરી હતી. એનું મહત્ત્વ આજે અધિકતમ છે. દક્ષિણેશ્વર નજીક એક અસ્પૃશ્યનું સંડાસ એમણે રાતે સાફ કર્યું હતું; પેલા અસ્પૃશ્યે દિવસે એમને એ સાફ કરવા ન દીધું એટલે એ રાતે કર્યું હતું. આ સફાઈ કરતી વખતે એમણે કાલીમાતાને પ્રાર્થના કરી હતી: ‘મા, હું બ્રાહ્મણ છું માટે બીજા કરતાં ચડિયાતો છું એ ખ્યાલ મારા મનમાંથી દૂર કરો; મને બધાંનો દાસ બનાવો.’ આપણે પૂજ્ય મા પાસે આવીશું તો, હિંદુઓ સાથેના જ નહિ, મુસલમાનો સાથેના એમના સંબંધોમાં પણ, એવી જ ભાવના વ્યક્ત થતી જોઈશું. માતા પોતાનાં બાળકો ઉપર ઢોળે એટલો પ્રેમ તેમની આસપાસનાં મુસલમાનો પર એ ઢોળતાં દેખાતાં. મા નિશાળે બેઠાં ન હતાં પણ એમનું ચિત્ત તમને એકદમ અદ્યતન જણાશે. ઉદાહરણ તરીકે આ ઘટના જુઓ. અમજાદ નામના એક મુસલમાન છોકરાને મકાન બાંધકામ ઉપર દેખરેખ માટે રાખ્યો હતો. મા એને એક દિવસ જમાડતાં હતાં. એમની ભત્રીજી એની પાતળ ઉપર ચપાટી ફેંકતી હતી. આ જોઈ પૂજ્ય મા બોલ્યાં: ‘‘આ તું શું કરે છે? તું આમ પીરસે તો માણસ કેમ ખાઈ શકે?’’ પીરસવાનું વાસણ પોતાના હાથમાં લઈ પોતે અમજાદની પાસે બેઠાં અને એને પ્રેમપૂર્વક જમાડતાં કહેવા લાગ્યાં, ‘‘બરાબર જમ, બેટા, બરાબર ખા,’’ જાણે એની જનેતા જ એ હોય. એના જમી લીધા પછી એ પાતળ પૂજ્ય માએ જાતે ઉપાડી અને ત્યાંનો એઠવાડ જાતે સાફ કર્યો. માની ભત્રીજી એમનો હાથ ઝાલી બોલી, ‘‘ આ તમે કરશો તો જ્ઞાતિ બહાર તમે થઈ જશો.’’ માએ ઉત્તરમાં કહ્યું: ‘‘સ્વામી સારદાનંદ અને એના જેવાઓની માફક, આ પણ મારો દીકરો જ છે.’’ અર્વાચીન શિક્ષણ લીધા વિનાનાં શ્રીરામકૃષ્ણ અને પૂજ્ય શ્રીમામાં આ એકદમ અર્વાચીન અભિગમ આપણને જોવા મળે છે.

લંડનમાં સ્વામી વિવેકાનંદને એક મહાન અંગ્રેજ સન્નારી મળ્યાં, મિસ માર્ગરેટ નોબલ. ભારતની મહિલાઓની સેવા માટે એ ભારત આવવા ઇચ્છતાં હતાં. સ્વામીજીએ સંમતિ આપતાં એ ભારત આવ્યાં. એ હિંદુ સમાજથી પરિચિત થાય એમ સ્વામીજી ઇચ્છતા હતા. ભારતના લોકોનો પરિચય એમને કેમ કરાવવો એની ચિંતા સ્વામીજીને હતી. પૂજ્ય શારદામાનો પરિચય તેમને કરાવવાનું સ્વામીજીએ નક્કી કર્યું તે, ખ્યાલથી કે, મા એમનો સ્વીકાર કરશે તો આખું ભારત તેમ કરશે. એટલે, કલકત્તામાં પૂજ્ય શારદામા પાસે મિસ નોબલને લઈ જઈ, સ્વામીજીએ માને તેમનો પરિચય કરાવ્યો અને, માએ એમને પોતાની પુત્રી તરીકે સ્વીકારી, પોતાની સાથે પોતાના ખાટલા પર જ બેસાડ્યાં અને પ્રશ્ન ઉકલી ગયો. પૂજ્ય માએ એમને નિવેદિતા નામ આપ્યું. નિવેદિતાએ પોતાનું સમગ્ર જીવન સ્ત્રીશિક્ષણને સમર્પિત કરી દીધું. પોતાના નામ ‘નિવેદિતા’ને એમણે સાર્થક કર્યું. કવિવર ટાગોરે એમને અર્વાચીન સતી કે પાર્વતી કહેલ છે. એ જ્યારે જ્યારે ‘મારું ભારત’ બોલતાં ત્યારે ત્યારે, આપણે એમ બોલીએ છીએ ત્યારે હોય છે તેના કરતાં અધિક જુસ્સો તેમાં હતો!

પૂજ્ય માના નિવાસ નજીક એમણે એક કન્યાશાળા ચાલુ કરી, ખાસ કરીને એ બાળવિધવાઓ માટે હતી. આજે તો એ મોટી શાળા થઈ ગઈ છે. જે મકાનમાં એ શાળા શરૂ કરાઈ હતી તે આજે ઐતિહાસિક સ્મારક તરીકે જળવાઈ રહ્યું છે.

પૂજ્ય મા જે જમાનામાં જીવતાં હતાં તે જમાનામાં ધ્યાનપાત્ર લાગે એવી ઘટનામાં માના મનની અર્વાચીનતા આપણને જોવા મળે છે. એક બંગાળી સ્ત્રી પોતાની સાત-આઠ વરસની દીકરીને પરણાવી દેવા માગતી હતી. પણ એ છોકરી એમ ઇચ્છતી ન હતી. એ ભણવા માગતી હતી. એની મા એને પૂજ્ય મા પાસે લઈ ગઈ અને, પૂજ્ય મા એ છોકરીને ધમકાવશે એમ એ ધારતી હતી. એ જમાનો બાળલગ્નનો હતો. પરંતુ છોકરીને વઢવાને બદલે પૂજ્ય મા એની માને વઢવા માંડ્યાં અને એને કહ્યું : ‘‘છોકરીનું જીવન શા માટે બગાડે છે? એને શા માટે નથી ભણાવતી?’’

મેં અગાઉ જણાવ્યા પ્રમાણે શ્રીરામકૃષ્ણે અને પૂજ્ય માએ કશું અર્વાચીન શિક્ષણ લીધું ન હતું. પણ, ઉચ્ચતમ શિક્ષણ પામેલા લોકો એમની પાસે બોધ લેવા માટે આવતા. આના પરથી મુણ્ડક ઉપનિષદમાં વ્યક્ત થયેલું વિદ્યા વિશેનું સત્ય આપણે સમજી શકીએ છીએ; એ ઉપનિષદ બે પ્રકારની વિદ્યાઓ કહે છે – અપરા વિદ્યા અને પરા વિદ્યા. બધા ભૌતિક જ્ઞાનની સાથે, વેદો પણ અપરા વિદ્યાના વર્ગમાં આવે છે. તો પરા વિદ્યા શું છે? એ ઉપનિષદ ઉત્તર આપે છે: यथा तत् अक्षरं अधिगम्यते – ‘જેના વડે અવિનાશી અક્ષર તત્ત્વનું જ્ઞાન થાય છે તે.’ પશ્ચિમમાં, ધીમે ધીમે લોકો પરા વિદ્યાની અગત્ય સમજતા થતા જાય છે. બર્ટ્રેણ્ડ રસેલે ચેતવણી ઉચ્ચારી છે : ‘જ્ઞાનમાં વધે છે તેટલો માણસ શાણપણમાં નહિ વધે તો, જ્ઞાનવૃદ્ધિ શોકવૃદ્ધિમાં પરિણમશે.’

આજે ભારત ક્રાંતિકારક તબક્કામાંથી પસાર થઈ રહેલ છે. આપણું રાજકારણ ભલે લોકતાંત્રિક હોય, આપણો સમાજ હજી લોકતાંત્રિક નથી. ૧૯૩૭માં, ત્રાવણકોરનાં મહારાણીએ ઢંઢેરો કરીને પાડી રાજ્યનાં બધાં મંદિરો અસ્પૃશ્યો માટે ખૂલ્લાં મૂક્યાં. સૌથી વધારે અસ્પૃશ્યતા કેરળમાં હતી. માત્ર અસ્પૃશ્યતા જ ન હતી, પાસે જવાની પણ મનાઈ હતી. એટલે વિવેકાનંદ એને પાગલ રાજ્ય કહેતા. પરંતુ બધી અસ્પૃશ્યતા અને જ્ઞાતિવાદથી કેરળ આજે મુક્ત છે. આનો યશ પ્રસિદ્ધ અસ્પૃશ્ય સંત નારાયણ ગુરુને જાય છે. કેરળના અસ્પૃશ્ય વર્ગની શૈક્ષણિક અને આર્થિક સુધારણા કરવામાં તેમણે સહાય કરી હતી.

ભારતના વિવિધ પ્રદેશોમાં આજે પણ અસ્પૃશ્યતા અને જ્ઞાતિવાદનું ખૂબ જોર છે; જૂનવાણી જાગીરદારી પરિબળો આજે પણ જોરથી કાર્ય કરી રહ્યાં છે. એટલે સામાજિક ક્રાંતિનું કાર્ય વેગથી ધપાવવાનું છે. રામકૃષ્ણ-વિવેકાનંદના સંદેશને લોકો સુધી લઈ જવાનો છે જેથી, સ્વતંત્રતા અને સમાનતાનું વેદાંતી દર્શન ભારતમાં વેદાંતી સમાજનું સર્જન કરે. આપણા રાષ્ટ્રે આ પંથે પ્રવાસ આરંભ્યો છે. વેદાંત પહેલી વાર જ વ્યવહારુ બને છે. સ્વામીજી ભારતમાં વેદાંતી સમાજ ઇચ્છતા હતા. આ સ્વાસ્થ્યપ્રદ વેદાંતી વિચારોનો પ્રસાર આપણે જેટલો વધારે કરીશું તેટલું વધારે સારું છે. શ્રીરામકૃષ્ણ સત્યયુગની સ્થાપના માટે આવ્યા હતા. સ્વામીજીએ કહ્યું છે કે શ્રીરામકૃષ્ણના આગમન સાથે સત્યયુગનો આરંભ થયો છે. ક્રાંતિકારી બંગાળી મુસ્લિમ કવિ કાઝી નસરુલ ઈસ્લામે પોતાના શ્રીરામકૃષ્ણ પરના ગીતમાં કહ્યું છે: સત્ય યુગેર પુણ્ય સ્મૃતિ કલિતે આણિબે તુમિ તાપસ – ‘આ કલિયુગમાં તમે સત્યયુગની સ્મૃતિ આણી છે.’

આમ આપણી પાસે આ બધા વિચારો છે, આપણે એમનો પ્રચાર કરવાનો છે. આપણું રાજકીય લોકતંત્ર બળવાન નથી. એની પર ઘણાં જૂનવાણી દબાણ કામ કરી રહ્યાં છે. પરંતુ, આ વૈદિક વિચારોનો પ્રચાર થાય તો, જૂનવાણી દબાણો હઠાવી શકાય.

વ્યવહારુ વેદાંત માટેના ઉત્તમ ગ્રંથ તરીકે સ્વામી વિવેકાનંદે ભગવદ્‌ગીતાને રજૂ કરી હતી. આઠમી સદી સુધી, મહાભારતના મહાગ્રંથમાં ગીતા ગોપિત પડી હતી. એને બહાર કાઢી, એની પર ભાષ્ય લખી શંકરાચાર્યે એને સ્વતંત્ર ગ્રંથરૂપે રજૂ કરી. તેમાં આપણને સમત્વનો અને સમદર્શિત્વનો સંદેશ સાંપડે છે. આપણે આ સમત્વનું આચરણ કરવાનું છે.

પશ્ચિમમાંથી આપણને રાજકીય લોકતંત્ર સાંપડ્યું છે. ઉપનિષદોના આધ્યાત્મિક સંદેશ વડે એને પુષ્ટ કરવું જોઈએ. શ્રીરામકૃષ્ણ, પૂજ્ય શારદા મા અને સ્વામી વિવેકાનંદના આચરણમાં આપણને એ જોવા મળે છે. અર્વાચીન સમાજિક-રાજકીય અભિગમો અને, ઉપનિષદોના પ્રાચીન શાણપણનો સંગમ આપણને તેમનામાં જોવા મળે છે. આપણા લોકો એમના જીવનમાં આ સંગમનાં દર્શન કરશે એટલે, પોતાનાં જીવનમાં પણ તેનો અમલ કરશે.

ગીતાનો છેલ્લો શ્લોક ખૂબ અગત્યનો છે. અર્જુનનું સત્ત્વ શ્રીકૃષ્ણના સત્ત્વ સાથે જોડાશે ત્યારે, આપણને શ્રી-પૈસો, વિજય-સ્નેહ, ભૂતિ-સમૃદ્ધિ અને ધ્રુવાનીતિ – સબળ ન્યાય પ્રાપ્ત થશે. પશ્ચિમના વ્યવહારુ પ્રાવીણ્ય અને ઉપનિષદોની આધ્યાત્મિકતાનો મેળ એનો અર્થ છે. પાછલી કેટલીક સદીઓમાં આપણે આ ન કર્યું એટલે, આપણે શ્રીને કદી ન પામી શક્યા અને બીજે બધે પણ નિષ્ફળ ગયા. આ બદલવું જ જોઈએ. શ્રીરામકૃષ્ણ, પૂજ્ય શ્રીમા અને સ્વામીજીનો આ અર્વાચીન ક્રાંતિકારી સંદેશ રાષ્ટ્રના અને સર્વના હિતને માટે, સૌના કલ્યાણ માટે ફેલાવવો જ જોઈએ.

Total Views: 124

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.