રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજી મહારાજે અંગ્રેજીમાં લખેલ અને અદ્વૈત આશ્રમ, માયાવતી દ્વારા પ્રકાશિત થયેલ ગ્રંથ ‘Universal Message of the Bhagavad Gita’નો શ્રી દુષ્યંત પંડ્યાએ કરેલો ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત કરીએ છીએ. – સં.

ભગવદ્‌ ગીતાનાં આકર્ષણ અને શક્તિ

ગીતા વિશેની ભારતની પુરાણી ગેરસમજ

ભગવદ્‌ ગીતાના સ્વાધ્યાયનો આરંભ આપણે આજની સાંજે કરીશું. પ્રથમ ત્રણ અધ્યાયો યોગના તત્ત્વજ્ઞાન અને અધ્યાત્મના મુખ્ય વસ્તુની વાત કરે છે; ચોથા અધ્યાયના આરંભમાં શ્રીકૃષ્ણ એનો ઉલ્લેખ કરે છે. પરંતુ એમના મૂળ સંદેશનું તત્ત્વ બીજા અને ત્રીજા અધ્યાયમાં નિદર્શિત થયું છે. પછીના ચૌદ અધ્યાયોમાં એને સમૃદ્ધ કરવામાં આવ્યું છે. પરંતુ એમના સંદેશનો અંતસ્થ ભાગ બીજા અને ત્રીજા અધ્યાયોમાં રજૂ કરાયો છે. આપણા રાજ્યબંધારણમાં જે માનવતાવાદી હેતુઓ છે અને, માનવજાત જેને આજના યુગમાં ઝંખી રહી છે તેમની સાથે, બધાં નરનારીઓનાં અંતરમાં રહેલા સનાતન આધ્યાત્મિક સત્યના સાક્ષાત્કારમાં સહાય કરવા માટેનો એ ગ્રંથ છે. તેથી જ તો ગીતાનો સંદેશ જગતના વિવિધ દેશોમાં આજે પ્રસરી રહ્યો છે. આપણા પૂરતી વાત કરીએ તો, અર્વાચીન યુગમાં આ સ્વાધ્યાય રૂઢ કરતાં જુદા અભિગમથી કરવો જોઈએ. અગાઉ મોટેભાગે ધાર્મિક કાર્ય તરીકે અને થોડી ચિત્તશાંતિ માટે ગીતા વંચાતી. આ ગ્રંથ ગહન વ્યવહારુતાનો છે અને પૂર્ણ વિકસિત માનવ સમાજના સર્જનમાં એ આપણને ઉપયોગી થવા સમર્થ છે એ ભાન આપણને કદી નથી થયું. ગીતાના બોધના વ્યવહાર્ય ઉપયોગને આપણે કદી સમજ્યા જ ન હતા. આપણે એ સમજ્યા હોત તો, હજાર વરસોનાં પરદેશી આક્રમણો, આંતરિક જ્ઞાતિસંઘર્ષો, જમીનદારી શોષણ અને, મોટા પાયાનું દારિદ્ર આપણે ત્યાં ન હોત. આપણે ગીતાને કદી ગંભીરતાથી લીધી નહીં પણ હવે, આપણે એમ લેવી જ પડશે. માનવ ગૌરવ, મુક્તિ અને સમાનતાના પાયા પર નવીન અભ્યુદય સમાજ ઊભો કરવામાં સહાયરૂપ થાય એવા દર્શનની આપણને આવશ્યકતા છે. અર્વાચીન ભારતમાં આપણી સમક્ષ આપણે આ લક્ષ્ય રાખ્યું છે અને, જગતભરના લોકોને એ જ પ્રેરી રહ્યું છે; અને લોકોનાં મનને અને હૃદય એ દિશામાં વાળે એવી ગીતાની ફિલસૂફી છે. ગીતાનો આ નવો અભિગમ આજના યુગમાં પ્રથમ સ્વામી વિવેકાનંદે આપ્યો હતો. હજારો વર્ષો પૂર્વે શ્રીકૃષ્ણે એ વ્યવહાર્ય દર્શન આપ્યું હતું. પરંતુ, આપણે એને માત્ર ધર્મગ્રંથ બનાવી કાઢ્યો. આપણે ગીતાના શ્લોકો ધ્યાનથી વાંચીશું ત્યારે આપણને આ જોવા મળશે. શ્રીકૃષ્ણ રૂપી ગોવાળે વેદોરૂપી ગાયોને દોહીને કાઢેલા દૂધ સાથે ગીતાને સરખાવાઈ છે. એ દૂધનો ઉપયોગ શો છે? એની પૂજા કરવાની નથી પણ, આપણા પોષણ માટે એ પીવાનું છે. તો જ આપણે શક્તિ મેળવી શકીએ. પણ આ હજારો વર્ષોથી આપણે દૂધનો એ કટોરો લીધો. પુષ્પ ધૂપથી એની પૂજા કરી, એને પ્રણામ કર્યાં પણ એ પ્યાલો કદી મોંએ ન માંડ્યો. એટલે તો આપણે શારીરિક, માનસિક અને સામાજિક દૃષ્ટિએ દુર્બળ છીએ. આ દૂધ પીએ અને એને આત્મસાત્‌ કરતા થઈએ એટલે આ બદલાશે. ચારિત્ર્યબળ, કાર્યકૌશલ અને સેવાભાવનાના વિકાસમાં અને, રાષ્ટ્રના ભાવિના નવનિર્માણમાં એ આપણને સહાયભૂત થશે.

ભારતમાં ચોમેર પ્રવાસ કરતાં આપણા લોકોમાં પ્રસરેલી આ ગેરસમજ મારા જોવામાં આવી છે. પણ નવી દિલ્હીમાં રામકૃષ્ણ મિશનની જવાબદારી સંભળવા જતાં, ૧૯૪૯માં હૈદરાબાદના પોલીસ એક્શન પછી તરત જ, પાંચ દિવસના મારા પ્રવચન કાર્યક્રમ દરમિયાન આ બાબત મારા ધ્યાન પર વિશેષે આવી. રાજ્યના લશ્કરી ગવર્નર જનરલ ચૌધરીને હું મળું એમ એક મિત્રે સૂચન કર્યું એટલે, ત્યાંના મારા યજમાન હતા તે મારા મિત્ર સાથે હું તેમને મળવા ગયો. જનરલે અમારું સ્વાગત કર્યું અને પહેલા અર્ધા કલાક સુધી એ બોલતા રહ્યા અને હું સાંભળતો રહ્યો. રાજ્યના કોઇક પ્રદેશમાં સામ્યવાદીઓનું બંડ ચાલુ હતું અને, એમને વારંવાર ફોન લેવા પડતા હતા; પણ વાતચીત ચાલુ જ હતી. એવામાં એમના મેજ પર પડેલી ગીતા તરફ મારું ધ્યાન ગયું. મને વાત ઉપાડી લેવાની તક એણે આપી. મેં એમને પૂછ્યું : ‘‘જનરલ ચૌધરી, તમે ગીતા વાંચો છો? તમારા મેજ ઉપર એ પડી છે.’’ ખૂબ થાકેલા હોય તે રીતે તેમણે ઉત્તર આપ્યો : ‘‘જરૂર, હું થાક્યો હોઉં અને મારે મનની શાંતિ જોઈતી હોય ત્યારે, હું ગીતાના થોડા શ્લોક વાંચું છું.’’ એમને દૃઢતાપૂર્વક મેં કહ્યું કે, ‘‘એનો હેતુ એ નથી.’’ એ સાંભળી એ ચમક્યા અને બોલ્યા : ‘‘થોડી શાંતિ આપવા સિવાય આ ગ્રંથનો શું બીજો કોઇ હેતુ છે?’’ ‘‘હા, એ ગ્રંથ માત્ર મનની શાંતિ માટેનો નથી; લોકોની સેવા માટે તમને એ શક્તિ દેનારો છે, તમને જવાબદાર નાગરિક બનાવનારો છે.’’ એ આશ્ચર્યચકિત થઈ મને ફરીફરી પૂછવા લાગ્યા : ‘‘આ રાજ્યના મિલિટરી ગવર્નર તરીકે આ પુસ્તક મને ઉપયોગી છે એમ તમે કહેવા માગો છો?’’ ‘‘એમ જ,’’ મેં કહ્યું. ‘‘કર્મ કરતાં અને જવાબદાર નરનારીઓને જીવનની અને કર્મની ફિલસૂફીની જરૂર રહે છે. ‘યોગ’ નામના સરળ શબ્દ દ્વારા ગીતા એ ફિલસૂફી આપે છે. આજ સુધી આપણે એ સમજ્યા જ નથી. ગીતાના ચોથા અધ્યાયનો પહેલો શ્લોક લો. શ્રીકૃષ્ણ કહે છે, ‘યોગનું આ દર્શન મેં જવાબદારીવાળા લોકોને આપ્યું, તે એ માટે કે, એ દર્શન વડે લોકોનું રક્ષણ અને પોષણ કરવા સમર્થ બને.’ આ મહાગ્રંથનો એ હેતુ છે.’’ મેં આ વાત પર ફરી ફરી ભાર મૂક્યો; એમણે ફરી ફરી પૂછ્યું : ‘‘આ રાજ્યનો ગવર્નર એવો હું વધારે કાર્યક્ષમ બનું તેવો બોધ મને એમાંથી મળશે?’’ ‘‘હા, ગ્રંથનો એ જ તો હેતુ છે, જવાબદારીનું વહન કરતાં સૌ નરનારીઓને સૌના કલ્યાણ માટે કર્મરત રહેવાની પ્રેરણા એ આપે છે. તમને નિદ્રાધીન કરવા માટે એ નથી, જગાડવા માટે છે. માત્ર મનની શાંતિ માટે એ નથી પણ, સમાજમાં સૌના કલ્યાણ માટે માનવતાભરી પ્રેરણા અને દૃઢ નિશ્ચય આપવા માટે એ છે.’’

એમને બહુ આનંદ થયો. એક કલાક વીતી ગયો. પછી મેં પૂછ્યું : ‘‘સ્વામી વિવેકાનંદના કોઈ ગ્રંથો તમે વાંચ્યા છે?’’ ‘‘હા, એમની ઉક્તિઓની કેટલીક નાની પુસ્તિકાઓ મેં વાંચી છે.’’ હું બોલ્યો, ‘‘એ ન ચાલે! એક પુસ્તક તમે ખાસ વાંચો તેમ હું ઈચ્છું છું – ભારતમાં એમણે આપેલાં વ્યાખ્યાનોનું પુસ્તક લેક્ચર્સ ફ્રોમ કોલંબો ટુ અલ્મોડા (કોલંબોથી અલ્મોડા સુધીનાં પ્રવચનો) નામે ઓળખાય છે. આ વ્યાખ્યાનોએ આપણા રાષ્ટ્રને જગાડ્યું અને, આપણા રાષ્ટ્રની આઝાદીના અનેક લડવૈયાઓને જગાડ્યા. તમે એ વાંચવાનું વચન આપતા હો તો, દિલ્હી ગયા પછી મારા હસ્તાક્ષર સાથે તમને એક નકલ મોકલીશ. એક પણ પુસ્તક નકામું જવા દેવામાં હું માનતો નથી.’’ ‘‘હા જી, હું વાંચીશ.’’ એમણે કહ્યું. પછી એમની રજા લઈ હું રવાના થયો. બીજે દહાડે હું દિલ્હી ગયો અને ત્યાંથી, એમને પેલા પુસ્તકની નકલ મોકલાવી. એમણે આભારનો સરસ પત્ર મને લખ્યો. પછી પોતે કેનેડામાં ભારતીય હાઇકમિશનર હતા ત્યારે, મારા પુસ્તક ઇટર્નલ વેલ્યુઝ ફોર અ ચેંજિંગ સોસાયટીના પ્રથમ ભાગમાંના મારા વ્યાખ્યાન એસેન્સ ઓફ ઇન્ડિયન કલ્ચરનો ફ્રેન્ચ અનુવાદ કરી કેનેડાના ફ્રેન્ચભાષી નાગરિકોમાં ભારતીય સંસ્કૃતિના જ્ઞાનનો પ્રચાર કરવાની અનુમતિ એમણે માગી હતી.

આ અનુભવથી હું સમજ્યો કે, આપણે સવારને પહોરે સ્તોત્રપાઠ કરીએ છીએ તેની માફક જ લાખો લોકો ભારતમાં ગીતા પાઠ ગબડાવી જાય છે. ભારતમાંના અથાગ નરત્વ અને નારીત્વને જગાડવાના પડકારોને આપણે પહોંચી વળીએ તે માટે આપણને માર્ગ ચીંધે તેવા દર્શનની આજે જરૂર છે. કેટલાંક હજાર વર્ષો પહેલાં ગીતાનો સંદેશ કુરુક્ષેત્રની ઘોર રણભૂમિમાં અપાયો હતો. માત્ર ગીતા જ આવું દર્શન નિરૂપે છે. બીજો બધો બોધ કોઈ મંદિરમાં, ગુફામાં કે વનમાં અપાયો હતો. અહીં શિષ્ય અને ગુરુ, અર્જુન અને શ્રીકૃષ્ણ બંને અસાધારણ વ્યક્તિઓ હતી; બંને ક્ષત્રિયો હતા. અને ગુરુ શ્રીકૃષ્ણ કરુણા ધારક હતા અને એમને વૈશ્વિક દર્શન લાધ્યું હતું. આમ વીરગુરુ તરફથી વીર શિષ્યને અપાયેલો વીર સંદેશ ગીતા છે. જગતમાં ક્યાંય પણ કોઇને પોતાની પૂર્ણતમ માનવશક્તિને પામવા માટે ગીતાની વૈશ્વિકતા એને ઉપયોગી બનાવે છે. ગીતાના એકાદ હજાર વર્ષો પૂર્વે માનવશક્યતાઓના વિજ્ઞાનને ઉપનિષદોએ કે વેદાંતે પ્રબોધ્યું હતું અને, ગીતા એ શાસ્ત્રનો પ્રત્યક્ષ વ્યવહાર પ્રબોધે છે. માટે તો સ્વામી વિવેકાનંદ ગીતાને વ્યવહાર્ય વેદાંતનું ઉત્તમ પુસ્તક કહેતા.

ગીતાનો પ્રથમ અંગ્રેજી અનુવાદ

ગીતાનો પ્રથમ અંગ્રેજી અનુવાદ સર ચાર્લ્સ વિલ્કિન્સે કર્યો હતો અને, ભારતમાંના પહેલા બ્રિટિશ ગવર્નર જનરલ વોરન હેય્‌સ્ટિંગ્ઝની પ્રસ્તાવના સાથે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ એ પ્રકાશિત કર્યો હતો; એમાં નીચેનું અગમવાણી ભાખતું વાક્ય છે :

‘ભારતમાંથી બ્રિટિશ સત્તા અસ્ત પામી હશે અને, એ સત્તાને સમૃદ્ધિ અને સામર્થ્ય બક્ષતા સ્રોતો સ્મૃતિલોપ પામ્યા હશે ત્યારે પણ ભારતીય દર્શનોના લેખકો ટકી રહ્યા હશે.’

એક સદી પછી, સર એડવિન આર્નલ્ડ (૧૮૩૨-૧૯૦૪) કૃત ‘ધ સોંગ સિલેસ્ટિયલ’ નામથી બીજો સુંદર અનુવાદ બહાર પડ્યો. પુણેમાં અને બીજે, ભારતમાં એ રહેતા હતા ત્યારે, એ સંસ્કૃત ભાષા શીખ્યા હતા. ભારતીય સંસ્કૃતિ પર એમનામાં ખૂબ પ્રેમ જાગ્યો અને, ઈંગ્લેન્ડ ગયા પછી તેમણે આ અદ્‌ભુત ગ્રંથ અને, બુદ્ધ વિશેનો બીજો એવો જ અદ્‌ભુત ગ્રંથ, ‘ધ લાઇટ ઓફ એશિયા’ એમણે પ્રકાશિત કર્યા. બંને વાચકના હૃદયમાં સીધા પ્રવેશે છે.

માનવીય કોયડાઓને ભગવદ્‌ ગીતા માનવીય રીતે ચર્ચે છે. માટે તો લોકો પર એની આવી પક્કડ છે, સદીઓ અને સદીઓથી એણે ભારતીય ચિત્તને પ્રેરણા આપી છે અને આજે, જગતના વિવિધ પ્રદેશોમાં લાખ્ખોને એ પ્રેરી રહી છે. એ બધા દેશોમાં ગીતા વાંચ્યા પછી લોકો પોતાનો સમગ્ર અભિગમ બદલી નાખે છે એ જાણવું રસપ્રદ છે. યુ.એસ.એ.માં ઇમર્સન, વોલ્ટ વ્હિટમન અને થોરો અને, ઈંગ્લેન્ડમાં કાર્લાઈલ જેવા ચિંતકો અને લેખકો ગીતાના અધ્યયન પછી પોતાના અભિગમને વિશાલતર અને ગહનતર થતો અનુભવે છે અને, એમના લેખન દ્વારા નવો સંદેશ વહેતો થયો.

આદિ શંકરાચાર્ય દ્વારા ગીતાની ગરિમાનું પ્રાકટ્ય

આજના યુગમાં, આખું જગત ગીતાનું સામ્રાજ્ય છે. આરંભમાં એ માત્ર ભારતમાં જ જાણીતી હતી ને તે પણ, સમગ્ર ભારતમાં નહીં પણ, માત્ર સંસ્કૃતના થોડા વિદ્વાનોને જ એનો પરિચય હતો. સૌ પ્રથમ, આઠમી સદીમાં, શંકરાચાર્યે આ ગ્રંથને મહાભારતમાંથી અલગ તારવી, એની ઉપર સંસ્કૃતમાં ભાષ્ય રચી એ ગ્રંથને લોકો સમક્ષ મૂક્યો. ત્યાં સુધી એ મહાકાવ્યના ભીષ્મ પર્વમાં આચ્છાદિત હતો. શંકરાચાર્યના આ મહાન કૃત્ય માટે સ્વામી વિવેકાનંદે ઊંડો આદર વ્યક્ત કર્યો હતો. (સ્વા. વિ.ગ્રં.મા., ભાગ-૪, પૃ. ૧૯૬ પરના) ‘સમગ્ર દૃષ્ટિએ વેદાંત’ વ્યાખ્યાનમાંના એમના જ શબ્દો ટાંકીએ:

‘શંકરાચાર્યની મહાન કીર્તિ તેમના ગીતાના ઉપદેશમાં રહેલી છે. આ મહાપુરુષે પોતાના પ્રભાવશાળી જીવનમાં કરેલાં અનેક પ્રતાપી કાર્યો માંહેનું એક મહાનમાં મહાન કાર્ય, ગીતાનો પ્રચાર અને તેના પર લખેલી સુંદરમાં સુંદર ટીકા છે. ભારતમાં આસ્તિક સંપ્રદાયોના બધા સંસ્થાપકો તેને પગલે પગલે ચાલ્યા છે અને દરેકે ગીતા પર ભાષ્ય લખ્યું છે.’

આમ છતાંય એનો ફેલાવો થોડા પંડિતો અને વિદ્વાનો પૂરતો મર્યાદિત હતો. પછીથી બીજાઓએ એની ઉપર ટીકા લખી અને ધીમે ધીમે એ ગ્રંથ આપણા દેશની ભાષાઓમાં પ્રવેશ્યો; શંકરાચાર્ય પછી કેટલીક સદીઓ પછી સંત જ્ઞાનેશ્વરે, મરાઠીમાં ‘જ્ઞાનેશ્વરી’ લખી. અર્વાચીન યુગમાં લોકમાન્ય ટિળકે ‘ગીતા રહસ્ય’ ગ્રંથના બે ભાગ લખ્યા. બ્રિટિશ સરકારે એમને બ્રહ્મદેશની માંડલેની જેલમાં બે વર્ષ કેદમાં રાખ્યા હતા ત્યારે એમણે એ લખ્યા હતા. એ વેળા એમની પાસે એક પણ પુસ્તક સંદર્ભ માટે ન હતું પણ, એમણે એ સ્મૃતિને આધારે લખ્યું હતું. એ એક પ્રસિદ્ધ પુસ્તક છે અને ત્યાર પછી એવાં ઘણાં પુસ્તકો લખાયાં છે અને આજે, સમગ્ર ભારતમાં તેમ જ વિદેશોમાં ગીતા ખૂબ લોકપ્રિય છે. જગતની ભાષાઓમાં ઘણી આવૃત્તિઓ બહાર પડે છે અને, પ્રકાશિત થયા ભેગી નકલો ચપોચપ ઉપડી જાય છે. આમ, જે યુગનું ઘડતર માર્દવપૂર્વક ગીતા કરી રહી છે તેમાં આપણે જીવી રહ્યાં છીએ. એનો સંદેશ વૈશ્વિક, વ્યવહારુ, બલપ્રેરક અને પાવક છે. માનવ સામર્થ્યના, માનવ શક્યતાના મહાન શાસ્ત્રને રજૂ કરતાં મહાન ઉપનિષદોના સંદેશનો વ્યવહાર્ય વિનિયોગ ગીતામાં સાંપડ્યો છે. માનવ વિકાસના અને પૂર્ણતાના શાસ્ત્ર તરીકે આપણે ગીતાનું અધ્યયન કરવાનું છે. ૭૦૦ શ્લોકોનો છંદ પણ સરળ છે, આઠ અક્ષરના ચરણવાળો અનુષ્ટુપ; જો કે કોઈ કોઈ સ્થળે વધારે મોટાં ચરણોવાળા છંદ પણ પ્રયોજાયા છે.

ગીતા ધ્યાનના શ્લોકો

ગીતા ખૂબ સરળ છે અને, એમાં વ્યક્ત થયેલા અનેક વિચારો મહાભારતમાં અન્યત્ર સાંપડે પણ છે. બેત્રણ વર્ષો પૂર્વે અહીં હૈદરાબાદમાં આપણે શાંતિપર્વનો સ્વાધ્યાય કરતાં હતાં ત્યારે, એની અને ગીતાની વચ્ચેનું વૈચારિક સામ્ય તમારા ધ્યાન પર આવ્યું હશે. વૈદિક યુગ પછીનો આ વિકાસ છે; મનુષ્ય જીવનના પ્રશ્નોના ઉકેલ માટે ઉપનિષદોના દર્શનનો વ્યવહારુ વિનિયોગ કરવાનો એ પ્રયત્ન છે. એ માટે મહાન ગુરુ શ્રીકૃષ્ણ અવતર્યાં; એ પોતે ખૂબ વ્યવહારદક્ષ હતા. એ ખૂબ પ્રવૃત્તિમય જીવન જીવ્યા હતા, એમનાં મન અને હૃદય વૈશ્વિક હતાં અને, ભગવદ્‌ ગીતા દ્વારા વેદાંતના આ દર્શનને એમણે વ્યવહાર્ય રૂપ આપ્યું. આપણે એક પછી એક શ્લોકનું અધ્યયન કરીશું. ૧૮ અધ્યાયોના ૭૦૦ શ્લોકોમાં સુંદર વિચારો છે ને આપણા યુગને માટે તે અગત્યના છે. જેને વિશે પ્રશ્ન ન કરી શકાય એવાં હઠાગ્રહી મંતવ્યો એ રજૂ નથી કરતી. પોતાના બોધને પડકાર્યા પછી જ તેનો સ્વીકાર કરવાનું એ સૌને કહે છે. કર્મમાં પ્રવૃત્ત એવા સૌ લોકો માટે શ્રીકૃષ્ણ પોતાનું મૌલિક જીવન દર્શન પ્રગટ કરે છે. સામાન્ય રીતે ગીતાધ્યયન કરતાં પહેલાં એના ધ્યાનના નવ શ્લોકોનું અધ્યયન કરવાનો રિવાજ છે. દેશમાં અને વિદેશોમાં, સર્વત્ર, એ પ્રચલિત છે. એ કોણે રચ્યા તે આપણે જાણતા નથી. આજથી ત્રણ- ચાર સદી પૂર્વે થઈ ગયેલા અને ગીતાના તથા ભાગવતના ટીકાકાર શ્રીધર સ્વામીએ એ રચ્યા છે, એમ કેટલાક કહે છે. ગીતા ધ્યાનના શ્લોકોમાં ગીતાનો, મહાભારતના રચયિતા વ્યાસનો અને શ્રીકૃષ્ણનો ઉલ્લેખ આવે છે.

એટલે આજે એ અદ્‌ભુત મૂળ શ્લોકો અને તેમનો અંગ્રેજી અર્થ તમારી સમક્ષ રજૂ કરીશ. ગીતા વિશેના કથનથી એ આરંભાય છે :

ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं
व्यासेन ग्रथितां पुराणमुनिना मध्येमहाभारतम् ।
अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीम्
अम्ब त्वां अनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् ।।

‘ઓમ! હે ભગવદ્‌ગીતા. જેના વડે ભગવાન નારાયણે જાતે પાર્થને પ્રબોધ્યો હતો, પુરાણા મુનિ વ્યાસે જેને મહાભારતમાં ગૂંથી લીધી છે – એ પુનર્જન્મનો નાશ કરનારી, અદ્વૈતનું અમૃત વરસાવનારી અને અઢાર અધ્યાયની હે ભગવદ્‌ ગીતે! હે અમ્બા! હું નિત્ય તારું ધ્યાન ધરું છું.’

આ પહેલો શ્લોક છે. એમાં ગીતાને મા તરીકે સંબોધન કરવામાં આવ્યું છે. મહાત્મા ગાંધીએ કહ્યું છે, ‘‘ગીતા મારી મા છે. હું જુવાન હતો ત્યારે મેં મારી મા ગુમાવી છે પણ, મારી પાસે ગીતા હોઈ મને માની ખોટ કદી વરતાઈ નથી.’’ બીજો શ્લોક આ પ્રમાણે છે :

नमोऽस्तु ते व्यास विशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र ।
येन त्वया भारत तैलपूर्ण: प्रज्वालितो ज्ञानमयः प्रदीपः ॥

‘વિશાળ બુદ્ધિવાળા અને ફુલ્લ કમળની પાંખડીઓ જેવાં નેત્રવાળા વ્યાસ, તમને નમસ્કાર; મહાભારતરૂપી તેલ વડે તમે જ્ઞાનદીપ પેટાવ્યો છે.’

प्रपन्नपारिजाताय तोत्त्रवेत्रैकपाणये ।
ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः ॥

‘(જમણો) હાથ જ્ઞાનમુદ્રામાં ધારણ કરીને ઊભેલા, જેના એક હાથમાં ગાયો હાંકવા માટેની લાકડી છે અને, શરણે આવનારની ઈચ્છાઓ પરિપૂર્ણ કરનાર શ્રીકૃષ્ણને નમસ્કાર.’

જ્ઞાનમુદ્રાની અગત્ય

પોતાનો જમણો હાથ જ્ઞાન મુદ્રામાં રાખ્યો હોય એવા શ્રીકૃષ્ણનું આ શ્લોક વર્ણન કરે છે. ભારતીય વેદાંતી દર્શનમાં અને અધ્યાત્મમાં આ ખ્યાલ નોંધપાત્ર છે. એ અનુસાર, અંગૂઠો તર્જનીને સ્પર્શતો હોય અને બાકીની ત્રણેય આંગળીઓ લંબાયેલી હોય તેવી આ જ્ઞાનમુદ્રાનો ઊંડો અર્થ છે. આપણા શરીરનાં આસનોના સમોવડ માનસિક ભાવો છે; જેવું મન તેવો દેહ. તમે અમુક રીત આડા પડ્યા છો; તમારા મનની એક ચોક્કસ દશા એ દર્શાવે છે. તમે અમુક રીતે બેસો છો; તમારા એ આસનમાં તમારું મન અમુક રીતે આવિષ્કૃત થાય છે. ધારો કે કોઈ બેઠાં બેઠાં પોતાના પગ હલાવી રહ્યું છે તો તે, એના મનની વેરવિખેર સ્થિતિ દર્શાવે છે. એટલે એ દૃષ્ટિબિન્દુએથી, જ્ઞાનમુદ્રા ગહન માનસિક અભિવ્યક્તિ છે. એનું નામ જ સૂચવે છે તે પ્રમાણે એ મુદ્રા જ્ઞાનનું પ્રતિનિધિત્વ કરે છે – એ દરેક પ્રકારનું જ્ઞાન છે; સામાન્ય, ધર્મનિરપેક્ષ જ્ઞાનથી ગહન આધ્યાત્મિક જ્ઞાન સહિત. ભારતમાં ધર્મનિરપેક્ષ અને ધાર્મિક જ્ઞાન વચ્ચે આપણે કદી મોટો ભેદ પાડ્યો નથી. આપણે મન બધું જ્ઞાન પવિત્ર છે. સકળ વિદ્યા અને કળાઓની દેવી સરસ્વતી છે એ સૌને સ્મરણમાં હશે. આપણી ભારતીય પરંપરા અનુસાર સર્વ જ્ઞાનની એકતાનો વિચાર ગહન છે. અભ્યાસ માટે આપણે જુદી જુદી વિદ્યાશાખાઓ ઊભી ભલે કરીએ પરંતુ, જ્ઞાનની અખંડતાને આપણે ખંડિત કરી શકીએ નહીં. આપણો ભારતીય બોધ એ છે. એટલે આપણામાં આ વિચાર પ્રચલિત છે કે, જ્ઞાનની ખોજ જ ઉત્તમ છે – विद्या धनं सर्वधन प्रधानम्, ‘વિદ્યારૂપી ધન બધાં ધનમાં શ્રેષ્ઠ છે.’ ગીતા (૪.૩૮માં) કહે છે : न हि ज्ञानेन सदृशं पवित्रं इह विद्यते – ‘જ્ઞાન જેવો પવિત્ર બીજો કોઈ પદાર્થ નથી.’ આપણી એક યુનિવર્સિટી, મૈસૂર યુનિવર્સિટીનો એ મુદ્રાલેખ છે.

જ્ઞાનની ખોજ કરવાની શક્તિને લઈને જ મનુષ્યપ્રાણી મનુષ્ય છે. બીજું કોઈ પ્રાણી જ્ઞાનની ખોજ કરી શકતું નથી. પ્રાણીઓની અંદર સહજ સ્ફુરણાનું તંત્ર છે અને એ સર્વ જનીન તંત્રને અધીન છે. પરંતુ, માનવપ્રાણીને જ્ઞાનજગતમાં સંશોધનને માર્ગે મૂકવામાં આવ્યું છે. જ્ઞાનનું એ જગત ધર્મનિરપેક્ષ હોય કે આધ્યાત્મિક હોય પરંતુ, ભારતમાં આપણે મન જ્ઞાન સકળ પવિત્ર છે. ધર્મનિરપેક્ષ જ્ઞાનથી આરંભી આપણે આધ્યાત્મિક ખોજ ભણી ધપીએ છીએ.

જ્ઞાનની આ ખોજ કયા ચોક્કસ આસન દ્વારા નિરૂપવી? જ્ઞાનના બધાં ક્ષેત્રોમાંની ખોજને નિરૂપતી આ અદ્‌ભુત મુદ્રાની શોધ આપણા પ્રાચીન ઋષિઓએ કરી હતી ને એના દ્વારા જ્ઞાનની ખોજના સમસ્ત ક્ષેત્રને વર્ણવી શકાય છે એ અસાધારણ છે. મને એની નવાઈ લાગતી. પછીથી, કેટલાંક વર્ષો અગાઉ જીવશાસ્ત્ર, જ્ઞાનતંતુશાસ્ત્ર અને સંબંધિત વિષયોનો મેં અભ્યાસ કર્યો ત્યારે, મને આ અદ્‌ભુત સત્ય લાધ્યું કે, ચિમ્પાન્ઝી સહિતનું કોઈપણ પ્રાણી પોતાના અંગૂઠાને પોતાની તર્જનીને અડકાડી શકશે નહીં, માત્ર માનવબાળ જ એમ કરી શકે છે. હું હોલેન્ડમાં હતો ત્યારે, ચિમ્પાન્ઝીના વર્ણન વિશેની એક ફિલ્મમાં મેં જોયું હતું કે, ઝાડની એક ડાળીને આખી હથેળી વડે પકડીને એને જમીન પર પછાડી એ કોઈ શત્રુને નસાડતો હતો. ડાળીને એ રીતે તમે પકડો ત્યારે પકડમાં શક્તિ નથી હોતી અને, એ વ્યાપારમાં અંગૂઠો વપરાય નહીં ત્યાં સુધી એ ડાળીના ઉપયોગમાં શક્તિ પ્રગટતી નથી. બધાં પ્રાણીઓમાં બીજી આંગળીઓ સાથે, ખાસ કરીને તર્જની સાથે અંગૂઠો સહકાર સાધવાનું જાણતો નથી.

પરંતુ ઉત્ક્રાંતિની મનુષ્ય કક્ષાએ, અંગૂઠો તર્જનીને અડકાડનાર સૌ પ્રથમ માનવપ્રાણી બન્યું. માનવીની પ્રૌદ્યોગિક કુશળતાનો, પોતાની આસપાસના જગતને કૌશલપૂર્વક વાપરવાનો, ઓજારો વાપરવાની શક્તિનો અને જ્ઞાન મેળવવાનો એ આરંભ હતો. આ પાર્થિવ શક્તિ વડે માનવીએ જ્ઞાન જગતમાં પ્રવેશ કર્યો. એટલે તો, અતિ સામાન્યથી અતિ અસામાન્ય કક્ષાઓ સુધી આ અંગૂઠા તર્જનીનો સંયોગ મહાન પ્રતીક રૂપ છે. વૈજ્ઞાનિક દૃષ્ટિથી મને આ તદ્દન સાચું જણાયું છે. આ બે આંગળીઓના વિનિયોગમાં જેટલા મગજકોષોની જરૂર પડે છે એટલી બીજી આંગળીઓના વિનિયોગમાં નથી પડતી. અંગૂઠો કપાઈ જાય તો હાથની કાર્યક્ષમતા સ્વાભાવિક રીતે જ ઘટી જશે. પોતાના પ્રિયશિષ્ય અર્જુન સામે હરીફાઈ કરી શકે નહીં એ માટે એકલવ્ય પાસેથી ગુરુદક્ષિણામાં એનો અંગૂઠો માગી લેતા ધનુર્વિદ્યાના ગુરુ દ્રોણની વાત આવે છે; અને પોતાના ગુરુ તરીકે દ્રોણને માનનાર એકલવ્યે એ આજ્ઞા માથે ચડાવી. પોતાના લેંકેશાયરના વણકરો સાથે હરીફાઈ ન કરી શકે એ માટે ભારતના બ્રિટિશ રાજકર્તાઓએ ઢાકાની સુંદર મલમલ વણનારાઓના અંગૂઠા કાપી નાખ્યાનું કહેવાય છે.

ધર્મનિરપેક્ષ અને આધ્યાત્મિક જ્ઞાન ભણીની માનવીની કૂચના આરંભમાં આ અંગૂઠાની અને તર્જનીએ એને લગાડવાની શક્તિની અગત્ય છે. જ્ઞાનના ક્ષેત્ર પૂરતો ધર્મનિરપેક્ષ અને આધ્યાત્મિક એવો ભેદ નથી; બધું જ્ઞાન પવિત્ર છે. સરસ્વતી-પૂજાને દિવસે જ્ઞાનનાં બધાં ઓજારો સરસ્વતી સમક્ષ રાખવામાં આવે છે. બાળપણમાં મારા ઘરમાં થતી સરસ્વતીપૂજામાં હું જોડાતો. વાણી કહેવાતી એ દેવીમૂર્તિ સમક્ષ સુતારી કામનાં ઓજારો, તબીબી સાધનો અને બધા પ્રકારનાં ધાર્મિક પુસ્તકો રાખવામાં આવતાં હું જોતો. એ બધાં જ્ઞાનની એક્તા દર્શાવે છે. એ અદ્‌ભુત, સંયમ મૂર્તિ છે અને માનવચિત્તને ખૂબ પ્રેરણા આપે છે. સાચા ભાવથી આપણે સરસ્વતીપૂજા કરતાં હતાં ત્યાં સુધી, આપણા દેશમાં જ્ઞાનવૃદ્ધિ થતી. પણ સરસ્વતીને છોડીને આપણે લક્ષ્મી ભણી વળ્યા ત્યારથી, ભારતમાંથી લક્ષ્મી અને સરસ્વતી, સમૃદ્ધિ અને જ્ઞાન અદ્દશ્ય થઈ ગયાં. આજે પ્રથમ સરસ્વતીને અને પછી લક્ષ્મીને, બંનેને આપણા દેશમાં આપણે પુન: પધરાવવાનાં છે. લક્ષ્મી – સરસ્વતીની નીપજ છે.

જેટલું જ્ઞાન વધારે તેટલી, વધારે સમૃદ્ધિ તમે ઊભી કરી શકો; જ્ઞાનપ્રેરિત કુશલ કર્મ વિના, સમૃદ્ધિને પામવાનો અન્ય માર્ગ નથી. જાદુથી કે રહસ્યથી સમૃદ્ધિનું સર્જન નથી કરી શકાતું. આજે આપણે એ પાઠ ભણવાની જરૂર છે. પ્રથમ સરસ્વતી છે અને, લક્ષ્મી સરસ્વતીની ઉપપેદાશ છે. આ જ્ઞાન આવવું જ જોઈએ. તો જ, ભારતની ગરીબી દૂર કરી શકાશે. વિશુદ્ધ જ્ઞાન સરસ્વતી છે અને પ્રાયોજિત જ્ઞાન લક્ષ્મી છે. કૃષિમાં પ્રાયોજિત જ્ઞાન રાષ્ટ્રની સમૃદ્ધિ વધારે છે; ઉદ્યોગનું પણ તેમ જ છે. આ બે પાવનકારી દેવીઓ સર્વત્ર રાજ્ય કરે છે પણ, એમનું સાચું પૂજન કેવી રીતે કરવું તે આપણે ભારતમાં ફરી શીખવાની જરૂર છે. એમની છબિઓની માત્ર આરતી ઉતારવી એ એમની ભક્તિની રીત નથી. વિદ્યાપીઠમાં જાઓ, વિવિધ પુસ્તકોનું અધ્યયન કરો, જાતે મનન કરો – સરસ્વતીના વિદ્યાર્થીઓ બનવાની એ સાચી રીત છે. અને સખત પરિશ્રમ, સામુદાયિક કાર્ય, કૌશલ સુધારવાની કોશિશ – એ રીતે આપણે લક્ષ્મીપૂજા કરવાની છે. વર્ષે એક વાર ભલે આરતી કરીએ પણ, નિત્યને માટે આ પ્રકારના સખત પરિશ્રમ વડે જ લક્ષ્મીપૂજન કરવાનું છે. તો જ લક્ષ્મી આપણી ઉપર કૃપા કરશે.

માટે, આજના યુગમાં જ્ઞાન આદર્શ છે અને, પ્રત્યેકે જ્ઞાનની વાટ લેવાની છે. અંગૂઠાને તર્જનીએ લગાડવાની શક્તિ કુદરતે માનવીને બક્ષી છે અને, એ દ્વારા પોતાની આસપાસના જગતને ઘડવાની અને, જ્ઞાન તથા સત્તા પ્રાપ્ત કરવાની શક્તિ એને આપી છે. માનવ ઉત્ક્રાંતિનો આ આરંભ છે. શ્રીકૃષ્ણના વર્ણનમાં ज्ञान मुद्राय कृष्णाय એ સુંદર શબ્દ પ્રયોગ છે. મહાન સંતો, સાધુઓ, અવતારો અને જગદમ્બા સહિતના ભારતના સકળ મૂર્તિવિધાનમાં જ્ઞાનમુદ્રાનું આ વિશિષ્ટ લક્ષણ જણાશે. શિવના દક્ષિણામૂર્તિ તરીકેના નિરૂપણમાં એ ખાસ જોવામાં આવે છે. પોતાની આ જ્ઞાનમુદ્રા વડે, પોતાની સન્મુખ બેઠેલા શિષ્યોના સંશયો એ દૂર કરે છે. અતિ પ્રાચીન કાળથી આ પરંપરા આપણે ત્યાં ચાલી આવે છે અને, આપણા પ્રવર્તમાન પ્રશ્નોના ઉકેલ માટે આપણે એ પરંપરાનું તત્ત્વ કામે લગાડવું જોઈએ. સમગ્ર દેશે જ્ઞાનને અને જ્ઞાનની ખોજને સમર્પિત થવું જોઈએ.

Total Views: 123

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.