અભ્યુદય અને નિ:શ્રેયસ : આ માર્ગોનાં ફળ

આમ ઉદયમાં અભિનું ઉમેરણ ખૂબ અગત્યનું છે; એ સહની ભાવના દર્શાવે છે. ગામમાંના આપણા પડોશીઓ સાથે કેમ રહેવું તે આપણે શીખવું જોઈએ; એમની સાથે સુમેળ સ્થાપી, સાથે મળી આપણા ગામને આપણે સુધારીએ; જાહેર સ્વાસ્થ્યની સુધારણા, માર્ગોની અને રહેણાકોની સુધારણા અને, બધા લોકોને પેટભર અનાજ તથા શિક્ષણ – કેવળ સહકારથી જ આપણે આ બધું હાંસલ કરી શકીએ. આપણી પંચાયતોને અને મ્યુનિસિપાલિટીઓને સ્વસ્થતા બક્ષવાનો એ જ માર્ગ છે. એ માર્ગે જ આપણે નવભારતમાં પ્રાણ પૂરી શકીએ. આમ આ અભ્યુદયની ફિલસૂફી જરૂરી છે; પશ્ચિમે મહદંશે એ હાંસલ કરેલ છે અને, આપણા દેશમાં એનો અમલ કેવી રીતે કરવો તે આપણે પશ્ચિમ પાસેથી શીખી શકીએ છીએ. આપણા જીવનમાં આપણે ત્રણ મૂલ્યો પ્રસ્થાપિત કરવાં જોઈએ – સખત કાર્ય, પ્રવીણતાભર્યું કાર્ય અને સહકારયુક્ત કાર્ય. શંકરાચાર્ય કહે છે કે, આ પ્રવૃત્તિ અને નિવૃત્તિની બેવડી વૈદિક વિચારધારા એક તરફથી લોકોનું અભ્યુદય અને બીજી તરફથી નિ:શ્રેયસ રચે છે. આજના કલ્યાણ રાજ્યની વાત કરીએ છીએ ત્યારે, આપણે એ જ કહીએ છીએ; એમાં કશું કાલ્પનિક નથી; કેટલાયે સમાજોએ આજે અભ્યુદય સાધ્યો છે; અને, આપણે ચારિત્ર્ય કૌશલ સાધીએ તો, ભારતમાં પણ આપણે એ સાધી શકીએ. જિસસે કહ્યા પ્રમાણે, ‘જેને તમે જુઓ છો એવા મને તમે ચાહી ન શકો તો, જેને તમે જોયો નથી તે ઈશ્વરને કેવી રીતે ચાહી શકવાના?’ આપણા લોકોએ આ મોટો પાઠ શીખવાનો છે. જેની સાથે આપણે વારંવાર ઝઘડી પડીએ છીએ તે આપણા પડોશીના કરતાં, મંદિરમાંની પ્રભુમૂર્તિ સાથે કે, ક્યાંક આઘે વસતા ભગવાન સાથે જાતને જોડવામાં આપણને અનેક ગણો રસ પડે છે. આ બદલવાની જરૂર છે તે આનો ફેરફાર જ અભ્યુદય સાધે છે. પછી નિ:શ્રેયસ આવે છે. ઘર, શિક્ષણ, સ્વચ્છ પરિસર, આર્થિક સત્તા અને વિવિધ સુખોપભોગ, જીવનના બધા ભોગો, તમે ભલે પ્રાપ્ત કરો. છતાં મનની શાંતિ નહીં હોય; જીવન તનાવોથી ભરપુર હશે. કારણ? તમે એક બાબત ચૂકી ગયા છો; તમારી સાચી જાતને – તમારા આત્મતત્ત્વને – તમે ઓળખી શક્યા નથી, ભીતરની દિવ્યતાના સ્ફુલ્લિંગને તમે પિછાણી શક્યા નથી; તમારું ગુરુત્વાકર્ષણ મધ્યબિંદુ સદાય બહાર રહે છે. તમારા ગૌરવને તમે વિસર્યા છો અને ભૌતિક પદાર્થોના તમે ગુલામ બન્યા છો. એમાંથી આંતરિક તનાવ જન્મે છે; સમાજમાં ગુનાખોરી અને તોફાની વૃત્તિ વધે છે અને ધીમે ધીમે સડો પેસે છે.

આપણી ભીતર જે દિવ્ય તત્ત્વ નિત્ય વસે છે તેના સંપર્કમાં આપણને મૂકનાર ધ્યાન, નિવૃત્તિના મૂલ્યને મનુષ્ય જીવનમાં ઉમેરવાથી આ પરિસ્થિતિથી બચી શકાય છે. આ કંઈ અંધ મત કે માન્યતા નથી પરંતુ, ઉપનિષદના ઋષિઓએ અધ્યાત્મવિદ્યા દ્વારા આ સત્યનો સાક્ષાત્કાર કરેલો છે; એમાં શ્રદ્ધા રાખવાને બદલે, સૌએ એનો સાક્ષાત્કાર કરવાનો છે. ને તમે જેટલા તમારી ભીતર ઊંડેરા ઊતરો એટલા, બીજાઓનાં હૃદયમાં ઊતરવા તમે સમર્થ બનો અને એ સૌ સાથે તમે સારા સંબંધો સ્થાપી શકો. તમે જાતની અંદર ઊંડેરા ઊતરો છો ત્યારે, જનીનતંત્રના અંકુશ હેઠળના લઘુકડા અહંની પાર જઈ, સર્વાત્મા છે તે બૃહત્તર આત્મતત્ત્વના સંપર્કમાં આવો છો.

આમ પ્રવૃત્તિ અને નિવૃત્તિનો, અભ્યુદય અને નિ:શ્રેયસનો સુમેળ ગીતાનો મોટો બોધ છે. મનુષ્યના સર્વાંગીણ વિકાસની ફિલસૂફી એમાં છે. આ ગ્રંથનું એ મહત્ત્વ છે. એટલે તો, શંકરાચાર્ય કહે છે, ‘प्राणिनां साक्षात् अभ्युदय नि:श्रेयस हेतु:’ માત્ર હિંદુઓ માટે કે, માત્ર ભારતવાસીઓ માટે જ એ છે એમ એમણે નથી કહ્યું પણ, प्राणिनां, ‘સર્વ મનુષ્યો માટે,’ એમ કહ્યું છે. એ એની વિશ્વવ્યાપકતા છે. અભ્યુદયમાં નિ:શ્રેયસ ઉમેરીને, મનુષ્યોને માત્ર યંત્રો બની જતાં ગીતા અટકાવે છે. આજની પાશ્ચાત્ય સભ્યતાનું એ વલણ છે. પોતાના પુસ્તક – ઈમ્પેક્ટ ઓફ સાયન્સ ઓન સોસાયટી -માં બર્ટ્રેણ્ડ રસલ કહે છે કે, નરનારીઓનું આ યાંત્રીકરણ લાંબું ચાલ્યું તો, એવો દહાડો આવશે કે, હાથમાં ફૂલ લઈને કારીગર પોતાને કારખાને જશે અને, રાક્ષસી યંત્ર પાસે ફૂલ રાખી પ્રાર્થના કરશે : ‘હે યંત્ર, તારા તંત્રમાં તું મને સારો નટ અને બોલ્ટ બનાવ!’ આ છે મનુષ્યનું યાંત્રીકરણ. શંકરાચાર્યે ભાર મૂકેલા નિ:શ્રેયસના બીજા મૂલ્ય પર પૂરતું ધ્યાન આપવામાં આવે તો, આધ્યાત્મિક મૂલ્યો પ્રગટ થશે અને આવો પ્રશ્ન પછી કદી ઊભો નહીં થાય. જગતની નાવ બરાબર ચાલે તે માટે, અભ્યુદય અને નિ:શ્રેયસ બંને સાધનરૂપ છે. એકને ઉવેખી બીજા પર ભાર આપો એટલે નાવની માફક એક બાજુએ એ વળ ખાશે. પાછલી કેટલીક સદીઓમાં ભારત નિ:શ્રેયસ તરફ લળ્યું ને તે પણ, યોગ્ય રીતે નહીં અને, અભ્યુદયની ઉપેક્ષા કરી તેને પરિણામે બંધિયારપણાથી એ પીડાવા લાગ્યું; આજના યુગમાં સ્વામી વિવેકાનંદ જેવા ગુરુઓ એને ઉગારી રહ્યા છે; ત્યારે અર્વાચીન પાશ્ચાત્ય દેશો અભ્યુદય તરફ ઢળ્યા છે ને આજે પોતાની જાતને બચાવવા માટે વલખી રહ્યા છે. ધ્યાનની ખ્રિસ્તી વિભાવનાઓમાં નિવૃત્તિની અનુભૂતિ પશ્ચિમને હતી; એણે અનેક ભક્તો અને સંતો ઉત્પન્ન કર્ય હતા પરંતુ, અર્વાચીન સમયમાં એ કાલગ્રસ્ત બની ગયેલ છે; અર્વાચીન પાશ્ચાત્ય સભ્યતા આજની ઘડી સુધી માત્ર પ્રવૃત્તિ પર અવલંબિત છે. પણ આજે, જીવનના આ એકાંગી અભિગમ સામે પશ્ચિમમાં પ્રતિકાર જાગ્યો છે અને, નવાઈ જેવું એ છે કે એ કેટલાક ચિંતકો, માનસશાસ્ત્રીઓ અને, અણુવૈજ્ઞાનિકોમાંથી એ ઊઠ્યો છે; એ એકાંગી અભિગમ, એકાંગી લોકો અને એકાંગી સભ્યતા નીપજાવે છે તે એમણે બરાબર જોયું છે. બીજા કશાકની પણ જરૂર છે; ૨૦૦ વર્ષોની સાંસ્કૃતિક અનુભૂતિ પછી આ લાગણી અમેરિકામાં પ્રગટ થવા લાગી છે. નિવૃત્તિ ઉપર પણ ભાર દેવાની જરૂર છે એમ કેટલાક ચિંતકોને હવે લાગવા મંડ્યું છે. અમેરિકન વિચારણામાં એ કેવી રીતે પ્રગટ થાય છે?

ચેતન, પૂર્વ – ચેતન અને અવચેતન અવસ્થાઓ ઉપરાંત અધિક ચેતન (Super – conscious) અવસ્થાને વેદાંત માને છે. મનુષ્યની સર્જકતાના ઉપલક્ષમાં નિવૃત્તિ એ અધિક ચેતનાવસ્થા નિર્દેશે છે. કેટલાક પાશ્ચાત્ય માનસશાસ્ત્રીઓએ તાજેતરમાં કરેલા જ્ઞાનાનુભૂતિ (Cognition)ના અભ્યાસમાં પણ આનું ઈંગિત છે.

૧૫.૬ ‘વિષમય માર્ગોની સહાય લેવાને બદલે, વિશિષ્ટ અભિગમો, આદતો અને પર્યાવરણીય શરતો વિશે વિચારી તેમની ભલામણ કરવી જોઈએ. પહેલી શરત છે એકાન્તની સંવેદનાનું આંશિક ઝૂટવી લેવા જેવું એકાન્ત લેખવું જોઈએ… પોતાના અંતરને સાંભળવાની એને વધારે તક સાંપડે છે, પોતાની આંતરિક સાધનસંપત્તિનો એ વધારે સંપર્ક સાધી શકે છે અને, એ દરમિયાન પ્રાથમિક પ્રક્રિયાનો થોડો આવિષ્કાર થાય છે. (આજનું પાશ્ચાત્ય મનોવિજ્ઞાન પૂર્વ-ચેતન અવસ્થામાં પ્રાપ્ત જ્ઞાનને અથવા, અતાર્કિક પ્રકારના જ્ઞાનને પ્રાથમિક જ્ઞાનાનુભૂતિ અને, ચેતનાવસ્થામાં મેળવેલા અથવા, તાર્કિક, જ્ઞાનને દ્વૈતીયિક જ્ઞાનાનુભૂતિ કહે છે.) પૌગણ્ડાવસ્થાનાં બાળકોની શિક્ષણ પદ્ધતિમાં, દુર્ભાગ્યે, આપણે એકાન્તની ભલામણ નથી કરતાં. ઉલટું, સમૂહવૃત્તિ અને લોકપ્રિયતાનું મૂલ્ય વધારે આંકવામાં આવે છે.

એકાન્તને પીડાકારક એકલતા સાથે અથવા, જાતમાં રત રહેવા સાથે કે, સતત એકાન્તવાસ સાથે સેળભેળવું જોઈએ નહીં… સર્જકતાને ઉત્તેજન આપતું બીજું લક્ષણ અમેરિકન સંસ્કૃતિની અર્વાચીન ભાવનાથી વિરુદ્ધનું છે તે છે : નિષ્કામવૃત્તિ…

ત્રીજું લક્ષણ દિવાસ્વપ્નું છે… દિવાસ્વપ્નમય જીવનના કાળમાં જ વ્યક્તિ જાતને ઘરેડમાંથી બહાર કાઢે છે અને અતાર્કિક સૃષ્ટિઓમાં નાના વિહારો કરે છે.

સર્જક વ્યક્તિ માટે આવશ્યક એવી બીજી આવશ્યકતા ગળે ઉતારવી કઠણ છે : એ છે  ભોળપણની. આ શબ્દનો અર્થ અહીં એ સમજવાનો છે કે, આપણી અંદર અને બહાર એવી કેટલીક પાયારૂપ વ્યવસ્થા રચના છે તે ખોટી પુરવાર ન થાય ત્યાં સુધી તેમનો સ્વીકાર કરવો. નવી વસ્તુઓની શોધ કરતાં આ પાયારૂપ વ્યવસ્થા રચનાઓની ઓળખમાં સર્જકતા અનુસ્યૂત છે.

જાગૃતિ અને નિયમન બીજી આવશ્યકતાઓ છે. ઉત્પાદન કાર્યમાં સામાન્યપણે એ પૂર્વાવશ્યક હોવા છતાં, સર્જકતામાં એની વિશેષતા વધી જાય છે.’

સિલ્વેનો એરાયટીએ સૂચવેલા આ કેટલાક ઈલાજો છે; ને એક ઈલાજ ખૂબ ક્રાંતિકારી છે; તમારે ભોળપણની શક્તિનો વિકાસ સાધવાનો છે; લોકો કહે તે માની લો, શંકા કરો નહીં. લેખકો કહે છે કે, આજે શંકા કરવાની વૃત્તિએ હદ વટાવી દીધી છે. વસ્તુ ખોટી પુરવાર ન થાય ત્યાં સુધી એમાં માનવાની શક્તિ હોવી જોઈએ. નાનાં બાળકો સર્જનાત્મક હોય છે કારણ, એ બધું માને છે. પરંતુ એ માનવાની શક્તિ મોટેરાંઓએ ગુમાવી છે. આ માનવાની વૃત્તિ નાશ પામે છે – ને એકાંગી વિકાસને કારણે એમ બને છે – ત્યારે, દરેક બાબતનો ઉપહાસ કરવાનું વલણ ધીમે ધીમે આકાર લે છે, કોઈપણ વાત માનવી નહીં – કશામાં શ્રદ્ધા ન રાખવી – એ રોગ આખા જગતમાં ખૂબ ફેલાયો છે. એક છેડે ઉપહાસ વૃત્તિ છે ને, એનો ઈલાજ ભોળપણના બીજા છેડાથી કરવાનો છે. પછી, એ પુસ્તક કહે છે કે, સમતોલ વૃત્તિ વિકસશે.

ઉપહાસ વૃત્તિ બધી સર્જકતાનો નાશ કરે છે. મને યાદ છે ત્યાં સુધી બ્રિટિશ કવિ બાઇરને કહ્યું હતું કે, આખા ઈંગ્લેન્ડમાં બે નારીઓ, રાણી વિક્ટોરિયા અને કવિની પોતાની માતા, સિવાય બીજી કોઈ નારી પવિત્ર નથી. અને પછી એણે ઉમેર્યું કે, ‘રાણી વિક્ટોરિયાનું નામ ન લઉં તો મને શિક્ષા થાય અને, મારી માને પવિત્ર ન ગણું તો હું અનૌરસ બનું!’

આવું તારણ મનની જડ ઘાલેલી નિષેધાત્મકતામાંથી ઉદ્‌ભવે છે. વર્તમાન ભારતમાં અનેક બૌદ્ધિકોમાં આવું નિષેધાત્મક વલણ જોવા મળે છે. આપણા કેટલાક પત્રકારોમાં અને માધ્યમો સાથે સંકળાયેલા લોકોમાં આપણને એ મહદંશે જોવા મળે છે. સત્યમાં, માનવમાં, માનવના ભાવિમાં પાયાનો વિશ્વાસ ઊડી ગયો છે. અધ્યાત્મવિદ્યા તમને શાંત બેસી ધ્યાન કરવાનું કહે છે ત્યારે, એકાંતસેવન કરવાનું અને બીજા લોકો સાથે ભટકાવાથી દૂર રહેવાનું કહે છે. બીજા સાથે ભટકાશું ત્યારે આપણા જ્ઞાનતંતુઓ પણ ભટકાશે. અવારનવાર એકલા રહેવાનો આનંદ માણતાં શીખો. વેદાંતના પ્રાચીન બોધ નિવૃત્તિ હેઠળ આ બધું આવે છે. પ્રવૃત્તિના પાઠ આપવાની જરૂર નથી કારણ, સ્વભાવગત રીતે આપણે પ્રવૃત્તિશીલ છીએ. બાળક કૂદે છે, દોડે છે, વસ્તુઓને તાણે-ખેંચે છે; એટલે પ્રવૃત્તિ સ્વભાવિક છે. પણ નિવૃત્તિ કેળવવી પડે છે. મનુષ્યજાત આજે એ ખોળી રહી છે. કેટલું ગહન માનસશાસ્ત્રીય જ્ઞાન એ પ્રગટ કરે છે!

નિવૃત્તિના આશીર્વાદનો આ સંદેશ પશ્ચિમમાં ધીમેધીમે ગળતો જાય છે તે, કેવળ ભારતની અસરને જ લઈને નહીં પણ, ચીન અને જાપાનની તેમજ, એમના પોતાના ચિંતકો, લેખકો અને માનસશાસ્ત્રીઓ એમની એકપક્ષી સાંસ્કૃતિક પરિસ્થિતિ પ્રત્યે શાણપણભર્યો પ્રતિભાવ આપે છે તેને લઈને પણ. સારાં ઘર, પૂરતું ખાવાનું ને પીવાનું, સારાં વસ્ત્રો, સારું શિક્ષણ, શેરીમાં બત્તીઓ અને સારા માર્ગો – સામાજિક અભ્યુદય પ્રવૃત્તિથી પ્રાપ્ત કરી શકાય છે. પણ એનો અતિરેક આજે ઉપભોક્તાવાદને નામે ઓળખાય છે. શાંતિચાહક, સંવાદી, તૃપ્ત થવા માટે અને, લોકોને ચાહીને એમની સાથે શાંતિથી રહેવા માટે આપણને નિવૃત્તિની જરૂર છે; બધાંની ભીતર રહેલા પાવક સ્ફુલ્લિંગ રૂપે રહેલી આધ્યાત્મિક શક્તિના આવિષ્કારમાં એ આપણને સહાય કરે છે. ને એ નિવૃત્તિ આપણી બધી પ્રવૃત્તિને પ્રેરણા પણ આપી શકે. ગીતા એ જ બોધ આપે છે – પ્રવૃત્તિ પ્રેરતી નિવૃત્તિનો. ભારતમાં આપણે ખૂબ પ્રવૃત્તિમય છીએ; થોડા સમય પહેલાં જ આપણે ત્યાં ચૂંટણીઓ હતી – અને આપણે કેટલી બધી પ્રવૃત્તિ જોઈ! હિંસક વિચારો, હિંસક કૃત્યો, મતપેટીઓનું હરણ અને એવી અનેક બાબતો. શા માટે આપણે આવું કરીએ છીએ? કારણ સ્થિરતા બક્ષે અને આપણા ચિંતનને વિશુદ્ધ કરે એવી નિવૃત્તિનો લગભગ અભાવ છે. આ વિશે ચિંતવી આપણી જાતને આપણે પૂછવું જોઈએ, ‘આપણે શા માટે આમ કરવું જોઈએ? આપણી લોકશાહી માટે એ હિતકારક છે?’ પોતે ચાહે તેને મત આપવાનું સ્વાતંત્ર્ય આપણે લોકોને આપવું જોઈએ; કોઈપણ રાજકીય પક્ષે શા માટે એની ઉપર અંકુશ રાખવો જોઈએ કે એનામાં દખલ કરવી જોઈએ? આપણા રાજકારણમાં આ બધાં અપલક્ષણો છે અને એમની સાથે ઘણો બધો સડો પણ છે. પણ, નિવૃત્તિના સંસ્પર્શે આ બધું બદલી શકાય.

પ્રચંડ કૌશલ, મોટી ઉત્પાદકતા અને વધારે સારા માનવ-માનવ વચ્ચેના સંબંધો હોય તેવા જીવનની વાત ગીતા આપણને કહેવાની છે. મનુષ્ય જીવન અને ભાવિ પ્રત્યેનો ગીતાનો આ સર્વાંગીણ અભિગમ બરાબર ધ્યાનમાં રાખો! ગીતાની આ સર્વાવર્તિ આધ્યાત્મિકતા શંકરાચાર્ય આપણને સંક્ષેપમાં આપે છે. એ કહે છે કે પ્રવૃત્તિરત હોય તો પણ દરેક વ્યક્તિ આધ્યાત્મિક છે; આધ્યાત્મિક ક્ષેત્રની બહાર કોઈ કદી હોઈ શકે નહીં. અદ્‌ભુત વિચાર છે આ. અધ્યાત્મ જીવનને આવરી લે છે, એ ક્ષેત્રની બહાર કોઈ કદી જઈ શકતું નથી. ગીતાનો અને વેદાંતનો એ અભિગમ છે. માટે તો, द्विविधो हि वेदोक्तो धर्म:, એ શબ્દોથી આરંભાતું, એમના ભાષ્યનું બીજું વાકય મને ગમે છે. સદીઓ સુધી આ સત્ય આપણે ન સમજ્યાં; આપણાં ધર્મને અને તત્ત્વજ્ઞાનને એટલાં બધાં મોળાં બનાવી દીધાં કે, બજારમાં મળતા – ૯૦ ટકા પાણી અને ૧૦ ટકા દૂધ જેવાં એ બની ગયાં!

આ ગહન એકતાકારક તત્ત્વદર્શન ઉપર આપણે આપણી રાષ્ટ્રિય ઈમારત ઊભી કરવાની છે. એથી તો વેદાંતની સર્વ વ્યાપક ફિલસૂફી અને આધ્યાત્મિકતાનો ધ્વજ, આજના યુગમાં ફરકાવનાર સ્વામી વિવેકાનંદને આજે યાદ કરવામાં આવે છે. એ તર્કપૂત, વ્યવહાર્ય, વૈશ્વિક અને માનવતાલક્ષી છે. એ ઝંડો ફરીથી લહેરાવો. ૧૮૯૭ના, વેદાંત પરના પોતાના લાહોર પ્રવચનમાં (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ભાગ-૪, પૃષ્ઠ-૨૮૩ પર) એમણે રાષ્ટ્રને અનુરોધ કર્યો કે:

‘એટલા માટે લાહોરના નવયુવકો! ફરી એક વાર અદ્વૈતનો એ મહાન ધ્વજ ફરકાવો. જ્યાં સુધી તમે જુઓ નહિ કે એ એક જ ઈશ્વર સર્વ ઠેકાણે હાજરાહજૂર છે, ત્યાં સુધી બીજી કોઈ પણ ભૂમિકા ઉપર તમે એ અદ્‌ભુત પ્રેમ દાખવી શકો નહીં. એ પ્રેમનો ધ્વજ ફરકાવો! ઉતિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્નિબોધત । ‘‘ઊઠો, જાગો અને વગર અટક્યે ધ્યેયે પહોંચો.’’ ઊઠો જાગ્રત થાઓ! ત્યાગ વિના કશુંય થઈ શકે નહીં. જો તમે બીજાઓને સહાય કરવા ઇચ્છતા હો તો તમારી ક્ષુઢ્ર જાતને પડતી મૂકવી જોઈશે… આપણી પ્રજા રસાતાળ જઈ રહી છે; અસંખ્ય લોકોના શાપ આપણે માથે ઊતરે છે. જ્યારે તરસે તેઓના પ્રાણ જઈ રહ્યા છે ત્યારે આપણે બાજુમાં જ જાહ્‌નવીનાં જળ અખંડ વહી રહ્યાં હોવા છતાં તેમને કૂંડીનું પાણી પાયું છે; ધનધાન્ય અને સંપત્તિના ઢગલેઢગલા સામે હોવા છતાં આપણે તેમને ભૂખે ટળવળતા રાખ્યા છે; એ અસંખ્ય દેશબાંધવોને એક બાજુએ આપણે અદ્વૈતનો ઉપદેશ આપ્યો છે, અને બીજી બાજુએ આપણી પૂરી તાકાતથી તેમને ધિક્કાર્યા છે… આ કલંકનો કાળો ડાઘ ભૂસી નાખો… માટે, ઊઠો, જાગો અને પૂરા પ્રામાણિક બનો. આ આપણા ભારતમાં સચ્ચાઈનો ભયંકર અભાવ છે; આપણને જરૂર છે ચારિત્ર્યની, દૃઢતાની, સચ્ચાઈની, કે જેથી માણસ એક વસ્તુને મડાગાંઠની પેઠે મજબૂતાઈથી વળગી રહે.’

શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદના બોધમાં પ્રચંડ, અર્વાચીન આવશ્યકતા સાથે વ્યવહાર્ય વેદાંતરૂપે વેદાંતની સિંહગર્જના આપણે આજે સાંભળીએ છીએ.

प्राणिनां साक्षात् -अभ्युदय नि:श्रेयस हेतु: કહીને પશુપંખીઓ સહિતનાં સર્વ પ્રાણીઓના સુખ અને કલ્યાણ માટે વેદાંત અથવા સનાતન ધર્મ કાર્યરત છે એમ શંકર ભાર મૂકે છે; એથી ઉલટું, કેટલાક ધર્મો અને કેટલાંક રાજ્યતંત્રો માત્ર પોતાના અનુયાયીઓનો જ વિચાર કરે છે.

શંકરાચાર્ય આગળ કહે છે :

य: स धर्मो ब्राह्मणाद्यै: वर्णिभि: आश्रममिभि:
च श्रेयोऽर्थिभि: अनुष्ठीयमान: दीर्घेण कालेन –

‘બ્રાહ્મણો, અન્ય ત્રિવર્ણોના લોકો અને ચારે આશ્રમના લોકો વડે, લાંબા સમય સુધી, આ દ્વિવિધ ધર્મ આચરવામાં આવતો હતો.’

 ઇન્દ્રિયજન્ય મૂલ્યોના વર્ચસ્વમાંથી જન્મતાં અનિષ્ટો

વર્ષો સુધી ગાડું બરાબર ચાલતું હતું; પછી શું થયું? આચાર્ય શંકર આગળ કહે છે :

अनुष्ठातृणां कामोद्भवात् हीयमान विवेकविज्ञानहेतुकेन
अधर्मेण अभिभूयमाने धर्मे प्रवर्धमाने य अधर्म –

‘આ ધર્મ આચરનારા વિવેક અને શાણપણ વિનાના થઈ જતાં, ખૂબ ઇન્દ્રિય સંતર્પક તૃષ્ણાઓ તેમણે વિકસાવી ને પરિણામે ધર્મ, અર્થાત્‌, મૂલ્યોનું ભાન પદભ્રષ્ટ થઈ ગયું અને અધર્મ અથવા સામાજિક અનિષ્ટોની વૃદ્ધિ થઈ.’

આવી પરિસ્થિતિ આવે ત્યારે, માનવીને માનવી સાથે જોડતી, સમાજની સ્વસ્થ પરિસ્થિતિના સમયની, ગુણસમૃદ્ધિ અને આકર્ષકતા વિહીન બની, લાગતોવળગતો સમાજ કામ, લોભ, હિંસા અને સ્વકેન્દ્રી બની સડવા લાગે છે. કામ અને ક્રોધ જોર પકડે છે ત્યારે, વિવેક અને વિજ્ઞાન – શાણપણ – લોકોને છોડી જાય છે. સાચાખોટા વચ્ચેની ભેદરેખા ઝાંખીને ઝાંખી થઈ જાય છે. ઇન્દ્રિયભોગ પર ક્યારે અંકુશ રાખવો તે વિવેક ગુમાવી બેસીએ છીએ. પછી શું બને છે? ધર્મ ઉપર અધર્મ જય મેળવે છે; નૈતિક સંયમ નેવે મુકાઈ જાય છે. ભારતમાં અનેક ક્ષેત્રોમાં જોવા મળે છે તે મુજબ, દરેક વ્યક્તિ પોતાને ઠીક લાગે તે કરવા લાગે છે. ધર્મ પરાભૂત થાય ત્યારે, એ નિષેધાત્મક સ્થિતિ અધર્મવૃદ્ધિની ધન (Positive) સ્થિતિ જન્મ પામે છે. દુષ્ટ કૃત્યો વધારે ને વધારે થાય છે અને સત્‌કૃત્યો ઓછાં થાય છે. અનેક સભ્યતાઓના જન્મ, વૃદ્ધિ, પતન અને નાશ વિશે આપણે ઈતિહાસમાંથી જાણીએ છીએ. આનો સારામાં સારો દાખલો છે એક વખતની શક્તિશાળી રોમન સભ્યતાના પતનનો; ‘ડિક્લાઈન એન્ડ ફોલ ઓફ ધ રોમન એમ્પાયર’ ગ્રંથમાં એડવડ ગિબને આધારો ટાંકી તે દર્શાવેલ છે. શંકરાચાર્ય અહીં જે કહે છે તેનું દૃષ્ટાંત એ આપે છે. સૈકા પછી સૈકા દરમિયાન, રોમન સામ્રાજ્યમાં થયેલા નૈતિક અને માનવીય મૂલ્યહા્‌સનું આબેહુબ વર્ણન કરે છે અને અસભ્ય જંગલીઓના આક્રમણ હેઠળ થયેલું પતન વર્ણવે છે.

પોતાના પાંચ હજાર વર્ષોના ઈતિહાસમાં, ભારતે પણ આવો સડો અનુભવ્યો છે પરંતુ, મૃત્યુને છેલ્લે પગથિયે એ પહોંચ્યું નથી. દરેક સડા પછી વેગવાન પુનરુદ્ધાર આવ્યો છે. પોતાની પ્રસ્તાવનાની એ પછીની કંડિકામાં આચાર્ય શંકરે એ વ્યક્ત કરેલ છે :

जगतः स्थितिं परिपिपालयिषुः स आदिकर्ता नारा-
यणाख्यो विष्णुः भौमस्य ब्राह्मणो ब्राह्मणत्वस्य
रक्षणार्थं देवक्यां वसुदेवात् अंशेन कृष्णः किल संबभूव।
ब्राह्मणत्वस्य हि रक्षणेन रक्षितः स्यात् वैदिको धर्मः
तदधीनत्वात् वर्णाश्रमभेदानाम् –

‘માટે, જગતપરિપાલનાર્થે, જગતના આદિકર્તા, નારાયણ નામે ઓળખાતા, વિખ્યાત વિષ્ણુ વસુદેવગૃહે દેવકીને પેટે કૃષ્ણ તરીકે અવતર્યા તે, જગત પર અધ્યાત્મના અને બ્રાહ્મણત્વના રક્ષણ માટે.

બ્રાહ્મણત્વનું રક્ષણ થાય ત્યારે વૈદિકઋત ધર્મનું પણ રક્ષણ થાય છે, કારણ, એની ઉપર વર્ણાશ્રમધર્મનો આધાર છે.’ કુંભાર માટીમાંથી વાસણો બનાવે છે, તે રીતે, વેદાંત સૃષ્ટિના સર્જનની વાત નથી કરતું પરંતુ, ભડભડ બળતા અગ્નિમાંથી ઊઠતા તણખા કે, જાળ રચતા કરોળિયાની માફક, સૃષ્ટિના પ્રક્ષેપની વાત કરે છે. એકમાંથી અનેક બહાર આવે છે અને, પછી પાછા એકમાં લીન થઈ જાય છે.

માનવ ઉત્ક્રાંતિનું ધ્યેય : બ્રાહ્મણત્વ

સામાજિક પુનરુદ્ધારનું આ કાર્ય કોઈ રાજકારણી, બૌદ્ધિક કે પુરોહિત કરી શકે નહીં; ઈશ્વરનો સાક્ષાત્કાર પામનાર જ તે કરી શકે. ભારતના લાંબા ઈતિહાસમાં આવા દિવ્યાત્માઓ ફરી ફરી આવ્યા છે અને આ કંડિકામાં, લગભગ ૩૦૦૦ વર્ષો પૂર્વે જન્મેલા શ્રીકૃષ્ણની ઘટનાની વાત આપણે કરી રહ્યાં છીએ. ભારતમાં એક મૂળભૂત વિચાર છે; માનવ ઉત્ક્રાંતિ જેવું કશુંક છે અને, તમસમાંથી રજસમાં અને રજસમાંથી સત્ત્વમાં એ થાય છે. જે નર કે નારી પૂર્ણ સત્ત્વરૂપ હોય તે અસામાન્ય હોય, ખૂબ ઉત્ક્રાંત હોય અને એનામાં દિવ્યતા આવિષ્કૃત હોય. માનવ ઉત્ક્રાંતિની નેમ આ છે તે આપણે ભારતમાં જાણ્યું. કોઈ સમાજમાં આવી વધારે વ્યક્તિઓ કેવી રીતે પેદા કરવી? સમાજના પ્રત્યેક સભ્યને આ ધ્યેય અપાયું છે ને, એને પામવાનો પ્રયત્ન દરેકે કરવો જોઈએ, કમ સે કમ, જીવનને એ દિશામાં વાળવું જોઈએ. વેદાંત કહે છે કે, ‘ચાલો ભલે તમારી ગતિએ પણ, એ દિશામાં જ જાઓ.’ અર્વાચીન વિચારણા જેને ‘સામાજિક સિદ્ધાંત’ કહે છે તે, માત્ર આંકડાકીય વિગતો છે; એ નહીં ચાલે. પણ સમાજશાસ્ત્રમાં સામાજિક દિશાસૂચનની આવશ્યકતા છે અને માનવજાતે માનવ ઉત્ક્રાંતિની પ્રગતિ માટે એ માર્ગ અપનાવવો એમ વેદાંત ચીંધે છે. એ દિશા છે સાત્ત્વિક વ્યક્તિ થવાની, દ્વેષ હિંસાથી સંપૂર્ણપણે મુક્ત અને, નિત્ય પ્રેમાળ, નિત્ય કરુણાવાન – સમાજમાં લોકો આવા હશે ત્યારે, પોલીસની, રાજકીય સત્તાની આવશ્યકતા નહીં રહે અને, એથીયે ઓછી જરૂર રહેશે કાયદાકાનૂનોની; કારણ, અહીં આત્મનિયમનને અનુસરનારા લોકો છે અને એમણે, બીજા સાથે આધ્યાત્મિક એકતા હાંસલ કરી છે. આવો મનુષ્ય બ્રાહ્મણ કહેવાય છે; એ શબ્દની વેદાંતી સમજણ અનુસારનો આ શબ્દ છે, જ્ઞાતિવાદના ભૂંડા પૌર્વાપર્યમાં નહીં.

બ્રાહ્મણ શબ્દની પ્રાચીનતમ વ્યાખ્યા ચાર હજાર વર્ષ પુરાણા બૃહદારણ્યક ઉપનિષદ (૩.૮.૧૦)માં આવે છે :

यो वा एतदक्षरं गार्ग्यविदित्वा अस्मात् लोकात्
प्रैति स कृपणोऽथ य एतदक्षरं गार्गि विदित्वा
अस्मात् लोकात् प्रैति स ब्राह्मणः ॥

‘હે ગાર્ગી, આ અક્ષર જગતને જાણ્યા વિના મૃત્યુ પામે છે તે કૃપણ છે પરંતુ, આ અક્ષર જગતને ઓળખ્યા પછી જે દેહ છોડે છે તે, હે ગાર્ગી, બ્રાહ્મણ છે.’

આના પરના પોતાના ભાષ્યમાં શંકરાચાર્ય કૃપણ શબ્દની વ્યાખ્યા કરી એને ‘કિંમત આપી ખરીદાયેલા દાસ જેવો, દુર્ભાગી’ કહે છે –

(ક્રમશ:)

Total Views: 143

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.