સારનાથમાં પહેલું પ્રવચન

પાંચ ભિક્ષુઓને સંબોધીને ભગવાન તથાગતે કહ્યું :

તથાગતને તેના નામથી ન બોલાવો અને તેને ‘મિત્ર’ પણ ન કહો. કારણ કે તે પવિત્ર ‘બુદ્ધ’ છે. બુદ્ધ કરુણાસભર હૃદયે સર્વપ્રાણીઓને સમભાવથી જુએ છે અને તેથી તેઓ તેને ‘પિતા’ કહે છે. પિતાનો અનાદર કરવો અયોગ્ય ગણાય. તેમનો તિરસ્કાર કરવો તે પાપ છે.

તથાગત દમન દ્વારા નિર્વાણ શોધતા નથી. પરંતુ એ કારણથી તમારે એવું પણ ન ધારવું કે તે ઐહિક સુખરાગમાં ડૂબેલા છે. એવું પણ નથી કે તે અતિ સમૃદ્ધિમાં જીવે છે. તથાગતે તો ‘મધ્યમ માર્ગ’ અપનાવ્યો છે.

ભ્રમમુક્ત બન્યા વિના, માત્ર માંસ-મત્સ્યના ત્યાગથી કે દિગંબર રહેવાથી, માથે મુંડન કરવાથી કે જટા ધારણ કરવાથી, ખરબચડાં વસ્ત્ર પહેરવાથી કે કાદવના લેપથી તેમજ અગ્નિમાં આહુતિ આપવાથી કોઈપણ વ્યક્તિ પવિત્ર બની જતી નથી.

જે વ્યક્તિનો ભ્રમ નાશ પામ્યો નથી. તે માત્ર વેદપાઠથી, પુરોહિતોને દાન દેવાથી, દેવોને બલિ ચડાવવાથી, કે ટાઢતડકા સહન કરી દેહદમન કરવાથી કે અમરત્વ મેળવવા સારું અનેક કષ્ટમય તપ કરવાથી પવિત્ર બની જતી નથી. ક્રોધ, નશાખોરી, જિદ, સિદ્ધાંત – જડતા, છલના, દ્વેષ, આત્મપ્રશંસા, પરનિંદા, ગર્વ કે દુષ્ટ હેતુઓ અપવિત્ર છે; માંસભક્ષણ નહીં.

હે ભિક્ષુઓ! હું તમને એવા મધ્યમ માર્ગનો ઉપદેશ આપું છું કે જે બન્ને બાજુના અતિવાદોથી પર છે. દેહદમન દ્વારા દુર્બળ બનેલા ભક્તના મનમાં ભ્રમ અને માંદલા વિચારો જન્મે છે.આત્મપીડનથી ભૌતિકજ્ઞાનની પણ વૃદ્ધિ થતી નથી. તો પછી (એના દ્વારા) તમે ઈંદ્રિયોને તો કેવી રીતે જીતી શકો?

જે પોતાના દીવડામાં પાણી ભરે છે તે અંધકારને દૂર કરી શકતો નથી. જે સડી ગયેલ લાકડામાંથી અગ્નિ પ્રકટાવવા મથે છે તે વ્યર્થ જ છે.

માત્ર માંસ-ભક્ષણથી જ અપવિત્રતા જન્મતી નથી. ક્રોધ, પ્રમાદ, દુરાગ્રહ, વ્યભિચાર, પ્રપંચ, ઈર્ષ્યા, આત્મપ્રશંસા, પરનિંદા, ઉદ્ધતાઈ અને અશુભ દાનતથી જ અપવિત્રતા જન્મે છે.

દેહદમન દુ:ખદાયી, વ્યર્થ અને નુકસાનકારક છે : કામાગ્નિને હોલવી ન શકે તે આવું ક્ષુદ્ર જીવન જીવીને અહંથી કેવી રીતે મુક્ત બની શકે?

જ્યાં સુધી અહંકાર રહે, જ્યાં સુધી ઐહિક કે પારલૌકિક સુખોની એષણા રહે, ત્યાં સુધી બધું દેહદમન વ્યર્થ જ છે. જે અહંભાવરહિત બને, તે કામાગ્નિને હોલવી શકે અને તે ઐહિક કે પારલૌકિક સુખોની એષણા પણ કરે નહિ. દેહધારણ માટે આવશ્યક જરૂરતોને સંતોષવાથી તે અપવિત્ર બની જતો નથી. પછી ભલેને તે પોતાના દેહની જરૂર પ્રમાણે ખાય કે પીએ.

કમળની ચારે બાજુ પાણી હોય છે, પણ કમળની પાંખડીઓ એ પાણીથી ભીંજાતી નથી. બીજી બાજુએ વિષયાસક્તિ માનવને હતવીર્ય બનાવે છે. તેને આવેગોનો દાસ બનાવે છે; વિષયી માનવી પ્રાકૃત અને પતનશીલ બને છે.

પરંતુ જીવનની અનિવાર્ય આવશ્યકતાઓ સંતોષવી એ પાપ નથી. શરીરને સ્વસ્થ રાખવું એ આપણો ધર્મ છે. નહિ તો આપણે વિવેકના પ્રદીપની વાટને સમી સૂતરી રાખી શકીશું નહીં અને આપણા મનને શક્તિશાળી અને પવિત્ર રાખી નહીં શકીએ.

Total Views: 107

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.