વ્યક્તિત્વ

આપણા વ્યક્તિત્વની પાંચ પરિમાણો દ્વારા વ્યાખ્યા કરી શકાય છે: અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય. આપણો શારીરિક દેખાવ, પોષાક, દેહ અને તેના હાડમાંસ દ્વારા આપણું દૈહિકરૂપ બને છે. વ્યક્તિત્વમાં પ્રાણશક્તિનો સમાવેશ થાય છે. આ પ્રાણશક્તિ દેહને કાર્યમાં પ્રવૃત્ત કરે છે આ ઉપરાંત વ્યક્તિત્વમાં મનનો સમાવેશ થાય છે. આપણે જે વિવિધ વિષયો  વિજ્ઞાન, સમાજશાસ્ત્રો, વિશ્વની ઘટનાઓ, આપણી લેખનકૌશલ અને અનુભવ વગેરે જે આપણા જીવનમાં મેળવીએ છીએ આ બધા દ્વારા આપણું મન ઘડાય છે. વ્યક્તિત્વનું પછીનું પરિમાણ છે : બુદ્ધિ. આ પરિમાણ શું કરવું અને શું ન કરવું એ વિશે નિર્ણયો લે છે. કયું ખોટું છે અને કયું સાચું છે એ બંને વચ્ચે વિવેકપૂર્વકનો ભેદ સમજાવે છે. ત્યાર પછી આવે છે આત્મા. ઊંઘમાં કે કલા-સંગીતસાહિત્યમાં ડૂબેલા હોઈએ ત્યારે ઉપજતા આનંદના રૂપે તે પ્રગટે છે. આપણા વ્યક્તિત્વનું હાર્દ અને આ પાંચ પરિમાણોથી પર જનાર તત્ત્વ છે આપણું દિવ્યત્વ-ચૈતન્ય. આપણા વ્યક્તિત્વના વિકાસ માટે વધુ ઉચ્ચતર પરિમાણો સાથે આપણે સતતપણે તાદાત્મ્ય સાધવું આવશ્યક છે. આ વાત ત્યારે જ શક્ય બને કે જ્યારે આપણે આપણાં શારીરિક, માનસિક, બૌદ્ધિક, નૈતિક અને આધ્યાત્મિક પાસાંઓનો સુસંવાદી વિકાસ સાધીએ.

ચારિત્ર્ય : વ્યક્તિત્વ વિકાસનું હાર્દ

સ્વામી વિવેકાનંદ આ હકીકત પ્રત્યે આપણું ધ્યાન દોરે છે : ચારિત્ર્ય ઘડતરનો વ્યક્તિત્વવિકાસ પર પ્રબળ પ્રભાવ પડે છે. આ ચારિત્ર્ય એટલે શું? સ્વામીજીની દૃષ્ટિએ પુન: પુન: કરેલા વિચારો અને કાર્યો દ્વારા આપણે કેળવેલાં માનસિક વલણો. આપણે આજે જે છીએ તે આપણે ભૂતકાળમાં જે વિચાર્યું અને જે કર્યું હતું તેનું પરિણામ છે. આ રીતે આપણા આજના વિચારો અને કાર્યો આપણા ભવિષ્યને ઘડે છે. એટલા માટે આપણે ખાતરી કરી લેવી જોઈએ કે આપણા વિચારો અને કાર્યો ઉમદા, સકારાત્મક, રચનાત્મક, અને પ્રેરક હોવાં જોઈએ. ચારિત્ર્યનું ઘડતર એ વ્યક્તિત્વ વિકાસનું હાર્દ છે.

ચારિત્ર્યને આપણે કોઈ પણ મકાનના પાયા સાથે સરખાવી શકીએ. જેટલો પાયો વધુ મજબૂત તેટલું મકાનનું આયુષ્ય લાંબું. દૃઢ ચારિત્ર્ય જ આપણા જીવનમાંના આઘાતો સામે ટકી રહે છે અને આપણને દીર્ઘજીવી આનંદ અને સુખ આપે છે. ચારિત્ર્યનું નિર્માણ કેવી રીતે કરવું? એક ઉક્તિ છે:  વિચારને વાવો અને કાર્યને લણો, કાર્યની વાવણી અને ટેવની લણણી કરો; ટેવને વાવો અને ચારિત્ર્યની કાપણી કરો, ચારિત્ર્યને વાવો અને ભાગ્યની લણણી કરો. ચારિત્ર્ય એટલે પુન: પુન: પડેલી સુટેવો. વારંવાર અને ચોક્કસ સમયગાળામાં કરેલા આપણા કાર્યો એટલે ટેવ. આપણા વિચારો આપણા કાર્યોને પ્રેરે છે. આ તો કાર્ય અને કારણની સાદીસીધી વાત છે. કાર્યો ટેવોનું નિમિત્ત છે, પ્રયોજન છે. ટેવોની પુનરાવૃત્તિ આપણું ચારિત્ર્ય ઘડે છે. એટલા માટે આપણે આપણા મનમાં પ્રવેશતા વિચારો વિશે ખૂબ જ સચેત રહેવું પડશે. સ્વામી વિવેકાનંદ કહે છે : ‘તમે જેવું વિચારશો એવા તમે બનશો. જો તમે તમારી જાતને નિર્બળ માનશો તો તમે નિર્બળ બનશો; જો તમે તમારી જાતને બળવાન માનશો તો બળવાન બનશો.’

વિચારોનો આધાર આપણા સાહચર્ય પર આધારિત છે : જે લોકો સાથે આપણે હળીએ મળીએ છીએ, જે પુસ્તકો વાંચીએ છીએ, જે સંગીત સાંભળીએ છીએ અને જે રસરુચિ આપણે કેળવીએ છીએ.

આપણને પ્રેરનાર વાત સાંભળીએ છીએ, પુસ્તક વાંચીએ છીએ, કે કોઈ પદાર્થને જોઈએ છીએ ત્યારે આપણો આત્મવિશ્વાસ વૃદ્ધિ પામે છે અને આપણામાં સદ્‌ગુણોનો વિકાસ થાય છે. ટૂંકામાં કહીએ તો આપણી જ્ઞાનેન્દ્રિયો દ્વારા અનુભવેલી અને અંદર ઉતારેલી બાબતોની ગુણવત્તાની આપણે ખાતરી કરી લેવી જોઈએ.

મહાપુરુષોના જીવન પ્રેરણાનું મોટું સાધન બની શકે છે. એ બધાના જીવન વિચારો, દિશાસૂચન, સહજસરળ અનુભૂતિનો ખજાનો છે. મહાપુરુષો પોતાની સામે આવેલી સમસ્યાઓ અને મુશ્કેલીઓને કારણે કદાચ પડ્યા પણ હશે અને પોતાની જાતને ઇજા પણ પહોંચાડી હશે; પરંતુ તેમણે તરત જ ઊભા થઈને, હિંમત એકઠી કરીને પોતાની યાત્રા ફરીથી આરંભી દીધી. તેમણે રસ્તામાં આવતી વિઘ્નશીલાઓને મહાનતાનાં નવાં ઉચ્ચશીખરો ચડવા માટેના પગથિયાં બનાવી દીધાં. મહાન માણસો કોઈ અલગ કાર્યો કરતા નથી, તેઓ તો માત્ર અનોખી રીતે કાર્ય કરે છે.

અંદર રહેલી દિવ્યતા

દિવ્યતા એટલે શું? મારે શરીર છે. શરીર જન્મે છે, એટલે એ મરશે પણ ખરું. દિવ્યતા શાશ્વત છે. દિવ્યતા અજન્મા છે, અમર છે. આપણે બધા દુ:ખદર્દ અને પીડાથી પરિચિત છીએ. આપણા વ્યક્તિત્વનું હાર્દ દિવ્યતા છે અને એને દુ:ખ નથી, દર્દ નથી, પીડા નથી અને તે શાશ્વત આનંદનો સ્રોત છે. આપણે સીમિત જ્ઞાન ધરાવીએ છીએ, એવી કેટલીય બાબતો છે કે જેના વિશે આપણે જાણતા નથી. આપણે જે જાણીએ છીએ તે તો જાણવાના વિષયનો એક અંશમાત્ર છે. આપણી અંદરની દિવ્યતા સર્વજ્ઞાનનો ખજાનો છે.

શું આ વાત તમને પરિકથા જેવી લાગતી નથી? કંઈક એવું તત્ત્વ કે જે ક્યારેય જન્મતું નથી કે મરતું નથી અને વળી એ હંમેશાં સુખાનંદમાં રહે છે અને તે પોતે જ જ્ઞાન છે – આવું શક્ય બને? ઉદાહરણ તરીકે દૂધને લો. હવે આપણને કોઈ કહે આ દૂધમાં એવું તત્ત્વ છે કે જે શાશ્વત છે. તો આપણે હસી કાઢીશું. આપણે જાણીએ છીએ કે દૂધ ખાટું થઈ જાય છે, બગડી જાય છે. પરંતુ આપણે જ્યારે ઘીને જોઈએ છીએ ત્યારે આપણને સમજાય છે કે દૂધમાં કંઈક એવું તત્ત્વ છે કે જે લાંબો સમય ટકે છે. આવી જ રીતે આપણું શરીર નાશવંત છે પરંતુ આપણી અંદર રહેલી દિવ્યતા શાશ્વત છે. આ જ દિવ્યતા આપણને શાશ્વત જીવન જીવવાની ઇચ્છા કરતા કરે છે. આપણને બધું જાણવા પ્રેરે છે અને આપણને શાશ્વત સુખ ઝંખતા કરે છે. જ્યારે આપણે વિદ્યાની કોઈ ચોક્કસ શાખાને શ્રદ્ધા સાથે અનુસરીએ છીએ ત્યારે આપણને આપણા મૂળ સ્વરૂપનો વધુને વધુ ખ્યાલ આવી શકે છે. આપણી અંદર રહેલ દિવ્ય તત્ત્વનું મૂળરૂપ પરમ સુખ અને પરમાનંદ છે. તે આપણી બધી પ્રવૃત્તિઓની પૂર્ણતા અને ઉત્કૃષ્ટતામાં વ્યક્ત થાય છે. આપણી આજુબાજુ કલા, વિજ્ઞાન કે કોઈ ક્ષેત્રમાં જે કંઈ ઉત્કૃષ્ટતા જોઈએ છીએ તે દિવ્યતાના પ્રગટીકરણ સિવાય બીજું કંઈ નથી. દુનિયામાં જે કંઈ આનંદ આપણે અનુભવીએ છીએ તે તો શાશ્વત આનંદનો એકમાત્ર અંશ છે.

પરંતુ આપણે એમ કેમ કહી શકીએ કે આપણી અંદર દિવ્યતા રહેલી છે? આપણે બધા શ્રેષ્ઠ અને મહાન બનવા ઇચ્છીએ છીએ. આપણી આ ઇચ્છા સ્વાભાવિક છે. સારા, પવિત્ર, ઉત્કૃષ્ટ, પૂર્ણ અને ભવ્ય થવાની આપણી મૂળ મહેચ્છા આપણી પોતાની મૂળ પ્રકૃતિની ખાતરી કરાવે છે. વ્યક્તિત્વ વિકાસમાં નિ:સ્વાર્થ ભાવના, પૂર્ણતા અને ભવ્યતા આ મૂળ ગુણોનો સમાવેશ થાય છે. આટલું ધ્યાનમાં રાખજો કે આ બધું આપણે કોઈની પાસેથી ઉછીનું લેવાનું નથી. આ તો આપણી મૂળ પ્રકૃતિ છે. જેમ જ્વલનશક્તિ એ અગ્નિનો મૂળગુણ છે તેમ દિવ્યતા આપણું મૂળ સ્વરૂપ છે.

આ દિવ્યતા આપણને બેસી રહેવા દેશે નહીં. આપણે જોઈએ છીએ કે અમુક ધ્યેય પ્રાપ્તિ કરી લીધા પછી પણ આપણામાં અસંતોષ રહી જાય છે. આ અસંતોષનો કે ઝંખનાનો આપણે આગળ વધવામાં ઉપયોગ કરવો જોઈએ. પ્રારંભિક તબક્કાની શંકાઓ આપણને હતાશ કરશે પરંતુ આ શંકાઓ ફળદાયી અને બોધપાઠ આપનારી બની જશે. આપણે દરેક બાબતમાં પ્રશ્નો કરીશું, આપણી જાતને પ્રશ્નો કરીશું. એક વખત આપણે આપણું ધ્યેય નિશ્ચિત કરી લીધું પછી આપણે એ તરફ આગળ વધવું જ જોઈએ.

પંચશીલ

પંચશીલ આપણા વ્યક્તિત્વ વિકાસના પાયાની પાંચ સંકલ્પનાઓ છે. સંસ્કૃત ભાષામાં ‘પંચ’ એટલે પાંચ અને ‘શીલ’ એટલે શિસ્ત અને ચારિત્ર્ય. આ પંચશીલ એટલે આત્મશ્રદ્ધા, સ્વાવલંબન, આત્મજ્ઞાન, આત્મસંયમ અને આત્મસમર્પણ. આ પંચશીલનું અધ્યયન, ચિંતન, મનન કરવું જોઈએ અને એને જીવનમાં ઉતારવા જોઈએ.

(૧) આત્મશ્રદ્ધા : સ્વામી વિવેકાનંદ આપણા પોતાનામાં શ્રદ્ધા ધરાવવાનું ઇચ્છતા હતા. તેઓ કહેતા : ‘‘જૂના ધર્મોએ કહ્યું : ‘જેને પ્રભુમાં શ્રદ્ધા નથી તે નાસ્તિક છે.’ નવો ધર્મ કહે છે : ‘જેને પોતાની જાતમાં શ્રદ્ધા નથી તે નાસ્તિક છે.’ ’’ તેઓ આગળ કહે છે : ‘તમારા તેંત્રીસે કરોડ પૌરાણિક દેવતાઓમાં તમે શ્રદ્ધા ધરાવો… અને એમ છતાં તમારી જાતમાં કશી શ્રદ્ધા ન ધરાવો તો તમને મુક્તિની પ્રાપ્તિ થઈ શકે નહીં.’ આવી આત્મશ્રદ્ધા આશ્ચર્યો સર્જી શકે છે. બ્હેરી, અંધ બાલિકા હેલન કેલરે આ આત્મશ્રદ્ધા અને અવિરત પ્રયાસોથી ઘણી મોટી સિદ્ધિ મેળવી હતી.

(૨) સ્વાવલંબન : આપણી જાતને શારીરિક, માનસિક અને નૈતિક રીતે દૃઢ બનાવીને આપણે આપણી પોતાની કાર્યક્ષમતા અને શક્તિ પર આધાર રાખવો જોઈએ. આપણે જ આપણા ભાગ્યના વિધાતા છીએ. આપણે આજે જે કંઈ પણ છીએ તે આપણા ભૂતકાળના કાર્યનું પરિણામ છે. આજે આપણે જે કરીએ છીએ તે આપણું ભવિષ્ય ઘડશે. જો આપણે આજે આપણા જીવન માટે જવાબદારીઓનું વહન કરીશું તો આપણા માટે અસીમ શક્યતાઓ એકઠી થશે. દ્રોણાચાર્યે ધનુર્વિદ્યા શીખવવાની ના પાડવા છતાં પોતાની મેળે આ વિદ્યા શીખ્યો અને અર્જુન કરતાં પણ ચડિયાતો ધનુર્ધારી બની શક્યો એવા મહાભારતના કુશળ ધનુર્ધારી એકલવ્યની વાત આપણે સૌ જાણીએ છીએ.

(૩) આત્મજ્ઞાન : જ્યારે આપણે આપણી જાત વિશે સાચું જ્ઞાન પ્રાપ્ત કરીએ ત્યારે આત્મશ્રદ્ધા અને સ્વાવલંબન અટલ શિલા પર સ્થિર થશે. સ્વામી વિવેકાનંદ કહે છે: ‘જો તમારે ભૌતિક જગતમાં મહાન થવું હોય તો માનો કે તમે મહાન છો. હું ભલે એક સાવ નાનો પરપોટો હોઉં, અને તમે ભલે એક પહાડ જેટલું ઊંચું મોજું હો, પણ એટલું જાણજો કે આપણા બંનેનો આધાર છે અનંતસાગર, આપણી શક્તિ અને સામર્થ્યનો ભંડાર છે અનંત બ્રહ્મ; અને હું નાનો પરપોટો અને તમે પહાડ જેટલા ઊંચા તરંગ બંને, આપણે ઇચ્છીએ તેટલું સામર્થ્ય અને શક્તિ એ બ્રહ્મસાગરમાંથી ખેંચી શકીએ છીએ. માટે પ્રથમ તમારી જાતમાં શ્રદ્ધા રાખો.’ તમે માત્ર દેહ નથી, તમે તો અનંત શક્તિના અંશ છો, અંગ છો. આ આત્મજ્ઞાન એ જ સાચું જ્ઞાન છે.

ઘેટાંના ટોળાની વચ્ચે ઉછરેલા અને પોતાની જાતને ઘેટું માનવાની એક સિંહના બચ્ચાની વાર્તા છે. એક દિવસ બીજા સિંહે ઘેટાં જેવા બનેલા સિંહબચ્ચાને તેનું પ્રતિબિંબ પાણીમાં બતાવ્યું. પાણીમાં પડેલા પોતાના પ્રતિબિંબને જોઈને આ ઘેટાં જેવા બનેલા સિંહબચ્ચાને પોતાના મૂળ સ્વરૂપનો ખ્યાલ આવ્યો અને એણે આત્મશ્રદ્ધાથી સિંહગર્જના કરી. આ આત્મજ્ઞાને જ ઘેટાં જેવા બની ગયેલા સિંહબચ્ચાને સાચો સિંહ બનાવી દીધો. આત્મજ્ઞાન આપણા સાચા આધ્યાત્મિક સ્વરૂપનું ભાન કરાવવામાં સહાયક થાય છે. અને આ રીતે આપણી અંદર છુપાયેલા અનંત શક્તિ, અનંત આનંદ અને અનંત પૂર્ણતાના સ્રોતદ્વારને ઉઘાડી દે છે.

(૪) આત્મસંયમ : મનની પ્રક્ષુબ્ધતાઓ દિવ્યતાના પ્રગટીકરણમાં અડચણો ઊભી કરે છે. સ્વામીજી માનતા કે જેમનામાં પૂર્ણ આત્મસંયમ હોય તેને કોઈ બાહ્ય વિષયવસ્તુઓ અસર કરી શકતી નથી. તે કદીયે પોતાની ઇચ્છાઓનો ગુલામ બનતો નથી, તેનું મન મુક્ત બને છે. અનુશાસન અને અવિરત અભ્યાસ દ્વારા ઉત્તેજિત મનને શાંત કરવાની વાત આત્મસંયમમાં આવે છે. આત્મસંયમ આપણને દેહભાનથી પર લઈ જઈને આપણા શાશ્વત સ્વરૂપની ઝાંખી કરાવે છે. આ શાશ્વત સ્વરૂપ આપણી  પવિત્રતા, શક્તિ અને પરમાનંદનો મૂળસ્રોત છે. આપણે આપણા મન અને લાગણીઓને પદ્ધતિસરના અભ્યાસ દ્વારા શિસ્તબદ્ધ અને સંયમિત બનાવી શકીએ છીએ. એમનો ઉચ્ચતર આદર્શ માટે ઉપયોગ કરતાં પણ શીખીએ છીએ. 

(૫) આત્મસમર્પણ : સ્વામી વિવેકાનંદ ઇચ્છતા હતા કે દરેકેદરેકે પોતાના માટે અને બાકીના વિશ્વ માટે વરદાનરૂપ બનવું જોઈએ. તેમણે કહ્યું છે : ‘ફરી એક વાર હું તમને કહું કે તમારે પવિત્ર રહેવું જોઈએ; જે કોઈ તમારી પાસે આવે તેને યથાશક્તિ મદદ કરવી જોઈએ. આ શુભ કર્મ છે. આ શુભ કર્મના પ્રભાવથી ચિત્ત શુદ્ધ થાય છે, અને પછી ભૂતમાત્રમાં વસી રહેલા ભગવાન શિવ પ્રગટ થાય છે.’ આત્મસમર્પણ વિના આંતરવિકાસ શક્ય નથી. આ વિશ્વ કાર્ય અને કારણમાંનું એક છે. કંઈક મેળવવા માટે કંઈક આપવું પડે છે. આ બાહ્ય જગતનો નિયમ છે. પ્રાથમિક શાળાના પ્રથમ દિવસે નવો આવનાર વિદ્યાર્થી ચિંતાતુર અને બેચેન હોય છે. ધીમે ધીમે આપણે આપણો માર્ગ શોધી લઈએ છીએ. આપણે નવી વસ્તુઓ શીખીએ છીએ. આપણે સ્વસ્થ બનીએ છીએ. પરંતુ થોડાકાળમાં જ આપણે આ તબક્કામાંથી પસાર થઈ જઈએ છીએ. આપણા માટે પ્રાથમિક શાળાના વિદ્યાર્થી તરીકેનો દરજ્જો વધુ વિકાસ કરવા છોડવો જરૂરી બને છે. અને તો જ આપણો નવો વિકાસ શક્ય છે. આમ જૂનું છોડી દેવાથી આપણે માધ્યમિક શાળામાં નવો દરજ્જો પામીએ છીએ. આવી જ રીતે તમારા પોતાના આંતરવિકાસ માટે તમારે તમારું પોતાનું કંઈક આપવું પડે છે. તમારા સાથી મિત્રો સાથે તમે એકતા કેળવો અને એમની સેવા કરો. આવી રીતે તમે વિશાળ મનવાળા બનશો. એને લીધે તમારી ભીતર છુપાયેલી અનંતશક્તિ પ્રગટ થશે. આ છે આંતરજગતનો નિયમ. તમારું પોતાનું કંઈક ત્યજી દેવું, આપી દેવું એ આત્મસમર્પણ છે. ટૂંકમાં કહીએ તો કંઈક ઉચ્ચતરકક્ષાનું તત્ત્વ પામવા નિમ્નકક્ષાનું ત્યજવું પડે છે. આત્મસમર્પણ સાચી શાંતિ અને શાશ્વત આનંદ અર્પે છે. તે આપણામાં આત્મશ્રદ્ધા જગાડે છે અને આપણા વ્યક્તિત્વને શક્તિ પ્રદાન કરે છે.

આત્મશ્રદ્ધા, સ્વાવલંબન, આત્મજ્ઞાન, આત્મસંયમ અને આત્મસમર્પણ મળીને પંચશીલ બને છે. આ પાંચેયનું ચિંતનમનન થવું જોઈએ અને એમને આચરણમાં મૂકવાં જોઈએ. 

વ્યક્તિગત ચતુર્વિધ પ્રવૃત્તિની કાર્યરીતિ

જો આપણે ચિત્રકાર તરફ દૃષ્ટિ કરીએ તો આપણા ધ્યાનમાં આટલું આવશે : પહેલાં તો એ વિચારે છે, કલ્પના કરે છે અને પછી તેનું મન જેવું હતું તેવું ચિત્ર રચે છે. પછી ચિત્રકાર કેનવાસ, રંગો અને પીછી લે છે. પછી તેનું રેખાચિત્ર દોરે છે. ધીમે ધીમે પોતાની પીછીના એક એક લસરકે તે ચિત્રની પૂરણી કરે છે. આવી જ રીતે દરેક વિચાર અને કાર્ય સાથે આપણે ટાંકીએ છીએ, ઘાટ આપીએ છીએ અને આપણા ચારિત્ર્યનું ઘડતર કરીએ છીએ.

વ્યક્તિગત ચતુર્વિધ પ્રવૃત્તિની કાર્યરીતિ એટલે કે કાર્ય, જ્ઞાન, પ્રેમભાવ અને ધ્યાનના માધ્યમ દ્વારા આત્મશ્રદ્ધા, સ્વાવલંબન, આત્મજ્ઞાન, આત્મસંયમ, આત્મસમર્પણને આપણા જીવનમાં સાકાર બનાવવાનો માર્ગ ખોલવો.

(૧) કર્મ : સજીવ પ્રાણી મોટા ભાગના સમયમાં કાર્ય અને પ્રવૃત્તિમાં રત રહે છે. આ અનિવાર્ય હકીકતનો પ્રબળ પૂર્ણતા સુધી પહોંચવામાં અને સાકાર કરવામાં ઉપયોગ કરી શકાય છે. 

વિદ્યાર્થી તરીકે આપણે અધ્યયન કરવું પડે છે. એટલે આપણે એકાગ્રતાથી અધ્યયન કરવું જોઈએ અને આપણા અભ્યાસમાં સારું પરિણામ લાવવા બધા પ્રયત્નો કરવા જોઈએ.

ત્રીસ મિનિટનો શારીરિક વ્યાયામ આપણા મનને તરોતાજા અને શરીરને શક્તિશાળી બનાવે છે. આપણે આટલો વ્યાયામ દરરોજ કરવો જોઈએ. આને કારણે તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મન ઊભું થાય છે અને આપણો શારીરિક વિકાસ થાય છે.

સિદ્ધાંત તરીકે દરરોજ આપણે એક નિ:સ્વાર્થ કાર્ય કરવું જોઈએ જેથી આપણે આપણા સાથી મિત્રો સાથે એકતા અનુભવી શકીએ અને આ પ્રક્રિયા દ્વારા આપણી અંતર્નિહિત શક્તિઓનું પ્રગટીકરણ કરીએ છીએ. આટલું યાદ રાખજો કે આનાથી આપણું મન વધુ વિશાળ બનશે અને આપણે આપણી આત્મશ્રદ્ધાની સમૃદ્ધિ કરીશું.

(૨) જ્ઞાન : આપણી જ્ઞાનવૃદ્ધિ આપણી ક્ષિતિજોને વિસ્તૃત કરે છે. જેમ જેમ આપણે આપણા મનનો વધુ ને વધુ ઉપયોગ કરીએ તેમ તેમ આપણું મન વધુ ને વધુ ઉપયોગી બને છે. પાઠ્યપુસ્તકો ઉપરાંત આત્મવિકાસ વિશેનાં પુસ્તકો આપણે સવારસાંજ દૈનંદિન પ્રવૃત્તિની જેમ ઓછામાં ઓછી દસ મિનિટ વાંચવા જોઈએ. પરંતુ આપણે શું વાંચીએ છીએ એની પસંદગી અગત્યની છે. સદ્‌વિચાર અને સત્કાર્યને પ્રેરે તેવાં સારાં પુસ્તકો પસંદ કરો. મહાપુરુષોના જીવન અને સાહિત્ય સાચા જ્ઞાનની પ્રાપ્તિનો મહાન સ્રોત છે.

(૩) પ્રેમભાવ-ભક્તિ : પ્રેમભાવ રાખવો એ કુદરતી છે. જ્યારે આ પ્રેમભાવ કોઈ આપણા પસંદગીના આદર્શ માટે હોય છે ત્યારે આપણું હૃદય ભક્તિભાવથી ભરાઈ જાય છે. આપણા પસંદગીના આદર્શ બુદ્ધ, ઈસુખ્રિસ્ત, અલ્લાહ, રામ, કૃષ્ણ, નાનક, દુર્ગા, ચૈતન્ય કે બીજા કોઈ આપણને ગમતા પવિત્ર વ્યક્તિત્વ હોઈ શકે. આવા ઉચ્ચતમ આદર્શને સ્વીકારીને આપણા સંપૂર્ણ અસ્તિત્વને એના માટે ઓળઘોળ કરી દેવાની, ઓગાળી દેવાની વાત આપણી દિવ્યતાને પ્રગટ કરવામાં આપણને સહાયક નીવડે છે. અલબત્ત, આ માટે સારા એવા મોટા પ્રમાણમાં આચરણ અને શિસ્ત જરૂરી છે. આપણે દિવસમાં ઓછામાં ઓછા બે વખત પાંચ મિનિટ સુધી પ્રેમભક્તિથી પ્રાર્થના કરવી જોઈએ. આપણે બીજાના કલ્યાણ માટે પણ પ્રાર્થના કરવી જોઈએ. 

(૪) ધ્યાન : આપણું મન વાનર જેવું ચંચળ અને હાથી જેવું બળવાન છે. આ મનને એના ગાંડાં અને ખોટાં આકર્ષણોમાંથી વારંવાર પાછું વાળીને આપણા પસંદગીના આદર્શ પર કેન્દ્રિત કરવું જોઈએ અને આપણે આપણા હૃદયમાં એ આદર્શને ભજવો જોઈએ. આના માટે સતત અભ્યાસની જરૂર છે. ઝડપથી વહેતી નદીને નાથવાથી વિદ્યુત ઉત્પન્ન થાય છે. આ વિદ્યુતશક્તિ સેંકડો શહેરો અને ગામડાંઓને પ્રકાશિત કરે છે. આવી જ રીતે મનને નાથવાથી (સંયમમાં રાખવાથી) અને એને એકાગ્ર બનાવવાથી તે અમાપશક્તિ ઉત્પન્ન કરે છે. આપણે પણ આપણા મનને આપણા ભાગ્યનું નિર્માણ કરવા તરફ અને આપણા આદર્શને સાકાર કરવા સુધી વાળી શકીએ છીએ.

અભ્યાસ, ધૈર્ય અને ઉત્કટતા

દરરોજ સારી રીતે અધ્યયન કરવું અને એકાદ નિ:સ્વાર્થ કાર્ય કરવા ઉપરાંત અહીં દર્શાવેલ વ્યક્તિગત ચતુર્વિધ પ્રવૃત્તિની કાર્યરીતિનું અનુસરણ કરવું જોઈએ :

(૧) કાર્ય-વ્યાયામ : સમય ત્રીસ મિનિટ : દરરોજ એકવખત

(૨) જ્ઞાન-આત્મવિકાસ વિશેનું વાંચન : દસ મિનિટ : દરરોજ બે વખત

(૩) પ્રાર્થના : પાંચ મિનિટ : દરરોજ બે વખત

(૪) ધ્યાન : પાંચ મિનિટ : દરરોજ બે વખત

આ રીતે કાર્ય, જ્ઞાન, પ્રેમભાવ અને ધ્યાનની વ્યક્તિગત ચતુર્વિધ પ્રવૃત્તિની કાર્યરીતિનું અનુસરણ કરીને આપણા વ્યક્તિત્વના સુસંવાદી વિકાસની આપણે ખાતરી કરી શકીએ છીએ. પરંતુ આટલું યાદ રાખજો કે આપણે ધૈર્ય અને ઉત્કટતાથી આનો અભ્યાસ કરવો જોઈએ.

કોઈ પણ પ્રવૃત્તિનો અભ્યાસ ટેવનું ઘડતર કરે છે. સ્વામીજીના અભિપ્રાય પ્રમાણે ચારિત્ર્ય એટલે આવી પરંપરિત ટેવોનો સમૂહ. માનવના વ્યક્તિત્વના પરિવર્તનો પર પ્રભાવ પાડવા માટે ધૈર્ય અનિવાર્ય છે. પતંગિયું બનવાનું ઈયળની અંદર રહેલી પ્રાકૃતિક શક્તિમાં સમાયેલું છે. પરંતુ તેને એ માટે રાહ જોવી પડે છે અને જ્યાં સુધી પતંગિયું બનવાનો સમય ન આવે ત્યાં સુધી પોતાની જાતને કોશેટામાં પૂરી દેવી પડે છે. જેમ રોપેલો આંબો થોડા વર્ષો પછી ફળ આપે છે તેવી રીતે વ્યક્તિત્વનું પણ છે. આપણું ઇચ્છેલું પરિણામ-ફળ આવે ત્યાં સુધી ઉત્કટતા કે ખંતની આવશ્યકતા છે. આમ, ધૈર્ય, ઉત્કટતા કે ખંતની સાથે આપણને વ્યક્તિત્વ વિકાસના દીર્ઘ પથ સુધી દોરી જાય છે.

અનુકાર્ય

ઉપર્યુક્ત વ્યક્તિગત પ્રવૃત્તિની કાર્યરીતિ ત્યારે વધારે ઉપયોગી થઈ શકે છે કે જ્યારે સમાન રસવાળા વિદ્યાર્થીઓ એક વ્યક્તિત્વ વિકાસ એકમની રચના કરે. આ એકમમાં કેટલાક વરિષ્ઠ શિક્ષકો તેમને માર્ગદર્શન પણ આપે. આવું એકમ સપ્તાહમાં એક વખત ત્રીસથી ચાલીસ મિનિટ સુધી એકઠું થાય. વ્યક્તિત્વ વિકાસ, પ્રાર્થના અને ધ્યાન વિશેનાં પુસ્તકો અને બીજા સાહિત્યનું સમૂહવાચન અને ઉત્સાહ અને વાતાવરણને ટકાવી રાખવા માટે કેટલીક સેવાપ્રવૃત્તિઓનો કાર્યક્રમ રાખી શકાય. શિક્ષક પણ બીજી કેટલીક પ્રસંગોપાત થતી પ્રવૃત્તિઓ દ્વારા મદદ કરી શકે. વિદ્યાર્થીઓને પણ ફેક્સ કે ઈ-મેઈલ દ્વારા RIMSE/IQF ના સંપર્કમાં રહેવા અમે આવકારીએ છીએ.

Total Views: 324

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.