શ્રુતિ અને સ્મૃતિની ભારતીય વિભાવના

આ પ્રાચીન ઉપનિષદ ગ્રંથોનો તમે અભ્યાસ કરશો ત્યારે, આજના યુગમાં જન્મેલા મહાત્માઓના ચિંતન સાથે તેમનો કેવો સુમેળ બેસે છે એ તમને જોવા મળશે. એ ઐતિહાસિક સાતત્ય છે. પ્રાચીન પ્રબંધના જેવો જ આ નવો પ્રબંધ છે પણ, એ અર્વાચીન પરિસ્થિતિના સંદર્ભમાં છે. ભારતને આ બોધ, વારંવાર આપવામાં આવ્યો છે. સંજોગો બદલાતાં, પ્રાચીન સત્યની નવી માંડણીની જરૂર પડે છે. સત્ય એ જ રહે છે, માત્ર એનો પરિવેશ બદલાય છે. આપણી અતિ પ્રાચીન અને ચાલી આવતી પરંપરામાંથી આપણે એ શીખવાનું છે. બે શબ્દો છે: શ્રુતિ અને સ્મૃતિ. શ્રુતિ એટલે વેદો, ખાસ કરીને એમના ઔપનિષદિક ભાગો એ સનાતન સત્યોનું નિરૂપણ કરે છે. પણ સ્મૃતિ સમકાલીન સામાજિક નિયમો નિરૂપે છે. શ્રુતિ કરતાં સ્મૃતિ ગૌણ છે. ભારતીય પરંપરા આ બાબત પર ભાર મૂકી કહે છે : श्रुति स्‍मृति विरोधे तु श्रुतिरेव गरीयसी, ‘શ્રુતિ અને સ્મૃતિ વચ્ચે સંઘર્ષ થાય ત્યારે, શ્રુતિને આધારભૂત ગણવી.’ શ્રુતિ સનાતન છે. લોકો જેને સનાતન ધર્મ કહે છે તે શ્રુતિને લાગુ પડે છે. મનુષ્યનું સ્વરૂપ, ઈશ્વરનું સ્વરૂપ, આપણને આધ્યાત્મિક સાક્ષાત્કાર થાય છે તે – આ સઘળાં સનાતન સત્યો છે. આ સત્યો આપણને, અમેરિકનોને, હરકોઈને લાગુ પડે છે; એ વૈશ્વિક છે. વૈજ્ઞાનિક સત્યો વૈશ્વિક છે તેમ, શ્રુતિનાં સત્યો પણ વૈશ્વિક છે કારણ, મનુષ્યની ગહનતાના વિજ્ઞાનમાંથી એ જન્મ્યાં છે, એ માનવ શક્યતાઓનું વિજ્ઞાન છે. માટે તો આપણે એને સનાતન ધર્મ કહીએ છીએ. પોતાના ઉપદેશમાં ભગવાન બુદ્ધ અવારનવાર ઉલ્લેખે છે કે एष धर्म: सनातन: – ‘આ ધર્મ સનાતન છે.’ એની સાથે, ઈતિહાસના એક ચોક્કસ યુગ માટે, ચોક્કસ લોક સમુદાય માટે યુગધર્મ આવે છે. એને સ્મૃતિ કહેવાય છે.

સ્મૃતિઓ આવે ને જાય. ભારતમાં કેટલી બધી સ્મૃતિઓ અમલમાં આવી અને કોરાણે મુકાઈ? આપણા રાષ્ટ્રીય લોકશાહી બંધારણની વિરુદ્ધ જતી હોય તો, એ બધી પુરાણી સ્મૃતિઓને અભેરાઈએ ચડાવી દેવાની. સમકાલીન ચિંતન અનુસાર, જૂની સ્મૃતિઓને બદલીને નવી સ્મૃતિ રચવાની હિમ્મત આપણામાં છે. સામાજિક પરિવર્તનનો આ વિચાર ભારતમાં મહાન છે. અને જે સનાતન બોધ છે તેને પરિવર્તિત પરિસ્થિતિ અનુસાર નવો ઘાટ આપવામાં આવે છે. એ માટે મહાન ગુરુઓની આવશ્યકતા રહે છે કારણ, એ પરિવર્તન માટે આવશ્યક આધ્યાત્મિક જ્ઞાન અને સત્તા તેમની પાસે છે. બિશપના કે પોપના દરજ્જાથી કે, કોઈ પરંપરાગત ધર્મસત્તાથી કે પુરોહિત પાસેથી એ સત્તા નથી આવતી. આધ્યાત્મિક સાક્ષાત્કારમાંથી એ આવે છે; આધ્યાત્મિક ગુરુના હૃદયમાંની અનંત કરુણામાંથી એ પ્રગટે છે. નવી સ્મૃતિઓ એ રીતે અસ્તિત્વમાં આવે છે. ભારતે આ આદર્શને બરાબર જાળવી રાખ્યો છે. ને એને પરિણામે, વેદકાળથી આજના યુગ સુધીમાં, ધર્મમાં, સમાજમાં, દેશમાં અનેક પરિવર્તનો આવ્યાં હોવા છતાં, આપણે એ જ રહ્યાં છીએ. આપણે સનાતન છીએ અને છતાંય સદા પરિવર્તનશીલ છીએ. ‘સનાતન ધર્મ’ શબ્દનો સાર એ છે. પ્રોફેસર બ્રીજેન્દ્રનાથ સીલ વિવેકાનંદના કોલેજના સહાધ્યાયી હતા અને પછીથી, મૈસુર યુનિવર્સિટીના ઉપકુલપતિ હતા; એમની મેધા તેજસ્વી હતી. એમણે કહ્યું હતું, ‘ભારત હંમેશાં મોટો થતો જાય છે, કદી વૃદ્ધ થશે નહીં.’ મુકરર સમયે સમયે આવો પ્રબંધ થાય છે માટે એમ બને છે. આ જ ભારત નવા પરિપ્રેક્ષ્યમાં આજે આકારિત થઈ રહ્યું છે, એ એ જ પુરાતન ભારત છે પણ આવશ્યક પરિવર્તનોને એ અનુરૂપ થાય છે. ઘણી સડેલી લાકડફૂટને કાપી નાખી ફેંકી દેવામાં આવે છે. સ્મૃતિમાં પરિવર્તન કરવાની આ હિમ્મત, ને તે પણ શાંતિપૂર્વક, માત્ર હિંદુ વારસો જ છે. બીજા કોઈ ધર્મે આવી હિમ્મત દાખવી નથી. બીજા સૌ ધર્મોમાં સ્મૃતિઓ જ સર્વેસર્વા છે; એમને હાથ લગાડી શકાય જ નહીં; ને કોઈ સુધારક એમાં ફેરફાર કરવા કોશિશ કરે તો, એને ત્રાસ આપવામાં આવે છે ને એનો વધ કરવામાં આવે છે. પણ આપણે કહીએ છીએ; ‘‘કાલગ્રસ્ત થઈ ગયેલી સ્મૃતિને બદલાવો અને, એ આપણને બંધ બેસતી ન થતી હોય તો, નવી રચો.’’ શ્રીરામકૃષ્ણે પોતે કહ્યું છે કે, ‘મોગલાઈ રૂપિયો કંપનીના રાજમાં ન ચાલે.’ અર્થાત્‌, જૂની સ્મૃતિઓનું આજે કશું મૂલ્ય રહ્યું નથી. ઈસ્ટ ઈન્ડિયા કંપનીના – બ્રિટિશ – અમલમાં નવા ચલણની જરૂર હતી અને, ભારતના ગણરાજ્યમાં પણ નવા ચલણની જરૂર છે. કોઈ માણસ વિદેશ ગયો તો, સો વર્ષ પહેલાં એને ન્યાત બહાર મૂકવામાં આવતો હતો. પણ આજે એની કોને પડી છે?

ઘણા ફેરફારો થયા છે ને એમણે આપણા ધર્મને વિશુદ્ધ કર્યો છે તેમ જ આપણા સમાજને સ્વસ્થ્તા આપી છે. પરંતુ, શ્રુતિને, સનાતન સત્યને, મનુષ્યની આધ્યાત્મિક વૃત્તિને અને, સત્યનો સાક્ષાત્કાર કરવાની જીવનયાત્રાને ભૂલશો નહીં. સનાતન ધર્મ એ છે. એની ઉપર ભાર દેવો તે અવતારનું મહાન કૃત્ય છે. કોઈ કેવળ સામાજિક સુધારક આવશે અને, કેટલાક સામાજિક સુધારાઓ ભાર દઈને કરશે. પરંતુ, અવતાર સમાજને જરાય ખલેલ પહોંચાડતો નથી. સમાજમાં એ નવું મૂલ્ય-તંત્ર રજૂ કરે છે; એના વડે શું સારું અને શું નરસું છે તે આપણે જાણી શકીએ છીએ, સુધારાઓ અમલમાં મૂકીએ છીએ અને, શાંતિપૂર્વક આપણે પરિવર્તન પામીએ છીએ. આ મહાન આધ્યાત્મિક પદ્ધતિ સમાજમાં એ મૃદુ, શાંત રીતે કામ કરે છે. એ મહાન વિચાર છે. મહાન ગુરુના આગમન-ગમનની આપણને ખબર પણ નથી પડતી. પરંતુ કોઈ અદ્‌ભુત ઊર્જા પાછળ રહી જાય છે. થોડા દિવસ પહેલાં મારી ઉપર દૂરના બલ્ગેરિયાના સોફિયા શહેરથી પત્ર હતો. મિસ્ટર એલેક્ઝેન્ડર તરફથી આવેલો એ અદ્‌ભુત પત્ર હતો. એમાં લખ્યું હતું; ‘મારાં પત્નીએ અને મેં ‘ધ ગોસ્પેલ ઓફ શ્રીરામકૃષ્ણ’ (શ્રીરામકૃષ્ણ કથામૃત) વાંચ્યું. હું ત્રીસ વર્ષનો છું ને એ ત્રેવીસની છે. એનું નામ તાંથિયા છે અને મારું છે એલેક્ઝેન્ડર. પુસ્તક અદ્‌ભુત છે, પણ રામકૃષ્ણ અને વિવેકાનંદ વિશે અમે કશું વધારે જાણતા નથી. તમે અમને એ વિશે માહિતી આપો એ અમારી માગણી છે. મેં બેંગ્લોરમાં પ્રખ્યાત અભિનેત્રી દેવિકારાણીને લખ્યું હતું. એણે મને હૈદરાબાદના સ્વામીને લખવા જણાવ્યું હતું.’ શ્રીરામકૃષ્ણ વિશે, સ્વામી વિવેકાનંદ વિશે વધારે જાણવા માટે એ ગૃહસ્થ લખે છે. આ પ્રેરણા માટે એ લોકો ખૂબ આતુર છે. એટલે મેં એમને લખ્યું કે, ‘હું તમને થોડાં પુસ્તકો મોકલાવીશ.’, અને પશ્ચિમ બર્લિનમાં કોઈને તેમ કરવા લખ્યું. શ્રીરામકૃષ્ણ જેવા આ મહાન ગુરુઓ તમારા જીવનમાં કશી ધમાલ વિના શાંતિથી પ્રવેશે છે અને, તમારામાં પરિવર્તન થવા લાગે છે. અવતાર આવે છે ત્યારે એમ જ થાય છે. સમાજમાં અવતાર કેવી રીતે પ્રવૃત્તિ કરે છે અને, સમાજમાં ધીમેથી પરિવર્તન કરી લોકોને પોતાના આધ્યાત્મિક વિકાસને માર્ગે કેવી રીતે ચડાવે છે તે શંકરાચાર્યે સમજાવ્યું છે. એ કેવી રીતે? શંકર થોડાક વાક્યોમાં એ સમજાવે છે અને આપણે તેમનો સ્વાધ્યાય કરીએ.

ગીતા પરની શંકરાચાર્યની પ્રસ્તાવનાના આપણા સ્વાધ્યાય દરમિયાન બે મહાન વિચારો આપણી સમક્ષ આવ્યા હતા. એક, લોકોનાં વલણોમાં થતાં પરિવર્તનોને કારણે, સમય વીતતાં, સમાજનું પતન થાય છે. અતિ કામુકતા, ક્રોધ અને એવા બીજા ગુણો પ્રગટ થાય છે અને, સમાજના નૈતિક સંતુલનને ખેરવી નાખે છે. પરિણામે ધર્મની ગ્લાનિ થાય છે અને અધર્મ વેગ પકડે છે, એમ શંકરાચાર્યે કહ્યું છે. પછી અતિ ઇન્દ્રિયલોલુપતાને લઈને તથા, નિરંકુશ તૃષ્ણાઓને લઈને પતન આરંભાય છે, અને પરિણામ એ આવે છે કે વિવેક અને વિજ્ઞાન નાશ પામે છે. શું કરવા યોગ્ય છે ને શું નથી તે જાણવાની શક્તિ તે વિવેક. કશા પ્રત્યે વળગણનો અતિરેક હોય છે ત્યારે આપણી વિવેકબુદ્ધિ ભોગ બને છે. એની સાથોસાથ વિજ્ઞાન – શાણપણ – ડગી જાય છે. પોતાની ઈન્દ્રિયતૃષ્ણાને વશમાં રાખવા મનુષ્ય સમર્થ નથી હોતો ત્યારે, મનને કશોક ધક્કો લાગે છે. કઠોપનિષદે જણાવ્યા પ્રમાણે, રથને ઘસડી જતા ઘોડાઓ, પ્રવાસીને લાચાર બનાવી મૂકે છે તેમ, ઇન્દ્રિયો દોડવા લાગે છે. સમાજને પતનકાળે લોકોની અને સમાજની એ દશા થાય છે. ધર્મનું પતન થાય છે ત્યારે અધર્મ આપોઆપ વૃદ્ધિ પામે છે. નીતિનું પતન થાય એટલે, સમાજમાં અનીતિ જોર કરવાની જ.

માનવ ઉત્ક્રાન્તિને વેગ આપવામાં અવતારનું કાર્ય

ભારતમાં આપણને સૌને દૃઢ વિશ્વાસ છે કે, આવા સંજોગો ઊભા થાય છે ત્યારે, સામાન્ય માનવીની બુદ્ધિ સંતુલનની પુન:સ્થાપના નથી કરી શકતી ત્યારે, પૃથ્વી પર ઈશ્વરી અવતાર પ્રગટે છે અને, એના ઉપદેશ દ્વારા સમાજ નવું સંતુલન પ્રાપ્ત કરે છે, મૂલ્યોની નવી સમજણ મેળવે છે, ધર્મનો અભ્યુદય થાય છે અને અધર્મનું પતન થાય છે. કેવળ આને કારણે જ, અવારનવાર ઊઠતા પ્રશ્નો છતાં, છેલ્લાં ૫,૦૦૦ વર્ષોથી આપણે ટકી રહ્યાં છીએ, બુદ્ધના જન્મ પહેલાં, બુદ્ધિવાદ ઘણો હતો, અર્થહીન સાધુતા હતી અને, વિવિધ પ્રકારના વહેમોમાં અને માનસિક દુર્બળતામાં સામાન્ય સમાજ સબડતો હતો. પછી ઈ.પૂ.ના ૭મા કે ૬ઠ્ઠા સૈકામાં બુદ્ધ આવ્યા. એમણે કોઈ સામાજિક સુધારણાનું આંદોલન ચલાવ્યું ન હતું. માનવ અંતરમાં રહેલી આધ્યાત્મિક પ્રેરણાને એમણે માત્ર જગાડી. પરિણામે, ફરી એકવાર લોકોમાં પ્રામાણિકતા, નિષ્ઠા, અનુકંપા અને સેવાભાવના જાગ્રત થયાં. મનુષ્યની આધ્યાત્મિક જાગ્રતિની આ નિષ્પત્તિ છે. મહાન ગુરુઓની આ કાર્ય પદ્ધતિ છે અને, આવા મહાપુરુષો પાસેથી પ્રેરણા પ્રાપ્ત કરવાને પરિણામે, સુધારાનાં મહાન આંદોલનો જન્મ લે છે. માત્ર ડાળપાંદડાંને નહીં પણ, મૂળને પાણી પાવા જેવું એ છે.

આ મહાપુરુષો કશાં સુધારા આંદોલનોનું મંડાણ કરતા નથી કારણ, સમાજના મૂળભૂત દૂષણ કે મનુષ્યજાતના એવા દૂષણનો કશો ઈલાજ એ આંદોલનો કરતાં નથી. શ્રીરામકૃષ્ણનું જ દૃષ્ટાન્ત લો. એમણે કોઈ સુધારા આંદોલન ઉપાડ્યું ન હતું પણ, એમની પ્રેરણાથી અનેક સુધારા આંદોલનો મંડાશે અને, અનેક સંતો, કલાકારો વ. આવશે, મનુષ્ય સમાજને પાયાની આધ્યાત્મિક પ્રેરણા આપવામાં આવે છે. આપણા દેશમાં અનેક વાર આ બન્યું છે. દેશે પતન જોયું છે પરંતુ, એણે પુનર્જાગ્રતિ, પુનરુત્થાન પણ જોયેલ છે. કોઈ રાષ્ટ્ર લાંબું જીવે ત્યારે, ઘણી વાર આવા ભૌતિક અને માનસિક વ્યાધિઓ આવે છે પરંતુ, રાષ્ટ્ર ફરી યૌવન પ્રાપ્ત કરી લે છે. આ અનુભવ ભારતની લાક્ષણિકતા છે અને, અનેક ઈતિહાસકારોએ એનો ઉલ્લેખ કર્યો છે.

બીજી અનેક સભ્યતાઓ આ જગતમાં જન્મી, થોડીક સદીઓ પોતાનો પાઠ ભજવ્યો ને પછી, પતન શરૂ થયું અને અંતે એ નાશ પામી. એમનો અભ્યાસ આપણે માત્ર ચોપડીઓમાં અને સંગ્રહસ્થાનોમાં કરીએ છીએ ત્યારે, આપણી સભ્યતાને સાતત્ય છે. સમયે સમયે એ તાજી થાય છે, નવું યૌવન પ્રાપ્ત કરે છે, પ્રચંડ શક્તિ પ્રગટ થાય છે અને, પરિસ્થિતિ સુધારવા લાગે છે. નવો યુગ પ્રગટે છે અને, લોકોમાં ઉચ્ચ નૈતિક જાગ્રતિ, માનવીય પ્રેરણા અને સેવાની ભાવના પ્રગટે છે.

એડવર્ડ ગિબન્સ કૃત ‘ધ ડિક્લાઈન એન્ડ ફોલ ઓફ ધ રોમન એમ્પાયર’ આપણે વાંચીએ ત્યારે, એ સામ્રાજ્ય કેટલું શક્તિશાળી હતું તે જાણવા પામીએ છીએ. પૂર્વ ભૂમધ્ય સમુદ્રના દેશો, દક્ષિણ યુરોપ અને ઉત્તર આફ્રિકા, પેલેસ્ટાઈન અને ઈઝરાયેલ સહિત રોમનોની હકૂમત હેઠળ હતા. ધીમે ધીમે પતન આરંભાયું અને એનું સ્વરૂપ કેવું રહ્યું? પ્રજા એ જ હતી, લોકો બુદ્ધિશાળી હતા પણ મોજશોખની વૃત્તિ પ્રબળ થઈ ગઈ અને સખત પરિશ્રમ કરીને, શ્રમ પ્રધાન જીવન એ ચાહતા ન હતા. દરેકને નફો અને મોજમજા જોઈતાં હતાં પણ, સમાજના હિતને માટે પોતાનું યોગદાન આપવા બહુ થોડા ઇચ્છતા. એટલે રોમનો આળસુ બની ગયા; બધી વેઠ ગુલામો કરતા હોય ત્યારે એ પોતે એશઆરામમાં રહેતા. મોજમજા અને સુખસગવડને લઈને, લોકની સૌન્દર્યદૃષ્ટિને ગ્રહણ લાગ્યું; હિંસાની અને મદિરાની મહેફિલોમાં તેઓ મસ્ત રહેવા લાગ્યા. એમનાં એમ્ફિ થિયેટરોમાં ગુલામોને જંગલી જાનવરો જોડે લડાવવામાં આવતા; અને, રાજ્યકર્તાઓ જેવા ઉચ્ચ કક્ષાના લોકોથી માંડી, હજારો લોકો આ લડાઈ જોતા અને, કોઈ સિંહ ગુલામને ફાડી નાખે ત્યારે એને તાળીઓથી વધાવતા. આવી પરિસ્થિતિઓમાં, કલા માણવાની વૃત્તિનું અને માનવીય મૂલ્યોનું પતન જોઈ શકાય છે. એ કાળે રહેતા લોકોને લાગતું ન હતું કે પોતાનું પતન થઈ રહ્યું છે કારણ, પતન ધીમું હતું. સભ્યતા ધીમા વેગે વિકાસ પામે છે અને ધીમા વેગે વિનાશ પામે છે. એક સદી જેટલો સમય વીત્યા પછી કોઈકને ભાન થયું કે સમાજમાં કશુંક અજુગતું થઈ રહ્યું છે. રોમન સામ્રાજ્યમાંના ધર્મની દશા વિશે ગિબન એક ચોટદાર વાક્યમાં લખે છે. રોમન સામ્રાજ્યના બધા ધર્મો અને સંપ્રદાયોને લોકો સમાન સત્ય માણતા, ફિલસૂફો સમાન જૂઠા માનતા અને, ન્યાયાધીશો એમને સમાન ઉપયોગી માનતા! ‘ધ ડિક્લાઈન એન્ડ ફોલ ઓફ ધ રોમન એમ્પાયર’ એ શીર્ષક જ ખૂબ સૂચક છે. લોકો ભ્રષ્ટ જીવન જીવતા હતા. વિદેશી આક્રમકો આવ્યા ત્યારે, સામ્રાજ્યના રક્ષણ માટે યુવાનો લડવા ઇચ્છતા ન હતા. યુદ્ધ માટે તેઓ ભાડૂતી સૈનિકો રાખતા.

આપણને એશઆરામ, મોજમજા જોઈએ છે. નાઈટ ક્લબની મજા છોડીને યુદ્ધ મોરચે જવું ગમતું નથી. સમાજના અગત્યના લોકો પર પતનની અસર થાય છે ત્યારે, આખુંયે માળખું પડી ભાંગે છે. એક જ વિદેશી આક્રમણ અને, સમગ્ર રોમન સમાજ કડડભૂસ થઈ ગયો અને કદી બેઠો થઈ શક્યો નહીં. રોમન સામ્રાજ્યની આ કથા છે. મિસર, બેબિલોનિયા, અસીરિયા – અનેક સામ્રાજ્યો આ સંજોગોમાંથી પસાર થયાં હતાં.

યુરોપ પણ આવા સંજોગોમાંથી પસાર થઈ રહ્યું છે એમ, પ્રથમ વિશ્વયુદ્ધ પછી, અનેક યુરોપીય ચિંતકો વિચારવા લાગ્યા. યુરોપીય સભ્યતા વિશે, આ સદીમાં પહેલું પુસ્તક જર્મન વિદ્વાન અને ફિલસૂફ ઓઝવેલ સ્પેંગ્લરે (૧૮૮૦-૧૯૩૬) લખ્યું. તેનું શીર્ષક હતું, ‘ધ ડિકલાઈન ઓફ ધ વેસ્ટ’. પુસ્તક ઘણું જોરદાર હતું અને એમાં લેખકે કહ્યું છે કે પાશ્ચાત્ય સમાજનું કાર્ય પૂરું થઈ ગયું છે અને એ હવે પતનને પંથે છે. પરંતુ, ફ્રાન્સના હાન્રી માસો જેવા રૂઢિચૂસ્તોને એ સ્વીકાર્ય ન હતું; માસોએ ‘ઈન ડિફેન્સ ઓફ ધ વેસ્ટ’ પુસ્તક લખ્યું છે; એ સૌ માનતા હતા કે એમના દેશો પાસે અનેક સંસ્થાનો હોવાથી એ સૌ ખૂબ શક્તિશાળી હતા. પછી, અનેકગણું ખતરનાક બીજું વિશ્વયુદ્ધ આવ્યું. ને પછી,પોતાની સંસ્કૃતિની ઊણપો વિશે પશ્ચિમમાં ખૂબ ચિંતન થવા લાગ્યું છે. સ્થૂળ ભૌતિકવાદની અતિશયતા, જરૂરતોની વૃદ્ધિ સમાજમાં કશુંક ખૂબ ભૂંડું હોવાનું નિર્દેશે છે. પરિણામે, અર્વાચીન પાશ્ચાત્ય સભ્યતાના પતન વિશે અનેક પુસ્તકો લખાય છે.

Total Views: 90

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.