(કથામૃત ૧/૭/૬-૭ : ૧૪ ડિસેમ્બર, ૧૮૮૨)

જ્ઞાનીની અવસ્થા અને શ્રીરામકૃષ્ણની ઉપમા

વિજયકૃષ્ણ ગોસ્વામી સાથે શ્રીઠાકુરની ભગવચ્ચર્ચા અવિરત ચાલુ છે. વિજયકૃષ્ણ શ્રીઠાકુરને પ્રશ્ન પૂછે છે: ‘મન સપ્તમભૂમિ પર પહોંચે છે ત્યારે મનુષ્યને બ્રહ્મજ્ઞાન થાય છે, ત્યારે એ શું જુએ છે?’ આ પ્રશ્નના ઉત્તરમાં શ્રીઠાકુર કહે છે: ‘ત્યાં પહોંચીને મનનો નાશ થઈ જાય છે, એટલે ત્યાંની જાણ ખબર દેવાવાળું કોઈ રહેતું નથી. સમુદ્ર માપવા ગયેલા મીઠાની પૂતળી જેવી એની અવસ્થા થાય છે. મીઠાની પૂતળી સમુદ્ર માપવા જતાં ઓગળી ગઈ, પૂતળી રહી જ નહિ. જે વ્યક્તિ બ્રહ્મપ્રાપ્તિ કરે છે ત્યારે એનું વ્યક્તિત્વ રહેતું નથી. ઉપનિષદમાં એક ઉદાહરણ આવે છે: 

यथोदंक शुद्धे शुद्धमासिक्तं तादृ्‌गेव भवति ।
एवं मुनेर्विजानत आत्मा भवति गौतम ॥ 

– શુદ્ધ જળરાશિમાં જ્યારે એક શુદ્ધ જળબિંદુ ટપકે છે ત્યારે તે જળબિંદુ પણ એ જળરાશિસમું બની જાય છે; ‘तादृ्‌गेव भवति’ બરાબર એ પ્રકારે થઈ જાય છે. જે જ્ઞાની છે, જે મુનિ છે, મનનશીલ સાધક છે તેના આત્માની અવસ્થા પણ આવી જ થઈ જાય છે. તેનું વ્યક્તિત્વ નિશ્ચિહ્‌ન બની જાય છે. અહીં એક પ્રશ્ન ઊભો થાય કે શું એમાં એનો લોપ થઈ જાય છે? એનો ઉત્તર છે : ‘એમાં એનો લોપ નથી થતો, માત્ર એની ચારે તરફ જે ઘેરો છે, જે દાયરાને બનાવીને તેને પોતાની જાતને અન્યવસ્તુઓથી અલગ બનાવી રાખ્યો હતો, તેના એ ઘેરાનો, તે દાયરાનો નાશ થાય છે. અર્થાત્‌ અત્યાર સુધી જે ક્ષુદ્ર બિંદુ હતું, તે હવે બિંદુરૂપ નથી રહેતું પણ એને બદલે સિંધુરૂપ બની જાય છે. બિંદુના રૂપે એની જે ક્ષુદ્રતા હતી, માત્ર એનો નાશ થાય છે અને તે અસીમ બની જાય છે. શ્રીઠાકુરે એક વધુ દૃષ્ટાંત આપ્યું છે: જળરાશિમાં જો એક લાકડી રાખીએ તો આપણને એવું લાગે કે જાણે પાણીના બે ભાગ થઈ ગયા. પણ વાસ્તવમાં જળ તો જેવું હતું તેવું જ રહે છે, કેવળ લાકડીના રહેવાથી બે ભાગ થયેલા દેખાય છે. એવી જ રીતે ‘હું’ બુદ્ધિ રહેવાથી જ મારું વ્યક્તિત્વ અલગ થઈ ગયું એવું પ્રતીત થાય છે. હવે ‘અહં-લાકડી’ને ઉપાડી લો તો એ એક જળ જ રહેશે. ‘હું’ને હટાવી લો તો ‘હું એક અલગ’ અને ‘તે એક અલગ’ એવા વિભાગ કે વિભાજન રહેશે નહિ. જેમ લાકડી રાખવાથી જળનું જે વિભાજન થાય છે તે સત્ય નથી, એવી જ રીતે ‘હું’રૂપ વસ્તુ પણ સત્તાને યથાર્થરૂપે પૃથક્‌ નથી કરતી; જગતના સમસ્ત તત્ત્વોને વિષય-વિષયીના રૂપે, દૃશ્ય-દૃષ્ટાના રૂપે અલગ નથી કરતી. પરંતુ હા, જળના વિભાજનની જેમ એવું લાગે છે કે ‘હું’ અને ‘મારું’ – દૃષ્ટા અને દૃશ્ય બંને અલગ અલગ વસ્તુઓ છે; પરંતુ વાસ્તવમાં તે ભિન્ન નથી. એટલા માટે શ્રીઠાકુર કહે છે: ‘અહમ્‌ જ આ લાકડી છે, લાકડીને ઉપાડી લો, તે એક જ જળ બની રહેશે.’

હવે આ પ્રશ્ન ઊભો થાય છે કે જો આ ‘અહમ્‌’ જ બધા વિનાશનું મૂળ છે તો પછી જે માર્ગે ચાલીને આ ‘અહમ્‌’નો નાશ થાય એ જ સારું છે. ભક્તિયોગમાં જો ‘અહમ્‌’ રહી જાય તો જ્ઞાનમાર્ગ જ સારો છે. એનાથી અજ્ઞાન દૂર થાય છે અને ‘અહમ્‌’નો નાશ થાય છે. વિજયકૃષ્ણ ગોસ્વામી ઠાકુરને આ જ પ્રશ્ન પૂછે છે. તેના ઉત્તરમાં ઠાકુર કહે છે : ક્વચિત્‌ એકાદ-બે માણસોનો જ્ઞાનયોગ દ્વારા ‘અહમ્‌’ જાય ખરો, પરંતુ મોટેભાગે જાય નહિ. હજાર જ્ઞાન-વિચાર કરો, પણ ‘અહમ્‌’ ફરી ફરીને પાછો હાજર. આ પીપળના વૃક્ષને કાપવા જેવું છે. ‘… ઝાડ આજે કાપી નાખો પણ કાલે વળી સવારમાં જુઓ તો પૂંખડું નીકળ્યું જ છે.’

આપણે વિચારીએ છીએ : આ જગત મિથ્યા છે, હું પણ એ જગત અંતર્ગત જ છું, આ ‘હું-મારું’ અહંકાર પણ એ મિથ્યાનું જ કાર્ય છે. એનું વાસ્તવમાં કોઈ અસ્તિત્વ જ નથી. એટલે આપણને જે જણાય છે કે આ સત્ય છે, તે આપણી ભ્રમણાભરી ધારણાનું કારણ હોય છે. આ રીતે આપણે મનને સમજાવીએ છીએ. પરંતુ આપણે હજારો વિચાર કરીએ પણ કોઈ પણ રીતે આ ‘અહમ્‌’ જાતો નથી. મોટા મોટા પંડિતો અને દાર્શનિકોના પાંડિત્ય અને એમના વિચારોની વચ્ચે પણ આ ‘અહમ્‌’ પોતાનો રંગ – પોતાની ચમકદમક બતાવતો રહે છે. પ્રયત્ન કરવા છતાં પણ આ અહંકાર જતો નથી. ઠાકુર કહે છે: દૈવયોગે કોઈનો અહંકાર દૂર પણ થઈ શકે છે. પરંતુ સાધારણ વ્યક્તિ માટે આવી રીતે વળી ‘અહમ્‌’માંથી નિવૃત્ત થવું અત્યંત કઠિન છે. એટલા માટે તેઓ કહે છે: ‘જો આ ‘હું’ જવાનો નથી તો રહે એ દુષ્ટ ‘દાસ હું’ બનીને!… હું દાસ છું, હું ભક્ત છું – આ પ્રકારના ‘હું’માં દોષ નથી.’

ભક્તનો ‘દાસ હું’

આ ‘ભક્ત હું’, ‘દાસ હું’ માનવને સંસારમાં બાંધી દેતો નથી. અહંકારને દોષપૂર્ણ શા માટે માને છે? એટલા માટે કે તે બંધનમાં નાખે છે. પરંતુ જે અહંકાર સંસારના બંધનમાં નાખતો નથી એમાં કયો દોષ છે? એટલા માટે ‘હું દાસ’, ‘હું ભક્ત’, ‘હું એમનું-પ્રભુનું સંતાન’ – એવા ‘હું’માં કોઈ દોષ નથી. આ વાત શા માટે કહો છો? એટલા માટે કે જ્ઞાનયોગ દ્વારા ‘અહમ્‌’ને સંપૂર્ણપણે નિર્મૂળ કરી નાખવાનું ભલે સત્ય હોય પણ જ્ઞાનયોગનું અનુશીલન કરતાં કરતાં આટલે દૂર સુધી અગ્રસર થવું – આગળ વધવું કેટલા લોકો માટે સંભવ છે, ભલા? દેહાત્મબુદ્ધિ દૂર થયા વિના આ જ્ઞાનમાં પ્રતિષ્ઠિત થઈ શકાતું નથી. દેહાત્મબુદ્ધિ એટલે આ દેહને જ ‘હું’ સમજવો. આબાલવૃદ્ધ, મૂર્ખથી માંડીને પંડિત સુધી બધા આ દેહને જ ‘હું’ સમજે છે. એટલા માટે ઠાકુર કહે છે : કાંટો અને તેના લાગવાની બળતરા નથી એમ ભલે હું ગમે તેટલું કહું પણ જ્યારે કાંટો હાથમાં લાગે છે ત્યારે દુ:ખનો ઉંહકારો નીકળી જાય છે. સાધારણ મનુષ્યની તો શું વાત કરવી, તોતાપુરી જેવા ઉચ્ચકક્ષાના અધિકારીનું મન પણ દેહ માટે નીચે ઉતરી ગયું હતું. આ દેહાત્મબુદ્ધિનો પ્રભાવ આટલે સુધી વ્યાપેલો છે. હવે પ્રશ્ન ઊભો થાય છે કે જો જ્ઞાનીની પણ આ જ દશા છે તો સામાન્ય મનુષ્યો શું કરે? એને માટે એવો કોઈ ઉપાય યોજવો ઉચિત છે કે જેનાથી આ ‘બદજાત હું’ અર્થાત્‌ જે ‘હું’ બંધનની સૃષ્ટિ રચે છે અને તે ‘હું’ના હાથથી મુક્ત થઈને ‘શુદ્ધ હું’ બની શકે. આ ‘શુદ્ધ હું’ના રહેવાથી કોઈ દોષ આવતો નથી. એટલે એનો નાશ કરવા માટે કોઈ ઉત્કટ સાધનાની જરૂર નથી. અને જો જરૂર હોય તો તે આપણી ક્ષમતાની બહારની વાત છે. એટલા માટે જ ઠાકુર કહે છે : ‘કળિયુગમાં પ્રાણ અન્નગત છે; દેહાત્મબુદ્ધિ, અહમ્‌ બુદ્ધિ જાતી નથી. એટલે કળિયુગ માટે ભક્તિયોગ છે.’ કળિયુગમાં મનુષ્યનું મન દેહમાં જકડાયેલું રહે છે.

કળિયુગમાં ભક્તિયોગ

ઉપનિષદોના યુગની આપણે ‘સત્યયુગ’ના રૂપે કલ્પના કરીએ છીએ. પરંતુ એ સમયે પણ ઉપનિષદોએ કહ્યું હતું : ‘पराज्चि खानि व्युतृणत्‌ स्‍वयम्भूस्‍तस्‍मात्‌ पराङ्‌ पश्यति नान्तरात्‍मन्‌- ઇન્દ્રિયોને બહિર્મુખ બનાવીને ભગવાને જાણે કે જીવનું મહાન અનિષ્ટ કર્યું છે એટલે જ તો તે કેવળ બાહ્ય વસ્તુઓ જ જુએ છે, અંતરાત્માને જોતો નથી. આ વાત ઉપનિષદ યુગની છે એટલે આ બધા કાળોમાં, બધા મનુષ્યો માટે સનાતન સત્ય છે. કળિયુગનો પ્રભાવ શું કેવળ વર્તમાનમાં જ રહેલો છે? આ તો ચિરકાળથી રહેતું આવ્યું છે; કારણ કે જે ‘દેહાત્મબુદ્ધિ’ને કળિયુગની વિશિષ્ટતા કહેવાય છે, તેના ‘દેહાત્મબુદ્ધિ’ પ્રભાવથી મનુષ્ય સત્ય, ત્રેતા, દ્વાપર આવા કોઈ પણ યુગમાં મુક્ત નથી. આ યુગમાં જ આપણે ફરીથી એવા મનુષ્યો જોવા મળશે, જેમને આપણે સત્ય, ત્રેતા અથવા દ્વાપરના મનુષ્યો કહી શકીએ. તો પછી સત્યયુગમાં પણ કળિયુગ જેવી આસુરી પ્રકૃતિના લોકો જોવા મળે છે. એટલા માટે યુગનું બરાબર આ રીતે વિભાજન કરી ન શકાય. આપણે કળિયુગને માથે ગમે તેટલા દોષ લાદીએ પણ ભાગવતમાં એક સ્થળે આવે છે: ‘कृतादिषु महाराज कलाविच्छन्ति संभूतिम्‌ । કૃત એટલે સત્યયુગ’ – તો સત્યયુગના લોકો પણ આ કળિયુગમાં જન્મ લેવાની ઇચ્છા કરે છે. એ એમ વિચારે છે કે જો આપણે કળિયુગમાં જન્મ લીધો હોત તો આટલી બધી કઠિન સાધનાની જરૂર ન રહેત. અનાયાસે જ ભક્તિમાર્ગનું અવલંબન લઈને સિદ્ધિ પ્રાપ્ત કરી લેત. તાત્પર્ય એ છે કે બધા યુગોમાં મનુષ્યોની વચ્ચે ઊંચનીચકી મનોવૃત્તિ રહે છે… આમ વચ્ચે રહીને પણ ઉદ્ધારપ્રાપ્તિનો ઉપાય છે અને સાધારણ મનુષ્ય માટે તે ઉપાય છે ભક્તિયોગ. કોઈ પણ યુગ ભલેને હોય પણ જો સહજલભ્ય ભક્તિયોગનું અવલંબન કરીને આગળ વધીએ તો પછી જ્ઞાનયોગની શી જરૂર છે? આટલી કઠોરતા અને જેમાં હજાર વર્ષ સુધી એક એક યજ્ઞ કરવો પડે છે એવા કર્મકાંડના આટલા બધા આડંબરનું પણ શું પ્રયોજન છે? પુરાણ વગેરેમાં આવે છે કે અમુક વ્યક્તિએ દસ હજાર વર્ષ તપશ્ચર્યા કરી. આપણે લોકો ૧૦૦ વર્ષ પણ જીવી શકતા નથી તો પછી એ બધાનો વિચાર કરવાથી આપણને શું લાભ?

પણ એનો અર્થ એ નથી કે જ્ઞાનયોગ કોઈ ઉપાય નથી. જ્ઞાનયોગ ઉપાય તો છે પરંતુ એ ઉપાયના અનુસરણની ક્ષમતા આપણામાંથી કેટલા લોકોમાં છે? ગણ્યાગાઠ્યા લોકોમાં એ ક્ષમતા ભલે હોય પણ બાકીના બીજા લોકો માટે તો એ ઉપાય – જ્ઞાનયોગનો ઉપાય એમની પહોંચની બહારની વાત છે. એટલા માટે આપણા માટે તો એ જ ઉપાય શ્રેષ્ઠ છે જે ઉપાય આપણને અનુકૂળ હોય અથવા આપણા સામર્થ્યની અંદરની વાત હોય. એટલા માટે એવું ન કહી શકાય કે આ યોગ શ્રેષ્ઠ છે અને તે નિકૃષ્ટ છે. જેને માટે જે ઉપાય ઉપયોગી છે એને માટે એ જ શ્રેષ્ઠ છે. બજારમાં અનેક પ્રકારની અસરકારક અને કિંમતી દવાઓ હોય છે, પરંતુ એ બધીમાંથી કોઈ પણ એક દવા ખાઈ લેવાથી શું રોગ દૂર થઈ જાય છે? રોગને દૂર કરવા માટે આપણા માટે જે ઔષધ ઉપયોગી છે તેને જ સ્વીકારવી જોઈએ.

ભાગવત : જ્ઞાન, ભક્તિ અને કર્મ

શ્રીમદ્‌ ભાગવતમાં ત્રણ યોગની વાત કહી છે: ભક્તિયોગ, જ્ઞાનયોગ અને કર્મયોગ. જે વિષયો પ્રતિ અત્યંત વૈરાગ્યભાવ છે, જેનામાં કોઈ કામના નથી, જે સમસ્ત કર્મોનો ત્યાગ કરી ચૂક્યો છે – નિ:શંદેહ અહીં ‘કર્મ’ કહેવાનું તાત્પર્ય છે – સકામ કર્મ; ‘આ કર્મ કરીને આ ફળ મેળવીશ.’ આને કહેવાય છે ‘સકામ કર્મ’. તો જેમણે આ સકામ કર્મનો ત્યાગ કર્યો છે, એવા લોકો માટે જ્ઞાનયોગનું વિધાન છે. અને જે લોકોના મનમાં કામવાસના પ્રબળ છે એમને માટે છે કર્મયોગ. કામના પ્રબળ હોવાને લીધે તે બધા પહેલાં તો કામનાયુક્ત બનીને શાસ્ત્રીય કર્મ કરશે. આ રીતે કર્મ કરતાં કરતાં તેઓ ધીમે ધીમે ઉચ્ચતર અવસ્થામાં પહોંચશે. એટલા માટે સકામ કર્મથી જ એમની સાધના શરૂ થશે. અને જે લોકો ન તો અતિશય વિષયવિરાગી હોય અને ન અતિભોગપરાયણ, અર્થાત્‌ જેમાં એવી કોઈ તીવ્ર કામના નથી જે એમને ભગવાન પ્રત્યે આગળ વધવા ન દેતી હોય. જેમનામાં આટલો તીવ્ર વૈરાગ્ય પણ નથી કે જેને લીધે મન વિષયની તરફ તરત જાય નહિ, તેવા લોકો માટે છે ભક્તિયોગ. એકને માટે જે પથ્ય છે તે બીજાને માટે વિષ જેવું ત્યાજ્ય છે; એટલા માટે ભક્તિયોગી જ્ઞાનયોગથી ડરે છે અને જ્ઞાનયોગી ભક્તિયોગની ઉપેક્ષા કરે છે. વળી ભક્તિયોગી અને જ્ઞાનયોગી બંને કર્મયોગીની ઘૃણા કરે છે, પરંતુ આ બધા મનુષ્ય માટે પ્રગતિના પથ છે; એટલે એમાંથી કોઈ પણ ઉપેક્ષા કે ઘૃણાની વસ્તુ નથી. જે જ્યાં છે ત્યાંથી જ એણે એક ડગલું આગળ વધવું પડશે. શું એક છલાંગ મારીને છત પર ચઢી શકાય ખરું? પગથિયે પગથિયે થઈને દાદરા પરથી ચડવું પડશે અને ત્યારે છત પર ચડવું સંભવ બનશે. હવે જો હું આ દાદરા કે પગથિયાને તિરસ્કૃત સમજીને પસંદ ન કરું કારણ કે તે બધા નીચે તરફ જાય છે. તો તો મારા માટે ઉપર ચડવું ક્યારેય સંભવિત બનવાનું નથી. વ્યાકુળ બનીને નિષ્ઠાપૂર્વક આપણે પોતપોતાને માર્ગે આગળ વધવું પડશે. જ્યાં સુધી આપણામાં પોતાની મેળે પોતાના રસ્તા પર ચાલવાની તીવ્ર વ્યાકુળતા નથી હોતી ત્યાં સુધી આપણે બીજાના માર્ગની નિંદા કરતાં કરતાં એમને તુચ્છ સમજીએ છીએ. તીવ્ર વ્યાકુળતા સાથે એકનિષ્ઠ બનીને જે પોતાને માર્ગે આગળ જઈ રહ્યો છે એને માટે શું બીજા લોકોના રસ્તા પર નજર નાખવાનું કે એની આલોચના કરવાનું શક્ય કે સંભવિત છે ખરું?

એટલા માટે પોતાના હૃદયને ઢંઢોળીને મારે જોવું પડશે કે હું કયા પથનો અધિકારી છું. જો હું તીવ્ર વૈરાગ્યવાન હોઉં તો તો જ્ઞાનયોગ તરફ દૃષ્ટિ કરી શકું છું. અને જો હું તીવ્ર વૈરાગ્યવાળો ન હોઉં તો મારા માટે જ્ઞાનયોગનું અનુસરણ કરવાનો પ્રયત્ન એક એવી વિપત્તિને જન્મ આપશે કે જે મને મારા સાધનાપથ પર આગળ વધવા નહિ દે.

એના પછી ઠાકુર કહે છે : જે ભક્તલોકો ‘હું ભક્ત’, ‘હું દાસ’ એવો ‘હું’ રાખે છે, તે ‘હું’માં દોષ નથી, કારણ કે તે ‘હું’ માનવને એવા કોઈ બંધનમાં નાખતો નથી કે જે સહજસરળ રીતે ન છૂટે. જ્ઞાની પોતાના અહમ્‌ને મિથ્યા કહીને તેનો પરિહાર કરે છે અને ભક્ત ભગવાનનું ચિંતન કરતાં કરતાં એવો બની જાય છે કે ત્યારે એની ક્ષુદ્રતા, તેની અપૂર્ણતા નિર્મૂળ થઈ જાય છે.

ભક્તનો જ્ઞાન લાભ અને શ્રીરામકૃષ્ણની ઉપમા

એના પછી વિજયકૃષ્ણ ગોસ્વામી પ્રશ્ન પૂછે છે : આ ‘ભક્ત હું’ કે ‘દાસ હું’ના કામ ક્રોધાદિ કેવી રીતે રહે છે? તેના જવાબમાં ઠાકુર કહે છે : એમનામાં કામક્રોધાદિનું અસ્તિત્વ તો રહે છે પણ એ એમને વિચલિત કરી શકતા નથી. જો દોરડું બળી જાય તો તે દોરડા જેવું જ દેખાય છે પરંતુ એનાથી દોરડાનું કોઈ કામ થતું નથી, એનાથી કંઈ બાંધી શકાતું નથી. હવે પહેલાં તો આ ‘દાસ હું’ કે ‘ભક્ત હું’ના ભાવનું પોતાના પર આરોપણ કરવું પડે છે. ભગવાનને તો જાણ્યા-ઓળખ્યા નથી એટલે હું ‘એમનો દાસ’ છું, ‘એમનો ભક્ત’ છું, એવી કલ્પના કરીને એ ભાવ જગાડવાનો પ્રયત્ન કરવો પડે છે. આ રીતે વિચારતાં વિચારતાં જ્યારે આ ભાવ પ્રાપ્ત-સિદ્ધ થાય છે ત્યારે ભક્ત ભગવાનનો સાક્ષાત્કાર કરે છે. ભગવાન સર્વશક્તિમાન છે. તેઓ ધારે તો ભક્તને બ્રહ્મજ્ઞાન પણ આપી શકે છે. એટલા માટે ભક્તોની ઇચ્છા હોય તો તેઓ ભગવાન પાસેથી બ્રહ્મજ્ઞાન પણ પ્રાપ્ત કરી શકે છે. અત: બ્રહ્મજ્ઞાન પર કેવળ જ્ઞાનયોગીઓનો જ એકાધિકાર છે એવી કોઈ વાત નથી. ભક્તિયોગ દ્વારા પણ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. ઠાકુર ઉદાહરણ આપતા કહે છે: જેવી રીતે ઘરનો જૂનો નોકર તે માલિકથી હંમેશાં દૂર દૂર રહે છે પણ માલિક જો કોઈક દિવસ સ્વેચ્છાએ એનો હાથ પકડીને પોતાની પાસે બેસાડે તો શું તે દૂર બેસી શકે ખરો? ત્યારે તો એણે માલિકની સાથે બેસવું જ પડશે. પણ વાત એ છે કે સાધારણ ભક્ત બ્રહ્મજ્ઞાન ઇચ્છતો નથી. જેમ કે રામપ્રસાદ કહે છે – ‘હું ખાંડ થવા ઇચ્છતો નથી. મા, મને ખાંડ ખાવી બહુ ગમે છે.’ તે પોતાની જાતને ભગવાનથી અલગ રાખીને પ્રભુના ઉપાસ્યરૂપમાં અથવા શાંત, દાસ્ય, સખ્ય, વાત્સલ્ય, મધુર – આ ભાવમાંથી કોઈ એક ભાવે તેમનું આસ્વાદન કરવા ઇચ્છે છે. આ છે ભક્તની અભિરુચિ. જે સર્વશક્તિમાન છે, જે સર્વકંઈ આપી શકે છે તેવા પ્રભુ શું ભક્તને બ્રહ્મજ્ઞાન નહિ આપી શકે? પરંતુ ભક્ત જ એ ચાહતો નથી. તે તો અનંતકાળ સુધી તેમનું આસ્વાદન કરવા ઇચ્છે છે, આ એની પ્રવૃત્તિ છે. એમાં કોઈ દોષ આવતો નથી; દોષ તો ત્યારે આવે કે જ્યારે ભક્ત એમ વિચારે કે જે જ્ઞાની છે તે એકદમ નીરસ છે, શુષ્ક છે, કારણ કે તે નથી સમજી શકતો કે પોતે જે રસનું આસ્વાદન કરી રહ્યો છે બીજા લોકો પણ અન્ય રીતે એમનું આસ્વાદન કરી શકે છે. આ એકાંગી ભાવ જ્ઞાનીઓનો પણ હોય છે અને ભક્તોનો પણ હોય છે. એટલે સુધી કે તોતાપુરી જેવા જ્ઞાનીએ પણ ઠાકુરની તાળીઓ પાડી પાડીને ભગવન્નામસ્મરણ કરવાની રીતને ‘શું આ રોટલા ઠોકે છે?’ કહીને એમનો ઉપહાસ કર્યો હતો.

ઠાકુરની વિશેષ શિક્ષા

એટલા માટે ઠાકુરની આ વિશેષ શિક્ષા છે કે પોતપોતાના ભાવ પ્રત્યે એકનિષ્ઠ રહો, સાથે ને સાથે બીજાના ભાવને શ્રદ્ધાની નજરે નિહાળો. પરસ્પર એકબીજા પ્રત્યે શ્રદ્ધા રાખો, બીજાના ભાવ પ્રત્યે સહાનુભૂતિસંપન્ન રહો, પરંતુ પોતાના ભાવમાં દૃઢનિષ્ઠા રાખીને ચાલો. આ વિશિષ્ટ શિક્ષા જ ઠાકુરની વિશિષ્ટતા છે. આ ભાવ આજના યુગ માટે વિશેષ ઉપયોગી છે અને આ જ શ્રીરામકૃષ્ણનું યુગાવતારત્વ.

Total Views: 113

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.